‘દ્રૌપદી’ નવલકથામાં સ્વયંને શોધવા નીકળેલી નારીની પીડાનો ચિત્કાર
આધુનિક ગુજરાતી સાહિત્યમાં કાજલ ઓઝા વૈદ્યનું નામ આદરભાવ સાથે લેવાય છે. કાજલ ઓઝા વૈદ્ય એટલે આધુનિક ગુજરાતી સાહિત્યના બોલ્ડ અને સત્ય કહેવા માટે પોતાની કલમનો ઉપયોગ કરનારા લેખિકા.
તેમની રચનાઓમાં આધુનિક જીવનમાં જીવાતી-ધબકાર પામતી- વલોવતી-સતત પ્રયાસ કરતી જિંદગીઓની ભાત રચાય છે. તેઓની નવલકથા,નાટક, કવિતા, નિબંધ, પત્રો, ઓડીયોબુકમાં આધુનિકતાની સંવેદનાઓ ભારોભાર ઝીલતી રહી છે. આ રણકો મોટાભાગે
તેઓ સ્વાનુભવો થકી આલેખતા રહ્યાં છે. તેમાં પણ તેઓએ નારીની સંવેદનાઓને પોતીકી ગણી છે, જેથી નારી ચેતના અને વ્યથા-કથાને સુપેરે આલેખ્યા છે. ‘બાર’ પ્રકરણોમાં રચાયેલી ‘દ્રૌપદી’ નવલકથામાં આમ તો મહાભારતની એટલે કે પુરાણકાળની દ્રૌપદીને કેન્દ્રસ્થ પાત્ર તરીકે નિરૂપવામાં આવ્યું છે. પરંતુ સમગ્ર નવલકથા
‘હું’ ના આલેખન દ્વારા ચાલે છે. આ ‘હું’ કહેતી નારી એટલે માત્ર મહાભારતની દ્રૌપદીની કથા નહીં, પરંતુ કોઈપણ યુગમાં જન્મ લેનારી નારીની કથા- કે જે સ્વયંને શોધવા નીકળે છે. અને ત્યારે જે પીડા એ જીવે છે તેની ખુદના મુખે રજૂ કરતી છતાં સમાજ સુધી નહીં
પહોચી શકતી આંતરિક પીડાની ચિત્કારની કથા છે. નવલકથાનું મુખ્ય પાત્ર દ્રૌપદી આપણી પ્રાચીન અને ભવ્ય ભારતીય સંસ્કૃતિનું એક ભવ્ય અને જાજરમાન પાત્ર ગણવામાં આવે છે. કહો કે સતી તરીકે એની પૂજા કરવામાં આવે છે. પણ એક નારી તરીકે પુરાણકાળથી
આધુનિક કાળ સુધી એક સામાન્ય નારીની જે વેદના છે કે જેને કોઈ કાળ સમજી નથી શક્યું તેની કથા દ્રૌપદી બનીને આવે છે. આમ લેખિકાએ પુરાણની દ્રૌપદીના પાત્રલેખન દ્વારા પ્રત્યેક કાળની-પ્રત્યેક નારીને જાણે કે પુરાણોના પાનાંઓમાંથી જગાડીને સદીઓથી
એમની આંખો પર છવાઈ ગયેલાં ઊંઘના આવરણ હટાવીને કશુંક વિશિષ્ટ કહેવાનો પ્રયાસ કર્યો છે. માટે જ સમગ્ર નવલકથા ‘હું’ ના આધારથી ચાલે છે. ખુદ લેખિકા પણ કહે છે કે- “આ કથા કહેવાનું એકમાત્ર કારણ એ છે કે જેને ક્યારેય મહત્વ નથી અપાયું ‘દ્રૌપદી’ નવલકથામાં સ્વયંને શોધવા નીકળેલી નારીની પીડા મુખ્ય આલેખન પામે છે. દ્રૌપદીનો એક જ પ્રશ્ન સમસ્ત નારીની પીડાને સમજવા માટે પૂરતો છે. દ્રૌપદી રાજ્યસભાની વચ્ચે દુર્યોધન અને સમસ્ત કુળને કહે છે કે- ‘મારાં પતિ પહેલાં મને હાર્યા હતાં કે પોતાની જાતને?’ (પૃષ્ઠ-૧૦૪) નારીની આનાથી કરુણ પીડા બીજી કઈ હોઈ શકે? શું નારીનું કોઈ જ અસ્તિત્વ નથી? સદૈવ બીજા માટે અને બીજા એને પૂછ્યા વિના હારતી મૂકી દે ત્યારે સ્ત્રી તરીકેના એના અસ્તિત્વનું શું?
આ અસ્તિત્વમાં હણાવાની પીડાને હર દ્રૌપદી હજુપણ શોધી રહી છે. અરે એટલું પૂરતું ના હોય તેમ ઊલટાનું તે નારી છે ગણી ને જુઓ કેવું અપમાન થાય છે. કર્ણ જેવો વીર પુરુષ ‘વેશ્યા’ શબ્દનો ઉપયોગ કરે ત્યારે નારીના અસ્તિત્વ પર થતા સીધા પ્રહારની
સણસણતી પીડાને નારી વલોપાત પણ ના કરી શકે તેવા નિયમોનું શું? ત્યારે થાય નારીને પોતાના સતીત્વ અને અસ્તિત્વ સંબંધી ઈચ્છા વ્યક્ત કરવાનો કોઈ જ અધિકાર નહીં? એ દ્રૌપદી બનીને જો પોતાના અસ્તિત્વને શોધવા નીકળે છે ત્યારે પીડાથી હણાતા રહેવું પડે છે.
જુઓ સતત પતિની સેવા કરનારી નારીની વાચાને મૂક બનાવાય ત્યારે એના અસ્તિત્વ પર થતાં ઘામાંથી નીકળતી- ઊઠતી લાલ લાગણીઓની કોઈ કીંમત કેમ નહીં એ દ્રૌપદી જણાવવા માંગે છે. અને પીડાની પરાકાષ્ઠા એટલી છે કે આખરે એ એના અસ્તિત્વને દબાવી દઈને
જીવતી રહે છે. અને જો નારી બનીને તે વાચા બને છે તો ‘મહાભારત’ સર્જાય છે. અને દોષી પણ નારીને જ ગણવામાં આવે છે. હજુપણ દ્રૌપદીની આ અસ્તિત્વના શોધની પીડાને સમજણ નથી મળી એટલે જ એ કહે છે કે- “પ્રશ્ન પૂછ્યા વિના સમજવું એ મારી પ્રકૃત્તિ નથી. સ્વીકારી લેવું એ મારાં સ્વભાવમાં નથી.” (પૃષ્ઠ-૨૩) સ્ત્રીનું જ્ઞાન, બુદ્ધિ, આવડત, સમજણ અને રૂપ ક્યારેય કોઈપણ સમાજે સ્વીકાર્યા નથી એ પીડા આખરે દ્રૌપદી બનીને એના અસ્તિત્વમાં જીવાયા કરે છે. એટલે જ દ્રૌપદીના મુખે આ પીડા ઊભરી આવે છે- “પુરુષ જાતે સુખી નથી થઇ શકતો. એને સુખ માટે બીજાની આવશ્યકતા પડે છે. પુરુષ કરતાં વધુ સ્વાવલંબી સ્ત્રી છે. પુરુષ એના પર આધારિત છે- ભોજન, કપડાં, સુખ, ઉત્તરાધિકારી વગેરે..” (પૃષ્ઠ-૮૩) બધું જ સમજીને જીવતી નારીને પોતાના અસ્તિત્વ પર સીધો પ્રહાર થાય ત્યારે પણ પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી એ પીડા એવી છે કે જો એ પ્રશ્ન પૂછે તો દ્યુષ્ટદ્યુમન ની જેમ એટલું જ કહેવામાં આવે છે કે – “શા માટે પ્રશ્ન પૂછે છે? આટલાં પર્શ્નો? ચૂપચાપ જીવવાનું શીખી જા, આ જ રીતે પ્રશ્નો કાર્ય કરીશ તો પતિગૃહમાં સન્માન નહિ સચવાય.” (પૃષ્ઠ-૨૦)
ત્યારે અસ્તિત્વને શોધી રહેલી દ્રૌપદી પ્રશ્ન પૂછે છે કે– “ શું પ્રશ્ન પૂછવાથી માનહાનિ થાય? પ્રશ્ન પૂછવાથી તો જ્ઞાન મળે, જવાબ મળે. મારાં પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર મેળવવા હું સ્વયં સાથે યુદ્ધ કરતી. મારું સ્ત્રીત્વ અને મારું સ્વત્વ મને એ સમાધાન
સુધી પહોંચવા જ નહોતું દેતું.” (પૃષ્ઠ-૨૦) આજે પણ દ્રૌપદીના-સ્ત્રીના પ્રશ્નો અધૂરાં જ છે.. એની સમજદારીને લીધે તે ઊલટાનું ‘અપ્રિય’ બની રહી છે. એની બુદ્ધિપ્રતિભાને લીધે તેને ‘અહંકારી’ ગણવામાં આવી રહી છે. એની
જ્ઞાન પિપાસાએ એને ‘એકલી’ બનાવી મૂકી છે. દ્રૌપદીની અસ્તિત્વની પીડાનો સહુથી મોટો ચિત્કાર તો એના મુખે જયારે દરેક નારી આ જણાવે છે કે – “હું તો માત્ર સાધન હતી.” (પૃષ્ઠ-૪૧) ત્યારે અનુભવાય છે. સદાય એને આટલું જ ખપે કે - “ શયનખંડમાં રંભા,
ભોજનખંડમાં માતા, રાજ્યસભામાં મંત્રી, ગૃહકાર્યમાં દાસી.” અને ત્યારે પાછો એનું અસ્તિત્વ ચિત્કાર પાડીને કહે કે-
“ જો હું. અદભૂત છું તો મારે, શા માટે કોઈના ચરણોમાં સમર્પિત જ થવાનું? શું પુરુષને સમર્પિત થઈને જ સ્ત્રીનું જીવન યથાર્થ થાય છે?” (પૃષ્ઠ-૪૪) દ્રૌપદી એના અસ્તિત્વના ચૂરેચૂરા કરાયા છે છતાં મક્કમ છે મનની શક્તિમાં. એનું સ્વાભિમાન એને એટલે જ કહેવડાવે છે કે- “ મને સહાનુભૂતિ શબ્દ ગમતો નથી. દયા શબ્દ મારામાં ધૃણા જન્માવે છે. મારે કરુણા નથી જોઈતી. મારે ન્યાય જોઈએ છે. મારે મારો અધિકાર જોઈએ છે. અને આ મેળવવા ‘હું’ ઝઝૂમીશ.” (પૃષ્ઠ-૩૫) દરેક સમયની નારીમાં આ જ પીડા દબાયેલી છે. દરેક દ્રૌપદીને જુઓ એ હારતી નથી. એ એકલી છે - કોઈનો સાથ નથી છતાં એ સંઘર્ષ કરે છે. પોતાના અસ્તિત્વને બચાવવાનો- અસ્તિત્વને
સાચવવાનો. અને તે સંઘર્ષ સ્વની અંદર કરે છે- સ્વની સાથે કરે છે. દ્રૌપદી આજે પણ એકલી છે- અસ્તિત્વને અને એની પીડાને એણે જ સાચવી લેવાના છે એ કથા દ્રૌપદી કહી રહી છે. દ્રૌપદી બીજાને હવે પ્રશ્નો નથી પૂછતી એમ નહીં, પણ એ પ્રશ્નો હવે પોતાના
અસ્તિત્વને પૂછતી થઈ ગઈ છે, અને એટલે જ એ સ્વ સાથે સમાધાન સાધતી થઈ ગઈ છે. એની અંદર તો અસ્તિત્વના છેદાવાનો ચિત્કાર છે જ પણ એ જાણે છે કે મારાં ઉત્તર હવે મારે શોધવાના છે. અને તોપણ ફરી એના પ્રશ્નો- બુદ્ધિ- સમજણ- સાથે પ્રહારો થાય છે
અને ફરી દ્રૌપદી આટલું કહે છે કે- “મારે ચિત્કાર કરવો હતો. મારી અસહાયતા પ્રગટ કરવી હતી. શું એમને નહીં સમજાતું હોય કે મારે માટે સ્નેહ અને સંપત્તિ કરતાં પણ વધુ મહત્વ સન્માનનું છે.” (પૃષ્ઠ-૬૬)
આ ચિત્કાર જ પ્રત્યેક દ્રૌપદી પોતાના અસ્તિત્વમાં જીવી રહી છે એની આ કથા છે. સમાજે આપેલાં બેવડા ધોરણો વચ્ચે પોતાના અસ્તિત્વને શોધી રહી છે ત્યારે તે સાવ એકલી બની જાય છે.
અને સામે છેડે એની બુદ્ધિ- એના પ્રશ્નો એના દુશ્મનો વધારતી જાય છે તે દ્રૌપદીની પીડા છે. પોતાના અસ્તિત્વના સંઘર્ષ માટે આખરે એને છિન્નભિન્ન થતાં રહેવું પડે છે-કારણ એને પહેલાં અન્ય માટે જીવવાનું છે. એટેલે જ દ્રૌપદી કહે છે કે- “પીડા અને પ્રતાડનમાંથી પસાર થયા પછી મળનારું સન્માન ફરી ફરીને એ જ પીડાનું સ્મરણ કરાવે છે. જુઓ મારાં પતિના દુર્ભાગ્યનો દંડ મને આપવામાં આવ્યો... એક વાર નહીં
વારંવાર! મનોરંજન બનાવીને ઘેર ઘેર મારી વાતો કરવામાં આવી.” (પૃષ્ઠ-૩૫) દ્રૌપદીના અસ્તિત્વના શોધના ઉત્તર બીજું કોઈ આપી જ નહિ શકે એણે દ્રૌપદી બનીને શોધવાના-પામવાના એની આ કથા છે. દ્રૌપદી એના વાલોવાયેલ અસ્તિત્વની પીડા છતાં પ્રેમ, સેવા, ત્યાગ, બલિદાન, નમ્રતા વગેરે લાગણીઓ વહાવવામાં પાછી નથી પડી. પણ એ એની પીડાને કેમ ભૂલે? એટલે જ એટલા ઊંડા ચિત્કાર સાથે કહે છે કે- “ મારું અસ્તિત્વ કોઈ ઉત્સવનું પ્રતીક નથી. હું એક વિદ્વંષ છું. છતાંય મને સતી કહીને મારી પૂજા કરવામાં આવી, પરંતુ આ સતીત્વ પામવા માટે મેં શું સહ્યું છે એ કોણ જાણે છે? સ્ત્રી અબળા નથી. પોતાના સ્વમાનનું રક્ષણ સ્વયં કરી શકવાને શક્તિમાન છે.
પરંતુ પુરુષના અહંકારને સહેજ પણ આંચ ન આવે તે માટે એણે સદૈવ પુરુષની પાછળ રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ” (પૃષ્ઠ-૩૪) દ્રૌપદી સદૈવ દ્યુતમાં જીતાયેલી હોય છે છતાં એ સ્ત્રી રહે છે એ પીડા એને જંપવા દેતી નથી. અને સમગ્ર નવલકથા આરંભથી લઈને અંત સુધી દ્રૌપદી પોતાના અસ્તિત્વને શોધતી રહે છે અને પીડા પામતી રહે છે તેને સુપેરે રજૂ કરે છે. પણ એની પીડા એટલી છે કે એ આખરે કહે છે કે- “એક સ્ત્રી તરીકે જેમ હું સર્જન કરી શકું છું તેમજ દુષ્ટનો વિદ્વંશ મારો અધિકાર છે, મારું ઉત્તરદાયિત્વ પણ છે. માતા તરીકે મારે માનવમાત્રને સુકૃત્યો તરફ દોરવા જોઈએ. સ્ત્રી તરીકે માનવમાત્રને દુષ્કૃત્યોનો દંડ આપવો જોઈએ.” (પૃષ્ઠ-૧૨૪)
સમગ્ર નવલકથામાં દ્રૌપદી ‘હું’ પ્રતીક બને છે. કારણ આ એક જ દ્રૌપદી નથી, હર યુગની એ દ્રૌપદી છે. એ દરેકની પીડા એક જ છે સ્ત્રી તરીકેના પોતાના અસ્તિત્વની શોધ. માટે જ લેખિકા
ખુદ કહે છે કે- “ સ્ત્રીઓ એકબીજા સાથે પીડાથી જોડાયેલી રહે છે. એકબીજાની પીડાને સમજવા માટે બહુ લાંબી બુદ્ધિની જરૂર નથી પડતી કદાચ. સ્ત્રી હોવું જ પૂરતું થઇ પડતું હશે? એક સ્ત્રી બીજી સ્ત્રીની ઈર્ષા કરે એમ બની શકે, પરંતું એક સ્ત્રી સાથે બીજી સ્ત્રીની
પીડાની અવગણના કરી શકતી નથી. આનું કારણ કદાચ એવું હશે જે સ્ત્રીમાત્રને પીડા સાથે સંબંધ હોય છે. આજે જે પીડા બીજી સ્ત્રી ભોગવી રહી છે એ કદાચ પોતે ભોગવી હશે અથવા ભોગવવી પડશે એવા ભય સાથે જીવતી હોય છે, એટલે જ એકમેકની સાથે જોડયેલા
રહેવું એ સ્ત્રીઓનો ગુણ છે. એકબીજાની પીડાને શબ્દમાં કહીને એકબીજા સાથે સેતુ એટલે જ એ સાધતી રહે છે.” (પૃષ્ઠ-૭૫-૭૬ )
આમ ‘દ્રૌપદી’ નવલકથામાં સ્વયંને શોધવા નીકળેલી નારીની પીડાનો ચિત્કાર બખૂબી આલેખન પામ્યો છે. દ્રૌપદીના પ્રત્યેક શબ્દોમાં પીડા નિતરતી શૈલી આપણને ચિંતન કરતાં કરી જ મૂકે છે કે આપણે હવે દ્રૌપદીને તેના અસ્તિત્વને શોધવામાં મદદરૂપ થવું જ પડશે. ભાષા પ્રભુત્વ અને ઘટના આલેખન એટલું રસિક અને ઉચ્ચ કોટીના છે કે આપણે દ્રૌપદી બનીને બોલવા લાગીએ છીએ...
સંદર્ભ પુસ્તક: ***************************************************
ડૉ.જેનીફર એ. ક્રિશ્ચિયન |
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |