logo

જયંત ખત્રીની પ્રતીકાત્મક વાર્તા ‘માટીનો ઘડો’



     “ચંદ્રકાન્ત બક્ષી પૂર્વે નગરજીવનનો; તેના વાતાવરણનો, સંઘર્ષપૂર્ણ જીવનવ્યવહારનો અને તેની વરવી વાસ્તવિકતાઓનો; માનવસંબંધોની બદલાતી રૂખનો હૂબહૂ ચિતાર આપતી અને એ રીતે આધુનિક વલણ પ્રગટ કરતી વાર્તાઓ જયંત ખત્રીએ આપી છે. એ હકીકતનું ઐતિહાસિક સંદર્ભમાં પણ મહત્ત્વ છે. બારીક નિરીક્ષણો, વર્ણનની ઇબારત,ઉર્દૂ શબ્દપ્રયોગો, ભાષામાં વૈયાકરણી દોષો અને પુનરુક્તિઓ, આ મુદ્દાઓ ધ્યાનમાં લેતાં પણ બક્ષી પર ખત્રીનો પ્રભાવ વરતાઈ આવશે. આ બાબતનું પણ ઐતિહાસિક મહત્ત્વ છે.”1

       ઉપરનો સંદર્ભ એ વાતની પૃષ્ટિ કરે છે કે ‘જયંત ખત્રી’ ગાંધીયુગના અંતિમ તબક્કાના મહત્ત્વના વાર્તાકાર છે. વાર્તાકાર જયંત ખત્રીએ આધુનિક યુગના આરંભ પૂર્વે આધુનિક વલણ પ્રગટ કરતી વાર્તાઓ આપી છે. કચ્છ પ્રદેશને બળવંતર રીતે આલેખનાર, પ્રતીક યોજના, ભાષા, પરિવેશ, તથા જૈવ આવેગોનું નિરૂપણ, તળના-ગરીબ લોકોનું યથાર્થ આલેખન તથા તબીબી-મરીઝોની આલમ વગેરેને નિષ્ઠાપૂર્વક આલેખનાર આ સર્જક કેવળ ‘વાર્તાકાર’ તરીકે જ વધુ પોખાયા છે. અન્ય સ્વરૂપોમાં તેમનું ખેડાણ છે પરંતુ તે કેવળ સમયની જરૂરીયાત અનુસાર કે કોઇની માગણીને કારણે. ભાવકો તેમને ઓળખે છે ‘ટૂંકી વાર્તાના લેખક’ તરીકે જ.

       ટૂંકી વાર્તાના લેખન પાછળ તે મિત્ર બકુલેશની પ્રેરણા અને વાર્તાકાર મોપાસાંનો પ્રભાવ નિમિત્તભૂત માને છે. દાક્તર તરીકેના અનુભવો, મુંબઇનો સંઘર્ષ, નીચલા સ્તરના લોકો પ્રત્યેની નિસબત તથા કચ્છ પ્રદેશ પોતાના શ્વાસમાં હોવાને કારણે તેમને જે કાંઇ લખ્યું તે અનુભવ જગતમાં જે કશુંક બન્યું તેનો વાર્તાકળામાં વિનિયોગ કર્યો. વાર્તાક્ષેત્રે ‘ફોરાં’, ‘વહેતાં ઝરણાં’, ‘ખરા બપોર’ જેવા ત્રણ સંગ્રહો ઉપરાંત થોડીક અપ્રગટ-અગ્રંથસ્થ- અપૂર્ણ વાર્તાઓ (કુલ- એકતાળીસ વાર્તાઓ) આપી છે. તેમની ‘લોહીનું ટીપું’, ‘ખીચડી’, અને ‘તેજ ગતિ અને ધ્વનિ’ જેવી વાર્તાઓ જુદી જુદી દૃષ્ટિએ પોખાઈ છે. અહીં મારે એમની ‘માટીનો ઘડો’ નામની ‘વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ’ નામના સંપાદકમાં સ્થાન પામેલ પ્રતીકાત્મક વાર્તા વિશે વાત કરવી છે.

        વાર્તાનો આરંભ બીજલ રણમાં પચીસ વર્ષ પહેલાંની ઘટના યાદ કરે છે. જે ઘટના તેને બેચન કરી મૂકે છે. બીજલની પત્ની રતની તેને વારંવાર યાદ કરીને દુ:ખી ન થવાનું કહે છે. રોટલા ઘડતી રતનીને રોટલા ઘડવામાં પાણી ઓછું પડે છે. ને પાણી લેવા પોતાની પુત્રી રાણલને સામેના તંબૂમાં મોકલે છે, ત્યાંથી થાય છે.

       રાણલ તંબૂમાં પ્રવેશે છે ને તંબૂના વાતાવરણથી તે ચકિત થઈ જાય છે. તંબૂની નીરવ શાંતિ, ત્યાંના કાપડના દરવાજા, ટેબલ, ટિપાઈ, કબાટ વગેરે રાચરચીલું, ચાંદીની ફ્રેમમાં રાણીનો ફોટો તથા ચિત્રવિચિત્ર પ્રકાશ-તિમિર, ઠંડો પવન વગેરે વિગતોનો પરિવેશ રચવામાં લેખકે સૂજપૂર્વક ઉપયોગ કર્યો છે

       તંબૂમાં રાણલનો ભેટો સાહેબ સાથે થાય છે. રાણલ અને સાહેબ વચ્ચેના સંવાદો તથા તેમના વચ્ચેની એકલતા તેમને ભેગા કરવામાં કારણભૂત બને છે. સાહેબનું અનિમિષ રાણલને જોવું, તેમાંથી એક નિશ્ચિત સરતો અર્થ રાણલ પામી જાય છે. તો તંબૂ વિશે, રાણીના ફોટા વિશે તથા બેચેન સાહેબના થતો કોમળ સ્પર્શ ઘણું સૂચવી દે છે. તે સમયના સંવાદો જુઓ-

       “ ‘રાણી છે?’
       સાહેબે ડોકું ધૂણાવી હ કહી અને પોતાનાં ધ્રૂજતાં અંગો લઈ એ ખાટલે બેસવા જતાં હતા ત્યાં રાણલ એમની આડી ફરી.
       ‘જરા થોભો.’એણે કહ્યું.
       અને જેમાં વિનંતિનો બધો મહિમા એકઠો થયો હોય એવો કાળજીભર્યો ઊર્મિશીલ સ્પર્શ એણે સાહેબને ખભે કર્યો.
       ‘આટલા બેચેન છો તો એ વાત મને નહિ કહો?
       હું...હું...’
       સાહેબ ખાટલા પર ફસડાઈ પડયા. બે હાથ વચ્ચે માથું પકડી એ નીચે જોઈ રહ્યા...”2

        રાણલનો મૃદુ સ્પર્શ, તંબૂનું વાતાવરણ, મંદ પવન, રાણલનો સાહેબ પ્રત્યેનો પ્રતિભાવ આ બધા કારણોને લીધે બંનેય વચ્ચે
       સંબંધો બંધાય છે. લેખક તે પ્રસંગને આ રીતે મૂક્યો છે-

       “ ‘મને છોડો, સાહેબ, મને છોડો... હું રાણી નથી ... ઓ સાહેબ... મારા સા...!’

        સાહેબને ખભે ઘસાતું એક હળવું રુદન તંબૂના અસીમ અંધકારમાં ઓગળી ગયું. અંતરે આવતાં ડૂસકાં એવા જ અંધકારની લીસી
        સપાટી પર લપસતાં સંભળાયાં. ઉપરાઉપરી લેવાતાં ઊંડા શ્વાસ અને છેવટની એક લાંબી આહને અંતે, કોઈકની યાદમાં અમર
        રહેવા સર્જાયેલી અભંગ ચુપકીદીની કેટલીક પળો ઉપસ્થિત થઈ   
        તિમિરના ઉપવસ્ત્ર નીચે હવા હાંફી રહી.” 3

       રાણી ન હોવાથી બેચેન રહેતા સાહેબ તથા ભલા, ભોળા-માયાળું સાહેબ રાણલને ગમી જાય છે. તે સાહેબ પાસે રહેવા માગે છે. પરંતુ સાહેબ જલદી પાણી લાવી આપ્યા બાદ જતાં રહેવા જણાવે છે. એક સમયે સંબંધો માટે ‘ના’ પાડતી રાણલ પછી જવા માગતી નથી. ઘળીક પહેલા જોયેલી બેચેની ન ભૂલતી રાણલ ‘હું તો સાહેબ, હવે તમારી સાથે જ રહીશ!’4 જેવા શબ્દોમાં સાહેબ પ્રત્યેનો પ્રેમ છતો થાય છે. સાહેબ-રાણલના સંવાદોમાં રાણલ જે ચીસ પાડે છે. તેનાથી દૂર રહેલા તંબૂમાંથી બીજલ-રતની દોડી આવે છે. બીજલ ઘટના વિશે પૂછતા રાણલ માત્ર એટલું જ જણાવે છે કે ‘મા મારે એમની સાથે રહેવું છે’5 બીજલ સમજી જાય છે કે શું બન્યું છે. ‘તારી છોકરી નાદાન છે.’ જેવું બોલતા સાહેબને ડાંગ મારીને બીજલ મારી નાખે છે અને પોતે સમગ્ર પરિવાર ઊંટ પર લઈને ત્યાંથી ચાલ્યો જાય છે. થોડેક દૂર રસ્તામાં રાણલને તે તંબૂ, સાહેબ, રાણીનો ફોટો અને સાહેબ સાથેના સંબંધ યાદ આવે છે. પોતે પાણી લેવા ગયેલી તે ઘડો તો ત્યાં જ ભૂલીને આવી છે, તેવું જણાવે છે. તે અંત જુઓ-

       “ ‘મા !’ રાણલના સંબોધનમાં લાગણીઓ રુદન કરી ગઈ. ‘પાણીનો ઘડો હું તંબૂમાં ભૂલી આવી’
        ‘ભલે રહ્યો ત્યાં જ’,બીજલ વચ્ચે બોલી ઊઠયો! ‘કાચી માટીનો હતો!’
        ‘પણ બાપુ’, રાણલ એને ખભે માથું ઢળી ગઈ અને ગળે હાથ ભેરવતાં બોલી, ‘એના પર ચીતરામણ સરસ હતું- એ ઘડો મને
        ગમતો’તો !’”
6

       ‘ઘડો’ એ ‘સાહેબ’નું પ્રતીક છે. કાચી માટીનો સરસ ચીતરામણવાળો ઘડો ને સરસ-ભલા-ભોળા અને માયાળું લગતા સાહેબ, આ બંનેયને રાણલ છોડીને આવે છે. તે અર્થમાં ‘માટીનો ઘડો’ શીર્ષક સાર્થક છે.

       ‘માટીનો ઘડો’ તંબૂમાં છોડીને આવે છે. અને એ જ તંબૂમાં તેનું ચારિત્ર્યનું હણન પણ થાય છે. ‘ઘડો’ ગમે છે ને ‘સાહેબ’ પણ ગમે છે. તેમાં સામ્યતા છે. આ સિવાય વાર્તામાં પ્રતીકો અન્ય પણ જોવા મળે છે કે ‘સાપની કાંચડી, વીંછીનું તંબૂમાં પ્રવેશવું વગેરે.

       વાર્તાના આરંભમાં બીજલને જે કથા બેચેન કરી મૂકે છે તે પણ કોઈ સ્ત્રી-કુમારિકાના બળાત્કારનો ભોગ બને છે. તેનું આક્રંદને તે ભૂલી શકતો નથી. સતત તેને યાદ આવે છે અને વાર્તાના અંતે તે જ ઘટના પોતાની પુત્રી- રાણલ સાથે બને છે. એટલે જ કંઈ પણ કહ્યા વિના બીજલને રાણલ અને સાહેબના સંબંધને સમજી જાય છે. આ સમજવા પાછળ પહેલાની કથા-ઘટના તેના માનસમાં પડી છે ને તેનું અનુસંધાનથી બીજલને કેવળ રાણલ, સાહેબ સાથે રહેવાનું જણાવે છે તે શબ્દો સાંભળ્યા પછી બોલે છે કે- “એમ?’ દાંત ભીંસીને બીજલ સાહેબ તરફ ફર્યો. ‘ત્યારે આટલી વારમાં આટલું બધું બની ગયું?’7 જેવા શબ્દોમાં ‘એમ ?’ શબ્દ એ ખૂબજ સૂચક રીતે પ્રયોજ્યો છે. પોતે તરત જ સાહેબને ડાંગ મારી દે છે. તેમાં સમય લાગતો નથી આ સમગ્ર ઘટનાનો તંતુ આરંભની ઘટના સાથે છે. માટે તે તરત સમજી જાય છે. આરંભની બેચેની અંતે ફરી બેચેન કરી મૂકી છે.

       વાર્તામાં સાહેબ- રાણલ વચ્ચે જે સંબંધ બંધાય છે. તેની પાછળ બે-ત્રણ બાબતો મહત્ત્વની છે. જેમકે પહેલીવાર તે સાહેબ પાસે ગયેલી છતાં રાણલ સાહેબને સ્પર્શ છે. સાહેબની જે યાદો ઢબૂરાઈ ગઈ છે તે ચાંદીના ફ્રેમમાં રહેલા રાણીના ફોટા વિશે પૂછીને, સાહેબની બેચેનીનું કારણ જાણવાની ઉત્સુકતા. વગેરે પૂછીને યાદોને જાગૃતિ કરે છે. તો બીજી બાજુ રાણલ પણ સાહેબનું વર્તન સમજે છે. સાહેબ કોઈકની યાદમાં ખોવાઈ જવાની તમન્ના સેવતા, જીવનની ધન્ય ક્ષણોને રાણલ સમજી લે છે. સાહેબ અનિમેષ જોઈ રહે છે તે પણ ઘણુંય વ્યક્ત કરી દે છે. અને અંતે તેમની વચ્ચે (સાહેબ- રાણલ) સંબંધ બંધાય છે. ત્યારબાદ રાણલ સાહેબ પાસે રહેવાનું વિચારે છે. અહીં સાહેબ કેવળ હવસખોર નથી. તે કેવળ ઉપયોગ કરવા માટે જ આ પગલું ભરતો નથી. પરંતુ તે એકલતા અને લાગણીનો વલોવાટ છે. આ સંબંધને સાહેબને આનાકાની સાથે રાણલ પણ સ્વીકારે છે. પાણી લેવા આવેલી રાણલ જે કિંમત ચૂકવે છે. તે પાણી માટેની નથી. પરંતુ એકાન્ત, વય અને પરિસ્થિતિનો ભોગ બને છે. ‘પાણી’ ત્યાં પ્રતીકાત્મક અર્થ લે છે. પરંતુ અંતે સાહેબ પાણી આપે છે તે ઘડો-પાણી તો તંબૂમાં જ રહી જાય છે. ત્યાં સુધી ‘ઘડા’નો સંદર્ભ-અર્થ સરતો નથી. તેનો ખરો અર્થ અંતમાં સરે છે. કાચી માટીનો ઘડો હોવા છતાં રાણલ કહે છે કે ‘પણ બાપું’, ‘એના પર ચીતરામણ સરસ હતું-એ ઘડો મને ગમતો’તો !’8 જેવા શબ્દો દ્રારા શીર્ષક સાર્થક બને છે.

       ‘માટીનો ઘડો’ વાર્તાની મધ્યે પોતાની ઇજ્જત, કૌમારનું, ચરિત્રયનું પ્રતીક ‘ઘડો’ બને છે. જયારે અંતે તે ‘ઘડો’ ‘સાહેબ’નું –તેના પ્રેમનું પ્રતીક બને છે. અહીં ઘડો કાચી માટીનો છે એવું કહે છે તે, એ અર્થમાં પણ ચારિત્ર્યનું પ્રતીક છે કે તે ખૂબ જ નાજુક હોય છે. કાચી માટીના જેવું, જેને સાચવવું પડે છે અને તે રાણલ સાચવી શકી નથી. આ પ્રતીક યોજના વિશે ધીરેન્દ્ર મહેતા નોંધે છે કે – ‘અહીં પ્રશ્ન તો રહે જ છે કે આમાં માટીનો ઘડો શાનું પ્રતીક બને છે? આ પ્રશ્નનો સહજ સ્વીકાર્ય ઉત્તર મળે એમ નથી. એને રાણલ સાથે સંબંધ છે એટલે, અને રાણલ એને તંબૂમાં લઈ ગઈ તેમજ રાણલ એને તંબૂમાં ભૂલીને આવ્યાનું કહે છે. એ પરથી એમ સમજાય છે કે એ રાણલના કૌમારનું પ્રતીક છે પરંતુ બીજલના ઉત્તર પરથી અને એના અનુસંધાનમાં રાણલની અંતિમ ઉક્તિ પરથી એમ લાગે છે કે એ સાહેબનું પ્રતીક બનવા જાય છે.”9

       વાર્તામાં પ્રયોજાયેલી પ્રતીકાત્મક ભાષા વાર્તાને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાં જોવા મળતા પ્રાકૃત્તિક પ્રતીકો, શૃંગારના તથા જૈવ સંબંધોના પ્રતીકો, વગેરે ધ્યાનપાત્ર છે જેમકે –

-‘… સૂર્ય અસ્તાચળે પહોંચે ત્યારે પશ્ચિમની ક્ષિતિજે એક એકલી વાદળી દેખાય, સંધ્યાના રંગ એને સુશોભિત કરી જાય અને સૂર્ય પણ એની પાછળ હોંશથી લપાય. પણ અંતે તો રાત્રિનાં આંધરાં એના દેહનો ગ્રાસ કરે!... ત્યારે આ એક એકલી વાદળીનું શું થયું એની કોઈકને ખબર ના રહે, કોઈ દરકાર પણ ન કરે.’10

-‘છેક નીચે... સાગરનો અભિસાર લઈ એક સરિતા ચાલી જતી હતી. નાનામોટા પથ્થરો પર કુદકા લેતું એક ઝરણું સરિતા તરફ દોડી રહ્યું હતું. ઝૂલતાં વૃક્ષોને બાથ ભીડવા હવા દોડી રહી હતી! ઝૂકી આવેલી, ખભે અડતી ડાળીઓ કેસૂડાનાં લાલ ઝૂમખાં... ધરતીને અડોઅડ થતા મેઘ... એક હદયને અડીને થડકતું બીજું હદય... આનંદની વેદના અને વેદનાની આહ!’11

-‘તિમિરના ઉપવસ્ત્ર નીચે હવા હાંફી રહી.’12

       ઉપરના ગદ્યખંડોમાંથી પ્રાકૃત્તિક પ્રતીકો, શુંગારના પ્રતીકો, જાતિય સંબંધના પ્રતીકોનો વિનિયોગ સુચારું થયેલો જોવા મળે છે. ખત્રીની વાર્તાઓનું આ જમા પાસું છે. આ ઉપરાંત ‘લોહીનું ટીપું’, ‘ખીચડી’, ‘તેજ ગતિ અને ધ્વનિ’, ‘ધાડ’ જેવી વાર્તાઓમાં પરિવેશનું પ્રતીકાત્મક આલેખન પણ એક જમા પાસું છે. કચ્છના પરિવેશને આટલા બળવંતર રીતે હજુય કોઈ વાર્તાકાર આલેખી શક્યો નથી, તેવું ચોક્કસ કહી શકાય.

       ગાંધીયુગના જયંતિ દલાલ અને જયંત ખત્રી અંતિમ તબક્કાના પ્રયોગશીલ વાર્તાકારો તરીકે નામના પામ્યા છે. તેમાં ભાષા, પ્રયોગશીલતા, ટેકનીક , પરિવેશનું જીવંત આલેખન તથા કંઈક નવું કરવાની નેમ થી ખત્રી જુદા તારી આવે છે. આ બધામાં તેમની પ્રતીકાત્મકતાને લીધે તે વધુ પોખાયા છે. તેમની ‘ધાડ’, ‘નાગ’, ‘તેજ ગતિ અને ધ્વનિ’, ‘ખીચડી’, ‘લોહીનું ટીપું’ જેવી વાર્તાઓ એકથી વધુ વખત ‘જયંત ખત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ’માં સ્થાન પામી છે. પરંતુ ‘માટીનો ઘડો’ની પ્રતીકાત્મકતા, પરિવેશ, વસ્તુ, ભાષા વગેરેને લીધે જુદી-નોખી હોવા છતાં, ‘જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ’ (સં. ધીરેન્દ્ર મહેતા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર.આ.-2000), ‘જયંત ખત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ’ (સં. ચંદ્રકાન્ત ટોપીવાળા, આદર્શ પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. 1994) વગેરે સંપાદન-સંપાદકોના વિસ્તારમાં(યાદીમાં) કેમ ન આવી? તે પ્રશ્ન અકબંધ છે.

સંદર્ભ :

  1. લેખ- જયંત ખત્રીનું વાર્તાસર્જન, પુસ્તક- ‘જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ’ સં. ધીરેન્દ્ર મહેતા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર.આ.-2000, પૃ.-10
  2. વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ, સં. મોહન પરમાર અને અન્ય, પ્રકાશક-આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. મુંબઈ, અમદાવાદ, સંવર્ધિત આવૃત્તિ- ફેબ્રુઆરી-2012, પૃ.119
  3. એજન, પૃ.-120
  4. એજન, પૃ.-121
  5. એજન, પૃ.-121
  6. એજન, પૃ. 213
  7. એજન, પૃ.122
  8. એજન, પૃ.-123
  9. જયંત ખત્રી, લેખક- ધીરેન્દ્ર મહેતા, સં. રમણલાલ જોશી, ગુજરાત ગ્રંથકાર શ્રેણી:3, પ્રકાશક- ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ત્રીજી સંવર્ધિત આવૃત્તિ- ઑક્ટોબર-2000, પૃ. 61
  10. વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ, સં. મોહન પરમાર અને અન્ય, પ્રકાશક-આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. મુંબઈ,અમદાવાદ, સંવર્ધિત આવૃત્તિ- ફેબ્રુઆરી-2012, પૃ. 113
  11. એજન, પૃ.- 119
  12. એજન, પૃ.-120
  13. લેખ- જયંત ખત્રીનું વાર્તાસર્જન, પુસ્તક- ‘જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ’ સં. ધીરેન્દ્ર મહેતા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર.આ.-2000
  14. વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ, સં. મોહન પરમાર અને અન્ય, પ્રકાશક-આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. મુંબઈ,અમદાવાદ, સંવર્ધિત આવૃત્તિ- ફેબ્રુઆરી-2012
  15. જયંત ખત્રી, લેખક- ધીરેન્દ્ર મહેતા, સં. રમણલાલ જોશી, ગુજરાત ગ્રંથકાર શ્રેણી:3, પ્રકાશક- ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ત્રીજી સંવર્ધિત આવૃત્તિ- ઑક્ટોબર-2000


*************************************************** 

નીતિન રાઠોડ
આસિસ્ટન્ટ પ્રોફેસર,ગુજરાતી વિભાગ,
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજ(સીલવાસા કોલેજ),
સીલવાસા ઇન્સ્ટીટ્યુટ ઓફ હાયર લર્નિંગ,
સીલવાસા(ડોકમરડી)
યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગરહવેલી

Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us