logo

નારીવાદઃ એક અભ્યાસ



પૂર્વમાં કે પશ્ચિમમાં સમાજ પ્રાયઃ પુરુષશાસિત રહ્યો છે, પુરુષના ‘હદય’ પર ભલે કોઈ નારીનું શાસન ચાલતું હશે, પણ પિતૃસત્તાક સમાજમાં નારીનું સ્થાનક ઘર છે, પરિવાર છે. જનની બનીને વંશવેલો વધારવાનો છે. ભારતીય સંસ્કૃતિમાં કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી, ભોજયેષુ માતા, શયનેષુ રંભા- એમ કહી નારીના વિવિધ રૂપોની પ્રસંશા કરવામાં આવી છે, પણ નારીનો પોતાનો અવાજ મનુષ્યસમાજે હંમેશા ઓછો જ સાંભળ્યો છે. પુરુષશાસિત સમાજમાં આદર્શ નારી માટે પુરસ્કૃત મૂલ્યો પણ પુરુષોએ જ સ્થાપિત કર્યા છે, અને નારી સમાજે તે સ્વીકારેલાં પણ છે, અથવા તો એ રીતે નારીસમાજનું ચિત્ત ઘડાતુ રહ્યું છે. ભારતીય સમાજે ‘પતિવ્રતા’ કે ‘સતિ’ જેવી સંજ્ઞાઓ ઘડી આપી એનું બહુમાન કર્યુ એવું કહેવાય છે, પણ વાસ્તવમાં એને તો વસ્તુ રૂપે જ માની છે. ક્યારેય એના પ્રશ્ર્નને વાચા આપી નથી. સતત પુરુષ સમાજ તરફથી એને અન્યાય થતો રહ્યો છે. આ શોષણ અને અન્યાય સામે જાગૃતિ લાવવાનું કામ પશ્ચિમમાં અને પૂર્વમાં નારીવાદે કર્યુ છે. આધુનિક સમય પછી (ઇ.સ. ૧૯૮૦ પછી) ગુજરાતી સાહિત્યમાં નવા પ્રવાહો- નવી વિચારધારાઓ- વાદો અસ્તિત્વમાં આવ્યાં. તેમાં નારીવાદ, દલિતવાદ, દેશીવાદ મુખ્ય છે. આમાંથી નારીવાદ અને અનો અનુઆધુનિક ગુજરાતી પ્રતિનિધિ વાર્તા પર પ્રભાવ વિશે વાત કરું.

‘નારીવાદ’ સંજ્ઞા સૌપ્રથમ પાશ્ચાત્ય સાહિત્યમાં પ્રયોજાઈ છે. ‘Feminine’, ‘Feminist’, ‘Female’ એમ વિવિધ બાબતોમાંથી નારીવાદી સંજ્ઞા ઉદ્રભવ પામી છે. પશ્ચિમમાં સોલેટર, વર્જિનિયા વુલ્ફ, ગેર્લ ઓમવરે, કેરોલીન હેલબ્રેન વગેરે વિચારકોએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. ગુજરાતીમાં આ વિચારધારા ઇ.સ.૧૯૮૦ પછી પ્રયોજાય છે. આ સંજ્ઞા માટે કહેવાયું છે કે – ‘‘ ‘નારીવાદ’ એ પિતૃસતાક સંસ્કૃતિમાં સ્ત્રીના થયેલા શોષણની સામે વિદ્ધોહમૂલક અભિગમ મૂલવે છે.’’ શરીફા વીજળીવાળાએ આ વાદને સમજાવતા નોંધુ છે કે – ‘‘ મને લાગે છે સ્ત્રી અને પુરુષ કોઈના પણ હાથે લખાયેલી કૃતિ કહી શકીએ.’’(૧) નારીવાદી અભિગમ વિશેનો એમનો મત આ વિભાવનાને ખાસી સમજાવી આપે છે. મણિલાલ હ. પટેલ નારીવાદી કૃતિ કોને કહેવાય એ અંગે દીવા જેવી વાત સ્પષ્ટ કરી આપે છે જુઓ –

  • નારી સંવેદના કેન્દ્રમાં હોય.
  • નારી જીવનની સમસ્યા કેન્દ્રમાં હોય.
  • શોષણ સામે પ્રગટતો વિદ્રોહ કેન્દ્રમાં હોય.
  • પોતાના નિજ તત્વ માટે નારી ઝૂઝતી હોય.
  • વેઠવા છતા હાર નહિ સ્વીકારતી નારી હોય.
  • ‘વુમન’ તરીકે નહિ પણ ‘હ્યુમન’ તરીકે ઓળખાવા માટે ઝઝૂમતી નારી હોય.
  • પુરુષ કે સ્ત્રી કોઈપણ દ્નારા લખાયેલી હોય પણ સહજ રચના બની આવતી હોય તો આવી વાર્તાઓ નારીવાદી વાર્તા તરીકે ઓળખવામાં આવે છે. (૨)

નારીવાદી ચળવળનો ઉદભવ સૌપ્રથમ પશ્ચિમમાં થયો હતો. એનો પ્રથમ સૂર ઇબ્સનના ‘ઢીંગલી ઘર’ નાટકમાં સંભળાય છે. ગૃહત્યાગ માટે ઉંબર બહાર ડગ મૂકવા જતી નોરાને એનો પતિ હેલ્મર અનેક રીતે રોકવા મથે છે. છેવટે એને પત્નિ, માતા તરીકેના કર્તવ્યની યાદ અપાવે છે, ત્યારે નોરા કહે છે –

‘‘ મારી બીજી ફરજો પણ છે.
કઈ ?
મારી જાતપ્રત્યેની ’’ (૩)

ઇબ્સને નોરાને મુખે જે વાત કહેડાવી છે. ત્યાંથી નારીવાદના પગરવ સંભળાય છે. ગુજરાતી સાહિત્યમાં આવી બદલાયેલી નારી જ્યંતિ દલાલની ‘આ ધેર પેલે ધેર’ વાર્તામાં દેખાય છે. સવિતા પોતાના પતિ પુલિનનું ઘર ઘર છોડીને જાય છે ત્યાથી નારીવાદનો પગરવ સંભળાય છે.

પશ્ચિમમાં નારીવાદની સમૃદ્ધ પરંપરા છે તેને શરીફા વીજળીવાળા ત્રણ તબક્કામાં જૂએ છે. એ મુજબ જોઈએ.

૧. પ્રથમ તબક્કોઃ ૧૯૨૦-૧૯૪૯ (અનુકરણ)

પશ્ચિમમાં નારીવાદનો આ પ્રથમ તબક્કો વર્જિનિયા વુલ્ફના ‘A Room Of one’s owe’માં વ્યકત થયેલા વિચારોથી દોરવાયેલો છે. જેમાં સ્ત્રીની પોતાની આવક અને પોતાનો ઓરડો હોવો જોઈએ. જેમાં તે મુકત રીતે રહી શકે, વિચારી શકે એ વાત પર ભાર મુકાયો છે. એમણે સ્ત્રીને પુરુષ જેવા થવાની વાત નથી કરી પરંતુ તેને ગુલામીમાંથી-શોષણમાંથી મુક્ત થવાની વાત કરી છે.

આ ગાળામાં પ્રગટ થયેલું સિમોન દ. બુવાનું ‘The Second Sex’ નામના પુસ્તકે નારીવાદી વિચારધારાને મહત્વનો વળાંક આપ્યો છે.

૨. બીજો તબક્કોઃ ૧૯૬૦-૧૯૭૫ (વિદ્રોહ)

આ ગાળો વિદ્રોહનો છે. આ ગાળામાં સિમોન દ. બુવાના વિચારનો પ્રભાવ જોવા મળે છે. એમણે સ્ત્રી-પુરુષ સમાનતાના સિધ્ધાંતની વાત કરી. એમનો એક વિચાર ચોકાવનારો બન્યો કે આપણે સ્ત્રી તરીકે જન્મ લેતા નથી પણ સમાજ આપણને સ્ત્રી તરીકે ધડે છે. ઇ.સ.૧૯૫૦-૬૦ સુધીમાં જે સમાનતાની વાત હતી એ વિરોધમાં બદલાઈ ગઈ. સ્ત્રીઓએ વિદ્રહો કર્યો. માતૃત્વનો ઇન્કાર, બંધનના પ્રતીકસમા સ્ત્રીના અંતઃવસ્ત્રો ‘બ્રા’ની જાહેરમાં હોળી કરી વગેરે વગેરે...

અંતે આ તબક્કો ‘વલગર’ બન્યો અને વગોવાયો વધુ. પણ પરિણામ કશું ન મળ્યું. નારીવાદને સમજ્યા વગર લોકોએ એના નામ પર ચોકડી મારી દીધી.

૩.ત્રીજો તબક્કોઃ ૧૯૮૦ પછીથી.... (આત્મઓળખ)

આ સમયમાં નારીવાદી વિચારણા સ્વકેન્દ્રી બને છે. આ ગાળામાં સ્ત્રીના આંતરમનને સમજવાની કોશિશ થઈ છે. સ્ત્રીની પોતાની અલગ ‘ભાષા’ અને ‘સ્ત્રીનુંવિવેચન’ની પણ હિમાયત થઈ છે. આ તબક્કામાં તેને દેવી-દાસી તરીકે નહિ પણ એક મનુષ્ય – એક વ્યક્તિ તરીકેની ઓળખની વાત કેન્દ્રમાં છે. ‘વુમન’ નહિ પણ ‘હ્યુમન’ની સંવેદના અહીં છે.

પશ્ચિમના નારીવાદ પરથી જ ભારતમાં નારીવાદનો ઉદ્રભવ થયો છે પણ વિચારધારાની બાબતમાં ભારતીય નારીવાદ પશ્ચિમના નારીવાદી ચળવળ કરતાં જુદો છે. પશ્ચિમના દેશોમાં ૧૯મી સદીના ત્રીજા દાયકાથી આ લડત શિક્ષણ, મુક્તિ, મતાધિકાર, મિલ્કત વગેરે મુદ્દામાં ચાલેલી. જ્યારે ભારતમાં કુરિવાજો સામે લડવું તે પાયાની જરૂરિયાત હતી. વિધવા પુનર્વિવાહ, બાળલગ્ન, સતીપ્રથા, દહેજપ્રથા જેવી બાબતો આપણે ત્યાં આગવા અલગ મોરચાની જરૂર હતી જે નારીવાદે શરૂ કરી. ભારતમાં નારીમુક્તિના પ્રયાસો રાજારામ મોહનરાય, જસ્ટિસ રાનડે, મહાત્મા ગાંધી જેવા પુરુષો દ્રારા જ થયા હતા. ભારતમાં નારીવાદના તબક્કા ટૂંકમાં આ મુજબ જોઈ શકાઈ.

૧. પ્રથમ તબક્કોઃ

ઇ.સ.૧૮૩૦-૧૯૪૭ સુધીના આઝાદીપૂર્વેની પરિસ્થિતીને શરીફાબેન વીજળીવાળાએ બે વિભાગમાં વિભાજન કરેલ છે. (અ) ૧૮૩૦-૧૯૨૦ અને (બ) ૧૯૨૦-૧૯૪૭. પ્રથમ ગાળામાં સમાજસુધારાના પ્રયત્નો થયા. સતીપ્રથા, વિધવા વિવાહની હિમાયત થવા લાગી. સાહિત્યમાં પણ સ્ત્રીની સંવેદનાઓ-સમસ્યાઓ તારસ્વરે રજૂ થઈ. આ ગાળામાં નારીને આદર્શરૂપ, પતિપરાયણ અને ગુણીયલ હોવી જોઈએ એવા નિયમો બનાવવામાં આવ્યા. છતાં સ્ત્રી મૂંગા મોઢે સહન કરતી રહી. બીજા સમયગાળામાં વિવિધ સંસ્થાઓનો વિકાસ થયો. સ્ત્રી સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં. ‘સુંદરીસુબોધ’ અને ‘સ્ત્રીમિત્ર’ જેવા સામયિકો શરૂ થયા. સ્ત્રી લખતી થઈ. એના આંદોલનો થયા. આઝાદીની લડતમાં ભાગ લીધો. પણ આ બધુ જ ઉપલા વર્ગની સ્ત્રીઓ પુરતું જ સિમિત રહ્યું. વિકાસ, શિક્ષણ, ચિંતન જેવી બાબતો પર વિચારતી થયેલી સ્ત્રી ભારતીય સંસ્કૃતિના આદર્શને છોડી શકતી નથી.

૨. બીજો તબક્કોઃ

આ સમયગાળો ‘SILENT TWENTIES’ તરીકે ઓળખાય છે. સ્ત્રી-પુરુષ સમાનતાના સિધ્ધાંતને કાયદાકીય સ્વીકૃતિ મળી. સ્ત્રીઓ મહત્વના હોદ્દાઓ પર સ્થાન પામી. પરિણામે સ્ત્રીઓમાં જાગૃત્તા આવી. પહેલા કરતાં થોડી સ્થિતિ સુધરી હતી. પણ આગળ જતા ખ્યાલ આવ્યો કે બંધારણે આપેલી સમાનતા માત્ર કાગળ પર જ હતી. સ્ત્રીઓની હાલત તો એવીને એવી જ હતી. આ તબક્કામાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે થોડી સ્ત્રીઓને માત્ર હોદ્દો મળી જવાથી સમગ્ર સ્ત્રીઓની સ્થિતિમાં સુધારો આવી જતો નથી.

૩.ત્રીજો તબક્કોઃ

આ તબક્કામાં અનેક પ્રશ્ર્નો ઉઠાવાયા. સ્ત્રી પર થતા બળાત્કાર, વેશ્યા વ્યવસાય, ગર્ભપાત, છેડતી, બાળલગ્ન થતા અટકાવવા વગેરે પ્રશ્ર્ન પર ધ્યાન કાયદાથી અપાયું. સ્ત્રીઓની સામાજિક, આર્થિક સ્થિતિ સુધારવા માટેના કાયદા ધડાયા. સમગ્ર આંદોલનનો હેતુ સ્ત્રીનો વ્યક્તિ તરીકે સ્વીકાર થાય, એ સ્વતંત્ર રીતે જીવન જીવે એ જ હતો.

આજે ૨૦૧૫ની કરીએ તો પણ સ્ત્રીની સ્થિતિમાં સંપૂર્ણ પણે સુધારો થઈ ગયો નથી. આજે પણ સ્ત્રીની સમસ્યાઓ – પ્રશ્ર્નોનું સમાધાન થવું બાકી છે. પરંતુ એ વાત નોંધવી પડશે કે સ્ત્રીનું જાહેરના સ્થળે, અભ્યાસના સ્થળે તેનું રક્ષણ જરૂર થયું છે. તથા સ્ત્રીશિક્ષણના દરમાં પણ વધારો થયો છે પણ એના નિજી જીવનમાં ધણો સુધારો બાકી છે.

આમ, નારીવાદ હાલ સુધી જુદી-જુદી રીતે વિકસ્યો છે. તેના પાયામાં સ્ત્રીની સ્થિતિ સુધરે, તેના નિજી વ્યક્તિત્વનો વિકાસ થાય, સમાજમાં તેનું સ્થાન ઊંચું આવે અને તેનો વ્યક્તિ તરીકે સ્વીકાર થાય- આવા અનેક અભિગમો આ વિચારધારાની પાછળ જોવા

સંદર્ભગ્રંથ:

  1. વીજળીવાળા શરીફા(સં.), શતરૂપા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ,પ્ર.આ.૨૦૦૫.
  2. ગાડીત જયંત અને અન્ય લેખકો(સં.), અનુઆધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ, સરદાર પટેલ યુનિનર્સિટી વલ્લભવિદ્યાનગર, પ્ર.આ.૧૯૯૯.
  3. પટેલ મણિલાલ હ.(સં.), પન્ના નાયકનો વાર્તાલોક, ડિવાઈન પબ્લિકેશન અમદાવાદ, પ્ર.આ.૨૦૧૦.
  4. ગુર્જર જગદીશ અને અન્ય(સં.),અધીત બાવીસ-તેવીસ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ, પ્ર.આ.૨૦૦૦.
  5. નારીવાદ વિશેષાંક, શબ્દસૃષ્ટિ, પ્ર.આ.૨૦૦૨.
  6. રાઠોડ નીતિન, આધુનિકોતર વાર્તામાં નારીની છબિ, ગૂર્જર સાહિત્ય પ્રકાશન અમદાવાદ, પ્ર.આ.૨૦૧૪.
  7. (૧- પૃ. ૧૭, કંકાવટી, મે, ૨૦૦૦)
  8. (૨- પ્રસ્તાવનામાંથી, પન્ના નાયકનો વાર્તાલોક, પટેલ મણિલાલ હ.(સં.))
  9. (૩- પૃ. ૬, શબ્દસૃષ્ટિ, સં.અંક. ૨૦૩-૨૩૧, ૨૦૦૨)



*************************************************** 

પ્રા. જિગ્નેશ એમ. ઠક્કર
ગુજરાતી વિભાગ,
એમ. એન. કૉલેજ, વિસનગર


Previous index next
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us