'ભીલોનું ભારથ' મૌખિક લોકમહાકાવ્યનું કથાનક
વીસમી સદીના અંત ભાગમાં ડૉ.ભગવાનદાસ પટેલ દ્વારા સંશોધિત–સંપાદિત મુખપરંપરાનાં સર્વપ્રથમ શબ્દસ્થ લોકમહાકાવ્યોઃ ‘ગુજરાંનો અરેલો’ , ‘રાઠોર વારતા', 'રૉમ–સીતમાની વારતા' અને, 'ભીલોનું ભારથ' સમગ્ર ગુજરાતના લોકસાહિત્યની વિરલ ઉપલબ્ધિઓ છે. આ પુસ્તકો રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢ અને મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી યુનિવર્સિટી, દિલ્હીના ગ્રેજ્યુએટ (એમ.એ), એમ.ફિલ. અને પીએચ.ડી.ના ઉચ્ચ અભ્યાસક્રમમાં સંદર્ભગ્રંથો તરીકે સ્થાન પામ્યાં છે. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીએ ‘ભીલોનું ભારથ’ ભીલ લોક મહાકાવ્યનું હિન્દી, અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. તેમાં વ્યકત બહુઆયામી માનવવિદ્યાઓને ધ્યાનમાં લઈએ આ પુસ્તકો ઈન્ડો અમેરિકન વૃઝવુ, ઈન્ડોએશિયનવુઝવુ અને બાયોગ્રાફી ઈન્ટરનેશનલમાં સ્થાન પામ્યાં છે. અરવલ્લી પહાડી પ્રદેશ (ઉત્તર ગુજરાત)ની ભીલી બોલીના મૌખિક સાહિત્યના સંશોધન–સંપાદન અને ભીલ બોલીને ભાષાનું સ્થાન અપાવવા બદલ ડૉ. ભગવાનદાસ પટેલને કેન્દ્રિય સાહિત્ય અકાદમી, દિલ્હીનો ૧૯૯૮નો ગૌરવવંતો ભાષા સન્માન એવોર્ડ અને ગુજરાતી વનવાસી કલા સાહિત્યને દેશ–વિદેશમાં માન–સન્માન બદલ ર૦૦રનો અખિલ ભારતીય સાહિત્ય પરિષદનો ‘સન્માન એવોર્ડ અર્પવામાં આવ્યો છે. ડૉ. ભગવાનદાસ પટેલ સંપાદિત ‘ભીલોનું ભારથ મહાકાવ્યની કથાબંધારણ રીતિ જોઈએ તો આપણને દરેક પ્રસંગ(પંખડી) બીજા પ્રસંગ સાથે સંકળાયેલો જોવા મળે છે. ભીલોનું ભારથ મહાકાવ્ય કુલ ર૭ પંખડી(પ્રસંગ)માં વિસ્તરેલ છે. શરૂઆત શાન્તનુ અને ગંગા પંખડીથી થાય છે અને‘રાધા અને સાંવરા પંખડીએ એનું સમાપન થાય છે. કુલ ર૭ પંખડીમાં વહેચાલું આ મહાકાવ્ય ગુજરાતી લોકસાહિત્યની મોઘીં મિરાત છે. કથાબંધારણ રીતિની દષ્ટિએ જોઈએ તો આ આખુ મહાકાવ્ય એક મૌખિક મહાકાવ્ય છે. ખેડબ્રહ્માના આદિવાસી જાતિના લોકોમાં ધાર્મિક પ્રસંગ કે તહેવારોમાં આ મહાકાવ્યની રજૂઆત થતી હોય છે. આમ, ‘ભીલોનું ભારથ’ મૌખિક અને તે પણ ભીલી ભાષામાં હોવાથી તેનું સંપાદન કાર્ય કરવું ઘણું જ કપરું કામ છે. તેમ છતાં, ડૉ. ભગવાનદાસની અખંડ સાધનાની મહેંક રૂપે આપણને ગુજરાતી લોકસાહિત્ય ક્ષેત્રે દિશાસૂચક યોગદાન મળે છે. ‘ભીલોનું ભારથની કથાબંધારણ રીતી નીચે મુજબ છે. પ્રથમ પંખડી(પ્રસંગ) ‘શાન્તનુ અને ગંગા’માં શરૂઆત દેડકાથી થાય છે. દેડકો ગાયના ધણ નીચે કચડાઈ જાય છે. તેનો અંશ વાણિયાની વહુમાં ગયો. વાણિયાનો દિકરો બની તે ઈન્દ્રપુરીમાં નોકરી કરવા માટે જાય છે. વાલ્મીકિ સ્ત્રીને પોતાની ધર્મની બહેન બનાવે છે. તેને સોનાનો સાડલો આપે છે. તેથી ઈન્દ્ર નારાજ થઈ ને વાણિયાને નોકરીમાંથી કાઢીમુકે છે. તે બધી કમાણી લઈને ગંગાના દર્શન કરવા જાય છે. ત્યાં રસ્તામાં બળદ મરી જાય છે. વાણિયો બધું ધન ગંગામાં પધરાવી દે છે. સૂરજદેવના વચન પ્રમાણે અડધુ ધન તેમને ન આપવાથી સૂરજદેવ શાપ આપે છે. ‘છટ્ શિયાળિયા ! મારા ભાગનો માલ તો લાવવો હતો ? આમ, વાણિયો શિયાળ બની જાય છે. ગંગા ભસ્મકાંકણથી ભસ્મ કરી દે છે. આ ભસ્મ માંથી સાલ નામનું વૃક્ષ થાય છે. બાર વર્ષ પછી આ વૃક્ષના થડમાંથી મહાભારતનો શાન્તનુ રાજા બેઠો થાય છે. શાન્તનુના ગંગા સાથે લગ્ન થાય છે. ગંગા વચન માગે છે કે ‘મારા પેટે દિકરો કે દીકરી જન્મે તો સમાચાર લઈને તારા હાથે ગંગાઘાટ પધરાવીશ? મારામાં જ દીકરો–દીકરીને પધરાવીને તારે પાછા આવવું પડશે. ! શાન્તનુ રાજા વચને બંધાઈ જાય છે. રાજા શાન્તનુ વચન પ્રમાણે પોતાના બાળકોને ગંગા નદીમાં પધરાવી આવે છે. પરંતુ બાળકીને પધારાવતા નથી. આમ, વચન ભંગ થાય છે. તેથી ગંગા શાન્તનુ રાજાને ચૂડો આપી અલોપ થઈ જાય છે અને જળની માછલી બની જાય છે. આ ગંગારૂપી માછલી માછીમાર પકડે છે. તે રંગરાજાને માછલી સોપે છે. તે રંગરાજાને માછલી સોપે છે. નવ મહિને નવ દિવસે માછલીમાંથી બાળકી નીકળે છે. બાળકી મોટી થાય છે. તે કન્યાના લગ્ન વૃદ્ધ શાન્તનુ રાજા સાથે થાય છે. કુંવારી કન્યા સાથે લગ્ન પછી શાન્તનુ રાજા મુકિત પામે છે. શાન્તનુ રાજાને કુંવારી જમીન ઉપર બાળીને ત્રણે દિકરા ત્યાં હસ્તિનાપુરની સ્થાપના કરે છે. ગાંગેય, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય ત્રણેયે વિચાર કર્યો કે માતાની સેવા કોણ કરશે. ગાંગેયને માતાની સેવા કરવાનું કામ સોપવામાં આવ્યું. પરંતુ ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યને મનસાપાપ થાય છે. તેથી બન્ને ભાઈ મનસાપાપ ધોવા માટે તે બન્ને પીપળના ઝાડમાં સમાઈ ગયા. મતરા પારગીએ તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. સાસુના કહ્યા પ્રમાણે ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની રાણીઓ સૂર્યનાં ઊગતાં કિરણોમાં ગાંગેય આગળ વસ્ત્ર વિહીન થઈને નીકળે છે. એક રાણી આંખો પર હાથ ઢાંકીને નીકળી. તે રાણીને અંધકુવર જન્મ્યો. બીજી રાણી સાથળના ગુપ્તભાગને ઢાંકીને નીકળી તેને પાંડુ નામનો કુંવર જનમ્યો. અંધરાજા ધૃતરાષ્ટ્રને ધવળાગઢનું રાજ્ય આપ્યું અને પાંડુ રાજાને હસ્તિનાપુરનું રાજ્ય આપ્યું. ‘ગાંધારી અને કુંતા’ બીજી પંખડીમાં વનમાં સાત ૠષિ તપ કરે છે. ત્યાં‘સાવસક્તિ સમડીનું રૂપ લઈને ત્રિશૂળની અણી પર બેસે છે અને ત્રિશૂળ આરપાર નીકળી જાય છે. આ સમડીના હાડપિંજરની ગાંધારી અને લોહીમાંસની કુંતા પેદા થાય છે. કુંતાને સૂર્યના કિરણોનાં બાણ વાગે છે અને કર્ણનો જન્મ થાય છે. કુંતા કર્ણને ગોકરગઢના ગાંદરે ઉકરડામાં ખાડો ખોદી પુત્રને મૂકી આવે છે. બીજી બાજુ સપ્તૠષિ ગાંધારીના ધૃતરાષ્ટ્ર અને કુંતાના પાંડુ સાથે લગ્ન કરાવે છે. સપ્તૠષિ ગાંધારીને આશીર્વાદ આપતાં કહે છે, ‘તારે ઈઠ્ઠોતેર પુત્રો થશે અને ધવળાગઢનું રાજ કરશે. કુંતાને પાંચ પુત્રો થશે અને હસ્તિનાપુરનું રાજ કરશે. કુંતા યમરાજની ઉપાસનાથી ધર્મરાજા યુધિષ્ઠિર, અગ્નિદેવની ઉપાસનાથી અર્જુન, પવનદેવની ઉપાસનાથી ભીમ, મહાદેવની ઉપાસનાથી સહદેવ, ઈન્દ્રદેવની ઉપાસનાથી નકુળ એમ પાંચ ભાઈ જન્મ્યા. ‘પાંડુ રાજા’ પંખડીમાં પાંડુ રાજા મેર–સિમેર પર્વત પર શિકાર કરવા જાય છે. બાર વર્ષ પછી એક બીજાને મળતા હરણ હરણીના મિલનમાં ભંગ પાડીને પાંડુનું બાણ હરણને વાગે છે. હરણ પાંડુ રાજાને શાપ આપે છે. રાજા બાર વરસે અમારું આ રીતે મિલન થયું હતું. તે અમારો સંજોગ તોડયો. અમારું ઘર ભાગ્યું તને અમારો હત્યાદોષ લાગશે. તું પણ સંજોગ કરતાં મૃત્યુ પામીશ. પાંડુ રાજા મૃત્યુ પામે છે. પાંડવો મેર–સિમેર પર્વત પર શિકાર કરવા જાય છે. ત્યાં તેમને દ્રૌપદી મળે છે. પાંડવો દ્રૌપદીને પોતાના ઘરની નાર બનાવે છે. દ્રૌપદીને હસ્તિનાપુર લઈને આવ્યા. ભાઈઓ અંદરો અંદર વાત કરે છે, એક ભાઈને મળી હોત તો એક જણ કુંવરીને રાખત. પાંચ ભાઈને મળી છે માટે સહિયારી રાખીએ. પાંચ ભાઈ વારા પ્રમાણે દ્રૌપદીની સેજમાં જાય છે. રાણીએ ચાર ભાઈને તો માયામાં બાંધીને છેતર્યા, પણ યુધિષ્ઠિર મોહપાશમાં બંધાતા નથી. દ્રૌપદી ઘડીકમાં બાળકી ઘડીકમાં રૂપાળી કન્યા અને ઘડીકમાં ડાકણ બની જાય છે. યુધિષ્ઠર સવારે દ્રૌપદીની આરતી ઉતારે છે. ‘કર્ણ’ પંખડીમાં કૌરવો માળીને કૂવો, ખેતર અને એક ઉકરડો દાનમાં આપે છે. માળીની પત્ની ભમરશિલાને ખસેડીને જોવે છે. તો તેને એક બાળક મળે છે. આમ, કર્ણ માળીને મળે છે. કર્ણ માળીના ઘરે મોટો થાય છે. ધવળાગઢથી કૌરવોનો મકનો હાથી આવે છે. કર્ણ રેંટ હોંકે છે. હાથી નીકનું બધું જ પાણી પી જાય છે. કર્ણ ગોવાળને હાથી દૂર લઈ જવા કહે છે. પણ ગોવાળ માનતો નથી. કર્ણ રીસનો ભર્યો હાથી પર પ્રહાર કરે છે. હાથીનું મસ્તક ઊડીને ખારા સમુદ્રમાં પડે છે અને ધડ કૂવા પર પડે છે. કૌરવો આ જોઈને વિચારમાં પડી જાય છે કે આવડું નાનુ બાળક આવું કામ કરીના શકે. દુર્યોધન વિચારે છે, સંકટ સમયે આ વીર જ કામમાં આવશે. તેને સન્માને છે અને સેનાપતિ બનાવી ગોકળગઢનું રાજ આપે છે. ‘દ્રૌપદી’ અને વાસુકિ પંખડીમાં દ્રૌપદી ભર નીંદરમાં છે. તેને સોનાના કેશ છે. દાસીઓ માથામાં ‘પાંથી પાડી કેશ હોળે છે. કેશ હોળતાં સોનાનો એક વાળ તૂટે છે. પવન ભમરબારીએ ભરાવેલી વાળની ગૂંચળીને ઊડાડી પાતાળમાં વાસુકિનાગની છાતીમાં જઈને પડે છે. વાસુકિ સોનાના વાળવાળી સ્ત્રીની શોધમાં ધરતી ઉપર આવે છે. તે દ્રૌપદીના મહેલ સુધી પહોચી જાય છે. અને ત્યાં અર્જુન અને વાસુકિ વચ્ચે યુદ્ધ થાય છે. વાસુકિ અર્જુનને મૂછના એક વાળે અર્જુનને બાંધે છે. વાસુકિ રોજ સાંજે આવે અને દ્રૌપદી સાથે સંજોગ સાધે અને પ્રભાતકાળે પાતાળમાં જતો રહે. દ્રૌપદીએ તેના પેટમાંથી તેના મૃત્યુનુ રહસ્ય જાણી લે છે. દ્રૌપદી અને અર્જુન વાસુકિને મારવાનો તખતો ગોઠવે છે. અર્જુન કર્ણને મહેણું મારે છે. કર્ણની માળી માતા કહે છે કે તું મારો દિકરો નથી. તું અમને ઉકરડામાં મળ્યો હતો. ત્યારે કર્ણ પોતાના પિતા કોણ છે તે જાણવા માટે કુંતા પાસે જાય છે. કુંતા તેને જણાવે છે કે તારા પિતા સૂરજદેવ છે. કુંતા કર્ણને અગનપછેડો અને મીણનો ગોળો આપે છે. કર્ણ સૂર્યદેવને મળે છે. સૂર્યદેવ કર્ણને પોતાના શસ્ત્ર આપે છે. દ્રૌપદી કર્ણને પોતાના દુઃખની વાત કરે છે. કર્ણ વાસુકિને પોતાની મીણના મ્યાનમાંથી કટારી કાઢીને વાસુકિના આઠ ફણને બાળી નાખે છે. વાસુકિ કરગરે છે તેથી એક ફણ વાળા વાસુકિને કર્ણ મુકત કરે છે. ‘દ્રૌપદી અને ભીમ પંખડીમાં ભીમ જંગલ ઝાડી ફરવા જાય છે. ત્યાં તે વિચારે છે કે મોટા ભાઈ નવી રાણી સાથે સુખી છે કે દુઃખી તે જોવા જાય છે. ભીમ યુધિષ્ઠરને દ્રૌપદીની આરતી ઉતારતા જોઈ જાય છે. તે વિચારે છે કે યુધિષ્ઠિરે આવુ કેમ કર્યું. ત્યારે દ્રૌપદી સમાજાવે છે કે તારે બધુ જાણવું હોય તો તુ પુર ગામના સિંદૂરવર્ણના વડલે જજે. કોઈ જુએ નહી એ રીતે ઊંચા વડલે ચડીને બેસજે. આખી રાત વડ પર બેઠા બેઠા જે ઘટના ઘટે તે જોયા કરજે. ભીમ વડ ઉપરથી જૂએ છે કે ઈન્દ્રપુરીથી ઈન્દ્ર આવીને માણેકચોક લીપી તૈયાર કરે છે. સ્વર્ગમાંથી સોનારૂપાનાં સિંહાસન આવીને દેવોના દરજ્જા પ્રમાણે આપમેળે ગોઠવાય છે. ભીમ દ્રૌપદી અને કુંતા બન્ને ડાકણ દેવી છે તે જાણી જાય છે. દ્રૌપદી સમજાવે છે કે અમે કહીએ તેમ કરો તો શ્રી કૃષ્ણ અહીં આવશે અને તમારો નાશ થતા અટકશે. ‘ભક્તિનું પ્રાગટ્ય’માં પાંચ પાંડવો સતીઓના પગમાં પડી ઊભા થાય છે અને હાથ જોડીને કહે છે, માતા તમે જન્મ આપ્યો, મોટા કર્યા. હવે ખાઈ જશો તો જગતમાં ખોટું થશે. તમારી આજ્ઞા પ્રમાણે કરીશું. કુંતા માતા પાંચે પાંડવોને ઉપદેશ આપે છે અને ભક્તિના મારગે વળવાનું જણાવે છે.ભક્તિ માટેની જરૂરી વસ્તુઓની તૈયારી કરે છે. ભક્તિમાતાને આમંત્રણ આપવા પાંડવો પાતળના માર્ગે જાય છે. ભક્તિમાતા ને પાતાળમાંથી લઈને હસ્તિનાપુર માં સ્થાપના કરે છે અને ભજનો ગાય છે. ‘પાંડવોનો સેનોતરો’ યજ્ઞમાં પાંડુ રાજા મૃત્યુ પામ્યા છે. તે નરક ખાઈમાં પડ્યા પડ્યા દુઃખથી પીડાય છે. પાંડુ રાજાને કાળા કૂતરાનો અવતાર આપે છે. હસ્તિનાપુરની શેરીમાં મોટો થઈ કાળો કૂતરો ફરતો ફરતો સહદેવના દ્વારે આવે છે. કોઈ પાંડુ રાજાને ઓળખતા નથી. પણ ભગવાનની બહેન સુભદ્રા ભવિષ્ય જાણનાર સ્ત્રી હોવાથી પોતાના સસરાને ઓળખે છે. દ્રૌપદી કાળા કૂતરાને ભોજન આપે છે તેથી ભીમ ક્રોધે ભરાઈને બન્ને લડે છે. બન્ને ઝઘડતા ઝઘડતા પાંડવોની કચેરીમાં આવે છે. દ્રૌપદી જણાવેશે કે તેમના પિતા પાંડુને પીડા થઈ તેમનો ક્રિયાકરમ યોગ્ય રીતે ન કરવાથી આમ થયું. બધા પાંડવો શ્રીકૃષ્ણને કઈ રસ્તો કાઢવા માટે કહેશે. શ્રી કૃષ્ણ તેમને કુંવારું સોનું, કુંવારી માટી, નારીનો વેચેલો નર, કુંવારું જળ, જળાજેદરાનું માથું, વિના ગાંઠનું દાતણ વગેરે વસ્તુઓની આઠમા યજ્ઞમાં ખાસ જરૂર હોવાથી મંગાવે છે. આ ઉપરાંત દ્રૌપદીના ગુરુ બાળો હરગુરો, કુંતા માતાનો ગુરુ ગતરોવાસી અને પાંડુ રાજાના ગુરુને ઘણા જ માન સાથે નિમંત્રણ આપવા જણાવે છે. આજ પ્રસંગમાં કુંવારું સોનું લેવા જવાનું બીડું અર્જુન ઉપાડે છે. અર્જુન પાતાળમાં જવા માટે ‘વાજમી વહેલ શણગારવામાં આવે છે. અર્જુન વહેલ ઉપર બેસીને તે પાતાળના કનોગરાના સરોવરની પાળે આવી વહેલને ઊભી રાખે છે. ત્યાં અર્જુન મીઠી નીંદરમાં પોઢયો તેવામાં નાના નાગ તેને ડંખ મારે છે. અર્જુન મૃત્યુ પામે છે. વાસુકિની કુંવરી હીરાવર કનોગરા સરોવરમાં નાહવાની મહેચ્છાથી ત્યાં જાય છે અને ત્યાં અર્જુનને જોઈને આઘાત પામે છે. તે દાસીઓ પાસે અમરકૂંપો અને કણિયોરની કાંબ મગાવે છે. ત્યાં મૃત અર્જુનના શબ સાથે લગ્ન કરીલે છે. અમરકૂંપો અને કણિયોરની કાંબ થી અર્જુનને જીવતો કરે છે. અર્જુનનાં નેત્રબાણ વાગે છે જેથી હીરાપથને ગર્ભ રહે છે. ત્યાર બાદ હીરાપથ પિતાથી છાનું કુંવારું સોનું અર્જુનને સોપે છે. તે કુંવારુ સોનું લઈને હસ્તિનાપુર પહોચે છે. ત્યાં તેનું સામૈયુ કરવામાં આવે છે. નારીનો વેચેલો નર લાવવાનું બીડું ભીમ ઉપાડે છે. ભીમ સ્ત્રીઓને જોઈને કહે છે, ‘‘મોઢેથી માગો એટલું મૂલ્ય આપું. કહો એટલા રૂપિયા આપું. સોનું માગો; રૂપું માગો; ઘોડા માગો પણ મને વેચેલો તમારો પતિ આપો; નર આપો''૧ સ્ત્રીઓ ભીમને મૂર્ખ સમજીને તેનું હાસ્ય કટાક્ષ કરે છે. ભીમને કામરૂ દેશમાં નાથી ફૂયેંરના આવાસેથી વેચેલોનર મળે છે. તે નરને લઈને ભીમ હસ્તિનાપુર આવે છે. કુંવારું જળ લાવવાનું બીડું નકુળ ઉપાડે છે. તે સારજા વાવે જાય છે. ત્યાં તે કુંવારું જળ ભરે છે. પણ જળજોગણી પ્રગટ થાય છે અને તેના નજરનાં બાણ વાગતા નકુળ મૂર્ચ્છિત થાય છે. નકુળની શોધમાં ભીમ વાવે જાય છે. ત્યાં ભીમને પણ જળજોગણીના નજર બાણ વાગતાં તે પણ મૂર્ચ્છિત થઈને નકુળ ઉપર પડે છે. ભીમ અને નકુળની ભાળ મેળવવા માટે સહદેવ જાય છે. ત્યાં તે જળજોગણીને પરણવાનું વચન આપીને કુંવારું જળ અને બન્ને ભાઈઓને લઈને હસ્તિનાપુર આવે છે. બાળો હરગુરો દ્રૌપદીના ગુરુને હસ્તિનાપુર તેડાવાનું કાર્ય દ્રૌપદી કરે છે. પણ ભીમ દ્વારા તેમનું અપમાન થયેલું હોવાથી તે માનતા નથી. તે કહે છે કે પાંડવોને મને આમંત્રવો હોય તો ભીમનું નાક ફાડી મુંજ નામના ઘાસની નાથ ઘાલી; બળદ બનાવી ગાડું જોડો. ગાડુ મારી ધૂણિયે આવે. ત્યારે ગાડેથી છોડી હું ભીમને ઘાસ નાખું. ભીમ ઘાસનો પૂળો ખાય. તે પછી મને ગાડે બેસાડી જાતે ખેંચીને હસ્તિનાપુર લઈ જાય. તો જ પાંડુના જગનમાં આવું. ભીમ બળદ બનીને તે તેમની ધૂણિયે જઈને ઘાસ ખાયને તે દ્રૌપદીના ગુરુને હસ્તિનાપુર લાવે છે. દ્રૌપદીનો ગુરુ બાળો હરગુરો સનેતરા યજ્ઞ માટે ઝળાઝેંદરા(જયદ્રથ)નું માથું મગાવે છે. આ કામ પુરુ કરવા ભીમ બીડું ઉપાડે છે. વનખંડમાં જઈને તે ઝળાઝેંદર સામે યુદ્ધ કરે છે અને છેલ્લે ભીમ ખાંડુ વડે ઝળાઝેંદરાનું મસ્તક ધડથી અલગ કરી દે છે. મસ્તક લઈને ભીમ હસ્તિનાપુર પરત ફરે છે. બાળો ગુરુ કહે છે કે યજ્ઞમાં મંત્ર સાથે હોકારો દેવા કુંતાના ગુરુ ગધરાવાસીને બોલવા. ભીમ કુંતાના ગુરુ ગધરાવાસીને લાવે છે. તે પછી સહદેવ લંકામાંથી ગાંઠવિનાનું દાતણ લાવે છે. યુધિષ્ઠિર પીપળાનાં પાન લાવે છે. આમ, સનેરાની બધી સામગ્રીઆવી જાય છે. યજ્ઞનો સનેરો થાય છે. પાડુંરાજાનો જીવ મુક્ત થઈ સ્વર્ગ સીધાવે છે. ‘ભીમ પાંડવ’ પંખડીમાં ભીમ કૌરવોના બધા વસ્ત્રો ફાડી નાખે છે. વડ ઉપર ચઢેલા ઈઠ્ઠોતેર કૌરવોને જેમ ટેટા પડે તેમ પાડે છે. આમ, આ પંખડીમાં ભીમના પરાક્રમનું વર્ણન છે. ‘હેડંબા’ પંખડીમાં ભીમ પાંડવો અને કુંતા માતાને શોધતો શોધતો વનમાં જઈ પહોચે છે. ત્યાં તેને હેડંબા મળે છે. ભીમની નજરના બાણ હેડંબાને વાગે છે અને હેડંબા મૂર્છીત થઈને પડે છે. હેડંબાને ઘટોત્કચ નામના પુત્રને જન્મ આપે છે. ભીમ આગળ વધતા તે કુંભીદેવીના દેવળે આવે છે. ત્યાં કબીરો કૌરવ અને ભીમ વચ્ચે યુદ્ધ થાય છે. ભીમ કબીરાને ચીરીને વચ્ચે હેતરીનું પાન મુકી કબીરાને મારી નાખે છે. ‘કૃષ્ણ અને દાનવ’ પ્રસંગમાં નારદ દાનવોનું રાજ્ય અંધારિયાખંડમાં જવાની હઠ લે છે. આથી કૃષ્ણ અને નારદ અંધારિયા ખંડમાં જાય છે. ત્યાં તેમને દાનવો બંધી બનાવે છે. કૃષ્ણ યોજના બનાવે છે. તે કન્યાના માંગા લઈને દાનવો પાસે આવ્યા છે એમ કહેતા દાનવો તેમને છોડે છે. દાનવો ઊગતી પૂનમે પરણવા માગે વૈકુંઠ આવી પહોચે છે. ત્યાં કૃષ્ણે પહેલે થી તેમના માટે કાળી કુતરી અને બિલાડીને પીઠી લાગાવીને બેસાડી હોય છે. કૃષ્ણ વૈકુંઠના દરવાજા બંધ કરી દે છે. પવનદેવ વાવાઝોડું અને ઈન્દ્ર વીજળી અને વરસાદ લઈને આવે છે. વીજળીથી દાનવો ભસ્મ થઈ જાય છે. અને દાનવગોત્રનો સર્વનાશ થાય છે. ‘ઈકોદાનવ’ પ્રસંગમાં વૈકુંઠપુરીમાં અબાલવૃદ્ધ, સ્ત્રીપુરુષ બધા જ દાનવ મૃત્યુ પામ્યા. પણ ભેંસા દાનવની પત્ની લગ્ન સમયે જંગલઝાડી ફરવા ગઈ છે. તે ગર્ભવતી હતી. તે નાસી જાય છે. તે એક બાળકને જન્મ આપે છે. બાળકનું નામ ઈકો રાખવામાં આવે છે. તેને ખબર પડે છે કે કૃષ્ણે કપટથી પોતાના પિતા, કાકા, કાકી ને મારી નાખ્યાં છે. આથી તે બદલો લેવા માટે એક પાંજરું બનાવે છે. જેમાં કૃષ્ણને કેદ કરી શકે. બીજી બાજુ કૃષ્ણ બ્રાહ્મણનો વેશ લઈને ચતુરાઈથી ઈકો દાનવને પાંજરામાં પુરી દે છે. ‘અભિમન્યુ’ પંખડીમાં સુભદ્રા પાંજરાનું તાળું ખોલીને દ્વાર ઉઘાડે છે. ઈકોદાનવ ભ્રમર થઈને સુભદ્રાના પેટમાં જતો રહ્યો. સુભદ્રાને ગર્ભ રહ્યો. શ્રી કૃષ્ણે સુભદ્રાને યુદ્ધના ચક્રવ્યૂહના છ કોઠા કહ્યા ત્યાં સુભદ્રા સૂઈ ગઈ છે. પણ પેટમાં રહેલો ભાણેજ આ કોઠા પાકા કરી રહ્યો છે. સુભદ્રાનું પેટ દિવસે દિવસે મોટુંને મોટું થતું જાય છે. કૃષ્ણને ચિંતા થવા લાગે છે. તે કૌરવોના રાજ્યમાં જઈને પોતાની બહેનના લગ્નનું શ્રીફળ લેવા માટે કહે છે. પણ કૌરવો તે સ્વીકારતા નથી. આથી, કૃષ્ણ પાંડવો પાસે જાય છે. ત્યાં કુંતામાતાના આદેશથી સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થાય છે. હસ્તિનાપુરમાં સુભદ્રા અભિમન્યુને જન્મ આપે છે. ‘નારદ અને કૌરવો’માં નારદ વૈકુંઠમાંથી નીકળી કૌરવોના રાજ્ય ધવળાગઢની કચેરીમાં આવે છે. ત્યાં દુર્યોધન નારદજીને કહે છે કે અમે કહી તેટલી વસ્તુ પાંડવો પાસેથી તાત્કાલિક લઈને પાછા આવો. ‘‘દૂર્યોધન આંબાની ગોટલી આગમાં બાળીને આપતાં કહે છે, નારદ, પાંડવોને જઈને કહેજે કે આ ગોટલી અત્યારે જ રોપી , કેરી લગાડીને આજ ઘડીએ પાછી આપવાની છે. આ ઉપરાંત નારદ ગૌશાળામાંથી કુંવારી ગાય લેતો જાઈ આ જ ગાયનું દૂધ લઈને ઝટ પાછો આવ. દૂતો કૌરવ ચંપાની ડાળી આપતાં કહે છે, આ ડાળી પાંડવોને આપજે, તેઓ અત્યારે જ રોપીને હરિયો બાગ બનાવે. તું તત્કાલિક ચંપાનાં ફુલ લઈને આવતો રહે. એક કૌરવ ખાંડેલી ડાંગર આપતાં કહે છે, ‘‘નારદ, એ સતિયાંને કહેજે કે અત્યારે જ રોપીને ડાંગર પકવે. અમારે અત્યારે જ ભોજન બનાવવાં છે.ર નારદ હસ્તિનાપુરમાં આવીને બધી વસ્તુઓ માગે છે. ત્યાં પાંડવો શ્રી હરી કૃષ્ણનું સ્મરણ કરીને ભજન ગાવા લાગે છે. કૌરવોએ માગેલી દરેક વસ્તુ નારદ સામે પ્રગટ થાય છે. નારદ વસ્તુઓ લઈને કૌરવો પાસે જાય છે. ‘ઈન્દ્રાણી અને અભિમન્યુ’ પંખડીમાં ઈન્દ્ર સાધુઓને પોતાના ઘરે બોલાવે છે. પણ સાધુ કહે છે કે તે સતીના ઘરનું જ ભોજન લે છે. ત્યારે તે ઈન્દ્રાણીની સાધુઓ પરીક્ષા લે છે. તેમાં ઈન્દ્રનાણી પાસ થઈ શકતી નથી. આથી તે ઈન્દ્રથી રીસાઈને ધરતી ઉપર કૌરવો પાસે જાય છે. પણ કૌરવો ઈન્દ્રથી ડરતા હોવાથી તેને શરણ આપતા નથી. ઈન્દ્રાણી પાંડવોને ત્યાં જાય છે. ત્યાં અભિમન્યુ તેને પોતાનો ચૂડો પહેરાવે છે. ઈન્દ્ર પાંડવો સામે યુદ્ધ કરે છે. તેમાં પવનદેવ અને અભિમન્યુ વચ્ચે યુદ્ધ જામે છે. છેલ્લે પવનદેવની હાર થાય છે. ‘વિરાટરાજા’ પ્રસંગમાં અભિમન્યુના લગ્નની વાત થાય છે. તેમાં ભીમ વિરાટરાજાની દિકરી ઉત્તરાની વાત કરે છે. કે તે ઘણી જ રૂપાળી કન્યા છે. તેના પગલાંથી આપણું આંગણું શોભશે. ભીમ વિરાટનગરીમાં જાય છે. ત્યાં વિરાટરાજા તેમની આગતા સાગતા કરે છે. વિરાટરાજા ભીમને માણું ભરેલી રાઈ આપી કહે છે કે, આ રાઈના કણો જેટલા માણસો જાનમાં આવે તો જ સગાઈ કરી અને લગ્ન કરાવીશ. કુંતા માતા નવલાખ દેવી–દેવતા, હીરું, રાંપું , કરોડો બ્રહ્માન, કરોડો લક્ષ્મીને આમંત્રણ આપીને વિરાટનગરી લઈ જાય છે. કુંતામાતા ભીમને હસ્તિનાપુરમાં રહેવાનું કહેશે. પણ ભીમ ત્યાં ચોરીછૂપી જતો હોય છે. કુંતામાતા જોઈ જાય છે. ભીમને પરાગ વડ પાસે ઉભા રહેવાનું કહે છે. કુંતા માતા અભિમન્યુની જાન લઈને વિરાટનગરી પહોચે છે. વેવાણ કહે છે, ‘‘વેવાઈ, મારી વાત સાંભળ. પહેલા તું ઢુઢાની પાન મૂકી, આમળીને દોરી બનાવી લાવ. આ દોરીને આંબાનાં પાન બાંધી માંડવો બનાવીએ. પછી જ તમને તોરણે આવો. કંતા માતા આ ઉખાણાના જવાબ માટે ભીમને બોલાવે છે. ભીમ કહે છે, વેવાણ, તમારી વાત તો સાચી છે. પણ ઝટઝટ ચારણીમાં પાણી લેતાં આવો. પાણીમાં ઢુઢાં ભીંજવું અને જલદીથી દોરી વણું. વેવાણ કહે છે, ચારણીમાં પાણી નહીં રહે. ભીમ કહે, તો પછી ઢુઢાનું પાન પણ નહીં મુકાય!’’૩ ઉખાણાનો અર્થ છૂટ્યો અને અભિમન્યુના ઉત્તરા સાથે લગ્ન થયાં પણ આણાં બાકી રહ્યાં. ‘ખંડ વેંચણી’ પ્રસંગમાં કૌરવો વૈકુંઠમાં બાર મણના ધનુષ્ય અને તેર મણના તીર વડે સંદેશો મોકલાવે છે. કૌરવો ખંડની વહેંચણી માટે કૃષ્ણને બોલાવે છે. કૃષ્ણ વહેંચણીમાં આબુની બેઠક, દક્ષિણખંડ, રાજસ્થાન અને મેવાડ પ્રદેશ પાંડવોને આપ્યો. કૌરવો અસમાન વહેંચણી સામે રોષે ભરાય છે. કૃષ્ણ ઉપર તૂટી પડે છે. કૃષ્ણ અને નારદ ત્યાંથી નકળીને હસ્તિનાપુર જાય છે. કૃષ્ણ પાંડવોને કહે છે,કે થોડા સમયમાં ભારત(યુદ્ધ) છેડશે. માટે જો તમારે ભારત જીતવું હોય તો હું કહું એટલી વસ્તુઓ ઝટઝટ મેળવી લો. પાંડવો વસ્તુઓ એકઠી કરવામાં લાગી જાય છે. ‘યુદ્ધની તૈયારી’માં કૃષ્ણે કહેલી વિવિધ વસ્તુઓ એકઠી કરવા લાગે છે. જેમાં પહેલાં અગન પછેડો અને ધનુષ્યબાણ લાવવા માટે કુંતા માતા કર્ણને ત્યાં જાય છે. ત્યાં જઈને તે કર્ણ પાસેથી અગન પછેડો અને ધનુષ્યબાણ મેળવીને હસ્તિનાપુર પહોંચે છે. કીર્તિસ્તંભ લેવા માટે સહદેવ અને નકુળ જાય છે. તે સુભદ્રાભાભીની સલાહ લઈને જાય છે. તેઓ એકટાંગિયા પ્રદેશમાં એક પગે ચાલી આગળ વધતા ઊંધા મુલ્કમાં આવે છે. નકુળ અને સહદેવ ઝુલતા ઝુલતા રણખેતમાંથી તીર્થસ્તંભ પ્રાપ્ત કરી માણેકચોક વચ્ચે ઊભો કરે છે. ગેંડાની ખાલ લાવવા અર્જુન પાતાળમાં જાય છે. ત્યાં તે પાટવીગેંડાનો શિકાર કરે છે. નેપજી ગોવાળ અર્જુનના માથામાં ડાંગ મારે છે. અર્જુન મૃત્યુ પામે છે. નેપજી ઘરે જઈને હીરાપથને આખી વાત કરે છે. હીરાપથ સમજી જાય છે. હીરાપથ આઘાત અનુભવે છે. અને પોતાના પુત્ર નેપજીને સમજાવે છે, કે એ તારા પિતા છે. ‘યુદ્ધનું કહેણ’ પંખડીમાં ખંડ વહેંચણીમાં અસમાનતાના કારણે દુર્યોધન બાર મણનું ધનુષ્ય અને તેર મણનું તીર હાથમાં લઈને પાંડવોને સંદેશો મોકલે છે કે યુદ્ધ(ભારથ) માટે તૈયાર થઈ જાય. આ પાનનું બીડુ વાંચીને ચારે પાંડવો વિચારમાં પડી ગયા. અર્જુન પાતાળમાંથી ગેંડાની ખાલ લઈને આવ્યો નથી આથી તેઓ ચિંતીત હતા. બીજી બાજુ અભિમન્યુ સોનાની ગેડી અને રૂપાનો દડો રમતો કલમ કચેરીમાં પહોંચી જાય છે. આ યુદ્ધનું કહેણ વાંચી તેની આંખમાંથી જ્વાળા વરસવા લાગે છે. તે યુદ્ધનું બીડું ઉપાડે છે. ભીમ પાંડવ કહે છે, કે અભિમન્યુ આ બાળકના ખેલ નથી. ત્યાં તો દુશમનના સાત કોટ તોડવાનું તારા પિતા જાણે છે. અભિમન્યુ ગુસ્સા સાથે કહે છે, કે હું છ કોટ તોડવાનું તો જાણું છું પણ સાતમા કોટે જો તમારો સાથ મળી જાય તો સાતમો કોટ પણ તોડી પાડું. આમ, માતા કુંતા અભિમન્યુને રાખડી બાંધે છે. અભિમન્યુ ભારથ(યુદ્ધ) ચડવા માટે તૈયાર થઈ જાય છે. બીજી બાજુ સુભદ્રા વિલાપ કરે છે કે, પોતાના પતિ અર્જુન હજુ સુધી આવ્યા નથી. અને દિકરો ભારથે ચડે છે. ‘ઉત્તરાનાં આણાં’ પ્રસંગમાં અભિમન્યુ એ ભારથ(યુદ્ધ)નુ બીડું ઉપાડે છે. પણ જો તે કુંવારો મરે તો તો જગમાં ખોટું કામ થાય. આથી કુંતા માતા ઉત્તરાનાં આણાં તેડવા માટે વિચારે છે. પરંતુ વિરાટનગરી ઘણી દૂર હોવાથી જવા આવવામાં છ માસ લાગી જાય. કુંતા માતા શ્રી કૃષ્ણને વાત કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, ચિંતા કરો નહીં હું છ માસની એક રાત કરું છું. તમે વિરાટ નગરીમાં જઈને ઉત્તરાન તેડી લાવો. ઉત્તરાના આણાં લેવા માટે રૂપારત્ના, કાનાકાઝાને મોકલવામાં આવે છે. રૂપો અને રત્નો બન્ને ઉડતી સાંઢ લઈને વિરાટનગરી જવા નીકળે છે. સાંઢ સ્વર્ગમાં થઈને એટલી ઝડપથી વિરાટનગરી તરફ જવા લાગી. બીજી બાજુ ઉત્તરાને સ્વપ્ન આવે છે, કે તેને કાળો સાડલો પહેરેલો છે. આથી તે ઘણી દુઃખી થાય છે. રત્નો અને રૂપો બન્ને ત્યાં પહોચી જાય છે. ઉત્તરાનાં આણાં લઈને હસ્તિનાપુર ફરતા હોય છે. એ જ સમયે ઉત્તરા અમરકૂંપો અને કણિયોરની કાંબ ભૂલી જાય છે. આથી, તે લેવા રૂપા રબારીને ફરીથી વિરાટ નગરી મોકલે છે. પણ રૂપા રબારીને ઠેસ વાગતા ભુલથી તે ખાલી તેલકૂંપો અને કાંસકો લઈને આવે છે. ઉત્તરા તેલકૂંપો અને કાંસકો જોઈને વિલાપ કરે છે. ‘યુદ્ધ’(ભારથ) પ્રસંગમાં અર્જુન હજૂ ગેંડાની ખાલ લઈને આવ્યો નથી. અભિમન્યુ યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે. તે યુદ્ધ જવા નીકળે છે. તે જ સમયે ઉત્તરાના આણા હસ્તિનાપુરમાં આવે છે. પણ જો અભિમન્યુ પાછળ વળીને જૂએ તો તેનો ધર્મ તૂટે. આથી તે ઉત્તરાની પાયલનો મીઠો અવાજ સાંભળે છે. તે યુદ્ધમાં આગળ ધપી જાય છે. યુદ્ધમાં તે ચક્રવ્યુહના છ કોટ તોડી પાડે છે. પણ સાતમો કોટ તોડવા જાય છે. ત્યાં કૃષ્ણ ઈકોદાનવ ને મારવાની રાહ જોઈ રહ્યા હોય છે. આથી તે યુદ્ધ મેદાનમાં ઉંદરનો વેશ લઈને અભિમન્યુના ધનુષ્યબાણની પણછ કાપે છે. ત્યાં અભિમન્યુનુ માથું છેદ થઈ ને દૂર પડે છે. ‘અર્જુનનો શોક’ પ્રસંગમાં હીરાપથ દોડતી વાદળમહેલમાંથી અમરકૂંપો અને કણિયોરની કાંબ લઈને દોડતી કનોગરા તળાવની પાળે આવે છે. અમરકૂંપાથી અર્જુન બેઠો થાય છે. નેપજી પાટવી ગેંડાને મારી તેની ખાલ ઉખેડીને અર્જુનને આપે છે. અર્જુન ખાલ લઈને હસ્તિનાપુરની વાટે વળે છે. અર્જુન હસ્તિનાપુરના વાદળમહેલમાં આવે છે. વાદળમહેલમાં સૂનકાર છવાયેલો છે. અર્જુન રાત અને દિવસ શોક કરે છે. સ્મશાન અર્જુનને સમજાવે છે, કે શોક કરવાની કોઈ જરૂર નથી. તારો દિકરો તારી પાસે હતો ત્યારે તે તારો હતો જ્યારે તે મારી પાસે છે, ત્યારે તે મારો છે. આમ સ્મશાન પોતે જાગીને અર્જુનને સમજાવે છે, જેનાથી અર્જુનનો શોક દૂર થાય છે. અને ફરીથી તે કલમ કચેરીમાં જાય છે. અને યુદ્ધની તૈયારીમાં લાગી જાય છે. ‘કૃષ્ણલીલા’ પંખડીમાં પાંડવોના ઘરે શ્રીકૃષ્ણ મહેમાન બનીને આવે છે. કૃષ્ણ કહે છે કે, રસ્તામાં તેમણે કૌતુક જોયુ. માર્ગમાં કીડીએ હાથીને જન્મ આપ્યો હતો. હાથી દરવાજેથી નીકળી ગયો અને પૂંછડું રોકાઈ ગયું. પાંડવો આ વાત માનતા નથી. કૃષ્ણ અર્જુનને લઈને ગંગાઘાટે નાહવા જાય છે. ત્યાં અર્જુન સ્ત્રી બની જાય છે. તે બાર બાળકોને જન્મ આપે છે. છેલ્લે તે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે. ભગવાન અર્જુનને નારીમાંથી નર બનાવે છે. અર્જુન અને કૃષ્ણ કલમ કચેરી પાછા ફરે છે. ભગવાન કૃષ્ણ પાંડવોને જ્ઞાનના શબ્દો સમજાવતાં કહે છે, ‘‘વડલાનું બીજ, કીડી જેવડું સૂક્ષ્મ હોય છે. તેમાંથી હાથી જેવડો વડલો બને છે. માતા જ્યારે બાળકનો જન્મ આપે છે ત્યારે પ્રમાણમાં મોટું બાળક પેટમાંથી બહાર આવે છે અને પૂંછડી જેવી નાડ પેટમાં રોકાઈ જાય છે.’’૪ ભગવાન વૈકુંઠપુરીના માર્ગે જતાં જતાં વિચારે છે. પાંડવો હજી મૂઢ છે. તેઓને જ્ઞાનની જરૂર છે. ભગવાન અસીરૂપાળો ઘોડો બને છે. અર્જુન આ ઘોડા ઉપર સવાર થઈ જાય છે. ઘોડો આકાશમાં ઉડવા લાગે છે. ઘોડો સમુદ્ર વચ્ચે એકલા અર્જુનને મુકી આવે છે. ત્યાં જળ જોગણી પ્રગટ થાય છે. અર્જુન સાથે લગ્ન કરવા માટે તેણે વ્રત કરેલું. અર્જુન જોત જોતામાં તો સવાસો સંતાનોનો પિતા બની જાય છે. અર્જુન તેમને આખા વનનુ રાજ આપી હસ્તિનાપુર પરત ફરે છે. ‘ધરમાબાઈનું મામેરું’ પ્રસંગમાં ભીમ હાથીનો ગોવાળ બન્યો છે. વનખંડમાં હાથી ચારતો ભીમ મારગે મારગે રતનાગર દરિયે આવે છે. ભર બપોર થઈ છે. વનરાજીની શીળી છાયા છે. પાંડવ છાયામાં આસન નાખી સૂતો સૂતો વિશ્રામ કરે છે. દરિયાનાં મોજાં પરથી શીતળ પવન આવે છે, અને ભીમને નીંદર આવે છે. બીજી બાજુ ગોરણાગઢની ધરમાબાઈને દેરાણી જેઠાણીએ મહેણું માર્યું કે, પિયરમાં તો કાળો ખીજડો ઊગ્યો છે ! રાંડ, દીકરીના વિવાહ લઈને બેઠી છે. હવે તેનું મામેરું લઈને કોણ આવશે ? ભાઈઓ વિના આંગણાં કોણ શોભાવશે ? ધરમાબાઈ મહેણાંને યાદ કરીને રતનાગર દરિયે આંસુ સારે છે, અને ભગવાનને પ્રાર્થના કરે છે. સૂતેલો ભીમ આ વિલાપ કરતી ધરમાના રુદનનો અવાજ સાંભળી તેની પાસે જઈને વિલાપનું કારણ જાણે છે. ભીમ ધરમાબાઈને પોતાની ધર્મની બહેન બનાવે છે. એક દિવસનો સમાજોગ આવ્યો અને સમાજોગનો મહાજોગ આવ્યો છે. ગોરણાગઢમાં તેરસી છોકરીનો વિવાહ માંડ્યો. દેરાણી જેઠાણી મહેણાં મારે છે. ધરમાબાઈ લગ્નનું આમંત્રણ પહેલા પોતાના પિયરમાં મોકલાવે છે. ધરમાબાઈ મામેરાનું આમંત્રણ આપવા બ્રાહ્મણને હસ્તિનાપુર મોકલે છે. હસ્તિનાપુરમાં કોઈને ખબર ન હતી કે ભીમે ધરમાબાઈને પોતાની ધર્મની બહેન બનાવી હતી. મધ્યરાત્રિએ ભીમ હસ્તિનાપુર આવે છે. પાંડવોના પ્રશ્નો હલ થાય છે. તેમને ખબર પડે છે કે ભીમે ધરમાબાઈને ધર્મની બહેન બનાવી છે. કુંતામાતાને પણ દિકરી ન હતી. તેથી તે પણ મામેરુ લઈ જવા તૈયારી કરવા માડે છે. નવલાખ દેવીઓને આમંત્રણ આપે છે. પાંડવો મામેરાની તૈયારી કરવા લાગે છે. દ્રૌપદી કહે છે કે, આ સમય મામેરાનો નહી હિમાલય જવાનો છે. કારણકે કળયુગ આવી રહ્યો છે તે પાંડવોને ભરખી જાશે. આમ, આ પ્રસંગ અહીં પૂર્ણ થાય છે. ‘કળિયુગનો પ્રવેશ’માં અર્જુન દૂરથી એક પુરુષને આવતો જુએ છે. તેણે યુવાન સ્ત્રી ખભા પર બેસાડી છે અને બીજી વૃદ્ધ સ્ત્રીને પોતાના એક પગે દોરડાથી બાંધી છે અને ચાલે છે. ત્યારે વેદનાથી રડતી રડતી તેની પાછળ ઢસડાય છે. નજીક આવે છે ત્યારે અર્જુન પૂછે છે, ભાઈ, આ એક યુવતી ખભા ઉપર બેસાડી છે, અને બીજી વૃદ્ધ પાછળ ઢસડાય છે ! તું છે કોણ ? ત્યારે તે પુરુષ કહે છે, ભાઈ તને ખબર નથી ? હું કળજુગ છું. હવે મારો વારો આવી રહ્યો છે. પહેલા દેયા જુગ, પછી સતજુગ, અને પછી ત્રેતાયુગ. હવે ત્રેતાયુગનો વારો પુરો થાય છે, અને મારો વારો આવે છે. હું આ પૃથ્વીના માથે રાજ કરવા આવી પહોચ્યો છું. કળીયુગ પોતાનો આ પૃથ્વી પર કેવો પ્રભાવ પડશે તે અર્જુનને કહે છે. ‘‘ તું જાણવા માગતો હોય તો સાંભળ! મારા પ્રભાવથી મીઠામાંથી ખારાશ જશે, ગોળમાં થી ગળપણ જશે અને મનમાંથી હેત ચાલ્યું જશે. રાજા ખેડુ થઈને હળ હાંકશે, અને જોગી રાજ્ય કરશે. ભાઈ, મારા વારામાં કોઈપણ પ્રકારની ખામી રહેશે નહી. બાર વર્ષની કન્યા બાળકને જન્મ આપશે. વિના સંકોચે બાળક તેડીને ફરવા લાગશે. કુમારી અવસ્થાથી જ વસતિ તો એટલી બધી વધશે કે ડુંગરેડુંગરે અને વૃક્ષે વૃક્ષે પારણાં બંધાશે. ભાઈ ભાઈ એક બીજા પર ઈર્ષ્યાથી બળતા ફરશે અને માણસ માણસને મારી નાખશે. માનવી પુત્ર મેળવવા બાધા આકરી કરશે. પુત્ર મોટો થશે ત્યારે ઘરડાં માતાપિતાને રોટલા તો નહીં જ આપવા દઉં. ધન માટે બાપ પાસે દીકરાને મરાવીશ અને દીકરા પાસે બાપને મરાવીશ.’’પ એટલામાં તરસી વૃદ્ધ માતા પાણી માગ્યું. ત્યારે કળિયુગની પત્ની કહે છે, સ્વામી મારે પણ પાણી પીવું છે, મને પાણી આપ. ત્યારે કળિયુગ તરતજ પાણી આપે છે અને તે વૃદ્ધ માતાને પાણી આપતો નથી. અર્જુન આ કળિયુગનો પ્રભાવ જોઈને હસ્તિનાપુરમાં જઈને કલમકચેરીમાં જઈને વાત કરે છે. કુંતામાતા અને ભીમ મામેરુ કરીને હિમાલય તરફ જવાનું કહે છે. પાંડવો જટ જટ મામેરાની તૈયારીમાં લાગી જાય છે. કુંતામાતા ધરમાબાઈનુ પારખુ કરવા માટે વૃદ્ધ વાલ્મિકી સ્ત્રીનું રૂપ લઈને ગોરણાગઢમાં જાય છે. ત્યાં જઈને તે ધરમાબાઈને મળે છે. ધરમાબાઈ તેમને હેતથી ભેટી પડે છે. ધરમાબાઈ કહે છે, પિયરનું કુતરુ પણ વાહલુ લાગે. આમ, કુંતામાતા કહે છે, ભીમે તો ખરી બહેન શોધી કાઢી છે. કુંતા માતાને સાપલી સાડી લઈને મામેરામાં આવવાનું ધરમાબાઈ કહે છે. પાંડવો વિચાર કરવા લાગે છે કે, સાપલી સાડી કયા થી લાવવી. એટલામાં માતા કુંતા કહે છે કે, પાતાળમાં મળે છે. પાતાળમાં અર્જુન જાય છે. પાતાળમાં તેની પત્ની હીરાપથને ત્યાં પણ શરણાઈના સૂર વાગી રહ્યા છે. હીરાપથ અર્જુનને સાપલી સાડી આપે છે. અર્જુન હીરાપથને પુછે છે, કે આપણા પુત્ર નેપજીની જાન કયાં જઈ રહી છે. હીરાપથે કહ્યું ગોરણાગઢની ધરમાબાઈની તેરસી દિકરીને ત્યાં જાન જઈ રહી છે. આ સાંભળીને અર્જુનને ધ્રાસકો પડે છે. કે પોતાનો દિકરો પોતાની ભાણી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. અર્જુન સાપલી સાડી લઈને હસ્તિનાપુર પહોચે છે, તે ત્યાં ભાઈ અને માતાને ભેગા કરીને પોતાની વાત કરે છે. જગતમાં અનિષ્ટ આવી રહ્યું છે. પાતાળખંડમાં પણ હોરમાં વાજાં વાગે છે, અને ત્યાં પણ લગ્નની તૈયારીઓ ચાલે છે. હીરાપણ અને મારો પુત્ર નેપજી ગોરણાગઢમાં આપણી ભાણી તેરસીને પરણવા આવી રહ્યો છે. આ બાજુ આપણી ભાણેજ છે, અને પેલી બાજુ આપણો દીકરો છે. આપણે મામેરાં કઈ રીતે કરવાં ? કળિયુગ આવી ગયો છે તેનું પ્રમાણ આપણને અહીં જ મળી ગયું છે. કુંતામાતા કહે છે, પુત્રો, કળિયુગ તો આપણામાં પ્રવેશી ગયો જ છે. હવે અનેક પ્રકારે આપણું સત ચૂકવશે. આમેયે નેપજીની જાન આવી રહી છે ત્યારથી આપણું અડધું સત ચાલી ગયું છે. ‘પાંડવો હિમાલયના પંથે’માં ભગવાન કૃષ્ણ પાંડવોને કહે છે, કે જે થવું હોય તે થાય પણ મામેરાં પૂરાં કરો. અર્જુન સાપલી સાડી લાવીને મામેરાનાં લોકોની વચમાં ઉકેલવા માંડ્યો છે. સાવ સોનાની સાડી, સોનાના તારથી ભરેલી, વેલની ભાત જોઈને સૂર્ય ઝાંખો થાય છે. બધી જ તૈયારી હોવા છતાં પાંડવો મામેરું ભરી શક્યા નહીં. મામેરાના લોકો એક પછી એક વિખરાવા લાગ્યા છે. પાંડવો હિમાલય જવાની તૈયારી કરવા લાગ્યા છે. માતા કુંતા, સતી દ્રોપદી અને પાંચ પાંડવો હિમાલયના મારગે મારગે જવા લાગ્યાં છે. તેઓ પોતાની કરણી પ્રમાણે સુખદુઃખ સહતા હિમાલય સુધી આવી પહોંચ્યાં છે. બધાં એકબીજાની સામે જુએ છે અને વાતો કરે છે. ભીમ બરફમાં ગળતો જાય છે. એક બાજુ ગળતો ગળતો નકુળ બૂમો પાડે છે તો બીજી બાજુ સહદેવ ઓગળે છે. યોદ્ધા અર્જુનની પણ એ જ ગત થાય છે. થોડે દૂર જતાં તો કુંતામાતા અને દ્રૌપદી ગળવા લાગ્યાં છે. સત કરણીથી ધર્મરાજા એકલા જ હિમાલયને પાર કરી વૈકુંઠપુરીમાં જાય છે. વૈકુંઠમાં ભગવાન અને ધર્મરાજા સાથે મળી આનંદ કરે છે. છેલ્લી પંખડી ‘રાધા અને સાંવરા’માં કૃષ્ણ રાધાને કહે છે, કે રાણી તું, ખાજે, પીજે અને મોજ કરે જે, હું દ્વારકા જાવ છું છ માસે પાછો આવીશ. રાધા કહે છે, કે હું તમારા વગર એક પળ પણ જીવી શકીશ નહી. કૃષ્ણ તેને પોતની અંગુઠી આપે છે. રાધા રોજ યાદ કરવાનું વચન આપે છે. કૃષ્ણ વિચારે છે, કે લાવ રાધાની પરીક્ષા કરું. કૃષ્ણ મણિયારાનો વેશ ધારણ કરીને નગરમાં હાથીદાંતના ચૂડા વેચવા લાગે છે. રાધાની દાસીઓ હાથીદાંતના ચૂડા લેવા જાય છે. મણિયારો તે ચૂડા આપતો નથી. તે કહેશે કે, આ ચૂડો તો રાધાગોરી માટે જ છે. આમ, રાધા ચૂડો લેવા જાય છે. ત્યાં તે મણિયારાનુ રૂપ જોઈને મોહીત થઈ જાય છે. રાધા કૃષ્ણના ફોટો તેમની આપેલી અંગુઠી પણ ફેકી દે છે. તે મણિયારાના પ્રેમમાં પડી જાય છે. થોડા દિવસ પછી મણિયારો કૃષ્ણનો વેશ લઈને આવે છે. તે રાધાને પોતાનો ફોટો અને અંગુઠી માગે છે. ત્યારે રાધા જુદા જુદા બહાના બનાવે છે. છેલ્લે તે કહે છે કે અંગુઠી મારા પેટમાં છે. ત્યારે કૃષ્ણ સૈનિકોને આદેશ આપે છે. કે રાધાનું પેટ ચીરીને અંગુંઠી બહાર કાઢો ત્યારે રાધા એકવાર મને જીવતી છોડ, તમે જીત્યા અને હું હારી. હું તો તમારા પર જ નિછાવર થઈ છું. રાધા જાણતી હતી કે મણિયારો તે બીજુ કોઈ નહી પણ કૃષ્ણ જ હતા. આમ, અહીં ‘ભીલોનુ ભારથ પૂર્ણ થાય છે. આમ, ‘ભીલોનું ભારથ’ લોકમહાકાવ્ય માં કુલ ર૭ જુદા જુદા પ્રસંગો એક પછી એક આવે છે અને આ દરેક પ્રસંગ એક બીજા પ્રસંગ સાથે જોડાયેલા છે. ‘શાન્તનુ અને ગંગા’ થી શરૂ કરીને ‘રાધા અને સાંવરા’ સુધી કુલ ર૭ પ્રસંગોમાં ‘ભીલોનુ ભારથ’ વિસ્તારાયેલુ છે. અહીં કથા એક સળંગ પ્રવાહની જેમ વહેતી જાય છે. પરંતુ થોડા પ્રસંગોમાં તૂટકતાનો અનુભવ થવા લાગે છે. જેમકે, ‘દ્રૌપદી અને વાસુકી પ્રસંગ પહેલા આવેલો છે અને ત્યાર બાદ તેના પછી એજ પ્રસંગમાં દ્રૌપદી પાંડવોને વનમાંથી મળે છે. તેવું દર્શાવવામાં આવ્યું છે. આમ, અહીં સળંગસુત્રતા જળવાતી નથી. બાકી બીજા બધા પ્રસંગો એક પછી એક ઢાળમાં વહેતા જાય છે. ‘ભીલોનું ભારથએ મૌખિક લોકમહાકાવ્ય છે. ડૉ. ભગવાનદાસ પટેલે તેને ભીલી ભાષામાંથી ગુજરાતી ભાષામાં રૂપાંતર કરેલ છે. ડૉ. ભગવાનદાસ પટેલના અખંડ પરિશ્રમ બાદ આ લોકમહાકાવ્ય આપણને પ્રાપ્ત થાય છે. ‘ભીલોનું ભારથમાં દરેક પ્રસંગનું આગવું મહત્ત્વ છે અને તેના આધારે તે પ્રસંગોને સબટાઈટલ પણ આપવામાં આવ્યું છે. જેમ કે, પહેલા પ્રસંગમાં શાન્તનુ રાજા અને ગંગાની વાત કરવામાં આવી છે. શાન્તનુ રાજા અલગ અલગ અવતાર લઈને છેલ્લે ગંગા સાથે લગ્ન કરે છે. ગંગા તેમને વચને બાંધે છે અને છેલ્લે વચન ભંગ થતાં ગંગા શાન્તનુ રાજાને છોડી જાય છે. આમ, આ પંખડીમાં શાંન્તનુ રાજા અને ગંગાના જીવનની વાત કરવામાં આવી છે. આથી, તે પંખડીનું સબટાઈટલ ‘શાન્તનુ અને ગંગા રાખવામાં આવ્યું છે. આમ, દરેક પંખડીનું સબટાઈટલ તેમાં આવતા પ્રસંગ, પાત્ર, કાર્ય વગેરેને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. સંદર્ભ ગ્રંથો:
*************************************************** સોલંકી મિહિરકુમાર નરોત્તમભાઈ |
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |