logo

पतलृ गतौ અકર્મક કે સકર્મક ?



પ્રસ્તાવના :

         પ્રાતિશાખ્ય, નિરુક્ત તથા મહાભાષ્યમાં ચાર પ્રકારના પદનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ વાક્યપદીયની નીચેની કારિકામાં જણાવાયું છે કે કેટલાંક આચાર્યો નામ અને આખ્યાત એ બેને જ પદ માને છે કેટલાંક નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત આ ચારેયને પદ માને છે. તથા કેટલાંક ઉપરોક્ત ચાર પદની સાથે પાંચમો પ્રકાર કર્મપ્રવચનીયને પણ માને છે.

द्विधा कैशिचत्पदं भिन्नं चतुर्धा पञ्चधाडपि वा।
        अपोद्धृत्यैव वाक्येभ्यः प्रकृतिप्रत्ययादिवत् ।। वा. प.3/1

        જ્યારે પાણિનિ સુબન્ત અને તિઙન્ત પદોને જ માને છે. તથા નિપાત અને ઉપસર્ગોનું વ્યાખ્યાન અલગથી કર્યુ છે. પરંતુ એ પણ સ્પષ્ટ છે કે “सुप्तिङन्तं पदम्” થી ચારેય પ્રકારનાં પદોનું ગ્રહણ નથી થતું.

        જો કે ભાષામાં નામ અને આખ્યાત અર્થાત્ સુબન્ત અને તિઙન્ત પદોનો-પ્રયોગ થાય છે તેટલો ઉપસર્ગ અને નિપાતનો નથી થતો કદાચ એ વાતને ધ્યાનમાં રાખીને જ પાણિનિએ सुप् અને तिङ् પ્રત્યયોનો પ્રયોગ થાય છે. ધાતુ શબ્દનાં અનેક અર્થો છે. પરંતુ વ્યાકરણ સમ્બન્ધી ધાતુ શબ્દનો પ્રયોગ ક્યારથી થયો તે કહેવું કઠિન છે. તો પણ વૈદિક સાહિત્યના ગોપથ બ્રાહ્મણમાં આ પ્રમાણે ધાતુ શબ્દનો ઉલ્લેખ મળે છે.

ओंकारं पृच्छामः, को धातुः, किं प्रातिपदिकं, किं नामाख्यातं,
                 किं लिङ्गम्, किं वचनं, का-विभक्तिः, कः प्रत्ययः। (गोपथ ब्राह्मण 1/24)

ધાતુ શબ્દનું નિર્વચન
“માધવીયા ધાતુવૃત્તિ” માં ધાતુની વ્યુત્પતિ આ પ્રમાણે આપી છે.

        “दधाति = धारयति क्रियारूपमर्धम्, भ्वादिगणपाठमर्यादां च, दधाति सर्वं नाम धातुजमाह इति सिद्धान्तात् निष्पादनद्वारा प्रातिपदिकानि पुष्णातीति वा धातुः। તેમાં આગળ જણાવ્યું છે કે “शब्दशास्त्रेडस्मिन् संकेतकरणात् पारिभाषकोडयं धातुशब्दः माधवीय धातुवृत्ति भूमिका 2-पृ-25.

ऋग्वेद પ્રાતિશાખ્યમાં ધાતુનું લક્ષણ આ પ્રમાણે આપવામાં આવ્યું છે.
“तदाख्यातं येन भावं स धातुः।”

અર્થાત્ જે શબ્દથી ભાવ અથવા ક્રિયા કહેવાય તેને ધાતુ અથવા આખ્યાત કહેવાય છે.
ધાતુનાં બે સ્વરૂપ સકર્મક અને અકર્મક :
સંસ્કૃતભાષાના બધાં જ ક્રિયાવાચક ધાતુઓને સકર્મક, અકર્મક અને દ્વિકર્મક એવા ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.

સકર્મકની પરીભાષા :-

જે ધાતુના ફળ અને વ્યાપાર એ બન્ને અંશો ભિન્ન-ભિન્ન અધિકરણમાં રહે તે ધાતુ સકર્મક કહેવાય-અર્થાત્ ક્રિયા કરનારો અને જેની ઉપર ક્રિયા થતી હોય તે બન્ને અલગ-અલગ હોય તેવા ધાતુને સકર્મક કહેવામાં આવે છે.
દા.ત. ‘‘देवदत्तः तण्डुलान् पचति’’ અહીં पच् (રાંધવું) ધાતુનું ફળ તણ્ડુલમાં (ચોખા ઢીલા થઈ ભાત બને છે તે પ્રક્રિયામાં) અને વ્યાપાર દેવદત્તમાં (રાંધવાની ક્રિયા કરનાર) આશ્રિત હોવાથી पच् ધાતુ સકર્મક છે.

અકર્મકની પરિભાષા :-
ફળ અને વ્યાપાર બન્નેનું સમાનાધિકરણ હોવું તે અકર્મકત્વ છે.
એટલે કે જે ધાતુના ફળ અને વ્યાપાર એક જ અધિકરણમાં હોય તેને અકર્મક કહેવાય. દા.ત. देवदतःशेते।)

અહીં શયનનું ફળ અને શયનરૂપ વ્યાપાર બન્ને બન્ને દેવદત્ત આશ્રિત છે. માટે આ ધાતુ અકર્મક કહેવાશે.

સકર્મક ધાતુ ક્યા કારણોથી અકર્મક બને?
ધાતુઓના સકર્મકત્વ અને અકર્મકત્વના વિષયમાં આચાર્યોએ એ વિચાર પણ કર્યો છે કે કોઈ ધાતુ કોઈક અવસ્થામાં સકર્મકમાંથી અકર્મક અથવા અકર્મકમાંથી સકર્મક બની શકે છે.૮, જેમાં સૌથી સ્પષ્ટતા પૂર્વક ભર્તૃહરિએ વાક્યપદીયમાં જણાવ્યું છે. જેમાં તેમણે ચાર મુખ્ય હેતુ બતાવ્યા છે કે જેના કારણે સકર્મક ધાતુ અકર્મક બની જાય છે.

  1. ધાતુ તેના પ્રસિદ્ધિ અર્થને છોડીને અન્ય અર્થમાં પ્રયુક્ત થાય ત્યારે દા.ત ‘‘नदी वहति’’ આ પ્રયોગમાં वह् ધાતુ તેના પ્રસિદ્ધિ અર્થ ‘લઈ જવું’ છોડીને વહેવું અર્થમાં પ્રયોજાવાથી અકર્મક થઈ ગયો છે.
  2. ધાતુના અર્થમાં જ કર્મનો અન્તર્ભાવ થવાથી ધાતુ અકર્મક થઈ જાય છે. જેમ કે जीवति વગેરે પ્રયોગમાં અહીં जीव ધાતુના અર્થમાં જ કર્મ પ્રાણનો સમાવેશ થવાથી जीव धातु અકર્મક થયો છે.
  3. પ્રસિદ્ધિને કારણે પણ સકર્મક ધાતુ અકર્મક બની જાય છે. જેમ કે जलं वर्षति देवः। ના સ્થાને वर्षति (વરસે છે) એવો પ્રયોગ પ્રસિદ્ધિના કારણે અકર્મક ધાતુનો પ્રયોગ માનવામાં આવે છે.
  4. કર્મની विवक्षा ન હોવાથી પણ સકર્મક ધાતુ અકર્મક બની જાય છે? જેમ કે “डुदाञ्दाने”૧૦ ધાતુ સકર્મક છે પણ “दाक्षितो न ददाति, न पचति, न जुहोति” (સંન્યાસની દીક્ષા લીધેલ વ્યક્તિ નથી આપતો, નથી રાંધતો કે નથી હવન કરતો) અહીં આ પ્રયોગમાં આપવું, રાંધવું, અને યજ્ઞ કરવો આ ધાતુઓ સકર્મક હોવા છતાં પણ કર્મની અવિવક્ષાથી અકર્મક છે.

ઉપરાન્ત મહાભાષ્યકારે કહ્યું છે કે “अकर्मकाः अपि वै धातवः सोपसर्गाः सकर्मका भविन्त।”૧૧ દા.ત. √ भू सत्तायाम् ધાતુ અકર્મક છે. પરંતુ भू ધાતુને अनु ઉપસર્ગ લાગીને अनु ઉપસર્ગ પૂર્વકનો भू ધાતુ સકર્મક બને છે.

નાગેશ ભટ્ટ ધાતુના સકર્મકત્વ વિષયમાં જણાવે છે કે वस्तुतस्तु शब्दशास्त्रीय कर्मसंज्ञकार्थान्वयर्थकत्वं सकर्मकत्वम्।૧૨ અર્થાત્ વ્યાકરણશાસ્ત્ર અનુસાર જે ધાતુનો અર્થ કર્મ સંજ્ઞક અર્થથી અન્વિત થયેલો હોય તે સકર્મક માનવો.

पत् ધાતુ સકર્મક કે અકર્મક ?
पत्૧૩ ધાતુ (પડવું) અર્થમાં સકર્મક અને અકર્મક બન્ને છે. નાગેશ ભટ્ટે વિભિન્ન પ્રયોગોને આધારે સકર્મક અને અકર્મક માન્યો છે. સકર્મકનું ઉદાહરણ છે. नरकं पतितः। (નરકમાં ગયો /પડ્યો) અહીં નરકની કર્મ સંજ્ઞા થવાથી पत् ધાતુ સકર્મક કહેવાશે. નાગેશ ભટ્ટે પરમ લઘુ મંજૂષામાં સ્પષ્ટ કહયું કે गम् ધાતુની જેમ पत् ધાતુ પણ સકર્મક છે.૧૪

नरकं पतितः વગેરે પ્રયોગો થવાથી नरकं पतितः। માં દ્વિતીયાતત્પુરુષ સમાસ થઈને રૂપ બનશે नरकपतितः સમાસ સૂત્ર છે.
“द्वितीयाश्रितातीतपतितगताष्यस्तप्राप्तापन्नैः” (पा. ૨/૧૨૪)

એજ રીતે पंचमीतत्पुरुष સમાસમાં पत् ધાતુના પ્રયોગમાં पत् ધાતુ અકર્મક પણ માની શકાય છે? જેમ કે “स्वर्गात्पतितः” સ્વર્ગમાંથી પડયો. સમાસ વિધાયક સૂત્ર છે.
अपेतापोढमुक्तपतितापत्रस्तैरल्पशः। (पा. ૨/૧/3૮)
પરંતુ આ પંચમી તત્પુરુષ ક્યાંક ક્યાક નથી પણ થતો એવું કાશિકાકારે કહ્યં છે-
पञ्चमी समस्यते न सर्वा प्रासादात्पतितः। (का. ૨/૧/૩૮)

पत् ધાતુ ક્યારે અકર્મક બને?
पत् ધાતુના સકર્મકત્વની વાત કર્યા પછી નાગેશભટ્ટ જણાવે છે કે સકર્મકત્વની જેમ આ ધાતુનું અકર્મકત્વ પણ જોવા મળે છે. તેઓ જણાવે છે કે વિભાગથી ઉત્પન્ન સંયોગમાત્ર અર્થ માનવાથી આ ધાતુ ‘‘અકર્મક’’ બને છે. જેમ કે “वृक्षात् पर्णं भूमौ पतति।” (વૃક્ષ પરથી પાંદડુ ભૂમિ ઉપર પડે છે.) આ પ્રયોગમાં વૃક્ષથી છૂટુ પડવું (વિભાગ) અને પૃથ્વી સાથે સંયોગ માત્રનો વ્યાપાર માનવાથી ફ્લાંશ નો અભાવ થવાથી તેના આશ્રય કર્મનો પણ અભાવ થઈ જશે. એ રીતે કર્મસંજ્ઞક પદાર્થની સાથે અન્વિત ન હોવાથી पत् ધાતુને અકર્મક માની શકાશે.૧૫

આમ, નાગેશ ભટ્ટે સકર્મક અને અકર્મકને સાર્થક માન્યા છે. તેમના અનુસાર વ્યાકરણાસ્ત્રમાં ઉક્ત કર્મ-સંજ્ઞાથી યુ્ક્ત ધાતુ સકર્મક છે અને તેનાથી રહિત અકર્મક છે. વસ્તુતઃ સકર્મક અકર્મક સાપેક્ષ શબ્દ છે. અને એક બીજાનું સ્વરૂપ ધારણ કરતાં રહે છે.

સન્દર્ભ ગ્રન્થ સૂચિ.

  1. अक्षरसमुदायः पदम् अक्षरं वा तच्चतुद्र्धा
    नामोख्यातोपसर्गनिपाताः। वा.प्रा.शा. 8/50-53
  2. तद्यान्येतानि चत्वारि पदजातानि नामाख्याते
    चोपसर्गनिपातश्च तानीमानि भवन्ति। निरुक्त 1/1/1
  3. चत्वारि पदजातानि नामाख्यातोपसर्ग निपाताश्च। महा. भा.१ पस्पशाहि्नक
  4. सुप्तिङ्न्तं पदम् । पा. 1/4/14.
  5. स्वार्थफल व्यधिकरण व्यापारवाचित्वम्, स्वार्थव्यापार-व्यधिकरण
    फलवाचकत्वं वा सकर्मकत्वम्। (वै.भू.सा. पृ-87)
  6. फलसमानाधिकरणव्यापारवाचकत्वमकर्मकत्वम् (प.ल.म.पृ.42.)
  7. દ્વિકર્મક ધાતુઓ अकथितञ्च |1-4-56 |પા.સૂત્ર| અંતર્ગત ૧૬ માનવામાં આવ્યા છે. પરંતુ અહીં વિસ્તાર ભયના કારણે ચર્ચા કરી નથી.
  8. મહાભાષ્ચકારે ૩/૧/૮ માં આ વિશે વિસ્તાર પૂર્વક કહ્યું છે
  9. નાગેશભટ્ટે महा.भा.प्र 9/3/27માં આ વિશે વાત કરી છે
  10. ધાતુપાઠ જુહોત્યાદિગણ.
  11. महाभाष्य 3/1/107.
  12. પરમલઘુ મંજૂષા – પૃ.૪૨
  13. पत्लृ गतौ धातुपाठ भ्वादिगण
  14. पतिर्गमिवत्सकर्मकः। नरकं पतितः इत्यादि प्रयोगात्)
  15. तदनन्यर्थकत्वमकर्मकत्वम्। (प.ल.म – पृ-44)
  16. अष्टाध्यायीसूत्रपाठ ले. पाणिनि सं. ब्रह्मदत्तजिज्ञासु, प्रका. रामलालकपूर ट्रस्ट, बहालगठ (1985.)
  17. काशिका – वामनजयादित्य, सं.शोभितमिश्र, चौखम्बा संस्कृत पुस्तकालय – बनारस (1952)
  18. गोपथब्राह्मणम् मूलमात्रम् सं-विजयपाल, सावित्रीदेवी बागडीया ट्रस्ट- कलकता 1980
  19. धातुपाठः पाणिनी, रामलाल कपूर ट्रस्ट, अमृतसर (1982)
  20. नागेशभट्ट का व्याकरण दर्शन चिन्तन- र्डा. प्रकाशचन्द्र, हंसा प्रकाशन
    चांदपाल बाजार, जयपुर – (2010.)
  21. परमलघुमञ्जुषा- नागेशभट्ट, पं. कालिका प्रसाद शुक्ल (ज्योत्सना टीका)
    संस्कृत महाविधालय बडोदा – सं – (2017)
  22. परमलघुमञ्जुषा – सं. अलखदेव, चौखम्बा अमरभारती प्रकाशन-वाराणसी,
    1981 (તત્વપ્રકાશિકા ટીકા)
  23. माधवीया धातुवृत्ति- सायणाचार्य, सं. स्वामी द्वारिकादास शास्त्री, प्राच्यभारती
    प्रकाशन- वाराणसी (1964.)
  24. व्याकरण महाभाष्य – भाग-1,3. सं-देवव्रतस्नातक सिद्धान्त शिरोमणि –
    हरियाणा साहित्यसंस्थान, गुरुकुल जज्जर रोहतक – 1963.
  25. वाक्यपदीयम्.
  26. संस्कृत व्याकरण दर्शन – रामसुरश त्रिपाठी, राजकमल प्रकाशन दिल्ली – (1972.)
  27. સંસ્કૃત વ્યાકરણ સંરચના. લે.ર્ડા. વસન્તકુમાર. મ. ભટ્ટ, સરસ્વતી પુસ્તક ભંડાર અમદાવાદ . (૧૯૯૦.)


*************************************************** 

પ્રા.ર્ડા. કિન્નરી ડી. પંચોલી
આસિ. પ્રોફેસર – સંસ્કૃત
સરકારી વિનયન કોલેજ – મણિનગર,
અમદાવાદ.

Previous index next
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us