logo

“શેત્રુંજીને કાંઠે” અને “બાળાપણની પ્રીત” પ્રેમકથા સંદર્ભે



     ઝવેરચંદ મેઘાણી(૧૮૯૬-૧૯૪૭) એટલે ગુજરાતી સાહિત્ય જગતમાં લોક સાહિત્યના ક્ષેત્રે ન ભુતો ન ભવિષ્યતિ જેવું નામ. ઓછા આયુષ્યમાં અઢળક સાહિત્ય આપનારા આ સર્જકને યોગ્ય રીતે જ “પહાડનું બાળક ” તરીકે ઓળખવામાં આવે છે.ગુજરાતના જ એક પ્રદેશ એવા સૌરાષ્ટ્રની ધરતીનું લોકસાહિત્ય તેમણે નિસ્બતપૂર્વક આપીને ગુજરાતી લોકસાહિત્યમાં અનોખું પ્રદાન કર્યું છે. ડૉ.રમેશ ત્રિવેદી તેમના માટે લખે છે-“એમના જીવનભરનું મહત્વનું કાર્ય એ સૌરાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં વસતા લોકોના કંઠમાં અને જીભ પર સચવાઈ રહેલા તળપદા સાહિત્યને અને એ રીતે લોકસંસ્કૃતિને જાળવી લેવાનું રહ્યું હતું.” એ યોગ્ય જ છે.તેમના મહત્વના લોકસાહિત્ય ઉપર એક નજર નાખીએ.

     લોકકથા – કંકાવટી(બે મંડળ),ડોશીમાની વાતો,દાદાજીની વાતો, રંગ છે બારોટ, સોરઠી બહારવટિયા(ત્રણ ભાગ),સૌરાષ્ટ્રની રસધાર (પાંચ ભાગ).

     લોકગીત - ઋતુગીતો,ચુંદડી:ગુર્જર લોકગીતો(બે ભાગ),રઢિયાળી રાત (ચાર ખંડ),સોરઠિયા દુહા,સોરઠી ગીતકથાઓ,સોરઠી સંતવાણી, હાલરડાં.

   લોકસાહિત્ય સંશોધન-વિવેચન- ચારણો અને ચારણી સાહિત્ય,છેલ્લું પ્રયાણ,પરકમ્મા,લોકસાહિત્ય:ધરતીનું ધાવણ (બે ભાગ),લોકસાહિત્ય..પગદંડીનો પંથ, લોકસાહિત્યનુ સમાલોચન,સોરઠને તીરે તીરે,સૌરાષ્ટ્રના ખંડેરોમાં.

     ઉપરોક્ત વિશાળ સાહિત્યમાં લોકસાહિત્યના વિવિધ રંગો ઝીલાયેલા છે જે સૌરાષ્ટ્રની અનોખી છબી રજુ કરે છે.આપણે જાણીએ છીએ કે લોકસાહિત્ય મુખ પરંપરાથી સાપડે છે,એમાંથી સમગ્ર સમાજનું ચિત્ર મળી રહે છે, કારણ કે તે પ્રજા અને સમાજનું સહિયારું સર્જન હોય છે.મેઘાણીએ સર્જેલા સાહિત્યમાં પણ સમાજના બધા સ્તરના લોકો વિશેનું આલેખન જોઈ શકાય છે. ઝવેરચંદ મેઘાણીએ પોતાની વ્યથા રજુ કરતા લખ્યું છે-“યથાશક્તિ મે મારા એક જ પ્રાંતની લોકવાણીનું આટલું સંશોધન ને દોહન કર્યું,મનોરથ તો ગુજરાતભરના જુના વાણી-પોપડા ઉકેલવાનો હતો. પણ એ તો મનની મનમાં જ રહી.”

      મેઘાણીને ઉપરની વેદના હોવાનું કારણ એ છે કે દરેક પ્રજાને પોતાનું આગવું સાહિત્ય હોવાનું જ. તેમણે સૌરાષ્ટ્રની પ્રજાનું સાહિત્ય આપણી સામે મુકીને તેમના નૈતિક મુલ્યો સહીત,માયા-મમતા,રાગ-દ્વેષ,કપટ,દોસ્તી-દુશ્મની,વિરતા,ત્યાગ-બલિદાન,સામાજિક લક્ષણોને રજુ કર્યા છે. તેમના લોકસાહિત્યમાં રજુ થયેલી પ્રેમકથાઓ પણ ધ્યાન ખેંચે છે. લોકોના કંઠે જીવેલી એ પ્રેમ કથાઓને મેઘાણી લોકબોલીમાં સુપેરે રજુ કરી શક્યાં છે. અહી હું તેમની ‘શેત્રુંજીને કાંઠે’ અને ‘બાળાપણની પ્રીત’ એ બે લોકકથાઓમાં રજુ થયેલ પ્રેમકથા સંદર્ભે વાત કરીશ.

     “શેત્રુંજીને કાંઠે” લોકકથામાં આણલદે અને દેવરાની વાત કરવામાં આવી છે.નાનપણથી જ બંને એકબીજાને પ્રેમ કરતા હતા. દેવરાની માને પણ આણલદે ગમતી હતી. પણ કોઈક તેને પોતાની હાલતનો એહસાસ કરાવતું-

“પણ ડોશી! તમે રાજા માણસ કાં થાવ?ક્યાં હરસુર આયરનું ખોરડું ને ક્યાં તમારો કૂબો!”

ત્યારે તે નિરાશ થઇ જતી. સમય જતા યુવાન થયેલાં આણલદે અને દેવરો હવે રોજની જેમ મળી શકતા નથી. આણલદેનાં પિતા હરસુખ આયર તો પોતાની પુત્રીને દેવરા સાથે પરણાવવા તૈયાર છે પણ આણલદેની મા માનતી નથી અને આણલદેનાં લગ્ન ઢોલરા સાથે થઇ જાય છે. રૂપાળા ઢોલરાને બધાજ પસંદ કરે છે પણ આણલદેની સ્થિતિ કંઇક આવી છે-

“આ ભાઠાળા ભમે,(ઈ)રૂપાળાસું રાચું નહિ,
     (તું)ડોલરિયો થઈને, માણ ને માંડવ દેવરા!”

“અરે દેવરા આંહી ભમનારા આયરો રૂપાળા છે,પણ એ નાદાનોના રૂપથી હું રાજી નથી.તું માંડવા નીચે શીદ નથી મહાલતો?”

     દેવરો કહે છે-“હવે તો ભૂલી જાવ ને અંજણ દાણો-પાણી લખ્યાછે તેની સાથે ફેરા ફરો , કંસાર જમો,સંસાર માંડો.” દેવરો લાચાર છે,પોતાની ગરીબી તેને નડે છે. પણ આણલદેને તો આ લગ્ન મંજુર જ નથી. વર-કન્યા કંસાર જમવા બેસે છે ત્યારે પણ આણલદેની સ્થિતિ કંઇક આવી છે-

“ચોરી આંટા ચાર,(હું)ફડફડતે દલડે ફરી,
      (પણ)કેમ જમું કંસાર,દ:ખ મને મું દેવરો। "

“શેત્રુંજીને કાંઠે ઝાડવે ઝાડવાની ને જળની માછલીઓની સાખે મેં જેની સાથે એક ભાણે બેસીને રોટલા ઘડવાના મીઠાં કોલ દીધા એ પુરુષને ત્યજી હું આજ કોની સાથે કંસારના કોળિયા ભરવા બેઠી છું? અરેરે,આયરાણીનાં બોલનું શું આટલુ જ મૂલ!”

બંને પ્રેમીજનોની વિખુટા પડવાની ઘટનાને મેઘાણીએ કરુણતાથી રજુ કરી છે, લગ્નની પહેલી રાતે ઢોલરો ચોટલો ગુથવાને બહાને આણલદેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે તો-

“ચોટો ચાર જ હાથ,ગૂંથ્યો ગોરે માણસે,
          (એના)ગુણની વાળેલ ગાંઠ,દોરો છોડે દેવરો."

“આયર આ ચોટલામાંતો બીજા હાથનો દોરો ગુથાઈ ગયો અને ક્યારની એ ગાંઠ વળી ગઈ. હવે તું આઘેરો રે’જે.સંસારને સંબંધે હું તારી પરણેતર ઠરી છું ખરી,ને મરીશ ત્યાં સુધી તારા ઘરમાં રહી,તારા ગોલાપાં કરીશ,પણ તારો ને મારો છેડોય અડવાના રામ રામ જાણજે.”

     ઢોલરાની પત્ની તરીકેની બધીજ ફરજ એ નિભાવ્યે જાય છે અને હંમેશા પોતાના પ્રેમી દેવરાને યાદ કરતી જાય છે,આ તરફ દેવરાની હાલત પણ આણલદે જેવી જ છે,તે સતત વેદનાના વિયોગમાં ઝૂરી રહ્યો છે,પતિ તરીકે ઢોલરો માણસાઈ જાળવનારો નીકળે છે અને પોતાની પત્ની દેવરાને સોંપવા દેવરાને ઘરે આવે છે અને દેવરાને કહે છે-

“હૈયાના હેતથી તને વરેલી ઈ તારી પરણેતર,મે ભૂલથી વેચાણ લીધેલી।વહેવારને હાટડે માનવી વેચાતાં મળે છે, પણ માનવીએ માનવીએ ફેર છે એની મને જાણ નહોતી,દેવરા દેવરા જરાય અચકાઇશ માં,હું પરણ્યો ત્યારથી જ એ તો માં જણી બોન રહી છે.”

સામે પક્ષે દેવરો પોતાની બંને બહેનોને ઢોલરા સાથે પરણાવે છે અને કહે છે-“ ઢોલરા ,ભાઈ દીકરીઓ તો દેવાય પણ પોતાની પરણેતરને પાછી આણીને સોંપી દેવી,એતો મોટા જોગીજતિથીએ નથી બન્યું. હું બે આપું છું,પણ તારી ઢાલ (તારું લેણું) તો મારા પર બાકી જ રહેલી જાણજે.”

      મનના મિલનને અહી મહત્વપૂર્ણ ગણાયું છે.ઢોલરાને વરેલી આણલદે ઢોલરાને મનથી પતિ માની શકતી નથી અને ઢોલરો પણ આણલદેના પ્રેમને મહત્વ આપીને તેના પ્રેમી દેવરાને તેની સોંપણી કરે છે.પત્ની હોવા છતાં ઢોલરાને મન આણલદે બહેન સમાન રહી અને દેવરો આણલદે પરણી ન શક્યા હોવા છતાં એકમેકને મનથી વરેલા રહ્યા.એટલે જ તેમનો પ્રેમ અહીં જીતે છે.આણલદેને સોંપવા આવેલા ઢોલરા સાથે દેવરો પોતાની બે બહેનને પરણાવે છે. સુખદ અંત ધરાવતી આ પ્રેમકથામાં બધાજ પાત્રો માનવીય મુલ્યોને જાળવી રાખે છે અને માણસનાં મનની-લાગણીની કદર કરી રહે છે.બલિદાન ત્યાગની ભાવના અહી સ્પષ્ટ જોઈ શકાય છે.

      “બાળાપણાની પ્રીત ” લોકકથામાં વીજાણંદ અને શેણીની વાત આવે છે. અનાથ વીજાણંદ જંતર વગાડવામાં હોશિયાર છે. જંગલમાં ફરતા ફરતા તેણે પોતે જ આ જંતર બનાવેલું.

“જંતર મોટે તુંબડે,બત્રીસે ગમે,
           છત્રીસ લવણ રમે વીજાણંદને ટેરવે.”

મોટા તુંમડાવાળું એ બિન એમાં બત્રીસ તો ગમા ગોઠવેલા,અને એમાંથી છત્રીસ જુદી જુદી રાગીણીઓ વીજાણંદનાં ટેરવાનો સ્પર્શ થતાં કલ્લોલ કરી રમવા લાગે છે.”૧૦

     એકવાર ગોરવિયાળી ગામે આવીને વીજાણંદે પનિયારી પાસે પાણી માંગ્યું તો એક કન્યા કદરૂપા વીજાણંદને જોઇને બીજી સ્ત્રીને કહે છે-

“બીન,ઈને પાણી પાજે,મું તો ઇનો વહરો રૂપ ભાળે ને ફાટે મરાં,બાઈ.”૧૧(એજન-પૃ.૧૧૦)

વીજાણંદ એ ગામનાં માલધારી પરજીયા ચારણ વેદા ગોરવિયાળાને ત્યાં રાતવાસો કરે છે ત્યારે ખબર પડે છે કે પેલી પાણી ન પાનારી રૂપાળી છોકરી વેદાની છોકરી શેણી છે,રાતે વીજાણંદે જંતર બજાવીને બધા ઉપર જાદુ કર્યો પછી અવાર નવાર તે ગોરવિયાળી ગામે આવતો.શેણી વીજાણંદને ચાહવા લાગે છે-

“જેને કદરૂપો કહીને,અને જેના મોં થી બી જઈને કુવાને કાંઠેથી શેણી ભાગી નીકળી હતી,તેનું ગુપ્ત સ્વરૂપ હવે શેણીએ એના ગુણભર્યા સંગીતમાં નીરખ્યું,નીરખીને ગાંઠ વાળી લીધી કે બીજા બધા તો ભાઈ-બાપ છે. બાપને તો સ્વપ્નેય ધારણા નહોતી કે આવા કદરૂપા જુવાન ઉપર પોતાની લાડકી દીકરીનું દિલ ચોંટી શકે,ફક્ત એક વીજાણંદે જ શેણીની નીચી ઢળતી આંખોમાં ને થરથર ધ્રુજતા હોઠમાં પ્રીતની છાની વાત વાંચી લીધી હતી.”૧૨

     વેદા ગોરવિયાળાએ ખુશ થઇને વીજાણંદને કઈ પણ માંગવા કહ્યું અને વીજાણંદે શેણીનો હાથ માંગ્યો પણ વેદો વીજાણંદ જેવા કદરૂપા-ભટકતા ભિખારીને પોતાની કન્યા આપવા રાજી નથી એટલે એની સામે શરત મુકે છે કે-

“નવચંદરિયું ભેસ્યું એક સો ને માથે એક,ભેળિયું કરીલે આવ્ય,એક વરસની અવધ્ય દેતો સાં.પોર બરાબર આ જ તથ્યે જો નો પોગાય,જો એક દીનું મોડું થાય,તો જાણજે કે આ ભવમાં શેણીનું મોંયે જોવા નૈ મળે.”૧૩

     વેદાએ દીકરીના મનને જાણવાનો પ્રયત્ન નહિ કર્યો. એતો વીજાણંદ સફળ ન થાય એમ જ ઈચ્છતો હતો એટલે જ ૧૦૧ નવચંદરી ભેંસ એટલે કે પુછડાને છેડે સફેદ વાળ,સફેદ મોં,સફેદ આંખો,લલાટમાં સફેદ ટીલું,અને આચળ સફેદ હોય એવી ૧૦૧ ભેંસો ભેગી કરી લાવવાનું કપરું કામ વીજાણંદને સોંપ્યું. શેણી પંખી-પ્રકૃતિને વિનંતી કરીને વીજાણંદને પાછો વાળવાનું કહે છે. શેણી તેની યાદમાં દુઃખી થતી રહે છે. વીજાણંદ નવચંદરી ભેંસ એકઠી કરવામાં દૂર નીકળી જાય છે,વરસ પૂરું થાય પણ આવતો નથી. એટલે વેદો ખુશ થાય છે. પણ શેણી પિતાને પોતાનો હિમાલય જઈને શરીર ગાળવાનો-ત્યાગવાનો નિર્ણય જણાવે છે.ત્યારે જ પિતાને શેણીનાં વીજાણંદ પ્રત્યેના પ્રેમની ખબર પડે છે.પિતા અને લોકો એને સમજાવે છે પણ તે માનતી નથી. હિમાલયના રસ્તે જતાં-જતાં ૧૮ વર્ષની શેણી બધાંને વીજાણંદનાં વાવડ પૂછે છે,ને એ રીતે તેને શોધતી રહે છે. અંતે તે હિમાલયમાં શરીર ગાળવા બેસે છે પણ તેનું શરીર ગળતું નથી કારણકે તે બાળકુંવારી છે,શેણી વીજાણંદનું પુતળું કરી એની સાથે પરણે પછી શરીર ગાળવા બેસે છે અને એનું શરીર ગળવા લાગે છે ત્યાં જ શેણીનાં નામની બુમ પાડતો વીજાણંદ આવી લાગે છે.તેને એક દિવસનું મોડું થયું હતું પણ શેણીનાં પિતાને ૧૦૧ નવચંદરી ભેંસો આપીને આવ્યો હતો. શેણી તેને કહે છે-

“હાંડા હેમાળ,ગળિયા જે ગુડા લગે,
   વીજાણંદ વળે,ઘણમુલા જાણે ઘરે."

“હે મહામુલા વીજાણંદ,મારા હાડકા ગોંઠણ ગોંઠણ સુધી તો આ હિમાલયમાં ઓગળી ગયા,માટે હવે તો હે મહામુલા વ્હાલા તું પાછો વળીને ઘેર ચાલ્યો જા.”૧૪

      પણ વીજાણંદ કહે છે-“તું લુલી થઇ ગઈ હોઇશ તોપણ હું તને કાવડમાં બેસારી ,મારી કાંધ પર ઉપાડી,અડસઠ તીર્થોની યાત્રા કરાવીશ, પાછી વળ.”

     સામે શેણી કહે છે-“હવે જો હું પછી વળું તો મારે તારી સાથે શરીર સંબંધ ન થઇ શકે ને પુત્ર વિના મને મરતી વેળા કોણ અગ્નિ મુકે?એટલે આવતો જન્મ પણ બગડે, માટે હવે આ એક જ જન્મ વણસ્યો એટલું બસ છે.”૧૫

      અહીં પુત્ર જ અગ્નિસંસ્કાર કરે તેવી ભારતની સામાજિક માન્યતાનો પણ આલેખ છે.ઓગળતી વખતે છેલ્લે શેણી વીજાણંદનું જંતર સંભાળવા ચાહે છે અને સાંભળતાં સાંભળતા જ શેણીનું સંપૂર્ણ શરીર ઓગળી જાય છે. વીજાણંદ ચારણ ખાલી હાથે પાછો ફરે છે.

     શેણી અને વીજાણંદ અહીં ભેગા થઈ શકતા નથી.શેણીના પિતાએ મૂકેલી શરત પૂરી કરવામાં વીજાણંદને એક વર્ષ અને એક દિવસ લાગે છે,પણ ત્યાં સુધીમાં તો શેણીએ વીજાણંદના વિયોગમાં જીવનનો ત્યાગ કરવાનું નક્કી કરીલીધું અને એક દિવસ મોડા પહોંચેલ વીજાણંદ શેણીને રોકવા હિમાલય પહોંચે છે પણ ત્યાં સુધીમાં તો શેણીનું અડધું શરીર ઓગળી ગયું હતું.શેણી વીજાણંદનું જંતર સાંભળતા સાંભળતા આખું શરીર ઓગાળી દે છે.બંનેએ ભેગા થવા માટે વર્ષ સુધી રાહ જોઈ પણ વીજાણંદ એક દિવસ મોડો પડ્યો અને બંને ભેગા થઈ શક્યા નહીં.આ પ્રેમકથાનો અંત કરુણ છે. સામાજિક મોભા ,અમીરી ગરીબીને કારણે બે પ્રેમીજનો ભેગા ન થઇ શક્યાં તેનું કરુણ આલેખન ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે.

     બંને લોકકથામાં પ્રયોજાયેલ સોરઠી બોલી કથાને રસાળ બનાવે છે.લોકસાહિત્ય હોવાથી અહીં આ સોરઠી બોલી અત્યંત મહત્વપૂર્ણ પાસું બની રહે છે.મેઘાણીનાં સમગ્ર સાહિત્યમાં આ બંને લોકકથામાં રજુ થયેલી પ્રેમકથા ગુજરાતી લોકસાહિત્યમાં મહત્વની બની રહે છે.

સંદર્ભ:

  1. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ,ડૉ.રમેશ ત્રિવેદી,આદર્શ પ્રકાશન-અમદાવાદ,શોધિત-વર્ધિત આવૃતિ-૨૦૦૫, પૃ.૧૮૫
  2. સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૫,ઝવેરચંદ મેઘાણી,ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય-અમદાવાદ,પુનર્મૂદ્રણ-૨૦૦૫,છેલ્લા પૂઠા ઉપર છપાયેલ લોક સાહિત્ય:ધરતીનું ધાવણનાં નિવેદનમાનું વિધાન
  3. એજન,પૃ.૭૭
  4. એજન,પૃ.૭૯
  5. એજન
  6. એજન,પૃ.૮૦
  7. એજન,પૃ.૮૪-૮૫
  8. એજન,પૃ.૯૧
  9. એજન
  10. એજન-પૃ.૧૧૦
  11. એજન
  12. એજન-પૃ.૧૧૨
  13. એજન-પૃ..૧૧૪
  14. એજન-પૃ.૧૨૨
  15. એજન-પૃ.૧૨૩


*************************************************** 

ડો. મનોજ માહ્યાવંશી
આસિ. પ્રોફેસર,
ગુજરાતી વિભાગ,
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ગવર્મેન્ટ કોલેજ
સિલવાસા-396230

Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us