logo

સામાજિક વિષમતા અને શોષિતોની વેદનાને વાચા આપતી કવિતા: ‘બહિષ્કૃત ફૂલો’

            નીરવ પટેલ દલિતધારાના પ્રમુખ કવિ છે. ‘burning from both ends’ અને ‘what did I do to be so black and blue’ જેવા કાવ્યસંચયો પ્રગટ કરનાર નીરવ પટેલનો 2006માં ‘બહિષ્કૃત ફૂલો’ કાવ્યસંગ્રહ પ્રગટ થયો છે.

            આ કવિની રચનાઓ તે પહેલા ‘આક્રોશ, સ્વમાન, સર્વનામ, નયામાર્ગ’ જેવા સામયિકોમાં પ્રગટ થઈ છે. નીરવ પટેલની કવિતાઓ અંગ્રેજી, હિન્દી, બંગાળી, ઉર્દુ, મરાઠી, કન્નડ વગેરે ભાષામાં અનુવાદિત થઈ છે. આ કવિની પાસેથી સંખ્યાની દ્રષ્ટિએ એક ગુજરાતી કાવ્યસંગ્રહ છે તેમ છતાં દલિતધારામાં તેમનું નામ અગ્રેસર છે. ઇ.સ. 1980 પછી નારીવાદે સમાજમાં પોતાના હક્કો, સ્થાન સ્થાપવાની વાત પર વધુ ઝોક આપ્યો છે. જ્યારે દલિતવાદે અન્યાય સામેનો આક્રોશ રજૂ કર્યો છે. દલિતધારાના આ કવિએ પોતે દલિત – પીડિતોનો લાભ લઈને ફરનારને પણ ખુલ્લા પડ્યા છે. બીજી આ કવિની કવિતામાં એ બાબત છે કે સાદી –સીધી સરળ લોકબોલીના વિનિયોગવાળી ભાષામાં તેમની કવિતા રજૂ થઈ છે. તેમ છતાં પોતાને જે કહેવું છે તે બરોબર વ્યક્ત થયું છે. નીરવ પટેલની અભિવ્યક્તિ એ આપણી પરંપરાગત–આધુનિક કવિઓ કરતાં જુદી છે, તે અર્થમાં પણ તે જુદો- મહત્ત્વનો કવિ છે.

            સમાજની બાદબાકી કરનાર આધુનિકોને પાછું ‘back to root’ તરફ આવવું પડ્યું. ને સમાજની વાત સાહિત્યમાં શરૂ થઈ. તે સમય એટલે આધુનિકોત્તર. નીરવ પટેલ તે સમયનો કવિ છે. સમાજમાં નિમ્નવર્ગની-દલિતોની સ્થિતિ તથા શોષિતોનું સ્થાન વગેરેનું આલેખન નીરવ પટેલની કવિતામાં (બહિષ્કૃત ફૂલો) ભારોભાર વ્યક્ત થયું છે. નીરવ પટેલનો ‘બહિષ્કૃત ફૂલો’ કાવ્યસંગ્રહની મહત્ત્વની કવિતાઓને આધારે સામાજિક વિષમતા- તથા શોષિતોની વેદનાની વાત કરવી છે.

            ‘બહિષ્કૃત ફૂલો’ની કવિતામાં ‘હું ને ડોશી’ એ મહત્વની રચના છે ગરીબ-દલિત ડોસો-ડોશી મત કોને આપવો ને કોણ કેટલા પૈસા આપશે ? તેની ચર્ચા કરે છે. એકબાજુ લોકશાહી દ્વારા સરકાર રચવાની સામે સમાજમાં ગરીબોનું સ્થાન – સ્થિતિ બન્નેયને આ કવિતા વાચા આપે છે. તેમના મતે ‘મત’-મતદાન એ કેવળ પૈસા –ખાવાનું આપવાનું સાધન છે કેમકે પછી ક્યારેય આ નેતાઓ મત લીધા બાદ પૈસા કે કંઈ લાભ આપવાના નથી. તે વાત કાવ્યમાં નિરૂપાઈ છે.

જુઓ –


‘તમે તો જનમના ભોળિયા, ડોહા-
વૈતરાં કુટી ખાવ.
હાંભર્યું સ માથાદીઠ દહ મલ સ ?
અન ગાંઠીયાનું પડીકું સોગામ.
મોટર મેલી જાય ન લૈ જાય
ઘૈડે-ઘૈડપણ જીવી લો બે ઘડી-
પોટલી પાંણી પીવું હોય તો પી લો.
વાલા નાંમેરીનું ભગવાંન ભલું કર –
પણ મત તો મનુભૈ ન.
જાવ, જૈ ન ભાવતાલ કરી આવો,
કે’જો ક બે સ :
હું ન ડોશી.’
(બહિષ્કૃત ફૂલો, પૃ.-4)

            પોતાના અમૂલ્ય- મતથી કોણ કેટલા પૈસા આપશે ને તેના દ્વારા બે દિવસનો ગુજારો કરી લેવાનું તથા તે માટે ભાવતાલ નક્કી કરવા માટે ડોસાને મોકલતી ડોશીના શબ્દો કાવ્યને સમાજિકતા અર્પે છે. આ કાવ્યમાં સામાજિક વિડંબના તથા સ્થિતિ બન્નેય રજૂ થઈ છે ને આ બધાને વ્યક્ત કરવામાં વપરાયેલી ‘બોલી’ કવિતાને નવી ઊંચાઈ આપે છે. જયારે ‘ફૂલવાડો’ કાવ્યમાં પ્રયોજાયેલ- ‘ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય’ જેવી પંક્તિ ગ્રામીણ લોકઉક્તિની યાદ આપવી દે છે. કાવ્યના અંતમાં વપરાયેલા શબ્દો જુઓ-

‘પણ આ ફૂલો નાથદ્રારમાં તો નહીં જ,
ગાંધીજીએ છો માથે ચઢાવ્યાં એમને./
કચડી કાઢો, મસળી કાઢો
આ અસ્પૃશ્ય ફૂલોને...’
(બહિષ્કૃત ફૂલો, પૃ.-3)

            અહીં ‘ફૂલો’ શબ્દ તથા તેના માટે પ્રયોજાયેલ વિશેષણ -‘અસ્પૃશ્ય’ સૂચક છે. તેનાથી કવિ કયા ફૂલોની વાત કરે છે તેનું સૂચન થઈ જાય છે. ‘બહિષ્કૃત ફૂલો’ની કવિતા વાંચતા ‘આનંદ’ કરતાં વિશેષ ભાવકને વિચારતો કરી દે છે.

            ‘મારો શામળિયો’ કાવ્યમાં ભગવાનનો આભાર એ અર્થમાં દલિત-ગરીબ પતિ માને છે કે પોતાની પત્નીને દીકરાના લગ્નમાં પહેરવા માટેનો સાડલો ‘જવાજોધ ગરાહણી ફાટી પડી’ – મુત્યુ પામી છે માટે તેની ઠાઠડી પર ઓઢાડેલ –ગવન (સાડલો) પોતાને મળશે ને પોતાનું કામ થશે, તે માટે ભગવાનનો આભાર મને છે. એકબાજુ કોઈ મુત્યુ પામ્યું છે તેનો આનંદ પણ તે પણ કયા અર્થમાં ? તે ભાવ ભાવકને જુદી દિશામાં લઈ જાય છે. આ કાવ્ય વાંચતા સુંદરમની ‘ભંગડી’ કવિતા યાદ આવે છે.

            ‘બહિષ્કૃત ફૂલો’ કાવ્યસંગ્રહની બીજી મહત્ત્વની બાબત એ કે તે સમાજના નિમ્નવર્ગનું જે શોષણ થાય છે તેને પણ વાચા આપે છે. મોહન પરમારની નવલકથા-વાર્તાઓમાં (થળી-વાર્તા) જે પ્રકારે દલિત સ્ત્રીઓનું સવર્ણો દ્રારા શોષણ થાય તેની વાત કરી છે. નીરવ પટેલે ‘દલિત દંપતિને ઠાલો દિલાસો’ કાવ્યમાં આ વાતને જુદી રીતે મૂકી છે. તે બન્નેય કાવ્યો જુઓ-


(1)

ઊકા ! મન તો તારે મોટું જ રાખવું પડશે,
રાજા રાંમની જેમ.
એટલે વારે વારે ના મેળવી જો મગલાના ચહેરાને
તારા કે તારા વડવાઓના ચાડા સાથે.
ને બચારી બાયડીને મારીને અધમૂઈ ના કર.
ઊકા ! મર્યા ઢોરના આંચળ ય મેઠા લાગે...
રે’વા દે, બાયડીને બાચારાં બચ બચ ધાવશે છોરાં.
ને અડે કાંઇ અભડાઇ જવાય, ઊકા ?
બાપડી બાયડીને આડી વાટે આંતરે
તે કાંઇ એનો વાંક-ગનો ?
ને વાતના વાવડ તો વખતે વેરાઈ જાય...
ઊકા ! સૂરજનાં છોકરાં ય સૂરજ જેવાં દીઠાં છે કદી ?’
(બહિષ્કૃત ફૂલો, પૃ.-40)


(2)

મેઠી ! મન તો તારે મોટું જ રાખવું પડશે;

સતી શીતાની જેમ.
એટલે વાડે ને વગડે
કે ઝાડે ને ઝાંખરે
છેડો તાણીને લોહીના ઊકાળા જેવો વલોપાત ના કર.

- * - * -

તું જ જો ને –
મા કાળકાનો પછેડો ન’તો પકડ્યો પતૈએ
ને બઇ જસમાનો છેડો ન’તો ઝાલ્યો રાજા સધરાજે ?
તો ય કાંઈ પાલવડે પડ્યા ડાઘ?
એમની તો પત રહી
ને એ... લોકમાં પંકાય ને પૂજાય.
મેઠી ! મન તો તારે મોટું જ રાખવું પડશે;
સતી શીતાની જેમ.’ (બહિષ્કૃત ફૂલો, પૃ.-40)

           
            એકબાજુ જાહેરમાં અસ્પૃશ્યતાને લીધે તેમને હડધૂત કરાય છે ને એકલામાં દલિત સ્ત્રીનું જાતીય શોષણ કરે છે ત્યારે અસ્પૃશ્યતા નડતી નથી. આ રચનાઓ સમાજની વિષમ પરિસ્થિતિને વાચા આપે છે. વર્ણ-વર્ગ-વાડાનો જે ભેદ ચાલે છે તેને નીરવ પટેલે કવિતામાં વારંવાર રજૂ ક્યો છે. નિમ્ન વર્ગના- દલિત- અભણ માણસ આ અન્યાય સામે અવાજ ઉઠાવી ન શકતો હોવાથી જ નીરવ પટેલે કવિતામાં કહ્યું છે કે –‘અભણ હોત તો સારું’ કારણકે આ અવમાનો- અન્યાયોની ખબર જ ન પડી હોત, તો હદયમાં શાંતિ રહેતી. પોતે ભણ્યા પછી જાણે છે (સમાજમાં સ્થિતિ જુદી છે) તે વાતનું દુઃખ છે. માટે જ ‘અમે સેકન્ડ કલાસ સિટિઝનો.’ કાવ્યમાં સમાજમાં ઉચ્ચ શિક્ષણમાં જે ઉપેક્ષિતોને અન્યાય થાય છે. તેને ખુલ્લો પાડ્યો છે. તે કાવ્યમાં કવિ કહે છે કે –


‘દલિત કવિ નામદેવ ઢસાળના ગોલપીઠે પડ્યા રહીશું.

તું તારે સરભરા કર તારા જ્ઞાનપીઠ ગૂર્જરેશ્વરની.’

(બહિષ્કૃત ફૂલો, પૃ. 59)

અહીં શોષણનો સૂર જુદો છે.

            તે ઉપરાંત ‘ગાંડગુલામી’, ‘વાહવાયાં’, ‘તારું નખ્ખોદ જજો હરિજનો’, ‘સૂંઢલ’, જેવા કાવ્યોમાં સામાજિક વિષમતા પ્રગટે છે. તેની સાથે દલિતોની સંવેદના- શોષણનો સૂર પણ રેલાયો છે.

            ‘ગાંડગુલામી’ કાવ્યમાં રજૂ થયેલ સંવેદના જુઓ- ‘હો બાપ અમે તો વાહવાયાં .../આમ તો એક હેડીના/પણ કાંઈ પટેલના પેગડામાં પગ ઘાલય?/ કે બાપુની ભેંસને ડોબું કહેવાય? બૈરી, છોકરાં, ગધેડાં, ચાકડો,નીંભાડો-/બધાં અમારે તો વાડમાં પડ્યાં ઉછરે,/ દા’ડીદપાડી, ઊછીઉધારાં, / કેડની કમાણી કે બાવડાંની બરકત/કલાડી-કોડિયાં કે ચરવો-ચપણીયાં-/બસ, એમ પેટવડીયે થાય તીસ દી’નો ગુજારો.’(બહિષ્કૃત ફૂલો, પૃ.-31)

            ઉપરના શબ્દો દલિતની સમાજમાં સ્થિતિ–પરિસ્થિતિ બન્નેયને રજૂ કરે છે. આ ઉપરાંત ‘જેસલપુર હત્યાકાંડ’, ‘મામાનું ઘર કેટલે’ જેવી રચનાઓ વાંચતાં સામાજિક ઈતિહાસમાંથી પ્રસાર થઈ રહ્યા હોય એવું લાગે છે. તેમાંથી પ્રગટ થતી સામાજિક વિષમતા- શોષણનું ચિત્ર આપણને વિચારતા કરી મૂકે છે. આ ઉપરાંત ‘મૈ જિહાદી બન જાઉંગા’, ‘મા મેં ભલા કે મેરા ભાઈ’ જેવી રચનાઓ હિન્દીમાં હોવા છતાં તેનો અવાજ આગવો છે. મુસલમાની-હિન્દી તેમજ ગુજરાતી – હિન્દી લઢણો-કાકુઓ પ્રયોજીને તે કાવ્યોમાં કવિએ અર્થ સિદ્ધ કર્યો છે.

            નીરવ પટેલની કવિતામાં વપરાયેલા તળની બોલીના શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, વાક્ય-પ્રયોગો ધ્યાનપાત્ર બન્યા છે.

જેમકે...

- ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય
- જે મલકાય જે મલકાય મારી હાહું...
- ઘર આખામાં ઘાઘરાની ગંધ...
- મહુડી ઢીંચીને અપમાન તો ગળી ગયો હોત ...
- લ્યા ભઈ, મેં તે શી ગાધડી ઝાલી
  કે આ જન્મારાની ગાંડગુલામી’

            વગેરે તેના ઉ.દા. છે. કવિએ સમાજનું વાસ્તવિક-વરવું ચિત્ર આપ્યું છે. તો પોતે આ કવિતા કેમ લખી શક્યા તેની પછાળ કવિએ નિવેદમાં કહ્યું છે કે – ‘વેઠી વેઠીને મોટી થયેલી માંહ્યલી પીડા જુદી દિશાએ એમને લઈ જાય છે.’(બહિષ્કૃત ફૂલો, નિવેદનમાં) ને પોતાની પીડાને આ કવિતામાં વાચા મળી છે. આ સંગ્રહ વિશે મણિલાલ હ. પટેલ કહે છે કે – ‘આ કવિતા સમાજને વર્ણવવા માગે છે- એ સમાજની દાંભિક્તાઓ, સગવડિયા નીતિ-અનીતિઓ અને વર્ણ/વર્ગ વ્યવસ્થાએ વાકરાવેલો રંજાડ- વગેરે દર્શાવીને આ કવિતા માનવતાવાદી તથા સમતામૂલક વ્યવસ્થાનો પક્ષ રજૂ કરે છે. એટલે સિતાંશુ યશશ્ચન્દ્રની વાત સાચી છે કે આ કવિતા ‘કવિ’ અને ‘કવિતા’ તથા એના કાર્ય વિશે પણ નવેસર વિચારવા ફરજ પાડે છે. (દલિત અધિકાર મંચ –અમદાવાદ : સમીક્ષા બેઠક) (‘ઘોંઘાટ વિનાનો અવાજ બનવા મથતી કવિતા’- ડો. મણિલાલ હ. પટેલ, તથાપિ-4, જૂન-ઑગસ્ટ,2006, પૃ. 58)

            અંતે ‘બહિષ્કૃત ફૂલો’ની કવિતામાં સાંપ્રત સમયનું ચિત્ર છે. શોષણનું ચિત્ર મળે છે. દલિત વર્ગના લોકોની સ્થિતિની સાથે, સાંપ્રત સ્થિતિને રજૂ કરે છે. સામાજિક વિષમતા અને શોષિતોની વેદનાને આટલી સરળ ભાષામાં અન્ય દલિત કવિમાં કદાચ ભાગ્યેજ બળવંતર રીતે રજૂ થઈ હશે! મણિલાલ હ. પટેલના શબ્દોમાં કહીએ તો ‘અન્યાય સામે ઘોંઘાટ કરવાને બદલે સ્વસ્થ રીતે એનું પરિણામ દર્શાવતી, ઘોંઘાટ વિનાના અવાજ બનવા મથતી નીરવની રચનાઓને બોલવા દઇએ એ જ સાચો પડઘો છે॰’ (એજન, પૃષ્ઠ-85)

સંદર્ભ:

  1. બહિષ્કૃત ફૂલો: (દલિત કવિતા): નીરવ પટેલ, પ્રકાશક : નીરવ પટેલ, વિતરક: ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, સ્વમાન ફાઉન્ડેશન ફોર દલિત લિટરેચર,પ્ર.આ. 2005
  2. આધુનિકોત્તર સાહિત્ય, સં. સુધા નિરંજન પંડ્યા, પ્રકાશક- ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર.આ.-2006
  3. ‘અનુ-આધુનિકતાવાદ અને આપણે’ - સુમન શાહ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્ર.આ.-2008 (લેખનું નામ- નીરવ પટેલ કૃત ‘બહિષ્કૃત ફૂલો –એક અર્થસૂચન’)
  4. ‘ગુજરાતી સાહિત્યમાં અનુ-આધુનિક પ્રવાહો’- ડો. મણિલાલ હ. પટેલ (શબ્દસૃષ્ટિ- ઑગસ્ટ,2004)
  5. ‘ઘોંઘાટ વિનાનો અવાજ બનવા મથતી કવિતા’- ડો. મણિલાલ હ. પટેલ (તથાપિ-4, જૂન-ઑગસ્ટ,2006)
  6. ‘૨૧મી સદી : પ્રથમ દાયકો : વિશેષાંક’- પરબ(સામયિક), જાન્યુઆરી-ફેબ્રુઆરી:૨૦૧૪


*************************************************** 

નીતિન રાઠોડ
આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
સીલવાસા કોલેજ (સરકારી કોલેજ),
સીલવાસા ઇન્સ્ટીટ્યુટ ઓફ હાયર લર્નિંગ,
નરોલી-396235- સિલવાસા,
યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગરહવેલી


Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us