‘અમે અહીંથી નહીં જઈએ’- સાંપ્રત મનુષ્ય જીવનની સમસ્યાઓ લેખકના નાટકો લગભગ ૨૦૦૫ થી પ્રકાશિત થવા લાગ્યા છે તેમાં ‘અમે અહીંથી નહીં જઈએ’ – ૨૦૧૩માં પ્રકાશન પામેલ નાટક છે. ‘જળને પડદે’ તથા ‘ધૂળનો સૂરજ’ બન્ને ચરિત્ર નાટકો છે.‘પશુપતિ’ અને ‘કામરું’ બન્ને જાતીય તેમજ મનોવૈજ્ઞાનિક અભિગમ ધરાવનાર નાટક છે જેમાં આધુનિક, આધુનિકોતર વલણો પણ રહેલાં છે.‘અંગુલિમાલ’ નાટકમાં પણ ચરિત્ર તો છે કિન્તુ પૌરણિક મનુષ્યનું આધુનિક માનવમાં થયેલું પરિવર્તન છે. ‘અમે અહીંથી નહીં જઈએ’ એ સામાજિક, સમસ્યાપ્રધાન, તથા સાંપ્રત સમયમાં અનુભવાતી મધ્યમવર્ગની કેટલીક સમસ્યા પીડાનું વક્રતાપૂર્વક કરેલું આલેખન છે. અન્ય નાટકો કરતા આ નાટકનું કથાવસ્તુ અલગ છે. યુવક અને યુવતી એવા બે પાત્રોના સંવાદથી ઉભુ થયેલું આ નાટક એક જ સ્થળ, સ્થિતિ અને વાચિક, સંવાદનું આલેખન છે. આ નાટકમાં આલેખિત સમસ્યા ભીતરના વ્યંગ સમઝવા જેવા છે જે આકર્ષણનું રૂપ બને છે. આજના બાળકોને ભણતર બોઝારૂપ લાગે છે. માતાપિતાની બાળકો પ્રત્યેની અભિલાષા, લીવઈન રીલેશનશીપનું યુવાનોમાં વધતું મહત્વ, સમાજમાં દીકરીઓને મળતુ પ્રાધાન્ય કે અવગણના, આજનું જીવનધોરણ અને તેને લઈને ઉભી થતી સમસ્યાઓ, મોંઘવારીના સમયમાં લગ્ન, બાળક, ભણતર જેવી જવાબદારીઓથી વેઠવી પડતી મુસીબતો સમાજ જીવન, રાજકારણ, પછાત વર્ગોને અનુભવાતી સમસ્યા, સરકારી નીતિ, પ્રજાકીય મનોવલણો વગેરે ને આ બધા વચ્ચે માણસનું બદલાતું જતું ભીતર, અસ્તિત્વ, વ્યક્તિત્વ – આ નાટકને સામાજિક તથા આધુનિક નાટક બનવા તરફ પ્રેરે છે. બે અંકોમાં રચાયેલું આ નાટક બન્ને અંકમાં જુદી જુદી પરિસ્થિતિને વ્યક્ત કરે છે પાત્રો એના એ અને સંવાદમાં આવેલો બદલાવ એ સૂચવે છે કે માણસનું જીવન ટેવવશ છે. જે પહેલાં અરુચિકર લાગે છે તે ધીમેધીમે ટેવને કારણે એકવિધતાને કારણે રુચિકર લાગવા લાગે છે. ‘પશુપતિ’ નાટકની નાયિકા મલ્લિકાને અરુચિકર લાગતો ઋષતી ધીરે ધીરે ગળવા લાગે છે.‘અંગુલિમાલ’ નાટકમાં અંગુલિમાલની આદતો, સ્વભાવ અને ટેવોને લીધે અંગીરામમાંથી અંગુલિમાલમાં પરિવર્તન પામે છે. વસ્ત્ર બદલવા છતા તેની ટેવ કે સ્વભાવ બદલાતા નથી. ‘અમે અહીંથી નહીં જઈએ’ નાટકનું શીર્ષક કોઈ પ્રતિકાત્મક શીર્ષક નથી બલ્કે ઉદઘોષણાત્મક ધ્વનિ પ્રગટ કરે છે. આ નાટકમાં જીવનગત પરિસ્થિતિઓ સાંકેતિક ભાષામાં પ્રગેટી છે. તે છતા તે અત્યંત કરૂણ કે ગંભીર ધ્વનિ ઉત્પન્ન કરતું નથી. બે પ્રેમીઓની વાતચીતથી ઉભી થતી કળવાશ જીવનમાં આવતી મુસીબતો અને ગમોને હસતા હસતા સ્વીકારી લેવાની ભાવનાને પ્રગટ કરે છે. જીવનની કડવી વાસ્તવિકતાનું દર્શન આ નાટક કરાવે છે. બન્ને અંકોમાં જીવનના જુદા જુદા ભાગ પ્રગટ થયા છે. ‘અમે અહીંથી નહીં જઈએ’ નાટક બહુ વર્ષો પહેલાં એકાંકી સ્વરૂપે પ્રગટ થયેલું. તેના વિષયવસ્તુમાં ફેરફાર કરી તેને સાંપ્રત પ્રશ્નો સાથે જોડી હવે તેને નાટક સ્વરૂપ પ્રાપ્ત થયું છે. આ નાટકના કથાવસ્તુને, તેના સર્જનને મળેલા પ્રોત્સાહન, પારિતોષિકની નોંધ લેતા સર્જક કહે છે, ‘આના વિષયવસ્તુએ ન માત્ર આપણા, ભારતનાં બીજાં રાજ્યોના પ્રેક્ષકોને પણ વિસ્મિત કર્યા હતા. સ્થાનિક કક્ષે મુળ પ્રતને, એની પ્રસ્તુતિને, એનાઅભિનેતાઓને પારિતોષિકો મળ્યા હતા. આઈ.એન.ટી. ગુજરાત સમાચારની અમદાવાદમાં પ્રતિ વર્ષ યોજાતી સ્પર્ધામાં 1989-90 ના વર્ષમાં એ પ્રથમ સ્થાને આવ્યું હતું.’ (સતીશવ્યાસના નિવેદનમાંથી ‘અમે અહીંથી નહીં જઈએ’ નાટક)પાંત્રીસ વર્ષ પૂર્વે રચાયેલા આ નાટકના એકાંકી સ્વરૂપે તે સમયે જે લોકપ્રિયતા મેળવી તે આજે કેટલાંક સાંપ્રત પ્રશ્નો સાથે પ્રગટ થયા પછી પણ કથાવસ્તુમાં કોઈ પ્રાચીનતાનો ભાસ થયા વગર તદન નવીન વસ્તુ સ્વરૂપે આ નાટક પ્રેક્ષકો સામે પ્રગટે છે. ખુબ ઓછા પાત્રો અને સતત વાચિક અભિનય વડે પાર પડેલું આ નાટક નવા સંદર્ભેથી સમજવા જેવું છે.
પ્રસ્તુત નાટક બે અંકમાં વિભાજીત છે નાટકના મુખ્ય બે પાત્રો છે યુવક અને યુવતી. પ્રથમ અંકમાં આ બે પાત્રોના જ સતન સંવાદ યોજાય છે. બીજા અંકના અંતમાં મુકાદમ, મજૂર-1 અને મજૂર-2 પ્રવેશે છે. આમ પાંચ પાત્રો વડે સમગ્ર નાટક રચાયું છે.
આ નાટક કોઈ જૂની રંગભૂમિની અસર નીચે લખાયું નથી માટે તેમાં રંગલો વૃંદગાન કે વિદૂષક નથી. અહીં કોઈ ખલનાયક પાત્ર નથી. આ નાટકમાં પાત્રોની પરિસ્થિતિ જ સંઘર્ષ અને ખલનાયક તરીકે પ્રસ્તુત થાય છે. આમ, તદ્દન નવીન અભિવ્યક્તિ વડે
આ નાટક રચાયું છે. નાટકના મંચ પર આરંભે પાટેલાં – મેલા વસ્ત્રોમાં સૂતો એક યુવક છે. મંચ પર કાગળના ડૂચા, ઘાસ, પથ્થરો, વેર-વિખેર સ્થિતિમાં પડ્યા છે. સમગ્ર સ્થિતિ અને સ્થળ કોઈ ખાડાનું દૃશ્ય સૂચવે છે. મંચ પર આ રીતે છાયા-પ્રકાશની
ટેકનીકથી ખાડામાં અંધારું – અજવાળું ઉભુ કરી શકાય. યુવક તો પહેલેથી જ ખાડામાં છે ત્યાં યુવતી પણ આવી પડે છે. બન્ને વચ્ચે પરસ્પરની વાતચીત શરૂઆત માં તો વ્યવહારિક રહે છે પછી ધીરે ધીરે તેમાંથી ઉભો થતો બોલકો સંવાદ બન્ને વચ્ચે
ખટમીઠો સંબંધ રચતો જાય છે. યુવક ખાડામાં કયારથી છે એ વિશે પોતાને કંઈ ખબર નથી. તેને જ્યારે યુવતી પૂછે છે કે ‘કેટલા સમયથી અહીં છો ?’ ત્યારે યુવક કહે છે, “એય ભુલાઈ ગયું છે. કદાચ અઠવાડિયાથી, કદાચ મહિનાથી, કદાચ વર્ષોથી,
કદાચ સદીઓથી...” (પૃ. 5) યુવક ગમે તેવું ભોજન ગમે તેવું પાણી અને ગમે તેવી સ્થિતિમાં જીવવાનુ શીખી ગયો છે. તેને માટે આ બધુ સહજ છે પણ યુવતીએ તો શહેરી જીવનનુ સુખ-સગવડ ભર્યુ જીવન જીવ્યુ છે માટે તેને ખાડાના પાણીથી બેકટેરિયા
ઘૂસી જવાની બીક લાગે છે. ખાડો એ એવી જગ્યા છે જ્યાંથી યુવક તો બહાર નીકળી નથી શકયો પણ યુવતીય પ્રયત્ન કરવા છતાં નથી નીકળી શકતી. તે પ્રયત્ન કરવા જાય છે પણ નિયતકાળ રહે છે. ખાડામાં રહેવું એટલે કોઈપણ સુખ – સગવડ વિનાનુ
જીવન જીવવું. ત્યાં પેઈનકીલર ન હોય, બાથરૂમ ન હોય, ચોખ્ખુ પાણી ન હોય, કોઈ પાત્ર ન હોય, સુવા માટે ગાદલા – રજાઈ પણ ના હોય આવી પરિસ્થિતિમાં રહેવાની યુવકને ટેવ છે. પણ યુવતીને નથી માટે તે અકળામણ અનુભવે છે.
લોકો રસ્તા પર આવતા જતાં જે કૂડો કચરો, નકામું વાસણ, કપડાં, ખોરાક વગેરે ખાડામાં નાંખે તે જ જીવનનિર્વાહ ચલાવવા માટે ઉપયોગમાં લેવાનું. આ કેવુ જીવન છે ? ગરીબીથી પણ વધુ ખરાબ પરિસ્થિતિ આ ખાડામાં રહેતા આવી પડી જતાં લોકોની
થાય છે. આ ખાડામાં ક્યાંય ઉજાશ નથી દિવસ ક્યારે ઉગે ને આથમે તેની કંઈ જ ખર ન પડે માટે જ યુવક અને યુવતી બન્નેને “ઘણા દિવસો વહી ગયા” હોય એમ લાગે છે. યુવતીના ખાડામાંથી ભાગવાના પ્રયત્નો સામે યુવક કહે છે,
“યુવકઃ આ કંઈ તમારું ઘર નથી કે છોડીને ભાગી નીકળો. હા, ઘર છોડવું સહેલું છે પણ આ ખાડો છોડવો સહેલો નથી” (પૃ. 9)
આમ કહેવા પાછળ યુવકનો અનુભવ પાકો હોવાનું જણાય છે. ખાડામાં જીવવું એટલે માણસે કોઈ જ હીલચાલ વગર જીવવું એટલે કે માણસે સ્થિર રહેવું જેમ કે,
“યુવકઃ ના, આપણે નહીં ખસવાનું. સૂર્ય ખસશે. સૂર્ય ખસશે એટલે આપોઆપ છાંયડો આવશે. ત્યાં સુધી કલાકેક આ તાપ સહન કરવાનો”(પૃ.10)
અહીં ‘ચાલશે, ફાવશે ને ગમશે’ની રીત અપનાવવી પડે. યુવક બધી રીતે ખાડામાં જીવવા માટે સ્વસ્થ છે. કારણ કે તે ટેવાઈ ચૂક્યો છે. પણ યુવતી હજુ ટેવાઈ નથી માટે તેને ઉકેલ થયા કરે છે. કેટલીક વાસ્તવિકતા ઓનો સ્વીકાર સહજ રીતે કરવા માટે યુવક યુવતીને પ્રેરે છે. જેમકે ખાડામાં ગમે તે ખાવાનું ગમે ત્યારે ફેંકવામાં
આવે ત્યારે, પહેરવાની વસ્તુ કે સાધન ફેંકવામાં આવે તેનાથી ચલાવી લેવાનું યુવકની વાતો યુવતીને અજંપો આપે છે. કેમ કે તે સીધે સીધુ સ્વીકારી લે તેવી નથી લેખકે બન્ને વચ્ચેના સંવાદમાંથી કડવાશ ઉભી કરે છે જેમ કે,
આ નાટકમાં યુવક કેટલાંક સંદિગ્ધ સંવાદો બોલે છે જે શ્લેષ અર્થ ઉભો કરે છે જેમ કે ભૂખના સંદર્ભે યુવતી જ્યારે યુવકને કહે છે કે “હું બનાવી રહી છું ? અરે બનાવો છો તો તમે મને ને કહો છો કે...” ત્યારે યુવક સચોટ રીતે કહે છે,
“આ જ તો ખેલ છે ત્યારે... બે જણા મળે એટલે બનવા-બનાવવાનો” (પૃ. 13) એ જ રીતે ‘ભૂખનું તો એવું, છે ને મેડમ... જનમથી જ લાગેલી રહે...’(પૃ. 15), ‘ભૂખનું તત્વ સનાતન છે. આ સૃષ્ટિનો વિકાસ જ ભૂખથી છે. ભૂખ નથી કો કંઈ નથી.
જગતના સર્વે માર્ગો આ ભૂખમાંથી નીકળે છે.’(પૃ. 15) આ ભૂખ વિશે તો લેખકે સરસ હાસ્ય સંવાદ ઉભો કર્યો છે. ‘ભૂખ લાગે ત્યારે ભૂંકો...’, ‘ગર્દભસેનનું નામ’, તેની ભૂંકવાની વૃત્તિ, રીત, ‘હો’ અને ‘ચી’ની ઉત્પન્ન કેવી રીતે થાય તેની
પદ્ધતિ વગેરે યુવક – યુવતી વચ્ચે ટીખળ – હાસ્ય જન્માવે છે. ગર્દભસેન વિશેની વાર્તા યુવક યુવતીને કરે છે યુવતી જાણી જોઈને અજાણ રહી આખી વાર્તા સાંભળે છે. પણ પોતે એ વિશે માહિતગાર છે તેનો ઘટસ્ફોટ તે પાછળથી કરે છે.
ધીરે ધીરે તેમની વચ્ચે વધતા જતાં સંવાદમાં રંગદર્શીતા ભળવા લાગે છે ને એમ તો બનવાનું જ કારણ કે બન્ને યુવાન છે. યુવતીને હજી જીંદગી જોવી છે, માણવી છે. પ્રેમ કરવો છે. પણ ખાડામાં આ બધું કેવી રીતે શકય બનશે ? તેની ચિંતા તેને થયા કરે છે.
એટલામાં યુવકને પેશાબ લાગે છે. વાસ્તવિકતા એ છે કે ખાડાને છોડી બીજી કોઈ જગ્યા આસપાસ નથી. જે કંઈ કરવું હોય, તે ખાડામાં જ એકબીજાની સાપેક્ષમાં રહીને કરવું પડે. યુવતી માટે આ બધુ અસહ્ય છે. પણ યુવક તેને સાચી વાતનું ભાન કરાવતા કહે
છે, “જુઓ. આ બધું સ્વાભાવિકતાથી લો તમારે પણ આવી પરિસ્થિતિમાં મૂકાવું જ પડશે.” (પૃ. 21)ખાડામાં બાથરૂમ ન હોવાની સ્થિતિ વાસ્તવિક છે પણ યુવકને રમૂજ સૂઝે છે તે પેલી યુવતીને કહે છે.“ભગવાન વ્યાસે કહ્યું છે કે પ્રત્યેક શ્વાન માટે સ્તંભ
અને પ્રત્યેક પુરુષ માટે દીવાલ જલનિયતકાલિન સ્થલ છે.”(પૃ. 22) આ ભગવાન વ્યાસનો ઉલ્લેખ ચિનુમોદીના જાણીતા સાહિત્યકાર મિત્ર તરીકે થયો છે પણ એમણે કરેલું વિધાન પણ ખોટું નથી. યુવતીનો ખાડાની બહાર નીકળવાનો પ્રયાસ, યુવક દ્વારા
પડતી યુવતીને બચાવવાનો પ્રયાસ, યુવતીને લાગેલી તરસ, પાણી પીતા પીતા ભીંજાયેલી યુવતીને જોવાનો યુવકનો મોહ, યુવકમાં યુવતી માટેની જન્મતી કવિતા સહજ લાગણીઓ વગેરે કથાવસ્તુને નવો વળાંક આપતું જાય છે. બન્ને વચ્ચે ચાલતી
શેર-શાયરી, કવિતા, ગઝલની વાતો બન્નેને એક-બીજાની નજીક લાવવામાં કારણભૂત નીવડે છે. ક્યારેક યુવક તો ક્યારેક યુવતીના મુખે ગઝલ શેર બોલાય છે જેમ કે,
વિષથી ભરેલો કોઈ ગારુડીએ ખોલ્યો ટોપલો ।ને હવાનો દેહ દાહક ઝેરથી થયો ખોખલો । (પૃ. 29) ‘પામવા’ અને ‘માપવા’ અંગેનો શેર સંદર્ભ પણ અર્યચમત્કૃતિ જન્માવે છે. “આમ તો બે અક્ષરો ઊલટાવવાના હોય છે પણ ‘માપ’ માંથી ‘પામ’ સુધી પહોંચવું સહેલુ નથી. માટે હજી પૂરું માપી લેવા દો, ને તમેય માપો હમણાં તો તમારે પાણી પીવાનું છે પી લો.” (પૃ. 30) શેર શાયરી, કવિતાનો સંવાદ કરતાં કરતાં બન્ને વચ્ચે ક્યારે પ્રણયનો સેતુ બંધાય છે તે ખ્યાલ જ નથી આવતો.. આમા પહેલા અંકમાં બન્ને યુવક – યુવતીનું આકસ્મિક મિલન, વ્યવહારિક વાતચીત, અને પ્રેમની લાગણીઓ પ્રગટવાની ઘટનાઓ આલેખાઈ છે, નાટકમાં સ્થળ તરીકે ‘ખાડો’ છે. વાચક કે પ્રેક્ષકને થોડું અજુગતુ પણ લાગે. પણ આ કથાવસ્તુ વાસ્તવિક છે. નવીન છે ખાડામાં ફસાયેલા લોકો પણ જિંદગી જીવે છે એમની સંવેદનાઓને વાચા આપવાનો લેખક દ્વારા થયેલો આ નવીન પ્રયાસ છે. અહીં સંવાદ એ જ અભિનય છે. સ્થિતિ એ જ સંઘર્ષ છે. અને સ્થળ એ જ મંચ છે. ખાડાનો સૂક્ષ્મ અર્થ પણ પ્રતીકાત્મક રીતે સમજવા જેવો છે.
બીજા અંકની શરૂઆતમાં પહેલા અંક કરતાં સામગ્રી થોડી વધી છે. લાકડીઓ ઉભી કરીને કંતાન બાંધીને બાથરૂમ ઉભું કર્યું છે. એક વાંસનું બેઠક ગોઠવેલ છે. એક ગાદલું – તકિયોને થોડા ડબલા છે. એક રેડિયો પણ છે. લોકોનું ફેંકેલું ખાઈ ખાઈને કંટાળેલી
યુવતી કશુંક તાજું ખાવાની અભિપ્સા સેવતી હોય છે ત્યાંજ કોઈક સેન્ડવિચ પડીકામાં વાળીને નાખે છે. ખાડામાં રહેવા છતાં બન્ને બધું વહેંચીને ખાવાની ટેવવાળા છે તેનું પણ કારણ છે બન્ને વચ્ચેનો પ્રેમ રેડિયામાં વાગતું ગીત તેમની સંવેદનાને સૂચક રીતે
વ્યક્ત કરે છે. જૂના ગીતોમાં જ આવો સ્પર્શ અનુભવાય, નવામાં નહીં. જેમ સેન્ડવિચ આવીને પડી તેમ એક સાડી પણ પડે છે. બન્ને વચ્ચેના શૃંગાર ભાવનેય લેખક સારી પેઠે આલેખે છે.
‘ખાડા’નો સંદર્ભ ગેરકાયદેસર બાંધકામ કરીને જીવતા લોકો તથા જે છેવાડાના વિસ્તારમાં કોઈપણ પ્રકારના કરાર વગર ઉભા કરેલા બાંધકામ સાથે જીવે છે તેઓને સ્પર્શે છે. પણ આ રીતે જીવનારા લોકોય મજબૂર છે. સમાજમાં સુધારક પ્રવૃત્તિ કરનાર ઘણા
મહાનુભાવો અને સંસ્થાઓ ઉપલબ્ધ હોય છે પણ આવા અવગણાયેલા લોકો માટે કોઈ જ મદદ કે સેવાનો અમલ થતો નથી. જે કંઈ કાર્યક્રમો યોજાય છે તે માત્ર સ્થળ હોય છે એટલે જ તો યુવતીને મુખે લેખક સરસ પંક્તિ મુકે છે,“જે કંઈ મથો એ બહારથી
સીધા મથ્યા કરો. અંદર તો ક્યાંય થોડીયે ગળશે ન દાળ પણ !” (પૃ.૩૭)આજના ફેશનેબલ જમાનામા યુવક-યુવતીઓની રીતભાત વિશે પણ નાટકમાં પ્રકાશ પડ્યો છે. પોતાના લાંબા વાળ મહિના પછી ધોવાય છે કારણ કે ખાડામાં વારંવાર વાળ ધોઈ
શકવાની સગવડ નથી માટે યુવકની મદદથી કાતર વડે યુવતી વાત કપાવડાવે છે. આ મજબૂરીવશ છે પણ પછી એ મજબૂરી ધીરે ધીરે આજના સમયમાં ફેશનનું રૂપ ધારણ કરી જ લે છે. યુવકને એ વિશે સારી માહિતી પણ છે એટલે જ તે કહે છે, યુવક-યુવતી વચ્ચેનો પ્રણય સેતુ ધીરે ધીરે માતા-પિતા બનવા તરફ આકાર લે છે યુવતી આંબલી ખાય છે પછી ઉલટી જેવું થાય છે વગેરે તેના માતૃત્વ ધારણ થવા અંગેના ચિહ્નો દાખવે છે. યુવતી તેને જરા જુદી રીતે વ્યક્ત કરે છે.“યુવતીઃ અત્યાર સુધી અહીં જે નહોતું તે બાળક હવે સાક્ષાત પ્રગટ થશે” (પૃ. ૪૨)પણ આટલી સીધીવાત યુવક સમજી શકતો નથી. યુવકને મન આ શુભસમાચાર ‘આનંદ આનંદ’ ના છે. જ્યારે યુવતીને તેમાં મુસીબતોના પોટલાં દેખાય છે. કારણ કે ખાડામાં સ્ત્રીની પ્રસુતિ, તેની દેખભાળ, બાળકનો જન્મ, જન્મ પછીની જરૂરિયાતો, શિક્ષણ, ઉછેર વગેરે અનેક પ્રશ્નો ઉભા થાય છે. પણ યુવકને મન જેમ યુવતી સ્વભાવિક રીતે ખાડામાં જીવવા લાગી તેમ આ સમસ્યાનું નિવારણ પણ સમયાનુસાર થઈ જશે એટલે વિશ્વાસ છે. એટલે જ તે કહે છે. ‘નિકાલ-બિકાલનો વિચાર તો મનમાંથી કાઢી જ નાખીએ. કુદરતનો પ્રતિકાર ન કરાય એનો સમાદર કરાય.’ (પૃ. ૪૨) ખાડા જેવું જીવન જીવનારા લોકો ખરેખર મધ્યમવર્ગની ઘણી સમસ્યાઓથી ભીંસાતા રડે છે. ગરીબી, બેકારી, અભાવ, મોંઘવારી અને આ બધા વચ્ચે જરૂરિયાતો તો એટલીને એટલી જ જીવનધોરણ નીચુ એટલે મનુષ્ય ધીરેધીરે લઘુતાગ્રંથિથી પીડાય તેમ સ્વાભાવિક છે. આ રીતે જીવતા લોકો પાસે પોતાના વર્તુળમાંથી બહાર નીકળવાનો જાણે કોઈ માર્ગ નથી. યુવતી યર્થાર્થ જ કહે છે,
“જયાં જાઓ ત્યાં દીસે છે ઘેરાં ઊંડા કળણ
શહેરી જીવન જીવનારી યુવતી માટે નાની એવી મુસીબત પણ પહાડ સમાન છે બાળકના જન્મ અંગેની ચિંતા તેને કળણ જેવી લાગે છે જ્યારે યુવક માટે એ બધુ સહજ છે. મધ્યમવર્ગમાં જીવતો માણસ કેટકેટલાં પ્રશ્નોનો સામનો કરે છે ? સંતાન થયા પછીની
જવાબદારીઓ કેવી રીતે નીભાવવી, પોષણ અંગેની ચિંતા, શિક્ષણ, નોકરી, લગ્ન જીવન વગેરે બાબતોને પહોંચી વળવા માટે આર્થિક સદ્ધરતા અને કાયમી વસવાટની જરૂર પડે અને એજ આપણા દેશમાં સરળતાથી પ્રાપ્ત થતું નથી. યુવક અને યુવતી પણ આજ
ભીંસમાં છે. યુવતીને આ પરિસ્થિતિ વિશેની કલ્પના છે માટે તે અકળાય છે. પણ યુવક ધીરગંભીર, હકારાત્મક અને સંતોષી છે તે અશ્વાસક શબ્દોમાં યુવતીને કહે છે, યુવતીને આવનાર બાળક સાથે આવનાર સમસ્યાઓનો ખ્યાલ છે માટે તે સતત ભય, ચિંતા અને ઉદ્દેગ અનુભવે છે. આપણા સમાજમાં સ્ત્રીઓની વિચારશક્તિ
આવી જ છે. કંઈક બન્યુ ન હોય તે પહેલાં તે બનનાર પ્રસંગ કે ઘટનાનો તે તાગ કાઢી જ લે છે. ઉદ્દેગમાંને ઉદ્દેગમઃ મધરાતે જાગીને પોતાના ગર્ભ પર પત્થરથી વાર કરવા જાય છે ત્યાંજ યુવક જાગી જાય છે. યુવતીને આમ કરવા પાછળ ઘણી ભાડે છે. પણ યુવતી
એક જ રટ લઈને બેઠી છે કે, ‘મારે આ જગાએ, બાળકના ભવિષ્યના કોઈ ઠેકાણા ન હોય ત્યાં, એને જન્મ આપવો નથી !’ યુવતી વાસ્તવિક પરિસ્થિતિનો સરાખનાર છે. માટે જ તે કહે છે, “શબ્દોની સાથ ચાલો રમીએ જુગાર પણ,
યુવકના વિચારોમાં મલીનતા નથી. શુદ્ધિ છે. ઘણી બધી અવગડો વચ્ચે જીવવાની તેને ટેવ પડી છે. પોતાનો નિવાસ જ તેને માટે સર્વે સુખોનું દ્વાર છે જ્યારે યુવતીને તે નિવાસ બધનકર્તા લાગે છે તેના પ્રતિભારમાં યુવક કહે છે.
યુવકના મનમાં પરમ સંતોષ અને શાંતિ છે તે ઘણા અભાવો વચ્ચેય યુવતીને સાચવે છે. યુવતી હવે બરાબર પાકટરૂપે ગર્ભ ધારણ કરી ચુકેલ છે. આ દિવસોમાં તેણે કેવું, વિચારવું, કેવુ વાંચવું, કેવુ ખાવું વગેરે વિશે યુવક તેને સમઝાવતો રહે છે. પ્રાચીન સમયમાં આ
કામ ગામડાઓમાં ઘરનું મોટું વડીલ શિખામણ કે માર્ગદર્શન પૂરું પાડતા. આધુનિક સમયમાં પાસ પાની ને પડખે ઉભો રહેનાર સાચો સાથી બની ચુક્યો છે. માટે બાળકના જન્મ સુધીની બધી જ જવાબદારી તેની સાથોસાથ નિભાવે છે. સ્ત્રીની ગર્ભાવસ્થા દરમ્યાનની સ્થિતિ,
જરૂરિયાત, માર્ગદર્શન, પહેલાના સમયમાં ‘દાદી’, ‘નાની’ કે ‘સાસુ’ પાસેથી જ્ઞાનરૂપ મળતું. નાટકમાં તેનો પણ ઉપયોગ થયો છે. એટલે જ યુવતી કહે છે, નાટકમાં કથાવસ્તુને ઉપકારક કેટલાક સંદર્ભો પ્રગટ થયા છે જેમ કે અગાઉ યુવક-યુવતીના પ્રણય સંવાદો વખતે કૃષ્ણ અને ગોપી, રાધા વચ્ચેના સ્નાન સમયની ટીખળ, ગંધર્વસેનની કથા, ગર્ભસ્થ અભિમન્યુનું કોઠાજ્ઞાન વગેરે સંદર્ભો. આ બધા સંદર્ભો વચ્ચે યુવક-યુવતીનો જ્ઞાનસંવાદ પણ અદભૂત રીતે રચાય છે. આ ઉપરાંત સાંપ્રત સમયની કેટલીક સમસ્યાઓનો પડઘો પણ નાટકમાં પડે છે. જેમકે આવનાર બાળકને કઈ શાળામાં ભણાવવું, માતૃભાષા કે અંગ્રેજી માધ્યમમાં ભણાવવું, અંગ્રેજીનું વધતું જતું મહત્વ અને કલાઓની અપ્રસ્તુતા વિશે લેખકનું ચિંતન બાળક ભણી ગણીને શું બનશે – ડૉક્ટર, એન્જિનિયર, બિઝનસમેન, સનદી અધિકારી, કે એનાથીય વિશેષને એ બધી ચર્ચામાંથી પ્રગટતી ‘માણસ’ બનવા વિશેની યુવકની સમઝ નાટયકારના ચિત્તની જ એક ભવ્ય વિચારધારા છે. યુવતી આર્થિક રીતે કહે છે,“હા, એક જગા છે, હજી એ મોટી જગા સુધી ભાગ્યે જ કોઈ પહોંચ્યુ છે. માણસની. માણસની જગા સુધી હજી કોઈ પહોંચ્યુ નથી આપણે એને માણસ બનાવીશુ” (પૃ. ૫૦). યુવતીને આ વિચાર યુવક વધાવે પણ છે. તે તેની વાતમાં સૂર પૂરાવતા કહે છે, “આપણે એને માણસ બનાવીશુ. સર્વથી વડેશે, ઊંચો, અદકો માણસ” (પૃ. ૫૦) આધુનિક સમયમાં બાળકનો જ્યાં હજુ સુધી જન્મ પણ ન થયો હોય ત્યાં તે શું બનશે ? અથવા તેને ડૉક્ટર કે પોલીસ બનાવવાની મહત્વકાંક્ષા માતાપિતા પહેલેથી જ સેવવા લાગે છે. બાળક મોટુ થાય અને તે પોતે શું બનવા ઈચ્છે છે તે વિશે તો ભાગ્યે જ કોઈ મા-બાપ સજાગ હશે. યુવક અને યુવતી વચ્ચે બાળકને માણસ બનાવવાના સંવાદ ચાલે છે. યુવતી નિંદ્રાધીન થાય છે. પણ યુવકને ઉંઘ આવતી નથી. આંટા મારતો જાય અને યુવતીને નીહાળી તેના પેટ પર હાથ ફેરવતો જાય. એટલામાં તેને કોઈક અવાજ સંભળાય છે પણ તે યુવતીનો નથી હોતો સાતકોઠાના યુદ્ધની વાત કરતા ક્રિષ્ન જેમ અભિમન્યુના ગર્ભસ્થ ‘હું કાર’ ને ઓળખી જાય છે. તેમ યુવકને પણ તે અવાજ અનાગત લાગે છે. ગર્ભમાંથી બાળકનો અવાજ સંભળાય છે. નાટકમાં આ પ્રકારનું વસ્તુ અભિનયમાં પ્રગટાવવું નવીન લાગે છે. વળી, વર્તમાન સમય પણ સ્ત્રીજાગૃતિ, સ્ત્રી મહિમા અને દીકરીઓ માટે મહત્વનો નીવડ્યો છે. સમયના સંદર્ભે પણ નાટકમાં આ પ્રયુક્તિ અસરકારક લાગે છે. જેમ કે,“ધ્વનિઃ હાશ, કેટલું સરસ લાગે છે ! ગભરાઓ નહીં પપ્પા, એ તો હું છું તમારી દીકરી ! ” (પૃ. ૫૧)આપણા સમાજમાં દીકરીઓને ચંચળ, ઝડપથી વિકસનારી, તેજસ્વી, હોશિયાર ગણવામાં આવે છે. દીકરીઓની વૃદ્ધિ પણ ઝડપથી થાય છે એમ કહેવાય છે. સહજતાથી દીકરી બોલે છે,“ધ્વનિઃ છોકરી છું બોલતાં જલદી શીખી જાઉં. એય પપ્પા, તમે તો હમણાં છોકરો માનીને મારા વિશે વાત કરતા હતા ને ? મમ્મીય એમ જ બોલતી હતી, પણ મેં કેવા છેતર્યા તમને? હું તો એ દીકરી છું, તમારી, તમને વાંધો નથીને દીકરીનો?” (પૃ. ૫૧)ધ્વનિ દ્વારા એટલું તો સ્પષ્ટ છે કે આધુનિક સમય હોવા છતાં આપણો સમાજ હજુ દીકરાના મોહમાંથી છુટ્યો નથી. દીકરીને બદલે દીકરાની માંગ હજુ આજેય ઓછી નથી થઈ. એમાંય જો સ્ત્રીને ઓપરેશન દ્વારા દીકરી જન્મે તો લોકોનું મન કચવાય અને ઓપરેશન દ્વારા દીકરો જન્મે તો ખુશખુશાલ થઈ જાય. લેખકે આ વાસ્તવિકતાને પકડીને જ સંવાદમાં ‘તમને વાંધો નથીને દીકરીનો?’ એમ કહેવડાવે છે. દીકરા દીકરીમાં ભેદ રાખતા સમાજ પણ છેવટે તો તેના નકારાત્મક વિચારોના ખાડામાંથી બહાર નથી જ આવી શક્યો.
નાટકમાં સૌથી પ્રબળ નાટયક્ષણ તો આ બને છે કે ગર્ભસ્થ શિશુને લેખકે મંચ પર ગલોટિયાં ખાઈને ગર્ભમાંથી બહાર આવતા બતાવ્યું છે. આ દૃશ્ય માત્ર યુવક સાપેક્ષ છે યુવક અને શિશુ વચ્ચેનો સંવાદ પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો લેખકનો આશય છે. વાસ્તવમાં શિશુ
ગર્ભની અંદરથી જ છતા સાપેક્ષ લાગે તે રીતે વાત કરે છે તે કહે છે, સ્ત્રી તો નારીશક્તિ છે. આ વાત પણ લેખકે છાની રાખી નથી એટલે જ તો દીકરી કહે છે, “હું તો નારી શક્તિ, એકવાર પ્રગટ થઈ પછી મને હણી ન શકાય, ને હવે તો બહાર આવી જ સમજોને !” (પૃ. ૫૨)બાળકના જન્મ સાથે જ તેની જરૂરિયાતનુ લીસ્ટ તૈયાર થઈ જાય છે. જેમ કે, “મને તો રમકડા જોઈશે. મારે માટે કોઈ સારી સ્કુલની વ્યવસ્થા કરવી પડશે, યુનિફોર્મ જોઈશે, બુટ જોઈશે... મને કોઈ કોલેજમાં મોકલવી પડશે પરણાવવી.... ના... ના... મને પરણાવવાની ચિંતા તમે ન કરતા !... એ તો હું જાતે જ પરણી જઈશ. એટલી સ્વતંત્રતા તો તમે આપશોને મને ?” (પૃ.૫૨) અહીં દીકરી પણ યુવક પાસે જરૂરીયાતોની માંગણી કરે છે. વળી વર્તમાન સમય એટલો ઝડપથી પરિવર્તન પામ્યો છે કે પહેલાની જેમ માતાપિતા પરણાવે ત્યાં દીકરી પરણી જતી એમ આજે નથી બનતું આજે તો દીકરી સ્વયં મુરતિયો શોધી કાઢે છે. આજની તાતી જરૂરિયાત લગ્ન નથી પણ શિક્ષણ છે.આજના સમયમાં લગ્ન, શિક્ષણ કે અન્ય કોઈ બાબતે સ્પષ્ટતા કે કરાર કરવા પડે છે કારણ કે આજના માણસના સંબંધો ગણિત જેવા થઈ ગયા છે. અને જ્યાં ગણતરી શરૂ થાય ત્યાં લાગણીની ભીનાશ નથી રહેતી. લેખક સૂચક રીતે નાટકમાં વ્યક્ત કરે છે. “કાગળ, કલમ, કિતાબ, કશાનો કરારના, આધુનિક સમયના બાળકોની બુદ્ધિ ખુબ એડવાન્સ હોય છે. જૂની અને નવી પેઢી વચ્ચે આજ તો ભેદ હોય છે. આજની પેઢી વધારે જાગૃત, સમજણી, શિક્ષિત અને ઝડપભેર આગળ વધનારી હોય છે. એટલે જ તો લેખક કહે છે, “એની કસોટી વડીલોયે ન કરવી!” (પૃ. ૫૩) આમ, બાળકી અને યુવક વચ્ચેનો સઘળો સંવાદ સ્વપ્નસ્થ રીતે મંચ પર પ્રગટે છે અને એમ થવામાં લેખકના ઘણાં હેતુ પણ સિદ્ધ થયા છે. સ્ત્રીભૃણહત્યા પ્રત્યે લોકોની જાગૃતિ, સ્ત્રીઓને શિક્ષણ, લગ્નની સ્વતંત્રતા વગેરે બાબતોની જાગૃતિ તરફ લેખકે દૃષ્ટિકોણ સેવ્યો છે. યુવક યુવતીને સ્વપ્નની વાત જણાવે છે ત્યારે યુવતી તે માની નથી શક્તી. થોડાક સમયમાં તો દીકરી જન્મ પણ પામે છે એક કપડામાં લપેટીને યુવતી યુવકને આપે છે. યુવક કાલીઘેલી ભાષામાં બાળકી સાથે વાત કરે છે. એટલામાં કંઈક ખોદાવાનો અવાજ સંભળાય છે. “જોર કરો લ્યા!‘હં’. ‘જોરથીજો જો, હાચવીનેટાંગા પર નો પડે ઈ જોજે’ ” (પૃ. ૫૭) ખાડામાંથી ખોદાવાનો અવાજ સાંભળીને યુવક – યુવતી જાગી જાય છે. સફાળા બેસીને આમ તેમ શોધવા પ્રયત્ન કરે છે. બે-ત્રણ મજૂરો ત્રિકમ, કોશ, પાવડા, તગારા સાથે માટી ખંખેરતા આવી પહોંચે છે સાથે એક મુકાદમ પણ પ્રવેશે છે. યુવક – યુવતીને જોઈ તેઓ પૂછપરછ કરે છે. યુવક – યુવતી જણાવે છે કે “અમે અહીં રહીએ છીએ” પણ મુકાદમ સાંભળતો નથી. “હવે બહાર નીકળો અહીંથી. આ જગા અમારા માલિકે ખરીદી લીધી છે” કહીને મુકાદમ તેઓને ત્યાંથી બહાર જવા કહે છે. “અમે તો અહીં વર્ષોથી રહીએ છીએ” એમ યુવક જણાવે છે.“પરણેલા છો?,આ છોકરું તમારું છે કે એમને એમેય હોય!... પેલું લીવઈન રિલેશન કહે છે ને એના જેવું...” વગેરે પ્રશ્નોનો તેમને સામનો કરવો પડે છે. જમીનના માલિકને કોઈ ઔદ્યોગિક વસાહત વસાવવાની હોવાથી એ ખાડાની જગા ખાલી કરવા કહે છે યુવક પોતાના ખાડાને સ્વર્ગ ગણાવે છે પણ મુકાદમ અને મજૂરો તેની વાત કાને ધરતા નથી. પણ યુવક અને યુવતી પોતાની જગા ન છોડવા મક્કમ છે. આ એ જ ખાડો છે જેમાંથી બહાર નીકળવા યુવતી એ ઘણાં વલખા મારેલા. ઘણી અગવડ ભોગવીને યુવક સાથે સાહચર્ય, પ્રેમ અને દામ્પત્ય જીવનની શરૂઆત કરી. હવે તો તેમાં ત્રીજુ પણ ભળી ગયું. વગર દસ્તાવેજે એ જગા પર તેમનો અધિકાર ન ગણાય એ વાસ્તવિકતા છે. આપણા દેશમાં, ગામડાં, શહેરોમાં આવી પ્રજા જીવે છે જેની પાસે કોઈ દસ્તાવેજ નથી. વર્ષોથી તેઓ હક જમાવીને રહે છે અને એમ રહેવામાં તેમને એક સ્થાયી વસવાટ પણ મળ્યો છે પણ આ સ્થિરતા વાસ્તવમાં અસ્થિર છે. અસરકાર ગમે ત્યારે એ બિન કાયદેસર બાંધકામને પચાવી ત્યાં કોઈ અન્ય સંસ્થા, વ્યાપાર કે સગવડ ઉભી કરી દેવા તત્પર રહે છે એમાં તેમનોય દોષ નથી. પણ ગરીબ, લાચાર, ઘર વછોયા લોકોની સ્થિતિ વિશેનો વિચાર તો સરકારે કરવો જ રહ્યો. “ભલે અમારો જાન જાય પણ અમે અહીંથી જઈશું તો નહીં,” આ કથનમાં યુવકની મક્કમતા છે. ત્રિકમ, પાવડા અને કોશના વાગવાનો તેમને ભય નથી. નાટકના અંતે પણ તેનો આંતરિક અવાજ નિર્ણય બનીને ઉદઘોષણાત્મક સ્વરે પડઘાઈ ઉઠે છે. “અમે અહીથીં નહીં જઈએ, “દુનિયા હમારે પ્યારકી” વાગતા એફ એમ રેડિયોના નાદ સાથે નાટક અંત પામે છે. માનવજીવનની ખાસ કરીને ગરીબ, બેઘર અને મધ્યમવર્ગના લોકોની જીવનની વાસ્તવિકતાનો પડઘો આ નાટકમાં બન્ને અંકોમાં સંભળાય છે.
નાટયકારની સૂક્ષ્મ અવલોકનશક્તિ, વાસ્તવને જોવા, જાણવા, સમઝવાની બૌદ્ધિક દૃષ્ટિ પણ અહીં પ્રશંસાને પણ નીવડી છે. ઓછા પાત્રો વડે, સામાન્ય કથાવસ્તુ વડે, જીવન, સમાજ, દેશ અને જગતના ધાર્મિક પ્રશ્નોને ભાવક-વાચક સળક્ષ પ્રત્યક્ષ કરી આપ્યા છે. સંવાદોમાં રંગદર્શિતા,
ધાર્મિકતા, રસિકતા, હાસ્ય, શૃંગાર, ગંભીરતા, સંદર્ભયુક્ત ભાષા, કાવ્યપંક્તિ, બૌદ્ધિક વિચારર્દષ્ટિ ઈત્યાદિનું લેખકે ક્રમશ આલેખન કર્યું છે. અભિમન્યુની ગર્ભસ્થસ્થિતિ, કૃષ્ણ-ગોપી વચ્ચેની પ્રણયોક્તિ, ગંધર્વસેનની કથા ઈત્યાદિ મિથક પ્રયોગ લેખકે કથાવસ્તુને નવા વળાંકો આપવામાં
ખપમાં લીધા છે. સંદર્ભ :
*************************************************** ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ |
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |