ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસનું તથ્ય : કેટલું ઉચિત ? કેટલું અનુચિત ?
ઐતિહાસિક નવલકથા લખતા બધા સર્જકો સામે આ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે કે, નવલકથાકાર જ્યારે ઐતિહાસિક વસ્તુ લઇને નવલકથા લખવા બેસે ત્યારે એણે કેટલી હદે ઇતિહાસને વફાદાર રહેવું જોઇએ ? આ પ્રશ્ન આમ તો નિરુત્તર જ રહે છે, છતાં તેના કેટલાય ઉત્તરો છે. જેમકે, સર્જક જ્યારે ઐતિહાસિક નવલકથા લખવા બેસે ત્યારે એને કોઇ બંધન હોતું નથી, છતાં કેટલીક હદો એ પાર કરી શકતો નથી. એટલે કે, ઐતિહાસિક નવલકથા લખતી વેળાએ એના ઇતિહાસનું તથ્ય તો જળવાવું જ જોઇએ. જો કે ઐતિહાસિક નવલકથા લખનાર સર્જક સાહિત્યકાર છે, એ ઇતિહાસકાર નથી. સર્જકનું સર્જન સ્વતંત્ર છે. પોતાનાં સર્જન પર એનો પોતાનો સંપૂર્ણ અધિકાર છે. એની કલ્પનાને અકુંશ કરી શકાય નહી. એ નવલકથા સર્જે છે, ઇતિહાસ નથી લખતો. તેથી નવલકથામાં શું લખવું અને શું ન લખવું ? એનો વિવેક કરવાનો અધિકાર એને પોતાને હોય છે.
સાહિત્યકાર તો ઇતિહાસની જે ઉપલબ્ધ સામગ્રી હોય તેને લઇને જ ઐતિહાસિક કૃતિનું આલેખન કરતો હોય છે. એને ઇતિહાસ નથી લખવાનો હોતો પણ સાહિત્યકૃતિનું સર્જન કરવાનું હોય છે. જો કે એ જે સાહિત્યકૃતિ સર્જે છે, તેમાં ઇતિહાસનાં તથ્યો તો પ્રગટ કરવાના જ હોય છે. સાથે એમાં સનાતન સત્યને પણ ઉજાગર કરવાનું હોય છે, એમાં ઇતિહાસનો પ્રાણ પૂરવાનો હોય છે. આમ, કરતી વખતે એને અયોગ્ય લાગે તે ત્યાગે અને સારું લાગે તે ઉમેરી પણ શકે છે. ગુજરાતી સાહિત્યની કેટલીય ઐતિહાસિક નવલકથાઓમાં આવું બનવા પામ્યું છે. દા.ત. ક.મા.મુનશીની ઐતિહાસિક નવલકથાઓ, ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓ, ર.વ.દેસાઇની ઐતિહાસિક નવલકથાઓ વગેરે.
ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસ તો આલેખાવો જ જોઇએ, પણ એ ઇતિહાસકારની દ્દષ્ટિથી નહી, સાહિત્યકારની નજરે રજૂ થવો જોઇએ. જ્યારે આવી કૃતિને આપણે નવલકથા રૂપે વાંચીએ ત્યારે આપણને લાગવું જોઇએ કે આપણે કોઇ સાહિત્યકૃતિ જ વાંચીએ છીએ, ઇતિહાસ વાંચતા નથી.
ઐતિહાસિક નવલકથામાં વ્યક્ત થતી કોઇપણ વસ્તું ઇતિહાસની મુખ્ય ઘટનાની વિરોધી ન હોવી જોઇએ. સાહિત્યકૃતિમાં રજૂ થતી દરેક વાત ઇતિહાસમાં ઓગળીને આવવી જોઇએ. સર્જકે નવલકથામાં કલ્પનાનો વિહાર કરવાનો છે, પણ તેમ કરવા જતાં કાલ્પનિક વસ્તુને એટલું બધું મહત્વ ન આપવું જોઇએ કે જેને કારણે આગળનો ઇતિહાસ જ બદલી જાય. સાહિત્યકારે તો ઐતિહાસિક સાહિત્યકૃતિમાં ઇતિહાસનું વસ્તુ લઇને એમાં માત્ર જરૂર પડતા જ કલ્પનાનાં રંગો પૂરવાના હોય છે. ઇતિહાસ બદલવાનો હોતો નથી કે ઇતિહાસમાં કોઇ ફેરફાર કરવાનો હોતો નથી.
ઐતિહાસિક નવલકથા લખતી વખતે સાહિત્યકારે એ ઉત્તમ કૃતિ બને એવો પ્રયાસ કરવાનો હોય છે. એમાં પોતાની કલ્પનાને, પોતાની સંવેદનાને, પોતાની ઇચ્છાઓને સ્થાન આપવાનું હોય છે, પણ ઇતિહાસની ઉપલબ્ધ સામગ્રીને વફાદાર રહીને જ તે આમ કરી શકે. ઐતિહાસિક નવલકથાનું કથાવસ્તુ મુખ્યતઃ ઇતિહાસ આધારિત હોઇ, એના પાત્રો, પ્રસંગો અને પરિસ્થિતિ પણ ઐતિહાસિક હોય છે. એમાં ભૂતકાળને લગતો ઇતિહાસ જ આલેખિત થાય છે. ઐતિહાસિક નવલકથા પાત્રો અને પ્રસંગોની ઐતિહાસિક પશ્ચાદભૂમાં રચાતી લલિત સાહિત્યકૃતિ હોવાથી તેમાં કલ્પિત પાત્રસૃષ્ટિ કે પ્રસંગાલેખનને સ્થાન નથી.(દા.ત. મુનશીએ મંજરીનું અને દેવળદેવીનું કલ્પિતપાત્ર રજૂ કર્યુ છે તે યોગ્ય નથી.) નવલકથાકાર તો ઇતિહાસમાંથી અમુક પાત્રો અને પ્રસંગો લઇ તેને યોગ્ય લલિત કલાસ્વરૂપ આપે છે. ઐતિહાસિક નવલકથાનો લેખક જે જમાનાની કૃતિ લખવા બેસે છે તે જમાનાને પ્રથમ તો જાણે છે, તેની વિગતો એકત્રિત કરે છે, રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક સ્થિતિનો ખ્યાલ મેળવે છે. બધી સામગ્રી એકઠી થયા પછી તેમાંથી પોતાને જરૂરી લાગે તેટલું પસંદ કરી એને લલિત સાહિત્યકૃતિનો ઘાટ આપે છે.
જો કે ઐતિહાસિક નવલકથા લખતો લેખક મુખ્ય પાત્ર કે પ્રસંગનું કલાત્મક આલેખન કરવા તેને આનુષંગિક પાત્રો કે પ્રસંગો સર્જવાની છૂટ લઇ શકે. ઇતિહાસનાં પ્રસંગ આલેખનમાં કોઇ બાબત ખૂટતી હોય તો તેના અંકોડા મેળવવા પણ ઐતિહાસિક નવલકથાકાર છૂટ લઇ શકે. પણ એમ કરવા જતા ઇતિહાસનું ખોટું આલેખન ન થઇ જાય એનું એને ખાસ ધ્યાન રાખવાનું હોય છે. નવલકથાસર્જક એ કલાકાર છે. એ કલાકૃતિ સર્જે છે. તેથી ઐતિહાસિક નવલકથામાં સાહિત્યતત્વ-કલાતત્વ જ પ્રધાન રહેવું જોઇએ. પણ એનો અર્થ એ નથી કે ઐતિહાસિક તથ્યનો છેદ ઉડાડી દેવો. ઐતિહાસિક નવલકથામાં સ્વૈરવિહાર કરવા જતાં-કલ્પનાને રંગે રંગવા જતાં-ઇતિહાસનું વિકૃત સ્વરૂપ ન ચીતરાઇ જાય તેની ઐતિહાસિક નવલકથાકારે ખૂબ ચીવટ રાખવાની છે.
જે તે સમયનાં ઇતિહાસનું આલેખન નવલકથામાં કરવામાં આવે તો તે જમાનાની સંસ્કૃતિ અને સભ્યતા પણ એ ઐતિહાસિક નવલકથામાં જળવાવી જોઇએ. ઐતિહાસિક નવલકથા લખતી વેળાએ એ જમાનાને જીવંત કરવાનો હોય છે. વર્તમાનનું વધારે જોર ઐતિહાસિક નવલકથામા ન હોવું જોઇએ. ઐતિહાસિક નવલકથામાં આપણે આપણા આજના ખ્યાલો-વિચારોનું નિરૂપણ ન કરી શકીએ. કવિ નાનાલાલે કહ્યું છે તેમ, “બારમી સદીને વીસમી સદીના વાઘા પ્હેરાવવા એ ઇતિહાસ નથી………ઐતિહાસિક નાટકમાં, ઐતિહાસિક નવલકથામાં, ઐતિહાસિક મહાકાવ્યમાં યુગદર્શન ને પાત્રદર્શન સાચા જ હોવા જોઇએ.” (‘જહાંગીર-નૂરજહાં’, ઉપોદઘાત, પૃ.14)
ઐતિહાસિક નવલકથાના લેખકનું કામ ઇતિહાસની શુષ્ક વીગતો આપવાનું નથી પણ ઇતિહાસની શુષ્ક વીગતોને કલ્પનાને રંગે રંગી જે તે સમયનું સાચું અને રસયુક્ત ચિત્ર પ્રગટાવવાનું છે. ભાવકને ઐતિહાસિક નવલકથા વાંચતી વખતે સર્જકે ઇતિહાસ લખ્યો છે એવું લાગવું જોઇએ નહી. એટલું જ નહીં ઐતિહાસિક નવલકથા લખતી વખતે સર્જકે ઇતિહાસની હાંસી ઉડાવી છે, ઠેકડી ઉડાવી છે કે ઇતિહાસની ઉપેક્ષા કરી છે એવો ભાસ પણ ભાવકને ન થવો જોઇએ. કોઇપણ આધાર-પુરાવા વિના વાચકના મન-ચિત્તને પ્રસન્ન કરવા કે બહેલાવવા કે આનંદ આપવા ખાતર ઐતિહાસિક ગૌરવશાળી પાત્રોના ગૌરવને હાનિ પહોચાડવી એ ઉચિત નથી.(દા.ત. મુનશીની નવલકથામા રાજમાતા મીનળદેવી અને મંત્રી મુંજાલ વચ્ચેનો પ્રણયસંબંધ, મંજરી અને કાક વચ્ચેનો પ્રણયસંબંધ) આ ઉપરાંત ઐતિહાસિક નવલકથાકાર પોતાની નવલકથામાં ઇતિહાસમાં જે નિમ્નપાત્રો હોય તેને ગૌરવવંતા ન બતાવી શકે, અથવા તો ગૌરવશાળી પાત્રોને હીન ન બતાવી શકે. જ્યારે નવલકથાકાર આવું કરે છે ત્યારે ઇતિહાસનું તથ્ય જળવાતું નથી. ગુજરાતી સાહિત્યમાં મુનશીની અને મેઘાણીની નવલકથાઓમાં આવું બનવા પામ્યું છે. મુનશીએ મુંજને રસિક પ્રેમી તરીકે આલેખ્યો છે, તો મેઘાણીએ ‘સોરઠી બહારવટિયા’મા અને ‘માણસાઇના દીવા’માં બહારવટિયાઓને ગૌરવવંતા બતાવ્યા છે.
કોઇપણ નવલકથા પર ઇતિહાસનો વધારે પ્રભાવ હોય તો તે સાહિત્યકૃતિ નહીં પણ ઇતિહાસ બની રહે. ઐતિહાસિક નવલકથાનાં પાત્રોમાં માનવતાનું ચિત્રણ એવી કલાત્મક રીતે કરવાનું હોઇ છે કે તે સિદ્ધ કલાકૃતિ બની રહે. ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસ અને કલ્પનાનો સુભગ સમન્વય થવો જોઇએ. ઐતિહાસિક નવલકથાકારની શોધ માત્ર સત્યને પામવાની જ હોય છે. સત્યનું દર્શન કરાવવા પૂરતો જ એણે ઇતિહાસનો સહારો લેવાનો હોય છે. રવીન્દ્રનાથ ટાગોરે જે વાત કાવ્ય માટે કરી છે તે નવલકથાને પણ લાગુ પાડી શકાય. એમણે કહ્યું છે કે, “જો કાવ્ય, ઇતિહાસ અને સત્યનો પક્ષ લઇને તેની વિરુદ્ધમાં જાય, તો તેમાં દોષ થાય.” (‘સાહિત્ય’ - પૃ. 153) જો કે ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસની તપાસ કલા પૂરતી મર્યાદિત રહેવી જોઇએ. જેથી ઐતિહાસિક નવલકથા વાંચતી વખતે વાચકને સાહિત્યનો કલાત્મક આનંદ પ્રાપ્ત થાય.
ઐતિહાસિક નવલકથા એ માત્ર ઇતિહાસનું આલેખન જ નથી પણ લલિત સાહિત્યકૃતિ છે. એમાં જો માત્ર ઇતિહાસનું જ આલેખન થતું હોય તો તે માત્ર ઇતિહાસની કૃતિ જ બની રહે, સાહિત્યકૃતિ બની જ ન શકે. પરંતું કોઇ સિદ્ધહસ્ત સાહિત્યકાર દ્વારા નવલકથામાં ઇતિહાસનું આલેખન થાય તો તે નવલકથા ઉત્તમ સાહિત્યકૃતિ બની રહે. દા.ત. મુનશી. જો કે એમણે કેટલીક નવલકથાઓને રસિક બનાવવાના મોહમાં કેટલીક છૂટછાટ લીધી છે, છતાં એમની ઐતિહાસિક નવલકથાઓ ઉત્તમ સાહિત્યકૃતિઓ સાબિત થઇ છે, એમા કોઇ બે મત નથી.
***************************************************
ડૉ. હિમ્મત ભાલોડિયા
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
સરકારી આર્ટ્સ અને કોમર્સ કૉલેજ,
કડોલી, તા. હિમ્મતનગર, જિ. સા.કાં.