logo

માનવીની ભવાઇ’ અને मेला आंचल બંને નવલોમાં રહેલું સામ્‍ય-વૈષમ્‍ય

માનવીની ભવાઇ’ અને मेला आंचल આ બંને જાનપદી નવલકથાઓ છે. બાહ્યદ્રષ્‍ટિએ બંને નવલકથાઓ ગ્રામ્‍ય જીવનની હોવાથી સમાન લાગે છે. પરંતુ તેમાં સામ્‍યની સાથે સાથે કેટલુંક વૈષમ્‍ય પણ રહેલું છે. 

ઇ.સ. ૧૯૪૭માં પન્‍નાલાલ પટેલ દ્વારા સર્જાયેલી ‘માનવીની ભવાઇ’ ગુજરાતી સાહિત્‍યની ઉત્તમ જાનપદી નવલકથા છે. આ નવલકથા ભલે ઇ.સ. ૧૯૪૭માં રચાયેલી હોય, પરંતુ તેનો સમયગાળો તો જે વખતે છપ્‍પનિયો દુકાળ પડયો તે વખતનો છે. છપ્‍પનિયા દુકાળ વખતનું સમાજ જીવન, રીતભાતો પ્રસ્‍તુત નવલકથામાં નિરૂપવામાં આવ્‍યાં છે. તેથી કહી શકાય કે સ્‍વાભાવિક રીતે જ ઇ.સ. ૧૮૩૦ થી ૧૮૯૦ સુધીનો સમયગાળો પ્રસ્‍તુત નવલકથામાં લેવામાં આવ્‍યો છે. જેમાં ઇ.સ. ૧૮૫૬માં પડેલા મોટા દુકાળનું આલેખન છે. અહીં કાળુ-રાજુની પ્રણય સંવેદના નિમિત્તે ગ્રામજીવન છે. કાળના વિશાલ ફલક પર દુકાળ નિમિત્તે જીવન મરણના ખેલ વર્ણવાયા છે. જેમાં જીવનચેતનાના સંઘર્ષની ઉજ્જવળ પળો છે. છપ્‍પનિયા દુકાળની આસપાસ ચારેક દાયકાનો કાળ અને ગ્રામીણ ડુંગરાઓ, માનવીઓ, પશુ, પંખી, છોડ, ઝાડ, ખેતરો, મોલ વગેરેને પોતાના ખોળામાં ધારણ કરતી ઉત્તર ગુજરાતની ઇશાન સીમા પરની વન, ડુંગરની ઘેરી ધરતી આ નવલકથામાંથી પૂરેપૂરી ઉપસી આવે છે. લેખક પ્રસ્‍તાવનામાં જ લખે છે :

મેલું છું ધરતીને ખોળે ખેલતો,
મારી માટીનો મોંઘેરો મોર.(પૃ.૪૨) 

આ પંકિતમાં જ લેખકે માનવીની ભવાઇ’માં જે લક્ષ્‍ય રાખ્‍યું છે તેનું સૂચન કર્યું છે. અહીં આભ-ધરતી અને માનવ -ટૂંકમાં બહારનું તેમજ અંદરનું જગત એવા તો સંકુલ રીતે એકબીજા સાથે ગૂંથાયા છે કે તેમને છૂટા પાડી ન શકાય. બીજા શબ્‍દોમાં કહીએ તો આ કૃતિ પ્રાકૃતિક સૃષ્‍ટિની નીપજ છે એટલે જ મેઘાણી આ નવલકથાને ‘ધરતીના ધાવણ’ તરીકે ઓળખાવે છે. ટૂંકમાં પૂરા જનપદની આ કથા છે. કાળુ અને રાજુના પ્રણયજીવન પછવાડે જનપદના સમાજજીવનની લાક્ષણિક તસ્‍વીર આલેખાઇ છે. ‘માનવીની ભવાઇ નેઇ.સ. ૧૯૮૫ના વર્ષનો એકવીસમો ‘ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ’ મળેલ છે. 

ફણેશ્વરનાથ ‘રેણુ’ (૧૯૨૧-૭૭)ની નવલકથા मेला आंचल (૧૯૫૪) પણ કારમા સંગ્રામની કથા છે. ખાસ કરીને ભૂમિહીન સાંથાલોની, નવલકથાનું કથાનક છે.  બિહારના પૂર્ણિયા જીલ્‍લાનું ‘મેરિગંજ’ ગામ પૂર્ણિયા જીલ્‍લાની એકબાજુ નેપાળ છે, તો બીજી બાજુ પાકિસ્‍તાન અને પશ્વિમે બંગાળ છે. વિભિન્‍ન સીમારેખાઓ દ્વારા જ આ જીલ્‍લાનો નકશો સ્‍પષ્‍ટ થઇ જાય છે. લેખકે ‘મેરીગંજ’ને પછવાડના ગામોનું પ્રતીક માનીને જ આ નવલકથાની રચના કરી છે. 

રેણુ જીવનપ્રવાહની મઝધારે ઝંપલાવવામાં રાચે છે. એમની નવલકથા સમકાલીન ઇતિહાસ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે. સ્‍વાતંત્ર્યપ્રાપ્‍તિ અને તેની પછી જે બનાવો બન્‍યા તેની દોઢેક વર્ષની કથા मेला आंचलમાં નિરૂપાયેલી છે. 

રેણુની નવલકથા સમકાલીન ભારતના ભૂમિ ભૂખ્‍યા આદિવાસીઓને કચડવાથી માંડીને ગાંધીજીની હત્‍યા સુધીના તમામ ઘટકોને વ્‍યાપી વળે છે. ખુદ લેખકે જ નિવેદનમાં લખ્‍યું છે કે : 

इसमें फूल भी है शूल भी, धूल भी है गुलाब भी,
कीचड भी है चन्दन भी, सुन्दरता भी है करूणता भी,
मैं कीसी से दामन बचाकर नहीं निकल पाया

અહીં માણસની માણસ સાથેની લડાઇ છે. ગામમાં જ્ઞાતિઓનાં ત્રણ તડાં પડેલા છે. અહીં રાજકીય જૂથો હંમેશા અંદરો અંદર લડ્યા કરે છે. દરેક જૂથને એકબીજા સામે દુશ્‍મનાવટ છે.

માનવીની ભવાઇ નવલકથાનો પ્રારંભ Flash Back પદ્ધતિએ થયો છે. પ્રથમ પ્રકરણ ‘ઝાકળીયામાં’ કાળુને પચાસેક વર્ષનો મનખો યાદ કરતો બતાવ્‍યો છે. 

૩૮ પ્રકરણમાં વિભાજિત આ નવલકથાની વસ્‍તુસંકલના સીધી ગતિમાં છે. દરેક પ્રકરણમાં પન્‍નાલાલ માનવી અને પ્રકૃતિનું સંયુક્ત તેમજ કલાત્‍મક નિરૂપણ કરે છે. પ્રાકૃતિક સંદર્ભો ગ્રામીણ માનવી અને સમાજને તેના સાચા સ્‍વરૂપમાં પ્રગટ કરે છે. 

વસ્‍તુસંકલનાની દ્રષ્‍ટિએ જોઇએ તો માલીડોશીના મૃત્‍યુ આગળ કથાનું એક વર્તુળ પૂરું થાય છે. તો વાર્તાનું બીજુ વર્તુળ કાળુની મા રૂપાના અવસાન સમયે કાળુ દ્વારા અપાતા વચન વડે રચાય છે. તો કથાનું ત્રીજું વર્તુળ એકબીજાને પામવાંની અને છતાં દૂર ને દૂર રહેતાં કાળુ અને રાજુની કથાનું તો કેટલાંક પરિણામો બાદ કરતાં સમગ્ર કૃતિમાં વસ્‍તુસંકલનાની શિથિલતા ખાસ જોવા મળતી નથી. 

‘માનવીની ભવાઇ’ની તુલનામાં मेला आंचलની વસ્‍તુસંકલના શિથિલ છે. मेला आंचलમાં સબપ્‍લોટ વધારે છે. નવલકથનમાં અનેક ઘટનાઓ સંકળાયેલી છે. આ નવલકથા બે ખંડમાં વિભાજીત છે. આ બંને ખંડને સાંકળતા નવલકથાના કથાવસ્‍તુની ઘટનાઓ આ પ્રમાણે છે. 

(૧)    બાલદેવ અને લક્ષ્‍મીનો પ્રેમકથા 
(૨)    ડૉ. પ્રશાંત અને કમલાની પ્રેમકથા 
(૩)    કાલીચરણ અને મંગલાની પ્રેમકથા 

નવલકથાને રોચક બનાવનાર આ ત્રણેય પ્રણયકથાઓ મુખ્‍ય કથાનક તરીકે આવે છે. 
જયારે ગ્રામપરિવેશના સંદર્ભના નવલકથાના કથાવસ્‍તુમાં કુલ પાંચ ટોળીની કથા લેખકે ગૂંથી છે. 

(૧)  માલિક ટોળીની કથા
(૨)  રાજપૂત ટોળીની કથા 
(૩) યાદવ ટોળીની કથા 
(૪)  બ્રાહ્મણ ટોળીની કથા
(૫)  સાંથાલ ટોળીની કથા 

આમ, આ નવલકથા મુખ્‍ય-ગૌણ કથાઓના તાણાવાણાથી ગૂંથાયેલી છે. તેથી તેની વસ્‍તુસંકલનાને શિથિલ કહેવામાં આવી છે. અહીં અગત્‍યની વાત જેમ ગામની છે તેમ માનવીની વાસના વૃત્તિની પણ છે. 

मेला आंचलના સર્જકને કળા કે રૂપલીલા કરતાંય ‘માનવીની જીવનલીલા’ દર્શાવવામાં જ વધારે ઉત્‍કટ રસ છે. પરિણામે કળાની ભૂમિકાનું એમણે જતન કર્યું નથી. અન્‍યથા मेला आंचल નવલકથા નવલકથાના ઇતિહાસમાં માંગ મુકાવનારી ઘટના બનત. 

‘માનવીની ભવાઇ’ તથા मेला आंचल બંને કૃતિઓ સમગ્ર ગ્રામપ્રદેશને વર્ણવે છે. બંને નવલોમાં ગ્રામ સમાજ, એમના સુખ દુ:ખ, પ્રેમ-વાસના અને તેમાંથી જન્‍મતા તનાવો છે. 

‘માનવીની ભવાઇ’ના સર્જનનો સમય સ્‍વાતંત્ર્યપ્રાપ્‍તિ પછીનો છે. જયારે मेला आंचलનવલકથાનો સમય સ્‍વાતંત્ર્યપ્રાપ્‍તિ પૂર્વેનો છે. આથી આમાં સ્‍વાતંત્ર્ય સંગ્રામ કે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતોની જે વાત છે તે ‘માનવીની ભવાઇ’માં નથી. 

‘માનવીની ભવાઇ’ નવલકથામાં લેખક વ્‍યકિત તરફથી ધીમે-ધીમે સમષ્‍ટિ તરફ ગતિ કરે છે. જયારે मेला आंचल નવલકથા શરૂઆતથી જ સમસ્‍ત જન સમુદાયને આવરીને લખાયેલી છે. 

બંને નવલકથાના પાત્રોમાં માનવીય મર્યાદાઓ રહેલી છે. તેમ છતાં मेला आंचलના પાત્રો કરતાં ‘માનવીની ભવાઇ’ના પાત્રો વધુ ઉમદાં બન્‍યાં છે. હૈયાની ભૂખ અને પેટની ભૂખ સામે ટકી રહેવાની શકિત મનુષ્‍યમાં કેટલી હોઇ શકે તેનો કચાસ આ નવલકથામાંથી મળે છે. સંયમ અને સ્‍વમાનને વળગી રહી દારૂણ વેદનાને પચાવી જનાર કાળુ અને રાજુ પન્‍નાલાલના અમર પાત્રો છે. 

જેવી રીતે ‘માનવીની ભવાઇ’ માં કાળુ-રાજુની શુ્દ્ધ પ્રેમની કથા આપણું ધ્‍યાન ખેંચે છે. એ જ રીતે मेला आंचलમાં ડૉ. પ્રશાંત અને કમલા, કાલિચરણ અને મંગલાદેવી, બાલદેવ અને લક્ષ્‍મીની શુદ્ધ પ્રેમની કથાઓ આપણું ધ્‍યાન ખેંચે છે. પરંતુ કાળુ-રાજુનાં સ્‍નેહની દાસ્‍તા જેવી ‘માનવીની ભવાઇ’માં આપણને જોવા મળે છે. તેવી સ્‍નેહની દાસ્‍તા રેણુની નવલમાં જોવા મળતી નથી. 

પન્‍નાલાલની નવલમાં વાલાડોસા, રૂપાં, રાજુ, કાળુની જેમ मेला आंचलમા બાવનદાસ, બાલદેવ, ડૉ. પ્રશાંત જેવા નેક ઇન્‍સાન પણ છે. કુલિયા જેવી કુલટા સ્‍ત્રી છે. તો સામે મમતા જેવી સેવાભાવી અને પ્રેમાળ નારી પણ છે. પરંતુ રેણુની નવલમાં સેવાદાસ અને લક્ષ્‍મી વચ્‍ચેના અવૈધ સંબંધો આપણને જોવા મળે છે એવા પ્રકારના અવૈધ સંબંધો આપણને ‘માનવીની ભવાઇ’માં જોવા મળતા નથી. કુલીનતા અને શાલીનતા જેવા ગુણોથી કાળુનું પાત્રવ્‍યકિતત્‍વ જેમ આપણને આકર્ષી શકે છે. તેવી જ રીતે રાજુની ચારિત્ર્યશીલતા પણ આપણને અચૂક આકર્ષે છે. 

પન્‍નાલાલની નવલમાં માલીડોસી, રણછોડ, નાનિયો અને પેથાપટેલ તેમ રેણુની નવલમાં વિશ્વનાથ પ્રસાદ જેવાં ખટપટીંયા પાત્રો છે તો જયોતિષીકાકા, સેવાદાસ જેવા ભ્રષ્‍ટ મહંત, રામદાસ, લક્ષ્‍મીદાસ જેવા તમસ ગુણથી ભરાયેલાં પાત્રો આપણને મળે છે. 

‘માનવીની ભવાઇ’માં નાયક-નાયિકા સ્‍પષ્‍ટ નિર્દેશેલાં છે. જયારે मेला आंचलમાં કોઇ એક પાત્ર નાયક કે નાયિકા છે એવું નામ પાડીને કહી શકાય એવું નથી. એનું મુખ્‍ય પાત્ર ગામડું જ છે. 

જાનપદી નવલકથામાં આલેખાતો માનવ દંભના બુરખા વિનાનો સાચો માનવ હોય છે અને એટલે જ ‘માનવીની ભવાઇ’નો કાળુ અને मेला आंचलનો બાલદેવ ઉત્તર ગુજરાતના કે બિહારના માનવી ન રહેતા વૈશ્વિક માનવીની કોટિએ મૂકાય છે. 

રેણુની નવલકથા मेला आंचलમાં માણસની માણસ સાથેની લડાઇ છે. અહીં જમીનદારો ભૂમિહીન આદિવાસીઓને છેતરે છે. તેમની સ્‍ત્રીઓ પર બળાત્‍કાર કરે છે અને તેમની મિલકત લૂંટે છે. આ નવલકથા ભૂમિ ભૂખ્‍યા આદિવાસીઓને કચડવાથી માંડીને ગાંધીજીની હત્‍યા સુધીના તમામ ઘટકોને વ્‍યાપી વળે છે. આમ, અહીં શોષક અને શોષિતો વચ્‍ચેનો સંઘર્ષ ધ્‍યાનાર્હ બનીને ઉપસી આવેલો જોવા મળે છે. 

જયારે ‘માનવીની ભવાઇ’નો સંઘર્ષ માનસિક સંઘર્ષ છે. કાળુ અને રાજુ જેવા નાયક-નાયિકાના ચિત્તમાં ખેલાતો સંઘર્ષ આકર્ષક બનવા પામ્‍યો છે. પ્રેમનાં મધુર સ્‍વપ્‍ન અને સંસારની કટુ વાસ્‍તવિકતા વચ્‍ચે તે સતત ભીંસાયા કરે છે. પરંતુ આ બાહ્યસંઘર્ષની સાથે જયારે પેલો આંતર સંઘર્ષ જોડાઇ જાય છે. ત્‍યારે તે વધુ ગહન અને મર્મગામી બનવા પામ્‍યો છે. અહીં મનુષ્‍ય કુદરત સામે, કાળસામે અને મૃત્‍યુ સામે ઝઝૂમે છે. 

બંને નવલમાં તળપદી વાણી પ્રયોજાઇ છે. બંનેમાં ઉત્‍સવો, વ્રતો, સામાજિક પ્રસંગો અને લોક રીત-રિવાજો, માન્‍યતાઓનું આલેખન કરવામાં આવ્‍યું છે. બંને નવલકથામાં ઋતુચક્રનાં વર્ણનોની સાથો સાથ આપણને પાત્રવ્‍યકિતત્‍વની ખામીઓ અને ખૂબીઓનું દર્શન કરાવવામાં બંને સર્જકો સફળ બન્‍યા છે. બંનેમાં ખેતી-ખેતર અને એ અંગેનાં અસબાબ ઉપલબ્‍ધ છે. 

આમ, આ બંને નવલકથાઓ ગ્રામજીવનને અને તેના પ્રશ્રોને તાગે છે અને બંને લેખકોએ તેમની આગવી શૈલી દ્વારા જીવનદર્શનનું નિરૂપણ કર્યું છે.

સંદર્ભ ગ્રંથો

[1] માનવીની ભવાઇ- શ્રી પન્‍નાલાલ પટેલ, સાધના પ્રકાશન અમદાવાદ, પ્ર.આ - સને - ૧૯૪૭ 

[2] मेला आंचल -ફણેશ્વરનાથ રેણુ, રાજકમલ પ્રકાશન, નવી દિલ્‍હી પટના-૧૯૫૪

[3] જાનપદી નવલકથા વિભાવના અને વિકાસ - કિશોરસિંહ સોલંકી 

[4] અર્વાચીન ગુજરાતી સાહિત્‍યનો ઇતિહાસ-  ડૉ. રમેશ ત્રિવેદી 

[5] કથાપર્વ ભાગ ૧,૨- બાબુ દાવલપુરા 

[6] પન્‍નાલાલનું પ્રદાન -રઘુવીર ચૌધરી, રમેશ ર. દવે

*************************************************** 

પ્રા. આશા.આર.ચૌધરી, (ગુજરાતી વિભાગ)
C/O ડી.એન.પી. આટર્સ અને કોમર્સ કૉલેજ,
ડીસા

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By :Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Feedback  |  Contact us