સંસ્કૃત અને સંસ્કૃતિ
સંસ્કૃત ભાષામાં રહેલો જ્ઞાન ભંડાર ભારત દેશ માટે ગૌરવની બાબત ગણાય છે. સંસ્કૃત ભાષા વિશ્વની પ્રાચીનતમ લખાયેલા સાહિત્ય વેદોની ભાષા હોવાની સાથે સાથે બૌધ્ધિક વિચારોને વ્યક્ત કરવા માટે સશક્ત માધ્યમ બની રહી છે. અત્યારે શિક્ષણક્ષેત્ર અંગ્રેજી બનવાને કારણે શિક્ષણ જગતમાં ભલે સંસ્કૃત ભાષાની અવનતિ થઈ હોય, પરંતુ આજે પણ દરેક ભારતીયના અંતઃકરણમાં સંસ્કૃત ભાષા પ્રત્યે અગાધ આકર્ષણ તેમજ પ્રેમ જોવા મળે છે. સંસ્કૃત ભાષાની મહત્તા માટે થોડાક પ્રસંગોની ચર્ચા કરવી અત્રે જરૂરી લાગે છે.
આજે આપણે બડાઈ મારતા હોઈએ કે, અમારા ભારત દેશની સંસ્કૃતિ મહાન છે. આ વાત સાવ સાચી છે, તેમાં ઘમંડાઈ બતાવવાની જરા પણ જરૂર નથી. પરંતુ આપણી સંસ્કૃતિના આધારસ્થાન સંસ્કૃત ભાષાની મહાનતાના વૈજ્ઞાનિક માર્ગો અપનાવીને એને વિશ્વ સમક્ષ મૂકવાના સંશોધનો કરવા જોઈએ, જે આજે થઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ, યુરોપ અને અમેરિકાની સંસ્કૃતિ કરતા હજારો વર્ષ પ્રાચીન છે. આ બંને ખંડના લોકો જ્યારે ભટકતું જીવન જીવતા હતા, એટલે કે જંગલી સંસ્કૃતિની હાલતમાં હતા ત્યારે આપણી પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિ વિકસિત અવસ્થામાં અસ્તિત્વ ધરાવતી હતી. આ માટે કેવળ આનંદવિભોર થવાની જરૂર નથી, પરંતુ એમના માટે નક્કર સંશોધન કરવાની જરૂરિયાત લાગે છે.
વેબસ્ટર જેવી અંગ્રેજી ભાષાની ડિક્ષનરીમાં પણ ૪.૨૫ લાખ જેટલા શબ્દોમાંથી એક ચતુર્થાંશ એટલે કે એક લાખ કરતાએ વધુ શબ્દોનું ગોત્ર સંસ્કૃત હોઈ એમ લાગ્યા વગર રહેતું નથી. આ અભિપ્રાય કોઈ સામાન્ય વ્યક્તિનો નથી પરંતુ ભારતીય સંરક્ષણ ખાતામાં મનોચિકિત્સા સંશોધન નિયામકશ્રી ડૉ.વરાડપાંડેજીનો છે. તો બીજી બાજુ પશ્ચિમના દેશોના સંશોધકો પણ અંગ્રેજી ભાષા પર સંસ્કૃત ભાષાના પ્રભાવને સ્વીકારે છે. આજે જ નહીં પણ હજારો વર્ષ પૂર્વે પણ પશ્ચિમના દેશો અને અન્ય દેશોએ સંસ્કૃતની મહત્તાને બિરદાવી છે. આપણે ભારતીયો જ જો સંસ્કૃત ભાષા પ્રત્યે ઉદાસીનતા દાખવીએ તો દોષનો ટોપલો કોના ઉપર ઢોળવો? એ એક પ્રશ્ન થાય છે. અત્યારે આપણે ગુજરાતી હોવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યે અણગમો વ્યક્ત કરીએ છીએ. આ અવગણના નજીકના ભવિષ્યમાં ભાષાને લુપ્ત પણ બનાવી શકે છે. અત્યારે શુધ્ધ ગુજરાતીમાં કોઈ વ્યક્તિ એક પણ વાક્ય ઉચ્ચારી શકતો નથી. તેમાં અંગ્રેજી કે અન્ય ભાષાના શબ્દો અનાયાસે આવી જતા હોય છે. આવું જ કંઈક પહેલાના સમયમાં સંસ્કૃત ભાષા અંગે થયું. આમ, આપણે આપણી માતૃભાષા અને તેની જનની એવી સંસ્કૃતને ધબકતી રાખવી હશે તો ખૂબ જ પરિશ્રમ કરવો પડશે.
ગ્રીક, લેટીન અને સંસ્કૃત આ પ્રાચીનતમ ભાષાઓમાં પણ સંસ્કૃત ભાષાને વિશ્વફલક પર વધુ મહત્ત્વ અપાયું છે. અત્યારે થઈ રહેલા સંશોધનો મુજબ સંસ્કૃત ભાષા એ માત્ર ભારતીય ભાષાઓની જનની જ નહીં, પણ યુરોપીય ભાષાઓની પણ જનની માનવામાં આવે છે. વિલ ડુરાન્ટે “ધ સ્ટોરી ઓફ સિવિલાઈઝેશન” નામના પુસ્તકમાં સંસ્કૃત ભાષાનો ભારતીય યુરોપીય ભાષાઓની જનની તરીકે ઉલ્લેખ કર્યો છે. મહાન ઈતિહાસકાર ટોયન્બીએ પણ એશિયા અને યુરોપ વચ્ચે વિહાર કરતી જાતિઓની બોલચાલની ભાષા સંસ્કૃત હોવાનો ઉલ્લેખ કરેલો છે. આર.બી.એમ. જેવી અમેરિકી સંસ્થામાં કાર્યરત કોમ્પ્યુટર ઈજનેરો પણ કોમ્પ્યુટરને સૌથી અનુકૂળ ભાષા તરીકે સંસ્કૃતને જ મહત્ત્વ આપે છે. વિશ્વમાં ફેલાયેલ યોગ, ધ્યાન, વૈદિક ગણિત આ બધુ આપણી સંસ્કૃત ભાષાને આભારી છે.
થોડા સમય પહેલા જ કેમ્બ્રિજ યુનિવર્સિટીએ સંસ્કૃત શિક્ષણ વિભાગ બંધ કરી દીધો છે. એ વાતની નોંધ ભારતીય મીડિયાએ ભારે લીધી. પણ આપણા ઘર આંગણે બોર્ડની પરીક્ષામાં સંસ્કૃત વિષયને મરજીયાત બનાવી દેવામાં આવ્યો છે એ કેવી વિડંબના કહેવાય? આપણી નજર હંમેશાં દૂર જોવામાં રહી છે. પણ આપણી નજીકમાં શું છે તેના પ્રત્યે ક્યારેય ધ્યાન ગયું છે? હમણાં ભારત સરકારે સંસ્કૃત ભાષાને પ્રાચીન ભાષાનો દરજ્જો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંધમાં પણ હિન્દીને સંયુક્ત રાષ્ટ્રની માન્ય ભાષાનો દરજ્જો મળે એ ઝુંબેશ ચલાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની માન્યતા પ્રાપ્ત ભાષાઓમાં અંગ્રેજી, ફેન્ચ, સ્પેનિશ, અરબી, મંડેરિન અને રશિયન ભાષાઓમાં સાતમી ભાષા હિન્દી ઉમેરવી જોઈએ એ માટે સરકાર દ્વારા પ્રયાસો થયા છે અને થવા પણ જોઈએ, તો જ આપણી ભાષાઓ થકી આપણી સંસ્કૃતિ જીવંત રહી શકશે.
જર્મનીમાં તો સંસ્કૃતનો પ્રભાવ છે જ, સાથે સાથે બીજા દેશોની વાત આવે ત્યારે ચીનના સંસ્કૃતના પ્રખર વિદ્વાન જી ઝિયાન્લીન(Ji Xianlin)નું નામ તરત જ યાદ આવી જાય છે. આપણી સંસ્કૃતિના પ્રતિક સમા રામાયણ અને મહાભારત એ મહાકાવ્યોનો ચીની અનુવાદ થયો છે. રામાયણનો અનુવાદ જી ઝિયાન્લીને અને મહાભારતનો અનુવાદ એમના શિષ્યોએ “ચાઈનીઝ એકેડેમી ઓફ સોશિયલ સાયન્સિસ” ની મદદથી પ્રકાશિત કરેલો છે. આ ચીની ભાષામાં અનુવાદિત ૫૦૦૦ નકલોની આવૃત્તિ ફટાફટ વેચાઈ ગઈ. આમજનતાએ ઊંચી કિંમત આપીને મહાભારતની ખરીદી કરી છે. આપણે ત્યાં તો આવાં કિંમતી ગ્રંથો સરકારી અનુદાનથી ખરીદીને ગ્રંથાલયમાં શોભાના ગાંઠીયા જેવા બની રહે છે. આમ જ્યારે વિદેશીઓ આપણી સંસ્કૃતિના પ્રતિબિંબ સમાન આવાં ગ્રંથો પોતાના ઘરે વસાવે છે. તો આમાંથી આપણે કંઈક પ્રેરણા લેવી જોઈએ. આપણો દેશ વિશ્વગુરુ બનશે એવું સપનુ સેવીએ છીએ તો તેના માટે કંઈક કરવું જ પડશે.
જી ઝિયાન્લીનના શિષ્ય અને ચીની ભાષામાં મહાભારતનો અનુવાદ કરનાર પાંચ પંડિતોની સમિતિના અધ્યક્ષ હુઆંગ બાઓશેંગ કહે છે કે “ચીની વિદ્વાનોએ અત્યાર સુધી પશ્ચિમ ભણી ઘણું બધુ ધ્યાન આપ્યું છે, હવે ભારતીય સંસ્કૃતિ અને એના જ્ઞાનનાં ભવ્ય વારસા ભણી વધુ ઉત્સુક જણાય છે.” આ ચીની ભાષામાં અનુવાદ કરાયેલા મહાભારતને ચાઈનીઝ એકેડેમીએ પ્રકાશિત કરેલ છે. આ આવૃત્તિને હાર્વર્ડના વિદ્વાનોએ પણ બિરદાવેલ છે. ચીનના બીજા વિદ્વાનો પણ જર્મની જઈને સંસ્કૃત, પાલી વગેરે ભાષાઓનો અભ્યાસ કરે છે.
પંડિત ગુલામદસ્તગીર બિરાજદારના મતે તો “કુરાન” શબ્દ પણ સંસ્કૃત છે. આપણે ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાનનું નામ સંસ્કૃત ભાષાનું હોઈ તેમ માનવું મુશ્કેલ લાગે છે. એમના મતે “કુ” એટલે આકાશ અને “રાન” એટલે અવાજ. આમ, કુરાન એટલે “આકાશમાંથી સંભળાયેલો અવાજ” થાય છે.
અહીં હિન્દુ ધર્મની સરખામણી અન્ય ધર્મો સાથે કરવાનો કોઈ ઈરાદો નથી. કેવળ સંસ્કૃત ભાષાના મૂળીયા કેટલા પ્રાચીન છે, એ બતાવવું જ ઈચ્છિત છે. પંડિત બિરાજદાર પોતાના સંતાનોની નિકાહની નિમંત્રણ પત્રિકા ઉર્દુ અને સંસ્કૃત બંને ભાષામાં છપાવતા હોઈ એ બાબત જ આપણને કોમી એખલાસની ભાવના તરફ ખેંચી જાય છે.
ઈતિહાસ વિષયના પ્રાધ્યાપિકા શાંતા પાંડે “મધ્યકાલીન ભારત- એક સમ્ય દ્રષ્ટી” પરના સંશોધન લેખમાં કહ્યું છે કે – “गझनवी के समय उनकी दरबारी भाषा संस्कृत थी। महमूद गझनवी के सिक्को पर संस्कृत भाषामें ही महमूद सुरत्राण का अंकन मिलता हैं।”
ગુજરાત કૉલેજના સાયન્સના વિદ્યાર્થી એવાં ઈર્શાદ મિર્ઝા જ્યારે શ્રીમદ્ ભગવદગીતાના શ્લોકો ગાય ત્યારે ભલભલા પંડિતો પણ નવાઈ પામે એટલી એમની સુંદર ઉચ્ચારશુધ્ધિ જોવા મળતી હતી. તેઓ કહે છે કે “હું સંસ્કૃત ભણ્યો નથી, પણ આ ભાષા પ્રત્યે મને પહેલેથી જ ખૂબ પ્રેમ છે. કયાંય પણ જાઉં મારા ભાષણમાં એકાદ બે સંસ્કૃત શ્લોક જરૂર ટાંકુ છું.” આમ, અનેક મુસ્લિમ લોકો સંસ્કૃત પ્રત્યે પ્રેમ ધરાવતા હોઈ તો આપણે ઉર્દુ પ્રત્યે ઉદાસીનતા શું કામ બતાવવી? કોઈ પણ ભાષાને ધર્મ સાથે જોડવાથી દેશનું ભલું કયારેય થશે નહીં.
ભારોપીય ભાષા પરિવારમાં જેનો સમાવેશ થતો નથી એવી આપણા દેશની મલયાલમ ભાષામાં પણ ૭૦ ટકા શબ્દો સંસ્કૃતમાંથી જ ઉતરી આવેલા છે.
આમ, સંસ્કૃત ભાષા અબજો લોકોની ભાષાઓની જનની હોવા છતાં આજે મૃતઃપ્રાય અવસ્થામાં જોવા મળે છે. તો તેના પ્રસાર-પ્રચાર માટે “સંસ્કૃત ભારતી” વગેરે ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ સક્રિય રીતે કામ કરી રહી છે. તો તેઓના ભગીરથ પ્રયાસમાં આપણે પણ જોડાઈને સંસ્કૃત ભાષાને આપણા હૃદયમાં ગૂંજતી કરીએ. તો જ આપણી સંસ્કૃતિ સદાયને માટે ધબકતી રહેશે.
સંદર્ભ ગ્રંથો
1. The story of Civilization – Will Durant.
2. मध्यकालीन भारत – एक सम्य दृष्टी – शांता पांडे.
3. कुरान .
4. Webster Dictionary.
***************************************************
પ્રિ.ડૉ.જેસિંગ આર.વાંઝા
સરકારી વિનયન કૉલેજ,
ભાણવડ, જિ. જામનગર
|