logo

હિમાંશી શેલતની વાર્તાઓમાં પ્રગટતુ વેશ્યાજીવન

હિમાંશી શેલત ગુજરાતી સાહિત્યમાં અનુઆઘુનિક ટૂંકીવાર્તાક્ષેત્રે મોખરાનું સ્થાન ઘરાવે છે. એમની વાર્તાઓની વિશિષ્ટતા એ છે કે તેમાં મુખ્યત્વે નિમ્ન સ્તરના મનુષ્યની વેદના-સંવેદનાને ઉજાગર થઇ છે. એ જ રીતે એમની વાર્તાઓમાં શોષિત,પીડિત સ્ત્રીની વેદના-સંવેદનાને બારીકાઈથી આલેખાઈ છે. આમ જોઇએ તો સમગ્ર માનવજાતિમાં સૌથી વધુ દયનીય સ્થિતિ જો કોઇની હોય તો તે વેશ્યાઓની છે. હિમાંશી શેલતે એમની જુદીજુદી વાર્તામાં વેશ્યાના જીવનને, એની વેદના-સંવેદનાને વાચા આપી છે.      

નારીને વેશ્યા બનાવવાની પરંપરા સમાજવ્યવસ્થાના પ્રારંભકાળથી જ જોવા મળે છે. નગરવધૂ અને દેવદાસી એ વેશ્યાના જ વિભિન્ન રૂપ છે. સ્વચ્છ સમાજની વ્યવસ્થા જાળવવા કે પછી સામાન્ય નારીસમાજની સુરક્ષા જળવાઈ રહે એ આશય તળે જગતમાં નારીના શીલને વિકૃત કરાતું રહ્યું છે. શોષણ, અત્યાચાર કે મજબૂરીના ભોગે વેશ્યા બનેલી નારીનું જીવન નરકથી પણ બદત્તર હોય છે. અન્યાયનો ભોગ બનેલી સ્ત્રી વેશ્યા થતાં સામાન્ય જીવનથી વંચિત થાય છે. એથીય વધુ દુ:ખદ ઘટના એ છે કે અન્યાય કરનાર નહીં પણ, અન્યાય વેઠનાર સ્ત્રી સમાજના તિરસ્કારનો ભોગ બને છે. જયારે અત્યાચારી સભ્ય સમાજમાં ભળી જાય છે. ’વેશ્યા’ નામાભિધાન લાગતાં જ સ્વમાન, શીલ, સંવેદનશીલ સ્વભાવ સહિતના સમગ્ર વ્યક્તિત્વને તો ગુમાવે છે, એની સાથે જ સ્વજનો તેમજ સમગ્ર સમાજમાંથી તે વિમુખ બને છે. સામાન્ય જીવનથી ફંગોળાયેલી, જેના નામના ઉલ્લેખ માત્રથી  સભ્ય સમાજ  છોછ રાખે છે, એવી ગણિકાના સંવેદનવિશ્વને હિમાંશી શેલત વાર્તાઓમાં સુક્ષ્મતાથી પ્રગટાવી  છે. 

હિમાંશી શેલતે એમની વાર્તાસૃષ્ટિમાં ગણિકાજીવનમાં પ્રવેશથી શરૂ કરી આ દોજખપૂર્ણ જીવનના વિવિધ પાસાને ઝીણવટથી વર્ણવ્યા છે. ગણિકાના વાસ્તવ જીવનમાં ડોકિયું કરાવતી ચાર વાર્તાને અહીં લેવાઈ છે. આ ચારેય વાર્તાઓ એમના વાર્તાસંગ્રહ ‘એ લોકો ’માંથી લીધી છે.

હિમાંશી શેલતનો વાર્તાસંગ્રહ ’’એ લોકો’ ઈ.સ.૧૯૯૭ પ્રગટ થયો છે. આ સંગ્રહમાંની બીજા ક્રમાંકની વાર્તા ‘બારણું’’માં એક અબૂધ કન્યાના વેશ્યાજીવનમાં પ્રવેશની કરુણ કથા છે. અહીં ગામડેથી શહેરની ઝૂપડપટ્ટીમાં રહેવા આવેલી નાદાન મુગ્ધા સવલીની વાત છે. શહેરમાં આવેલી સવલીની મૂંઝવણ ઝૂપડપટ્ટીના શૌચાલયોના કડી વિનાના બારણાંની છે. એકવાર કોઈ પુરુષે ભૂલથી બારણું ખોલી નાખ્યા બાદ તો સવલી ખૂબ ડરતી હતી. આ સવલી સહેલીઓ સાથે મેળામાં જાય છે. મેળામાંથી ખોવાયેલ સવલી એક મૌસીના હાથમાં આવી જાય છે. વેશ્યાલયની ગંભીરતાથી અજાણ સવલી તો કડીવાળા શૌચલાયને જોતા જ ખુશ થઈ અંદર જઈ બારણું બંધ કરી લે છે. સમગ્ર જીવનને અંધકારમય બનાવતા આ બંધ થયેલાં બારણાંથી સવલી અજાણ જ રહી છે. અભાવોમાં પિસાતી કેટલીય ગરીબ સ્ર્ત્રી સામાન્ય વસ્તુની અપેક્ષામાં સામાન્ય જીવનને ગુમાવી વેશ્યાલયના બારણે પહોંચી જાય છે. અજાણતાં તેમજ અભાવ જેવા કારણોથી કેટલીય સ્ત્રીનો માર્ગ ફંટાઈ જાય છે. જે વેશ્યાગૃહના બારણે જઈને અટકે છે. 

વેશ્યા બનેલી સ્ર્ત્રીના આંતરમનને લેખિકા હવેની વાર્તાઓમાં ક્રમશઃ ખોલે છે. એમની  ‘ખરીદી’ (વાર્તાક્ર્માંક-૧૨) વાર્તામાં વેશ્યાના ભાવોને સહજતાથી રજૂ કર્યા છે. એક સ્ર્ત્રી જયારે વેશ્યા બને છે ત્યારે સામાન્ય જીવન તેમજ પરંપરાથી કેટલી અલગ થઈ જાય છે એ અહીં દર્શાવ્યું છે. વાર્તાની નાયિકા ‘એ’ ગણિકા છે. પોતાની દીકરીને આ વાતાવરણથી દૂર રાખી હોસ્ટેલમાં ભણાવે છે. દીકરીને મળવા જવા ‘એ’ પોતાને માટે સાદી કોટનની સાડી ખરીદવા બજારમાં જાય છે. એનાં વ્યવસાયથી પરિચિત દુકાનદાર એને ભડકીલાં રંગોની પારદર્શક સાડી બતાવી એના પદનું ભાન કરાવે છે. ગમે તેમ કરી ‘એ’ કોટનની સાડી ખરીદીને પાછી આવે છે. ત્યાં બજારમાં પુરુષોની હવસખોર હરકતો એને એટલી દુઃખી કરે છે કે ‘એ’ કોટનની સાડી પહેરવાનું કે દીકરીને મળવા જવાનું માંડી વાળે છે. ‘એ’ પુનઃ ભડકીલી પારદર્શક સાડી પહેરી નિશ્ચેતન લાશ બની વ્યવસાયિક જાય છે.  વ્યવસાયને કારણે કોઈપણ વ્યક્તિનું આટલી હદે અવમૂલ્યન થતું નથી, જેટલું એક ગણિકાનું થાય છે. એમાંય એનો આ વ્યવસાય એ મજબૂરીમાં સ્વીકારેલ જીવનનિર્વાહનું માધ્યમ છે. આ અણગમતાં વ્યવસાય વચ્ચે પોતાની ગમતી કોઈ વૃતિ-પ્રવૃત્તિ કરવા સામે સમાજનો નકારાત્મક અભિગમ એને હતાશામાં ધકેલી દે છે-એની આંતરવેદનાને અહીં સહજતાથી દર્શાવી છે.
  
‘કિંમત’ (વાર્તાક્ર્માંક-૧૩) વાર્તામાં પણ ગણિકાની આવી જ ઘવાયેલી લાગણીને લેખિકાએ રજૂ કરી છે. વાર્તામાં ગણિકા મોહનાની વ્યથા-કથા આલેખાઇ છે. વાર્તાની શરૂઆતમાં મોહનાને હિન્દી ફિલ્મમાં અભિનેત્રીનો રોલ મળ્યાના સમાચાર બાદ એ અત્યંત ખુશ છે. હાલના આ નર્ક સમાન જીવનને બદલે પૈસા-પ્રતિષ્ઠાવાળા જીવનના સપનામાં રાચવા લાગી છે. અન્ય સખીઓને  અહીંથી કાઢી  સુસંસ્કૃત સમાજનો હિસ્સો બનાવાનું પણ નક્કી કરે છે. ત્યાં જ દિગ્દર્શક આવી તેને રોલ સમજાવે છે. બદમાશો  દ્વારા છેડાયેલી ભરબજાર વચ્ચે નગ્નવસ્થામાં ભાગતી નાયિકાનો અભિનય કરવાનો છે. ફિલ્મની મુખ્ય નાયિકાએ આ દ્રશ્ય કરવાની ના પાડતા મોહનાનો સંપર્ક કરાયો હતો. મોહના કશું વિચારે એ પહેલાં જ દિગ્દર્શક દ્વારા ઈચ્છિત કિંમતની ઓફર મૂકાય છે. એકબાજુ નિશ્ચેતન બનેલી મોહના છે, તો બીજી બાજુ કિંમતની બૂમો છે. દેહવ્યાપારનો વ્યવસાય એ તેની મજબૂરી છે, પણ એનો અર્થ એ પણ નથી કે એનો અંતરાત્મા ભ્રષ્ટ બની ગયો છે. એક ગણિકા એટલે ફક્ત એક કાયા જ છે. સમાજે એનાં સંવેદનતંત્રને સાવ અચેતન માની લીધું છે. એક સ્ત્રીના ચારિત્ર્યની અમૂલ્યતા સમાજ જાણે છે. આ જ સ્ત્રીને બળજબરીથી વેશ્યા બનાવ્યા બાદ એની કાયાની માયા છે, પણ એના આંતર વ્યક્તિત્વની કોઈ જ કિંમત સમાજને નથી. હિમાંશી અહીં એના સાચાં સંવેદક બન્યા છે. 

‘શાપ’ (વાર્તાક્ર્માંક-૧૧) વાર્તામાં લેખિકાએ આધુનિક યુગની ગણિકાને પજવતી  એક નવી  જ સમસ્યા દર્શાવી છે. આ સમસ્યાને કારણે ગણિકાના જીવન માર્ગમાં કઠીનાઈઓ વધી છે. આ નવી સમસ્યા H.I.V. એઇડ્સ નામનો જાતીય ચેપી રોગ છે. દિનપ્રતિદિન વધતાં આ રોગને લીધે વેશ્યાલયમાં ગ્રાહકોની સંખ્યા ઘટતાં વેશ્યાઓનું જીવન વધુ જટિલ બન્યું છે. વાર્તામાં આવું જ એક વેશ્યાલય છે. ગ્રાહકોની અનુપસ્થિતિમાં સમય પસાર કરવા V.C.R.માં ગુજરાતી ફિલ્મ જોવા બેઠેલ વેશ્યાવૃંદ છે. ફિલ્મમાં નાયિકા સાથે ખલનાયક બળજબરી કરવા જાય છે ત્યારે અચાનક જ નાયિકાનો પુણ્યપ્રકોપ જાગી જાય છે. એ સતી માતાને આરાધે છે. જેના ફળસ્વરૂપે નાયિકાના શાપથી ખલનાયકના શરીરે ગૂમડાં ફૂટી નીકળે છે. ફિલ્મના આ સીનને જોતી વેશ્યાઓ પોતાના ભૂતકાળમાં સરી પડે છે. જેમાં બળજબરી કરનારને ઘણાં જ શાપ આપ્યાં હતાં. જો કે એ શાપની ખલનાયક ઉપર તો કોઈ અસર ન થઇ, પરંતું આ સ્ત્રીઓનું જીવન શાપમય બની ગયું હતું. નિમ્ન સ્તરમાંથી આવેલી આ વેશ્યાને અહીં પહોંચાડનાર બાપ, કાકા, પતિ કે અન્ય કોઈ નજીકના સગાં જ હતા. આજે એ બધાં પોતાના સમાજજીવનમાં વ્યસ્ત છે. જયારે આ નિર્દોષ સ્ત્રીઓ એવી  શાપિત  જિંદગી જીવે છે કે, એનું નિવારણ કરવાની શક્તિ કોઈ દૈવીતત્વમાં નથી. 
          
હિમાંશી શેલતે આ વાર્તાઓમાં વેશ્યાની વ્યથાને સહજતાથી વ્યક્ત કરી છે. પહેલી વાર્તામાં નિર્દોષ સ્ત્રીને વેશ્યાલય તરફ લઇ જતી એક આકસ્મિક ઘટના છે. ત્યારપછીની ત્રણેય વાર્તામાં એક સ્ત્રી ગણિકા બને છે ત્યારે હર પળે રુક્ષ થતી લાગણીઓ અને મરતા  સ્ત્રીત્વને  લેખિકાએ સમસંવેદક બની ભાવાત્મક રીતે રજૂ કર્યું છે. લેખિકાએ ત્રણેય વાર્તાની ગણિકાઓની વેદનાને વાસ્તવના એરણે રહી સહ્રદય ભાવક સુધી સફળતાથી મૂકી આપી છે.
    
વેશ્યા વ્યવસાયને લગતા થયેલાં અધિકતર અભ્યાસોમાં એ જોવાં મળ્યું છે કે અહીં આવેલી મોટાભાગની સ્ત્રીઓ ગરીબી, ભૂખ, બેસહાય તેમજ બળાત્કાર કે અત્યાચારનો ભોગ બનેલી લાચાર સ્ત્રીઓ છે. સમાજમાં રહેતી સામાન્ય ભારતીય સ્ત્રીઓ એને ઘર ભાંગનારી માની એની ઉપેક્ષા કરે છે.  હકીકતમાં જાનવરોથી બદત્તર એમનું જીવન છે. શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક –એમ દરેક કક્ષાએ શોષણનો ભોગ બનતી આ જીવતી લાશો છે. એમનાં તથા એમનાં સંતાનોને લગતા અનેક જટિલ પ્રશ્નો છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર તેમજ કાયદાના મામૂલી પ્રયાસો થતાં રહ્યાં છે. છતાં પરિસ્થિતિમાં કોઈ ખાસ બદલાવ જોવાં મળતો નથી. એનું કારણ સમાજનો એના તરફનો તિરસ્કૃત અભિગમ છે. સમાજના આ નિષ્ઠુર અભિગમ સામે હિમાંશી  શેલત ક્યારેક વિદ્રોહથી તો ક્યારેક સહૃદયી બની વાર્તાઓમાં વેશ્યાની વેદના-સંવેદનાને પ્રગટાવે છે.

સંદર્ભ પુસ્તક :
‘એ લોકો ‘ વાર્તાસંગ્રહ – હિમાંશી શેલત, પ્રકાશક-ગૂર્જર ગ્રંથરત્ન, અમદાવાદ, ઈ.સ.૧૯૯૭

 

*************************************************** 

ડૉ.મંજુ કે.ખેર 
એસોસિએટ પ્રોફેસર 
ગુજરાતી વિભાગ 
આર્ટસ & કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Feedback  |  Contact us