logo

પ્રાચીન ભારતીય ભાષા કાર્ય

 

ભારતનાં સર્વ શાસ્ત્રોના અને સર્વ વિષયોનાં બીજ  ‘વેદ'માં પડેલા મનાય છે. સર્વ શાસ્ત્રો અને સર્વ વિષયોનો સાર વેદમાં સંગ્રહિત છે. ‘મનુસ્મૃતિ'માં પણ  ‘સર્વજ્ઞાનમયો હિ સઃ'  એવું વેદો માટે જ કહેવાયું છે. મુખ્ય વેદોની સંખ્યા ચાર છે - ઋગ્વેદ,  સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ વેદોમા અનેક વૈદિક સંહિતાઓ આવેલી છે. ભાષા પરિવર્તનશીલ હોવાથી કાળક્રમે કાળભેદ અને દેશભેદને કારણે આ સંહિતાઓમા પણ પરિવર્તન આવે તેવી શક્યતાઓ હતી,  તેથી ઋષિમુનિઓએ આ સંહિતાઓના મૂળપાઠની જે તે સ્વરૂપે રક્ષા કરવા તેને કંઠસ્થ કરી લીધી.  એટલું જ નહી સંહિતાપાઠનાં અશુદ્ધ ઉચ્ચારણને પાપ માનવામાં આવ્યુ. જેના ફલસ્વરૂપે ભાષા અને સંહિતાઓના મૂળસ્વરૂપને રક્ષણ મળ્યુ.  સંહિતાઓના મૂળરૂપને જાળવવા પદપાઠની વ્યવસ્થા કરવામાં આવી. પદપાઠની વ્યવસ્થા કરવાનું કામ શાકલ્ય મુનિને સોંપવામાં  આવ્યું. એમણે પદપાઠ દ્વારા વૈદિક ભાષાની સામાજિકરચના, સ્વરાઘાત, સંધિ, સમાસ અને પદવિશ્લેષણ વગેરેને જાણી શકાય એવી વ્યવસ્થા કરી. આથી પદપાઠની સૌપ્રથમ આવી વ્યવસ્થા કરવાનું શ્રેય શાકલ્ય મુનિને ફાળે જાય છે. 

વેદનાં અંગોને ‘વેદાંગ’ કહે છે.  વેદાંગની સંખ્યા ૬ છે - શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત,  છન્દ અને જયોતિષ. આમાંથી શિક્ષા, વ્યાકરણ અને નિરુક્તનો સંબંધ વૈદિક ભાષા સાથે છે, શિક્ષાની અંદર સ્વર અને વ્યંજન જેવા ધ્વનિઓનું ઉચ્ચારણસ્થાન અને પ્રયત્નને આધારે વર્ગીકરણ કરી શબ્દોનાં શુદ્ધ ઉચ્ચારણની પદ્ધતિ શીખવાડવામાં આવી છે. આચાર્ય સાયણનાં મતાનુસાર ‘સ્વર અને વ્યંજન આદિના ઉચ્ચારણભેદને સમજાવનારી પદ્ધતિને શિક્ષા કહે છે. તેથી એમ કહી શકાય કે, આવા શિક્ષાગ્રંથોનો સંબંધ ભાષાના ધ્વનિવિજ્ઞાન, શબ્દવિજ્ઞાન, પદવિજ્ઞાન અને વાક્યવિજ્ઞાન સાથે છે. પ્રાચીનકાળમાં અનેક શિક્ષાગ્રંથો મળતા હતા. પરંતું હવે આપણને ભારદ્વાજ, વ્યાસમુનિ,  વશિષ્ઠમુનિ અને યાજ્ઞવલ્ક્ય જેવાનાં લઘુશિક્ષાગ્રંથો પ્રાપ્ત થાય છે.  આ ઉપરાંત પાણિનીયશિક્ષા, કાત્યાયનીશિક્ષા, પારાશરીશિક્ષા, માંડવ્યશિક્ષા, માધ્યન્દિનીશિક્ષા, માન્ડૂકીશિક્ષા, કેશવીશિક્ષા વગેરે મળે છે. તૈતરીય ઉપનિષદમાં શિક્ષાનાં-અક્ષર કે વર્ણ, સ્વર, માત્રા, બલ, સામ, સંતાન જેવા- છ અંગો કે અધ્યાયો દર્શાવ્યા છે.

એમ કહેવાય છે કે શિક્ષાગ્રંથો પછી પ્રાતિશાખ્યૌ લખવામાં આવ્યા છે. પ્રાતિશાખ્ય શિક્ષાવેદાંગનું જ એક વિસ્તૃત રૂપ છે. શિક્ષાવેદાંગમાં ધ્વનિવિજ્ઞાનનું સૈધ્દ્ધાંતિક વિવેચન છે તો પ્રાતિશાખ્યોમાં ધ્વનિવિજ્ઞાનનું વ્યવહારિક કે પ્રયોગિક વિવેચન ઉપલબ્ધ થાય છે.  પ્રાતિશાખ્યોમા પણ શિક્ષાવેદાંગની જેમ ઉચ્ચારણ,  સંધિ અને સ્વર વગેરેનું વિશ્લેષણ મળે છે. પ્રાતિશાખ્યોમાં વ્યવહારિકજ્ઞાનને સમજાવવા માટે સંહિતાપાઠને પદપાઠમાં અને પદપાઠને સંહિતાપાઠમાં બદલાવીને સ્પષ્ટ કરવામાં આવ્યા  છે. વૈદિક સંહિતાઓની આશરે ૧૧૩૦ જેટલી શાખાઓની જેમ જ પ્રાતિશાખ્યોની પણ એટલી જ સંખ્યા  માનવામાં આવે છે. દરેક શાખાઓ પોતાના વિશિષ્ટ ઉચ્ચારણના નિયમોને કારણે એકબીજાથી અલગ પડતી હતી. 

પ્રાતિશાખ્યનાં મુખ્ય છ જેટલાં ગ્રંથો મળે છે. જેમાં શૌનકકૃત ‘ઋક્‍ પ્રાતિશાખ્ય' અને ‘અથર્વ પ્રાતિશાખ્ય', કાત્યાયનકૃત ‘શુકલયજુઃપ્રાતિશાખ્ય', ‘કૃષ્ણયજુર્વેદનું ‘તૈતરીય પ્રાતિશાખ્ય', ‘મૈત્રાયણી પ્રાતિશાખ્ય' અને સામવેદનાં ‘પુષ્પસૂત્ર'નો સમાવેશ થાય છે. પ્રાતિશાખ્યોમાં સંહિતાપાઠ તેમજ પદપાઠ દ્વારા સંહિતાઓનાં મૂળ ઉચ્ચારણની રક્ષા કરવામાં આવી છે.  સંસ્કૃત ધ્વનિઓનું સૌ પ્રથમ પૂર્ણતયા વૈજ્ઞાનિક વિવેચન આપણને પ્રાતિશાખ્યોમાં જ પ્રાપ્ત  થાય છે. પ્રાતિશાખ્યોને આધારે યાસ્કમુનિએ ‘નિરુક્ત'ની અને પાણિનીએ‘વ્યાકરણ'ની રચના કરી છે.

યાસ્કમુનિ :

પ્રાચીન ભારતીય આચાર્યોએ સંસ્કૃત ભાષાના શાસ્ત્રીય  અધ્યયનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. યાસ્કમુનિએ ભાષાવિજ્ઞાનની દ્દષ્ટિએ મહત્વપૂર્ણ એવા ‘નિરુક્ત' ગ્રંથની રચના કરી છે. જો કે યાસ્કમુનિનાં પહેલા પણ કેટલાક વૈયાકરણીક થઇ ગયા હશે. કારણકે યાસ્કમુનિએ પોતે જ શાકટાયન, ગાર્ગ્ય, ઓપમન્યવ આદિનો ઉલ્લેખ કર્યો છે. યાસ્કમુનિનો સમય ઇ.પૂ. ૮૦૦-૭૦૦ મનાય છે.

વેદાંગનાં છ અંગોમાનું એક અંગ ‘નિરુક્ત' છે. ‘નિરુક્ત'નો શાબ્દિક અર્થ ‘વ્યુત્પત્તિ' એવો થાય છે. આ ગ્રંથમાં શબ્દોના અર્થતત્વ અને સંબંધતત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.  જયારે કોઇ માણસ કોઇ વિશેષ ભાવને કોઇ વિશેષ શબ્દ દ્વારા વ્યકત કરે છે ત્યારે તેની પાછળ કોઇને કોઇ કારણ હોય છે.  આ કારણને શોધવાની પ્રક્રિયાને જ નિરુકિત કે વ્યુત્પત્તિ કહે છે. નિરુક્તમાં ધ્વનિ,  પદ અને અર્થ આ ત્રણેયનું વિશ્લેષણ થયેલું છે.

નિરુક્તને ‘નિઘન્ટુ' અને ‘નિરુક્ત' એવા બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. નિઘન્ટુમાં વેદમાં આવતા શબ્દોની સૂચિ છે, જેને શબ્દકોશનાં રૂપમાં મૂકવામાં આવ્યા છે. જયારે નિરુક્તમાં એ શબ્દોનાં રચનાતત્વ અને અર્થતત્વને સમજાવી ધ્વનિવિજ્ઞાન, પદવિજ્ઞાન અને અર્થવિજ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. યાસ્કે નિરુક્તમાં ધ્વનિ, પદ અને અર્થની સાથે સાથે ધ્વનિપરિવર્તનનાં વર્ણાગમ, વર્ણલોપ, વર્ણવિપર્યય અને વર્ણવિકાસ વગેરેની સ્પષ્ટતા કરી છે. તેમજ લોકભાષાને પણ પૂરતું મહત્વ આપ્યું છે.

આ ઉપરાંત અહી એમણે પ્રાતિશાખ્યોનું અનુકરણ કરી શબ્દોને - નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત જેવા ચાર ભાગમાં વિભાજિત કર્યા છે. તેમના મત પ્રમાણે સંજ્ઞા,  સર્વનામ અને વિશેષણ એ ત્રણેય મહત્વનાં અંગો છે. આખ્યાત એ ક્રિયા છે,  ઉપસર્ગએ શબ્દોની પહેલા લાગતો પ્રત્યય છે અને નિપાતએ અવ્યય છે, જેના દ્વારા ક્રિયા અને ક્રિયાવિશેષણ સાથે વિસ્મયાદિનું જ્ઞાન થાય છે.  યાસ્કમુનિના મતે શબ્દનાં અર્થને જાણ્યા વિના શબ્દરચના અસંભવ છે, તેથી તેમણે અહીં શબ્દોને તેમના ઘાતુગત રૂપે રજૂ કર્યા છે. એટલે કે અહી તેમણે નિરુક્ત દ્વારા વ્યાકરણ માટેની જરૂરી ભૂમિકા તૈયાર કરી છે. કારણકે નિરુક્તને સમજયા વિના વ્યાકરણને સમજવું અઘરું છે.   

આમ, યાસ્કમુનિનાં ‘નિરુક્ત' ગ્રંથમાં વ્યુત્પત્તિવિજ્ઞાન, ધ્વનિવિજ્ઞાન, શબ્દવિજ્ઞાન, પદવિજ્ઞાન, અર્થવિજ્ઞાન અને વાક્યવિજ્ઞાન વગેરે ભાષાવિજ્ઞાનનાં મહત્વપૂર્ણ અંગો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેથી ભાષાવિજ્ઞાનની દ્દષ્ટિએ આ ગ્રંથ અત્યંત મહત્વપૂર્ણ પુસ્તક મનાય છે.

મહર્ષિપાણિની:

ભારતીય વિદ્વાનોના મત પ્રમાણે ઇ.પૂ.છઠ્ઠી અથવા સાતમી સદીમાં થઇ ગયેલા મહર્ષિ પાણિનીનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘અષ્ટાધ્યાયી છે. આ પુસ્તકમાં આઠ અધ્યાય છે અને દરેક અધ્યાયમાં ચાર પદ તથા ૩૯૮૦ સૂત્રો છે. આ ઉપરાંત પાણિનીએ ‘ઉણાદિસૂત્ર', ‘ધાતુપાઠ', ગણપાઠ', 'લિંગાનુશાસન' અને ‘પાણિનીયશિક્ષા'  જેવા ગ્રંથોની પણ રચના કરી છે.  ઓગણીસમી-વીસમી સદીમા જે કામ યુરોપના ભાષાવિજ્ઞાનમાં થયું છે તે તો પાણિની એ ઇ.પૂ. છઠ્ઠી-સાતમી સદીમાં જ પુરું કરી દીધું હતું. વર્ણનાત્મક અને તુલનાત્મક ભાષા અધ્યયનનો સૌપ્રથમ આવિષ્કાર પાણિનીએ જ કર્યો છે. વૈદિક પ્રક્રિયા દ્વારા વૈદિક શબ્દોને સ્પષ્ટ કરી ‘લૌકિક સંસ્કૃત' અને ‘વૈદિક સંસ્કૃત'નું તુલનાત્મક વિશ્લેષણ કર્યુ છે. તેમણે ઉચ્ચારણ અને પ્રયત્નને આધારે ધ્વનિઓનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કર્યુ છે. સ્વર પ્રક્રિયા દ્વારા ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતનું નિરૂપણ કરી સ્વરાઘાત અને બલાઘાતનાં નિયમો રજૂ કર્યા છે. પ્રકૃતિ પ્રત્યયનું વિભાજન કરી દરેક શબ્દોને વૈજ્ઞાનિક વ્યુત્પતિ દ્વારા સમજાવ્યા છે. દરેક શબ્દનો કોઇને કોઇ ધાતુ સાથે સંબંધ રહેલો છે એવું એમણે ઉણાદિસૂત્રો દ્વારા સ્પષ્ટ કર્યુ છે. સંધિનાં નિયમો દ્વારા આગમ, વિકાર, અને લોપને સમજાવી ધ્વનિપરિવર્તનનું વિસ્તૃત સ્વરૂપ સમજાવ્યું છે.આમ,  એમણે અહીં ધ્વનિ, પદ, શબ્દ, વાક્ય, અર્થ, આઘાત, સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને અવ્યય આદિનું સુંદર વૈજ્ઞાનિક અધ્યયન રજુ કર્યુ છે કે, જેનો અભ્યાસ કરી આધુનિક ભાષાશાસ્ત્રીઓ પણ અચંબો પામી જાય. 

પાણિની દ્વારા ભાષાનાં આવા અનેક સિદ્ધાંતો પ્રતિપાદિત થયેલા છે કે જે આજનાં આધુનિક ભાષાવિજ્ઞાનને પણ એટલા જ ઉપકારક બની રહ્યા છે.  જેમકે, પાણિની એ ઉચ્ચારણ સ્થાન અને પ્રયત્નને આધારે ધ્વનિઓનું વર્ગીકરણ કર્યુ છે, વર્ણોને આધારે સ્વર, વ્યંજન અને સંયુક્ત જેવા ભેદ કર્યા છે, સ્વરોના હ્સ્વ, દીર્ઘ અને પ્લુત એવા ભાગો કર્યા છે, તેમજ વેદમંત્રોનાં ઉચ્ચારણ પ્રમાણે અર્ધ હ્રસ્વ અને અર્ધ એકાર-ઓકાર બતાવ્યા છે, ધ્વનિવિભાજનમાં અલ્પપ્રાણ-મહાપ્રાણ, અને અનુનાસિક-અનનુનાસિકનું વર્ગીકરણ કર્યુ છે, તેમજ અર્થતત્વ અને સંબંધતત્વને આધારે વિભક્તિઓ, ધાતુઓ અને પ્રત્યયોની વ્યવસ્થા કરી છે, કૃદંત, સંધિ, સમાસ અને કારક વગેરેની જે રીતે સ્પષ્ટતા કરી છે, તે સર્વને આજનું ભાષાવિજ્ઞાન પણ અનુસરે છે. જેનો આજના ભાષાવિજ્ઞાનીઓએ પણ સ્વીકાર કર્યો છે.

કાત્યાયન :

કાત્યાયનને પાણિનીના વિવેચક ગણવામાં આવેછે. કાત્યાયનને ‘વાર્ત્તિકકાર' પણ કહેવામાં આવે છે. તેમણે પાણિનીના ૧૫૦૦ સૂત્રો પર સંશોધન કરી નવા સૂત્રો લખ્યા છે, જેને વાર્ત્તિક કહેવાય છે. એટલે કે પાણિનીના ‘અષ્ટાધ્યાયી' ગ્રંથમાં જે નિયમો ન હતા તે કાત્યાયને નવા બનાવી રજૂ કર્યા છે. તેમણે વાર્ત્તિકો દ્વારા પાણિનીના કેટલાક નિયમોનું ખંડન કર્યુ છે, કેટલાક નિયમોનાં અપવાદો દર્શાવ્યા છે, કેટલાક નિયમોનું સંશોધન કરી નવેસરથી પ્રસ્તૃત કર્યા છે. તો કેટલાક નિયમોમાં પાણિનીના મૂળભાવોને વળગી રહી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આથી, કાત્યાયનના વાર્ત્તિકોને પાણિનીના ‘અષ્ટાધ્યાયી' ગ્રંથ પર લખાયેલી ટીકાઓ ગણી શકાય. આને આધારે એમ પણ કહી શકાય કે કાત્યાયન પાણિનીના અનુયાયી હશે. 

આમ તો, કાત્યાયને પાણિનીના જ પારિભાષિક શબ્દોને અનુસરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતું કયારેક જરૂરીયાત પ્રમાણે ‘અચ્‌'ની જગ્યાએ ‘સ્વર', ‘હલ્‌'ની જગ્યાએ ‘વ્યંજન', 'અક્‌'ની જગ્યાએ ‘સમાનાક્ષર', ‘લટ્‍'ની જગ્યાએ  ‘ભવન્તી' વગેરે શબ્દો વાપર્યા છે. જેમાથી ઘણા આજનાં ભાષાવિજ્ઞાને પણ સ્વીકાર્યા છે.

આમ, કાત્યાયને પાણિનીના ગ્રંથમાં રહેલા વ્યાકરણનાં કેટલાક દોષોને કાઢી નાખી તેને સંશોધિત રૂપે પ્રસ્તૃત કર્યા છે.

મહર્ષિપતંજલિ :

મહર્ષિ પતંજલિએ પાણિનીના ‘અષ્ટાધ્યાયી' ગ્રંથને આધારે સુખ્યાત કૃતિ ‘મહાભાષ્ય'ની રચના કરી છે. તેથી પતંજલિને ‘મહાભાષ્યકાર' તરીકે પણ ઓળખવામાં આવે છે. એમનો આ ગ્રંથ આઠ અધ્યાયમાં અને પ્રત્યેક અધ્યાયમાં ચાર-ચાર પાદમાં વહેંચાયેલો છે.  ‘મહાભાષ્ય'માં એમણે અમુક જગ્યાએ મહારાજ પુષ્પમિત્રનું, એમના અશ્વમેઘ યજ્ઞનું અને કેટલીક ઘટનાઓનું વર્ણન કર્યુ છે. તેથી એને આધારે પતંજલિનો સમય ઇ.પૂ.૧૫૦નો માનવામાં આવે છે. 

પતંજલિએ ‘મહાભાષ્ય'માં કાત્યાયને કરેલી પાણિનીસૂત્રોની ચર્ચાનું ખંડન અને પાણિનીના વિચારોનું મંડન કર્યુ છે. એમના દ્વારા સ્થાપિત કરવામાં આવેલાં નિયમોને  ‘ઇષ્ટિ' તરીકે ઓળખવામાં આવે છે. જો કે તેમના આ ભાષા સંબંધી નિયમો માત્ર સંસ્કૃત ભાષાને નહી પણ ભારતની બધી ભાષાઓને લાગુ પાડી શકાય તેવા છે. આ ગ્રંથમાં તેમણે ધ્વનિ શું છે? શબ્દ શું છે? વાક્યનું સ્વરૂપ કેવું છે? વાક્યના કયા કયા ભેદો છે? શબ્દ અને અર્થ વચ્ચે શું સંબંધ છે? વગેરે પ્રશ્નોના ગંભીરતાપૂર્વક અને વિશદ્તાથી ઉત્તર આપ્યા છે. અહી માત્ર પાણિનીના સૂત્રોની વ્યાખ્યાઓ જ આપવામાં આવી નથી પણ વ્યાખ્યાઓની સાથે સાથે સંસ્કૃત ભાષાનાં અનેક ગૂઢ સવાલોનાં જવાબો પણ આપવામાં આવ્યા છે. તેથી ‘મહાભાષ્ય'નું મહત્વ  ‘અષ્ટાધ્યાયી' કરતાં અનેક ગણું વધી જાય છે.

ભતૃહરિ :

ભતૃહરિએ ‘વાકયપદીય', ‘ત્રિપદીભાષ્ય' અને ‘નીતિશતક' જેવી રચનાઓ આપી છે. ‘વાક્‍યપદીય' સંસ્કૃત શ્લોકોમાં લખાયેલી ભાષાતત્વની મહત્વપૂર્ણ રચના છે. જે ‘આગમકાંડ' (બ્રહ્યકાંડ), ‘વાક્યકાંડ' અને ‘પદકાંડ' (પ્રકીર્ણકાંડ) જેવા ત્રણ કાંડમાં વહેંચાયેલી છે. બીજા કાંડ ‘વાક્યકાંડ' પરથી આ ગ્રંથનું નામ ‘વાક્યપદીય' પડ્યું છે. આ ગ્રંથનો મુખ્ય વિષય પણ વાક્ય જ છે. એટલે કે ભાષાતત્વ કે ભાષાદર્શનનો છે. આ ઉપરાંત ‘ત્રિપદી ભાષ્ય' એ મહર્ષિ પતંજલિના  ‘મહાભાષ્ય' પર લખાયેલી ટીકા છે.  તેનો વિષય વ્યાકરણ દર્શનનો છે.

ભતૃહરિએ ધ્વનિ, શબ્દ, વાક્ય અને અર્થની તેમ જ ભાષા અને ભાષાનાં આદાન-પ્રદાનની ચર્ચા કરી છે.  ભાષાનાં આદાન-પ્રદાન માટે તેઓ વક્તા અને શ્રોતાને મહત્વના માને છે. તેમના મતે ભાષાની ઉચ્ચારણ અને ભાષા ગ્રહણ કરવાની પ્રક્રિયા માટે વક્તા અને શ્રોતાની હાજરી હોવી આવશ્યક છે. તેઓ પદ દ્વારા નહીં પરંતું વાક્ય દ્વારા ભાષા બને છે એમ માને છે. તેઓ શબ્દની માત્ર એક જ  ‘અભિધા' શકિતને સ્વીકારે છે, તો શબ્દ અને અર્થ વચ્ચે રહેલા સંબંધને વાચ્ય-વાચકનો સંબંધ ગણે છે. શબ્દનાં અર્થની પ્રસિદ્ધિ માટે લોકપ્રિયતાને જરૂરી માને છે. લોકપ્રસિદ્ધિને કારણે જ અર્થ મુખ્ય બને છે અને અપ્રસિદ્ધિને કારણે અર્થ ગૌણ બને છે. એટલે કે તેઓ લોકભાષાને ખૂબ મહત્વ આપે છે.

અન્ય આચાર્યો:

‘અષ્ટાધ્યાયી'  અને ‘મહાભાષ્ય' પર અનેક ટીકાઓ લખાયેલી છે. આ ઉપરાંત ભાષા અને વ્યાકરણને સમજવાના અનેક મહત્વપૂર્ણ ગ્રંથો પણ લખાયા છે. જેમાં કૈયટકૃત ‘મહાભાષ્યપ્રદીપ', નાગેશભટ્ટકૃત ‘વૈયાકરણસિદ્ધાંતમંજૂષા', ‘ઉધોત', ‘શબ્દેન્દુશેખર', ‘પરિભાષેન્દુશેખર' અને ‘સ્ફોટવાદ', વામન અને જયાદિત્ય દ્વારા લખાયેલી ‘કાશિકા',  કૌન્ડભટ્ટકૃત ‘વૈયાકરણભૂષણ', વિમલસરસ્વતીકૃત ‘રૂપમાલા', ભટ્ટોજીદીક્ષિતકૃત ‘સિદ્ધાંતકૌમુદી', વરદરાજકૃત ‘મધ્યસિદ્ધાંતકૌમુદી' અને ‘લઘુસિદ્ધાંતકૌમુદી'.(જે  ‘સિદ્ધાંતકૌમુદી' પર લખાયેલી ટીકાઓ છે.) આ વૈયાકરણિકો સિવાય અનેક સાહિત્યમીમાંસકોએ પણ શબ્દની શકિતઓ અંગે પોતાનો મત વ્યક્ત કરી યોગ્ય  પ્રકાશ પાડ્યો છે. જેમાં આનંદવર્ધનના ધ્વન્યાલોક',  મમ્મટના ‘કાવ્યપ્રકાશ' અને જગન્નાથના ‘રસગંગાધર' આદિને ગણાવી શકાય. 

સંસ્કૃત વ્યાકરણો પછી પ્રાકૃત અને અપભ્રંશ વ્યાકરણોનો સમય આવે છે. પ્રાકૃત વ્યાકરણોમાં સૌથી પહેલા વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ'નું નામ લઇ શકાય. ‘પ્રાકૃતપ્રકાશ'માં બાર અધ્યાયો છે. જેમાં પહેલા નવમાં સંસ્કૃતને આધાર માની ને ‘મહારાષ્ટ્રીપ્રાકૃત'નું નિરૂપણ કર્યુ છે,  તો પછીનાં ત્રણમાં ક્રમશઃ પૈશાચી, માગધી અને શૌરસેની પ્રાકૃતો વિશે છણાવટ કરવામા આવી છે. ત્યારપછી બીજા મહત્વના ગ્રંથ તરીકે હેમચંદ્રાચાર્યના ‘શબ્દાનુશાસન'ને ગણાવી શકાય. જેને ‘સિદ્ધહેમ' પણ કહેવાય છે. તેમાં આઠ અધ્યાય છે. જેમાં પહેલા સાત અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને પછીના આઠમાં અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓનું વિવરણ કરવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્ય પછી માર્કન્ડેયનુ નામ મોખરે છે. એમનો ‘પ્રાકૃતસર્વસ્વ' ગ્રંથભાષા, વિભાષા અને અપભ્રંશ જેવા ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે. જેમાં ભાષામાં મહારાષ્ટ્રી, શૌરસેની, પ્રાચ્યા, અવન્તી અને માગધી, વિભાષામાં શાકારી, ચાંડાલી, શાબરી,  આભીરિકા અને ટાક્કી તેમજ અપભ્રંશમાં નાગર, વ્રાચડ અને ઉપનાગરનું નિરૂપણ કર્યુ છે.

આમ, પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં ધ્વનિ, શબ્દ, વાકય અને અર્થ આદિ વિશે વિશદ્ અને વ્યાપક ચર્ચા-વિચારણા થઇ છે. જે ભાષાવિજ્ઞાનનાં ક્ષેત્રે અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. આજના આધુનિક ભાષાવિજ્ઞાનને જાણવા અને સમજવા આ પ્રાચીન-મધ્યકાલીન ભારતીય ભાષાકાર્યન અવશ્ય અધ્યયન કરવું જોઇએ.

*************************************************** 

ડૉ. હિમ્મત ભાલોડિયા 
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
સરકારી આર્ટ્સ અને કોમર્સ કૉલેજ, 
કડોલી, તા. હિમ્મતનગર, જિ. સા.કાં.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us