logo
Untitled Document

'માનવીની ભવાઈ' માં જનપદનો ઉન્‍મેષ

‘જનપદ'નો એક અર્થ 'ગામડું' થાય છે. 'ગુજરાતી સાહિત્‍યમાં ગ્રામ્‍યજીવનના ઘેરા નિરૂપણવાળી નવલકથાઓ જાનપદી નવલકથા કહેવામાં આવે છે. હિન્‍દીમાં ' આંચલિક ઉપન્‍યાસ' સંજ્ઞા પ્રયોજાય છે. આંચલિક ઉપન્‍યાસના પર્યાયરૂપે ગુજરાતીમાં જાનપદી નવલકથા સંજ્ઞા રૂઢ થઈ ગઈ છે.આંચલિક ઉપન્‍યાસની લાક્ષણિકતાઓની ચર્ચા કરતાં ડૉ.રામદરશ મિશ્રે લખ્‍યુ છે: ''आंचलिक उपन्‍यास तो अंचल के समग्र जीवन का उपन्‍यास है, उसका सम्‍बन्‍ध जनपद से होता है ऐसा नहीं, वह जनपद की ही कथा है। ''(हिन्‍दी उपन्‍यास एक अंतयात्रा पृ.१८८) ડૉ.વિશંભરનાથ ઉપાઘ્‍યાય એ આંચલિક ઉપન્‍યાસની વ્‍યાખ્‍યા કરતાં લખ્‍યું છે : ''आंचलिक उपन्‍यास उन उपन्‍यासो को कहते है, जिनमे किसी विशेष जनपद,अंचल (क्षेत्र) के जीवन का समग्र चित्रण होता है।'' (साहित्‍य संदेश,जनवरी,फरवरी,१९५८)  આ વ્‍યાખ્‍યાઓને આધારે આપણે કહી શકીએ કે જાનપદી  નવલકથા કોઈક અંચલ વિશેષને લક્ષમાં રાખીને લખાય છે. એમાં નિરૂપાતો વનપ્રદેશ, પર્વતીય પ્રદેશ કે અંતરિયાળ પ્રદેશ મોટેભાગે આધુનિક સગવડોથી વંચિત રહ્યો હોય છે. એનાં સંસ્‍કૃતિ અને સંસ્‍કાર આગવા અને નિરાળા હોય છે. જાનપદી નવલકથામાં નિરૂપાતો પ્રદેશ એના વિશિષ્‍ટ લોકો, એના રીતરિવાજો, વેશ-ભૂષા, વિધિનિષેધો, ઉત્‍સવો, માન્‍યતાઓ, મર્યાદાઓ અને મહાનતાઓ, રહેણીકરણી અને ખાણાપીણી એ બધી રીતે ઉપસી આવે છે. જાનપદી નવલકથામાં પાત્રો તો ઘણાં-બધાં આવે છે. એમાં સ્‍પષ્‍ટરૂપે ઉપસી આવતાં નાયક નાયિકા પણ હોય છે. અને છતાં નવલકથાને અંતે તો પાત્રો કરતાં પાત્રો બરા પ્રત્‍યક્ષ થયેલો પેલો વિશિષ્‍ટ  પ્રદેશ લોક જ ઉપર તરી રહે છે. એમાં પ્રદેશ એક પાત્ર બની જાય છે. જાનપદી નવલકથામાં રીત-રિવાજો, રહેણી-કરણી અને ભાષા દ્વારા વિશિષ્‍ટ આંચલિક વાતાવરણ રચાઈ આવે છે. આ બધાં લક્ષણ વિશેષોને ઘ્‍યાનમાં રાખીને પન્‍નાલાલ પટેલની 'માનવીની ભવાઈ' નવલકથાને મૂલવવાનો ઉપક્રમ છે. 

પન્‍નાલાલ પટેલ જે જનપદમાંથી આવે છે તે સાબરકાંઠાના પલ્‍લી સમાજને તેની કેટલીયે વિશેષતાઓ-લાક્ષણિકતાઓ સમેત તેમણે ' માનવીની ભવાઈ ' નવલકથામાં આવિષ્‍કૃત કર્યો છે.

પન્‍નલાલ પટેલ કૃત 'માનવીની ભવાઈ' ગુજરાતીની ઉત્તમ જાનપદી નવલકથા છે. લેખકે કૃતિના 'નિવેદન'માં નિરૂપેલી બે પંકિતઓ ઘણી સૂચક છે :

' મેલું છું ધરતીને ખેલતો,
        મારી માટીનો મોંઘેરો મોર.'

નવલકથામાં ગ્રામીણ ધરતીની અને તેને  ખોળે જન્‍મતા- અથડાતા- કૂટાતા- હારતા-જીતતા, દીનહીન, ઉપેક્ષિત માનવસમાજની કથા આલેખવાનું લેખક લક્ષ્ય છે. રાજુ અને કાળુ નવલકથાનાં મુખ્‍યપાત્રો છે, પરંતુ તેના નાયક - નાયિકા તો છે : છપ્‍પનિયા દુકાળની આસપાસનો ચારેક દાયકો સમયગાળો અને ગ્રામીણ તેમજ ડુંગરાઉ માનવીઓ. સાબરકાંઠા જિલ્‍લાના ઈશાનિયા પ્રદેશને નિમિત્તે લેખકે ત્‍યાનાં જનપદના સામાજિક-સાંસ્‍કૃતિક અને પ્રાકૃતિક પરિવેશને મૂર્ત કરી આપ્‍યો છે. ત્‍યાંના જનપદમાં જીવતા માનવીઓની આંતર-બાહ્ય સૃષ્‍ટિને જીવંત કરવા પન્‍નાલાલે જનપદ વિશેષને ઉપકારક કથાવસ્‍તુ અને કથાવસ્‍તુની સાથે મજજાગત નાતો ધરાવતા પાત્રો સજર્યા છે. રૂપાં-વાલાનો અછત-અભાવગ્રસ્‍ત છતાં ઘર-સંસાર સુખી છે. ઉત્તરાવસ્‍થામાં તેમને ઘેર પુત્ર કાળુનો જન્‍મ થાય છે. પડોશમાં રહેતા નાનાભાઈ પરમાની કર્કશા પત્‍ની માલીની ઈર્ષ્‍યા અને તજજન્‍ય કલહ છતાંય ફૂલી ડોશીના પ્રયાસોથી કાળુનો ગલા ડોસા જેવા સુખી ખેડૂતની સુંદર પુત્રી રાજુ સાથે વિવાહ થાય છે. માલી, તેનો પુત્ર રણછોડ અને રાજુના મામા મનોરના તેમજ નાતના ચૌદશિયા પેથા પટેલના કાવાદાવાથી કાળુનો રાજુ સાથેનો વિવાહ તૂટી જાય છે. પંચાતિયાઓની ખટપટથી જગા નરસીની પુત્રી ભલી સાથે કાળુનું અને જગા નરસીના ભાઈ દ્યાળજી સાથે રાજુનું લગ્ન ગોઠવાય છે. કાળુ અને રાજુ પરસ્‍પર માટે ઝૂરતાં રહે છે ને એ કરૂણ ઝુરાપા સાથે એમનો સંસાર ચાલતો રહે છે. દિવાળી-બેસતું વર્ષ-મેળા-લગ્ન-પ્રથમ વરસાદ જેવા અવસરો પર થતાં ગ્રામજનોના ઉલ્‍લાસભર્યા મિલનો અને ઈર્ષ્‍યાજન્‍ય ઝઘડા, છપ્‍પનીયા દુકાળમાં ગામડા પર તીડના ટોળાંની જેમ તૂટી પડતા ભીલો, લૂંટફાટ અને ભૂખથી રોળાઈ  જતાં ગામડાં અને મરી ખૂંટતા માનવી, માલીનું કમોત અને રાજુ-કાળુ જેવા ભલા માનવીઓના અનેક મુશ્‍કેલીઓને અંતે થતા મેળાપ વગેરેનું આલેખન મર્મસ્‍પર્શી થયું છે.

વિશિષ્‍ટ સ્‍થળ-કાળ અને પ્રાકૃતિક વાતાવરણમાં વિહરતા ગ્રામજીવનનું પન્‍નાલાલે સજીવ અને સૂચક આલેખન આ નવલકથામાં કર્યુ છે. માનવીએ તેના સાચા અને સંપૂર્ણ રૂપમાં પ્રગટ કરવો હોય તો જે તે પ્રદેશના વાતાવરણને જીવંત બનાવવું પડે. માનવી તેના સાચા અને સંપૂર્ણ રૂપમાં પ્રગટ કરવો હોયતો જે તે પ્રદેશના વાતાવરણને જીવંત રહી શકે. માણસ વાતાવરણથી અલિપ્‍ત ન રહી શકે. એટલે જ પન્‍નાલાલે ખેડૂત, પશુપાલક, મજૂરો, વનવાસીભીલો વગેરેના બનેલા પૂરા ગ્રામવાસી-વનવાસી સમાજને તેના અભિન્‍ન માહોલની સાથે નિરૂપિત કર્યો છે. તેથી પાત્રો જીવંત લાગે છે. કથાવસ્‍તુ વાસ્‍તવિક લાગે છે અને વાતાવરણ ભર્યુ ભર્યુ લાગે છે. 

'માનવીની ભવાઈ' નવલકથાનું કથાનક કાળુ-રાજુની પ્રણયકથા અને છપ્‍પનિયા દુકાળમાં પીડાઈ રહેલી ગ્રામજનતાની વ્‍યથાક્રમ જેવા બે પ્રવાહોમાં આગળ વધે છે. લેખકે માનવી અને સમાજ, તેના સ્‍થળ-કાળ સહિત, તેમના યથાર્થરૂપમાં નિરૂપિત કર્યા છે. વાલો-રૂપા, કાળુ-રાજુ-ભલી, પરમો-માલી-રણછોડ-નાનિયો-ખોડી-નાથો, કોદર-કેસર-મનોર, ફૂલી-શંકર-ભગો-વેચાત-કાસમ, મંછા-માલજી, અળખો  ગામેતી-મંગળિયા જેવા ડુંગરી ભીલ વગેરેનો બનેલો પચરંગી લોકસમૂહ નવલકથાને જીવંત અને આસ્‍વાદ્ય બનાવે છે. કારણકે તેમના ગામ, સમગ્ર પ્રદેશ, તેમનું વાતાવરણ વગેરે જીવંત અનુભવાય છે. આ આખી ભાતીગળ સૃષ્‍ટિ જાણે પ્રત્‍યક્ષ થઈ જાય છે. આ વિસ્‍તારનાં ગામડાં વન અને ડુંગરાઓથી ગેરાયેલી અને ભીલ વસ્‍તીથી છવાયેલા છે. ગામમાં દરેક જ્ઞાતિનાં અલગ અલગ ફળિયા છે.મકાનો સાંઠીઓની ભીંતો અને થાપડાથી ઢંકાયેલા છે. પુરૂષો ખેતીકામ સાથે તો સ્‍ત્રીઓ ઢાંખરની સાચવણી કરે છે.ખેતરમાં ખાતર નાખવા, રખવાળું કરવું જાકળિયાં બાંધવા, બળતણ લાવીને ઘરમાં ભરવું,દળવું,ખાંડવું,ચોમાસુ ખેતીનો આરંભ કરતા પહેલા કંસાર રાંધીને શુભ શુકન કરવા આવી બધી અનેક ખેતી વિષયક પ્રવૃત્તિઓનું લેખકે બારીકાઈ નિરૂપણ કર્યુ છે.

રોજની એકધારી ઘરેડમાં જિંદગી જીવ્‍યે જતા આ શ્રમિકો માટે કોઈ પણ અનુકુળ પ્રસંગ આનંદમય બની જાય છે. કારણ કે તે રોજિંદી ઘરેડમાંથી થોડા સમય માટે છૂટાં થતાં રાહત અનુભવે છે. વાલા જેવા ગરીબ ખેડૂતનાં ત્‍યાં પુત્ર જન્‍મે છે તેના જોશ જોવાય ત્‍યારે એને ઘેર આખુ ગામ ભેગુ થાય છે. અને ટોળાટપ્‍પાં કરતાં હુકકાપાણીની મોજ માણે છે. દિવાળી-બેસતુ વર્ષ, હોળી જેવાં ધાર્મિક પર્વો,વિવાહ-લગ્ન,વળામણાં-આણાં-બારમાં જેવા સામાજિક પ્રસંગો, ભવાયા કે નટની ટોળીનું ગામમાં થતું આગમન,મેળા વગેરે ગામવાસી માટે આનંદ-ઉલલાસના પર્વ બની જાય છે. કામ, અછત,મુશ્‍કેલીઓ બધાને ભૂલી જઈ સૌ ઉત્‍સાહ અને ઉમંગથી પર્વને ઉજવે છે.

દિવાળી અને બેસતાં વર્ષના શુભ પર્વો નિમિત્તે કસુંબાપાણીનાં રાવણાં થાય છે, સુખડી વહેંચાય છે, યુવક યુવતીઓ હુડા ગાય છે અને  ગાયોને 'તોરણે' ચઢાવવાની રમતો રમાય છે.આ પ્રસંગે યુવતીઓ મોજ મસ્‍તીથી ગીત ગાય છે :

“ માતા આજના ભડકેલા કયારે આવશો  ?
        મારી સાંજની વેળાએ વાટ જોજો રે
        થનગન કરતાં આવશું....”

તો વળી રાજુ જેવી રસિક યુવતીઓ પ્રેમની મસ્‍તી નિરૂપતા ગીતો પણ ગાય છે : 

“ દન તો દોડતો જાય,મનખો માણ્‍યો નથી રે લોલ 
        સવારો સમણે થાય, મનખો માણ્‍યો નથી રે લોલ ”

“ દનમાં બબ્‍બે વાર ,સાંજની સાથે સવાર
        જોબનાઈ કેભછે જવાર મનખો માણી લે જે રે લોલ ”

હોળી આવતાં જ  ઢોલ ઢબૂકવા માંડે છે. ગાંડાતુર બનેલા ઘેરૈયાઓ આનંદ-ઉત્‍સાહથી હોળીની ઉજવણી કરે છે. મેળો આવતાં તો આખુ યુવાધન હિલોળે ચડે છે. ગામના યુવક-યુવતીઓ પોતાની અલગ ટોળીમાં ગીતો ગાતાં મેળામાં મહાલવા નીકળી પડે છે. યુવક-યુવતીઓ એક બીજાને જોઈ બરાબર ખીલે છે અને પ્રેમ ભાવ ભર્યા એકબીજાને સંભળાવવા ગાય છે.યુવકો ગાય છે :

       

“ ધીરો વોરીલાને હાટે રે,ધીરો રે મેવાસી,
        ધીરો બંગડી મૂલવી જુવે રે,ધીરો રે મેવાસી ”

ગામડામાં લગ્ન પ્રસંગે યુવક યુવતીઓ મોકળાશથી આનંદને માણે છે. જુવાનિયાઓ મહેમાનોની સરભરામાં, ટોળટપ્‍પાં અને હરફરમાં, યુવતીઓનું ઘ્‍યાન ખેંચવામાં,તો વૃઘ્‍ધો પટલાઈના પેચમાં રાચે છે. યુવતીઓ લગ્નગીતો ગાઈને આનંદને લૂંટે છે.

“ ઉગમણી ધરતીમાં કેસર ઊડે છે, ઓ રેશમા
        ઉગમણી ધરતીમાં કેસર ઊડે છે રે  લોલ.
        મીં જાણ્‍યું નણદીનો વારો આવે છે, ઓ રેશમા
        મીં જાણ્‍યું નણદીનો વીરો આવે છે રે લોલ ”

પન્‍નાલાલે સમાજિક રીતરિવાજો અને એ નિમિત્તે ગવાતા ગીતોનું પણ સુંદર નિરૂપણ કર્યુ છે.' આણા' પ્રસંગે સાસરે જઈ રહેલી યુવતીને ઘેર યુવતીઓ ભેગી મળી તેડવા આવેલા મહેમાનોને ઉદ્દેશીને ટીળખભર્યા ગીતો ગાય છે :

“કાળુ તારે તે કેડિયું કયાંથી,બાર બાપોના  ?
        તારી મા દરજીડાને ગૈતી,બાર બાપોના  ?”

નવલકથામાં આવતી આડકથાઓ જેવી કે, 'બાવાનીલંગોટી', 'પરથમીનો પોઠી', 'ભણકારા' કથામાં આવશ્‍યક નથી અને ખોટો પ્રસ્‍તાર કરે છે. એવી ટીકીઓ થઈ છે, છતાં જાનપદી નવલકથા બનાવવા સારુ આ પ્રકારની આડકથાઓ જરૂરી છે. કારણ કે આ પેટા કથાઓ દ્વારા જ ગ્રામજનોનાં માનસ અને તેમની માન્‍યતાઓ, તેમની રૂઢિઓ અને પરંપરાઓ, વહેમો અને અંધશ્રઘ્‍ધાઓ વગેરેને વાચા મળી છે. ઉપરાંત આ આડકથાઓ બરા જ સાંસ્‍કૃતિક-પ્રાકૃતિક પરિવેશને પ્રગટ કરવામાં સર્જક સફળ રહ્યા છે.   

'પરથમીનોપોઠી' પ્રકરણમાંથી પસાર થતાં જ આપણને પ્રતીતિ થાય છે કે આ કથા સૃષ્‍ટિમાં ખેતરોમાં વાવણી થાય ત્‍યાંથી માંડીને ઘઉં-ચણાનાં ખળાં લેવાય ત્‍યાં સુધીનું વિગતપૂર્ણ વર્ણન કરીને પન્‍નાલાલ જનપદ માનવજીવનનું હુબહૂ ચિત્રણ કરે છે. માગશરની મધરાતે ઝાકળિયામાં રહીને થતું પાકનું રખોપું, ઉનાળાના દિવસોમાં ખેતરોમાં નંખાતા ખાતર, ચોમાસામાં ઘેર ઘેર મૂકાતા કંસારના આધણ એમ આખાય વર્ષ દરમ્‍યાન ખેડૂતોની જીવનચર્યાનો સુંદર આલેખ આ નવલકથામાં થતો હોઈ નવલકથા જાનપદી તત્‍વોથી સભર બનવા પામી છે. લેખકે જાનપદી પરિવેશ નિર્માણ કરવા માટે ગ્રામજનોની માન્‍યતાઓ, રૂઢિઓ, અંધશ્રઘ્‍ધાઓ વગેરેને પણ કથા સાથે ગૂંથી લીધા છે. વાવણી વખતે શુકનનું જમીને ખેતરે જતી વખતે 'મરશે', 'દેવતા' વગેરે શબ્‍દપ્રયોગો ન થાય, ફૂલી ડોશીને 'ડાકણ' માનવી, પીઠી ચોળેલા વરને ગમે ત્‍યાં પરણવવો જ પડે, સ્‍ત્રી દ્વારા હળ ન હંકાય અને જો સ્‍ત્રી હળ હાંકે તો દુકાળ પડે, હળ હાંકનાર બૈરાને માગા નીચેથી કાઢવામાં આવે તો દુકાળ નિવારી શકાય વગેરે માન્‍યતાઓ જાનપદી લોકમાનસને પ્રગટ કરે છે. આ ગ્રામીણ સમુદાય ભૂવા,દોરા-ધાગા અને મંતર-જંતરમાં પણ વિશ્‍વાસ કરે છે. જનપદના લોકોના વિચાર-વલણો, રૂઢ માન્‍યતાઓ, ઉત્‍સવોની આગવી ઉજવણી જાનપદી સમાજજીવનને ઉપસાવી આપવામાં ખૂબ ઉપકારક રહે છે.

પન્‍નાલાલે આ નવલકથામાં લોકબોલીનો સર્જનાત્‍મક વિનિયોગ કર્યો છે. ચરિત્રગત સ્‍વભાવ-મનોભાવ અને પરિવેશ પ્રગટીકરણ માટે પન્‍નાલાલે લોકબોલીનો સુંદર ઉપયોગ કર્યો છે. ગ્રામજીવનની તળપદીવાણીનો એક નગદ રણકો નવલકથાનાં પાને પાને આપણને સાંભળવા મળે છે. પ્રાદેશિક લોકબોલીની રૂઢ લઢણો, કહેવતો ઉપરાંત વૈયકિતક ભાષિક ખાસિયતોને કામે લગાડવાની પન્‍નાલાલની અસાધારણ સૂજ-શકિતનું ઉત્તમ ઉદાહરણ છે માલીની જબાન. કાળુના સ્‍વગત પ્રગટ ઉદ્દગારોમાં કયારેક શિષ્‍ટવર્ગના લોકોના જેવા ઉચ્‍ચારો સાંભળવા મળે છે. કદાચ લેખકની અસાવધતાને લીધે આમ બન્‍યું હશે.પન્નાલાલના ભાષાકૌશલ્‍ય વિશે બાબુ દાવલપુરા નોંધે છે :

        “પાત્રોના અંતર્ગત સંઘર્ષોને અને ભાવાવેગોને, તેમનાં જ્ઞાતિ-જાતિગત સ્‍વભાવ લક્ષણો તેમજ વાણીગત વિશેષતાઓને, તેમના ચૈતસિક  તેમજ સામાજિક પરિવેશને પણ, જાણે વાતવાતમાં હૂબહૂ ઉપસાવી આપે તેવી સક્ષમ સંવાદકળા પન્‍નાલાલને વરેલી છે. ખેડૂત વર્ગના ગ્રામીણ પાત્રો આદિવાસી ભીલ,નગરનિવાસી શેઠ-શાહુકાર અને વૈષ્‍ણવજન જેવા ઉજળિયાત લોક, બાવજી, બારોટ અને રતના વણજારા જેવા સમાજના વિવિધ સ્‍તરના ગૌણપાત્રોના વ્‍યકિતત્‍વ તેમની વાણી દ્વારા સહજતયા પ્રગટે છે.”
        'માનવીની ભવાઈ' નવલકથાને ગુજરાતી ભાષાની કાળપ્રધાન કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી છે. આ કૃતિનું નિયમન કાળ દ્વારા થયેલું છે. છપ્‍પનીયા દુકાળનો સમય પસંદ કરીને પન્‍નાલાલે કાળની તાસીર હૂબહૂ ઝીલી છે. આ સંદર્ભમાં કાળના કેટલાક કરૂણ ભવ્‍ય શબ્‍દચિત્રો પન્‍નાલાલે આપ્‍યા છે : “કાળુની વાટમાં આવતો વગડો, આ છપનો કાળનો માર્યો જાણે 'ખાઉં ખાઉં' કરી રહ્યો હતો. પક્ષીઓય ભૂખે તરસે વલવલતાં હતાં. ચૈતરના વાયરા-લૂ સાવ લૂખી. ત્‍યારે બળીજળી ધરતી તો કાળુના પગને દુશ્‍મન બની બેઠી હોય તેમ ખોયણાં જ ચાંપતી હતી.” દુકાળના મર્મવિદારક વર્ણનચિત્રો આપણા ભારતીય કથાસાહિત્‍યમાં ભાગ્‍યે જ જોવા મળે તેવા તો એકરૂપ થઈ ગયેલા છે કે તેમના જીવતરની ભવાઈને આસપાસની પ્રાકૃતિક અને સામાજિક આબોહવામાં જ પામી શકાય. આમ, નવલકથામાં પ્રાદેશિક સૃષ્‍ટિનું સુરેખ અને સજીવ કલારૂપ સર્જાવા પામ્‍યું છે.  

*************************************************** 

ડૉ.નરેશભાઈ આર.પટેલ
આર્ટસ્ કૉલેજ, વડાલી


Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us