logo
Untitled Document

‘कुमारसम्भवम्’ સર્ગ 3 માં પ્રકૃતિ સાથે ચેડાં – એક પરિકલ્પના

કવિ વર્ડ્ઝવર્થનું કથન છે – ‘The world is too much with us’ આના ઉપરથી એમ લાગે છે કે કવિઓ સ્વભાવથી જ પ્રકૃતિ પ્રિય રહ્યા છે. માનવમાત્ર પણ પ્રકૃતિપ્રિય હોવાથી કવિ કાલિદાસે પોતાની મેઘદૂતમ્ , ઋતુસંહારમ્ , અભિજ્ઞાનશાકુન્તલમ્ ,કુમારસંભવમ્ વગેરે જેવી કૃતિઓમાં પ્રકૃતિને આગવું મહત્ત્વ આપ્યું છે. 

અહીં કાલિદાસના કુમારસંભવમ્ ના ત્રીજા સર્ગમાં આવતી પ્રકૃતિ નિરૂપણની ઘટનાને એક જુદા જ દ્દષ્ટિકોણથી તપાસવાનો અભિગમ છે. ‘ગ્લોબલ વૉર્મિંગ’ એ વર્તમાન સમયે સમગ્ર વિશ્વનો સળગતો પ્રશ્ન છે. ભૂતકાળના કેટલાક સમાચારો જોઇએ તો .....

  1.  વાવાઝોડા, દાવાનળ, પૂર, ભૂકંપ વગેરે જેવી કુદરતી આપત્તિઓએ સમગ્ર વિશ્વમાં આખું વર્ષ તાંડવનૃત્ય કર્યું. ”
  2.  “તાઇવાનમાં બે દિવસમાં 100 ઇંચ વરસાદ ખાબક્યો. ”
  3.  “કેલિફોર્નિયમાં એક જ વર્ષમાં બે વખત આગ લાગી. હજારોલોકો માર્યા અને લાખો લોકો બે ઘર થયા.”
  4. એશિયામાં ગુજરાતે સૌ પ્રથમવાર ‘ ક્લાયમેટ ચેંજ ’ માટે વિભાગ રચવાની જાહેરાત કરી. વળી, શાળા-કૉલેજોમાં પર્યાવરણ વિષયક અભ્યાસક્રમો રચવાની જાહેરાતો કરી.
  5. પર્યાવરણ બચાવવા વિશ્વભરમાં એક કલાક માટે ‘ અર્થ અવર ’ના નામે એક ક્લાક લાઇટો બંધ રહી.
  6. મુંબઇમાં 100વર્ષમાં સૌથી વિકરાળ 5.50 મીટરના ઊંચા મોંજા ઉછળ્યા.ગરમીએ પણ નવા વિક્રમો સ્થાપ્યા.
  7.  સિયાચીન ગ્લેશિયર 20 વર્ષમાં 800મીટર પીગળી ગયું. તેમજ ગંગોત્રી ગ્લેશિયર પિગળવાનું ચાલુ જ છે.1

આ અને આવી અનેક ઘટનાઓ વિશ્વમાં થઇ રહી છે, તેનું કારણ છે – ‘ વિશ્વમાં SUPER POWER બનવાની હોડ. ’ જેને કારણે આવા સુપરપાવર રાષ્ટ્રો પર્યાવરણની અદેખાઇ કરી રહ્યાં છે. આથી પર્યાવરણની સામે જોખમો ઊભા થયા છે.

‘ કુમારસમ્ભવમ્ ’ના ત્રીજા સર્ગમાં મહાકવિ કલિદાસે પ્રકૃતિ સાથે કરવામાં આવતી દખલના ઉદાહરણ રૂપ એક પ્રસંગનું નિરૂપણ કર્યું છે. જેમકે – તારકાસુરનો નાશ કરવાના ઉપાયને શોધતા ઇંદ્ર વગેરે દેવો બ્રહ્મા પાસે આવે છે. તેનો ઉપાય બતાવતા બ્રહ્માએ કહ્યું કે ‘ જો શિવ-પાર્વતીનો પુત્ર દેવોની સેનાનો સેનાપતિ બને તો જ તારકાસુરનો નાશ થાય એમ છે.’

અહીં બ્રહ્મા દ્વારા બતાવવામાં આવેલો ઉપાય ઇંદ્ર માટે ખરેખર પડકાર રૂપ છે, તે તેના માટે તે દુર્લભ છે. કારણકે શિવજી તપસ્વી છે, મહાસંયમી છે. પાર્વતી સાથે શિવના લગ્ન કરાવવા એ ઇન્દ્ર માટે જાણે એક મોટો પડકાર જ છે. છતાં ઇન્દ્ર તે પડકારને ઝીલીલે છે. 

હવે ઇન્દ્ર આ પડકાર રૂપ કામ તેના મિત્ર કામદેવને સોંપે છે. અને કામદેવ પણ તેના મિત્ર વસંતને તેના સહાયક તરીકે સાથે લઇને, તેમજ સ્વામીની આજ્ઞા માથે ચઢવીને પડકાર રૂપ કાર્યની સિદ્ધિ માટે ભગવન શિવના નિવાસ સ્થાન એવા હિમાલયમાં આવી પહોંચે છે. જ્યાં કામદેવની અનુમતિથી વસન્ત પોતાનું સ્વરૂપ પ્રગટાવે છે. એટલેકે અકાળે વસન્ત ખીલી ઊઠે છે. જેમકે – 

  ‘संकल्पयोनेरभिमानभूतमात्मानमाधाय मधुर्जजृम्भे ।’ 
( कुमार. सर्ग – ३ श्लोक : २४ उत्तरार्ध) 
  (' અહીં અકળે વસન્તનું ખીલવું એ એક પ્રકૃતિના નિયમના ઉલ્લંઘન રૂપ ઘટના છે. જેની અસર હિમાલયમાં નિવાસ કરનારા મુનિઓ,વનસ્પતિ,સૂર્ય,ભ્રમર,હરણાં,કોકીલ,હથી, કિન્નરયુગલ વગેરે ઉપર થાય છે.')
અહીંયા અકાળે વસન્ત ખીલવાથી સૂર્ય અને વનસ્પતિ પર થયેલી અસર નોંધવા જેવી છે. જેમકે – 
  "कुबेरगुप्तां दिशमुष्णरश्मौ गन्तुं प्रवृत्ते समयं विलंघ्य । 
दिग्दक्षिणा गन्धवहं मुखेन व्यलीकनिःश्वासमिवोत्ससर्ज ॥ 
असूत सद्य़ः कुसुमान्यशोकः स्कन्दात्प्रभृत्येव सपल्लवानि । 
पादेन नापैक्षत सुन्दरीणां संपर्कमासिन्चितनूपुरेण ॥ ( कुमार. सर्ग – ३ श्लोक : २५-२६) 
  (અર્થાત્ " સમયનું ઉલ્લંઘન કરીને જ્યારે સૂર્ય કુબેરથી રક્ષાયેલી (ઉત્તર) દિશા તરફ જવાને માટે પ્રવૃત્ત થયો ત્યારે દક્ષિણ દિશા (પોતાના) મુખ વડે દુઃખના નિસાસા જેવો વાયુ પ્રવર્તાવવા, અશોકે થડથી શરૂ કરીને પલ્લવો સહિત પુષ્પો એકદમ પ્રગટ કર્યા.ઝંકાર કરતા નૂપુરવાળા સુંદરીઓના પગના સ્પર્શની તેણે અપેક્ષા રાખી નહીં.")
અહીં પ્રકૃતિ પોતાના કુદરતી ક્રમને ભૂલી જઇને તદ્દન વિપરીત વર્તી રહી છે,જે ઘટના વર્તમાન સમયે 'ગ્લોબલ વોર્મિંગ'ની યાદ અપાવે છે.
શિવ અને પાર્વતીથી પુત્ર પ્રાપ્ત કરવા દેવતાઓએ પણ પ્રકૃતિ સાથે રમત કરી છે, અર્થાત્ પ્રકૃતિ સાથે ચેડાં કરેલાં છે. જેને કારણે સૂર્ય પણ પોતની દિશા ભૂલી જાય છે,અને વનસ્પતિ અકાળે પાંગરી ઉઠે છે, ખીલી ઊઠે છે. 

આપણે જાણીએ છીએ કે સૂર્યની ગરમીની સીધી અસર પૃથ્વીના વાતાવરણ ઉપર થાય છે. 'ગ્લોબલ વોર્મિંગ'ને કારણે સૂર્યની ગરમી વધવાથી અહીં પૃથ્વી ઉપર પણ બરફ વર્ષા,પૂર,વાવાઝોડાં,ભૂકંપ તથા ઠંડી-ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. અહીં આ પ્રસંગમાં પણ દેવતાઓ પ્રકૃતિને એટલી હદ સુધી છંછેડે છે કે જેની અસર સમાધિસ્થ શિવને પણ થાય છે. જેમકે- ' हरस्तु किन्चित् परिलुप्त धैर्यः।' કામદેવ જ્યારે સૃષ્ટિના કર્તા – હર્તા – નિયંતા એવા શિવને જ જ્યારે છંછેડે છે ત્યારે તો પૂછવું જ શું ? તેમના ત્રીજા નેત્રનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠ્યો. જેમકે –
  ‘तपः परामर्शविवृद्धमन्योर्भूभङगदुष्प्रेक्ष्यमुखस्य तस्य । 
स्फुरन्नुदर्चिःसहसा तृतीयादक्ष्णःकुशानुः किल निष्पपात ॥’  ( कुमार. सर्ग – ३ श्लोक : ७१) 
  (' તપ પર થયેલા આક્ર્મણથી જેનો ક્રોધ વધ્યો હતો (અને) ભૃકુટિભંગથી જેના મુખ સામે જોવું મુશ્કેલ હતું, તેમના (શંકરના) ત્રીજા નેત્રમાંથી ઉદ્દિપ્ત (અને) ઊંચી જ્વાળઓવાળો અગ્નિ એકા-એક ખરેખર ભાર નીકળ્યો.')

આ 'ગ્લોબલ વોર્મિંગ'ને કારણે પૃથ્વી પર વધી રહેલા તાપમાનનું પ્રતિકત્મક ઉદાહરણ છે. જેને કારણે હિમાલય જેવા ગ્લેશિયર પીગળી રહ્યા છે, ગંગોત્રી પણ તેમાંથી બાકાત નથી.પ્રકૃતિ વિક્ષોભનું આ વરવું સ્વરૂપ છે.દેવતાઓ દ્વારા આમ પ્રકૃતિ સાથે ચેડાં કરવા જતાં તેનું પરિણામ પણ તેઓને જ ભોગવવું પડે છે. જેનું પરિણામ વિનાશ જ છે. જેમકે - 

  “ क्रोधं प्रभो संहर संहरेति यावद्गिरः खे मरुतां चरन्ति । 
तावत्स वह्निः भवनेत्रजन्मा भस्मावशेषं मदनं चकार ॥”  ( कुमार. सर्ग – ३ श्लोक : ७२)
  ( ' હે પ્રભો ! ક્રોધ પાછો ખેંચો, પાછો ખેંચો' એમ દેવોની વાણી જેટલા સમયમાં આકાશમાં પ્રવૃત્ત થઇ (સંભળાઇ) તેટલા સમયમાં તો શંકર ભગવાનના (ત્રીજા) નેત્રમાંથી જન્મેલા એ અગ્નિએ કામદેવને ભસ્મિભૂત કરી નખો..')

પ્રકૃતિ સાથે ચેડાં કરનારની સામે જ્યારે સ્વયં સ્રષ્ટા જ કોપાયમાન થાય છે ત્યારે તેને સ્વયં દેવતાઓ (ભગવાન) પણ બચાવી શકતા નથી. અહીં પ્રકૃતિની વિરુદ્ધ જતાં રતિ પોતાના પતિ મદનને,પાર્વતી ભગવાન શિવને,વસંત પોતાના મિત્ર કામદેવને ગુમાવે છે. એટલેકે દરેકને કઇંને કઇં ગુમાવવાનો જ વારો આવે છે. કુદરત સાથે છેડછાડ કરનાર સામે ભગવાન શિવે જાણે લાલ આંખ કરી હોય એમ લાગે છે.

મહાકવિ કાલિદાસ ' કુમારસંભવમ્'ના ત્રીજા સર્ગ દ્વારા જાણે એક ચેતવણી રૂપ ઘટનાનો નિર્દેશ કરતા હોય તેવું જણાય છે. આ અને સંસ્કૃત સાહિત્યમાં અન્યત્ર નિરૂપિત આવી ઘટનાઓ કે પ્રસંગોને ધ્યાને લઇ પર્યાવરણની ચિંતા કરવી રહી.

સંદર્ભ :- 

1  
'સંદેશ' વર્તમાનપત્ર," ફાસ્ટ ફોરવર્ડ" 2009 પૃષ્ટ નં – 14 તા. 26 ડિસેમ્બર 2009.
2  
કુમારસંભવમ્ સર્ગ – 3  સંપાદક : સરસ્વતી પુસ્તક ભંડાર, (અદ્યતન આવૃતિ-2008-09) સંપાદકો : સુરેશ જ.દવે તથા અન્ય....

*************************************************** 

ડૉ.મનોજકુમાર એલ.પ્રજાપતિ,
એમ. એન. કૉલેજ-વિસનગર.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us