Untitled Document
સંસ્કૃતમાં વિવાહ સંસ્કાર
આપણાં શાસ્ત્રોએ તો અનેક રીતે અનેક પ્રસંગો દ્વારા લગ્નમાંગ્લય છતું કર્યુ છે. એટલે જીવનના અનેક ઉત્સવોમાં લગ્નોત્સવ સર્વ મંગલ જોવા મળે છે. આથી આ મંગલ પ્રવૃતિ માટે શાસ્ત્રોએ સપ્તપદી જેવી દીર્ઘદ્રષ્ટિયુક્ત વિધિનું નિર્માણ કર્યુ છે.લગ્નમાં જોડાતાં યુવકયુવતી-વરવધૂ-પોતાની ભાવિ જવાબદારી સમજે ને એને સતત નજરમાં રાખી, એનાથી ચ્યુત ન થાય તે હેતુસર ધર્મશાસ્ત્રે આ વિવાહ સંસ્કારની ચર્ચા કરી છે.
લગ્ન દામપત્યજીવનનો અનોખો સંસ્કાર છે. જગતની સભ્ય, અસભ્ય બધી જાતિઓએ તેનું મહત્વ સ્વીકાર્યુ છે. અને તેને એક સંસ્કાર તરીકેનો દરજ્જો આપ્યો છે. માનવી શરીર, મન અને બુદ્ધિના આવેગો પ્રમાણે જીવવા સર્જાયો નથી. એમ જ હોત તો મનુષ્ય અને પશુ વચ્ચે કોઇ તફાવત ન રહેત. વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે માનવીના ભાગે કેટલાંક કર્તવ્યો અને અધિકારો આવે છે. તે બધાને નિષ્ઠાથી તથા સારી રીતે બજાવી શકાય તે સારુ જીવનમાં તેણે કેટલાક નિયમો વિધિ-વિધાનો સ્વીકારવા પડે છે. જેમને આપણે ધર્મ એમ જાણીએ છીએ.
આ પ્રકારના વ્રતો, વિધિ, વિધાનો અનેક પ્રકારના હોઇ શકે. આ ધર્મોને સિદ્ધ કરવા માટેનો આ વિવાહ બહુહેતુક છે.તે અનેક પ્રયોજનોને સિદ્ધ કરે છે.વિવાહ આ રીતે દામપત્ય જીવન અર્પણ કરતો અદ્ભૂત અને પાવન સંસ્કાર છે.જેમાં સ્ત્રી પુરુષનું દ્વેત ટળે છે. અને અદ્વેત સધાય છે. વર-વધૂમાં આ સંસ્કાર દ્વારા દિવ્યતા પ્રગટે છે. માનવીય ભાવનાઓનું ઉદાતીકરણ થાય છે. આ સંસ્કારથી વર-વધૂમાં અલૌકિક ભાવો જન્મે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોની સિદ્ધિ કરવા સારું આ ઉમદા વિવાહ સંસ્કાર આપણે ત્યાં મહત્વનું સ્થાન ધરાવે છે.
ચાર આશ્રમોની યોજના એ ભારતીય સંસ્કૃતિની આધાર-શિલા છે. તેમાં ગૃહસ્થાશ્રમ મોખરે છે. કારણ કે ગૃહસ્થાશ્રમ બધા આશ્રમોનો પાયો છે. ગૃહસ્થ જીવનનો આદર્શ વિવાહ સંસ્કારમાં ખૂબીપૂર્વક વ્યક્ત થયો છે. દેવ,બ્રાહ્મણ,સૂર્યનારાયણ, અગ્નિદેવ તથા સાજન-મહાજનની સમક્ષ સ્ત્રી-પુરુષ અથવા વર-વધૂ લગ્નગ્રંથિથી જોડાય છે. ભારતીય સંસ્કૃતિનો અપૂર્વ ચિતાર આપતો આ સંસ્કાર ન કેવળ ધાર્મિક, અર્પિતુ આધ્યાત્મિક રીતે પણ એકતા તરફ દોરી જનારો દિવ્ય સંસ્કાર છે.
વિવાહ સંસ્કાર સધર્મનું પાલન કરવા પ્રેરે છે. અને મનુષ્યને તે રીતે પરમપદને પંથે વાળે છે. વેદોની પવિત્ર ઋચાઓનો ઉદ્ ઘોષ, યજ્ઞવેદીની પાવક-જવાળાઓ વર-વધૂનાં હ્રદય દ્વારા અને ચિતને એક કરીને જીવનને મંગલમય બનાવે છે. તે રીતે વિવાહસંસ્કાર એક જીવનયજ્ઞ બની રહે છે.જેમાં ઇર્ષ્યા, દ્વેષ, કલહ, અને વૈમનસ્ય વગેરે અંદરના શત્રુઓને હોમીને વર-વધૂ સાચા અર્થમાં એકબીજાનાં પૂરક બને છે. દિવ્યજીવનમાં અધિકારી બને છે. આ સંસ્કારથી સ્ત્રી-પુરુષ ખરા અર્થમાં સહધર્મચારી બને છે, પુરુષ ગૃહસ્થ બને છે. અને સ્ત્રી ગૃહિણી (જાયા) બને છે. जायायास्तद्धि जायात्वं यदस्यां जायते पुनः। અર્થાત્ આ સ્ત્રી (જાયા) માં પુરુષ પુત્ર રુપે જન્મ પામે છે તેથી જ સ્ત્રીને જાયા કહે છે. (મનુસ્મૃતિ અ.9,શ્ર્લોક -8 ) એ વિધાન યથાર્થ છે. વિવાહનો આવો અપૂર્વ મહિમા છે અને એવી તેની અનેરી સિદ્ધિ છે.
માનવજીવનમાં સંસ્કારોને મહત્વનું સ્થાન આપ્યું છે. એટલે જ ભારતીય સંસ્કૃતિ વિશ્ર્વની સર્વ સંસ્કૃતિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. જન્મથી મનુષ્ય માત્ર શુદ્ર છે. સંસ્કારથી દ્ધિજ બને છે. શીલ એ આપણી સંસ્કૃતિનું હાર્દ છે. शीलं परं भूषणम् એ ભર્તુહરિની ઉક્તિ પણ ચારિત્ર્યની સર્વોપરિતા દશાવે છે. સંસ્કૃત ભાષામાં રહેલું આ અપૂર્વ સંસ્કૃતિનું તત્વ,પવિત્ર ષોડશ સંસ્કારો ખીલવીને તે દ્વારા માનવજીવનની નવી કેડીઓ કંડારવાનું કામ કરે છે. અને માનવને સાચા અર્થમાં સંસ્કારપૂર્તિ મનુષ્ય બનાવે છે. સાહિત્ય, સંગીત,કલાવિહીન અને પુચ્છવિષાણહીન પશુત્વમાંથી માનવનું સર્જન કરવાની અપૂર્વ શક્તિ સંસ્કારોમાં રહેલી છે. તે આપણને સંસ્કારોથી વિભૂષિત, પવિત્રજીવન જીવવાની કળા શીખવાડે છે. અને માનવીને કર્તવ્યની કેડીએ ચાલતાં ચાલતાં तेन त्यक्तेन भुजीथाः એ ઇશાવાસ્યોપનિષદનો પાઠ ભણાવે છે. ભારતીય સંસ્કૃતિના હાર્દસમી, સંસ્કારોથી સભર અનોખી એવી આ જીવનપદ્ધતિ છે, જેને વિવાહસંસ્કાર કહે છે.
આશ્રમોમાં શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમ છે. તેમ સંસ્કારોમાં લોકપ્રિય તથા શ્રેષ્ઠ વિવાહ સંસ્કાર કહે છે. વિવાહ દ્વારા વર-વધૂ ધર્મપૂર્વક પ્રજોત્પાદક કરી જીવનયજ્ઞને સારી રીતે ચલાવી શકે તેવા બલિષ્ઠ, દ્રઢિષ્ઠ અને તેજસ્વી સંતાનો ઉત્પન્ન કરે છે. અને સંસારને સુવ્યવસ્થિત ચલાવવાના બ્રહ્માના કાર્યને વધુ વ્યવસ્થિત બનાવે છે. ગૃહસ્થાશ્રમ બધા આશ્રમોનો આધાર છે.
|
यथा नदी नदाः सवे सागरे यान्ति संस्थितिम् ।
तथैवाश्रमिणः सवे गृहस्थे यान्ति संस्थितिम् । ( मनुस्मृति – 6-9 ) |
અર્થાત્ જેમ બધી નદીઓ સાગરમાં આશ્રય મેળવે છે. તેમ બધા આશ્રમ ગૃહસ્થાશ્રમનો આધાર મેળવે છે. ગૃહસ્થાશ્રમ વિવાહ દ્રારા મળે છે. ગૃહસ્થાશ્રમ જીવનરથનાં બે પૈડાં છે. બન્ને પૈડાં વ્યવસ્થિત હોય તો જ રથ સરસ ચાલે. તેવું જ સંસારનું છે. વિવાહ શબ્દમાં વિ એટલે વિશિષ્ટ અને વાહ એટલે રથ. લગ્ન એક એવો વિશિષ્ટ રથ છે. જેનાં સ્ત્રી-પુરુષ બે ચક્રો છે. તે સમાન વિચારધારા વાળાં હોય તો સંસાર મધુર બને છે. લગ્ન એ ભોગવિલાસનું પ્રતીક નથી, તે તો માનવજીવનનો અદ્વૈત તંતુ છે. કર્તવ્યપાલનની કેડીએ ચાલવા માટેનો પરવાનો છે. એટલે જ વિવાહ એ યજ્ઞ છે. જીવનયજ્ઞનાં વર-વધૂ બન્ને સાધકો છે. તેમણે અનેક પ્રકારનાં કષ્ટો વચ્ચે અડગ રહીને, જીવન જીવી જવાનું છે. તેમ કરવામાં પ્રભુ ભૂલાય નહિ. એ રીતે લૌકિક કાયો પણ સાથે જ કરવાનાં રહે છે. ધર્મ, અર્થ, અને કામનું સમભાવે વિવેકપૂર્વક સેવન કરતાં મોક્ષ સહજભાવે મળી જાય તેવો આ ઉતમ સંસ્કાર છે.
વિવાહ સંસ્કારથી પવિત્ર વર-વધૂ પોતાના ગૃહસ્થજીવનમાં કામ, ક્રોધ, લોભ,મોહ,મદ, અને મદત્સર એ ષડ્ રિપુઓને વ્રતાચરણો ધ્વારા મહાત કરીને બદલામાં પ્રેમ અને સંતોષ પ્રાપ્ત કરે છે. એટલે જ લગ્ન ધ્વારા મનુષ્યને ઋણમુક્ત થવાનું ધર્મશાસ્ત્ર સૂચવે છે.
|
जायमानो ह वै ब्राह्मणः त्रिभिऋणैऋणवान् जायते ब्रह्मचयेण ।
ऋषिभ्यः यज्ञेन देवेभ्यः प्रज्या पितृभ्यः ।। ( तैतरीयसंहिता-6-3-10-5 ) |
ઉત્પન્ન થતાં દ્વિજ માથે ત્રણ ઋણ હોય છે. બ્રહ્મચર્ય પાલન કરીને વેદાધ્યયનથી તે ઋષિ ઋણમાંથી મુક્તિ મેળવે છે. અને પ્રજોત્પાદન કરીને પિતૃઋણમાંથી મુક્તિ મેળવે છે. ભગવાન મનુ પણ આ વિષે લખે છે
|
ऋणानि त्रीण्यापकृत्य मनो मोक्षे निवेशयेत् ।
अनपाकृत्य मोक्षन्तु सेवमानो व्रजत्यधः ।। ( मनुस्मृति-6-35 ) |
અર્થાત્ મનુષ્યએ ત્રણ પ્રકારનાં ઋણમાંથી મુક્ત થયા બાદ જ મોક્ષ માર્ગની ઉપાસના કરવી જોઇએ. ત્રણ ઋણ વેડફયા સિવાય મોક્ષની કામના કરનાર અધોગતિને પામે છે.
વિવાહ શબ્દ વિ ઉપસર્ગપૂર્વક વહ્ ધાતુથી કૃદન્તમાં घग्न् પ્રત્યય લગાડીને બનવાય છે જેનો અર્થ પત્નીસ્વીકાર એવો થાય છે.वाचस्पत्यम् કોશકારે दारपरिग्रहे तज्जनके व्यापारे च એવો અર્થ આપે છે.બીજા પણ અનેક અર્થો જેવાં કે કન્યાને તેના પિતાના ઘેરથી પતિને ઘેર સન્માનપૂર્વક લઇ જવી તે હસ્તમેળાપ,પાણિ-ગ્રહણ વગેરે.
આ સંસ્કારનો હેતુ જીવને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે. સદાચરણ અને સમ્યક્ ચારિત્ર્યથી સંસારને માણીને પુરુષે પોતાની પત્ની સાથે પરમપદને પંથે સંચરવાનું છે.
આ સંસ્કારની વિધિ પણ એટલી જ ભવ્ય ઉદાત અને દિવ્ય છે.તેને સમજવામાં આવે તો જ તેની મહતા પિછાની શકાય.
વિવાહવિધિ એ સંસ્કારનો અમૂલ્ય વારસો જાળવનારી વિધિ છે. તેનું મૂલ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે. સંસ્કૃતિનાં સાચાં મૂલ્યો વૈદિક મહર્ષિઓએ આ સંસ્કારો ધ્વારા રજૂ કયા છે. આ સંસ્કારવિધિનું મૂલ્ય જનતા સમજે તે વધુ સારુ આટલી લાંબી વિવાહસંસ્કારની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી છે.
લગ્ન સંસ્કારથી જોડાતાં વર-વધૂ માટે આ સંસ્કારવિધિ એક અનુપમ ભેટ છે. મધુપર્કાચન,પાણિગ્રહણ, કન્યાદાન-સંકલ્પ, લાજાહોમ, અશ્મારોહણ, સપ્તપદી, હદયલંબન વગેરે વિવાહની અંગભૂત વિધિઓ વર-વધૂ સમજે તો તેમને માટે આ સંસ્કાર એક દિવ્ય પ્રસંગ બની જાય. પ્રભુતામાં પગલાં માંડનાર પ્રત્યેક પરણીત યુગલ આ સંસ્કાર દ્વારા જીવનને ધન્ય બનાવી શકે છે. બે મળીને એક બનતાંની સાથે धन्यो गृहस्थाश्रमः ની સાત્વિક ભાવના તેમના હદયમાં જાગે છે અને વાસનાજન્મ કામનું વિરેચનીકરણ થઇ પ્રેમની પવિત્ર ભાવના તેમના હદયમાં ધબકે છે. જીવન મંગળમય બની જાય છે તેમાં કોઇ શંકા નથી.
આજે જ્યારે સંસ્કૃતિનાં મૂલ્યોનો હ્રાસ થઇ રહ્યો છે ત્યારે વિવાહ સંસ્કારમાં આવતી વિધિઓ, તેમાં ભણવામાં આવતા વૈદિક મંત્રોનો મર્મ, વિધિનું ગાંભીર્ય તથા પવિત્રતા વર-વધૂમાં પ્રગટે તો જ તે વિધિનું સાર્થક્ય છે.
પ્રસ્તુત લેખમાં માનવજીવનના અમૂલ્ય એવા વિવાહસંસ્કારનું એક આગવુ નિરૂપણ કરેલ છે.
***************************************************
Dr. Varshaben H. Patel
Sanskrit Department, Arts College,
Samlaji, Ta: Bhiloda
Dist.: Sabarkantha, PIN-383355
|