logo

વેદકાલિન રાજ્ય વ્યવસ્થા

ભારતીય પરંપરા મુજબ કોઇપણ બાબતના સ્રોત વિશે માહિતી મેળવવી હોય ત્યારે તેના મૂળ છેક વેદો સુધી લંબાય છે. લગભગ બધા જ ક્ષેત્રમાં કોઇપણ બાબતને વેદનો આધાર આપવાનો પ્રયત્ન થાય છે. પછી તે સામાજિક હોય, આર્થિક હોય, રાજકીય હોય, કે પછી ધાર્મિક હોય. આ સર્વેને લગતી વિપુલ માહિતી વૈદિક સાહિત્યમાં ઉપલબ્ધ છે, જે પ્રતિપાદિત થયેલું છે. 

આ સંદર્ભમાં જોતા રાજકીય વ્યવસ્થા અંગે પણ સારી એવી માહિતી વૈદિક સાહિત્ય અને ઉત્તર વૈદિક સાહિત્યમાંથી મળી આવે છે. જો કે રાજ્યશાસ્ત્ર વિષયક પધ્ધતિસરનું સાહિત્ય ઇ.સ.પૂ.500 આસપાસ અસ્તિત્વમાં આવ્યું.

ભારતમાં રાજ્યવ્યવસ્થાના ઇતિહાસને આર્યોના આગમન સાથે સાંકળી લેવો પડે છે. આર્યો ભારતમાં આવ્યા ત્યાર પહેલાં સામાજિક અને રાજકીય સંસ્થાઓના નિર્માણ વિશેના ખ્યાલો સ્પષ્ટ હોય તેમ જણાય છે. તો બીજી બાજુ આર્યો પૂર્વેની સપ્ત સિંધુના  પ્રદેશમાં એક પ્રાચીન સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. આ સંસ્કૃતિ વિકસિત સ્વરૂપની હતી. તે મોહે-જો-દરો અને હડપ્પાના નગર આયોજનો પરથી નિશ્ચિત થાય છે.

રાજાની ઉત્પત્તિ :-

રાજાની ઉત્પત્તિ બાબતમાં રાજ્યશાસ્ત્રને જુદા જુદા સિધ્ધાંતો અભિપ્રેત છે. તેમના કેટલાક પ્રાચીન ભારતમાં રાજાના અસ્તિત્વ માટે કારણભૂત હોય તેમ મનાય છે. 

દૈવી સિધ્ધાંત:-

આ સિધ્ધાંત અનુસાર રાજા ઇશ્વરની સૃષ્ટિ છે અને રાજામાં દૈવી અંશો-તત્ત્વો હોવાની માન્યતા ઇસુની પ્રથમ સદીથી દ્રઢ થયેલી જોવા મળે છે. પ્રાચીન ઇજિપ્ત, સુમેર, બેબીલોન, ગ્રીસ, રોમ વગેરે દેશોમાં રાજા દેવોના અંશ કે દેવાંશી ગણાતા. હિંદુ ધર્મગ્રંથોમાં ખાસ કરીને બ્રાહ્મણગ્રંથોમાં આ માન્યતા વ્યાપક સ્વરૂપે નિરૂપિત થયેલી છે. ઋગ્વેદ(4,42,8-8)માં માત્ર એક જ રાજા પુરુકુત્સને અર્ધદેવ તરીકે એક જ પ્રસંગે વર્ણવાયો છે. આમ, રાજા ઇશ્વરનો અંશ હતો અને તેનો વિદ્રોહ ઇશ્વરનો વિદ્રોહ ગણાતો. પછીથી મનુસ્મૃતિ(7,5,4) વિષ્ણુપુરાણ(1,13,14), ભાગવતપુરાણ(4,13,23), મહાભારત(12,67,40 થી), નારદસ્મૃતિ(17,26થી), શુક્ર્નીતિ(1,13થી), મત્સ્યપુરાણ વગેરેમાં પણ આ બાબતની પુષ્ટિ થયેલી જોવા મળે છે.

શક્તિ સિધ્ધાંત:- 

આ સિંધ્ધાંત રાજાની ઉત્પત્તિ સૈનિક બળ દ્વારા આવિર્ભાવ પામી હોવાનું માને છે. બ્રાહ્મણગ્રંથો(ઐતરેય બ્રાહ્મણ-1,14 અને તૈતિરીય બ્રાહ્મણ-2,2,7,2)માં રાજાની ઉત્પત્તિ અને રાજપદના અર્પણ અંગે એક કથા પ્રચલિત છે. દેવો અને દાનવો વચ્ચે યુધ્ધમાં દાનવો દેવોને સતત પરાજય આપવા લાગ્યા. આના ઉપાય તરીકે દેવોએ એક જ વ્યક્તિમાં કેન્દ્રિત રાજ્ય સત્તા ભોગવતા રાજાને નિયુક્ત કરવાનું નક્કી કર્યું. અને ત્યાર પછી સોમ, ઇન્દ્ર, વરુણ વગેરે દેવોના સેનાપતિ તરીકે વર્ણવ્યા છે. (જૈમિનીય બ્રાહ્મણ-3.152)

સામાજિક કરારનો સિધ્ધાંત:-

આ સિધ્ધાંત અનુસાર જનસમુદાય, પહેલાં પ્રાકૃત દશામાં હતો. તે સ્વાભાવિક સંગઠન પામી સ્વેચ્છાએ રાજ્યરૂપી સંસ્થાનું નિર્માણ કર્યું અને તેના અધિષ્ઠાતા તરીકે રાજાની નિમણૂંક કરી એમ મનાય છે. 

કુટુંબ, વર્ણ અને ધર્મનો સિધ્ધાંત :-

વૈદિકસાહિત્યમાં કુલપતિને ‘વિશપતિ’ અને ‘જનપતિ’ બનતો વર્ણવ્યો છે. વૈદિક સમાજ વિવિધ કુટુંબો ‘જન્મ’, ‘વિશ’, ‘જન’ વગેરે નામથી ઓળખાતાં. એજ જ કુટુંબમાંથી ઉતરી આવેલું, એક જ સમૂહમાં, એક જ વસાહત કે ગામમાં વસતું કુટુંબ ‘જન્મન’ તરીકે ઓળખાતું. પરસ્પર સંબંધ રાખતાં કુટુંબો સામૂહિક રીતે ‘વિશ’ તરીકે ઓળખાતા. વિશનો પતિ ‘વિશપતિ’ કહેવાતો અને અનેક વિશો ભેગા થતા ‘જન’નો સમૂહ બનતો. એનો ઉપરિ ‘જનપતિ’ કહેવાતો(ઋગ્વેદ-2-26-3, 10-84-4). આ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય તેમજ ઇતર ભારતીય આર્ય સમાજમાં રાજ્ય સંસ્થાનો ઉદ્ભવ અવિભક્ત કુટુંબમાંથી થયો હતો. એ જ રીતે વર્ણ તેમજ ધર્મની બાબતમાં પણ કહી શકાય. 

સપ્તાંગ સિધ્ધાંત :-

આ સિધ્ધાંતનું મૂળ કેટલાક વિદ્વાનો ઋગ્વેદના પુરુષસૂક્તમાં હોવાનું માને છે. જેની ચર્ચા કૌટિલ્યે પોતાના અર્થશાસ્ત્રમાં વિસ્તારથી કરી છે. રાજ્યના પાયામાં રહેલાં સાત અંગો- સ્વામી(રાજા), અમાત્ય(પ્રધાન), જનપદ(પ્રદેશ), દુર્ગ(કિલ્લો), કોશ(ખજાનો), બળ(લશ્કર) અને મિત્રનું  વિવરણ મહાભારત, અર્થશાસ્ત્ર, શુક્ર્નીતિ વગેરેમાં છે.

વૈદિક સંહિતાઓ, બ્રાહ્મણગ્રંથો અને ઉપનિષદોમાં અભ્યાસ પરથી વૈદિક સમયના રાજકીય સંગઠન વિશેની ઘણી મહત્વની બાબતો પ્રાપ્ત થાય છે. 

વેદ કાલિન રાજકીય સંગઠન એક મોટા પરિવાર સમાન હતું. પરિવારમાં જેમ સૌથી વૃધ્ધ પુરુષની સત્તા ચાલે છે, તેમ આર્યોના વિવિધ જનોનું નિયંત્રણ ‘જનપતિ’ દ્વારા થતું. આર્યો એને રાજા તરીકે ઓળખતાં. વૈદિક આર્યોના ‘જન’ વિવિધ કુટુંબો-જન્મનોનો સમૂહ હતો. નાના સમૂહને વિશ અને એના મુખ્ય નાયકને વિશપતિ કહેતા. એવા ઘણાં વિશ ભેગા થઇ ‘જન’ બનતો અને તેનો મુખ્ય અધિપતિ ‘જનપતિ’ કહેવાતો. જનનું નિવાસ સ્થાન ‘જનપદ’ કહેવાતું. જનની દરેક વ્યક્તિ પોતાને ‘સુજાત’ કે ‘સનાભિ’ કહેડાવતી. સામા સમાજની વ્યક્તિઓને ‘અન્યનાભિ’ કે ‘અરણ’ તરીકે ઓળખતા. પોતાના જનના માણસોને તેઓ ‘સ્વ’ તરીકે ઓળખતા. આ પ્રાચીન જનના રહેઠાણ માટે શરૂઆતમાં કોઇ નિયત સ્થાન ન હતું. પણ ધીમે ધીમે જન સ્થાયી બની નિયત સ્થળે વસવાટ કરવા લાગ્યા. તેના પરિણામે ‘ગ્રામ’ નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. જનનો નાયક જનપતિ ‘રાજન’ પણ કહેવાતો. ગ્રામનો મુખ્ય અધિપતિ ‘ગ્રામણિ’ તરીકે ઓળખાતો. આર્યોએ ભારતમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને ‘જનપદો’ અને ‘ગ્રામો’ વિષે સ્પષ્ટ ખ્યાલ હતો. 

સિંધુ સંસ્કૃતિના લોકોનો પરાજય કરી આર્યો પ્રથમ ઉત્તર-પશ્ચિમ ભારતના પ્રદેશમાં સ્થિર થયા અને ત્યાં તેણે પોતાના વિવિધ જનપદો વિકસાવ્યા. ઋગ્વેદમાં ‘પંચજન્યા:’નો ઉલ્લેખ છે, તેમાં પુરુ, યદુ, તુર્વસુ, દુહ્યું, ભારત વગેરે આર્યોની મુખ્ય શાખાઓ હોય તેમ જણાંય છે. ઋગ્વેદ મંડળ એકથી નવમાં આવી અનેક ટોળીઓના રાજ્યોના ઉલ્લેખ છે. 

પ્રત્યેક જન(ટોળી)ની સંપૂર્ણ વિશ(જન)ના રાજાની નિમણૂંક કરતી. તેનું આ પદ મોટા ભાગે વંશપરંપરાગત ગણાતું અને દૈવી પણ ગણાતું. પુરુઓનો નાયક ત્રસદસ્યુ પોતાને અર્ધ દેવતા ગણાવતો વર્ણવાયો છે(ઋગ્વેદ-7-5-7). પરસ્પરની સમજૂતી અને પરંપરા દ્વારા એવું મનાતું કે રાજા જનની સાથે કરાર કરતો. તદાનુસાર જન માટે તે યુધ્ધો કરતો, દુશ્મનોના કિલ્લા અને ખજાનાઓ કબજે કરતો તથા ‘ઋત’  એટલે સત્યના માર્ગે કામ કરતો. તથા પ્રજાના સંરક્ષણ તથા પરિપાલનની તમામ જવાબદારી સ્વીકારતો. પ્રજાને બાહ્ય તેમજ આંતરિક શત્રૂઓથી રક્ષતો. રાજાની આ ફરજના બદલામાં પ્રજા રાજાને ઉત્પાદનનો અમુક ભાગ- બલી આપતી. જનોની અંતર્ગત વસતી પ્રજા સામૂહિક રૂપમાં ‘વિશ’ કહેવાતી. પણ રાજનીતિક રૂપમાં તેને રાષ્ટ્ર સંજ્ઞા આપવામાં આવી હતી. ઋગ્વેદના સમય દરમિયાન આર્યાવર્તનો પ્રદેશ આવા અનેક નાના-મોટા રાષ્ટ્રોમાં વિભક્ત હતો. ભૌગોલિક દ્રષ્ટિએ આ રાષ્ટ્રોનું વર્ગીકરણ વૈદિક અનુક્ર્મણિકામાં આ રીતે આપવામાં આવ્યું છે. 
(1) ઉત્તર-પશ્ચિમ ભૂભાગ – કનોજ, ગાંધાર, અલિન, ભલાણ, વિષાણીત.
(2) સિંધુ નદીનો પશ્ચિમ ભૂભાગ- અરજીકીય, શિવ, કેકેય, વૃચિવંત.
(3) સિંધ અને વિતસ્તા (બિયાસ) નદી વચ્ચેનો ભૂભાગ – યદુ.
(4) વિતસ્તા નદીનો પૂર્વ ભાગ- મહવાવૃષ, ઉત્તરકુરુ, ઉત્તરમદ્ર.
(5) આસિકની અને પરુષ્ણી નદીના પ્રદેશમાં આવેલો ભૂભાગ- બાલ્હીક, દુહ્યુ,તુર્વસુ અને અનુ.
(6) શતુદ્રી નદીનો પૂર્વ ભાગ- ભરત, ત્રિત્સુ, પુરુ, પારાવત અને શુજ્ય.
(7) યમુનાના પ્રદેશમાં, ઉશિનર, વશ, સાલ્વ અને ક્રિવિ. 

આ ઉપરાંત મત્સ્ય, યુજ્વંત, યક્ષુ, સોમક, શિષ્ટ, શિમ્બુ, વૈકર્ણ વગેરે રાષ્ટ્રો હતા. 

આ બધા જનોના અને રાષ્ટ્રોના નિવાસ સ્થાન મુખ્યત્વે સપ્તસિંધુનો પ્રદેશ હતો. જેમાં આર્યો પૂર્વ અને દક્ષિણ તરફ પ્રસરતા ગયા તેમ તેમ તે તે પ્રદેશોમાં નવા નવા રાજ્યો સ્થાપિત થતા ગયા. અથર્વવેદ(8-21-18)માં સિંધુના કાંઠા ઉપર રાજા મિત્રને અને તેના ઉમરાવોને સરસ્વતિ નદીના પ્રદેશમાં વસતા હોવાના સ્પષ્ટ ઉલ્લેખો છે. 

શાસન પ્રણાલિ:- 

ઋગ્વેદમાં શાસન પ્રણાલિનું  કેન્દ્ર ‘વિશ’ હતું. તેમનું રાજકીય એકમ રાષ્ટ્ર સંજ્ઞા પામતું. જન (જનપદ) અને ‘ગ્રામ’ રાષ્ટ્ર્ના અંતર્ગત રાજકીય એકમો ગણાતાં. દરેક એકમ સંરક્ષણની બાબતમાં સ્વાયત હતો. ગ્રામ ફરતા કોટ – કિલ્લાઓ- પુરની રચના થતી. તે મૃણ- માટી અને પાષાણના બનતા. અને કેટલીક વાર તેમાં લોખંડનો ઉપયોગ થતો. લાકડાની કોટથી સંરક્ષિત અને ચોતરફ ખાઇઓ(પરિખા) ધરાવતા નગરો પણ રચાતા. 

“ગ્રામ” ઘણુ કરીને એક જ કુટુંબની વિવિધ શાખાઓના સ્ત્રી – પુરુષોના નિવાસનું મહત્વનું સ્થાન હતું. આ કુટુંબનો વડો ‘કુલપા’ કહેવાતો અને તે જ તેના ગ્રામનો ‘ગ્રામિણ’ બનતો. તે મુલ્કિ અને લશ્કરી સત્તાઓ ધરાવતો. યુધ્ધ સમયે તે સેનાનીનું પદ પણ ધારણ કરતો અથવા ‘સેનાની’ તરીકે તે વખતે નિયુક્ત થયેલ વ્યક્તિના હાથ નીચે કાર્ય કરતો, પણ શાંતિ કાળમાં તો તેનું જ પદ મહત્વનું અને નિર્ણાયક ગણાતું. ઋગ્વેદમાં વર્ણિત દાશરાજ્ઞ યુધ્ધમાં તેનો ખ્યાલ આવે છે. 

વૈદિકયુગમાં રાજા:

વૈદિક યુગમાં રાષ્ટ્ર યા જનપદનો અગ્રણી ‘રાજા’ કહેવાતો. ઋગ્વેદમાં રાજાને સહાયક અમલદારો –સેનાની ગ્રામણિ અને પુરોહિતના ઉલ્લેખો છે. સેનાની લશ્કરી બાબતોનો મુખ્ય અધિકારી, ગ્રામણિ ગ્રામ વહીવટ પર દેખરેખ રાખનાર અને પુરોહિત ધર્મગુરુ હોવાનું જણાય છે. સામાન્યત: રાજાનો પુત્ર પિતાના મૃત્યુ બાદ રાજપદ માટે લાયક ગણાતો. પરંતુ ‘વિશ’ એટલે કે પ્રજા જ રાજાની પસંદગી કરતી. તેથી જો રાજપુત્રની યોગ્યતા હોય તો જ તેને રાજપદ મળતું. અથર્વવેદ(3-4-2)માં એક મંત્રમાં કહ્યું છે કે “પ્રજા રાજપદ માટે તમારી પસંદગી કરી છે. રાષ્ટ્રરૂપી શરીરના સર્વોચ્ચ સ્થાન પર તમે આનસ્થ હો અને ત્યાં રહીને ઉગ્ર શાસકની અદાથી સર્વ સંપતિનું યોગ્ય વિભાજન કરો.” આ મંત્ર પરથી સ્પષ્ટ થાય છે કે પ્રજા રાજાની પસંદગી કરતી અને સર્વ સ્વીકૃતિ બાદ તે વ્યક્તિ રાજપદને પામતી. વરણી પામેલા રાજાને ઉદ્દેશીને અથર્વવેદ(6-88-1,2)માં એનું અભિવાદન કરતાં કહ્યું છે કે “અમે તમારું હર્ષપૂર્વક અભિવાદન કરીએ છીએ. ધૃવની માફક તમે અમારી વચ્ચે અવિચલ રહો અને તમારી પાસેથી રાષ્ટ્રના અધિકારો છીનવી લેવા પડે તેવી ઉપસ્થિતિ ન થાઓ. અહીં રહીને તમારો ઉત્કર્ષ થાઓ.” અથર્વવેદની આ ઋચાઓ પરથી નિશ્ચિત થાય છે કે પ્રજા જેને રાજા તરીકે નિયુક્ત કરતી તે જો અનીતિનું આચરણ કરે કે રાષ્ટ્ર વિરોધી કૃત્યો કરે તો તેની પાસેથી સત્તા છીનવી લઇ શકાય. “તમારી પાસેથી રાજપદ છીનવી ન લેવું પડે” તે ઉક્તિમાં ચેતવણીનો સ્પષ્ટ સૂર છે. નિયુક્ત કરેલાં રાજાને દેવજન જેટલું માન અપાતું. તેમ છતાં કેટલાયે રાજાઓને પદભ્રષ્ટ કર્યાના પણ ઉલ્લેખો જોવા મળે છે. તો કેટલીક વખતે પદભ્રષ્ટ કર્યા પછી તે જ રાજાની રાજપદ પર પુન: નિયુક્તિ થઇ હોવાના દાખલા પણ ઋગ્વેદમાં અને બ્રાહ્મણગ્રંથોમાં વર્ણવાયા છે. જેમ કે “અમે તને ફરી બોલાવીએ છીએ. તું તારાં પદ પર ફરી બિરાજમાન થા. પ્રજા તને ફરી રાજા બનાવે છે, તો તું શ્રેષ્ઠ પુરુષોની આજ્ઞાનું પાલન કર(અથર્વવેદ- 3-4-6)”. તો અન્ય જગ્યાએ દુષ્ટ રાજાનો નાશ કરવામાં મદદરૂપ યજ્ઞવિધિ પુરોહિત કરતો દર્શાવાયો છે(તાંડ્ય બ્રાહ્મણ-6-6-5). સતત દસ પેઢીથી રાજપદ ભોગવતાં વંશના દુષ્ટઋતુ પૌંસાયનને સંજયે પદભ્રષ્ટ કરી તેને રાજ્યમાંથી તગેડી મૂક્યો હતો. 

રાજપદની પ્રાપ્તિ વખતે રાજા પ્રજાપાલનની પ્રતિજ્ઞા કરતો. આ પ્રતિજ્ઞા રાજા તોડે તો પ્રજાને પદભ્રષ્ટ કરવાનો અધિકાર હતો(અથર્વવેદ-3-4-7). આથી રાજા દૈવી અધિકાર ધરાવતો હોવાની માન્યતાનો નિર્દેશ વૈદિક સંહિતામાં ક્યાંય મળતો નથી. 

પ્રજાને ધન અને વૈભવની પ્રાપ્તિ કરાવવી તે રાજાનું કર્તવ્ય લેખાતું. જનપદોની સકલ ભૂમિ પર સામૂહિક સ્વામિત્વ ગણાતું. આથી જે કંઇ આર્થિક ઉત્પાદન થતું તે બધુ પ્રજામાં ન્યાયસર વિતરણ થતું. જે રાજાના નેતૃત્વ નીચે થતું. આ કારણે રાજાને અથર્વવેદમાં ધન-સંપતિનું વિભાજન કરનાર કરનાર કહ્યો છે. તેના બદલામાં રાજાને પ્રજા બલી-ભાગ આપતી. આ અર્થમાં રાજા પ્રજાનો સેવક હોવાથી અથર્વવેદ19-37-3)માં રાજાને રાષ્ટ્રભૃત્ય કહ્યો છે. એટલું જ નહી રાષ્ટ્રમાં રાજા ભૃત્ય એટલે સેવક અને પ્રજા સ્વામી છે(અથર્વવેદ-15-9-1).

પ્રજા રાજાની પસંદગી કેવી રીતે કરતી તે વિશે કોઇ સ્પષ્ટત: ઉલ્લેખો મળતાં નથી. પરંતુ અથર્વવેદમાં “राजानः राजकृतः” એટલે કે રાજા બનાવનારા રાજાઓના ઉલ્લેખો મળે છે. આથી રાજાની વરણીની જવાબદારી વિશ-જનતાની પ્રમુખ વ્યક્તિઓને શીરે હોય તેમ જણાય છે. આ પ્રમુખ વ્યક્તિઓમાં સૂર-સારથી, ગ્રામણિ, રથકાર, કૂર્માર-કુંભારનો સમાવેશ થતો હશે. વૈદિક યુગમાં સમાજ બ્રાહ્મણ, ક્ષત્રિયાદિ વર્ણોમાં ચુસ્તપણે વહેંચાયેલો ન હતો. પ્રત્યેક આર્ય પુરોહિત, યોધ્ધો અને કૃષક હતો. યુધ્ધના સમયે શસ્ત્રો ધારણ કરતો. બાકીનો સમય તે ખેતી વગેરે વ્યવસાયમાં વ્યતિત કરતો. 

આ સમયે કોઇ પણ વ્યક્તિ રાજપદને પામતી કે તરત જ તેના મસ્તક પર રાજચિન્હના પ્રતિકરૂપે ‘મણિ’ નું પ્રદાન કરવામાં આવતું. અથર્વવેદમાં રાજચિન્હને ધારણ કરનાર રાજા રાષ્ટ્રના સર્વે પ્રમુખ પુરુષોને તથા જનસમાજના પ્રતિનિધિઓને પોતાને સહાય કરવાની પ્રાર્થના કરતો દર્શાવ્યો છે. બ્રાહ્મણ ગ્રંથ વર્ણિત રાજ્યાભિષેક વિધિ વખતે રાજાની પીઠ પર પર દંડનો આઘાત કરાતો, જે તેનાં કર્તવ્યોનું સ્મરણ કરાવવાની વિશિષ્ટ પધ્ધતિનું દ્યોતક છે. 

રાજાના કર્મચારીઓમાં સેનાની અને ગ્રામણિ મુખ્ય હોય તેમ જણાંય છે. પુરોહિતનું સ્થાન પણ ઉંચું હતું. તત્કાલિન રાજનીતિમાં વિશ્વામિત્ર અને વશિષ્ટ જેવા પુરોહિતો અગ્રિમ સ્થાન ધરાવતા. આ પુરોહિતો રાજાઓ સાથે રણમેદાનમાં જતાં અને યુધ્ધો પણ ખેલતાં. 

ઋગ્વેદમાં અનેક દાનસ્તુતિઓમાં વિવિધ રાજાઓના ઉલ્લેખો છે. આ પરથી જણાય છે કે ઋગ્વેદમાં જે રાજસંસ્થા અસ્તિત્વમાં હતી. તેનું સ્વરૂપ રાજાશાહી જેવું જણાતું હોવા છતાં વાસ્તવમાં તે જનતંત્ર સ્વરૂપ હતું. ઋગ્વેદમાં નોંધાયેલા ગણ, ગણપતિ, જ્યેષ્ઠ વગેરે શબ્દો ગણતંત્રીય બંધારણના દ્યોતક હોય તેમ જણાય છે. 

વિદથ:- 

આજના આપણા જ્ઞાતિપંચો જેવી ભારતીય આર્યોની આ પ્રાચીન સંસ્થા આર્યોની વિવિધ ટોળીઓમાં પ્રચલિત હોય તેમ જણાય છે. જેમાં સ્ત્રી-પુરુષનું સમાન સ્થાન હતું. અને બધી બાબતોમાં સમાન ભાગ લઇ શકતી. ટોળી દ્વારા જે કંઇ ઉત્પાદન થતું તેની વહેંચણી આ સંસ્થા કરતી. આમ, વિદથનું વાસ્તવિક સ્વરૂપ પરસ્પર સહકારનું હતું. વૈદિક સમયના રાજકીય સાર્વભૌમ મંડળો સમિતિ અને સભા કરતાં વિદથનું સ્વરૂપ જુદા પ્રકારનું હતું. કદાચ આ બંને સંસ્થાના ઉદ્ભવનું બીજ વિદથમાં રહેલું હતું. ઋગ્વેદમાં આ સંસ્થાનું ભારે મહત્વ હોય તેમ જણાય છે. જ્યારે વિદથના ઉલ્લેખો દર વખતે થયેલાં છે.

સભા અને સમિતિ:-

‘વિશ’ દ્વારા વરણી પામેલાં રાજાને રાજાકાર્યમાં મદદ કરનારી વૈદિક યુગની બે સંસ્થાઓ ‘સમિતિ’ અને ‘સભા’ ના નામે ઓળખાતી. રાજકાર્યમાં મદદ કરવા ઉપરાંત આ બે સંસ્થાઓ રાજા પર નિયંત્રણ પણ રાખતી. એક જગ્યાએ સભા અને સમિતિને પ્રાર્થના કરતાં રાજા જણાવે છે કે ‘પ્રજાપતિની આ બંને દુહિતાઓ મને સતત મદદરૂપ રહો.’  સમિતિમાં કોણ કોણ સભ્યો હતા તે અંગે નિશ્ચિત માહિતી મળતી નથી. પ્રાચીન ગ્રીક નગર લોકસભામાં પ્રત્યેક નાગરિક સભ્ય તરીકે પ્રતિનિધિત્વ ધરાવતો. વૈદિક યુગમાં પણ આપણે ત્યાં આવી પરીપાટી હોવાનો સંભવ છે અને આર્ય જનપદોમાં જનસંખ્યાની અતિવૃધ્ધિ થતાં પ્રતિનિધિ રૂપે પ્રમુખ વ્યક્તિઓ તેમાં સ્થાન પામી હોય.

સમિતિના સભ્યો અને રાજન વચ્ચે અનેક વિષયો પર વિચાર વિનિમય અને વાદ-વિવાદ થતાં હશે, એવું છાંદોગ્ય (5-3) અને બૃદારણ્યક (6-2) ઉપનિષદો પરથી જાણવા મળે છે. અથર્વવેદના એક સૂક્ત પરથી જાણવા મળે છે કે એક વ્યક્તિ પ્રાર્થના કરતાં ઝંખે છે કે તે કુશળ વક્તા બને અને પોતાના જ્ઞાન અને ભાષણની છટા દ્વારા તે બધાને વશ કરે. વિવાદમાં પ્રતિસ્પર્ધિઓને તે પરાસ્ત કરે અને બીજાઓને પોતાના પક્ષમાં લે. એ જ બાબત ઋગ્વેદ (10-191-3) માં જણાવી છે. સમિતિ સમક્ષ ભાષણ કરવા સભ્યો ઉત્સુક રહેતાં. ભાષણ કરનાર પોતાને એવો તેજસ્વી બનાવવા માંગતો કે તેના વચનો ઉથાપાય નહીં. વિરોધીઓ ફાવી ન જાય તે માટે પ્રાર્થના કરતાં. ઋગ્વેદના સમયથી જ સભા અને સમિતિનો અભ્યુદય થયો હોય તેમ જણાંય છે. 

સમિતિનો અધ્યક્ષ ‘ઇશન’ કહેવાતો. રાજા પણ પ્રસંગોપાત સમિતિમાં હાજર રહેતો. ગૌતમ ગોત્રના આરુણેય ઋષિના પુત્ર શ્વેતકેતુ પાંચાલ જનપદની સમિતિમાં ગયા હતાં ત્યારે ત્યાં રાજા પ્રાવાગણ  જ્વૈલ હાજર હોવાનું નોંધયું છે(છાંદોગ્યોપનિષદ-5-5). સમિતિ રાજકાર્યમાં માર્ગદર્શન કરતી. અથર્વવેદ(5-12-1,2)ના એક મંત્રમાં રાજા પ્રાર્થના કરતાં જણાંવે છે કે ‘સભા અને સમિતિ પ્રજાપતિની દુહિતાઓ છે, તે મારું રક્ષણ કરો. તે મને સમુચિત માર્ગદર્શન આપો.’ 

આમ, બંને સંસ્થાઓમાં પિતર એટલે કે વૃધ્ધ પુરુષો ભેગા થતાં અને સમુચિત ભાષણ દ્વારા રાજાને માર્ગદર્શન આપતાં. પ્રાચીન જનપદોમાં જે વિવિધ નેતાઓ શાસનકાલમાં ભાગ લેતા તેમને કુલવૃધ્ધ કહ્યા છે. તે જે રીતે ગ્રામનેતાઓને ગ્રામવૃધ્ધની સંજ્ઞા આપી છે. વૃધ્ધો વૈદિક કાલમાં ‘પિતર’ તરીકે ઓળખાતાં.

સભા અને સમિતિના સ્વરૂપ પર અથર્વવેદ(8-10-1) સૂક્તમાં સુંદર પ્રકાશ પાડે છે. આ સૂક્તમાં કહ્યું છે કે પહેલાં વિરાટ અરાજકતા અથવા રાજ્યવિહીન દશા હતી. આ અરાજકતાનો બધાને ડર લાગવા માંડ્યો. આથી વિરાટ દશામાં ક્રાંતિ આવી અને એ ગર્હપત્ય-પરિવારમાં પરિવર્તન પામી. ગર્હપત્યમાં પર્રિવર્તન થતાં ગ્રામ સંગઠનની દશા ઉદભવી અને ગ્રામ સંગઠનના પરિણામે સભા અને સમિતિ જેવી સંસ્થા અસ્તિત્વમાં આવી. 

આ સૂક્ત પ્રથમ પરિવાર પછી જન અને અંતે જનપદનો ક્રમિક વિકાસ સૂચવે છે. અને સભા અને સમિતિ જનપદની રાષ્ટ્રીય સંસ્થા હોવાનું નક્કી કરી આપે છે. 

સમિતિ સમગ્ર વિશ-પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતી હોવાથી સભા કરતાં તે ઘણી મોટી સંસ્થા હતી. રાષ્ટ્ર અંતર્ગત સર્વ ગામોના ગ્રામણિઓની તે બનેલી હતી. પરંતુ સભામાં ગણી-ગાઠી વ્યક્તિઓને સ્થાન મળતું. સભા અને સમિતિનો કાર્ય પ્રદેશ રાજકાર્યમાં મદદ આપવાનો હતો. જો કે રાષ્ટ્રનું પ્રધાન ન્યાયલય સભા હતી. સભા અને સમિતિન સભ્યો પરસ્પર સહકારથી કાર્ય કરતાં. ઋગ્વેદ(10-191-2,4) નો એક મંત્ર આ બંને સંસ્થાઓના સભ્યોને ઉદ્દેશીને કહે છે- ‘તમે એક સાથે મળીને રહો, એકબીજાને મળી તમે એક વાત કરો, તમારાં મન એક હો, પૂર્વકાળમાં દેવતાઓ જેમ સમાન રૂપમાં ચિંતન કરતાં તેમ તમે વર્તો. તમારાં-મંત્ર નીતિ એક હો. તમારાં વિચારો તથા નિર્ણયો એક હો, અને પ્રસન્નતાપૂર્વક એકબીજાના સહાયક બનીને વિચારો.’

ઋગ્વેદમાં સભાને વિષય કરતાં અનેક મંત્રો છે. ‘તે સદા સભામાં જાય છે.’ સભાના સભ્યો ‘સભેય’ તરીકે ઓળખાતાં. ‘सभेयो युवा’ 

સભાનો કાર્યપ્રદેશ:-

સભા એ પ્રજા દ્વારા ચૂંટી કાઢેલાં માણસોનું એક સ્થાયી મંડળ હોય તેમ જણાંય છે. અને તે સમિતિની સત્તા હેઠળ કામ કરતું. સભાનો વિશિષ્ટાધિકાર રાષ્ટ્રના ન્યાયાલયનો હતો. આ કારણે સભાને નારિષ્ટ તરીકે ઓળખાવી છે. સાયણાચાર્ય નારિષ્ટનો અર્થ આપતાં જણાંવે છે કે તોડી અથવા ભંગ ન કરી એવો. ઘણાંઓના ઠરાવનો અમલ કરનાર સંસ્થા. સભાનું મુખ્ય કાર્ય ન્યાય વિષયક હોવાથી તે સમિતિથી જુદી પડતી. તેમાં ન્યાય લેવા આવનાર વ્યક્તિ ‘સભાચર’ કહેવાતી. મૈત્રાયણી સંહિતાએ સભાને ‘ગ્રામવાદિન’નું ન્યાયાલય કહ્યું છે. સભામાં ન્યાય વિતરણનું કામ થતું હોવાથી તે વારંવાર મળતી હશે, તેવું અનુમાન થઇ શકે છે. યજુર્વેદસંહિત(4-7-4) સભાના અધ્યક્ષને ‘સભાપતિ’ તરીકે ઓળખાવે છે.

સમિતિ ઘણું કરીને કાયદાઓ ઘડનારી સંસ્થા હતી. રાજાની વરણી સમિતિ કરતી અને સભા તેનો સ્વીકાર કરતી. યજુર્વેદના વર્ણનો પરથી તો જણાંય છે કે સભાનો અધ્યક્ષ ‘સભાપતિ’ રાજાથી ભિન્ન હતો અને રાજા સભાના મંતવ્યો અનુસાર વર્તતો. 

આમ, વેદકાલિન શાસન પધ્ધતિ ઘણી જ મુક્ત અને લોકશાહી મુજબની હતી.

સંદર્ભગ્રંથ:-

(1) વેદભાષ્ય ગ્રંથમાલા શ્રેણી, અથર્વવેદ સંહિતા વિધિ ભાષા ભાષ્ય, લેખક:- આચાર્ય શ્રીવિષ્ણુદેવ સાંતવળેકર પંડિત, મધુર જ્યોત ટ્ર્સ્ટ સંચાલિત, વેદ પ્રકાશન સમિતિ.
(2) વૈદિક સંશોધન મંડળ દ્વારા પ્રકાશિત, ઋગ્વેદ સંહિતા, શ્રીમત્સાયણાચાર્યવિરચિત ભાષ્ય સમેત, શાકે – 1858
(3) હિન્દુ રાજ્ય પધ્ધતિનો ઇતિહાસ, લેખક:- ર્ડા. કે.એફ. સોમપુરા,  યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય

*************************************************** 

પ્રા. કે. એમ. ચાવડા,
સંસ્કૃત વિભાગ, 
એમ.એન.કોલેજ, વિસનગર,
જિ. મહેસાણા (ઉ.ગુ.)

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us