અશ્વમેધ એ જ રાષ્ટ્રમેધ
ભારતીય ઇતિહાસ અનુસાર યાજ્ઞિક કર્મકાણ્ડનો પ્રાદુર્ભાવ કૃતયુગ તથા ત્રેતાયુગના સન્ધિકાળે થયો.[૧] તે કથનને મહાભારત તથા વાયુપુરાણ૨નાં સમર્થનો પ્રાપ્ત છે. કાલાન્તરે યજ્ઞોનું પ્રાધાન્ય વધવાથી વેદમંત્રોનો વિનિયોગ માત્ર યજ્ઞોમાં જ થવા માંડ્યો. જેમ-જેમ યજ્ઞોની પ્રધાનતા વધતી ગઈ તેમ તેમ વેદનો આધ્યાત્મિક તથા આધિદૈવિક પ્રક્રિયાનુસારી અર્થ ગૌણ થતો ગયો અને યાજ્ઞિક પ્રક્રિયાનુસારી અર્થની પ્રધાનતા થતી રહી. ધીરે ધીરે ‘वेदा यज्ञार्थं प्रवृत्ताः’ વેદનું પ્રયોજન યજ્ઞ છે. એવી ધારણા બલવત્તર થતી ગઈ. એક મંત્ર ‘यतेन वाचं पदवीयमायन्’ (10/71/3)ના આધાર પર તો ત્યાં સુધી મનાવા માંડ્યું કે સમસ્ત વેદવાણી યજ્ઞમાં જ ઉપરત થાય છે. એ જ રીતે સાયણાચાર્યે પણ વેદોના અગ્નિહોત્રાદિ કર્મકાણ્ડ પરક અર્થ માનીને આધિયાજ્ઞિક અર્થમાં તેનું અર્થઘટન કર્યું. પ્રાચીન કાળમાં આધિદૈવિક પ્રક્રિયા અનુસાર વેદના જે વૈજ્ઞાનિક અર્થો કરવામાં આવતા તે લુપ્ત થતા ગયા, પરિણામે અતિઉત્કૃષ્ટ સિદ્ધાંતોના પ્રતિપાદક મંત્રો માત્ર સ્તુતિવચન બનીને રહી ગયા. આધિદૈવિક પ્રક્રિયાનુસારી વેદાર્થને સમજવા માટેનું સાધન યાસ્કીય નિરુક્ત જ રહ્યું. હા, કેટલેક અંશે બ્રાહ્મણગ્રંથો અને શતપથ બ્રાહ્મણમાંથી કંઈક અંશે સહાયતા મળે એમ રહી.
પરંતુ વેદનું પ્રયોજન કેવલ યજ્ઞો સંપાદિત કરવા તે હોય તો વેદના સર્વવિદ્યામૂલકત્વ હોવાપણાનું શું? સર્ગના આદિકાલમાં પ્રાદુર્ભૂત વેદ તો મનુષ્યને માટે અપેક્ષિત સંપૂર્ણ જ્ઞાનનો ભંડાર છે. તેમાં લોકોપયોગી સમસ્ત વિદ્યાઓ, આધિદૈવિક તથા આધિભૌતિક પદાર્થોના વિજ્ઞાન તથા આધ્યાત્મિક તત્ત્વોનું વિસ્તૃત વિવેચન છે. વેદવિષયક આ સર્વ સમ્મત સિદ્ધાંતની રક્ષા માટે વેદમંત્રોની અનેકાર્થપ્રતિપાદક શક્તિ માનવી પડે તેમ છે. આચાર્ય ભર્તૃહરિ મહાભાષ્ય પ્રદીપિકામાં વેદમંત્રોના વિવિધ પ્રક્રિયાગમ્ય અર્થના વિષયમાં કહે છે -
"इदं विष्णुर्विचक्रमे (ऋ0 1/22/17) इत्यत्र एक एव विष्णुशब्दो नेकशक्तिः सन् अधिदैवतमध्यात्मधियज्ञं चात्मनि नारायणे चषाले च तया शक्त्या प्रवर्तते” (महाभाष्यप्रदीपिका-पृ.268)
અર્થાત્ ‘इदं विष्णुर्विचक्रमे’ મંત્રમાં એક વિષ્ણુ શબ્દ જ અનેક શક્તિવાળો હોવાથી અધિદૈવત, અધ્યાત્મ તથા અધિયજ્ઞમાં ક્રમશઃ આત્મા (સૂર્ય), નારાયણ અને ચષાલ [૩] અર્થાત્ યજ્ઞના પશુ યજુર્વેદના આરંભે અધ્યાય-૧ના મંત્ર ૧માં કહેવાયું છે - ‘देवो वः सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे’ સમગ્ર જગતની ઉત્પત્તિ કરવાવાળા પરમાત્મા તમને બધાને શ્રેષ્ઠતમ કર્મમાં પ્રવૃત્ત કરે. આ શ્રેષ્ઠતમ કર્મ કયું? શતપથ બ્રાહ્મણમાં જણાવાયું છે ‘यज्ञो वै श्रेष्ठतमं कर्म’ (2, 6, 45) અહીં એમ સમજવાનું છે કે જેટલાં ઉત્તમ કર્મો છે તેની સંજ્ઞા યજ્ઞ છે. તેથી જ અગ્નિહોત્રથી શરૂ કરીને અશ્વમેધ સુધીના આર્યોના સંપૂર્ણ ક્રિયાકલાપ ‘યજ્ઞ’માં સમાવિષ્ટ છે. આવા સર્વહિતકારી કૃત્યમાં હિંસાની કલ્પના કઈ રીતે કરી શકાય? છતાં પણ એ સામાન્ય ધારણા છે કે જે પ્રાચીન કાળમાં યજ્ઞોમાં પશુબલિ ચડાવાતી આ ભ્રાન્તિનું મુખ્ય કારણ વેદોના વાસ્તવિક અર્થને ન સમજવા તે છે.
યજ્ઞના પર્યાય અને ક્યાંક ક્યાંક વિશેષણ સ્વરૂપ ચાર વેદોમાં अध्वर [૪]શબ્દનો પ્રયોગ હજારો વાર છે. નિઘણ્ટું પઠિત ‘ध्वृ’ ધાતુ હિંસાર્થક છે, अध्वर માં अ નિષેધાર્થક છે. આ રીતે નમ્રપૂર્વકના ‘ध्वृ’ ધાતુને धञ् પ્રત્યય લાગીને अध्वर શબ્દ નિષ્પન્ન થયો છે. નિરુક્તાનુસાર યજ્ઞનું નામ अध्वर છે, જેનો અર્થ હિંસારહિત કર્મ છે. યજ્ઞમાં ચાર ઋત્વિજોમાં એક ‘અધ્વર્યુ’ હોય છે. તેની નિયુક્તિ એટલા માટે કરવામાં આવે છે કે તે યજ્ઞમાં કાયિક, વાચિક અથવા માનસિક કોઈ પણ પ્રકારની હિંસા થવા ન દે. ‘अध्वर्युः अहिंसं यज्ञमिच्छुः ।’ વિશેષતઃ યજ્ઞપરક માનવામાં આવતા યજુર્વેદના પ્રથમ મંત્રમાં જ ‘पशून् पाहि’નો નિર્દેશ મળે છે. તો પછી કોઈ પણ પ્રકારના યજ્ઞમાં હિંસાની કલ્પના જ કેવી રીતે થઈ શકે?
મુખ્યત્વે યજ્ઞના પર્યાય એવા મેધ શબ્દને अश्वमेध, गोमेध, नरमेध વગેરેમાં પ્રયુક્ત થતો જોઈ વૈદિક યજ્ઞોમાં હિંસાના વિધાનનો ભ્રમ થાય છે. વસ્તુતઃ વેદમાં अश्वमेध સિવાય કોઈ બીજો શબ્દ મળતો નથી. ધાતુપાઠ અનુસાર मेधृ ધાતુના संगमे, हिंसायां च । શુદ્ધબુદ્ધિને વધારવી તથા લોકોમાં એકતા અથવા પ્રેમને વધારવો અને હિંસા એ ત્રણ અર્થ છે. પરંતુ જે સમાજમાં અહિંસાનો ભાવ સર્વત્ર ઓતપ્રોત હોય, ત્યાં માત્ર હિંસાપરક અર્થ માનીને નિર્દોષ પશુઓની હત્યાના વિધાનની કલ્પના કરવી સર્વથા અસંગત છે.
શતપથ બ્રાહ્મણમાં ‘અશ્વમેધ’નું નિર્વચન કરતાં જણાવાયું राष्टरं मे अश्वमेधः રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસ માટેના યોજનાબદ્ધ પ્રયાસને અશ્વમેધ કહે છે. વેદમાં પ્રત્યેક મંત્રના દેવતા તથા પ્રતિપાદ્ય વિષય હોય છે.[૫] તે અનુસાર (अश्वमेधसम्बन्धी ‘गणानन्त्वा गणपति हवामहे’) વગેરે મંત્રોમાં મંત્ર સંખ્યા ૨૦,૨૨,૨૩ ‘रीजपरञेदैवत’ છે. મંત્રસંખ્યા ૩૦ અને ૩૧ના દેવતા ક્રમશઃ राजा અને ‘ન્યાયાધીશ’ છે. મંત્રસંખ્યા ૧૮થી ૨૮ તથા ૧૯માં મંત્રના દેવતા ક્રમશઃ ‘પ્રજાપતિ’ તથા ‘ગણપતિ’ છે. મંત્રસંખ્યા ૨૬ના દેવતા ‘શ્રીઃ’, ૨૯ના વિદ્વાસઃ અને ૨૪ના ભૂમિસૂર્યો છે. કેટલાક મંત્રોના દેવતા રાજા પ્રજા, સભાસદો, સ્ત્રીઓ વગેરે છે. આ નિર્દિષ્ટ દેવતાઓના આધારે એમ કહી શકાય કે આ બધા મંત્રો રાજનીતિપરક છે. અશ્વમેધના સંદર્ભમાં આ મંત્રોનો વિનિયોગ થયો છે. આ રીતે આ મંત્રોમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તેનો સંબંધ દેશની શાસનવ્યવસ્થા સાથે છે. ત્યાં ‘ગણપતિ’પદ રાષ્ટ્રપતિનો પર્યાય છે. આમ પણ ગણતંત્ર અથવા ગણરાજ્યના સર્વોચ્ચ શાસકને રાષ્ટ્રપતિની જગ્યાએ ‘ગણપતિ’ નામ આપવું સાર્થક પણ છે. વસ્તુતઃ પ્રસંગોપાત્ત આ गणानन्त्वा મંત્રમાં રાષ્ટ્રપતિમાં અપેક્ષિત ગુણો અને ક્ષમતાઓનો ઉલ્લેખ થયો છે.[૬]
ભગવાન મનુએ અશ્વમેધ યજ્ઞને બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ અને પાપોને દૂર કરવાવાળો કહ્યો છે.[૭] મહર્ષિ દયાનન્દે ઋગ્વેદાદિભાષ્યભૂમિકાના અંતર્ગત ‘રાજપ્રજાધર્મવિષય’માં લખ્યું છે "राष्ट्रपातीनमेव क्षत्रिया णामश्वमेधाख्यो यज्ञो भवति" અર્થાત્ જે ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરે છે તે જ ક્ષત્રિયોનો ‘अश्वमेध’ કહેવાય છે. राष्ट्रं वा अश्वमेधः (शतपथ 13/1/6/3) राष्ट्रं-वा अश्वः રાષ્ટ્રને અશ્વ કહે છે. ‘एध् वृद्धौ – राष्ट्रं अधते इति राष्ट्रमेधः’ જેમાં રાષ્ટ્ર વધે, તેનો વિકાસ થાય, સમુચિત પાલન અને સંરક્ષણ થાય તે જ રાષ્ટ્રમેધ છે.‘राजप्रजेदैवत’ મંત્રોમાં પ્રજાની સુખસમૃદ્ધિ માટે રાજા અને પ્રજા બંનેનાં કર્તવ્યોનો નિર્દેશ છે. લોકતંત્ર અથવા ગણતંત્રમાં રાજા અને પ્રજા બંનેના પરસ્પર સહયોગથી જ શાસનવ્યવસ્થા ચાલી શકે છે. અન્યત્ર આ મંત્રોમાં કહેવામાં આવ્યું છે.
(૧) પ્રજામાં અનેક મનુષ્યો એવા હોય છે જે સમજાવટથી નથી માનતા. એવા લોકોની સંજ્ઞા પશુ છે. કદાચ તે જ લક્ષ્યમાં રાખી ભગવાન મનુએ કહ્યું છે, ‘दण्डः शास्ति प्रजाः सर्वाः ।’
(૨) જો રાજા ન્યાયથી પ્રજાની રક્ષા ન કરે તો જેમ જેમ પ્રજા નષ્ટ થાય છે તેવી રીતે રાજા પણ નાશ પામે છે. જો વિદ્યા અને વિનયથી પ્રજાની રક્ષા કરે છે તો રાજા અને પ્રજા બધાં સુખ પામે છે.
(૩) રાજા ક્યારેય ખોટી પ્રતિજ્ઞા ન કરે, ન કોઈને ઠગે. જો રાજા અન્યાય કરે તો એ સ્વયં પ્રજા વડે ઠગી લેવાય છે.
(૪) ઓષધિ, વનસ્પતિ તથા અનેક પદાર્થોને ઉત્પન્ન કરવાવાળી પૃથિવી માતા સમાન છે. જે શરીરનું પોષણ કરે છે. આ કાર્યમાં સૂર્ય તેનો સહાયક છે. જે પિતૃસ્થાને છે. આત્માની ઉન્નતિ વિદ્યાથી થાય છે.
(૫) જેવી રીતે ખેતી કરનારા લોકો ફોતરાં વગેરેને અન્નથી અલગ કરીને અન્નને આરોગીને વધે છે તેવી જ રીતે સત્ય-ન્યાયથી સત્યાસત્યને અલગ કરી વ્યવહાર કરવો.
આમ, અશ્વમેધ શબ્દ વેદમાં ક્યાંય પણ પશુહિંસાનો વાચક બનતો નથી.પરંતુ મહાભારતમાં એક નિર્ણાયક ઘોષણા છે "धूर्तैः प्रवर्तिंतं यज्ञे नैतद् वेदेषु विद्यते ।" અહીંથી એટલો ચિતાર મળે છે કે મહાભારતકાળ પહેલાં પશુબલિનો આરંભ થઈ ગયો હતો. મહર્ષિ દયાનન્દના મતાનુસાર આ દેશના પતનનો આરંભ મહાભારત યુદ્ધ પહેલાં લગભગ ૧ સહસ્રવર્ષ પહેલાં થઈ ચૂક્યો હતો. મહાભારતકાળમાં જે કંઈ થયું તે તેની ચરમસીમા હતી.
સંદર્ભ :::
1. ‘त्रेतायुगे विधिस्वेष यज्ञानां न कृते युगे’ (महाभारत, शा.प. 232/22)
2. यथा त्रेतायुगमुखे यज्ञस्यासीत् प्रवर्तनम् । (वायुपुराण 47/99)
3. चष्यते बध्यते अस्मिन् ।
4. अध्वर इति यज्ञ नाम-ध्वरति हिंसाकर्मा तत्प्रतिषेधः (निरुक्तः 1/8
5. यथाश्वमेधः कृतराष्ट्र सर्वपापापनादनः (मनु. 11/260)
6. गणानां त्वा. મન્ત્રનો ઈશ્વરપરક અર્થ “गणानामिति । गणानां जनसमूहानां गणपतिं गणनींय विशिष्टगुणैर्विशिष्टं कारुण्यवात्सल्यादिभिः परिपूर्णं त्वां त्वां परमेश्वरं हवामहे आह्वयामः । प्रियाणांत्वा प्रियाणा प्रजानां भक्तानां प्रपन्नामन्येषां च प्रियपतिस्तं हवामहे । निधीनां त्वय्यात्म समर्पकाणां । निधिपतिं हवामहे”
7. या तेनोच्यते सा देवता । (मनु.)
***************************************************
પ્રા. ડો. કિન્નરી પંચોલી
આસિસ્ટન્ટ પ્રોફેસર - સંસ્કૃત વિભાગ
કે.કા. શાસ્ત્રી આર્ટ્સ કોલેજ, મણિનગર, અમદાવાદ |