logo

આંસુ ભીનો ઉજાસ : એક અભ્યાસ

સાહિત્યમાં કથાસાહિત્ય જીવાતા જીવનનું પારદર્શક પ્રતિબિંબ આપે છે. માનવીનું જીવન પણ સમય,સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે પોતાના રંગરૂપ બદલે છે. ક્યારેક માનવી જેવો છે તેવો નકરો,સહજ વ્યક્ત થાય છે તો ક્યારેક એનામાં રહેલાં દંભ આડંબરના અંચળાઓ એટલી હદ સુધી એને ગળી જાય છે કે તે પોતાનું મૂળરૂપ ગુમાવી દે છે.સાહિત્ય એવા જ સ્વ સાથે પર સાથે સંઘર્ષ કરતા માનવીઓને આપણી સામે મૂકે છે. સહિત્યમાં રજૂ થતી માનવીની પ્રકૃતિગત સંવેદનાઓની વાત કરીએ તો સમયાંતરે એમાં પરિવર્તન જોવા મળે છે. જેમકે, નગરની ભીડભાડમાં વસતા માનવીનું રૂપ ક્યાંક વરવું થયું હોય એમ જણાય છે તો ગામડામાં જીવતો જન વરવી વાસ્તવિક પરિસ્થિતિમાંય નકરી સહજતા સાથે જીવી જાણે છે. કુદરતની નિખરેલી પ્રકૃતિ અને મનુષ્યની નિખરેલી પ્રકૃતિ એ જ્યારે સહજ હોય છે ત્યારેજ વ્યક્ત થાય છે. ગાંધીયુગનું મોટાભાગનું સાહિત્ય પ્રકૃતિની અને માનવીની સહજતાને લઇને તો ચાલે જ છે. સાથોસાથ ગાંધીમૂલ્યોને પણ એટલાં જ સાચવે છે. ગુજરાતી સાહિત્યમાં ગામડું ગાંધીયુગની દેણ છે. ગાંધી પ્રભાવની અસર હેઠળ આપણા સર્જકો નગરજીવનને બદલે વન,જંગલ,પર્વત,નદી અને ગ્રામ સંવેદના તરફ વળે છે. ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓ અને સર્વોદયમંત્રે આપણા સર્જકો ઉપર કામણ કર્યું.જેના કારણે આપણે ત્યાં જનપદને કેન્દ્રમાં રાખીને નવલકથાઓ રચાઇ.જેમાં ઝવેરચંદ મેઘાણી,ચુનીલાલ મડિયા, ર.વ. દેસાઇ, પન્નાલાલ પટેલ,પુષ્કર ચંદરવાકર, રઘુવીર ચૌધરી,જયંત ગાડીત,જોસેફ મેકવાન,મણિલાલ પટેલ,કિશારસિંહ સોલંકી,દલપત ચૌહાણ,મફત ઓઝા અને દિલીપ રાણપુરા વગેરે નવલકથાકારોનો સમાવેશ થાય છે.

ગામડાંને કેન્દ્રમાં રાખીને દિલીપ રાણપુરાએ ‘આંસુ ભીનો ઉજાસ’ નવલકથામાં ગાંધીયુગીન ભાવનાઓ સફાઇ,શ્રમ,સર્વોદય,બુનિયાદી કેળવણી વગેરે પાસાઓને ઉજાગર કર્યા છે. કથાનાયક દેવરાજ ગામડાનો ધરતીપુત્ર છે.બુનિયાદી કેળવણીની સંસ્થામાં તેનું ઘડતર થયું છે.વ્યક્તિ તરીકે પ્રેમમાં નિષ્ફળતા મળવાથી હતાશ થવાને બદલે તેનો પ્રેમ સમષ્ટિમાં પરીણમે છે. અભય અને આત્મશ્રધ્ધાને બળે વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના કર્મના રથને આગળ ધપાવે છે. જીવતરનો મોટાભાગનો સમય દિલીપ રાણપુરાએ ગામડામાં ગાળ્યો હોવાથી પાંચાલ પ્રદેશની ધરતીને તેમણે કથામાં યથાતથ નિરુપી છે. હવે સમગ્ર નવલકથાને આપણે તપાસીએ.

નવલકથામાં પાંચાલ પ્રદેશ કેન્દ્વમાં છે. પથ્થરીયો મલક , વરસાદની અછત અને અભાવ વચ્ચે જીવતું લોક તેના આગવા ખમીર સાથે ઉપસે છે. નવલકથાની શરૂઆત પરોઢના આછા ઉજાસથી થાય છે.વસુધા આશ્રમમાં અભ્યાસ કરતો કથાનો નાયક દેવરાજ પ્રાર્થના દરમ્યાન મોટાભાઇએ પૂછેલા પ્રશ્નનો જવાબ નિર્ભય બનીને આપે છે. ત્યારબાદ પોતે આશ્રમ છોડે છે તેવી જાણ મોટાભાઇને કરે છે. દેવરાજ આશ્રમ શા માટે છોડે છે તેની જાણ આપણને પાછળથી થાય છે. વસુધાના ઉપાચાર્યશ્રી જયદેવભાઇની પુત્રી સરોજ સાથે દેવરાજને પ્રેમ છે.મોટાભાઇ અને જયદેવભાઇ એમ માને છે કે દેવરાજનો પ્રેમ એ પ્રેમ નથી પરંતુ મોહ છે.એટલે સરોજને બહરગામ મોકલી દે છે.બીજી બાજુ વસુધાના આચાર્યશ્રી મોટાભાઇએ ઘણી જગ્યાએ તેને ગોઠવવાની વાત કરી , પણ દેવરાજ સાભાર અસ્વીકાર કરીને પિતાજી પાસે રતનપુર પાછો ફરે છે.તેનું મૂળગામ તો સુદામડા પાસેનું મેરુપર. પરંતુ દુષ્કાળમાં પિતાજી વઢવાણ પાસેના કેમ્પમાં કુટુંબ સાથે આવેલા ત્યારે દેવરાજ નાનો હતો.પિતાજી સાથે મજૂરી કરતો ,લારી ખેંચતો .એકવાર લારી ખેંચતા-ખેંચતા તેને તરસ લાગી.પિતાજી તેને પાસેની ઘરશાળામાં લઇ ગયા.ત્યાંના વૃધ્ધ શિક્ષક પ્રાણલાલભાઇ તેને ભણવાની પ્રેરણા આપે છે.એટલું જ નહીં તેને ‘વસુધા’ જેવા પ્રખ્યાત આશ્રમમાં ભણવાની વ્યવસ્થા કરે છે. આજ દેવરાજ આશ્રમ છોડીને પોતાના વતન મેરુપરના પંથે પડે છે. મેરુપરમાં આવીને ગામના ચોરામાં ઉતારો રાખે છે.અવવારુ ચોરાને સાફ-સુથરો બનાવીને બેસવા લાયક-રહેવા લાયક બનાવે છે. શરૂઆતમાં ગામના લોકોના ત્યાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતે લઇને આવેલા મિશનની શરૂઆત કરે છે. ગામના લોકો ભણતા થાય માટે ચોરામાં જ સ્કૂલ ચલાવે છે, પ્રાર્થના કરે છે,ભજન ગાય છે તેથી છોકરાઓ અને યુવાનોમાં પ્રિય બને છે. વળી શહેરમાં જઇ પોસ્ટમાસ્તરને મળીને ગામમાં ટપાલપેટી મૂકાવે છે. દેવરાજની આવી પ્રવૃત્તિઓથી ગામના આગેવાન આપા રાણિંગ અને વેણીરામના પેટમાં તેલ રેડાય છે. તે દેવરાજને ગામમાંથી હાંકી કાઢવાની પેરવી કરે છે. દેવરાજના માથે રતનભાભીનું આળ ચઢાવી ગામમાંથી નીકળી જવા કહે છે પરંતું મેઘો,ભગત વગેરેની સાક્ષીને કારણે દેવરાજની લાજ રહે છે.તો ધૂંઆફૂંઆ થયેલા આપા રાણિંગ બીજીવાર રાત્રિને સમયે જીતુડી નામની છોકરીને મોકલી દેવરાજને ગામમાંથી કાઢી મૂકવાનો પ્રયત્ન કરે છે.પરંતુ દેવરાજ મોટેથી પ્રાર્થના કરી વિરોધીઓને મહાત કરે છે. દેવરાજને કોઇ મોટાની ઓથ હોવાનું માની આપા રાણિંગ જિલ્લાના જટુભા,ડેલીવાળા શેઠ,સુદામડાના નવીન કેડલ વગેરે રાજકારણીઓને કહેવડાવે છે.પરંતુ તેઓ ધીરજ રાખવા જણાવે છે. અભયને સાથે લઇને ચાલનાર દેવરાજને હવે સ્કૂલની જગ્યા નાની પડતી હતી.છોકરીઓ પણ ભણવા આવતી થઇ હતી તેથી નવી સ્કૂલ બાંધવાનું વિચારે છે .ગામના ખરાબાની જમીન આપો રાણિંગ પચાવીને બેઠા છે પરંતુ દેવરાજ રાજીપાથી જમીન લેવા ઇચ્છે છે. આખરે પોતાના પડી ગયેલા ઘરની જગ્યાએ યુવાનો,સુથાર ,લુહાર અને ગામલોકોની મદદથી મકાન બાંધે છે.ત્યારબાદ પોતાની પ્રવૃતિની મોટાભાઇને જાણ કરવા ‘વસુધા’ જાય છે. મોટાભાઇ તેને આશીર્વાદ આપે છે.દેવરાજ મેરુપર પાછો ફરે છે. હરિજનો પણ મકાન બાંધવામાં જોડાયા તેથી આપા રાણિંગ અને વેણીરામે વિરોધ કર્યો પરંતુ તેમનું કાંઇ ન ચાલ્યું. ઊલટાના કેળવણી નિરીક્ષક અને શાસના અધિકારીએ દેવરાજના કામની પ્રશંસા કરી શાળાને માન્યતા આપવા જણાવ્યું. દેવરાજે માન્યતા અને ગ્રાન્ટ લેવાની ના પાડી. દેવરાજના વધતા જતા કદને કારણે આપા રાણિંગ તેનો એકડો કાઢી નાખવાના પેંતરામાં જોતરાયા .દેવરાજે ગામની મદદથી કૂવો ખોદાવ્યો.નાનોભાઇ અને બહેન કાન્તા પણ તેને સાથ આપવા લાગ્યા. હવે તેણે પોતાની પ્રવૃત્તિઓનો વિસ્તાર વધાર્યો.ખેતસુધારણા, સફાઇ,, આરોગ્ય વગેરેનું કામ શરૂ કર્યું. વિરોધ અને અપમાન વચ્ચે તે પોતાનું કામ કરતો રહ્યો. ફરી એકવાર શાસના અધિકારી,શંભુ ભટ્ટ, જટુભા ડેલીવાળા શેઠ અને નવિન કેડલ આવી પહોંચ્યાં.તેમણે ગ્રાન્ટ અને પક્ષના કાર્યકર બનવાની દરખાસ્ત કરી.દેવરાજે તેનો પણ અસ્વીકાર કર્યો. થોડા સમય બાદ પંચાયતની ચુંટણીઓ આવી. દેવરાજે લોકશાહી ઢબે ચુંટણી કરાવતા આપા રાણિંગ અને તેના મળતિયાઓ હાર્યા. મેધો સરપંચ અને સુરંગ ધાંધલ મુખી થયો.વળી, કલેક્ટર , ટી.ડી.ઓએ શાળામાટે જમીન આપી તેથી આપા રાણિંગ ઊકળી ઉઠ્યા.ઘોડી પલાંણી ફરતા પંથકમાં દેવરાજને પછાડવાના કામે લાગ્યા.પણ દેવરાજે ઉત્સાહથી પોતાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધાર્યો.તેણે હેલ્થ સેન્ટરો શરૂ કર્યા. છેક ડી.એસ..પી સુધી પહોંચી એક છોકરીને છોડાવી અને મંડળીઓમાં ધિરાણ વખતે લેવાતી રકમ બંધ કરાવી તેથી જિલ્લાના આગેવાનો સમસમી ગયા.તેમને દેવરાજ અને તેની પ્રવૃત્તિઓ અકળાવતી હતી. દેવરાજ હિંમતથી આગળ વધવા લાગ્યો.તેના જાનનું જોખમ હોવા છતા ચોરામાં જ પડ્યો રહેતો. ત્યાં એક રાતે થતી બે જણની વાત સાંભળીને દેવરાજ એક છોકરીને છોડાવે છે.વળી, શેકદોડની વિપત્તિ સાંભળીને ત્યાં જઇ ડેમ બાંધવાનું વિચારે છે. બંધ બાંધવાની કાર્યવાહી માટે કેમ્પમાં જાય છે.ત્યાં શંભુ ભટ્ટે આવનારી ચૂંટણીમાં દેવરાજને પોતાના પક્ષ તરફથી ઉમેદવારી કરવા જણાવ્યું.એટલું જ નહીં તેને શિક્ષણસમિતિ કે બાંધકામસમિતિના ચેરમેન બનાવવાની લાલચ આપે છે.પણ દેવરાજ ના પાડે છે. બંધના કાગળો લઇ ગાંધીનગર ગયો.પ્રધાન કે સચિવ તેની વાત સમજવા તૈયાર નહોંતા.વળી,પ્રધાને કહ્યું પણ ખરું કે, ‘ તમે પક્ષના ઉમેદવારને હરાવ્યો છે ‘.

ગાંધીનગરથી નીકળી દેવરાજ મિત્રના ત્યાં અમદાવાદ ગયો. અમદાવાદના ખાદીભંડારમાંથી ખરીદેલા કપડાંનું પાર્સલ બદલાઇ જતા પ્રો.પરિમિતભાઇ ને ત્યાં ગયો. બારણું ખોલતાજ સામે સરોજ દેખાઇ.દેવરાજે સંયમ જાળવીને બદલાઇ ગયેલા પાર્સલની વાત કરી.સરોજે પોતે ભૂલથી પરિમિતની પત્ની બની હોવાનું જણાવ્યું પરંતુ દેવરાજે તે વાત ન કરવા જણાવ્યું.છતાં સરોજ કહે છે, ‘ તમે મને ભૂલી શક્યા છો ? ‘ .દેવરાજે જવાબ આપ્યો કે કામમાં તે ભૂલી ગયો છે. પોતાને ભૂલી જવાનું સરોજને જણાવી તે બસમાં બેઠો પરંતુ મન વિચારતું કે સતત કામમાં ડૂબી રહેવાના સંકલ્પ પાછળ સરોજની યાદ હતી.. પાંચાલની ધરતી ઉપર દુષ્કાળના ઓળા ઉતર્યા છે.કુદરત ચારેબાજુથી રુઠી છે. માલધારીઓ ઢોર લઇને ગુજરાત તરફ વળ્યા છે.વરસાદના ક્યાંય એંધાણ દેખાતા નથી. લોકો કંદમૂળ,પાંદડા અને લોઢા ખાઇને જીવે છે. આ કપરા સમયમાં લોકોને જીવાડવા સરકારે રાહત કામો શરૂ કર્યા. રાજકારણ આડે આવતું હોવાથી દેવાના ગામોમાં રાહતકામ શરૂ ન થયા.દેવરાજ શંભુ ભટ્ટને મળ્યો.તેમણે સધિયારો આપ્યો.કામો શરૂ થયા પણ તેમાંય સરકારી અમલદારો વચ્ચેથી પૈસા ખાતા.મામલતદાર જેવો અધિકારી છોકરીની માંગણી કરતો .સ્રીઓને જાત વેચવી પડતી.લોકો લૂંટફાટ કરવા લાગ્યા.રાજકારણીઓએ દેવરાજ લોકોને ઉશ્કેરે છે તેવો આરોપ મૂકી તેને જેલમાં પૂરાવ્યો. આવા સંજોગોમાં આપા રાણિંગનું હદય પરિવર્તન થયું . તેણે દેવરાજને છોડાવ્યો. દેવરાજ ફરી લોકોની વહારે દોડી ગયો.એવામાં તેના પિતાજીનું અવસાન થયું. પિતાજી પાછળ તે ખર્ચ કરવા માંગતો ન હોવાથી લોકો રોટલા બાંધીને આવ્યા. લોકોનો આવો અઢળક પ્રેમ જોઇ દેવરાજ પરવશ બની ગયો. તે લોકોને હિંમત આપતો ,ગામે ગામ ફરતો. ક્યાંક લોકોની યાતના જોઇ રડી પડતો.દુષ્કાળના કપરા સમયમાં યોધ્ધાની જેમ તે અડીખમ ઊભો રહ્યો. એકવાર તે મેરુપર પહોંચ્યો ત્યારે સરોજને જોઇ.સરોજે જણાવ્યું કે તે દેવરાજના કામને સ્પોટ ઉપર જોવા આવી હતી.દેવરાજની પ્રવૃત્તિઓ જોઇ તેણે દેવરાજને પૂછ્યું , ‘ તમે આટલું બધું કેમ કરી શક્યા ? તમારુ ગજુ આટલુ બધુ છે તે બાપુજી જાણતા હોત તો ?.દેવરાજે જણાવ્યું કે તો લોકોનો અસીમ પ્રેમ ન પામી શક્યો હોત.સરોજને લાગ્યું દેવરાજ કવિતા જીવી રહ્યો છે.

અહીં નવલકથાનો મુખ્ય નાયક દેવરાજ છે.તેનું પાત્રાલેખન જીવંત અને વિગતે આલેખાયું છે. કથાના આરંભથી અંત સુધી તેનું પાત્ર સતત વિકસતુ- વિસ્તરતુ રહે છે.પિતાજી સાથે મજૂરી કરતો દેવરાજ તક મળતાં ‘વસુધા’ માં અભ્યાસ કરે છે. ત્યાંથી પ્રેમભંગ થઇ પોતાના વતન મેરુપર અને સમગ્ર પંથકની કાયાપલટ કરે છે. અહીં દેવરાજના પાત્રમાં ગાંધી ભાવનાનો પડઘો જોવા મળે છે. સેવા,સ્વાશ્રય, અભય અને પરિશ્રમ જેવા ગુણોથી સભર દેવરાજનું પાત્ર સાચે જ જીવંત બન્યું છે. લોકસેવા માટે સતત તત્પર અને દોડધામ કરતો દેવરાજ લોકનાયક તરીકે ઉપસી આવે છે.લેખકે તેના પાત્રને વિગતે આલેખ્યું છે. તેની સામે સરોજનું પાત્ર નાયિકા તરીકે ઉપસતું નથી. જે સામાન્ય કક્ષાનું બની રહે છે. અન્ય સ્રી પાત્રો પણ એટલા સબળ બન્યા નથી. વસ્તો,મેઘો,સુરગ ધાંધલ,રતનભાભી,જીતુડી,દેવરાજના પિતાજી,કાંતા , મથુર ભા , પરભુ વગેરે પાત્રો દેવરાજના પાત્ર વિકાસ માટે ઉપયોગી બને છે.

નવલકથામાં દેવરાજ પછી સૌથી વધારે અસરકારક પાત્રાલેખન આપા રાણિંગનું છે.દેવરાજને હંફાવવા જુદી-જુદી પ્રયુક્તિ અજમાવતા આપા રાણિંગનું પાત્ર વધારે જીવંત બન્યું છે. તેમના સહાયક તરીકે આવતા વેણીરામ વગેરે પાત્રો ઠીક-ઠીક આલેખાયા છે. વળી આપા રાણિંગની ટોળકીના શંભુ ભટ્ટનું પાત્ર અદ્દલ રાજકારણી જેવું વાસ્તવિક નિરુપાયું છે.તો નવીન કેડલ, ડેલીવાળા શેઠ, જટુભા જેવા પાત્રો નવલકથાને આગળ ધપાવવામાં ઉપયોગી નિવડ્યા છે. નવલકથાના આરંભમાં આવતું ‘વસુધા’ના આચાર્યશ્રી મોટાભાઇનું પાત્ર કે જયદેવભાઇનું પાત્ર વિકાસ પામતું નથી. સમગ્ર નવલકથામાં દેવરાજ, ખલનાયક આપા રાણિંગ અને રાજકારણી શંભુ ભટ્ટના પાત્રો સુરેખ અને જીવંત બન્યા છે.

પ્રસંગોચિત્ત અને પાત્રોચિત્ત સંવાદો અહીં નિરૂપાયા છે. સંવાદની ભાષા પાત્રને અનુરૂપ પ્રયોજાઇ છે.પાંચાલ પ્રદેશની તળપદી ભાષાનો અસરકારક વિનિયોગ લેખકે કર્યો છે. દેવરાજ ગામમાં સ્કૂલ ખોલવા માંગે છે તેનો જવાબ આપતા આપા રાણિંગ કહે છે: ‘ એલા દેવા,તું બધી ય વાત કર, પણ આ એક ભણવાની વાત પડતી મેલ ... ભણ્યા વગર અમારા વડવા ય એય લે’રથી જીવી ગયા.અમે ય ધુબાકા મારી છીં ને ગામનો હું મુખી છું ને મથુરભા વગર ભણ્યે સરપંચ છે. ને તારો બાપે ય ક્યાં ભણ્યો છે !’ અને પછી બધા સામે વિજયી દષ્ટિ ફેરવતાં આગળ કહ્યું,’ ને લે તું ભણ્યો શું કાંદા કાઢ્યા? આંય લગણ ઠેબાં ખાવા આવવું પડ્યું ને ! લૂગડાં ઊજળા પે’રતાં શીખ્યો; પણ કપાળેથી મજૂરી ન ગઇ... એલા ભણતર તો જેને અરધે એને જ દીપે.બાકીના તો જાહા લખે અને કાં મેલા... (પૃષ્ઠ-50) તો દેવાની ચિંતા કરતા વસતા સાથેનો સંવાદ; કેમ ચોર પગલે આવ્યો વસતા ?’
‘તને ચેતવવા.’
‘ વસતા,તેં જોયું ને , મારું સત તર્યું.’
‘ પણ એનો ગરવ તને ગળી જશે.’
‘ ના, હું ગર્વ નથી કરતો,હું તો પ્રભુને ગળગળો થઇને પ્રાર્થના કરું છું.કહું છું , તેં ક્યારે ય તારા ભક્તને રેઢો નથી મૂક્યો.વસતા,ભક્તિ ટીલાંટપકાંથી, માળા ફેરવવાથી કે પૂજા-અર્ચનથી જ થાય છે, એવું નથી. ભક્તિ અંતરથી પણ થાય છે. (પૃષ્ઠ-69)
તો નવલકથામાં ટૂંકા સંવાદો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.જેમકે, એક રાહત કામે જઇને દેવરાજ પૂછે છે:
‘દાડી સરકારી નિયમ મુજબ મળે છે ?.’
‘હા-પણ સમયસર મળતી નથી.’
‘પૂરતી મળે છે ?’
‘ના- ક્યારેક રૂપિયા- બે રૂપિયા ઓછા થઇ જાય છે.’
‘ફરિયાદ કેમ કરતા નથી ?.’
‘ફરિયાદ કોણ સાંભળે દેવા માસ્તર ? તું ઘણું યે કરે છે, અમે સમજીએ છીએ,તું એકલપંડે કેટલે ઠેકાણે પૂગી વળે ? એટલે અમે ના જીરવાય તંઇ તને કહીયે’.(પૃષ્ઠ-238)

આ ઉપરાંત દેવરાજને મળવા આવેલી સરોજ અને દેવરાજ વચ્ચેનો સંવાદ ધ્યાન પાત્ર છે.
‘દેવરાજ,આટલું બધું કામ કેમ કરી શક્યા ? તમારું ગજું આટલું મોટું હશે એ બાપુજી જાણતા હોત તો...’
’તો...’ દેવરાજ આગળ બોલતો અટકી ગયો.
’ તો શું ?’
’તો આ લોકોનો અસીમ પ્રેમ મને મળ્યો ન હોત.”.
આ ઉપરાંત દુષ્કાળની ભયાનકતાનો વેધક સંવાદ: ‘ભા સંભળાય તો છે ને ?’
’હા,પણ જીરવાતું નથી’
’ ભા,ભૂખનાં દુ:ખ જીરવી જીરવીને તો મોટા થઇએ છીએ.’
’પણ મોતનાં દુ:ખ હવે નથી જીરવાતાં. કોઇ કોઇના ખબર પૂછે છે ત્યારે કાળજે કાળી લાય લાગે છે.’
’એટલે?’
’એ ઘરવાળો ઘૂસો વયો ગ્યો.’ (પૃષ્ઠ-226).
તો દેવરાજ લોકોને સમજાવે છે :
‘તો આંય રહીને ખાઇએ શું ?’’
‘ધાન ખાવનું છે .’
’પણ લાવશું ક્યાંથી ?.’
’સરકાર આપશે.’
’અમારે ધરમાદો નથી ખાવો.’ (પૃષ્ઠ-193)

આ સંવાદમાં પ્રજાનું ખમીર અને જોમ જોવા મળે છે.અહીં માનવીની ભવાઇના કાળુનુ સ્મરણ થાય છે. આમ સમગ્ર નવલકથામાં પાત્ર-પાત્ર વચ્ચે આવતા સંવાદોથી કથા વિકસતી જાય છે.પરંતુ મુનશી કે પન્નાલાલ જેવા અસરકારક સંવાદો જોવા મળતા નથી.

સમગ્ર નવલકથામાં એક યા બીજા પ્રકારે કરુણરસ મુખ્ય વહે છે. કથામાં આવતા બિભત્સ,ભયાનક કે શાંતની પાછળ પણ કરુણની આછી સેર વહે છે. કથાના આરંભે વૈતરું કરતા દેવરજના જીવનની કરુણતા છતી થાય છે. તો પ્રથમ અને છેલ્લા પ્રકરણમાં પ્રેમ અને વિયોગમાં પણ કરુણરસ અનુભવાય છે. સરોજને ન પામી શક્યો તે દેવરાજના જીવનની કરુણતા છે.તેના આઘાતમાં પણ વ્યથાનો ગાઢ કરુણ જોવા મળે છે. આપા રાણિંગ અને અન્ય સાથે બાથ ભીડતા દેવરાજ ગભરાતો નથી ત્યાં આપણને વિરરસ લાગે પણ ત્યાંય દેવરાજના જીવનનો કરુણરસ છે. દુષ્કાળના વર્ણનોમાં કરુણ વધારે ઘૂંટાતો જાય છે. છેલ્લે જ્યારે સરોજ દેવરાજને મળવા આવે છે ત્યારે શૃંગારની શક્યતાને બદલે દેવરાજનો સંયમ કરુણતા વહાવે છે. અભયને વરેલો દેવરાજ ધીર અને સંયમી છે. તેના જીવનની કરુણતા આપણને બહારથી દેખાતી નથી.નવલકથાને અંતે મળવા આવેલી સરોજ દેવરાજને ન પામી શક્યાનો અફસોસ તેના જીવનની કરુણતા છે. આમ, સમગ્ર નવલકથામાં એક જ રસ કરુણની આછી સેર વહ્યાં કરે છે. જે ક્યાંક ઘેરો,ક્યાંક ગાઢ બનીને નવલકથાને આગળ ધપાવે છે.

દિલીપ રાણપુરાએ આ નવલકથામાં પાંચાળ પ્રદેશની ધરતીને ઉજાગર કરી છે. ગામડું તેના તમામ વિશેષો સાથે અહીં ઉપસી આવે છે. ગામડાના અભણ લોકો, તેમના રાગદ્વેશ, કાવાદાવા,ખટપટ , માથાભારે માણસોની દાદાગીરી, સરપંચ કે મુખી જેવા ખાઇ બદેલા અગ્રણીઓની જોહૂકમી, અધિકારીઓ અને રાજકારણીઓની મિલીભગત અને પ્રજાની પીડા સાથે ગામડું યથાતથ નિરૂપાયું છે. સૌથી વધારે અસરકારક દુષ્કાળનું ચિત્ર ઉપસાવ્યું છે. દુષ્કાળની પરિસ્થિતિમાં મનુષ્યના વરવા રૂપો નવલકથાકારે આલેખ્યાં છે.જે આ નવલકથાનો વિશેષ છે.પ્રસ્તાવનામાં મનુભાઇ પંચોળી લખે છે કે : ‘ગ્રામપ્રદેશનું વાતાવરણ લઇને ચાલનારા,મેઘાણીની અસર નીચે મધ્યયુગી ખાનદાનીની આબોહવા કે ઠકરાતી અવશેષોની આજુ બાજુ પોતાની કથાની ઇમારત રચતા હોય છે.દિલીપ રાણપુરાને નથી મધ્યયુગી આબોહવાનો મોહ કે નથી ઠકરાતી અવશેષો તરફ રાગ.કાળગ્રસ્ત થઇ ગયેલા જમાનાને સંભારવાની તેમને ફુરસદ નથી ‘. સાચે જ દિલીપ રાણપુરાએ પાંચાલ પ્રદેશના કંગાલિયતભર્યા ગ્રામજીવનનું વાતાવરણ આલેખ્યું છે.

સમગ્ર નવલકથા નાયક દેવરાજને કેન્દ્રમાં રાખીને ચાલે છે.પાત્ર,પ્રસંગ અને દેવરાજના મનોભાવો વ્યક્ત કરવામાં વર્ણન અગત્યનો ભાગ ભજવે છે. નવલક્થાના પાછલા ભાગમા આવતું દુષ્કળના ઓળાંનું વર્ણન : ‘પણ વરસાદ ખેંચાયો. દી આખો ગિરનારી પવન ફૂંકાય.વાદળાં દોટમદોટ કરે ને રાત પડે ત્યાં આખું ય આકાશ તારોડિયાથી ઝગમગવા લાગે.ઊજળી દૂધ જેવી ચાંદની આખા પંથક ઉપર છવાઇ જાય; પણ ચાંદનીમાં શીતળતાને બદલે ગરમ ગરમ લાહ્ય લાગે.’’ (પૃષ્ઠ-190) તો ભયંકર દુષ્કાળની વરવી વાસ્તવિક્તા આ વર્ણનમાં જોવા મળે છે: “ આમેય મરવા તો પડ્યા છઇં.બીજો જણ બોલ્યો: “પણ સરકારને ખબર પાડી દઇં કે આઠ આઠ દીના ભૂખ્યા દુકાળિયા શું કરી શકે છે !’ કહેનારની આંખમાંથી તણખા ઝરતા હતા.
’અમારે ધાન જોઇએ, ધાન...’
’ને પાણી પણ...’
’ટીપા પાણી માટે તરફ્ડીએ છીએ.આંસુથી હોઠ ભીના કરી લઇએ છીએ.’

તો આ વર્ણન : ‘ આખો વગડો ઉજ્જડ હતો.ડુંગરા સાથે અથડાઇને આવતા પવનના હૂહૂકારમાં મોત પડઘાતું લાગતું હતું.ઝાડ પર લીલું પાન દેખાતું નહોંતું એકએક ઝાડના થડિયાની છાલ પણ સુકાઇને ખરી પડી હતી ‘.(પૃષ્ઠ-227). ’ચોમેર ઉજ્જડ વગડો હતો.રસ્તામાં માણસોનાં ને ઢોરનાં હાડપિંજર દેખાતાં હતાં ; હાલતાં હાલતાં થાકીને જઇને બેસી પડતાં ઢોર ત્યાં ને ત્યાં મરી જતાં હતાં.હવામાંથી સડતા માંસની દુર્ગંધ આવ્યાં કરતી.મૃત્યુંની વાસ ચોપાસથી ફેલાતી હોય તેવું લાગ્યા કરતું.કંકાલોનાં ધાડાં ક્યાંકથી ઉતરી આવશે ને પાણી ને ઝાડના સુક્કાં ઠૂંઠા ને બટકો ભરવા લાગશે.’’(પૃષ્ઠ-238).
તો દુષ્કાળની ભયાનકતાને તાદશ કરતું આ ચિત્ર: ‘આપા,મારી અઢી વરહની દિવાળી તાવમાં બોલે છે’.
’શું બોલે છે ?’.
’ ‘મા, મને કે’ને મે’ કેવો હોય ?’ મને બીક છે,આપા,ઇ રાત નંઇ કાઢે.ને પાણીનો ટાંકો તો કાલ રાશવા દી ચડે તંઇ આવશે.ને મારી દિવાળી મે’ ઝંખે છે.’
’પન તારી દિવાળી મે’ઝંખે છે ,એને ને પાણીને શું લાગેવળગે છે?’
’આપા,એનાં ઓહાણ મોતનાં છે.હું એના મોં પર પાણી છાંટીને કઇશ,’દીકરી, જો મે’ આવો હોય’.(પૃષ્ઠ-250)

સમગ્ર નવલકથામાં દુષ્કાળના વર્ણનોમાં તથા વ્યક્તિચિત્રો સરસ આલેખયા છે. પન્નાલાલ જેવી પ્રતિભા ભલે ન દેખાય પરંતુ ઘરડાં-બૂઢા,છોકરાં,ખાલી ઘરમાં બેઠેલી મા દીકરીઓના વર્ણનોમાં તેમની સર્જકતા દેખાય છે. સમગ્ર નવલકથામાં આપણને સંઘર્ષ જોવા મળે છે. નવલકથાનો નાયક દેવરાજ આદર્શવાદી અને સંવેદનશીલ છે.પહેલા પ્રેમમાં નિષ્ફળ જતા જાત સાથે સંઘર્ષ કરે છે. ત્યારબાદ સમાજસેવાનો ભેખ લઇને સમગ્ર સમાજને મદદ કરવા મથે છે. ત્યાં આપા રાણિંગ , શંભુ ભટ્ટ,વેણીરામ,નવીન કેડલ વગેરે સાથે સતત સંઘર્ષ કરે છે. પોતાના પર થયેલા ચારિત્ર્યના આક્ષેપો કે સ્કૂલ ખોલવા માટેનો સંઘર્ષ કે દુષ્કાળ વખતનો સંઘર્ષ દેવરાજ સતત સહેતો રહે છે. અહીં કથામાં સવિશેષ સમાજનો સંઘર્ષ જોવા મળે છે. આ પ્રદેશ એવો છે કે જ્યાં માણસ જન્મે છે તેને કેવી રીતે બદલી શકાય .ત્યાં જન્મવું માણસની મજબુરી છે, ભાગ્યને આધીન છે. સમાજ કે પ્રદેશ બદલી શકાતા નથી.કાંતો માણસ બીજા પ્રદેશમાં જાય તો દુ:ખ બદલાઇ જાય અને તે પણ વ્યક્તિ એકલો કરી શકે. સમગ્ર સમાજ કરી શકતો નથી. દેવરાજ સમગ્ર સમાજને સુખી કરવા માંગે છે. તેની ભાવના ગાંધી વિચારથી ક્રાંતિ લાવવાની છે. સામાજિક વ્યવસ્થા સામે સંઘર્ષ કરી પોતાને મળતા હક્કો મેળવવા પ્રયત્ન કરે છે. આમ અહીં સામાજિક સંઘર્ષ સવિશેષ જોવા મળે છે.

જનપદી ભાષાનો એક જુદો જ પ્રદેશ અહીં ખેડાયો છે . વર્ષો સુધી આ વિસ્તારમાં રહેવાને કારણે લેખકે આ પ્રદેશની ભાષાના રંગ-રૂપ જાણ્યા છે,માણ્યા છે અને પચાવ્યા છે.તેથી પાંચાળ પ્રદેશ આપણી સમક્ષ ઉપસી આવે છે. તેની તળપદી ભાષા, શબ્દો, લઢણો અને ટૂંકા વાક્યો સાદા અને પાત્ર તથા પ્રસંગને અનુરૂપ પ્રયોજાયા છે. બોકાહા, થોંટ, મોખ, નીંભાણ , હમચી, ધખારો , બગબગુ, અણહોરું, હડિયાપાટી, રાત-વરત ,ઓહાણ, હાઉકલો, ધ્રાંગો, સુખરાત , ફિતૂરિયો, નિરભે , આનાવરી જેવા તળપદાં શબ્દોને લેખકે સહજતાથી પ્રયોજ્યા છે. તો લાંઠી કરવી, ઘોડા ગંઠવા, અથરા થવું, કાંદા કાઢવા, તાતાઊના થવું જેવા રૂઢિપ્રયોગો પણ પ્રયોજ્યા છે. તો સોળ વાલને એક રતી, બત્રીસે કોઠે દીવા થવા, એરુના ભોણમાં હાથ નાખવો, ઘીના ઠામમાં ઘી પડવું જેવી કહેવતોનો પ્રયોગોનો પણ પ્રયોગ કર્યો છે. સાથે સાથે નોરે નોરે જેવા દ્વિરુક્ત શબ્દો પણ જોવા મળે છે.આમ તળપદી ભાષાનો વિનિયોગ લેખકે સહજતાથી કર્યો છે.તો કથનાત્મક શૈલીમાં સમગ્ર નવલકથા ચાલે છે. રાણપુરાની સરળ શૈલીને કારણે તેમની શૈલી આગવી બની રહે છે. વર્ષો સુધી શિક્ષક રહેવાને કારણે તેમની ભાષા સરળ અને સ્પષ્ટ છે. કથાને આગળ વધારવા માટે તેમણે સંવાદો રસપૂર્ણ રીતે પ્રયોજ્યા છે. જ્યાં જરૂર પડી ત્યાં ટૂંકા વર્ણનો પણ આલેખ્યાં છે. કથામાં રસભંગ ન થાય તે માટે સંવાદશૈલી,કથનાત્મક શૈલી અને વર્ણનાત્મકશૈલી પણ તેમણે અપનાવી છે. સમગ્ર નવલકથાની શૈલી રાણપુરાની પોતાની આગવી,નીજી સંપદા બની રહે છે.

પ્રત્યેક સાહિત્યકાર તેના સર્જનમાં નિહિત હોય છે.દિલીપ રાણપુરાને ચીલા ચાલુ પ્રેમકથા આલેખવી નથી પરંતુ તેમણે અનુભવેલું , જોયેલુ ગ્રામજીવન તેના સદ-અસદ સાથે સાથે આલેખવું છે.ગ્રામજીવનના પ્રશ્નો,ત્યાંનુ લોક, તેમની માન્યતાઓ અને ગામડાની કટુતા, સરળતા, જડતા, રાગદ્વેષ, વગેરેને આલેખ્યા છે. ગામડું જેવું છે તેવું વરવારૂપે તેમણે આલેખ્યું છે.પ્રજા આઝાદી પછી પણ આવી દારુણ સ્થિતિમાં જીવે છે. તેનો ઉકેલ ગાંધી વિચારદ્વારા તેમણે આપ્યો છે. નવલકથામાં દેવરાજના પાત્રદ્વારા પોતાની માન્યતા કે ફિલ્સુફી વ્યક્ત થતી જોવા મળે છે.પ્રેમની ફિલસોફી દેવરાજના આત્મકથનાત્મક સંવાદમાં વ્યક્ત થાય છે.તો ગ્રામ જીવનની તસ્વીર કઇ રીતે બદલી શકાય તેનો ઉકેલ ગાંધીમાર્ગ દર્શાવી વ્યક્તિગત પ્રેમની નિષ્ફળતા માણસને સાચી દિશા તરફ વાળવામાં આવે તો જગતનું કલ્યાણ થાય છે.સાચો પ્રેમ અને સાચી દેશ સેવા કેવી હોય તેનું દર્શન કરાવ્યું છે.

આમ સમગ્ર નવલકથામાંથી પસાર થતાં નવા જ પ્રદેશ વિશેષનો પરિચય થાય છે. આ પ્રદેશ વિશેષની ભાષા અને વર્ણનોમાં લેખકની સર્જકતા દેખાય છે. પન્નાલાલ જેવું ભાષા પ્રભુત્વ કે સર્જકતા અહીં દેખાતી નથી. છતાંય દિલીપ રાણપુરાની આગવી શૈલીને કારણે નવલકથા તેમની વિશિષ્ટ ઓળખ બની રહે છે.

*************************************************** 

પ્રા.ડૉ.હર્ષદ પરમાર
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
સરકારી વિનયન કૉલેજ,ગાંધીનગર

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us