ગુજરાતી નવલિકાઓનું ઘટનાતત્વ પ્રસ્તાવના :- 1950 થી 1975 સુધી ત્યારબાદ અત્યારના અર્વાચીન યુગમાં જે વાર્તાઓ સુવર્ણ યુગમાં જન્મી, તેમાં ન ભૂતો ન ભવિષ્યતિ એમ કહી શકાય. એવા સર્જકો અને સર્જનો પ્રગટ્યા. નવલિકાઓમાં સુરેશ જોષી આધુનિકતાવાદ લાવ્યા. નૂતન વિભાવનાઓને તેઓએ પ્રતિષ્ઠિત કરી પ્રચંડ નિસર્ગદત્ત પ્રતિભાના બળે જ આગવી, વિશિષ્ટ અને વિલક્ષણ, પૂર્ણ કલા સૌંદર્ય મંડિત એ અભિનવ પ્રયોગશીલ કૃતિઓ આપનાર, મારે મતે, પ્રસ્તુત યગના જે ત્રણ સર્વોત્તમ વાર્તા સર્જકો ગણાવ શકાય તે ચંદ્રકાન્ત બક્ષી, મધુરાય અને સરોજ પાઠક. સરોજ પાઠકની વાર્તાઓનું કરુણ ઘટનાતત્વ ::: સરોજબહેને છ દાયકાના અલ્પ આયુષ્યમાં ચાર દાયકા જેટલો સમય વાર્તા સર્જનને આપ્યો. તેમના વાર્તા સંગ્રહ વિરાટ ટપકુ, ભાવકો અને અભ્યાસીઓને સંતર્પકતાનો અનુભવ કરાવતી કૃતિઓ રહી છે.સંગ્રહની પ્રથમ વાર્તા “નિયતિકૃત્ત નિયમરહિતા” સંતાનહિન વૃદ્ધ લાચાર દંપતી મુરલીધર અને સંતોષીના જીવનનું વેદનામય ચિત્ર આલેખે છે. “ન કૌંશમાં ન કૌંશ બહાર” એવી જ બીજી સશક્ત વાર્તા છે. વાર્તાનાયિકા સૂચિના પાત્રને કેન્દ્રસ્થાને રાખી વાર્તાકારે માનવ મનના સંચલનો આબાદ પ્રગટ કર્યા છે. ...........આવવાનો છે...........થી વાર્તાનો આરંભ થાય છે. વ્યક્તિના હોઠ પર (કોંશ બહાર) અને મનની અંદર (કૌંશમાં) એમ બેવડા ધોરણે રચાતી વાર્તા સરસ રીતે આલેખાઈ છે. આવવાનો છે જે મહેમાન બનવાનો છે તે સૂચિનો ભૂતપૂર્વ પ્રેમી છે. જેણે શૂચિને પ્રેમ કરીને હવે છોડી દીધી છે એ ભૂતકાળ છે જ્યારે વર્તમાન તો એ છે કે જ્યારે દિવ્ય સાથે પરણીને ચાર છોકરાની માં તરીકે સુખી ગૃહસ્થ જીવન જીવતી ગૃહિણી શૂચિ એમ કરીને એને લાગણીનો ખાલીયો ભરવા પ્રયત્ન કર્યો છે. સૌગંધ નખશિખ સુંદર રચના છે તેનો નાયક અને નાયિકા સંબલ અને પૂરબી બંનેના પહેલાના લગ્નજીવન ભિન્ન ભિન્ન કારણોસર સ્નેહ શૂન્ય બની ગયા છે. વાર્તામાં આવતો વળાંક સંબલના પાત્રને તો ગરિમા આપે જ છે જેનો શુદ્ધ પ્રેમ પામ્યો છે. તેની સાથે જેનો પૂરો સ્નેહ પામ્યો નથી તે સ્ત્રી સાથે લીધેલા સોગંધને પણ વ્યક્ત કરતા સંબલની નૈતિકતાનો રંગ આપણને જોવા મળે છે. મારા ચરણ કમળમાં એટલે એકસ્ટસી નાયક મુખે રજૂ થતી વાર્તા છે આ વાર્તાની નાયિકા વિશે વાર્તા નાયક વિચારે છે કે રેશમા તેને કરોવ જોઈએ તેટોલ અને તેવો પ્રેમ કરતી નથી માટે નાયક શંકાગ્રસ્ત બની આઘાતોની પરંપરા અનુભવતો નાયિકા પ્રત્યેનો પ્રેમ ! તે “વેર” માં પલટાવ નાખવાનું નાયકને સુઝે છે. ભગવાનનું લેસનનો ટીંગલું “હિસ્ટીરિયા”ની વાસંતી કે બબ્બુનો પ્રશ્નમાં બબ્બુની કરુણતાનું આલેખન હોય કે પછી “ભૂતળ એ જ હતું” માં નાયિકાને ગોઠવાયેલા લગ્નપ્રસંગ વખતે જે ચાહનાની અનુભૂતિ અતીતના સ્મરણોમાં કરુણતા વહે છે. “મૂંગા નકારનો હાહાકાર” માં સ્ત્રીના અંતરમાં ઊંડેથી ઉઠતા માતૃત્વના તીવ્ર ચીસની કથા છે. નગરના માહોલમાં ઘડિયાળના કાંટે લટકીને જીંદગીને નરક જેવ બનાવીને પણ જીવતા પાત્રો અમૃત અને તારક દવેની વાત અનુક્રમે દુઃસ્વપ્ન અને અવેઈટીંગ... ટ્રી...ટ્રી... માં આલેખાઈ છે. જ્યંતિ દલાલની શ્રેષ્ઠ વાર્તાઓનું ઘટનાતત્વ :- વાર્તામાં લેખકનું એક વાક્ય છે જો પેલી બે ઈંટો જીભ હોત તો હાલ્લી અને ગોદડીએ કે રીતે રાતોરાત ગામોતરુ કર્યું એની વાત આપણે કહેત. ઊભી શેરીએ વાર્તામાં કટાક્ષનો અંદાજ જોવા મળે છે. શરુમાં ઝમખુ પર ઝેર કરતો કાનો પુરુષ-સ્ત્રી વચ્ચે ભેદ કરતા દાનના “સખાવત બહાદુરો પેલી પડદાના ઠઠેરા કરે તો પૈસા નિહં રુપિયા આપે એમ વિચારે છે ત્યારે એવા કટાક્ષમાં વાસ્તવદર્શનનું ઘટનાતત્વ જોવા મળે છે.” જ્યંતિ જલાલની “ઈલાજે” વાર્તામાં કલા તેમાં સિંચાયેલી હમદર્દીમાં છે. ગામડેથી મુંબઈ આવેલ નિર્દોષ ઘોડુની વ્યવહારદીક્ષા Initation એવું આનું વસ્તુ છે. મનનો માળો... એ જ્યંતિ જલાલની વાર્તામાં વાર્તા અને સત્ય ઘટના એકબીજાનું આંતર સાચવે છે પણ જઈ શકાય એટલા દૂર જતાં પાછા એક બિંદુએ મળી જાય ચે. અહીં વાર્તા (Mith) બને છે. બુલબુલનું જોડુ બારીમાં આવીને માળો બાંધે છે. લેખકે મીઠું કાવતરુ કરી તેને મદદ કરવા વિચાર્યું તે માટે એક છાબડી મૂકી આપી પણ વાર્તાને અંતે લેખક કહે છે કે, વિશ્વાસ બાંધવો દૂર રહ્યો પણ વિશ્વાસ તોડ્યો. આ વાર્તામાં અવિશ્વાસનું ઘટનાતત્વ બુલબુલના જોડા દ્વારા જોવા મળે છે. “જગમોહને શું જોવું” વાર્તામાં વાર્તાના અંતે કાશ્મીર અને તાજમહેલને બદલે “મારે તો આ મોં જ જોવું છે” એમ પત્નિને જગમોહન કહે છે ત્યારે એની લાગણીના સ્તરે જે નિરાધારતા છે એ ઘટનાતત્વ જોવાય છે. જ્યંતિ દલાલની વાર્તા... હું એ ? એ હું ? દલાલની શ્રેષ્ઠ વાર્તાઓમાં અવશ્ય સ્થાન પામે એવી છે અહીં હું એટલે વાર્તા નાયક અને “એ” એટલે નાયિકા બાપાજી – પિતાને સ્મશાનમાં લાવી આવ્યા બાદ ફલેશબેકમાં સ્મૃતિ સર્પની જેમ સરક્યા કરે છે. કડક મીજાજી પિતાજી તરફનો તિરસ્કાર બહાર આવે છે. આ વાર્તામાં ગુજરાતી ભાષામાં પુત્રની પિતા પરત્વેની આદરમિશ્રિત ધિક્કારવૃત્તિ અને તિરસ્કાર જોવા મળે છે. આ વાર્તામાં તિરસ્કારનું ઘટનાતત્વ જોવા મળે છે. શિવકુમાર જોષીની વાર્તાઓનું ઘટનાત શિવકુમાર જોષીની વાર્તાઓ પુરુષ શાસિત સમાજમાં સ્ત્રીની વ્યથાને કેવી રીતે વ્યક્ત કરે છે એ અભ્યાસનો વિષય બની રહે છે. ગરીબી માણસને ઘડે છે એ સંકેત અહીં પડેલો છે આ સંકેત “ઉભા રહેજો” વાર્તામાંથી જાણવા મળે છે. કોમલ ગાંધાર વાર્તામાં પાત્રની સુક્ષ્મ સંવેદનશીલતાનું ઘટનાતત્વ જોવા મળે છે, આ વાર્તામાં વરસાદી રાત અજામ્યા સુરીલા કંઠની મોહીની રહસ્યમય રીતે પ્રગટ કરે છે. રાતના બાર-સાડા બાર પછી પાર્કમાં પ્રેવશીને સંગીત રેલાવતો પુરુષ કોણ હશે ? એ સત્ય બતાવવામાં લેખકને ઉતાવળ નથી. વાર્તાના અંતે લેખકે દત્તમજુમદાર તરીકે એ પુરુષને ઓળખાવ્યા પછી વારતાનો અંત માતા-પિતાના ક્લેશભર્યા દામ્પત્યની સમસ્યા ચીંધીને અણધાર્યું પરિણામ ધારણ કરે છે. આમ આ વાર્તામાં ક્લેશની સંવેદના જોવા મળે છે. શિવકુમાર જોષીની “રાજ રાજેશ્વરી” વાર્તા વીતેલા ઋણી ગ્રંથીઓની અથડામણ અને એની કરુણાના અંજામની કથા છે. જ્યારે લેડી રુપા સુન્દરલાલની રાણી રાજ રાજેશ્વરીનું સ્થાન લે છે અને પ્રત્યાઘાતમાં ચોરી કરવા પ્રેરાયેલા રાણી આપઘાત કરે છે. આ વાર્તામાં ચોરી કરવાના વિચારો વિતેલા સમયની ઘટનાઓ સાથે માનસ પટ ઉપર આવવાથી આત્મહત્યાનું કારણ બને છે. મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓમાં જોવા મળતું ઘટનાતત્વઃ “સદાશિવ ટપાલી” વાર્તામાં મેઘાણીની જીવદ્રષ્ટિ-2 ભાષાશક્તિ ? સામાજિક વિષમતાનું ઝીણું નિરીક્ષણ ? એ બધાને સમાવી વકતા સાધતી કલા ? આ બધી બાબતો મેઘાણીની વાર્તામાં જોવા મળે છે. વાર્તા શરુ થાય છે ભવાની શંકરના ઉદગારથી એ સદાશિક્ષ ટપાલીનું ઘર ન બંધાય એ માટે બધુ કરી છૂટશે. સદાશિવ તંદુરસ્ત બ્રાહ્મણ છે પણ ગરીબ છે. ટપાલીનું કામ કરી પેટિયુ રળે છે. મોટો ભાઈ કુંવારો છે. બાપનું કારજ કર્યું નથી. આ બધી બાબતો ગરીબીની કરુણતા દર્શાવે છે. મેઘાણીની વાર્તા “વહુ અને ઘોડો” નાયિકા તારાને મુખે કહેવાયેલી છે. તારા એક મોટા ઘરની વહુ છે. નાના ઘરની કન્યા હતી વાર્તાને અંતે એ એક અંઘ કન્યાની માતા હતી. તળપદા અનુભવ ધરાવતુ એનું વ્યક્તિત્વ આખો અનુભવ હળવી રીતે રહે છે. લેખકે સ્પષ્ટ નિર્દેશેલા પ્રતિકની સાથે ભાવક દ્વારા અનુભવાતી સૃષ્ટિમાં રુપ ધારણ કરતુ પ્રતિક આ વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. વહુ અને ઘોડા દ્વારા ભદ્ર વર્ગની ભોગેચ્છા અને ક્રૂરતા સૂચવાઈ હોય તો વાર્તા શુષ્ક જ નહિં અસંતુલિત પણ થઈ જાત. તારાની સમૃદ્ધ સંવેદના દ્વારા ભદ્રવર્ગીય દારિદ્રને સહી લેવાની પરિપક્વતા દર્શાવી સંકુલ સાહિત્ય પદાર્થ બનાવી લેવામાં મેઘાણીએ સફળતા મેળવ છે. મેઘાણીએ બે માંથી કોણ સાચું ?, હું પદભ્રષ્ટ વગેરેના આત્મકથનનો, “અલ્લામિયાંની ટાંક” માં ભાણરીતિની એકોક્તિનો “મારો બાલુભાઈ” “ભલે ગાડી મોડી થઈ” ઘૂઘા ગોર ફક્કડ વાર્તા વગેરેમાં કટાક્ષની તિર્થક શૈલીનો ભાવ જોવા મળે છે. વાર્તા મંછાની સુવાવડ અને કેશુના બાપનું કારજ ચીલા-ચાલુ સામાજિક કુરિવાજોનો ભોગ બનેલા પાત્રોની તેમજ વાર્તામાં અનંતની બહેન લાડકો રડીયો વગેરે વાર્તાઓમાં કુરિવાજોનો સામનો કરનારા પાત્રોની વાર્તાઓ છે. આ બધી વાર્તાઓમાં સમાજના કુરિવાજોની કરુણતા પણ જોવા મળે છે. મેઘાણીની વાર્તાઓ “કાનજી શેઠનું કાંધુ” અને “ઠાકર લેખા લેશે” એમાં સમાજના સ્થાપિત હિતો દ્વારા થતા શોષણનો વિષમ બનાવે છે. સુન્દરમની શ્રેષ્ઠ વાર્તાઓમાં જોવા મળતુ ઘટનાતત્વઃ સુન્દરમે 1938માં હીરકણી 1939માં ખોલકી અને નાગરિકા અને 1940 પિયાસી વાર્તા સંગ્રહો આપ્યા છે. 1945માં સુન્દરમનો ઉન્નયન નામનો અર્ધો જુનો અને અર્ધો નવો એવો સંગ્રહ મળ્યો છે. સુન્દરમની “ગોપી” નાની વાર્તામાં ગોપાળ નામનો કિશોર ગોપી નામની છોકરીનો વેશ લઈને નાચે છે. ગોપાળનો બાપ મોતી રાવળ ઢોલી છે. તેનો બાપ દિકરાની નર્તન કળા દ્વારા વધારે કમાણી કેમ થાય તેની તજવીજમાં રહે છે. પોતાના જ દીકરા પાસે વધારે નર્તન કરાવવાથી ગોપાળ નર્તન કરતા કરતા ઢળી પેડ છે અને ગોપાળ મૂર્છા પામે એવી સ્થિતિ સર્જાય છે. “ગોપી” ના વેશમાં નર્તન કરવાની સાથે જ ઢળી પડતાં મૂર્છામાં આવેલા ગોપાળની કરુણતા પરાકાષ્ઠાએ પહોંચે છે.
માને ખોળે વાર્તામાં શબુ પણ દામ્પત્ય જીવનની સામાજિક વિષમતાનો ભોગ બને છે. પની આત્મહત્યા કરીને પોતાનો જીવ બુઝાવી દે છે. લેખકે શબૂના એના પતિ અને સસરા પાછળના ગમનનું કાવ્યાત્મક ભાવાત્ક અભિગમથી સૂક્ષ્મ હૃદયદ્રાવક ચિત્ર આંકેલું છે. મિન પિયાસી વાર્તામાં ભજનિકનું ખાનદાન ઊંચુ છે પણ પોતાના એક છોકારની નાદાનિયતના કારણે તથા બીજા છોકરાના વીજળી પડવાથી થયેલા આકસ્મિક મરણને કારણે ભજનિકને ઘર-ખેતર છોડી રસ્તા ઉપર આવી જવુ પડે છે તેની કરુણતા જોવા મળે છે. “ઉછરતા છોરુ” સુન્દરમની વિલક્ષણ વાર્તા છે. આ વાર્તામાં હોટલનું જીવન દર્શન છે. હોટલમાં કામ કરતા બાળક કિશોરોની યાતનાઓનું એમના જાતીય શોષણ વગેરેનું અસરકારક નિરુપણ છે. “ઊભી રહીશ” વાર્તામાં નાયિકા લગ્ન કરી પતિને પામે છે. લગ્ન પછી પતિ નાયિકાને છોડીને ક્યાંક ચાલ્યો જાય છે. નાયિકાને પ્રતિક્ષાની હાલમાં હસેલા મુડે છે જતાં જતાં પાછા આવવાની શ્રદ્ધા પોતાની પત્નિને બંધાવ ગયો છે.
મોહમ્મદ માંકડની વાર્તાઓનું ઘટનાતત્વઃ મોહમ્મદ માંકડની “ભાર” વાર્તાના મોહનલાલને વર્ષો પૂર્વે ટી.બી.ની બીમારીમાં ગુજરી ગયેલા અશ્વિનના પચ્ચીસ રુપિયા ચૂકવવાના બાકી રહી ગયા છે તેમને ત્યાં આવેલ માગણને તેઓ પેહલા તો ગાળો દઈને હડધૂત કરે છે. આ વાર્તામાં અશ્વિનના મૃત્યુની ટી.બી.થી કરુણતા વ્યક્ત કરવામાં આવી છે.મોહમ્મદ માંકડની અર્ધાંગના વાર્તામાં પૂર્વાંધ મહાન ચિત્રકાર સ્વર્ગસ્થ જોશીજીના પત્નિ સુમિત્રાદેના મનો-વ્યાપારોના નિરુપણમાં રોકાયો છે. આ સુમિત્રાદે મહાન ચિત્રાકરની અર્ધાંગના છે છતાં પતિની મહાનતાનો કશો સ્પર્શ પમી શકી નથી તેમના જીવનમાં તીવ્ર વિસંવાદ પ્રવર્તે છે. કુન્દનિકા કાપડિયાની વાર્તાઓનું ઘટનાતત્વઃ “પ્રેમના આંસુ” સચ્યુના લગ્ન આખરે અનંત સાથે નક્કી થયા બધાને આ વર અને ઘર ગમ્યા સચ્યુને કશો વાંધો કાઢવા જેવું દેખાયુ નહિં. અનંત બીજવર હતો તેની પત્નિનો પાંચ વરસનો અપંગ પુત્ર હતો. આ અપંગ બાળકની સેવા કરવી કે નવા લગ્નના આનંદ માણવો એ બાબતનું સચ્યુના મનમાં ઘર્ષણ થતુ હતુ. તેવી ઘટના આ વાર્તામાં ઘર્ષણના સ્વરુપે જોવા મળે છે. કુન્દનિકા કાપડિયાની વાર્તા “નવુ ઘર” માં વૃદ્ધ સાસુના જીવનનો નિર્વાહ દિકરાઓ પર રહે છે. ત્યારે જીંદગીના ટુકડાઓને વળગવા માટે વલખા મારતા જોયા ત્યારે વૃદ્ધ સાસુ મનમાં નિર્ણય કરે છે. પોતાની જીંદગી વલખા મારવા માટે છે. વૃદ્ધ માજી તેમના દિકરાઓને કોઈને કોઈરુપે બોજારુપ લાગતા હતા. સૂરજ ઊગશે વાર્તામાં નાયિકાની એકલતા તેમજ અંધકારના ગાનને સાંભળવું- ધરતીના ઉચ્છવાસને સાંભળવો. અવકાશના ખાલીપણાનું એકાંત દર્શાવવામાં આવ્યું છે. ધીરુબહેન પટેલની વાર્તાનું ઘટનાતત્વઃ “એક મુસાફરી” વાર્તામાં સાપાબંધ ટ્રેન ચાલી જતી હતી ફર્સ્ટ ક્લાસના ડબામાં ફક્ત બે જણ હતા. બાપ કંઈક વિચાર મગ્ન ઘરડો અને થાકેલો જણાતો હતો તેની ગરીબીનો ચિતાર લેખિકા તેના વર્ણન દ્વારા જણાવે છે તેની પાસે ઘણો સામાન હતો. ફર્સ્ટ કલાસના મુસાફરને શોભે એવો નહોતો. ફાટી ગયેલા છાયલામાં બાંધેલા બે પોટલા દોરીથી બાંધેલા કરંડિયા ધુળિયુ ઝાંખુ પિતળનું ટિફિન નાની-મોટી પતરાની પેટીઓ વગેરે વર્ણન ગરીબીનું ઘટનાતત્વ દર્શાવે છે. રવિન્દ્રનાથ ટાગોરની વાર્તાઓનું ઘટનાતત્વઃ અનુવાદક રમણલાલ સોનીઃ “ઘાતની વાત” વાર્તામાં કુસુમ વિધવા બની હતી તેનો પતિ પરદેશમાં નોકરી કરતો હતો. માત્ર એકાદ બે દિવસ તેને પતિને જોયો હશે. પત્ર દ્વારા વૈવિધ્યના સમાચાર મળે છે ત્યારે કુસુમ... આઠ વરસની ઉંમરે માથાનું સિંદૂર ભૂસી નાંખી શરીરના ઘરેણા ઉતારી ફરી પોતાના દેશ ગંગાને કિનારે પાછી આવે છે. વિધવા બન્યા પછી કુસુમ ઘૂંટણ પણ માથુ મૂકી ગુપચુપ પગથિયા ઉપર બેસી રહેતી. આ વાર્તામાં કુસુમની કરુણતાનો આભાસ જોવા મળે છે. રવિન્દ્રનાથ ટાગોરની “સજા” વાર્તામાં ઘરની સ્ત્રીને ફાંસીના અપમાનમાંથી બચાવવા વાસ્તે બંને ભાઈઓ બહેનનો ગુનો પોતે શિર ઉપર લે છે. પોતે જ ગુનેગાર બની જાય છે. તો ચંદ્રા પણ ભાઈઓને બચાવવા પોતે ખૂન કર્યું છે. એવુ જજ સાહેબ આગળ રજૂ કરે છે. આ વાર્તામાં ચંદ્રાની ફાંસીની કરુણતા ઉપર તરી આવે છે તેના માટે જેઠાણીની હત્ય જવાબદાર બને છે. સુરેશ જોષીની વાર્તાઓનું ઘટનાતત્વઃ ઈ.સ. 1957માં ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્ર સુરેશ જોષીનો ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહ પ્રગટ થયો. ટૂંકી વાર્તા ક્ષેત્રે ધરમૂળથી ફેરફાર થયો. સુરેશ જોષીની ટૂંકી વાર્તા કથાચૂકમાં એના નાયકની શૈશવ કૈશોર્યની રોમાંચક મુગ્ધ સ્મૃતિઓ તથા તેના સમાન્તરે વર્તમાન જીવનની જીર્ણ શીર્ણતા રિક્તતા, અવસાદ રેઢિયાળના હેતશૂન્યતા અને મૂમૂર્ષાનું સંવેદન આકારિત થયું છે. બાર વર્ષ પછી વતનમાં ઘરે આવેલા વાર્તાનાયકના ચિત્તમાં ભૂતકાળની સ્મૃતિઓનો ઓથાર છવાયેલો છે. તે દિવસોમાં પ્રિયતમા સાથે ગાળેલા રમ્ય દિવસો યાદ રાખવા જેવુ કશુ બચ્યુ નથી. આ વાર્તા નાટકનું જીવન કરુણ વાસ્તવિકતા પ્રગટ કરે છે. “પુનરાગમન” વાર્તામાં સૂમસામ રાતે અચાનક જાગી ગયેલો વાર્તાનાયક નિઃસ્તબ્ધતા તથા એકલતાને કારણે કશી અકળ ભૂતિ અનુભવે છે. વિચિત્ર ભયાવહ દ્રશ્યો વચ્ચે એની ચેતના ક્યાંય શૂન્યતામાં ફંગોળાઈ જવાનો અનુભવ નાયક રાત્રીની નીંદરમાં કરે છે.આંક મીંચતા જ વાર્તાનાયકની ચેતનામાં અને અપેક્ષિત દ્રશ્યોની શ્રેણી આરંભાય છે. આ વાર્તામાં રોજેરોજની એકધારી દોટ અને ધમાલ ભરેલી જીવનરીતી વાર્તાનાયકની ચેતનામાં ઊંડી ખૂબી ગઈ છે. ત્રણ લંગડાની વાર્તામાં શારીરિક વિકલાંગતાને નિમિત્તે પાત્રોની માનસિક વિકલાંગતાનો બોધ તથા હાસ્યને નિમિત્તે કરુણનો વિરોધ આ વાર્તામાં પ્રગટ થયો છે. પોલિયોને કારણે અપંગ બની ગયેલ દીકરા ભગીરથની મહત્વકાંક્ષાઓની સતત ઉપેક્ષા કરતા કાન્તિલાલની માનસિકતા પણ વિકલાંગ બની રહી છે. કાન્તિલાલ અપંગ દીકરાને સમજી શકતો નથી. એટલું જ નહીં કાન્તિલાલ પોતાના વર્તનને પણ સમજી શકતો નથી. આ વાર્તામાં કાન્તિલાલ પોતાના દિકરાની અપંગતામાં તેની ઈચ્છાઓની ઉપેક્ષા કરુણ ગાંભીર્ય બની રહે છે. ઉપસંહારઃ :: ગુજરાતી નવલિકાઓમાં ઘટનાતત્વો સારી કે ખરાબ પરિસ્થિતિનું દર્શન કરાવે છે. તેમાં માનવ જીવનની તકલીફો તેમજ દુઃખદ ઘટનાઓનો અનુભવ ગુજરાતી નવલિકાઓની ઘટનાઓમાં થાય છે જે પ્રત્યક્ષ દર્શન સમાન બની રહે છે. ગુજરાતી નવલિકા સાહિત્યમાં સ્ત્રી જીવનના, પુરુષ જીવનના કે વૃધ્ધ જીવનના કે યુવાન વયના માનવીની દુઃખદ ઘટનાઓ જુદા-જુદા સ્વરુપે જોવા મળે છે, જેને લીધે ગુજરાતી વાર્તા સાહિત્ય રસપૂર્ણ બને છે. સંદર્ભ ::: 1. સરોજ પાઠકની વાર્તાઓઃ *************************************************** પ્રો. અરવિંદ ડી. વણકર |
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. | Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |