logo

સંસ્કૃત વ્યાકરણમાં લિંગવિચાર

પ્રસ્તાવના :-

આરંભમાં ભાષામાં લિંગ-વિકાસ લૌકિક લિંગના આધારે થયો હશે. યૌનચિહ્‌ન સ્ત્રીપુરુષના ભેદક છે. કેટલીક શારીરિક વિશેષતાઓને કારણે પણ કોઈ વ્યક્તિને સ્ત્રી અથવા પુરુષ કહીએ છીએ. આ વિશેષતાઓ ભાષામાં લિંગભેદને કારણે માનવામાં આવે છે. પયોધર, કેશ વગેરે સ્ત્રીત્વનાં પ્રતીકો છે. આ બંનેના સાદૃશ્યનો અભાવ નપુંસકત્વનું લક્ષણ માનવામાં આવે છે. પરંતુ સ્ત્રી અને પુરુષનાં વિશેષ શારીરિક ચિહ્‌નોના આધારે લિંગવ્યવસ્થાનો ભાષામાં પ્રયોગ કઠિન છે. भ्रुकूंस (સ્ત્રીવેષધારી નટ)માં સ્તન વગેરે જોવામાં આવે છે. આ આધારે તેમાં સ્ત્રીત્વ માનીને સ્ત્રીત્વ બોધક પ્રત્યય टाप् વગેરે થવા જોઈએ. જોકે भ्रुकूंसની સાથે સ્ત્રીત્વ ચિહ્‌નનો નિત્ય સંબંધ નથી છતાં પણ દર્શકોને તો સદાય દેખાય જ છે, માટે આ આભાસના કારણે તેમાં સ્ત્રીત્વ બોધક પ્રત્યયો થવા જોઈએ. એ જ રીતે खरकुटी (નાપિતગ્રુહ)માં લોમ સંબંધને કારણે પુંસ્ત્વ બોધક પ્રત્યય થવો જોઈએ.

આ ઉપરાંત લૌકિક સ્ત્રીપુરુષગત વિશેષ ચિહ્‌નો આધાર પર લિંગવ્યવસ્થા માનવાથી અચેતન પદાર્થોમાં લિંગવ્યવહારનો કોઈ રસ્તો જ ન બચે. खट्वाમાં કઈ સ્ત્રીગત વિશેષતા છે કે તેમાં સ્ત્રીત્વ માનવામાં આવે ? તેમાં ઉપર્યુક્ત લૌકિક પરંપરા પ્રમાણે તો અચેતન પદાર્થોમાં સ્ત્રીત્વ પુંસ્ત્વની અભિવ્યક્તિના કારણે નપુંસકત્વ માનવું ઉચિત થશે. કેટલાક લોકો માને છે કે असत् વસ્તુમાં ક્યારેક ક્યારેક પ્રતીતિ ભાવના હોયછે. મૃગતૃષ્ણામાં જળ નથી હોતું તોપણ જળનો આભાસ થાય છે. એવી રીતે खट्वा વગેરેમાં લિંગ નથી પણ લિંગનો આભાસ થાય છે. તારકા, પુષ્ય, નક્ષત્ર જેવા વિભિન્નલિંગી શબ્દો એક જ વસ્તુ માટે પ્રયુક્ત થાય છે. તેમાં બાહ્ય લિંગ નથી પરંતુ એમાં જે રીતે મૃગજળમાં જળનું અસ્તિત્વ ન હોવા છતાં જળનો અધ્યાસ થઈ જાય છે એવી જ રીતે અચેતન પદાર્થોમાં લિંગચિહ્‌ન ન હોવા છતાં પણ ચેતનગત લિંગનો અહેસાસ થઈ જાય છે. અવશ્ય જ મૃગજળમાં સાદૃશ્યના આધાર પર જળનો આરોપ થાય છે. खट्वा, वृक्षः વગેરેમાં સ્ત્રી, પુરુષગત લિંગનું કોઈ સાદૃશ્ય નથી. માટે કયા આધારે આરોપ સંભવ છે ? તેના જવાબમાં કહેવામાં આવે છે કે વિષય સાદૃશ્યની ઉપેક્ષા કરીને પણ અનાદિ મિથ્યાભાસ વાસના વશ ભ્રાન્તિઓ જોવા મળે છે. શબ્દમાં યથાર્થ અથવા મિથ્યા જ્ઞાનની અભિવ્યક્તિની ક્ષમતા સમાન છે. અથવા खट्वा, वृक्षः વગેરે પદાર્થોમાં પણ લિંગ છે. પરંતુ તેનું જ્ઞાન એવી રીતે નથી થતું જેવી રીતે સૂર્યની ગતિનું અસ્તિત્વ હોવા છતાં સૂર્યની ગતિનું ભાન ન થવું. અથવા તો જેવી રીતેવસ્ત્રાવૃત્ત વસ્તુનું જ્ઞાન નથી થતું તેવી રીતે खट्वा વગેરે અચેતન પદાર્થોમાં પણ લિંગનું જ્ઞાન પ્રત્યક્ષ થતું નથી.[૧] પતંજલિએ અહીં પ્રશ્ન કર્યો છે કે વસ્ત્ર ઉપાડી લેવાથી વસ્ત્રથી આવૃત્ત વસ્તુનું ભાન થાય છે. પરંતુ खट्वा वृक्षः વગેરેમાં આ રીતનું કોઈ જ્ઞાન થતું નથી. આના ઉત્તરમાં પતંજલિનું નિવેદન છે - વસ્તુનું અસ્તિત્વ હોવા છતાં પણ તેની અનુપલબ્ધિ સંભવ છે. પ્રાયઃ ૬ કારણોથી વસ્તુવિશેષનું અસ્તિત્વ હોવા છતાં પણ તેની ઉપલબ્ધિ થતી નથી.
        (૧) અતિસન્નિકર્ષથીઃ જેમ કે પોતાની આંખનું કાજળ પોતાની આંખોથી દેખાતું નથી.
        (૨) અતિવિપ્રકર્ષથીઃ જેમ કે બહુ ઊંચાઈ પર ઊડતા પક્ષી વગેરે દેખાતા નથી.
        (૩) મૂર્ત્યન્તર વ્યવધાનથીઃ જેમ કે વચ્ચે દીવાલ વગેરેને કારણે સામેની વસ્તુ દેખાતી નથી.
        (૪) તમસાવૃત્તથીઃ જેમ કે અંધકારને કારણે ખાડા વગેરેનું ભાન થતું નથી.
        (૫) ઇન્દ્રિય દૌર્બલ્યથીઃ આંખની શક્તિ ક્ષીણ હોવાથી ઉપસ્થિત વસ્તુ દેખાતી નથી.
        (૬) અતિપ્રમાદથીઃ કોઈ વિષયાન્તરમાં મગ્ન વ્યક્તિને સામે રહેલાનું જ્ઞાન થતું નથી.

અતિસમીપ, અતિદૂર આદિ અનુપલબ્ધિનાં કારણો માનવામાં આવે છે. પણ અનુપલબ્ધિનાં કારણો પ્રમાણસિદ્ધ વસ્તુનાં જ હોય છે. પરંતુ खट्वा વગેરેમાં લિંગ પ્રમાણસિદ્ધ સત્યભૂત વસ્તુધર્મ છે. આ ઉપરાંત આ પક્ષમાં પ્રત્યક્ષ વિરોધ પણ થાય છે. કારણ કે દૃશ્ય સ્વભાવ વસ્તુનું ક્યારેયપ્રત્યક્ષ ગ્રહણ ન હોવું તોપણ તેનું અસ્તિત્વ સ્વીકારવું અવશ્ય જ પ્રત્યક્ષ વિરોધ છે. કેટલાક લોકો અનુમાનના આધારે खट्वा, वृक्ष વગેરેમાં લિંગનું અસ્તિત્વ માને છે. જેમ પ્રકાશ જોઈને આકાશમાં મેઘાચ્છાદિત જ્યોતિના અસ્તિત્વનું અનુમાન કરવામાં આવે છે. એવી જ રીતે खट्वा, वृक्ष વગેરેમાં સ્ત્રીત્વ પુંસ્ત્વ બોધક પ્રત્યયો જોઈને તેમાં સ્ત્રીત્વ પુંસ્ત્વની કલ્પના કરવામાં આવે છે. પરંતુ આ પક્ષમાં અન્યોન્યાશ્રય દોષ છે. લિંગજ્ઞાન પછી શબ્દપ્રયોગ અને શબ્દપ્રયોગ પછી લિંગનું અવગમન એ અન્યોન્યાશ્રય છે. જ્યોતિ અને પ્રકાશમાં પ્રત્યક્ષતઃ કાર્યકારણ જ્ઞાનના આધારે કાર્યથી કારણનું અનુમાન સંભવ છે. खट्वा વગેરેમાં તો ક્યારેય પણ પ્રત્યક્ષતઃ લિંગ જ્ઞાન ન હોવાથી કાર્યકારણ ભાવ સંભવ નથી, ફલતઃ અનુમાન પણ સંભવ નથી. तटः, तटी, तटम् જેવા એક જ વસ્તુમાં બધા લિંગ વિરોધને કારણે નથી થઈ શકતા, જો તટમાં સ્ત્રી પુંસ્ત્વહોય તો નપુંસકત્વ નથી થઈ શકતું. તે તેના અભાવમાં જ થાય છે. લૌકિક લિંગ વ્યંજક ચિહ્‌નોના આધારે दारा कलत्र જેવા શબ્દોને પુલિંગ અને નપુંસકલિંગમાં નથી રાખી શકાતા. માટે વૈયાકરણ લૌકિક સ્ત્રીપુરુષગત લિંગ બોધક વ્યંજનોના આધારે શાસ્ત્રીય લિંગની વ્યવસ્થાનો સ્વીકાર નથી કરતા. જોકે થોડેક અંશે તેને અપરિહાર્ય માને છે. ફલતઃ લિંગની તેમની પોતાની શાસ્ત્રીયપરિભાષા છે. અને તે છે-

संस्त्यान प्रसवौ लिङ्गमास्थेयौ स्वकृतान्ततः ।
संस्त्याने स्त्यायतेङ्रढ् स्त्री सूतेः सप् प्रसवे पुमान् ।

એક રીતે આ કારિકામાં સ્ત્રી અને પુરુષ શબ્દની વ્યુત્પત્તિ બતાવવામાં આવી છે. સંસ્ત્યાનના અર્થમાં स्त्यै ધાતુથી डट् પ્રત્યયથી સ્ત્રી શબ્દ નિષ્પન્ન થાય છે. પ્રસવ અર્થમાં षूङ् ધાતુથી स કારના સ્થાને प કાર કરીને पुमान् શબ્દ બને છે. પ્રસૂતિ અર્થમાં पा ધાતુથી ડુમ સુન્‌ પ્રત્યય દ્વારા पुमान् શબ્દની નિષ્પત્તિ પણ પ્રસિદ્ધ છે. કેટલાક આચાર્યો पुञ्થી પુમાન્‌ની સિદ્ધિ બતાવે છે. જોકે ભટ્ટોજિ દીક્ષિત આ મતના વિરોધી છે. ("सूङो डुमसुन्निति माधवः । यच्चउज्जवलदत्तेन पातेर्दमसुन्नित्युक्तम् यच्च पुंसोऽसुङ् (1-1-87) इति सूत्रे न्यासरक्षिताभ्यां "पुनातेर्मकसुन् ह्रस्वश्च" इति सूत्रं पठितुं तदुभयमपि भाष्याननुगुणम्" - शब्द कौस्तुभ 1-2-64) પરંતુ ભાષ્યકાર અને એમના અનુયાયી ભર્તૃહરિ વગેરેએ આ કારિકાઓના આધારે એક દાર્શનિક વાદ ઊભો કર્યો છે. જેની ચર્ચા અહીં અસ્થાને છે. સર્વત્ર બધા શબ્દોમાં ત્રણે લિંગોનું અસ્તિત્વ હોવા છતાં પણ કોઈ વિશેષ શબ્દથી કોઈ વિશેષ લિંગની અભિવ્યક્તિ શિષ્ટમાન્ય છે. આને ‘લોકવ્યવહારાનુવાદિની વિવક્ષા’ કહી શકાય છે જે લૌકિક સ્વેચ્છારૂપી વિવક્ષાથી ભિન્ન છે.

અર્થભેદથી થતો લિંગભેદઃ::

અર્થભેદથી પણ એક જ શબ્દમાં લિંગભેદ થતો જોવા મળે છે. જેવી રીતે સ્વરભેદથી એક જ શબ્દનું વિષયાન્તર થઈ શકે છે તેવી જ રીતે લિંગભેદથી પણ એક જ શબ્દ વિભિન્ન અર્થમાં પ્રયુક્ત થઈ શકે છે. अक्ष શબ્દ देवनाक्ष અને शकटाक्ष બંનેનો બોધક છે. પરંતુ જ્યારે તે અન્તોદાત્ત હોય છે ત્યારે देवनाक्षનો બોધક બને છે. આદ્યુદાત્ત અવસ્થામાં शकटाक्षનો બોધક બને છે. अर्ध શબ્દ समप्रविभाग એ અર્થમાં નપુંસકલિંગ છે અને એકદેશમાત્રના અર્થમાં પુલ્લિંગ છે. કેટલાક લોકો માને છે કે એકાર્થ શબ્દના ભેદથી લિંગભેદમાં પણ કોઈ વિશેષ વાત સૂચિત થતી હોય છે. જેમ કે कुटी અને कुटीर એ બે શબ્દોમાં કેવળ લિંગભેદ જ નથી, અર્થભેદ પણ છે. નાની ઝૂંપડીને कुटीर કહે છે. अरण्य અને अरण्यानीમાં પણ આ જ ભેદ છે. માટે अरण्यानीમાં સ્ત્રીત્વ અરણ્યના એક વિશેષ અર્થ, એક વિશેષ ગુણનો બોધક બની જાય છે. એવી રીતે સર્વત્ર કોઈક ને કોઈક ગુણવિશિષ્ટને કારણે એકાર્થક શબ્દોમાં લિંગભેદની વ્યવસ્થા કરવી જોઈએ. શબ્દની નિયત લિંગતા પણ કોઈ વિશેષ કારણથી જ લોકમાં જોવા મળે છે. तक्षक (સુથાર) કાપવું, છોલવું વગેરે અનેક ક્રિયાઓ કરે છે. એમાંથી એક तक्षण ક્રિયાના આધારે તેને तक्षक કહે છે. એવી જ રીતે શબ્દ પણ स्वभावतः અથવા અભિધાન વૈચિત્ર્યના કારણે કોઈ વિશેષ લિંગથી અભિહિત કરવામાં આવે છે. આ અભિધાન વૈચિત્ર્યને ભર્તૃહરિએ ઉપાદાન કહ્યું છે અને તેના આધારે લિંગના પણ નિમ્નલિખિત સાત ભેદ પાડ્યા છે-
        (૧) કેટલાક શબ્દો કેવળ પુલિંગ છે - જેમ કે વૃક્ષ વગેરે
        (૨) કેટલાક શબ્દો કેવળ સ્ત્રીલિંગ છે - જેમ કે खट्वा વગેરે
        (૩) કેટલાક શબ્દો નપુંસકલિંગમાં જ નિયત છે दधि વગેરે
        (૪) કેટલાક શબ્દો પુલિંગ અને નપુંસકલિંગવાળા છે - જેમ કે शंखः-शंखम्, पद्मः-पद्मम्
        (૫) કેટલાક શબ્દો સ્ત્રીલિંગ અને નપુંસકલિંગવાળા નિયત છે - જેમ કે भागधेयी-भागधेयम्
        (૬) કેટલાક શબ્દો સ્ત્રીલિંગ અને પુલિંગમાં સાધારણ છે - જેમ કે वत्सा, वत्सः વગેરે..

ભોજે શબ્દસંસ્કાર હેતુરૂપ લિંગના ૬ ભેદ માન્યા છે - શુદ્ધા, મિશ્ર, સંકીર્ણ, ઉપસર્જન, આવિષ્ટ અને અવ્યક્ત.
         * જેમાં એક સંસ્કાર અપેક્ષિત હોય તે શુદ્ધલિંગ છે, જેમ કે खट्वा, वृक्षः, कुण्डम्, स्त्री, पुमान्, नपुंसकम् ।
         * જેમાં બે સંસ્કાર હોય છે તે મિશ્ર છે, જેમ કે मरीचिः, उर्मिः, अर्चः, छर्दीः, कषायः ।
         * જેમાં ત્રણ સંસ્કાર હોય તે સંક્રીણ હોય છે, જેમ કે तटी, तटः, तटम्, शृंखला, शृंखलः, शृंखलम्
         * જે વિશેષ્યગત લિંગથી પ્રભાવિત વિશેષણ સ્વરૂપ લિંગ ઉપસર્જન છે, જેમ કે, शुक्ला, शुक्लः, शुक्लम् ।
         * વિશેષણ હોવા છતાં નિયત શબ્દ સંસ્કારાર્હ લિંગ આવિષ્ટ છે, જેમ કે प्रकृतिः, विषयः, प्रधानम्
         * જેમાં લિંગ નિમિત્ત શબ્દ સંસ્કાર ન હોય તે અવ્યક્ત છે, જેમ કે पंच, षट्. कति, अचैः વગેરે...

વૈશેષિકો લિંગને જાતિરૂપ માને છે. કેટલાક લિંગને કેવળ શબ્દસંસ્કાર માને છે. ભાષ્યકાર લિંગને સત્ત્વ (દ્રવ્ય)નો ગુણ માને છે.[૨] ભાષ્યકારે એક મૌલિક સૂચન પણ કર્યું છે. પાણિનિના पुंयोगादाख्यायाम् સૂત્રના વિવેચનમાં ભાષ્યકારે કહ્યું છે કે પુરુષ માટે સ્ત્રીલિંગ અથવા તો સ્ત્રી માટે પુલ્લિંગનો પ્રયોગ સંભવ છે. એનું કારણ એ છે કે પુરુષમાં સ્ત્રીત્વનાં થોડાં લક્ષણો મળી શકે છે. લક્ષણો ન મળે તોપણ એકના ધર્મો બીજા પર આરોપ અથવા અધ્યાસ અથવા તો પરસ્પર તાદાત્મ્ય દ્વારા સંભવ છે. આ દૃષ્ટિએ दाराः (પુલ્લિંગ), स्त्री (સ્ત્રીલિંગ) અને कलत्रम् (નપુંસકલિંગ) શબ્દ સ્ત્રીના ક્રમશઃ પુરત્ત્વ, સ્ત્રીત્વ અને નપુંસકત્વ સ્વરૂપનાદ્યોતક છે दारा શબ્દ વિનાશક પુરુષ અર્થને વ્યક્ત કરે છે. જે પુરુષના લક્ષણ સાથે મેળ ખાય છે. (दायन्ति इति दाराः ।) અથવા (दीर्यते तै र्दारा) कलत्र શબ્દ [3] સ્ત્રીના અનિજ્ઞતિ અથવા રહસ્યમય સ્વરૂપનો દ્યોતક છે. માટે નપુંસકલિંગમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. જે વસ્તુઓના ગુણ પૂર્ણ રીતે જ્ઞાત ન હોય અથવા સંદિગ્ધ હોય, તેને નપુંસકલિંગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. [૪] અર્થાત્‌ પ્રત્યેક વસ્તુનાં વિભિન્ન રૂપો હોય છે. લિંગ તેનાં વિભિન્ન રૂપોનું પ્રત્યાયક છે. આ વાતને હેલારાજે નીચે પ્રમાણે સ્પષ્ટ કરી છે-

शब्दैभ्यो वस्त्वर्था एकस्वभावा अपि विस्तारं भज्नते, तेभ्यो नानारूपाणां प्रकाशनात् । तथा च दारशब्दःस्त्रियं पुंस्त्वविषेषणमाचष्टे, भार्याशब्दः स्त्रित्वविशिष्टाम् । (वाक्यपदीय, वृत्तिसमुदेश - 197)

વિશ્વના કોઈ વાઙ્ગમયમાં લિંગ પર પ્રાચીનકાળમાં આટલા સૂક્ષ્મ વિચારો રજૂ કરવામાં આવ્યા નહીં હોય તેમાંય શ્લોકવાર્તિકકાર કાત્યાયને આપેલું વક્તવ્ય નોંધપાત્ર છે-

स्तनकेशवती स्त्री स्याल्लोमशः पुरषः स्मृतः ।
उभयोरन्तरं यच्च तदभावे नपुंसकम् ।। [5]

છતાંય સંસ્કૃત વૈયાકરણોનો અનુભવ છે કે લિંગના નિયમો વ્યાકરણ દ્વારા સર્વથા નિયંત્રિત કરી શકાતા નથી અને માટે જ શાસ્ત્રોપદેશ અનિવાર્ય નથી. છતાં પણ પાણિનિ વગેરેએ લિંગના વિષયમાં અનેક નિયમોનો ઉલ્લેખ કર્યો છે, જે અભ્યાસયોગ્ય છે.

પાદટીપઃ:

1. જુઓ સરખાવો – સાંખ્યકારિકા नातिदूराद्...
2. स्त्रीपुंनपुंसकानि सत्व गुणाः महाभाष्य (1-1-38, 1-2-64)
3. महाभाष्य भाग-2, पृ. 147, कीलहोर्न संस्करण
4. अनिर्ज्ञाते गुणसन्देहे च नपुंसकलिंगे प्रयुज्यते - महाभाष्य 1-2-67, भाग-1, पृ. 250
5. स्त्रियाम् 4-1-3 सूत्र પરનું વાર્તિક

સન્દર્ભ-ગ્રંથોઃ:::

1. अष्टाध्यायी सूत्रपाठः (वार्तिक सूचि सहितः), सं. नन्दकिशोर, हरिद्वारम्, द्वितीय संस्करणम् सन् 1990
2. वैयाकरण सिद्धान्त कौमुदी (भाग-4) रत्नप्रभा व्याख्यासहिता, सं.श्री बालकृष्ण पञ्चोली । चौखम्बा संस्कृत संस्थान, वाराणसी । तृतीय संस्करण
3. व्याकरण महाभाष्यम्, सं. वेदवृत शास्त्री, झज्जर, जि. रोहतक, सन् 1963
4. शब्दकौस्तुभ, सं. गोपाल शास्त्री, वाराणसी
5. संस्कृत व्याकरण दर्शन, ले. रामसुरेश त्रिपाठी, दिल्ली, सन् 1972

*************************************************** 

પ્રા. ડો. કિન્નરી પંચોલી
આસિ. પ્રોફેસર - સંસ્કૃત વિભાગ
કે.કા. શાસ્ત્રી આર્ટ્સ કોલેજ, મણિનગર, અમદાવાદ

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us