logo

“સિદ્ધહેમશબ્દાનુશાસનમ્” માં નિર્મિત કેટલીક કૃત્રિમ સંજ્ઞાઓનો પરિચય

આચાર્ય હેમચન્દ્રાચાર્યે મહર્ષિ પાણિનીના વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ કરીને પછી પોતાના “સિદ્ધહેમશબ્દાનુશાસનમની રચના કરી છે. તે સ્વાભાવિક લાગે છે. પાણિનીની જેમ હેમચન્દ્રાચાર્યે પણ પોતાનું વ્યાકરણ ‘ સૂત્રાત્મક’ શૈલીમાં લખ્યું છે. આથી જ આ આચાર્યે પોતાના વ્યાકરણગ્રંથમાં પાણિનીએ ઉભી કરેલી કેટલીક યુક્તિ પ્રયુક્તિનો સ્વીકાર કરેલો છે. તે સંદર્ભમાં સંસ્કૃત ભાષાના કેટલાક વર્ણો(ધ્વનિઓ)નો પરિચય કરાવવા કેટલીક કૃત્રિમ સંજ્ઞાઓ જાહેર કરી છે. જે આ અભ્યાસથી જાણવું રોચક બને છે. વર્ણ એટલે અક્ષર કે મુખ વિવરમાંથી નીકળતા અર્થવાળા નાનામાં નાના ધ્વનિને ‘વર્ણ’ કહેવાય છે. વર્ણોના બે પ્રકાર છે. (૧) સ્વર (૨) વ્યંજન

(૧) સ્વર અથવા अच्

જે વર્ણોના ઉચ્ચારણ માટે બીજા કોઈ વર્ણની મદદ લેવી ન પડે તેવા વર્ણોને ‘સ્વરો’ કહે છે. સ્વરોનાં ત્રણ પ્રકારો છે. (૧) હૃસ્વ (૨) દીર્ઘ (૩) પ્લુત.
    (૧) જે સ્વરના ઉચ્ચાર એક માત્રિક હોય ત્યારે તેને ‘હૃસ્વ’ કહેવામાં આવે છે.
    (૨) જે સ્વરનું દ્વિમાત્રિક ઉચ્ચારણ હોય ત્યારે તેને ‘દીર્ઘ’ કહેવામાં આવે છે.
    (૩) જે સ્વરનું ત્રિમાત્રિક ઉચ્ચારણ હોય ત્યારે તેને “પ્લુત” કહેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે અનુક્રમે જોઈએ તો :
    હસ્વ સ્વર : દા.ત. अ, इ, उ, ऋ, लृ
    દીર્ઘ સ્વર : દા.ત. आ, ई, ऊ, ॠ, लृ, ए, ओ, औ
    પ્લુત સ્વર : દા.ત. ओ३म् (૩) અથવા આપણે દૂર ઉભેલી વ્યક્તિને બોલાવવા માટે ત્રિમાત્રિક પ્લુત સ્વરનો પ્રયોગ કરીએ છીએ જેમકે, હે રામ ૩ ! અહીં આવ

(૨) વ્યંજન અથવા हल्

જે વર્ણોના ઉચ્ચારણ માટે સ્વરની મદદ લેવી પડે તેમને વ્યંજન કહે છે. વ્યંજનના ત્રણ પ્રકારો પડે છે (૧) સ્પર્શ (૨) અન્તસ્થ (૩) ઊષ્મ.
    (૧) સ્પર્શ વ્યંજન : क થી म સુધીના વર્ણોને સ્પર્શ વ્યંજન કહે છે.
    (૨) અન્તસ્થ : य, व, र, ल, વગેરે અંતસ્થ વ્યંજન કહે છે.
    (૩) ઊષ્મ વ્યંજન : श, ष, स, ह વગેરે ઊષ્મ વ્યંજનના વર્ણો છે.
હેમચન્દ્રાચાર્યે પાણિનીની માફક પ્રત્યાહારની યુક્તિ સ્વીકારી નથી છતાં સંસ્કૃત ભાષાના વર્ણોનો પરિચય કરાવવા અને તેમાંનાં અમુક જુથોને માટે કેટલીક કૃત્રિમ સંજ્ઞાઓ જાહેર કરી છે. તેનો અહીં આપણે અભ્યાસ કરીએ છીએ, હેમચન્દ્રે નીચે પ્રમાણેના સૂત્રો થકી તેમના ગ્રંથમાં “સિદ્ધહેમશબ્દાનુશાસનમ” માં આ સંજ્ઞાઓ જાહેર કરી છે.

સિદ્ધહેમશબ્દાનુશાસનમાં સંજ્ઞા અભિધાન :
૧. औदन्ताः स्वराः ।। सि.हे.श ।। १-१-४

औकारावसाना वर्णाः । स्वरसंज्ञाः स्युः । अ आ इ ई उ ऊ ऋ ॠ लृ ॡ ए ऐ ओ औ।
જેમના છેડે औ હોય તે બધાની સ્વર સંજ્ઞા થાય છે. લોકમાં अ आ इ ई उ ऊ ऋ ॠ लृ ॡ ए ऐ ओ
औ આ ચૌદ અક્ષરોની સ્વર સંજ્ઞા છે. તેથી લોકને અનુસરીને આ શાસ્ત્રમાં પણ अ કારથી માડીને औ સુધીના અક્ષરોને સ્વર સમજવા.

૨. एक-द्वि-त्रिमात्रा हृस्व-दीर्घ-प्लुताः ।। सि.हे.श. १-१-५

मात्रा काल विशेषः एक-द्वि-त्र्युच्चारण औदन्ता वर्णा यथा संख्यं हृस्व-दीर्घ-प्लुत संज्ञाः स्युः । अ, ई, ऊ, ऋ, लृ । आ, ऊ, ॠ, लृ । ए, ऐ, ओ, औ । आ, इ, ई, ऊ, इ इत्यादि ।
    (૧) જે સ્વરને બોલતાં એક માત્રા જેટલો સમય લોગે તેને ‘हृस्व’ સ્વર કહેવો.
    (૨) જે સ્વરને બોલતાં બે માત્રા જેટલો સમય લોગે તેને ‘दीर्घ’ સ્વર કહેવો.
    (૩) જે સ્વરને બોલતાં ત્રણ માત્રા જેટલો સમય લોગે તેને ‘प्लुत’ સ્વર કહેવો.
અહીં આપણને પ્રશ્ન થાય કે માત્રા એટલે શું ? તો તેનો ઉત્તર છે. કૂકડાના ઉદાહરણથી સમજવું સરળ બનશે. તેના ઉચ્ચારણમાં ત્રણે પ્રકારના उ, ऊ અને उ ૩ કારને ઉચ્ચારતા જેટલો સમય લાગે તેટલી માત્રાને અનુક્રમે હસ્વ, દીર્ઘ પ્લુત કહે છે. અથવા –
કાળના અમુક માપને ‘માત્રા’ સમજવી. સાધારણ રીતે આંખ એકવાર ઉઘાડીએ અને મીંચીએ એમ કરવામાં જેટલો સમય લાગે તેટલા સમયનું નામ માત્રા છે. દા. ત.
    (૧) अ, इ, उ, ऋ, लृ વગેરે સ્વરને બોલતા એક માત્રા જેટલો સમય લાગે છે માટે હસ્વ સ્વર.
    (૨) आ,ई,ऊ, लृ, ए, ऐ, ओ, औ વગેરે સ્વરને બોલતા બે માત્રા જેટલો સમય લાગે છે માટે દીર્ઘ સ્વર.
    (૩) अ३, इ३, उ३વગેરે સ્વરને બોલતા ત્રણ માત્રા જેટલો સમય લાગે છે. માટે પ્લુત સ્વર.

3. अनवर्णा नामी ।। सि.हे.श. १.१.६

अवर्णवर्जा औदन्ता वर्णा नामिसंज्ञाः स्युः ।इ, ई, उ, ऊ, ऋ, ॠ, लृ, ॡ, अ, ए, ऐ, ओ, औ । આગળ જણાવેલ સ્વરોમાં अ વર્ણ છોડીને ‘अ’ બાકીના બધા સ્વર વર્ણોની ‘નામી’ સંજ્ઞા થાય છે. इ, ई, उ, ऊ, ऋ, ॠ, लृ, ॡ,ए, ऐ,ओ, औ આ બાર સ્વરોની ‘નામી’ સંજ્ઞા થાય છે.

૪. लृदन्ताः समानाः ।। सि.हे.श. ....१.१.७

लृकारावसाना वर्णाः समानाः स्युः अ आ इ ई उ ऊ ऋ ॠ ॡ
પહેલા જણાવેલા સ્વરોમાંથી ॡ સુધીના સ્વરોની ‘સમાન’ સંજ્ઞા સમજવી अ आ इ ई उ ऊ ऋ ॠ ॡ આ દશ સ્વરોની ‘સમાન’ સંજ્ઞા થાય છે.

૫. ए ऐ ओ औ सन्ध्यक्षरम् ।। सि.हे.श. ।। १.१.८

ए, ऐ, ओ, औ इत्येते वर्णाः सन्ध्याक्षराणि स्युः ।
અર્થાત્ ए, ऐ, ओ, औ એ ચાર વર્ણોની ‘સંધ્યક્ષર’ સંજ્ઞા થાય છે. જે અક્ષર સંધિ થવાથી બને તેનું નામ જ સન્ધ્યક્ષર દા.ત.
अ + इ = ए અથવા आ + ए = ए
अ + ए = ऐ અથવા आ + ए = ऐ
अ + उ = औ અથવા आ + ए = औ
अ + औ = औ અથવા आ + ओ = औ
આ ચારેય સ્વરો બે સ્વરોની સંધિ થવાથી બનેલા છે. તેથી આચાર્યે તે સ્વરોનું નામ ‘સન્ધ્યક્ષર’ આપ્યું છે

૬. अं अः अनुस्वार विसर्गो ।। सि.हे. श. ।। १.१.९

अकारावुच्चारणार्थो । अं इति नासिक्यो वर्णः ‘अः’ इति च कण्ठयः यथा संख्यम् अनुस्वार – विसर्गोस्याताम् અહી ‘अं’ મા अ ઉપર જે બિન્દુ છે તેનું નામ અનુસ્વાર છે તે નાસિક્ય વર્ણ છે અને તે अः ની પાછળ બે બિંદુ છે. તેનું નામ વિસર્ગ છે અને તે કંઠ્ય વર્ણ છે. અહીં એકલા બિંદુઓનું ઉચ્ચારણ થઈ શકે નહીં તે માટે અનુસ્વાર (.) અને વિસર્ગ (:) સ્વરો સાથે મૂકવામાં આવેલા છે.

૭. कादीः व्यञ्जनम् ।। सि.हे.श १.१.१०

कादिवर्गर्णोहपर्यन्तो व्यञ्जनम् स्यात् । અર્થાત્ જે વર્ણોની પહેલા ‘क्’ આવે છે અને છેલ્લે ‘ह्’ આવે છે તે બધા જ વર્ણનનું નામ ‘વ્યંજન’ છે આ સૂત્રો આધારે क् ख् ग् घ् ङ् । च् छ् ज् झ् ञ् । ट् ठ् ड् ढ् ण् । त् थ् द् ध् न् । प् फ् ब् भ् म् । य् र् ल् व् श् ष् स् ह् । વગેરે કુલ તેત્રીસ વ્યંજનો છે એ રીતે ૧૪ સ્વરો અને બધા વ્યંજનો ૩૩ સાથે કુલ ૪૭ થાય છે.

૮. अपञ्चमान्तस्थो घुट् ।। सि.हे.श ।। १.१.११

वर्गपञ्चमाऽन्तस्थावर्जः कादिवर्णा घुट् स्थात् । क् ख् ग् घ् च् छ् ज् झ् ट् ठ् ड् ढ् न् प् फ् ब् भ् म् श् स् ष् ह् । દરેક વર્ગનો પાંચમો અક્ષર ड् ञ् ण् म् તેમજ અંતસ્થ સંજ્ઞાવાળા य व र ल ચાર વ્યંજનો સિવાયના બધા જ વ્યંજનોની ‘घुट्’ સંજ્ઞા થાય છે.

૯. पञ्चको वर्गः ।। सि.हे.श. ।। १.१.१२

कदिषु वर्णेषु यो यः पञ्चसंख्यापरिमाणो वर्गः स संवर्गः स्यात् क् ख् ग् घ् ङ् । च् छ् ज् झ् ञ् । ट् ठ् ड् ढ् ण् । त् थ् द् ध् न् । प् फ् ब् भ् म् । અહીં જે વ્યંજનોનું પાંચ પાંચનું જૂખમું છે એટલે કે क् ख् ग् घ् ङ् । च् छ् ज् झ् ञ् । વગેરે વ્યંજનોરૂપી સમુહોની ‘વર્ગ’ સંજ્ઞા થાય છે જેમકે_     (૧) क વર્ગ – ક્ ખ્ ગ્ ઘ્ ઙ્     (૨) च વર્ગ – ચ્ છ્ જ્ ઝ્ ઞ્     (૩) ट વર્ગ - ટ્ ઠ્ ડ્ ઢ્ ણ્     (૪) त વર્ગ – ત્ થ્ દ્ ધ્ ન્     (૫) प વર્ગ – પ્ ફ્ બ્ ભ્ મ્ આ પાંચ વર્ગો લોકશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેનાથી વધુ વર્ગો સમજવા નહીં.

૧૦. आद्य – द्वितीय – श – ष – सा अघोषाः ।। सि.हे.श. ।। १.१.१३

वर्गाणामाद्य – द्वितीय वर्णाः श – ष – साश्व अघोषा स्युः । क् ख् च् छ् ट् ठ् त् थ् प् फ् श् ष् स् । દરેક વર્ગનો પહેલો અને બીજો અક્ષર તેમજ શ, ષ, સ અને બધા ૧૩ વ્યંજનોની ‘અઘોષ’ સંજ્ઞા થાય છે કારણ કે તેનો વિશેષ જોરદાર (પાણીદાર) ધ્વનિ નીકળતો નથી.

૧૧. अन्यो घोषवान् ।। सि.हे.श. ।। १.१.१४

अघोषेभ्योङन्यः कादिर्वर्णो घोषवान् स्यात्।ग् घ् ङ् ज् झ् ञ् ड् ढ् ण् ट् ध् न् ब् भ् म् य् र् व् ल् व् ह् । જેમની ઘોષ સંજ્ઞા કહી હતી તેના સિવયાના બાકીનાની ‘ઘોષ’ સંજ્ઞા છે. ग् घ् ड् ज् झ् ञ् ड् ढ् ण् ट् ध् न् ब् भ् म् य् र् ल् व् ह् વગેરે ૨૦ વીસ વર્ણોની ‘ઘોષ’ સંજ્ઞા થાય છે.

૧૨. य – र – ल – वा अन्तस्थाः ।। सि.हे.श. ।। १.१.१५

एते अन्तस्थाः स्यु
य् र् ल् व् આ ચાર વર્ણોની ‘અંતસ્થ’ સંજ્ઞા થાય છે. આ સૂત્રમાં अन्तस्थाः શબ્દ બહુવચનવાળો છે. તેથી य् र् ल् व् આખાં સમૂહની અંતસ્થ સંજ્ઞા થાય છે.

૧૩. तुल्यस्थानास्यस्य प्रयत्नः स्वः ।। सि.हे.श. ।। १.१.९७

અર્થાત્ જે વર્ણના સ્થાન તેમજ આસ્યપ્રયત્ન એક સરખા તુલ્ય છે તે વર્ણની પરસ્પર ‘स्व’સંજ્ઞા થાય છે. સંસ્કૃત વ્યાકરણ ભાષામાં આઠ સ્થાન અને આસ્ય પ્રયત્નો ચાર છે.

૧૪. अं-आः क – प – श – ष – साः शिट् ।। सि.हे.श. ।। १.१.१६

अ – क – पा उच्चारणार्थाः, अनुस्वार, विसर्गो वज्र गजकुम्भाऽऽकृति च वर्णो श – ष – साञ्ज शिटः स्युः ।
આ સૂત્રમાં અનુસ્વાર, વિસર્ગ, ઉપપદ્માનીય વગેરે આકાર क ख ઉપપદ્માનીય વગેરે આવા આકાર, તેમજ प फ અને श ष स એ બધા(સાત)ની ‘शिट्’ થાય છે. આ રીતે ઉપર્યુક્ત ૧૪ સૂત્રોમાં હેમચંદ્રાચાર્યે અનુક્રમે સ્વર, હસ્વ, દીર્ઘ, પ્લુત, નામી, સમાન, સન્ધ્યક્ષર, અનુસ્વાર, નાસિક્યવર્ણ, વિસર્ગ, કંઠ્યવર્ણ, વ્યંજન, ઘુટ્ વર્ગ, અંતસ્થ, ઉષ્માવર્ણ, ઘોષ, અઘોષ, શિટ્ વગેરે ૧૯ સંજ્ઞાઓ તેમજ ૩૩ વ્યંજનો અને ૧૪ સ્વરોનો નિર્દેશ કર્યો છે તે રીતે ભાષાના કુલ ૪૭ વર્ણોની સમજ આપી છે. જ્યારે પાણિનિએ ૩૪ વ્યંજનો અને ૯ સ્વરોનો ઉલ્લેખ કર્યો છે.

સંદર્ભ :::

1. સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃતિ ખંડ- ૧, સંપાદક-અનુવાદ-વિવેચક પંડિત બેચરદાસ જીવરાજ જોષી, પ્રકાશક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, પ્રથમાવૃતિ ૧૯૭૮
2. श्री वरदराजाचार्य-प्रणीता
लघुसिद्धांतकौमुदी(पूर्वार्धः)અનુવાદક : વસંતકુમાર મનુભાઈ ભટ્ટ, પ્રકાશક : સરસ્વતી પુસ્તક ભંડાર – અમદાવાદ, દ્વિતીયાવૃત્તિ – ૨૦૦૦

*************************************************** 

પ્રા.ડૉ. ગિરિશ કે. સોલંકી
કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ કૉલૅજ- અમરેલી

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us