રોગઘ્ન ઉપનિષદ્ (ઋ. 1/9/50-11થી 13)માં રોગનાશક દેવ સૂર્ય
‘ઋગ્વેદ’ને પૃથ્વી પરના પ્રાચીનતમ ગ્રંથ તરીકેનું બહુમાન પ્રાપ્ત થયેલું છે. વેદના સૂક્તના દ્રષ્ટા ઋષિઓ પિંડ બ્રહ્માંડના જ્ઞાતા હતા. યાસ્કમુનિ કહેછે કે, साक्षात्कृतधर्माणः ऋषयो बभूवुः । (નિરુક્ત અ.1) તેમણે બ્રહ્મતત્ત્વની અનુભૂતિ કરેલી હોવાથી एकविज्ञानेन सर्वविज्ञानं ।(1) એ શ્રુતિવાક્ય મુજબ બ્રહ્માંડનાં બધાં જ રહસ્યો તેમને જ્ઞાત હતાં. આ ગૂઢ રહસ્યોને તેમણે વેદમંત્રોમાં સાંકેતિક રીતે જણાવી દીધાં છે. શ્રી નર્મદાશંકર દે. મહેતાએ ભારતીય દર્શનશાસ્ત્રોનો ઉદ્ભવ અને વિકાસ ચર્ચતાં આરંભે જ લખ્યું છે કે, ‘શ્રોતસંહિતાકાલ’માં તત્ત્વચિંતન ત્રણ પદાર્થોને સ્પર્શ કરતું હતું, 1. અધિભૂત – એટલે પંચભૂતથી ઘડાયેલા વિશ્વ અથવા જગત્ સંબંધી, 2. અધિદૈવ – આ વિશ્વને આત્મા સાથે સંબંધ કરાવનાર ઇન્દ્રિયાદિ જ્ઞાનસાધન ઉપર ઉપકાર કરનાર અધિકારી દેવો સંબંધી અને 3. અધ્યાત્મ – અનુભવ કરનાર આત્મા સંબંધી. ક્રમાનુસાર नासदीय (10-129), वैश्वानर (6-9) અને वाक् (10-125) ઋગ્વેદનાં આ ત્રણેય સૂક્તોમાં ભારતીય તત્ત્વદર્શનના ત્રિવિધ વિચારો સ્પષ્ટપણે તારવી શકાય છે.(2) આ વેદમંત્રોને જો વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમજવામાં આવે તો માનવજાતને અનેક પ્રકારના લાભ થઈ શકે તેમ છે.
ઋગ્વેદ મંડલ-1, અનુવાક્-9, સૂક્ત-50ની અંતિમ 11થી 13 ઋચાઓને ‘अन्त्यस्तृचो रोगघ्न उपनिषत् ।‘ (સર્વાનુક્રમણિ – શૌનક) ‘રોગઘ્ન ઉપનિષદ’ કહેલી છે. સૂક્તના દ્રષ્ટા ઋષિ પ્રસ્કણ્વ – કાણ્વે અનુષ્ટુપ્ છંદમાં રચાયેલી 11થી 13 ઋચાઓમાં દેવતા – ‘સૂર્ય’ની સ્તુતિ દ્વારા रोगान्निरगमयत् (सा.भा.) રોગમાંથી મુક્તિ મેળવી હતી. તેથી અત્યારે પણ રોગની શાંતિ માટે આ ત્રણ ઋચાઓથી સૂર્યની ઉપાસના કરવી યોગ્ય છે. સર્વાનુક્રમણિકાર શૌનક કહે છે કે, उद्यन्नद्येति मन्त्रोऽयं सौरः पापप्रणाशनः । रोगघ्नश्च विषघ्नश्च भुक्तिमुक्तिफलप्रदः इति । અર્થાત્ આ સૂર્યમંત્રો પાપ-રોગ-વિષનાશક તેમજ ભુક્તિ અને મુક્તિનાં ફળો આપનારા છે.
उद्यन्नद्य मित्रमह आरोहन्नुत्तरां दिवम् ।
हृद्रोगं मम सूर्य हरिमाणं च नाशय ।। 11 ।।
સાયણાચાર્ય આ મંત્રને સમજાવતાં લખે છે કે, सूर्य सर्वस्य प्रेरकः બધાને પ્રવૃત્તિમાં પ્રેરનાર मित्रमहः सर्वेषाम् – अनुकूलदीप्तियुक्त બધાને મિત્રભાવે પ્રકાશ આપનાર अद्य આ સમયે उद्यन् – उदयंगच्छन् ઊગીને उत्तराम् – उद्गततरां – दिवम् – अन्तरिक्षम् । आरोहन् – हृद्रोगं – हृदयगतमान्तरं रोगं હૃદયમાં રહેલા આંતરિક રોગને हरिमाणं – शरीरगतकान्तिहरणशीलं बाह्यं रोगम् શરીરમાં રહેલી કાંતિનું હરણ કરનાર બાહ્ય રોગોને અથવા शरीरगतं हरिद्वर्णं रोग प्राप्तं वैवर्ण्यमित्यर्थः ।(3) આ બંનેનો નાશ કરો. અર્થાત્ હે મિત્રોના મિત્ર સૂર્યદેવ! આપ ઊગીને આકાશમાં ઊઠતા હૃદયરોગ અને શરીરની કાન્તિનું હરણ કરનારા રોગોને નષ્ટ કરો.
शुकेषु मे हरिमाणं रोपणाकासु दध्मसि ।
अथो हारिद्रवेषु मे हरिमाणं नि दध्मसि ।। 12 ।।
સાયણ ભાષ્ય – में मदीयं મારા हरिमाणं – शरीरगतं हरिद्वर्णस्य भाव શરીરમાં રહેલો લીલા વર્ણનો ભાવ शुकेषु तादृशं वर्णं कामयमानेषु पक्षिषु તેવા (લીલા) વર્ણની ઇચ્છાવાળા પક્ષી-પોપટોમાં તથા रोपणाकासु – शारिकासु – पक्षिविशेषेषु શારિકાઓ-પોપટીઓમાં दध्मसि – स्थापयामः । સ્થાપો. हारिद्रवेषु - हरितालद्रुमेषु – तादृग्वर्णवत्सु લીલા તાલનાં વૃક્ષોમાં મારા हरिमाणंને મૂકો. તે हरिमा લીલાપણું ત્યાં જ (પોપટ-પોપટીઓમાં અને તાલવૃક્ષોમાં જ) સુખથી બેશે. अस्मान् અમને मा बाधिष्टेत्यर्थः(4) અમને બાધા ન આપે.
उदगादयमादित्यो विश्वेन सहसा सह ।
द्विषन्तं मह्यं रन्धयन्मो अहं द्विषते रघम् ।। 13 ।।
સાયણ ભાષ્ય – अयं पुरोवर्ती આ આગળ રહેલા आदित्यः – अदितेः पुत्रः અદિતીના પુત્ર - સૂર્ય सहसा – सर्वेण बलेन સંપૂર્ણ બળથી (પ્રકાશથી) ઉદય પામીને रन्धयन् ममोपद्रवकारिणं रोगं हिंसन्(4) મારા ઉપદ્રવકારક રોગને હણતાં अहं – हुं द्विषते – अनिष्टकारिणे रोगाय અનિષ્ટકારક રોગને માટે नैव हिंसां करोमि હિંસા ન જ કરું. અર્થાત્ સૂર્ય જ અમારા અનિષ્ટકારક રોગોનો નાશ કરે.
આમ, ઉપર્યુક્ત ત્રણ ઋચાના બનેલા ઉપનિષદમાં हृद्रोगं – हृदयगतमान्तरं रोगं અને हरिमाणं – शरीरगतकान्तिहरणशीलं बाह्य रोगम्ને દૂર કરવા માટે સૂર્યની સ્તુતિ કરવામાં આવી છે. આજે દિનપ્રતિદિન રોગીઓની સંખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે. તેમાંય ‘હૃદયના રોગીઓ’ની સંખ્યા આશ્ચર્યકારક રીતે વધી રહી છે. આપણા ભારતદેશમાં જ ‘હૃદયરોગીઓ’ની સંખ્યા કરોડો ઉપર છે. તેથી હૃદયના રોગીઓ માટે આ નાનકડું ઉપનિષદ સમજવું ઘણું જ ઉપકારક થઈ રહેશે. હૃદયરોગ માટેની આધુનિક ડોક્ટરી સારવાર ઘણી જ ખર્ચાળ છે. સામાન્ય માનવીને તે પરવડે તેવી નથી. તેથી પ્રસ્તુત ઉપનિષદના ભાવને જો તાત્ત્વિક રીતે અને વૈજ્ઞાનિક રીતે સમજવામાં આવે તો દુનિયા હૃદયરોગમાંથી કાયમ માટે મુક્ત થઈ શકે તેમ છે.
સૂર્યકિરણોથી હૃદયરોગ દૂર થાય છે.(5) છાન્દોગ્યોપનિષદ – અ-8માં દહરપુંડરિક ઉપાસના અંતર્ગત “હૃદયનાડી અને સૂર્યકિરણરૂપ માર્ગની ઉપાસના” આ પ્રમાણે કહી છે - अथ या एता हृदयस्य नाड्यस्ताः पिङ्गलस्याणिम्नस्तिष्ठन्ति शुक्लस्य नीलस्य पीतस्य लोहितस्येत्य सौ वा आदित्यः पिङ्गल एष शुक्ल एष नील एष पीत एष लोहितः (छा.उ.अ. 8, खंड-6, मंत्र-1)(6) અર્થાત્ આ જે હૃદયની નાડીઓ છે તે પિંગલવર્ણ સૂક્ષ્મ રસની છે. તે શુક્લ, નીલ, પીત અને લોહિત રસની છે. કારણ કે, આ આદિત્ય પિંગલ વર્ણ છે. શુક્લ, નીલ, પીત અને લોહિત વર્ણ છે.
तद्यथा महापथ आतत उभौ ग्रामौ गच्छतीमं चामुं चैवमेवैता आदित्यस्य रश्मय उभौ लोकौ गच्छन्तीमं चामुं चामुष्मादादित्यात्प्रतायन्ते ता आसु नाडीषु सृप्ता आभ्यो नाडीभ्यः प्रतायन्ते तेऽमुष्मिन्नादित्ये सृप्ताः ।। 2 ।। (छां.उ.अ. 8, खंड-6, मंत्र-2)(7)
એ વિષયમાં આ દૃષ્ટાંત છે કે જેવી રીતે કોઈ ફેલાયેલો મોટો રસ્તો આ (નજીકમાં રહેલા) અને તે (દૂર રહેલા) બંને ગામો સુધી જાય છે, તેવી રીતે આ સૂર્યનાં કિરણો આ પુરુષમાં અને તે આદિત્યમંડલમાં બંને લોકોમાં પ્રવેશે છે. તે (કિરણો) નિરંતર આ આદિત્યમાંથી નીકળે છે અને આ નાડીઓમાં વ્યાપ્ત છે, તથા જે આ નાડીઓમાંથી નીકળે છે તે આ આદિત્યમાં વ્યાપ્ત છે.
સૂર્યનાં કિરણો રસહરણશીલ છે. સૂર્ય એ રથથી ભ્રમણ કરે છે કે જેમાં રસહરણશીલ અશ્વો લાગી રહેલા હોય છે.
भद्रा अश्वा हरितः सूर्यस्य
चित्रा एतग्वा अनुमाद्यासः ।
नमस्यन्तो दिव आ पृष्ठमस्थुः
परि द्यावा पृथिवी यन्ति सद्यः (ऋ. 1/115/3)(8)
અનુવાદ – સૂર્યના કલ્યાણકારી હરિત વર્ણના વિચિત્ર (ગન્તવ્ય) માર્ગ પર ચાલનારા તથા બધા દ્વારા આનંદિત થતા અશ્વો, નમસ્કૃત થતા દ્યુલોકની પીઠ ઉપર આરુઢ થયા છે તેઓ શીઘ્ર દ્યુલોક અને પૃથ્વીલોકને ચારે તરફથી વ્યાપ્ત કરી દે છે.
हरितः રસ હરણ કરનારા અથવા હરિત વર્ણના.
સાયણ ભાષ્ય – हरितो – रस हरणशीलः रश्मयः भद्रादिलक्षणविशिष्टाः । સૂર્યનાં કિરણોમાં દૃશ્ય પ્રકાશની સાથે સાથે અદૃશ્ય ચેતનાનો પ્રવાહ પણ રહે છે.(9)
चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः ।
आग्रा द्यावापृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्थुषश्च ।। (ऋ. 1/16/115-1)
सा.भा. ईदृग्भूतमण्डलान्तर्वती सूर्यः अन्तर्यामितया सर्वस्य प्रेरकः परमात्मा (परमेश्वरः) जगतः जङ्गमस्य तस्थुषः स्थावरस्य च आत्मा स्वरूपभूतः
उदिते हि सूर्ये मृतप्रायं सर्वं जगत् पुनश्चेतनयुक्तं सदुपलभ्यते । तथा च श्रूयते – योऽसौ तपन्नुदेति स सर्वेषां भूतानां प्राणानादायोदेति (तै.आ. 1/14/1)(10)
અર્થાત્ આવી રીતે ભૂતમંડલમાં રહેલા સૂર્ય અન્તર્યામિ રૂપે બધાના પ્રેરક પરમાત્મા છે અને જગતના જંગમ અને સ્થાવર પદાર્થોના આત્મા સ્વરૂપ છે.
સૂર્યના ઊગવાની સાથે જ મૃતપ્રાય થઈ ગયેલું સંપૂર્ણ જગત ફરીથી ચેતનવંતું થઈ જાય છે. તૈ.આ.માં કહ્યું છે, જે ભગવાન સૂર્ય ઊગે છે. તે બધાં પ્રાણીઓના પ્રાણોને લાવીને ઊગે છે.
अयुक्त सप्त शुन्ध्युवः सूरो रथस्य नप्त्यः ताभिर्याति । स्वयुक्तिभिः । (सामवेद, खंड-5, मंत्र-13)
અર્થાત્ સૂર્યે શુદ્ધ કરનારા સાત ઘોડા (સપ્તરંગી કિરણો)ને પોતાના રથમાં જોડ્યા છે. રથ ચલાવનાર ઘોડારૂપી કિરણોથી પોતાની શક્તિ દ્વારા સૂર્યદેવ બધે સ્થળે જાય છે. વૈજ્ઞાનિક સંદર્ભમાં સૂર્યનાં સાત કિરણોને ‘બૈનીઆહપીનાલા’, બૈ - બૈગની – જાંબલી, ની – નીલો (ગાઢ ભૂરો), આ – આસમાની (આછો ભૂરો), હ – હરા (લીલો), પી – પીળો, ના – નારંગી, લા – લાલ, મંત્રમાં એને જ સૂર્યના સાત ઘોડા કહેવામાં આવેલા છે.(11)
કવિ મયૂર ભટ્ટને કુષ્ઠરોગ થયો હતો. તેના નિવારણ માટે તેમણે સૂર્ય ભગવાનની સુંદર સ્તુતિ રચી છે, જે सूर्यशतक સ્રગ્ધરા વૃત્તમાં લખાયેલું મનોહર સ્તુતિકાવ્ય છે, જેમાં કવિએ સૂર્યના રથ-ઘોડા વગેરેનું સુંદર વર્ણન કર્યું છે.(12)
ઋષિ પ્રસ્કણ્વ - સૂર્યની સ્તુતિ કરતાં કહે છે કે, મારા રોગોને शुकेषु તેમજ हारिद्रवेषुમાં સ્થાપિત કરો. તેમની આ દૃષ્ટિ પાછળ પણ કોઈ વૈજ્ઞાનિક-આયુર્વેદિક દૃષ્ટિ રહેલી હોય તેમ જણાય છે.
શુક, રોપણાકા અને હરિદ્રવ - ઓષધિના વર્ગવિશેષ પણ કહેવામાં આવ્યા છે.
ઋગ્વેદ-10-97 ઓષધિ સૂક્તમાં રોગનાશક જુદી જુદી ઓષધિઓની સ્તુતિ કરવામાં આવી છે. જેમ કે,
अश्वावतीं सोमावतीमूर्जयन्तीमुदोजसम् ।
आवित्सि सर्वा ओषधीरस्मा अरिष्टतातये ।।
અર્થાત્ અશ્વવતી, સોમવતી, ઊર્જયન્તી અને ઉદોજસ નામની બધી ઓષધિઓને (હું) આ રોગનો વિનાશ કરવા માટે સ્તવું છું. આ ઓષધિઓનાં નામો આડકતરી રીતે સૂર્ય સાથે સંબંધ ધરાવે તેવાં જણાય છે.(13)
મંત્ર-9માં ‘ઇષ્કૃતિ’ અને ‘નિષ્કૃતિ’ નામની બે ઓષધિઓની વાત કરવામાં આવી છે. પ્રા. વેલણકર મુજબ ઇષ્કૃતિ નામની ઓષધિ રોગીના શરીરમાં નવી શક્તિ સીંચે છે અને નિષ્કૃતિ રોગનાં કારણોને શરીરમાંથી બહાર કાઢે છે.(14)
या ओषधीः सोमराज्ञीर्बहवीः शतविचक्षणाः ।
तासां त्वमस्युत्तमारं कामोय शं हृदे ।।
અનુવાદ – સોમ (નામની વનસ્પતિ) છે. રાજા જેમની, તથા જે અસંખ્ય છે અને જે સેંકડોને જોનારી (અથવા જે સેંકડો શક્તિઓવાળી) છે, તેવી તે ઓષધિ છે. એમાંથી તું ઉત્તમ છે. વળી, તું (બધી) કામનાઓ (પૂરી કરવા) માટે પૂરતી (શક્તિશાળી) છે અને હૃદયને માટે (તું) સુખકારી પણ છે (हृदे – हृदयाय शं – सुखकर). પ્રા. વેલણકર કહે છે કે, અહીં કોઈક ચોક્કસ
ઓષધિને સંબોધીને તેને ઉત્તમ કહેવામાં આવી છે.(15) કોશગ્રંથોએ ઓળખાવેલી ઓષધિઓને પણ જોઈએ તો हरिद्रा સ્ત્રી - હળદર (અમરકોશ, 2/9/41)(16) हरिद्रवः हरिद्रुम દારુ હળદર, हरितः हरित् હર્યું, લીલું. (અમરકોશ, 1/5/14), ताल પુ. તાડ (અમરકોશ, 2/4/168). शुकः - (1) तोता (2) सिरस का पेड(17) हरिद्रा - हलदी, हरित् (1) हरा, हरियाला, (2) पीला, पीलासा, (3) हरियाली लिये पीला, (2) सूर्य का घोडा, रोपणम् – पौधा लगाना – व्रण आदि पर स्वास्थ्यप्रद औषध का प्रयोग(18) हारिद्रः एक वानस्पतिक विष(19) रोपणका એ ઋગ્વેદમાં, हारिद्रव એ યજુર્વેદમાં અને हरिद्रा એ બ્રાહ્મણ ગ્રંથોમાં નિર્દિષ્ટ વનસ્પતિઓ છે. हरिमा पाण्डु કમળા માટે ‘हरिमा’ શબ્દનો પ્રયોગ થયો છે. આની ચિકિત્સામાં સૂર્યકિરણોનું સેવન કરાવવામાં આવે છે. ઉપદ્રવસ્વરૂપે તેમાં હૃદ્રોગ પણ મળી આવતો હતો.(20)
ઋગ્વેદ-10-163 – યક્ષ્મનાશન સૂક્ત છે. આ સૂક્તમાં કોઈ દેવતાનું એક પણ નામ જોવા મળતું નથી. કેવળ यक्ष्मं विवृहामि ते । એવી ધ્રુવપંક્તિ પ્રત્યેક મંત્રના અંતે આવેલી છે. પ્રો. ડો. વસન્તકુમાર મ. ભટ્ટ કહે છે કે, અહીંયાં દેવતાનું નામ અને ઋષિનું નામ કદાચ ભુલાઈ ગયાં હશે. (ऋग्वेदः दशमं मण्डलम्, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, પ્ર.આ. 1992, પૃ. 734) અહીંયાં મંત્રોમાં આખા શરીરનાં તમામ અંગોમાંથી રોગોને દૂર કરવાનો સંકલ્પ જાહેર થયો છે. ઋગ્વેદ-10-125 वाग्म्भृणीसूक्तમાં ઋષિકા પોતાને પરમાત્મા સ્વરૂપે પ્રકલ્પીને પોતાની આ સૂક્તમાં સ્તુતિ કરે છે. अहं रुद्रेभिर्वसुभिश्चरामि આ શબ્દોથી શરૂ થતા આ સૂક્તમાં ઋષિકા પરમાત્માતત્ત્વ સાથે તાદાત્મ્ય અનુભવીને સમસ્ત જગતના અધિષ્ઠાન અને સર્વ સ્વરૂપે હું જ છું એમ પોતાના આત્માની સ્તુતિ કરે છે. તેવી જ રીતે ઋગ્વેદ-4-26માં પણ સૂક્તના દ્રષ્ટા ઋષિ વામદેવ પોતાની વ્યાપક આત્મારૂપે સ્તુતિ કરે છે, अहं मनुरभवं सूर्यश्चाहं कक्षीवाँ ऋषिरस्मि विप्रः । હું જ મનુ થયો, હું જ સૂર્ય છું.(21)
છેક વૈદિકકાળથી જ રોગનાશક દેવ તરીકે ‘સૂર્યદેવ’ પ્રસિદ્ધ થયેલા છે. તેથી અહીંયાં ઋગ્વેદ-10-163 – યક્ષ્મનાશન સૂક્તમાં સૂર્ય સાથે તાદાત્મ્ય અનુભવીને કોઈ સૂર્યપુત્ર ઋષિ પોતાને સૂર્ય તરીકે જ પ્રસ્તુત કરીને यक्ष्मं विवृहामि ते । શરીરમાં રહેલાં તમામ અંગોમાંથી રોગને દૂર કરવાનું કહી રહ્યા હશે એવું લાગે છે. તેથી જ કદાચ આ સૂક્તમાં ઋષિનું કે દેવતાનું નામ નથી. આ માત્ર મારી પોતાની જ ઉત્કલ્પના છે. તેને માટે કોઈ ચોક્કસ પ્રમાણ મળી શક્યું નથી.
નીરોગી શરીર માટે પ્રાચીન ઋષિઓએ ‘સૂર્યનમસ્કાર’નો વિશેષ આગ્રહ રાખ્યો છે, જેને આ ઉપનિષદની ઋચાઓથી સમર્થન મળે છે. પૂ. પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી કહે છે કે, “સૂર્ય પ્રકાશ આપે છે અને વધારામાં શક્તિ આપે છે. આજના વૈજ્ઞાનિકો કહે છે કે દર સેકંડે સૂર્ય બે લાખ ટન શક્તિ (Energy) આપે છે. વૈજ્ઞાનિકો કહે છે તે માપ સાચું છે કે તેમાં ફરક છે એ આપણને આગળની પેઢી કહેશે પણ એમની વાત સાચી છે એમ ગણીએ તોપણ માણસ પાસે એટલી ખાનદાની હોવી જોઈએ કે કૃતજ્ઞતાથી એ સૂર્યને નમસ્કાર કરે.” સૂર્ય આટલો તપે છે તેથી જ આપણા શરીરમાં અઠ્ઠાણું (98) ડિગ્રી ગરમી રહે છે. તે જો ઘટી જાય અથવા વધી જાય તો માણસ ખલાસ થઈ જાય.(22)
પોતાના પ્રવચનમાં પૂ. પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી કહે છે કે, પ્રાચીનકાળમાં તપોવનમાં નિયમિત રીતે વિદ્યાર્થીઓ સૂર્યનમસ્કાર કરતા હતા. વિદ્યાર્થીઓએ સૂર્યનમસ્કાર કરવા જ જોઈએ. સૂર્યનમસ્કારથી શરીર તો સારું થાય જ છે પણ મન અને બુદ્ધિનો પણ વિકાસ થાય છે.(23)
આમ, વૈદિકકાળથી શરૂ કરીને આજના સમય સુધી સૂર્ય ભગવાન રોગનાશક દેવ તરીકે પ્રસિદ્ધ થયેલા છે. આપણે તેની વૈજ્ઞાનિક અને આયુર્વેદિક ઉપયોગિતા બરાબર સમજી લઈશું તો આપણું શરીર તમામ રોગોથી મુક્ત થઈ જશે, એમાં શંકાને કોઈ જ સ્થાન નથી.
ॐ अर्काय नमः ।
पादटीप :::
- ब्रह्मसूत्र, शांकरभाष्यम्, स्मृतिपाद, અનુવાદકઃ ડો. લક્ષ્મેશ વી. જોશી, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. 1988, પૃ. 97
- ऋग्वेदः दशमं मण्डलम् (દશમા મંડલનાં પસંદગીનાં સૂક્તો), સંપાદકોઃ ડો. વસન્તકુમાર મ. ભટ્ટ, પ્રા. કે. વી. મહેતા, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, પ્ર.આ. 1992, પૃ. 660
- ऋग्वेद संहिता, श्रीमत्सायणाचार्य विरचित, भाष्यसमेता, प्रथममण्डलात्मकः, प्रथमो भागः, वैदिक, संशोधन मण्डलेन, (पूणे), प्रकाशिता, शाके 1916, पृ. 350
- એજન, પૃ. 351
- वैदिक वाग्धारा (विद्यावाचस्पति पं. मधुसूदनजी ओझा के व्याख्यान–आलेखों का संग्रह), प्रद्युम्न कुमार शर्मा, प्रकाशकः राजस्थान पत्रिका, जयपुर-1, प्रथमावृत्तिः अगस्त 1995, पृ. 17
- छान्दोग्योपनिषद (सानुवाद, शाङ्करभाष्यसहित), गीता प्रेस, गोरखपुर, सं. 2052, आठवाँ संस्करण, पृ. 854
- એજન, પૃ. 856
- वैदिक सूक्तसंग्रह, डो. अयोध्या प्रसादसिंह एवं डो. रामाशिष पाण्डेय, मोतीलाल बनारसीदास, दिल्ली, प्रथम संस्करण 1987, पृ. 39
- ઋગ્વેદ સંહિતા, સરળ ગુજરાતી ભાવાર્થ સહિત, ભાગ-1, સંપાદકઃ વેદમૂર્તિ તપોનિષ્ઠ પં. શ્રીરામ શર્મા આચાર્ય, ભગવતી દેવી શર્મા, પ્રકાશકઃ બ્રહ્મવર્ચસ, શાંતિકુંજ, હરિદ્વાર, (ઉ.પ્ર.), પ્ર.આ. 1994, પૃ. 173
- ऋग्वेद संहिता, श्रीमत्सायणाचार्य विरचित, भाष्य समेता, प्रथमो भागः, वैदिक संशोधन मण्डल, पूणे, शाके 1916, पृ. 708
- સામવેદ સંહિતા (સરળ ગુજરાતી ભાવાર્થ સહિત), વેદમૂર્તિ તપોનિષ્ઠ પં. શ્રીરામ શર્મા આચાર્ય, પ્રકાશકઃ બ્રહ્મવર્ચસ, શાંતિકુંજ, હરિદ્વાર, તૃ.આ. 2001, પૃ. 611
- संस्कृत साहित्य का इतिहास, आचार्य बलदेव उपाध्याय, प्रकाशकः शारदा निकेतन, वाराणसी, दशम संस्करण, पुनर्मुद्रण 2001, पृ. 350
- ऋग्वेदः दशमं मण्डलम् (દશમા મંડલના પસંદગીનાં સૂક્તો), સંપાદકોઃ ડો. વસન્તકુમાર મ. ભટ્ટ, પ્રા. કે. વી. મહેતા, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, પ્ર.આ. 1992, પૃ. 525
- એજન, પૃ. 526
- એજન, પૃ. 533
- અમરકોશ, ડો. કે. કા. શાસ્ત્રી, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, દ્વિ.આ. 1998, પૃ. 292
- संस्कृत-हिन्दीकोश, वामन शिवराम आप्टे, प्रकाशकः न्यू भारतीय बुक कोर्पोरेशन, दिल्ली, अष्टम् संस्करण 2004, पृ. 1022
- એજન, पृ. 1167
- એજન, पृ. 1361
- आयुर्वेद का वैज्ञानिक इतिहास, आचार्य प्रियव्रत शर्मा, चौरवम्भां ओरियन्टालिया, वाराणसी, षष्ठम् संस्करण 2002, पृ. 251
- ऋग्वेदः दशमं मण्डलम् (દશમા મંડલના પસંદગીનાં સૂક્તો), સંપાદકોઃ ડો. વસન્તકુમાર મ. ભટ્ટ, પ્રા. કે. વી. મહેતા, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, પ્ર.આ. 1992, પૃ. 98
- श्रीकृष्णाष्टकम् (પૂ. પાંડુરંગશાસ્ત્રીજીનાં પ્રવચનોનું સંકલન), પ્રકાશકઃ સદ્વિચારદર્શન, વિમલ જ્યોતિ, મુંબઈ, સા.આ. જૂન 1994, પૃ. 146
- સંસ્કૃતિ ચિંતન (પ્રાતઃસ્મરણીય પૂ.શ્રી પાંડુરંગશાસ્ત્રી આઠવલેજીનાં પ્રકીર્ણ પ્રવચનોના આધારે), પ્રકાશકઃ સદ્વિચારદર્શન, નિર્મલ નિકેતન, મુંબઈ, 11મી આ. સપ્ટેમ્બર, 1996, પૃ. 206
સંદર્ભ-ગ્રંથસૂચિ
- ब्रह्मसूत्र, शांकरभाष्यम्, स्मृतिपाद, અનુવાદકઃ ડો. લક્ષ્મેશ વી. જોષી, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. 1988
- ऋग्वेदः दशमं मण्डलम् (દશમા મંડળનાં પસંદગીનાં સૂક્તો), સંપાદકોઃ ડો. વસંતકુમાર મ. ભટ્ટ, પ્રા. કે. વી. મહેતા, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, પ્ર.આ. 1992
- ऋग्वेद संहिता, श्रीमत्सायणाचार्य विरचित, भाष्य समेता, प्रथममण्डलात्मकः, प्रथमो भागः, वैदिक संशोधन मण्डलेन, पूणे प्रकाशिता, शाके 1916
- वैदिक वाग्धारा (विद्यावाचस्पति पं. मधुसूदनजी ओझा के व्याख्यान-आलेखों का संग्रह), प्रद्युम्न कुमार शर्मा, प्रकाशकः राजस्थान पत्रिका, जयपुर, प्रथमावृत्तिः अगस्त 1995
- छान्दोग्योपनिषद् (सानुवादशाङ्करभाष्य सहित), गीता प्रेस, गोरखपुर, सं. 2052, आठवाँ संस्करण
- वैदिक-सूक्तसंग्रह, डो. अयोध्या प्रसादसिंह एवं डो. रामाशिष पाण्डेय, मोतीलाल बनारसीदास, दिल्ली, प्रथम संस्करण 1987
- ઋગ્વેદ સંહિતા, સરળ ગુજરાતી ભાવાર્થ સહિત, ભાગ-1, સંપાદકઃ વેદમૂર્તિ તપોનિષ્ઠ પં. શ્રીરામ શર્મા આચાર્ય, ભગવતી દેવી શર્મા, પ્રકાશકઃ બ્રહ્મવર્ચસ, શાંતિકુંજ, હરિદ્વાર (ઉ.પ્ર.), પ્ર.આ. 1994
- સામવેદ સંહિતા (સરળ ગુજરાતી ભાવાર્થ સહિત), વેદમૂર્તિ, તપોનિષ્ઠ પં. શ્રીરામ શર્મા આચાર્ય, પ્રકાશકઃ બ્રહ્મવર્ચસ, શાંતિકુંજ, હરિદ્વાર, તૃ.આ. 2001
- संस्कृत साहित्य का इतिहास, आचार्य बलदेव उपाध्याय, प्रकाशकः शारदानिकेतन, वाराणसी, दशम् संस्करण, पुनर्मुद्रण 2001
- અમરકોશ, ડો. કે. કા. શાસ્ત્રી, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, દ્વિ.આ. 1998
- संस्कृत-हिन्दीकोश, वामन शिवराम आप्टे, प्रकाशकः न्यू भारतीय बुक कोर्पोरेशन, दिल्ली, अष्टम् संस्करण 2004
- आयुर्वेद का वैज्ञानिक इतिहास, आचार्य प्रियव्रत शर्मा, चौखम्भा ओरियन्टालिया, वाराणसी, षष्ठम् संस्करण 2002
- श्रीकृष्णाष्टकम् (પૂ. પાંડુરંગશાસ્ત્રીજીનાં પ્રવચનોનું સંકલન), પ્રકાશકઃ સદ્વિચારદર્શન, વિમલ જયોતિ, મુંબઈ, સા.આ. જૂન 1994
- સંસ્કૃતિ ચિંતન (પ્રાતઃસ્મરણીય પૂ. શ્રી પાંડુરંગશાસ્ત્રી આઠવલેનાં પ્રકીર્ણ પ્રવચનોના આધારે), પ્રકાશકઃ સદ્વિચારદર્શન, નિર્મલ નિકેતન, મુંબઈ, 11મી આવૃત્તિ સપ્ટેમ્બર 1996
***************************************************
પ્રા. મયારામ કે. પટેલ
આસિ. પ્રોફેસર, સંસ્કૃત વિભાગ,
સરકારી વિનયન કોલેજ, સેક્ટર નં. 15, ગાંધીનગર |