logo

‘સર્જનાત્મક અભિવ્યક્તિ એટલે કળા’

ઇશ્વર એકલો રહી ન શક્યો એટલે તેની ગમ્મત માટે માનવ પેદા કર્યો. આવા સર્જન વગર નહી જીવી શકવાના સંસ્કાર પછી માનવમાં આવ્યા. તે કંઇક ને કંઇક નવું સર્જવા માગે છે. ઇશ્વરે બક્ષેલી ક્રિએટિવિટિને વાચા આપવા માગે છે તેથી કાવ્યો,નવલકથાઓ,કથાઓ,ચિત્રો,ફિલ્મો,શિલ્પો વગેરે કલઓ પેદા થાય છે. ‘પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાક્રુષ્ણને કહેલુ કે માનવસંસ્ક્રુતિ એ માટે જ છે કે તે આપણામાં છુપાઇ રહેલી કે ધરબાયેલી સર્જનશીલતા ને બહાર લાવે.’ માટે કોઇની સર્જનશીલતા આડે અવરોધ મુકવો ન જોઇએ. જર્મન ફિલસૂફી નિત્સેએ પણ કહેલુ કે “મારા વિચાર આડે જે અવરોધ મુકે છે તે મારા જીવન ને મર્યાદિત બનાવે છે.”

પોતાના સર્જનની અભિવ્યક્તિ આડે અવરોધ આવે તેના જેવી કોઇ પીડા નથી. બે વ્યક્તિ વચ્ચે ધનિષ્ઠ પ્રેમ હોય ત્યારે બન્ને પ્રેમીને ભેગા થતા રોકવા એ તેમના અસ્તિત્વને રોકવા બરાબર છે. પ્રેમની ભાષા જ પીડાદાયી છે જ્યારે તમે કોઇ ને બધુ જ સમર્પી દો છો ત્યારે તમે જાતે જ તમારા પગ નીચેની ધરતીને ખસેડી દો છો, હદયને તોડી નાખો છો. ખાસ તો તમને પ્રેમમાં કોઇ એકરાર કરે ત્યારે જેવી પીડા થાય છે તે પીડા કોઇ સર્જક ને કવિતા કે લેખન ની સર્જનાત્મક અભિવ્યક્તિ કરવા પ્રેરે છે.

મનોવિજ્ઞાની ડો. ઇયાન મુરે લંડનના ટાઇમ્સમાં લખેલુ કે ‘તમારામાં થોડુક ગાંડપણ હોય તો જ સર્જક્તા વધુ સારી રીતે ખીલે છે.’ અર્થાત સાચા સર્જકો કે અતિ મેઘા શક્તિવાળા લોકો થોડાક ચક્રમ હોય છે. તેમનામા સર્જવાની ઘેલછા હોય છે. તે મૂડી હોય છે. ચાલ્સૅ ડીકન્સ ને લખ્યા વગર ચાલે જ નહીં તેનો લેખ ન છપાય ત્યા સુધી ઊંઘે નહી, પણ તેમની ચિંતાઓ- બેચેનીનો એક જ ઇલાજ હતો લેખન. સર્જનશીલતાનો એવો ધોધ હતો કે એક સાથે બે-ત્રણ પુસ્તકો સાથે લખવાનું શરુ કરતા કારણ કે તે પત્રકાર હતા,અભિનેતા હતા,સામાજિક સુધારક હતા આવા સર્જકની સર્જનશીલતાનો કોઇ પાર નહોતો.

આવા જ એક બીજા સર્જક હતા. તેમનું નામ પ્રખ્યાત છે.બાલ્ઝાક આ ફ્રેચ નવલકથાકાર હતા તેમને લખ્યા વગર જંપ જ ન થતી તે ઘણી વખત ગજા વગર નુ દેવુ કરતા જેથી દેવુ ભરપાઇ કરવાના દબાણામાં નવી નવલકથા લખવાની ફરજ પડે! સવારે ઉઠીને ટેબલ પર બેસી જતા બીજી પણ એક વિચિત્ર તેમની માનસિકતા હતી તેમને અતિ ધનિક અને વૈભવવાળી સ્ત્રીના પ્રેમમાં પડવાનું જાણે વ્યસન થઇ ગયેલુ. શું કામ? તે કહેતો કે ‘મને ગળા સુધી ખાતરી છે કે આ પ્રેમિકા બેવફા થવાની છે. પણ તેનાથી થયેલી પીડામાંથી હું સર્જન કરી શકીશ! આમ સર્જનશીલતા તેમના માટે આત્મસર્જન બની જાય છે.

શબ્દ અને અર્થના માધ્યમથી,કલ્પનાના વ્યાપાર વડે, અનુભુતિને અભિવ્યક્ત કરવાની કલા એ સાહિત્યકલા છે. એવી ઉભડક વાત આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ પણ સાહિત્યકલાનુ ઉપાદાન કે માધ્યમ શબ્દાર્થ છે. અને આ ઉપાદાન કે માધ્યમથી કોઇ પણ સર્જક પોતીકી સ્વકીય અનુભુતિને અભિવ્યક્ત કરવા માટે પ્રવ્રુત થાય છે. ત્યારે એ પોતાની અનુભુતિને સાવ એમને એમ જ વ્યક્ત કરતો નથી પણ પોતીકી અનુભુતિને એ કલ્પના ના રંગે રંગીને રજુ કરે છે. એટલે જ સાહિત્યકલામા શબ્દાર્થ, કલ્પના, અનુભુતિ અને અભિવ્યક્તિ એ ચાર વાનાં અત્યંત જરૂરી બની રહે છે

ડો. એંન્થની સ્ટોર નામના મનોવિજ્ઞાની એ લખ્યુ છે કે ‘માનવજાત એટલે જ વિકસી છે કે આપણે આજુબાજુના પર્યાવરણ કે સામાજિક વાતાવરણને પૂર્ણ રીતે અનુરૂપ હોઇ એ તેવા શરૂમાં હોતા નથી અને એ વાતાવરણમા જ્યાં ચારેકોર વિરોધ હોય ત્યાં અનુકુલન સાધવા માટે તમારે સર્જક, શોધક કે નવા નવા વિચારો અમલમા મૂકતાં શીખવું જોઇએ.. વળી તમારા વિચારો સ્વીકારાય જ એવી જીદ રાખવી ન જોઇએ’ કમલહસને તો દેશ છોડવાની વાત કરી પણ અમુક જિદી સર્જકો તો દેહ છોડી દે છે! ઇગ્લેંન્ડના વાસ્તવવાદી કવિ ડો. જ્હોન ડોનએ એક પુસ્તક લખ્યુ છે તેનુ નામ છે ‘ડિફેંન્સ ઓફ સૂઇસાઇડ એંન્ડ રાઇટ્સ’ આ પુસ્તકમાં અર્નેસ્ટ હેમિગ્યે, વજીનિયા વૂલ્ફ, વગરે લેખકો એ આત્મહત્યા કરી હતી. પોતાના વિચારો ને યોગ્ય અભિવ્યક્તિ ન મળવાથી ડિપ્રેશનમાં આવીને આપઘાત કરવાનુ વિચારતા હતા. આમ, વિવિધ ફિલોસોફરો અને મેથેમેટીશિયનો પોતાની સર્જક્તા સાથે જ તલ્લીન હતા. ડૉ. એંન્થની સ્ટોરએ તેના પુસ્તક માટે ૪૭ જેટલા સાહિત્યના કે કલાના કે ફિલ્મના એવોડૅ મેળવનારનો સર્વે કર્યો તો ૩૦ ટકા જેટલા સર્જકો લગભગ સાયકીએટીક દર્દી હતા. કેટલાય સર્જકોના સર્જન રિજેકટ થયા હતા અરે અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકન યુદ્ધ લડીને પાછા આવ્યા પછી વેપારી તરીકે નિષ્ફ્ળ ગયા. વકીલાતમાં સફળ ન થયા તેઓ એવા મિજાજી હતા કે અમુક વાતમા હાથે કરીને બાજી બગાડી નાખતા એ પછી પોલિટિશિયન તરીકે આવ્યા ત્યારે તે પાંચ પાંચ વખત ચૂંટણીઓ કે નોમિનેશનમાં નિષ્ફ્ળ ગયા હતા. તે પછી લાંબે વખતે પ્રમુખ થયા તે પહેલા તે નિષ્ફ્ળતાઓથી સફળતા તરફ ગયા ત્યારે તે કળાની અભિવ્યક્તિ સારી રીતે કરી શક્યા.

*************************************************** 

પ્રા. વર્ષા એન ચૌધરી
સરકારી વિનયન કોલેજ, અમીરગઢ
તા. અમીરગઢ જિ. બનાસકાંઠા

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us