logo

સામ્પ્રત સમયમાં અખાની પ્રસ્તુતિ

પ્રસ્તાવના :-

સાહિત્ય જગતમાં કેટલાક સર્જકો પોતાના વાચકવર્ગ પૂરતા સીમિત હોય છે, કેટલાક પોતાના સમય પૂરતા, કેટલાક પોતાના યુગ પૂરતા પણ કેટલાક સર્જકો (ખૂબજ ઓછા) કાલાતિત હોય છે. તેમનું સર્જન સમયે સમયે તાજું જ જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થયેલા કેટલાક (આંગળીના વેઢે ગણાય એટલા) કવિઓ આજે પણ એટલા જ પ્રસ્તુત છે, જેટલાતેમના સમયમાં હતા. મધ્યકાળનો અખો આજે પણ પ્રસ્તુત છે. તેના વિચારો અને રચનાઓ આજે પણ સમાજ પર વિંઝાતી હોય તેમ દેખાય છે.

સમયની દૃષ્ટિએ અનેક મતમતાંતરો જોવા મળે છે. ઉમાશંકર જોશી અખાનો સમય સંવત 1697 થી 1705 હોવાનું માન્યું છે.1 તો કે.કા. શાસ્ત્રી ‘પંચીકરણ’ ની ભાષાને આધારે તેને જન્મ ઇ. સ. 1644 (સંવત 1697) માને છે.2 અનંતરાય રાવળ અખાનો જીવનકાળ ઇ.સ. 1591 થી 1657 માને છે.3 જો કે આવા અનેક મંતવ્યોને આધારે તેનો જીવન સમય સંવત 1644 થી 1709 ( ઇ.સ. 1591 થી 1656) ગણી શકાય.4

અખો એ મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાનો સાર્જક છે. તેણે અનેક ગ્રંથો લખ્યા જેમાં ‘પંચીકરણ’, ‘ચિત્તવિચાર સંવાદ’, ‘ગુરુશિષ્ય સંવાદ’, ‘અખેગીતા’, ‘અનુભવ બિંદુ’ તથા હિન્દી માં ‘સંતપ્રિયા’ છે. આ સિવાય અખાએ છપ્પા લખ્યા છે જે સમાજના દંભ ઉપર ચાબુકની જેમ વિંજાય છે. જ્ઞાનની જ્યોત જગાવનાર આ અખો તેના સમાજ અને સમય કરતા ઘણો આગળ હતો છતાં તે મધ્યકાલીન સમાજ તેને ઓળખી ન શક્યો જોકે અખાના છપ્પા આજે એકવીસમી સદીમાં પણ પ્રસ્તુત છે. સમાજમાં વખોડાયેલો અખો વિવેચકોમાં વખણાયો છે. સાહિત્યમાં સારસ્વત મનાયો છે. જ્ઞાનીઓ વચ્ચે પણ તેની આગવી પ્રતિભા ઝળકી છે. ઉમાશંકર જોશી અખાને જ્ઞાનમાર્ગી કવિતાનું શિખર5 કહે છે. પરંતુ આ અખો આપણી વચ્ચેથી આજે પણ ભૂલાયેલો જ છે. આજની આધુનિક પેઢીને સર્જકોના નામ પુછીએ તો ચેતન ભગત અને અરુંધતી રૉય જેવાના નામ પઢાયેલા પોપટની જેમ બોલી જશે પણ ગુજરાતી સાહિત્યના કવીઓ અને તેમાં પણ અખા જેવા કવિઓના નામ તો તેમને ભાગ્યે જ યાદ હશે અથવા આવડતા પણ હશે. અપણો અખો માત્ર સાહિત્ય અભ્યાસક્રમ અને વિવેચકોના વર્તુળમાં જ રહી ગયો છે. અખાને સમાજની વચ્ચે લાવવાન ગણા પ્રયત્નો થયા છે પણ તે નિરર્થક બની રહ્યા છે. અખાના સર્જનનું અંગ્રેજી અનુવાદ કરીને તેને આધુનિક પેઢી સામે મૂકવાના પ્રયત્નો પણ થયા છે. આજના દંભી – આધુનિક માનવ સમુદાયને અખાના અતિઆધુનિક વિચારોની તાતી જરુરીયાત છે. અખાના છપ્પા આજે પણ એટલાજ પ્રસ્તુત છે જેટલા તેના સમયમાં હતા.

અખાએ સમજમાં ચાલતા પાખંડો ઉપર સવિશેષ પોતાની કલમ ચલાવી છે. તેણે અધૂરા ઘડા જેવા અને બની બેઠેલા ગુરુઓ ઉપર પોતાના છપ્પામાં ખુબજ તીખા તેવરમાં રજુઆત કરી છે. અખાની આ વાત આજે પણ એટલીજ અથવા તેના કરતા પણ વધારે લાગુ પડે છે. આ વાત કોઇ એક ધર્મના ગુરુઓને લાગુ ન પડતા તમામ ધર્મો અને સંપ્રદાયોના વડાઓને લાગુ પદે છે.

પોતે હરિને ન જણે લેશે, (ને)
કાઢી બેઠો ગુરુનો વેશ.
જ્યમ સાપને ઘેર પરોણો સાપ,
મુખ ચાટી વળ્યો ઘેર આપ.
આવે ગુરુ ઘણા સંસાર,
અખા શું મૂકે ભવ પાર?6

સાંમ્પ્રત સમયમાં તો આવા ઢોંગી ગુરુઓનો રાફડો ફાટી નીકળ્યો છે. તાજેતરમાં જ આપણી સામક્ષ આવેલી ‘ઓહ ! માય ગોડ’ ફિલ્મ તેનો જ પડઘો પાડે છે. અખો તો સ્વયમ પરમત્માને જ પોતના ગુરુ માનવાની વાત કરે છે.

ગુરુ મારો નવ અવતરે અને નવ ઘરે ગર્ભવાસ
ઊપજે અને વણસે ખરો એ તો માયાનો વિસ્તાર 7

જોકે ઇશ્વરને ગુરુ માનવા એ બાબત આધ્યાત્મિક રીતે પછાત માનવ સમુદાયમાં મહદઅંશે અસ્વીકાર્ય જ રહી છે. અને એથી જ આજે અનેક સમ્પ્રદાયો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ખાનગી કે સરકારી કંપનીની જેમ આ સંપ્રદાયો પોતાના આગવા સિમ્બોલ રાખે છે. અખાએ એના પર પણ પોતાના મંતવ્યો કહ્યાં છે.

તિલક કરતા ત્રેપન થયા
જપમાળાના નાકાં ગયાં 8

માણસ નિરાશાની ભીડમાં ઇશ્વરને શોધતો રહે છે. તિર્થોનો મહિમા ઘણો વધ્યો છે- વધારવામાં આવ્યો છે. લોકમાનસમાં તીર્થે ચાલતા જવાની ગેલછા વધતી જાય છે. ધીમે ધીમે તે ફેશનનું સ્વરુપ ધારણ કરતી જાય છે. તેમાં વ્યક્તિ ઇશ્વરને બદલે આનંદને વધારે મહત્વ આપતો હોય એવું જણાય છે. આથીજ અખાએ કહ્યુ છે.

તીરથ ફરી ફરી થાક્યા ચરણ
તોએ ન પહોંચ્યા હરી ને શરણ 9

કણેકણમાં વસનાર ઇશ્વરને માનવે મન ફાવે ત્યાં સ્થાપ્યો છે તો પછી ઇશ્વર ક્યાંથી મળે. જે મનુષ્ય માટે હોટલ અને મંદિર સમાન હોય તેને ઇશ્વર પ્રાપ્તી કેવી રીતે થાય! આજના સમયમાં કથાનો ટ્રેંડ પણ પ્રમાણમાં સારો વિક્સ્યો છે. જોકે કથા સાંભળવાથી આપણને આનંદ મળે છે પણ બ્રહ્મજ્ઞાન મળતું નથી. આથીજ અખો કહે છે-

કથા સુણી સુણી ફૂટ્યા કાન
તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન 10

આજે રામાયણ સાંભળવા માટે અનેક વ્યક્તિઓ જાય છે, અરે કથાકારો પણ એટલા વિશાળ માત્રામાં જોવા મળે છે. છાતી ચિરીને રામ બતાવનારના દેશમાં રહેનર વ્યક્તિની છાતીમાં રામ વસી પણ નથી શકતો. માત્ર ઘર અને સંસાર છોડવો એ જ સાચી પ્રભુભક્તિ નથી રામતો સંસારના કણેકણમાં છે. તે પોતાના ઘરમાંજ છે, તો ખોટો વનવાસ શા માટે! એતો ભાઘેડું વૃત્તિ છે. કેટલાક સંપ્રદાયો આવા સંસારત્યાગના તર્ક વિહોણા સમર્થન કરે છે તેના પર અખો કહે છે-

રામ રડવડતા કેને મળ્યો, ઘેલોને ઘરસુખથી ટળ્યો.
હું મારું ખોયા શું કામ, મળે અખા ઘરબેઠા રામ.11

આપણો સમાજ પ્રારબ્ધ અને ગ્રહદશામાં વિશેષ માને છે. અને આ કહેવાતા બુધ્ધિજીવી અને ચતુરવર્ગને લુંટવા માટે ઘુતારા જ્યોતિષીઓની સંખ્યા પણ અલ્પમાત્રામાં નથી. અખાએ એના વિશે પણ તેજાબી મંતવ્ય આપ્યું છે.

હરિજનને ગ્રહો શું કરે, જો ગ્રહ બાપડા પરવશ ફરે,
રવિ ભમંતો શશીને તો ખે રાહુ તો ઘડવિહોણો વહે.
કાણે શુક્ર ને લૂલો શનિ બ્રુહસ્પતિ સ્ત્રી ખોઇ આપણી.12

આમ જો ગ્રહ પોતે જ જો અન્ય પર પોતાનો આધાર રાખે છે તે બીચારા આપણને ક્યાંથી નડવાના! વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા અનેક માણસોનું કહેવું છે કે ગ્રહો, ગ્રહદશામાં માનવું એટલે વહેમને પોશવું.13 ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. માણસ કોઇ પણ ધર્મ કે સંમ્પ્રદાય અંગિકાર કરવાનો અધિકાર ધરાવે છે. પરંતું એનો કંઇક જુદો જ અર્થ અહીં લેવાયો છે. ‘કહ્યું કાંઇ ને સાંભળ્યું કશું’ જેવો ઘાટ થતો જાય છે. કોઇ પણ પંથને સ્વીકારનાર વ્યક્તિ કટ્ટર અને અસહિષ્ણું બનતો જાય છે. પોતાના સંપ્રદાયને અન્યના સંપ્રદાય કરતા ચઢિયાતો બતાવવની હોડ લાગે છે. આથી જ અખો તેની સામે લાલ આંખ કરી કહે છે-

મોટી તાણ છે પંથ જ તણી,
નથી જૂજવા એક છે ધણી.
પોતાના ઇષ્ટની પાળવી ટેક,
સકળ ઇષ્ટનો અધિપતિ એક.
રાજ એક પ્રજા જુજવી,
અખ એ રીતે જુએ અનુભવી.14

આજનો સમાજ આવી સરળ બાબતેને સમજાવવા છતાં નથી સમજી શકતો. આજનો વ્યક્તિ મહોરાઓ પહેરીને ફરે છે તેની કથની અને કરણીમાં ફરક છે. જેમકે આજના આપણા રાજકીય નેતાઓ પોકળ અને ખોખલા વચનો આપવામાં માહેર છે. આજીવન જેણે કોઇ ટોપી નથી પહેરી એવા વ્યક્તીના નામની ટોપી પહેરીને જાગતા અને ઉઘાડી આંખવાળા સમાજને છેતરે છે. અખાએ તેના પર પણ શબ્દની ખુલ્લી કટાર ફેંકી છે.

એ રહેણી વિના કહેણી જે કથે,
મહી વિના પાણી જ્યમ મથે.
જ્યમ કોયલ સુતને પાળે કાગ,
પણ વસંત રત ઉડી જાયે જાગ.15

જેવી રીતે કગડો કોયલના બચ્ચાને પાળે છે પણ વસંત ઋતુ આવતા તેના અવાજથી આખી પોલ ખુલી જાય છે. તેમ આજે મંચ પરથી પ્રજાને આબાદ કરવાના વચનો આપનારા અનેક નેતાઓને આપણે જેલમાં જોઇ ચૂક્યા છીએ. આમ આજની સાંપ્રત બાબતોમાં પણ અખો પ્રસ્તુત છે. છતાં તે માત્ર પુસ્તકોના બે પુંઠાની દિવાલો વચ્ચે જ રહી ગયો છે. અખાએ તત્વચિંતના શિખરે પલાઠી લગાવી છે સાથે સાથે દરેક સમયમાં અને આવનરા સમયમાં પણ તે સમયના શિખરે પલાઠી લગાવતો રહેશે. પણ આજે તેને સમાજના ચૉકમાં લાવવાની જરુર વર્તાય છે.

સંદર્ભ :::

1. અખો: એક અધ્યયન, ઉમાશંકર જોશી. પૃ-35
2. અશોકવિચરિત- 2, કે. કા. શાસ્ત્રી. પૃ-66
3. (મધ્યકાલીન) ગુજરાતી સાહિત્ય: અનંતરાય રાવળ. પૃ-114
4. સર્જક અખો: ઋચા જોશી. પૃ-8
5. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (ગુજરાતી સાહિત્ય પરિષદ) ગ્રંથ-2, ખંડ -1, ઉમાશંકર જોશી¸ પૃ- 381
6. અખેદાસની અખેવાણી: ચંદ્રકાંત ઉપાધ્યાય¸ પૃ- 3
7. એજન¸ પૃ- 1
8. સર્જક અખો: ઋચા જોશી. પૃ-17
9. એજન¸ પૃ- 17
10. એજન¸ પૃ- 17
11. અખેદાસની અખેવાણી: ચંદ્રકાંત ઉપાધ્યાય¸ પૃ- 15
12. એજન¸ પૃ- 25
13. એજન¸ પૃ- 25
14. એજન¸ પૃ- 86
15. એજન¸ પૃ- 122

*************************************************** 

1. દરજી અભિષેકકુમાર બળવંતભાઈ
    પ્લોટ નં. ૬૫૭-૨, સેક્ટર-૩સી,
    ગાંધીનગર

2. પ્રો. નરેન્દ્ર કે. પટેલ
    શ્રી પી. કે. ચૌધરી મહીલા આર્ટ્સ કોલેજ,
     સે-7 ગાંધીનગર

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us