સદીઓથી પરાયા જ રહેલા જનસમૂહની સાચી કથા : ઉપરા ભારતમાં દલિત ચેતનાનો ઉદ્ભવ 19મી સદીના ઉત્તરાર્ધમાં થયો અને એનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર હતું. તેમાં સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ લાવનાર જ્યોતિબા ફૂલે અને અસ્પૃશ્યતા વિરોધી આંદોલન ચલાવનાર બાબાસાહેબ આંબેડકરનો ફાળો સવિશેષ રહ્યો છે. જેમણે મહારાષ્ટ્રની પ્રજા માટે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી અને એનો ફાયદો દલિત સાહિત્યકારોને થયો. મરાઠી દલિત સાહિત્યમાં કવિતા, નવલકાથા, વાર્તા, નાટક અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ થયું. પરંતુ સૌથી વધારે સર્જન આત્મકથા અને કવિતાના સ્વરૂપમાં થયું છે. બાળપણના સ્મરણો અને શાળાજીવન : લેખક સાવ અકિંચન દશામાં હડધૂત થતાં થતાં તિરસ્કારભર્યા વાતાવરણમા અભાવો અને માત્ર અભાવોની અવસ્થામાં જ ઉછર્યા છે. પણ અકસ્માતે નિશાળે જવાની તક મળતાં જ અથડાતા કૂટાતા અભ્યાસ કરતા રહ્યા. બાપો ઈચ્છે છે કે લખમણિયો ભણે-ગણે આગળ વધી માસ્તર બને. પણ તેની ઉંમરના છોકરાઓ ત્રીજા-ચોથામાં હોય... હું એમના જેટલો થયો ત્યારે બાપા એ નિશાળમાં નામ લખાવ્યું. માસ્તરે પૂછયું : “ઉંમર કેટલી ?” બાપો કહે, કનં ખબર.. અશે આઠ-દહ વરહનો, ગાંધીબાપો મર્યા એ સાલનો” (પૃ.40) તો નિશાળનો અનુભવ જુઓ – “મરઘીઓ જેમ પોતાના બચ્ચાં સાથે બીજી કોઈ મરઘીનું બચ્ચું આવે તો એને ચાંચ મારીને વિતાડે તેમ બધા છોકરાઓ મને વીતાડવા લાગ્યા. મારો દેદાર ઉકરડા પરના કૂતરાજેવો કોઈ છોકરા મને નજીક ન રાખે, મારી પાસે પાટી ન હતી. ચોપડી કેવી હોય.. પેન્સિલ કેવી હોય... નિશાળ એટલે શું...ત્યાં શું કરવાનું...કશાનો પત્તો ન મળે” (પૃ.3) છોકરાઓ ટીખળ કરતા કાંઈક તો વળી પહેરણ ઊંચું કરતા પણ ચડ્ડી તો મળે જ નહીં, માત્ર પહેરણથી કામ ચાલતું. અને બાપો માને કે તો લખમણીઓ માસ્તર બનવાનો ! આવી માનસિક વેદનાને કારણે સમાજના લોકોને આવી સ્થિતિમાંથી ઉગારવા માટે નાની વયે આ પુસ્તક આપે છે. આભડછેટનો એરું સર્જકને વારંવાર આભડછેટનો એરું ડંખ્યા કરે છે. બાળપણમાં સર્વણ-પટેલનાં છોકરાઓને “મને રમાડ” એમ આજીજી કરતા એને સાંભળવા મળતું ‘હટ્ એની માના કૈકડિયા હલકા, જો તો રમવા આયો શં’ એટલે બધા છોકરાં ખડખડાટ હસતાં અને પછી ‘હલકો કૈકાડિયો’, ‘હલકો કૈકાડિયો’ અને ‘શેડાળું ઘેટું’, ‘શેડાળું ઘેટું’ (પૃ.27) એમ કહીને ખિજવતા. શાળાજીવન સમયે વિકસેલી કુટેવો અને દુગુર્ણો : આત્મકથાકાર તરીકે સર્જક પોતાની કુટેવો, દુગુર્ણો અને ગોળો પણ સહજ રીતે આલેખી છે. તમાકુના વ્યસન વિશે કહે છે કે જો તમાકુ ખાવાની તલપ લાગે તો બાપા જોડેથી માગી લેતો અને પછી તો મા સામેથી જ બે આના આપતી હતી. પડીકી અને ડબ્બી તો હંમેશ માટે વળગી, મિત્રોની સંગતથી સીગારેટ પીતા, તો નિશાળેથી છૂટીને તીન પત્તીની રમત રમવા જતા, અને છબીયા જેવા મિત્ર મળવાથી દારુ ગાળવાનો વિઠ્ઠલ નામના મિત્ર સાથે ફૂલટણમાં થયેલા બજારુ સ્ત્રીના અનુભવને પણ યથાતથ આલેખ્યા છે. જરૂર જણાય ત્યાં જ ગાળોનો પણ ખુલ્લેઆમ અને સહજ રીતે પ્રયોગ કર્યો છે. સામાજિક સ્થિતિ : રૂઢિગત સમાજના પ્રશ્નો અને સમાજનાં નીતિ-નિયમો, તેમજ જે સમાજે સહન કર્યુ છે તેના સંખ્યાબંધ ઉદાહરણો જોવા મળે છે. જેમાં સુંડલા, ટોપલી બનાવવા માટે સીમમાં લીલી સોટી વીણતા મા-બાપને પડેલા મારનું વર્ણન ભાવકને હચમચાવી નાખે તેવું છે. “અમે પંખીના બચ્ચાની જેન મા-બાપની રાહ જોતા હતા. હમણાં મા આવશે, હમણાં બાપો આવશે, રોટલા લાવશે પણ એમનો પત્તો ન હતો. સૌથી નાનો કિસનિયો જે રડવા લાગ્યો તા કોઇ રીતે શાંત ન રહે... હું મનમાં માને અને બાપને ગાળો દેતો હતો. ત્યાંતો એકાએક ઘોંઘાટ સંભળાયો. બાપો બધાથી આગળ હતો. એની પાછળ મા. માના શરીર પર કબજો ન હતો. એણે બાપાનું પહેરણ પહેર્યું હતું સાડીના લીરા લટકી રહ્યા હતા. બાપો ખાલી ધોતીભેર હતો. આખા શરીરે સોળ પડેલા હતા. એની પાછળ ચાર-પાંચ આદમા ઊભા હતા. અમે રડતાં રડતાં સામે દોડ્યા મા એ કિસનિયાને ઊપાડી છાતી સરસો ચાંપ્યો અને માથે હાથ ફેરવવા લાગી અને હું મા પાસે ગયો અને બંને હાથ લોહીલુહાણ હતા. કપાળની નીચે આખું મોં સુઝી ગયું હતું. બાપાના બંને હાથ બંધાયેલા હતા. માને અને બાપને ઘરમાં ન જવા દીધાં. ગામના ચોરે લઇ ગયાં. ગામવાળા વિફર્યા હતા. ‘એની માના બૌ ફાટયા સં ? બાંધેલું લીલું ડાળખું નૈ ર’વા દેતા, કનૈ ર’વા દેતા ડૂંડા. જોવે એટલે ઉઠાઇ લે. બાંધો ભડવાને ઝાડે અને રેડો ગોળનું પૉણી !’’ (પૃ.36) સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ : સમાજમાં સ્ત્રીઓનું પોતાના પતિ દ્વારા જ શોષણ થાય છે. એક પત્ની હોવા છતાં અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી શકતો, સાંજે અંધારું થાય તે પહેલાં બૈરીએ ઘરે આવવું પડે અને ન આવે તો ઘરમાં ઘરમાં ન આવવા દે અને તેને બાપના ઘરે જ મૂકી આવવામાં આવતી, પંચ દંડ કરે તે સજા ભોગવવી પડતી. સ્ત્રીઓને જમીનદાર પાસે ગીરવી મુકે છે અને મનફાવે ત્યારે લાવે અને મૂકી આવતા જોવા મળે છે. તો સ્ત્રીઓ ખૂલ્લામાં નહાતી હોય, તો તેમને જોવા માટે તેમના જ સમાજના છોકરાઓ ટોળું વળીને નાહતી સ્ત્રીઓને જોવે છે. છતાં સ્ત્રીને તેને પતિ મારે છે. તો સ્ત્રીઓ પણ ત્રણ-ચાર વાર લગ્ન કરતી જોવા મળે છે. સામાજિક કાર્યકર તરીકે સ્થાન : લક્ષ્મણ માને જણાવે છે કે પોતાની ફરિયાદ બીજા સમાજ સામે નહી, પોતાના સમાજ અને પરાયાપણામાં રહી ગયેલા એક છેવાડાની વાત પોતાના મુખે રજુ કરે છે. અહીં પીડા પામનાર અને પીડાગ્રસ્ત લોકોની સ્થિતિ દર્શાવતી આત્મકથામાં કહ્યું છે – ‘ઉપરા એ મારામાં રહેલી પારકાપણાની શોધ હતી.’(પૃ.19) સામાજિક કાર્યમાં સક્રિય રીતે જોડાવવાની રુચિ કૉલેજના બીજા વર્ષથી આરંભાઇ. સર્જક લક્ષ્મણ માનેના જીવનનું આ બીજુ વળાંક બિંદુ છે. દલિતનેતા બાપુસાહેબ પાટીલ સાથે ઓળખાણ થતાં દલિતોના પ્રશ્નો વિશે વધુ નિસબતથી વિચારવા માંડ્યું. પછી મિત્રો સાથે ડૉ. આંબેડકર સ્કૂલ ઑફ થોમસ નામનું સંગઠન ચાલું કર્યુ. બીજા સમાજની છોકરી શશી સાથએ લગ્ન કર્યા. શિક્ષક તરીકે નિમણુંક મેળવી કારહાટીમાં શિક્ષક તરીકે જોડાયા. સર્જક તરીકેનો અનુભવ જુઓ. નિશાળમાં બાપાજી અને માતાજીની હકુમત ચાલતી અને પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ નાપાસ હતા પણ પાસ કરવા જરૂરી હતા. કેમકે તે પાસ થાય તો જ શાળાઓ ચાલતી અને તેમના ઘર ટકી રહેતા. શિક્ષણનું કારખાનું સતત ચાલું રહે તે જ જરૂરી હતું આત્મકથાનો અંત અંતમાં અન્ય સમાજની યુવતી સાથે સર્જકે કરેલા લગ્ન પછી સમાજના અનેક બંધનો અને નિયમો લઇને ચાલવું પડે છે. એમણે પહેલાં પણ સમાજના પંચોના કેટલા પ્રશ્નો મૂકી આપ્યા છે. તેથી આપોઆપ જ તેની સ્થિતિની જાણ થાય છે. લગ્ન પછી પંચો સમક્ષ તેમને રજુ કરવામાં આવે છે. અહીં સૌથી ખરાબ સ્થિતિ લક્ષ્મણમાનેના છે. કારણ કે પિતાએ સમાજમાં રહેવાનુ છે તેથી તો તે પંચો સામે ઘણા કાલાવાલ અને આગ્રહ કરતા હતા. પછી તે યુવતીને સમાજનું એક વ્યક્તિ દત્તક લે છે અને તેના લગ્ન નક્કી કરે છે. ત્યારે ખબર પડે છે તે યુવતી શશી-ગર્ભવતી હોવાની જાણ થાય છે ત્યારે તેના સમાજના પંચો બીજી યુક્તિ શોધે છે અને સોપારી સાથે લગ્ન કરાવીને પછી શશી અને લક્ષ્મણના લગ્ન કરાવડાવે છે. અને આત્મકથાનો અંત આવે છે. *************************************************** પટેલ અનોખી કનુભાઈ |
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. | Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |