logo

રામાયણમાં વૃક્ષમાહાત્મ્ય

દરેક જાતિ, ધર્મ અને સંસ્કૃતિમાં વૃક્ષ અને પશુ-પક્ષી પૂજ્ય અને અવધ્ય છે. ભારતમાં તો તેની સુદીર્ઘ પરમ્પરા છે.પરંતુ પારસીઓમાં,આફ્રીકા અને દક્ષિણ અમેરિકાની જનજાતિઓમાં, રેડ ઇંડિયંસમાં,ઓસ્ટ્રેલિયા,જાવા સુમાત્રા, બર્મા,ચીન,તિબેટીઓ વગેરેમાં અનેક વૃક્ષો,છોડ, અને પશુ પક્ષી પૂજ્ય છે.આપણે કહીએ છીએ કે:છોડમાં રણછોડ છે. એકવીસમી સદીનો માણસ જંગલો કે નગરોનાં વૃક્ષોનું નિકંદન કાઢીને ત્યાં ઔદ્યોગિક વસાહતો કે માનવ વસાહતો ઉભી કરવાની હોડ લગાવી રહ્યો છે ત્યારે આપણાં ઋષિ-મુનિઓએ અરણ્યમાં નિવાસ કરીને અરણ્ય, વૃક્ષો, વનસ્પતિ, ઔષધિ, પુષ્પ,પર્ણો, ફળોનો મહિમા સમજાવીને માનવ જીવનમાં વૃક્ષોનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે.આપણા આદિકવિ વાલ્મીકિ પણ રામાયણમાં પ્રકૃતિનાં તત્વોનો અનેરો મહિમા સમજાવે છે. આ પ્રાકૃતિક તત્વો પૈકી વૃક્ષનું મહિમાગાન આજે કરવું છે.

वृक्ष: શબ્દ व्रश्च+क्स् ધાતુ પરથી બનેલ છે. વૃક્ષ એ સ્થાવર અને જંગમ સજીવો પૈકી સ્થાવર સજીવ છે. વૃક્ષો એ માનવ જીવન માટે દેવ,વડિલ, ગુરુ, માર્ગદર્શક, પિત્રુઓ,પુત્રો અને મિત્રો છે.કશ્યપ પત્ની અનલા એ વૃક્ષની માતા છે(वा.रा.अरण्यकाण्ड 14/31) શ્રી રામનાં રાજ્યમાં વૃક્ષનાં મૂળ સદા મજબૂત રહેતાં હતાં. વૃક્ષ હંમેશા ફૂલો અને ફળોથી લચેલાં રહેતાં હતાં(वा.रा युद्ध काण्ड 128/103).

બાલકાણ્ડમાં વનમાં જતાં રામ લક્ષ્મણને ઋષિ વિશ્વામિત્ર વનનો પરિચય આપે છે ત્યારે શ્રી રામ બાળ સહજ પ્રશ્ન પૂછે છે કે શું સિંહ, વાઘ, હાથી અને વિવિધ વૃક્ષો અને વનો પણ જંગલની શોભા વધારે છે? ત્યારે ગુરુ વિશ્વામિત્ર શિષ્ય રામને ઉત્તરમાં જંગલનાં વિવિધ નામ તથા તેની વિશિષ્ટતા જણવે છે અને આમ પર્યાવરણનું શિક્ષણ આપે છે.

વૃક્ષનાં વિવિધ નામ આ પ્રમાણે છે:

આમ્ર, જામ્બુ, સાગ, લોધ્ર, રાયણ, ફણસ,ધાવડો,પીસ્તા,બીલી,વાંસ,મધુપર્ણિકા,અરિસ્ઠ,મહુડો, તિલક,બોરડી,આમળા,કદમ્બ,વેંત,ઇન્દ્રજવ, બપોરિયા,અર્જુન,તમાલ,ખજૂર,જળકદમ્બ,અશોક, ગુલાબ, કેવડો,ચંપો,ચંદન, ચીકુ, ખેર,ખીજડો, કેસુડો, વડ, કરેણ, બહેડા, હરડે, કેરડા, બકુલ, દેવદાર,પીપળો.પીપળ,કેળ,શીશમ,આમલી,નાગકેસર, નારંગી, હિંગોળ, લાલ ચન્દન, કાથો, ઉમરડો, સપ્તપર્ણી, કોવિદાર, નાળિયેર, અગરુ,મન્દાર,પારિજાત,અતિમુક્ત વગેરે.(वा.रा. अरण्यकाण्ड सर्ग 15 થી 18 )

વૃક્ષનાં પર્યાય:

तरु: महीरुह: वृक्षक: तीररुह(તટવર્તી)
महिमै: विटपी अजंगम द्रुम:
तिभित: (गतिहीन) पादप: स्थावर: शाखिन:

વૃક્ષ વિષે અન્ય માહિતી:

  1. શીશમ,આંબલી, જામ્બુ, માલતી, મલ્લિકા, જૂઇ, વગેરે સ્ત્રીલિંગ વૃક્ષો છે.
  2. વૃક્ષોનાં સમુહને નિકુંજ કહેવાય છે.
  3. તાડનાં વૃક્ષોનાં સમુહને પીલુ કહે છે.
  4. નાની શાખાઓ વાળા નીચા વૃક્ષને ક્ષુપા કહેવાય છે.
  5. વૃક્ષોની મદિરાને મૈયરે કહેવામાં આવે છે.
  6. વનદેવીનું નામ નિકુમ્ભિલા છે.
  7. નિકુમ્ભિલા વટવૃક્ષનો ઉલ્લેખ પણ છે.
  8. વૃક્ષો કાપનારને “વૃક્ષ તક્ષકા:” કહ્યા છે.
  9. વૃક્ષો રોપનારને “વૃક્ષ રોપ્યકા:” કહ્યા છે.
  10. વાંઝિયા વૃક્ષને રણ્ડ કહ્યુ છે.
  11. વૃક્ષો દ્વન્દ્વ [હર્ષ ત્થા શોક] અનુભવે છે.
  12. અર્જુન વૃક્ષને શ્રેષ્ઠ કહ્યુ છે.
  13. ફૂલોને વૃક્ષોને ઘરેણાં કહ્યા છે.
  14. સંજીવની તથા પીપરીમૂળ ઔષધિનો ઉલ્લેખ છે.

વિવિધ વનો:

રામાયણમાં ઉલ્લેખિત વનોના નામ: દંડકવન, ચૈત્રરથવન, સાલવન, ક્રોંચવન, કર્ણિકારવન, કેવડાવન, નાળિયેરીવન, ચન્દનવન, પિપરીવન, પંચવટીવન, પમ્પાવન, મહુડાવન,મલદવન, અશોકવન, અગરુવન, મધુવન, આમ્રવન, તમાલવન, તાટકાવન, નીલવન, દિવ્યવન, કરુષવન વગેરે.

વન રક્ષક:

વાનરસેના મધુવનમાં પહોંચીને મધ તેમજ ફળોનો ઉપભોગ કર્યા પછી કેટલાંક તોફાની વાનરો ફળ,ફૂલ ત્થા પર્ણોનો નાશ કરે છે તે જોઇને દધિમુખ નામનો વાનર ગુસ્સે થઇને તેમને અટકાવે છે.તેથી તેને વનરક્ષક કહી શકાય. .(वा.रा. सुन्दरकाण्ड सर्ग 61 થી 20 )

વૃક્ષોના વિવિધ ઉપયોગ:

રામાયણમાં ઋષિઓ તથા રામ-લક્ષ્મણે વૃક્ષો નીચે નિવાસ કર્યો છે. લક્ષ્મણ વૃક્ષો ઉપર ચડીને કુટીરનું રક્ષણ કરે છે. આસન માટે વૃક્ષ પર્ણનો ઉપયોગ થાય છે. યુદ્ધ દરમ્યાન વૃક્ષ હથિયાર તરીકે વપરાય છે. તેની છાલ [વલ્કલ] વસ્ત્ર તરીકે ઉપયોગ થયો છે. સુગ્રીવના અભિષેક માટે બહુમૂલ્ય પદાર્થોની સાથે દૂધવાળા વૃક્ષોની નીચે લટકતી જટાઓ તેમજ ઔષધિઓ અને ફળ ફૂલનો ઉપયોગ થયો છે. ઋષિમુનિઓ તથા વનવાસીઓ કન્દમૂળ, ફળફૂલો, પત્રો,વેલીઓનો આહાર કરે છે. લક્ષ્મણજીની મૂર્છા દૂર કરવા માટે સંજીવની ઔષધિનો ઉપયોગ થયો છે, તાપસી તથા સીતા ફૂલોનાં આભૂષણો ધારણ કરે છે.રામ વાલિથી સંતાવા માટે વ્યવધાન તરીકે વૃક્ષનો ઉપયોગ કરે છે.

વૃક્ષો સંગીતજ્ઞ તથા નૃત્યકાર:

ભરદ્વાજ મુનિના પ્રભાવથી બિલીનું વૃક્ષ મ્રુદંગ વગાડે છે. બહેડાના ઝાડ શમ્યા નામનો તાલ આપે છે. અને પીપળાનાં વૃક્ષ ત્યાં નૃત્ય કરે છે(वा.रा. अयोध्याकाण्ड सर्ग 91/89 ). મધુર મકરન્દ અને સુગન્ધથી ભરેલ વનોમાં વૃક્ષો જાણે કે નૃત્યની સાથે ગાન કરે છે.(वा रा. किष्किन्धाकाण्ड सर्ग 1/18).

વૃક્ષનાં શત્રુઓ:

જેનાથી વૃક્ષોનો વિકાસ અટકી જાય, નાશ પામે તેને તેનાં શત્રુઓ કહી શકાય.જેમ કે હરણાઓનાં ટોળાં, મોટા શીંગડાંવાળાપાડાં, મોટા દાંતવાળા જંગલી ડુક્કર(वा.रा.अरण्यकाण्ड 11/04), દિવ્યાસ્ત્રથી ઉત્પન્ન થતી અગ્નિ(वा.रा.उत्तरकाण्ड 21/44), ધારાવાહિક વ્રુષ્ટિ(वा.रा.उत्तरकाण्ड 23/48), ખરદુષણની ગદા (वा.रा.अरण्यकाण्ड 29/26), પ્રચણ્ડવાયુ(वा.रा युद्ध काण्ड 50/34), ત્થા ભૂકમ્પ (वा.रा युद्ध काण्ड 53/31)વગેરે વૃક્ષનાં શત્રુઓ છે.

વરદાન:

શ્રી રામ મહર્ષિ ભરદ્વાજ મુનિના આશ્રમે જઇને તેમની પાસે વાનરોની સુખાકારી માટે વરદાન માંગે છે. મુનિ વરદાન આપે છે. પરંતુ એ વરદાન ફળીભૂત કરનારા તો વૃક્ષો છે. વરદાન રૂપે કહ્યું કે:

अकाले पुष्पशबला: फलवंतश्च पादपा: ,
भविष्यंति महेश्वास: नद्यश्च सलिलायुता: . (वा.रा युद्ध काण्ड 120/16).

[અર્થાત્ આ વાનરો જ્યાં રહેશે ત્યાં અકાળે પણ વૃક્ષો ફળ ફૂલથી લચી પડશે અને નદીઓ જળથી ભરાઇ જશે.]

આમ ભરદ્વાજ મુનિની કૃપાથી લંકાથી પરત ફરતાં હતાં ત્યારે અયોધ્યાના માર્ગે વૃક્ષો સદા ફળફૂલવાળાં થઇ ગયાં.તેમાં મધની ધારાઓ વહેવા લાગી. જેનાથી વાનરો પોતાની ભૂખ અને તરસ છીપાવે છે. આમ રામાયણમાં દરેક પ્રસંગોમાં વૃક્ષ વર્ણન મળી રહેછે. આજના પ્રદૂષિત વાતાવરણમાં પણ વૃક્ષનું મહત્વ સહેજ પણ ઓછું નથી. પ્રદૂષણની માત્રા ઓછી કરવા માટે વૃક્ષારોપણ એજ એક માત્ર ઉપાય છે તેમ કહી શકાય.

સંદર્ભ :::

“વાલ્મીકિ રામાયણ” ગીતા પ્રેસ ગોરખપુર

*************************************************** 

પ્રા. ડૉ. દુર્ગા નવીન જોશી
એસો. પ્રોફેસર અને સંસ્કૃત વિભાગાધ્યક્ષા,
યોગીજી મહારાજ મહાવિદ્યાલય,(મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજ),
ધારી-365 640 જી.અમરેલી.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us