ઈશાવાસ્યોપનિષદ્ અને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નિરૂપિત કર્મસિદ્ધાંત.
યોગ્ય જીવનપદ્ધતિના ગંભીર પ્રશ્ને અનાદિકાળથી ચિંતકો અને વિચારશીલ સર્વ પેઢીઓ મનોમંથન કરી રહી છે અને યુગે યુગે પ્રત્યેક પેઢીએ તેનો યોગ્ય ઉત્તર સ્વયમેવ શોધી કાઢ્યો છે. આનો જવાબ પણ પોતાના સ્વભાવ અને પરિસ્થિતિને અનુકુળ હોય છે. વર્તમાન સમયે જોઇએ તો આપણને એક પ્રશ્ન સતત મુંઝવતો રહે છે કે – ‘આપણા જીવનનો ધ્યેય શું છે ?’ અથવા ‘આપણા અસ્તિત્વનો હેતુ શો હોવો જોઇએ ?’ આ મહાન પ્રશ્નનો ઉત્તર આપણે જાતે જ શોધવો રહ્યો. આપણા ભૌતિકવાદિ જીવનની ભાગ-દોડમાં આપણે આત્મમંથન કે આત્માન્વેષણા ભૂલી ગયા છીએ ત્યારે આપણી ભૌતિક આવશ્યકતાઓ તથા શારીરિક સુખની પૂર્તિ માટે પોતાની જાતના અને પોતાની નિકટના સ્નેહીજનોની તથા અન્ય લોકોની સેવામાં આપણું જીવન મૃત્યુપર્યન્ત સન્નિષ્ઠ સંઘર્ષમાં વ્યતિત કરવું જોઇએ અને આને માટે કર્મત્યાગને માર્ગે ચાલવું જોઇએ કે કેમ ? એ પણ એક જટિલ પ્રશ્ન છે જે આપણી સામે આવીને ઊભો છે.
આ તર્કો અને પ્રશ્નોના જવાબો આપણને ઈશાવસ્યોપનિષદ્ અને શ્રીમદ્ ભગવદ્ગીતાના કર્મસિદ્ધાંતમાંથી મળે છે.ઈશાવાસ્યોપનિષદનો પરિચય મેળવીએ તો આ ઉપનિષદ શુક્લ યજુર્વેદની કાણ્વ સંહિતા તેમજ માધ્યન્દિન વાજસનેયી સંહિતાનો અંતિમ 40મો અધ્યાય છે. શુક્લ યજુર્વેદમાં પ્રથમ ઓગણચાલીસ અધ્યાયોમાં કર્મકાંડનું નિરૂપણ છે જ્યારે અંતિમ 40મો અધ્યાય જ્ઞાનકાણ્ડનું નિરૂપણ કરે છે.
સૌથી ટુંકા અને સૌથી પ્રાચીન ઉપનિષદોમાં જેની ગણના થાય છે તે ઈશાવાસ્યોપનિષદમાં મહાન અધ્યાત્મજ્ઞાનનું નિરૂપણ થયેલું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જે નિરૂપાયું છે તે તત્ત્વજ્ઞાન અહીં માત્ર અઢાર મંત્રોમાં નિરૂપાયેલ છે.
सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः ।
पर्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् ॥
‘ઉપનિષદો એ શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી અમૃતમય દૂધ આપનારી ગાયો છે’- આ વિધાન ઈશાવાસ્યોપનિષદ વિશે સૌથી વધુ યથાર્થ ગણાય છે. એવું માનવામાં આવે છે કે આ ઉપનિષદનાં જ વિચારબિંદુઓ ગીતામાં વિસ્તાર પામેલાં દૃષ્ટિગોચર થાય છે. આ ઉપનિષદના અઢારેય મંત્રોમાં ગીતાની સમગ્ર ફીલસૂફી સમાઇ જાય છે. એવું લાગે છે કે જાણે ગીતા એ ઈશાવાસ્યોપનિષદનું ભાષ્ય ન હોય.
ભગવદ્ ગીતાની જેમ જ ઈશાવાસ્યોપનિષદમાં જ્ઞાન,કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ સધાયો છે. ઈશાવાસ્યોપનિષદમાં મંત્ર ૧ થી ८માં જ્ઞાન, ૯ થી ૧૪માં કર્મ અને ૧૫ થી ૧૮માં ભક્તિનું નિરૂપણ થયેલું હોવાનું વિદ્વાનો માને છે. ભગવદ્ ગીતામાં ઉપદેશાયેલ કર્મસિદ્ધાંતનું તો આ બીજ જ છે – ‘’ જેમકે –
कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः ।
एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे ॥२॥ ईशो० ૧
અર્થાત્ “અહીં (આ જગતમાં) કર્મ કરતાં કરતાં સો વર્ષ જીવવાની ઇચ્છા રાખવી જોઇએ. આમ (કરતાં) તને (મનુષ્યને) કર્મનો લેપ (બંધન) નહી સ્પર્શે.” આ મંત્રમાં મનુષ્યે કેવી રીતે જીવવું તે બતાવ્યું છે. સહુ કોઇ જીવે છે.‘काकोऽपि जीवति चिराय बलिं च भूङ्क्ते ।’ એમ તો કાગડાઓ અને કૂતરાઓ પણ ક્યાં નથી જીવતા. એ પશુતુલ્ય જીવન કંઇ જીવન ના કહેવાય. જીવનની સફળતા માટે અને મોક્ષપદની પ્રાપ્તિ માટે નિષ્કામ કર્મયોગ જ એકમાત્ર રસ્તો છે એમ અહીં ભાર પૂર્વક કહેવામાં આવ્યું છે. નિરંતર કર્મ કરતાં રહીને જ મનુષ્યે જીવવું જોઇએ. ફળની ઈચ્છા વગર કર્મ કર્યા કરવું એ જ માનવીનું કર્તવ્ય છે એ જ ભક્તિ છે.
માનવમાત્રમાં ત્રણ ઈચ્છાઓ કાયમ માટે હોય છે – (૧) જિજીવિષા (૨) જિજ્ઞાસા અને (૩) સુખેચ્છા. કારણકે આત્માનો સ્વભાવ જ છે કે તે સત્, ચિત્ અને આનંદમાં રાચ્યા કરે છે. ‘સત્’ ને કારણે તેને જીવવાની કે જીવન ટકાવી રાખવાની ઈચ્છા થાય છે.‘ચિત્’ ને કારણે જ્ઞાનપ્રાપ્તિની અને ‘આનંદ’ને કારણે સુખપ્રાપ્તિની ઈચ્છા થાય છે. આ મંત્રમાં ‘शतम् समाः’ એમ કહેવામાં આવ્યું છે જેનો ભાવાર્થ એ છે કે માણસે શતાયુષી બનવાની મહેચ્છા રાખવી જોઇએ. આ જ કારણે શ્રુતિમાં ‘जीवेम शरदः शतम् ।’ એવી મનોકામના વ્યક્ત કરવામાં આવી છે. અહીં સો વર્ષ એ મનુષ્ય જીવનની પૂર્ણ મર્યાદા સૂચિત કરે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા આ કર્મસિદ્ધાંતને વધુ વિશદ રીતે વાસ્તવિકતાની ભૂમિકાએ ચર્ચે છે. લોકમાન્ય તિલક જેને કર્મયોગની ચતુઃસૂત્રી તરીકે ઓળખાવે છે તે ગીતાના સુપ્રસિદ્ધ શ્લોક ૨ ની ઉપર્યુક્ત મંત્ર જાણેકે ગંગોત્રી હોય તેવું લાગે છે. આ જ વિચારસ્રોત ગીતાના ત્રીજા અધ્યાયમાં મહાનદ રૂપે પ્રવાહિત થયો છે.ગીતા કહે છે કે કર્મ કરવું જ જોઇએ કારણકે કર્મ કર્યા વગર માણસ ક્ષણવાર માટે પણ રહી શકતો નથી.
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् । गीता ३/५
માત્ર હાથ-પગ હલાવ્યા વિના એક સ્થળે બેસી રહેવાથી નૈષ્કર્મ્ય પ્રાપ્ત થતું નથી. અહીં ‘નૈષ્કર્મ્ય’ એટલે કર્મશૂન્યતા શ્રી ટિળકના મતે કર્મ કરતાં પહેલાં તેનું બંધકત્વ, તેનો દોષ નષ્ટ થાય તેવો ઉપાય કરવો પડે છે અને આવી કુશળતાથી કર્મ કરવાની જે સ્થિતિ છે તેને જ ‘નૈષ્કર્મ્ય’ કહે છે.નિષ્કામભાવે કરેલાં કર્મ જ મોક્ષને પ્રતિબંધક થતાં નથી. વળી આગળ કહ્યું છે –‘કે તું ચોક્કસ કર્મ કર, કેમકે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે શ્રેષ્ઠ છે.૩ કારણકે કર્મ દ્વારા જ સિદ્ધિ છે. કર્મ દ્વારા જ માનવ મહાન બની શકે છે. પ્રાચીનકાળના મહાત્માઓના ઉદાહરણો આપીને ભગવદ્ ગીતા આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરે છે. જેમકે જનકરાજા,અજાતશત્રુ,અશ્વપતિ,ભગીરથ,ઇક્ષ્વાકુ,વગેરે રાજાઓએ પણ આમ જ મોક્ષ પ્રાપ્ત કર્યો છે.૪ તો આધુનિક યુગમાં મહાત્માં ગાંધી, તિલક, મહર્ષિ અરવિંદ જેવા મહાપુરુષોએ પણ અવિરત કર્મ દ્વારા મહાનતા પ્રાપ્ત કરી છે.
આનો અર્થ એવો થાય છે કે મનુષ્યે પોતાને માટે કર્મ કરવાની જરૂર ના હોય તો પણ તેણે સમાજના કલ્યાણ અર્થે કર્મો તો કરવા જ જોઇએ.એટલે કે લોકસંગ્રહને માટે પણ કર્મ કરવા જોઇએ.
ડૉ.વસંત ભટ્ટે તેમના ‘શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નિરૂપિત કર્મબંધનમાંથી મુક્તિ અને કર્મબંધનના અભાવની યુકિત’ નામના પુસ્તકમાં કર્મસિદ્ધાંતને વિસ્તારથી નિરૂપ્યો છે. તેમણે ‘કર્મસિદ્ધાંત’ અને પુનર્જન્મ-પૂર્વજન્મની માન્યતાને અન્યોન્યાશ્રિત માન્યા છે. તેમના મતે કર્મ અને પુનર્જન્મ કાર્યકારણભાવે જોડાયેલા છે. ‘કર્મ’ એ કારણ છે અને કર્મફળના વિપાક રૂપે થતાં જન્મોની ઘટમાળ તે કાર્ય છે.પરંતુ અહીં ગીતામાં જે પુનર્જન્મ અને પૂર્વજન્મની માન્યતા છે, તે જડ કર્મવાદ ઉપર ઊભેલી નથી.૫ શ્રી ડૉ.ભટ્ટ સાહેબે ભગવદ્ ગીતામાં જે કર્મસિદ્ધાંત નિરૂપ્યો છે તેના પાયા રૂપે બે મુદ્દાઓની છણાવટ તેમણે કરી છે. જેમકે –
- પરમાત્માએ જે ક્ષરસૃષ્ટિ (જડ જગત) અને અક્ષરસૃષ્ટિ (અનેક જીવો)નું સર્જન કર્યું છે, તેમાં ક્ષરસૃષ્ટિની અંતર્ગત પ્રકૃતિના સત્વ,રજસ અને તમસ એવા ત્રણ ગુણમાંથી ‘કર્મ’ નો ઉદ્ભવ થાય છે; અને
- આવા ત્રણ ગુણોથી જન્મેલાં સઘળાં કર્મો જીવને માટે બંઘનકર્તા બને છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો કર્મ માત્ર કોઇ સારું કે ખોટું ફળ જન્માવે છે; (જેને ‘પુણ્ય’ કે ‘પાપ’ કહે છે) અને પછી તે જીવ આવા પાપ-પુણ્યથી બંધાય છે. આ પાપ-પુણ્યને જીવાત્માએ વત્તા ઓછા દુઃખ-સુખ રૂપે ભોગવવા પડે છે. વળી,આવાં કર્મફળ ભોગવવા માટે તેણે અનેક યોનિઓમાં વારંવાર જન્મ લેવો પડે છે.
આમ, ભગવદ્ ગીતાના ‘કર્મસિદ્ધાંત’ની ઉપર મુજબ પાયાની વિશેષતા જણાવી દીધા પછી એનું અર્થાત્ ‘કર્મસિદ્ધાંત’નું વિસ્તારથી નિરૂપણ કરતાં કહે છે કે – ‘ કોઇપણ કર્મ જો બંધન ઊભું કરતું હોય તો, જેમ અર્જુને વિચાર્યું છે તેમ કોઇ પણ માણસ એ જ વિચારે કે મારે કર્મ જ કરવાં નથી. હું (અર્જુન) કુરુક્ષેત્રનું યુદ્ધ છોડીને,ગુરુ અને પિતામહાદિ સગાસંબંધીને હણવા થકી લાગનારા પાપથી દૂર રહું, તે જ શ્રેષ્ઠ ઉપાય છે.
આમ કર્મબંધનમાં ન પડવું હોય તો, કર્મનો જ ત્યાગ કરી દેવો એ જ સૌથી પહેલો હાથવગો ઉપાય છે. આ સંદર્ભે ગીતાનું કહેવું છે કે કર્મમાત્ર બંધન ઉભું કરે છે એ માન્યતા ખોટી તો નથી જ. કેમકે પંદરમા અધ્યાયમાં જે અશ્વત્થવૃક્ષ (સંસારવૃક્ષ)નું વર્ણન છે તેમાં મનુષ્યને ‘કર્માનુબન્ધી’ ૬ કહ્યો છે. કોઇ પણ જીવ કર્મ કરશે એટલે તેને તે કર્મનું સારું કે ખરાબ (શુભ કે અશુભ) કોઇક ફળ લાગશે અને આ કર્મફળ બંધન રૂપ જ પુરવાર થશે. પણ તેથી જો કોઇ એમ વિચારે કે મારે કર્મબંધનથી દુર રહેવા કર્મો જ ત્યજી દેવા છે તો ભગવદ્ ગીતા તેવા ભાગેડુઓને સામે છેડે એમ પ્ણ કહે છે કે – તમારે કર્મ છોડવા હશે તો પણ કર્મ છુટવાના નથી. એટલે કે કોઇ પણ વ્યક્તિ વડે કર્મનો આત્યંતિક અર્થમાં કર્મનો ત્યાગ કરવો શક્ય જ નથી ! ગીતાની વિચારધારા મુજબ, એક તરફ કોઇ પણ કર્મબંધન ઊભું કરે જ છે એવી દૃઢ માન્યતા છે; તો બીજી તરફ કર્મની અનિવાર્યતા પણ સુનિશ્ચિત છે. આથી કર્મનો ત્યાગ કરવા રૂપી કોઇ મધ્યમ માર્ગને સ્થાન જ નથી.’ ૭
વિનોબા ભાવેએ ‘ગીતા પ્રવચનો’માં ખુબ જ સરસ અને સદૃષ્ટાન્ત ‘કર્મસિદ્ધાંત’ સમજાવ્યો છે. તેમના મતે સામાન્ય માણસ પોતાના કર્મની આજુ-બાજુ વાડ કરે છે.પોતાને મળે તેવું અનંત ફળ તે એ રીતે ગુમાવી બેસે છે.સંસારી માણસ પાર વગરનું કર્મ કરી તેમાંથી નજીવું ફળ પામે છે, અને કર્મયોગી થોડું સરખું કરીને અનંતગણું મેળવે છે.આ ફેર માત્ર ભાવનાને લીધે પડે છે.શ્રી વિનોબા ભાવે ટોલ્સ્ટોયના વચનો ટાંકતા કહે છે કે “ લોકો ઈશુ ખ્રિસ્તના ત્યાગની સ્તુતિ કરે છે,પણ એ બિચારા સંસારી જીવો રોજ કેટલું લોહી સૂકવે છે ! અને કેટલી માથાફોડ કરી મહેનતમજૂરી કરે છે ! ખાસો બે ગધેડાંનો ભાર પીઠ પર લઇ હાંફળાફાંફળા ફરનારા આ સંસારી જીવોને ઇશુના કરતાં કેટલા વધારે કષ્ટ વેઠવાં પડે છે ! ઈશ્વરને માટે એ લોકો એનાથી અડધા ભાગની મહેનત કરે અને અડધા જ ભાગના હાલહવાલ વેઠે તો ઈશુના કરતાંયે મોટા બન્યા વગર ન રહે.”
આગળ જણાવતાં તેઓ કહે છે કે સંસારી માણસની તપસ્યા મોટી હોય છે, પણ તે ક્ષુદ્ર ફળને સારુ હોય છે. જેવી વાસના તેવું ફળ. આપણી ચીજની આપણે કરીએ તેનાથી વધારે કિંમત જગતમાં થતી નથી.સુદામા ભગવાનની પાસે તાંદુળ લઇને ગયા.એ મુઠીભર તાંદુળના પૌંઆની કિંમત પૂરી એક પાઇ પણ નહીં હોય. પણ સુદામાને મન તે અમોલ હતા. તે પૌંઆમાં ભક્તિભાવ હતો. તે મંતરેલા હતા.તે પૌંઆના કણેકણમાં ભાવના ભરેલી હતી. ચીજ ગમે તેટલી નાની કે નજીવી હોય છતાં મંત્રથી તેની કિંમત તેમજ તેનું સામર્થ્ય વધે છે. ચલણી નોટોનું વજન કેટલું હોય છે ? સળગાવીએ તો એક ટીપુંએ પાણીગરમ નહી થાય. પણ એ નોટ પર છાપ હોય છે. એ છાપથી તેની કિંમત થાય છે.
કર્મયોગમાં આ જ મુખ્ય ખુબી છે. કર્મનું, ચલણી નોટના જેવું છે. કર્મના કાગળિયાની કે પતાકડાની કિંમત નથી, ભાવનાની છાપની કિંમત થાય છે. કર્મ એકનું એક હોવા છતાં ભાવનાના ભેદને લીધે ફેર પડે છે. પરમાર્થી માણસનું કર્મ આત્મવિકાસ કરનારું નીવડે છે. જ્યારે સંસારી જીવનું કર્મ આત્માને બાંધનારું નીવડે છે. ૮
આમ, નિષ્કામ કર્મયોગમાં અદ્ભુત સામર્થ્ય છે. તે કર્મ વડે વ્યક્તિનું તેમજ સમાજનું પરમ કલ્યાણ થાય છે. ટુંકમાં, કર્મયોગી ફળની ઇચ્છા છોડવા છતાં આવાં પાર વગરના ફળો મેળવશે. કર્મયોગીના કર્મને લીધે તેની શરીરયાત્રા પણ ચાલશે, સાથે સાથે દેહ તેમજ બુદ્ધિ બન્ને સતેજ રહેશે. જેમાં રહી તે પોતાનો વહેવાર ચલાવે છે તે સમાજ સુખી થશે, તેનું ચિત્ત શુદ્ધ થવાથી તે જ્ઞાન મેળવશે અને સમાજમાંથી દંભ નાબૂદ થઇ જીવનનો પવિત્ર આનંદ ખુલ્લો થશે. કર્મયોગનો અથવા કર્મસિદ્ધાંતનો આવો મોટો અનુભવસિદ્ધ મહિમા છે. જેને ઈશાવાસ્યોપનિષદ અને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવાયો છે. આ સમયે એક સુભાષિત યાદ આવે છે કે –
‘प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनम् ।
तृतीये नार्जितं पुण्यं चतुर्थे किं करिष्यति ॥ ’
જેને જીવનમાં કંઇ મેળવવું જ નથી તેને માટે ‘कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः ।’ કે ‘जीवेम शरदः शतम् ।’ એવી જે શ્રુતિમાં મનોકામના વ્યક્ત કરવામાં આવી છે તેનો પણ શો અર્થ ?
-: પાદટીપ :-
૧. ઈશાવાસ્યોપનિષદ : શ્લોક - ૨
૨. ‘कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥’ गीता अ० २/૪७
૩.’ नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः ।’ गीता अ० ३/८
૪. ‘कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।’ गीता अ० ३/२०
૫.‘શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નિરૂપિત કર્મબંધનમાંથી મુક્તિ અને કર્મબંધનના અભાવની યુકિત’ પૃષ્ઠ નં- ૧૧ સંપાદક : વસન્તકુમાર મ. ભટ્ટ , પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય, પ્રથમ આવૃત્તિ મે- 2004
૬. ‘अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला ।
अधश्च मृलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥’ गीता अ० १५ - २
૭. એજન. પૃષ્ઠ નં- ૧૭-૧૮
૮. ગીતા પ્રવચનો : વિનોબા ભાવે, પૃષ્ઠ નં- ૨૭, પ્રકાશક : રણજિત દેસાઇ, પ્રકાશન સમિતિ, ગ્રામ-સેવા મંડળ,પવનાર (વર્ધા) , એકત્રીસમી આવૃત્તિ વર્ષ : 1984
-: સંદર્ભ ગ્રન્થો :-
1. ઈશાવાસ્યોપનિષદ સંપાદક : સ્વામી ચિન્મયાનન્દ. પ્રકાશક : ચિન્મય મિશન, સુરત. પ્રથમ આવૃત્તિ વર્ષ : 1986
2. ઈશાવાસ્યોપનિષદ સંપાદક : ડૉ.કે.એચ.ત્રિવેદી. પ્રકાશન : સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ વર્ષ : 1972
3. શ્રીમદ્ ભગવદ્ગીતામાં નિરૂપિત કર્મબંધનમાંથી મુક્તિ અને કર્મબંધનના અભાવની યુક્તિ. સંપાદક : વસન્તકુમાર મ. ભટ્ટ , પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય, પ્રથમ આવૃત્તિ મે- 2004
4. શ્રીમદ્ ભગવદ્ ગીતા,સંપાદક : પ્રિ.સી.એલ.શસ્ત્રી,પ્રા.પી.સી.દવે, પ્રા.જી.એસ.શાહ.,સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ પ્રથમ આવૃત્તિ વર્ષ : 1986
5. શ્રીમદ્ ભગવદ્ ગીતા,સંપાદિકા : ડૉ.સુહાસ ધર્મેન્દ્રસિંહ ઝાલા,સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ પ્રથમ આવૃત્તિ વર્ષ : 2002
6. ગીતા પ્રવચનો : વિનોબા ભાવે, પ્રકાશક : રણજિત દેસાઇ, પ્રકાશન સમિતિ, ગ્રામ-સેવા મંડળ,પવનાર (વર્ધા) એકત્રીસમી આવૃત્તિ વર્ષ : 1984
7. સંસ્કૃત સૂક્તિ-સુભાષિત રત્નમંજૂષા,સંકલન : ડૉ.મણિભાઇ ઈ.પ્રજાપતિ,પ્રકાશક : આચાર્ય ડૉ. મણિભાઇ ઇ.પ્રજાપતિ અમૃતપર્વ અભિવાદન સમિતિ.પ્રથમ આવૃત્તિ વર્ષ : જાન્યુ. 2013
***************************************************
પ્રા.ડૉ.મનોજકુમાર એલ.પ્રજાપતિ
એમ.એન.કૉલેજ- વિસનગર. |