માતૃભાષા ગુજરાતીની સ્થિતિ : ચિંતા – ચિંતન અને ઉપાય
ફેબ્રુઆરી ૧૯૯૯માં યુનેસ્કોએ જાહેરાત કરી કે દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરી “આંતરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઉજવવામાં આવશે. યુનેસ્કો જેવી વિશ્વ પ્રસિધ્ધ સંસ્થા કશાકને બચાવવાની જાહેરાત કંઇ એમને એમ કરે ખરી? માતૃભાષાઓ પર ચિંતકોને ખતરો દેખાયો હશે ને ? માતૃભાષાઓ પર આ પ્રમાણેનો ખતરો કોનાથી છે ? આના માટે જવાબદાર પરિબળો કયા કયા? ભાષકોની ભાષા જાળવવાની અસમર્થતા કે પછી અન્ય ભાષાનો વધેલો નકારાત્મક પ્રભાવ? ભાષાઓ આમ તો સતત પરિવર્તનશીલ છે, જીવંત છે પણ અન્ય ભાષાને આમ સમૂળગી હડસેલી મુકાય ખરી? આપણી માતૃભાષા પર આવો કોઇ ખતરો છે કે? આવા પ્રશ્નો વિશે ગંભીરતાથી ચિંતા અને ચિંતન કરવાનો સમય હવે આવી ગયો છે.કારણ કે હાલ વિશ્વમાં છ હજાર ભાષાઓ બોલાય છે.દર વષે એમાંથી દસ ભાષાઓ કાળગ્રસ્ત થાય છે. ભાષાશાસ્ત્રીઓ એવું માને છે કે જે ભાષાના ભાષકોની સંખ્યા એક લાખ કરતા ઓછી હોય તે ભાષા ભૂંસાવાના વર્તુળમાં આવી જાય. આજે દુનિયામાં ત્રણ હજાર બોલીઓ એવી છે કે જેને બોલનારની સંખ્યા દસ હજાર કરતા ઓછી છે. જો કે આ બધા પેરામીટર જોતા આપણી ગુજરાતી ભાષા પર તરત લુપ્ત થવાનો આવો કોઇ ખતરો હાલ નથી પણ એની સ્થિતિ ગર્વ લેવા જેવી પણ નથી. ગુજરાતી અને અન્ય માતૃભાષાઓ પર આ ખતરો એમની અસમર્થતાથી નથી તેટલો તેના ભાષકો પર અન્ય ભાષાના વધતા પ્રભાવથી છે.
માત્ર ગુજરાતી જ નહીં પણ સર્વ ભારતીય ભાષાઓના સહિયારા હિતનો વિચાર કરવાનો સમય ક્યારનોય થઇ ગયો છે. જ્યાં જ્યાં માધ્યમ તરીકે માતૃભાષાનું સ્થાન અંગ્રેજીએ લીધું છે ત્યાં ત્યાં સંકટ ઊભું થઇ ચૂક્યું છે. આ સંકટ માત્ર ભારતીય ભાષાઓ પર જ નહીં તેની સાથે સાથે હજારો વર્ષોની ઉત્તમ સંસ્કૃતિ માથે પણ આવી ગયુ છે. કારણ કે સંસ્કૃતિ અને ભાષા પરસ્પર પ્રેરક અને પોષક છે. ભાષા એ સંસ્કૃતિનું બીજ છે જ્યાં માતૃભાષાના જ મૂળિયા કપાય ત્યાં સંસ્કૃતિ સુકાઇ જ જાયને.
માતૃભાષા પર અન્ય ભાષાનો પ્રભાવ કેમ વધે છે તેના સર્વ સામાન્ય કારણો નીચે મુજબ આપી શકાય.
- હાકેમ પ્રજાનો પરાજિત પ્રજાની ભાષા પર પડતો પ્રભાવ જેમ કે,
- ગુજરાત પર ઘણા સમય સુધી રહેલ મુસ્લિમ શાસન.
- ગુજરાત સહિત સમગ્ર ભારત પર બ્રિટીશ શાસન.
- આફિકા ખંડમાં બ્રાઝીલ અને સ્પેનિશ ભાષાનો વધેલ પ્રભાવ.
- ચીનની ભાષાનો તિબેટની ભાષા પર વધેલ પ્રભાવ.
- આધુનિકરણ તથા પશ્ચિમીકરણ તરફ્ની આંધળી દોટના કારણે.
- ભાષકોની નવા શબ્દો બનાવવાની ઇચ્છાશક્તિનો અભાવ અને બનાવેલા શબ્દોની અસ્વીકૃતિનું વલણ.
- પરભાષી શબ્દો વાતચીત અને લખાણમાં વાપરવાથી અભિવ્યક્તિ ધારદાર બને છે તેવી ગેરસમજ.
- શિક્ષણમાં અન્ય ભાષાઓને વધુ પડતું મહત્વ. દેખાદેખી, સરખામણી અને ભાષાને સામાજિક દરજ્જા સાથે જોડવાની માનસિકતા.
સરકારી નીતિઓને કારણે, જેમ કે અંગ્રેજીનો વહીવટમાં વધુ પડતો ઉપયોગ.
ભારતમાં હિન્દી અને તેની ભગિની ભાષાઓની અવદશા માટે સરકારી નીતિઓ પણ ઉપરોક્ત કારણો જેટલી જ જવાબદાર છે.
આજે વિશ્વમાં ઘણી બધી માતૃભાષાઓ ઉપરોક્ત કારણોસર તેના ભાષકો ગુમાવી રહી છે. પરંતુ દરેક વ્યક્તિએ માતૃભાષાને પ્રત્યાયનના માધ્યમ કરતા વિશેષ ભાવે જોવાની જરૂર છે. ભાષાએ માત્ર સંચારનું માધ્યમ નથી,પણ આપણી સંસ્કૃતિના રંગસુત્રો આપણા સુધી અને આપણી આગળની પેઢી સુધી પહોંચાડવાની જીવનશૃંખલા છે. એ ભાષા જ છે જે આપણને વ્યાસ,વાલ્મીકિ,તુલસી,તુકારામ, અરવિંદ, વિનોબા,રવીન્દ્રનાથ,જ્ઞાનોબા,નરસિંહ,મીરાં અને ગાંધીજી સાથે જોડી આપે છે. ભાષા જ પશુ કે સિમિત અવાજ કરી શકતા પ્રાણીઓથી મનુષ્યને ઉત્ક્રાંતિની નવી જ ઉંચાઇએ મુકી આપે છે, જે તેના વિચારો અને ભાવોનું માધ્યમ બને છે. માણસ જ્યારે માતૃભાષા બોલતો થાય પછી ઇતિહાસ,સંસ્કૃતિ તેના ચિત્તતંત્ર સાથે ભળી એનું ઘડતર બની તેમાં જડાઇ જાય. માણસ નાનપણથી જે વાતાવરણમાં ઉછરે છે તે તેની માતૃભાષા. માતૃભાષા માતાની જેમ તેના સંસ્કારોને પાળે છે-પોષે છે. જો માણસને તેની માતૃભાષાથી વિખૂટો પાડે તો તે તેના સાંસ્કૃતિક વારસાથી વિખૂટો પડે છે. એટલે ક્યારેય વ્યક્તિંને તેના માતૃભાષાથી વિખૂટો પાડવો જોઇએ નહીં અને પડવું પણ ના જોઇએ. વ્યક્તિના જીવનમાં એની માતૃભાષાનું બહુ મહત્વ છે જે વાત વિશ્વમાં વિભિન્ન સર્વેક્ષણ દ્વારા પણ સાબિત થયેલ છે. જેમ કે,
યુનેસ્કોના શિક્ષણ વિભાગના પૂર્વ ઉપનિયામક જહૉન ડેનિયલના મતે શિક્ષણમાં માધ્યમનો ઉપયોગ ત્રણ બાબતો સાથે સંકળાયેલ છે
- બાળકોનું જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા.
- બાળકોનું ચારિત્ર્ય ઘડતર કરવામાં.
- પોતાની સંસ્કૃતિ સાથે બાળકોનો સંબંધ જોડવામાં.
આ અભ્યાસનું સર્વ સામાન્ય તારણ એ છે કે શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ વધુ અસરકારક બને છે. માતૃભાષામાં અભ્યાસ કરનાર વિધાર્થી છેવટ સુધી માત્ર ભાષામાં જ નહી પણ અન્ય વિષયોમાં પણ સારી પ્રગતિ કરી દેખાડે છે.નિરક્ષળ પ્રૌઢોને સાક્ષર બનાવવા માતૃભાષા સરળ,ઝડપી અને કારગત નિવડે છે.ઇતિહાસ સક્ષી પૂરે છે કે તમામ નોબેલ પારિતોષિક વિજેતાઓ પોતાની માતૃભાષામાં શિક્ષણ લીધુ હતું.
આવુ જ એક બીજુ સર્વેક્ષણ્ પણ ધ્યાને લીધા જેવું છે. ઇગ્લેંડના ‘સમર ઇન્સ્ટિટ્યુટનાવડા ડચર મિલ્ટન રોબિન્સનના મતે “જે બાળકો પોતાની માતૃભાષા સિવાય અન્ય માધ્યમમાં ભણવું પડે છે તેઓના મન પર બે પ્રકારની છાપ પડે છે.
- જો એમને બૌદ્ધિક સફળતા મેળવવી હશે તો પોતાની માતૃભાષા દ્વારા કદી નહીં મેળવી શકે.
- તેમની માતૃભાષા નકામી છે.
આ બંને ભાવનાથી બાળકોમાં હીનતાનો ભાવ જન્મે છે જો બાળક અભ્યાસકાળ દરમિયાન અન્ય ભાષા સાથે પૂરતો તાલમેલ ન સાધી શકે તો તે બાળકના અભ્યાસ,ચરિત્ર અને સંસ્કારોની બાબતમાં વિઘાતક અસરો પડે છે. પોતાને આવી સ્થિતિમાં મુકનાર પરિબળો સામે વિદ્રોહની લાગણી જન્મે છે પછી એના માટે જવાબદાર માતા-પિતા જ કેમ ના હોય. માતૃભાષામાં જ શિક્ષણ આપવામાં આવે તો શિખનાર બાળકનો આત્મવિશ્વાસ વધુ હોય છે. તેની ગ્રહણશક્તિ પણ અંતિમ કક્ષાએ કામ કરતી હોય છે. ગ્રહણ શક્તિમાં બીજા વ્યવધાન કામ કરે પણ માતૃભાષાનું વ્યવધાન નડતું નથી. માતૃભાષા છીનવાઇ જતા વ્યક્તિ મૂળ સમેત ઊખડી જાય છે અને માતૃભાષાના મૂળિયા સંવર્ધન પામ્યા હોય તો બાળક સરળતાથી અન્ય ભાષા પણ આત્મસાત કરી શકે છે.
અમેરિકાની વર્જિનિઆ રાજ્યની જ્યોર્જ મેશન યુનિ.ના સંશોધકો ૧૫ રાજ્યોની જુદી જુદી ૨૩ પ્રાથમિક શાળાઓના અભ્યાસને અંતે એવા તારણ પર આવ્યા કે માતૃભાષા અને સર્વ સામાન્ય પ્રાથમિક શિક્ષણ બંનેને ઊંડો સંબંધ છે. જે બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવ્યું તેવા બાળકોએ ખુબ પ્રગતિ કરેલી જણાઇ.એટલે જ અનેક દેશોએ લઘુમતીઓને પોતાની માતૃભાષામાં શિક્ષણ આપવાની વ્યવસ્થા કરેલ છે.ઓસ્ટ્રેલિયામાં છેલ્લા વીસ વર્ષથી બહારથી આવીને વસેલા લોકોને પોતાની માતૃભાષામાં શિક્ષણ આપવાની વ્યવસ્થા કરેલ છે. ન્યુઝિલેન્ડમાં ત્યાંના આદિવાસીઓને તેમની જ ભાષામાં શિખવાડવાથી તે બાળકોનું શિક્ષકો સાથેનું પ્રત્યાયન અને ગ્રહણશક્તિનો આંક ઊંચો અને અસરકારક માલુમ પડ્યો.
આમ, આવા વૈશ્વિક અભ્યાસો અને તારણો વ્યક્તિના જીવન ઘડતર અને શિક્ષણમાં માતૃભાષાનું કેટલું બધુ મહત્વ છે એ તારસ્વરે પ્રગટ કરતા હોય અને આપણે ગુજરાતીઓ એની અવગણના કરી માતૃભાષાને મૃતપાય થતી જોઇ રહીએ એના જેવી બીજી કોઇ કરુણતા ના હોઇ શકે. આપણી માતૃભાષા એનું અસ્તિત્વ ટકાવી રાખે અને સમૃધ્ધ બને તેવા તમામ પ્રયાસ આપણા થકી થવા ઘટે. આમ તો, કોઇ પણ ભાષાને સમૃધ્ધ બનાવવા માટે અન્ય ભાષાના શબ્દો સ્વીકારવાની ઉદારતા આપણી પાસે હોવી જોઇએ. ગુજરાતી ભાષાએ પણ આવા અનેક શબ્દો અંગ્રેજી, અરબી, ઉર્દુ, ફારસી, હિન્દી, મરાઠી, બંગાળી અને રાજસ્થાની ભાષાના અપનાવ્યા છે. આમ તો ગુજરાતીઓ પરાપૂર્વેથી વેપારવણજ માટે આખી દુનિયામાં અટન કરતા.જેથી આપણી ભાષામાં કેટલાય પરદેશી અને પરપ્રાંતીય શબ્દો આવ્યા છે અને જેને આપણે આપણા શબ્દ ભંડોળમાં સમાવ્યા.પરંતુ અન્ય ભાષાના શબ્દો સ્વીકારવા એ જુદી વાત છે અને સમજ્યા વિના પોતાની માતૃભાષાને ભુલીને બીજી ભાષાના શબ્દોને આડેધડ વાપરવા એ જુદી વાત છે. આ મુદ્દા પર ગુજરાતી ભાષાને સૌથી વધારે અસર અંગ્રેજી ભાષાએ કરી છે. ગામડાઓને બાદ કરતા નાના-મોટા શહેરોમાં ઘરની અંદરના રોજિંદા વ્યવહારમાં પણ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ વધ્યો છે, એ કઇ ગુજરાતીની દરિદ્રતા નથી પણ અંગ્રેજીની ગાંડપણની હદે પહોંચેલી ઘેલછા છે.
ગુજરાતી ભાષા પર આજે સૌથી વધારે ખતરો હોય તો છેલ્લા દસ વર્ષથી આધુનિકતાની હોડમાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઘેલછા વધી રહી છે તેની છે. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ગુજરાતી ભણાવવા અને શિખવા પર ભાર નથી મુકાતો તે છે. આવી સંસ્થાઓમાં અધકચરું, સરકારી નિયામાનુસાર શિખવવા ખાતર મરજીયાત વિષયની જેમ શિખવાડી દેવાય છે. પરિણામે બાળકોનો માતૃભાષા સાથે, સંસ્કૃતિ સાથે, વિચ્છેદ રચાય છે. આની સૌથી મોટી કરુણતા એ છે કે લોર્ડ મેકોલોએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરતા જે ધ્યેય રાખેલો તે વિના અંગ્રેજે અંગ્રેજીના મોહમાં આપણે સિધ્ધ કરી નાખીએ છીએ. અંગેજો તો ગયા પણ પાછળ મૂકી ગયેલી અંગ્રેજીયતે જીવનના બધા જ ક્ષેત્રો પર પ્રભુત્વ જમાવવા માંડ્યું છે. આજે મુંબઇમાં ગુજરાતીઓની કેટલી બધી વસ્તી છે છતાં મુખ્ય ગુજરાતી સાથે ભણવાવાળા વીસ વિધાર્થી પણ નથી. આપણા ગુજ્જુ વિધાર્થીઓ ગૌણ વિષય તરીકે પણ આ ભાષાના બદલે અન્ય ભાષા રાખે છે. એક ભાષા માટે તેના જ ભાષકો દ્વારા થતી અવહેલનાથી મોટી કરુણતા બીજી કઇ હોઇ શકે?
અલબત્ત, અંગ્રેજી શિખવાનો વાંધો ના હોઇ શકે. આજે વિશ્વના મોટા ભાગના દેશોનો વ્યવહાર-સહકાર માટે અંગ્રેજીનો ઉપયોગ કરે છે. વિશ્વમાં પરસ્પરના વ્યવહાર માટે અંગ્રેજી સામાન્ય ભાષા બની ગઇ છે.કોર્પોરેટ જગત,આઇ.ટી. ક્ષેત્ર,આંતરદેશીય વેપારવણજ વગેરે અંગ્રેજી વગર શક્ય જ નથી. પરંતુ માતૃભાષાના ભોગે આ બધું ના થવું જોઇએ. સગી માને મારીને માસીના ખોળામાં બેસવાની ઘેલછા કેટલી વિચિત્ર લાગે છે.દીવાનખાનામાં બેસવાને લાયક હોય તેને રસોડામાં પેસવા ન દેવાય. ઘરમાં નાનું બાળક ફિલ્મનું ગીત આખું ગાય તો આપણે ખુશ થઇએ છીએ પણ તેને ગુજરાતની અસ્મિતા અને ગૌરવ પ્રગટ કરતી કવિતા,પ્રાર્થના નથી આવડતી એની દરકાર નથી કરતા. વર્ગખંડમાં કવિતા ભણાવાય છે તે પણ ક્વચિત શબ્દાર્થ દ્વારા જ. એના કવિએ ગુજરાતી ભાષામાં કેવું અને કેટલું પ્રદાન કર્યું એની ચર્ચા થતી નથી. જેની સીધી અસર એ થાય કે ગુજરાતી ભાષાને પોતાના સર્જનથી સમૃધ્ધ કરનાર સર્જકના પ્રદાનથી વિધાર્થી આજીવન અજ્ઞાત રહે છે. આપણે વિશ્વ નાગરિક બનવું છે પણ ગુજરાતી મટીને તો નહિ જ. એ વાત ચોક્કસ છે કે અંગ્રેજીનો અભાવ આજે પાલવે તેમ નથી પણ એનો પ્રભાવ એટલો બધો તો આપણી ઉપર ના જ હોવો જોઇએ કે આપણે આપણી માતૃભાષાને છેહ દેવો પડે. જ્ઞાન કોઇ પણ ભાષા મારફત આવે આપણને ખપે પણ વિરોધ માધ્યમ તરીકે માતૃભાષાનો છેદ ઉડાડવા સામે છે. જો આમ જ ચાલશે તો આપણે વિશ્વનું જ્ઞાન મેળવવાના પ્રથમ સાધનને પણ ગુમાવી દઇશું. માતૃભાષાને અવગણી અંગ્રેજી તરફેની આ દોટ આપણી પુરાણકાલીન સંસ્કૃતિ માટે ઘાતક પુરવાર થશે. અંગ્રેજી જરૂરી છે તો ચરોતરના બિન નિવાસી ભારતીય (N.R.I.) નિરક્ષર પટેલોની જેમ કે ENGLISH – VINGLISH ફિલ્મની નાયિકા શશી ગોડબોલેની જેમ પ્રયત્ન કરી શું શીખી ના શકાય? ગુજરાતી ભાષક રહીને અંગ્રેજીમાં નિપૂણતા મેળવી શકાય છે. ખરેખર ભાષા પ્રત્યેની અસ્મિતા બાબતે આપણા કરતા રશિયા, ઇઝરાયેલ, જાપાન, ચીનના રાજનેતાઓ અનેક ઘણા ચડિયાતા સાબિત થાય છે. તેઓ વિકસીત દેશના પ્રતિનિધિ નાગરિક હોવા છતાં પણ આપણે જોઇ શકીએ છીએ કે ગમે તેવી સમિટ હોય, સંમેલન હોય તેઓ પોતાની રાષ્ટ્રભાષામાં પ્રવચન આપી પોતાની માતૃભાષાની ગૌરવભેર અસ્મિતા નથી જાળવતા? જ્યારે દુ:ખ સાથે કહેવું પડે છે કે આપણે ત્યાં માતૃભાષાને બચાવવા કોર્ટમાં કેસ કરવો હોય તો અંગ્રેજીમાં લડવો પડે. સામાન્ય માણસો માટે રજૂ થતું બજેટ સામાન્ય માણસ ન સમજી શકે તેવી અંગ્રેજીમાં રજૂ થાય. જો આમ જ ચાલશે તો ગુજરાતીની સાથે ભારતની તમામ પ્રાંતિય ભાષાઓની હાલત દયાજનક હશે. ઇઝરાઇલે જે જુસ્સો હિબ્રુ ભાષાને પુનર્જીવિત કરવામાં દાખવ્યો એવો જ જુસ્સો આપણે આપણી ગુજરાતીને બચાવવા દાખવવો પડશે.
આવા સંજોગોમાં ગુજરાતીને વધુ નબળી પડતી અટકાવવા ગુજરાતી માણસ શું કરી શકે.?તે વિશે કેટલાક મુદ્દા જોઇએ.
- ભાષા અંગે માત્ર ગર્વ ન કરીએ પણ તેનું ગૌરવ જાળવીએ.
- એના વપરાશમાં ચીવટ અને ચોકસાઇ રાખીએ.
- પરિવારમાં અને અન્ય સાથે પરસ્પરના વ્યવહાર ગુજરાતીમાં જ કરીએ. વિચારો જો માતૃભાષામાં
આવતા હોય તો અભિવ્યક્તિ માટે અન્ય ભાષાનો પ્રયોગ શા માટે?
- બાળકોના શિક્ષણનું માધ્યમ ગુજરાતી જ રાખીએ.
- પત્રવ્યવહાર ,ઇ-મેઇલ,વ્યાખ્યાન ગુજરાતીમાં જ કરીએ.
.
- રોજ થોડુંક શિષ્ટ વાંચન અને લેખન કરવાની આદત પાડવી જોઇએ.
- સરકારે પણ પોતાનો વહીવટ ગુજરાતીમાં જ ચલાવવો. સરકાર દ્વારા લેવાતા એવા પગલાનો વિરોધ કરીએ જેનાથી ગુજરાતી ભાષાને હાનિ પહોચે.
- સાહિત્ય, સામાજીક વિજ્ઞાન અને નવા સંશોધનોના ગુજરાતીમાં વહેલામાં વહેલી તકે અનુવાદ થાય અને એવું જ્ઞાન પોતાની ભાષામાં સત્વરે ભાષક પાસે પહોચેં જેથી અન્ય ભાષાના માધ્યમની જરૂર જ ન પડે.
- પ્રાથમિક અને માધ્યમિક શાળાકક્ષાએ માતૃભાષાનો જુવાળ વધે તેવા પ્રયાસો થવા જોઇએ.અંગ્રેજી સિવાયનું શિક્ષણ ગુજરાતી ભાષામાં આપવું જોઇએ.જગતના કોઇ દેશમાં સામાન્ય જ્ઞાન પરભાષામાં આપવાનો આપણા દેશ જેવો વિપરીત ક્રમ કદાચ દુનિયાના કોઇ દેશમાં નહીં હોય.
- કૉલેજ કક્ષાએ ગુજરાતી ભાષા-સાહિત્ય પ્રત્યે રુચિ વધે તેવું વાતાવરણ સર્જવું પડશે.
- ગુજરાતી ભાષાએ ગુજરાતીઓનો સમૂહગત વારસો છે, કીમતી અને ગૌરવ અપાવે તેવો વારસો છે એ વિશે સામાન્ય સમજ ઊભી કરી જાગૃતિ લાવવા પ્રયાસ થવો જોઇએ.
જો કે ભાષા માટે આટલી સાવચેતી આનંદ પમાડે તેવી છે. માતૃભાષા પર આવનારા ખતરાને ઓળખી લઇ, અગમચેતી વાપરી, માતૃભાષાનું મહત્વ સ્થાપિત કરવાના, એની ગરીમા અને ગૌરવ જાળવવાના, ભાષા માટે એના ભાષકોમાં અસ્મિતા ઊભી કરવાના જે પ્રયાસો થઇ રહ્યા છે તે જોતાં કહી શકાય કે આવા સત્પ્રયત્નો એક દિવસ જરૂર રંગ લાવશે.માત્ર સાહિત્યકારો જ નહીં સમાજના તમામ વર્ગોએ માતૃભાષા અંગે ગંભીરતાથી વિચારવું પડશે. એમાંય શિક્ષણ ક્ષેત્રે મહત્વની જવાબદારી નિભાવતા લોકોએ પોતાની નૈતિક ફરજ સમજી જાગૃતિ લાવવા પ્રયાસ કરવો જોઇએ. આ માટે સહિયારો પુરુષાર્થ અપેક્ષિત છે. એકને એક બે થઇશું, આગળ જતા બાવીસ થઇશું. હાલ દરેક ક્ષેત્રે વત્તાઓછા પ્રમાણમાં ચેતના જાગી છે. એક પછી એક નિર્ઝરનો સંચય થતો જશે. તેમાંથી જરૂર સરિતા અવતરશે. મારો આ લેખ આવા જ પ્રયાસનો એક ભાગ છે.
***************************************************
ડૉ. પંકજ પટેલ
સરકારી વિનયન કોલેજ,
બાયડ ( જિ:સાબરકાંઠા) |