logo

મેઘાણીનાં લોક્સાહિત્યમાં લોકગીતો

ઝવેરચંદ મેઘાણીએ આપણા મૂર્ધન્ય સાહિત્યકાર છે.કસુંબલ રંગમાં રંગાયેલા રાષ્ટના રંગે રંગાયેલા “ રાષ્ટીય શાયર” છે.વિવિધ સાહીત્યસર્જનની સાથે લોકજીવન, લોકસંસ્કૃતિના તેઓ જીવનભર ઉપાસકરહ્યા. તેમણે લોકસાહિત્યને સાહિત્યમાં માનભર્યુ સ્થાન અપાવ્યું તેમજ લોકસાહિત્યના શ્રેત્રે કરેલ કામગીરી બદલ ૧૯૨૮ માં પ્રથમ “ રણજીતરામ સુવર્ણ ચંદ્રક ” મળ્યો હતો. આપણા સાહિત્યમાં તેઓ વિશેષ લોકસાહિત્યકાર તરીકે સુપ્રતિષ્ઠિત થયા. મેઘાણીએ લોકસાહિત્યક્ષેત્રે ઘણું બધું પાયાનું કામ કર્યુ છે. તેમણે લોકગીત, લોકકથાઓ, તેમજ લોકસાહિત્ય વિવેચનના પુસ્તકો આપ્યા છે. મેઘાણી અને લોકસાહિત્ય એક-મેક છે.

મેઘાણી લોકગીતોને ગાનારો અષાઢી મોરલો હતો. તેમણે લોકગીત સંપાદન સંશોધનના ઘણા બઘા પુસ્તકો લખ્યા છે. આ લોકગીતોમાં તેમણે સમાજની રહેણી કરણી, રીત-રિવાજ , બોલી , પહેરવેશ , શ્રધ્ધા-અંધશ્રધ્ધા વગેરેનો ઉલ્લેખ કર્યો છે. લોકગીત ગાવા માટે તૈયાર થયેલું હોય છે. પરિણામે તેની પદરચના કંઠને યોગ્ય ઋતુ સંવેદન યુંક્ત અને લયબધ્ધ હોય છે. ટુંકમાં લોકગીતમાં ગેય તત્વ ખુબજ મહત્વનું છે. લોકગીતનો પ્રભાવ માણસના મુખમાં સદાય રહે છે. આ ગીતોને સ્ત્રીઓ અને પુરૂષો સમાનરૂપ ગાય છે. આ ગીતોમાં કેટલાક એવા ગીતો હોય છે કે જે સ્ત્રીઓમાટે હોય છે અને કેટલાક એવા હોય છે કે જે પુરૂષો માટે જ હોય છે. લોકગીત માટે મેઘાણી કહે છે-“ લોકગીત એટલે લોકોએ રચેલું લોકો માટે રચેલું અને લોકોની પરંપરાએ ચાલ્યું આવતું ગીત “

લોકગીતની મોટામા મોટી લાક્ષણિકતા તેનું અજ્ઞાત કતૃત્વ છે. લોકગીતોમાં સમાજનું પ્રતિબિંબ પડે છે. લોકગીતોમાં જીવનના, મૃત્યુના , પરલૌકિક જીવનના વિવિધ ભાવો ગવાયા છે. રાસ , રાસડા , કીર્તનો , ધોળ , રામવાળા , ક્રુષ્ણવાળા ભજનો , દુહા , એનો પ્રકાર છે. મેઘાણીએ લોકગીતોનો કરેલો સંગ્રહ અમર છે. તેમણે અલગ-અલગ પ્રદેશના અને તેમની અલગ-અલગ જ્ઞાતિઓના વિવિધ લોકગીતો એક્ત્રીત કર્યા છે.

લોકગીત સંગ્રહના મેઘાણીએ ઘણા બધા સંપાદનો આપ્યા છે. જે નીચે મુજબ છે.

  ક્રમ      કૃતિ      સમય
1 રઢિયાળી રાત-૧ ૧૯૨૫
2 રઢિયાળી રાત-૨ ૧૯૨૬
3 રઢિયાળી રાત-૩ ૧૯૨૭
4 ચૂંદડી -૧ ૧૯૨૮
5 હાલરડાં ૧૯૨૮
6 ચૂંદડી -૨ ૧૯૨૯
7 ઋતુગીતો ૧૯૨૯
8 રઢિયાળી રાત  ૧૯૪૨
9 સોરઠી સંતવાણી ૧૯૪૭  
10 સોરઠી દુહા ૧૯૪૭

લોકગીતોના આ સંગ્રહમાં મેઘાણીએ હાલરડાં , લગ્નગીતો , રાસડા , દુહા , વ્રત સંબંધી ગીતો જાતી સંબંધી ગીતો , શ્રમગીતો વગેરે આપ્યા છે. લોકગીતોના પ્રથમાંકુરો, નાના , કૂંણા , નવા , ફુટલા કાવ્ય છે. જ્યાથી જીવનનું કાવ્ય-ઝરણ પ્રથમ પહેલું ફુટીને વહેવા લાગે છે.રેટિયો કાંતરી કે બાળ હીંચોળતી માતાના અને શેરીની ધુળમાં રમતાં બાળકોના એ મુખ્યસ્વરોમાં સંગીત , નૃત્યને કવિતા ત્રણેનો સંગમ થાય છે. આજે માતાઓ નવા હાલરડાં માગે છે. જૂનાને વીસરી ગઇ છે. પારણું દીઠું હશે એની રચનામાં લોક-કલાના દર્શન કર્યા હશે. એ લોકહૈયે આમ ગવાયું

"સાવરે સોનાનું મારું પારણિયું
ને ઘુઘરીના ધમકાર , બાળા પોઢો ને !
ચાર પાયે ચાર પૂતળિયું
ને મોરવાયે બે મોર , બાળા પોઢો ને !"

“ કિલ્લોલ “ માં મેઘાણીએ ૧૫ જેટલાં હાલરડાં આપ્યાં છે. જેમા માતાનો પ્રેમ , દર્દ , શીખામણ ફરિયાદ જીવનની કંઇક ઇચ્છાઓ મહેચ્છાઓ તથા દામ્પત્ય જીવન માણ્યા પછી જે સ્ત્રીને પુત્ર કે પુત્રી જન્મેને મહેણાની મારી એ ગાઇ ઉઠે છે કે -

"લીપ્યું ગુંથ્યું મારું આંગણું
પગલીનો પાડનાર ધોને રન્નાદે !
વાંઝીયા-મેણાં માતા દોયલાં"

હાલરડું તો માતાને બાળક પ્રતેનો પોતાનો પ્રેમ ઠાલવવાનું એક સાધન હતું. બાળક વિશેનો મહિમા માતાયે ગાવો હતો તેથી જ આ બીજા પ્રકારના હાલરડાંમાં પંકિતઓ લાંબી , શબ્દ-રચના સંસ્કારી અને સુર-જમાવટ અધિક રસમય બની જેમકે-

"તમે મારા દેવનાં દીધેલ છો.
તમે મારા માગી લીધેલ છો.
આવ્યા ત્યારે અમર થઇને રો !"
(‘રઢિયાળી રાત’ ભાગ-૧ ‌ - પ્રુ.૨)

આજના આધુનિક યુગમાં “ હાલરડાં ” માતાના કંઠમાંથી નિકળીને બાળકના કાન સુધી પહોચતા નથી ન જાણે એ ક્યાં ખોવાઇ ગયાં ? ક્યાં સંતાઇ ગયાં ? આમ મેઘાણીને લોકસાહિત્યની લગની લાગી અને એની શોધમાં સૌરાષ્ટના ગામડે-ગામડે , વગડે-વગડે , નેસડે-નેસડે , ફ્રર્યા તેમાં ચારણ , બારોટ , ભરથરી , ભરવાડો , તૂરી , તરગાળા , મીર , કોળી વગેરે પાસેથી લોકકથા અને લોકગીતોનો ખજાનો ભેગો કર્યો. આમ મેઘાણી અને લોકસાહિત્ય એક-મેક છે એમ કહી શકાય.

*************************************************** 

પ્રો.વર્ષા એન.ચૌધરી
સરકારી વિનયન કોલેજ,
અમીરગઢ જિ.બનાસકાંઠા

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us