logo

ધીરુબહેન પટેલનાં નવલવિશ્વમાં સ્ત્રી પ્રતિબિંબ

ર૦૦ર-ર૦૦પ સુધીના વર્ષો દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૪રમાં પ્રમુખ રહી ચૂકેલા ધીરુબહેન પટેલની સાહિત્ય-સાધના પ્રેરણાદાયી બની છે. સ્વાતંત્ર્યોત્તરકાળના સર્જન વિશ્વમાં ધીરુબહેન પટેલના સાહિત્યનો લાક્ષણિક પ્રભાવ જણાયો છે. તેમના સર્જનકાર્યને સૌનું ધ્યાન ખેંચ્યું છે. નવલકથા, લઘુનવલ, ટૂંકીવાર્તા, નાટક, એકાંકી, ભવાઈ, રેડિયો, નાયક, બાળસાહિત્ય જેવા સ્વરૂપોમાં તેમનું મબલક સાહિત્ય પ્રસિદ્ધ થયું છે. સ્વાતંત્ર્યોત્તર સાહિત્યના સમયગાળાના એક સુપ્રસિદ્ધ સર્જન તરીકે તેમને ગણાવી શકાય. આજીવન લગ્ન ન કરનાર ધીરુબહેનને રમણલાલ જોષી ‘વિદુષી’ તરીકે ઓળખાવે છે.

ગુજરાતી કથાસાહિત્યમાં ૧૧ નવલકથા અને ૬ લઘુનવલો આપીને કથાવિશ્વને સમૃદ્ધ કર્યું છે. ધીરુબહેન પટેલ પોતાનાં સર્જનકર્મને પોષનાર પરિબળ તરીકે તેમના અંતર જીવનને ગણાવતા ‘વિસ્મય સાથે ગૂઢ સંબંધ’માં તેમણે સ્વીકાર્યું છે કે “પહેલેથી અજાણ્યા બે સ્તર પર હું જીવતી આવી છું, બીજું એક ભીતરનું એક મારી એકલીનું જ છે. જેને ફક્ત હું જ જાણું છું. મારા સર્જનના મૂળ એ જીવનમાં છે.”

સાહિત્યને કોઈપણ વાદનું લેબલ લગાડવાને બદલે સર્જકના ચિત્તમાં પડેલી નારી પ્રત્યેની છબી સાહિત્યમાં પ્રગટ થતી જોવી જ સમુચીત ગણાય. તેમની નવલ-લઘુનવલ મોટેભાગ નારીકેન્દ્રસ્થ જોવા મળે છે. તેમની નવલકથામાં ‘વડવાનલ’, ‘શીમળાનાં ફૂલ’, ‘વાવંટોળ’, ‘એક ડાળ મીઠી’, ‘વમળ’, ‘અતિતરાગ’ વગેરે નવલકથામાં સ્ત્રીની અનુભૂતિને વધારે અંગત રીતે સ્પર્શે છે. ધીરુબહેન પટેલને પ્રથમ નવલકથા લખવા પ્રેરણા કૃષ્ણવીર દીક્ષિત આપે છે અને ‘વડવાનલ’ થી નવલકથાનો પ્રારંભ કરે છે.‘વડવાનલ’ નવલકથા ‘ગુજરાત મિત્ર’ સાપ્તાહિકમાં હપ્તાવાર પ્રગટ થાય છે. રેખાની આપવીતીરૂપે રજૂ થતી નવલકથામાં ૪૦ પ્રસંગો અને પ૧ પ્રકરણમાં વહેંચાયેલી છે. નવલકથામાં મોટોભાગ ફલેસ બેક રોકે છે. પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી કથા છે. રેખા અંજનાનું ખૂન કરીને જેલમાં આવેલી પોતાની આપવીતી એક નોટબુકમાં લખે છે અને તે એક સાધ્વી દ્વારા વંચાય છે. પોતાની દીકરી મોટી થઈને જનેતા (રેખા)વિષે ગેરસમજ ન થાય માટે લખે છે.

અંજના રેખાના મામાની દીકરી છે. માના મૃત્યુ પછી અનાથ બનેલી અંજના ફોઈ પાસે રેખાની મા રહેવા આવે છે. અંજના ફોઈની વહાલી બની જાય છે જ્યારે રેખા દ્વેષભાવ અનુભવે છે. અંજના અને રેખાના દ્વેષભાવ અને સતામણીમાં રેખાને મા-બાપુની વઢ ખવડાવતી અને રેખા કહેતી કે ‘મા તો મને જ ચાહતી પણ અંજનાના આવ્યા પછી તે અંજનાને ચાહવા લાગી, અંજનાના આવવાથી એને (રેખા) ગમતી બધી વસ્તુઓ પ્રેમ, પતિ વગેરે તરફના ભાવોમાં પણ સંદિગ્ધતા ઊભી કરી. આમ થાકેલી હારેલી રેખા પ્રસંગોપાત અંજનાના પ્રાણ લઈ લે છે. આથી રેખાને જેલની સજા થઈ છે, પરંતુ ભાવકની નજરમાં રેખા નિર્દોષ જાહેર કરે છે. મનોવૈજ્ઞાનિક અભિગમ ધરાવતી એક નારીનાં ચિત્તની મનોવ્યથા અહીં કેન્દ્રસ્થ છે.

સામ્યવાદી વિચાર પ્રગટ કરતી નવલકથા ‘વાવંટોળ’ વસ્તુગૂંથનની પરિપકવતાના કારણે આસ્વાદક્ષમ કૃતિ બની છે. ‘વાવંટોળ’ નવલકથામાં જેનાં જીવનમાં વંટોળ નિર્માણ થયો છે, તે તાયા કથાનું મુખ્ય પાત્ર છે. તાયાનો પ્રવેશ જ વંટોળથી ફેલાયેલી એક રજકણ ક્યાંય જઈ પડે તેવી રીતે થયો છે. તાયાના હર્ષદવિલામાં આગમનથી નવલકથા આરંભાય છે. આમ તો તાયાના જન્મ-જીવન-મૃત્યુને આવરી લેતી નવલકથા તાયાનું જીવનચરિત્ર દર્શાવે છે. એક સુખી કુટુંબમાં અનાથ તાયાના પ્રવેશથી કથા તેની સમાંતરે રાજકીય, સામાજિક, આર્થિક પરિબળોએ સર્જેલી પ્રતિક્રિયાને આવરી લઈ સર્જકે વસ્તુવિકાસ સાધ્યો છે.

તાયાના આવ્યા પછી હર્ષદરાય મૃણાલદેવી નામક દેવીના સંપર્કમાં આવે છે અને ઘર છોડી સંસાર છોડી તેમના ભક્ત બની આશ્રમમાં રહેવા જતા રહે છે. તેમના બે પુત્રોમાં એક પુત્ર વિદેશ જાય છે અને બીજો પુત્ર ખરાબ આદતે ચડી જાય છે. તો હર્ષદરાયના જવાથી તેમના ઘરની હાલત કફોડી બની જાય છે. આથી તાયા જે ઘરનું અન્ન ખાધું છે તે ઘરની લોફો માટે ફેક્ટરીમાં નોકરી કરી ઘર ચલાવે છે. એટલામાં વિદેશ ગયેલો પુત્ર પાછો ફરતા ઘરની અવદશા સુધારે છે. પણ સાથે તાયાને ઘરમાંથી જાકારો મળે છે. અંતે હિજરત થયેલી તાયા અતુલને મળે છે. અને ધનુર્વાથી તાયાનું રસ્તામાં મૃત્યુ થાય છે. પહેલા સંસાર ત્યજતા હર્ષદરાય ફરી પાછા સંસારમાં આવતા તેમની દુનિયા બદલાઈ જાય છે. આમાં આવતું મૃણાલદેવનું પાત્ર ધર્મ અને આધ્યાત્માના માર્ગે જઈ પલાયન વાદી બની બેઉ બાજુથી વિખરાઈ ગયેલા માણસની અવદશાનું ભાન કરાવે છે. નવલકથામાં આવતા અને સંદર્ભદ કલાકારની કથાવસ્તુની અનુક્રમિક ગોઠવણીને બિરદાવે છે. ‘વાવંટોળ’માં આવતી ભાષા વ્યક્તિઓ મુજબ વપરાઈ છે. વિનય-અતુલ-નારાયણ-હર્ષદરાય વગેરે પાત્રોની ભાષા વ્યક્તિત્વના નિખાર સાથે સર્જકે વાપરે છે.

જેના કથનકેન્દ્રમાં નારી છે એવી ત્રીજી નવલકથા ‘શીમળાના ફૂલ’ છે. શીમળાના ફૂલ નવલકથાનું વસ્તુ ભગ્ન દામ્પત્યજીવન પર આધારિત છે. રન્ના અને વિમલ પતિ-પત્ની છે. શીમળાના ફૂલનું પ્રતિક લઈને લેખિકાએ રન્ના અને વિમલના ગૃહસંસારમાં આવેલ એક આંધી અને એનાથી સર્જાયેલા વંટોળનું ચિત્રણ કર્યું છે. પતિ-પત્નીના ગૃહસ્થ જીવનમાં વમળ ઊભું થયું છે. વીસ વર્ષના લગ્નજીવન બાદ કથાનાયિક રન્ના ઘર છોડી જવાના નિર્ણયથી કથાનો પ્રારંભ થાય છે. રન્ના ઘર છોડ ને પૂનામાં રહેતી ઉમાને ત્યાં રહે છે. પતિ વિમલ પલ્લવીના પ્રેમમાં હોય છે. તેવામાં વિમલને એક્સીડેન્ટ થાય છે અને રન્ના પોતાના પતિના ગૃહે પાછી આવી જાય છે. અહીં માધુર્ય દામ્પત્યનો સૂર પ્રગટ થયો છે. આમ, આ નવલકથામાં સર્જકે રન્નાને નજર સમક્ષ રાખી તેના આંતર ચેતનાના પ્રવાહમાં ડોકિયું કરે છે.

નારી જીવનની આંટીઘૂંટીમાં અટવાતું જીવન ‘વમળ’ નવલકથાથી કથાવસ્તુ બની છે. નાયિકા સ્વાતિના બે જન્મના વમળમાં અટવાતું જીવન નવલકથાનું વસ્તુ છે. વિજ્ઞાન અને વાસ્તવનું સંમિશ્રણ સર્જતી છતાં બંને વચ્ચે સમન્વયાત્મક તોડ લાવતી. આ વાસ્તવિક નવલકથા બની રહે છે. કથાનાયિક સ્વાતિ એક ભવમાં બે ભવ જીવવાની ભ્રાંતિ ઊભી કરતું પાત્ર છે. વાસ્તવ જગતનું જીવન જીવતી સ્વાતી પૂર્વ જન્મના માયાકુંવરના સુખેથી જીવન માણવા દેતી નથી. તે સાસરીમાં બધાના જીવનમાં અંજાપો ઊભો કરે છે. સ્વાતિનું જીવન અભય સાથે સરસ અને સરળ હોય છે. અચાનક સ્વાતિના મનોજગતમાં પૂર્વેજન્મનું સ્મરણ થઈ આવતા અભયનું ગૃહસ્થ જીવન ડામાડોળ થવા લાગે છે.આ નવલકથામાં બે મુખ્ય ઘટનાઓ સ્થાન ધરાવે છે એક વર્તમાનમાં આગળ વધે છે તો બીજી ઉપકથાની જેમ આવતી ભૂતકાળની ઘટના છે. જેમાં રાજકુંવરી માયાકુંવર વીરેન્દ્રસિંહ સાથેની અતૃપ્ત ગૃહસ્થી કથાનો સમાવેશ થાય છે. તેથી તેના વર્તમા ન જીવનમાં વમળ ઊભું કરે છે. સ્વાતિ તે વમળથી અસરગ્રસ્ત ન થાય એ ડૉક્ટરનો આશય લે છે અને ડૉક્ટર કહે છે કે... “ભૂલીજા ભૂતકાળ વર્તમાનને સુધાર, ભવ્ય બનશે ભવિષ્યકાળ તારો” આવી સલાહ જાણે સ્વાતિના જીવનમાં જાણે પ્રભાતના ઉજાશ સ્વરૂપે છાયી જાય છે.

‘અતીતરાગ’ એ વેણુના જીવન સાથે જોડાયેલી નવલકથા છે. લેખિકા કથાની શરૂઆતથી જ વેણુ ઉપર કેમેરો ગોઠવી દે છે. આમાં યુવતીના સ્વભાવ અને આતર મૂંઝવણને આ લેખતી કથા સીધી ભૂતકાળની જાહજલાલીનું પ્રતિક સમો‘ ત્રિભુવનભવન’ ઉપર કેમેરો ગોઠવાય છે. વેણુ કાકા-કાકી જોડે રહેતી હોય છે અને શરૂઆતથી જ તે કોઈ પત્રની રાહ જોતી બતાવે છે. ઉદાસ અને ચિંતાતુર વેણુ શૌનકના ‘હું છું ને ?’ ના હૈયાધારણથી ટકી રહે છે. એક પછી એક ઘટનાઓ બને છે. કાકા-કાકીનું મૃત્યુ, કામવાળી ઈચ્છાની પુત્રી લીલાનું કુમારી માતા બનવું, ઈચ્છાનું મૃત્યુ થવું, લીલાની જવાબદારી વેણુને સોંપવી, લીલાનું રતના જોડે લગ્ન કરવવાવું વગેરે ઘટનાઓ બને છે અને વેણુ બધી જ જવાબદારી ઉઠાવે છે. અંતે ત્રિભુવન વહેંચાય છે. અને સંપત્તિના ભાગલામાં વેણુને સંપત્તિનો હક મળે છે. લેખિકાએ છોકરીને પણ સંપત્તિની અધિકારી બતાવી છે. વેણુના ભાગમાં આવેલી સંપત્તિમાંથી લીલાને ભાગ આપે છે. લીલા રતન જોડે ભાગી જાય છે એ તેનો પુત્ર બુધાને વેણુ પાસે મૂકી જાય છે. ધીરુબહેન કથા સમેટી લઈ શૌનકને અમેરિકાથી પાછો બોલાવી વેણુનો હાથ તેના હાથમાં મૂકે છે.

‘એક ડાળ મીઠી’ જેવી નારીવાદી અભિગમ ધરાવતા નવલકથાઓમાં સર્વથા ઉચિત છે. દહેજપ્રથાને કારણે નિર્ધન દીકરીઓને વેઠવી પડતી આપત્તિઓનું કરુણ રસમાં નિરૂપણ કથામાં કર્યું છે. સવિતા કાકા-કાકી પાસે ઉછરેલી અને નરેન્દ્ર સાથે લગ્ન કરે છે. દહેજ ન મળવાથી સવિતાની સાસરી માં અવગણના અને અડધૂત કરાય છે. નરેન્દ્ર એ સવિતા સાથે લગ્ન કરેલ હોવા છતાં બીજી છોકરી જોવા જાય છે અને સવિતાના હૃદયમાં ધગધગતો અંગારો પડ્યા જેવું થાય છે. અને તેના જ કંઠ નીચે નીચેની પંક્તિ ગવાય છે.

“આખું તે વન ન માગું મા’ દેવજી,
આપોને એક ડાળ મીઠી”

આ પંક્તિ દ્વારા શીર્ષક યથાર્થ થાય છે.સાસુ-સસરાની અમર્યાદા ધનલાલસા અને કાકા કાકી દહેજ ન આપી શકવાની ક્ષમતા સવિતાના જીવનમાં ઓટ લાવે છે.

છ નવલકથાના કેન્દ્રમાં નારી છે.જે કથાવસ્તુમાં એવી રીતે વર્ણવાઈ છે કે જે નારીવાદી કરતાં માનવતાવાદી વધુ લાગે છે. વિવિધ વિષયવસ્તુ લઈ આવતા ‘વડવાનલની રેખા, શીમળાના ફૂલની રન્ના, ‘વાવંટોળની તાયા’, ‘વમળ’ની સ્વાતિ, ‘એક ડાળ મીઠી’ની સવિતા, ‘અતિતરાગ’ની વેણુ વગેરે એક જ લેખિકાના માનસ હોવા છતાં જુદી-જુદી છાયા ધરાવે છે. તેમના પાત્રોમાં સ્ત્રીની સામે સ્ત્રીને મૂકીને જોવાની દૃષ્ટિ તેમનામાં રહેલી છે.સવિતા સામે સમાજનો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન દહેજ લઈને આવે છે, તો અંજના સામે કોઈપણ પ્રતિકાર ન કરતી રેખા પરિસ્થિતિને સહ્યે જ જાય છે. તો વેણુ પોતાના સગાભાઈની સામે ઉભી રહીને લીલાનો સાથ આપે છે. ધીરુબહેને આમ સ્ત્રીની ભિન્ન ભિન્ન પાસાંઓ દ્વારા સ્ત્રીના પ્રશ્નોને રજૂ કર્યા છે.

લીંગમાં ન માનતા ધીરુબહેન માનવી તરીકે જ સ્ત્રીને સ્વીકારે છે. તેમનો સ્પષ્ટ મત જોઈએ તો... “સંવેદનશીલ હૃદય સર્જકની પ્રથમ અને આખરી જરૂરરિયાત છે. સ્ત્રી હોવું કે પુરુષ હોવું એ ગૌણ બાબત છે.” આમ તેઓ માત્ર સંવેદનશીલ હૃદય જ પ્રગટ કરે છે. તે કોઈ વાદમાં બંધાયા વગર સાહિત્ય રચે છે.

*************************************************** 

અનોખી કનુભાઈ પટેલ
M.A., M.Phil, Ph.D. (cont)

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us