logo

‘કોઇ તારું નથી’

‘ છોડીને આવ તું ’ જેવા પુરસ્કૃત ગઝલસંગ્રહથી લોકપ્રિય બનેલા ગુજરાતી ગઝલકાર રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ગઝલ ક્ષેત્રમાં એક ડગલુ આગળ વધે છે એમના નવા ગઝલસંગ્રહ ‘ કોઇ તારું નથી ’ ધ્વારા.

૧૯૦૦ થી આરંભાયેલી તેમની ગઝલયાત્રા અતિરત પણે નવીનરુપે ધારણ કરતી રહી છે. તેનું ઉતમ ઉદાહરણ ૨૦૦૦ માં પ્રગટ થયેલ આ ગઝલસંગ્રહ છે.

ગઝલની સાચી સમજણ સાથે ગઝલની પ્રથમ બે પંકિતઓ રચાઇ જાય એટલે કે ‘ માલા’ સર્જક માનસમાંથી ઉતરી આવે અને તેનાથી આગળ કશું જ ન રચાયું હોઇ એવી ઘટના ‘ મિસ્કીન’ સાથે અનેકવાર બની છે. પરંતુ સર્જકનું ભાવવિશ્વ કોઇ એક સંવેદન પુરતું સીમિત હોતું નથી સર્જક ક્ષણોમાં જીવતો હોય છે. અને આ ક્ષણોને ચિરંજીવી બનાવવા મથતો હોય છે. પછી એ ક્ષણોને શબ્દરુપે તે કેદ કરે ત્યારે એ ક્ષણો ગઝલ બને કે મત્લા પરિણામ તો શબ્ધતતામાં જ આવે છે.

પૂર્વભૂમિકા આ રીતે રજુ કરવાનું કારણ એ છે કે આ સંગ્રહમાં ગઝલો તો છે જ, સાથે-સાથે ૧૬૪ મત્લા પણ સંગ્રહિત છે. તેથી એક ર્દષ્ટિએ આ ગઝલસંગ્રહને મત્લાસંગ્રહ પણ કહી શકાય. કારણ કે, મત્લાનો જેમાં સંગ્રહ થયો હોય એવું લગભગ તો આ પ્રથમ પુસ્તકજ છે.

પ્રત્યેક શેરનું સ્વતંત્ર ભાવવિધ હોય છે. ઘણી વખત એમ પણ બને છે કે જે વાત આખી ગઝલ ન કહી શકે એ વાત માત્ર ગઝલની બે પંકતિઓ એટલે કે શેર કહી જતો હોય છે. ઉદાહરણઃ-

‘ માણસની ખોટ કેટલી મામુલી નીકળી,
ચાલે બધુ બધેય બધાનો વગર હોય ’

વ્યકતિવિચ્છેદ અને લાગણી વિચ્છેદમાંથી જન્મતી વેદના અને તે વેદનાની અકળામણે સર્જકને ‘કોઇ તારું નથી’ આ સમાધાન સુધી પહોંચાડવા છે.

‘કોઇ તારું નથી’ શીર્ષક વાંચતા જ સંગ્રહને ખોલ્યા વિના જ આપણા મોઢામાંથી એક વાકય સરી પડે છે. ‘‘ સાચી વાત છે’’ વાકયની પાછળ છુપાયેલી કવિ હદય ની વેદના આ સંગ્રહમાં ક્રમશઃ વિસ્તરતી રહી છે. ઉદાહરણઃ

‘‘ કઇ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ લાગી શરત કોઇ તારું નથીમાત્ર આ ગઝલસંગ્રહ જ નહી પણ સર્જકતા ગઝલ રચનાના મૂળ વિરહના ઉત્પાદનમાં, તરફડાટમાં લડેલા છે. એમ કહેવામાં જરાય અતિશયોકિત નથી. ૧૯૦૦ની સાલમાં જેને ગઝલની પ્રથમ પંકિત કહી શકાય તેવી તેમની પ્રથમ રચના જોવાથી તેનો તરત જ ખયાલ આવશે. ઉદાહરણઃ

‘ હદયની વેદનાનો આંસુથી અણસાર આપુ છું. ,
કથા પુરી નથી કહેવી નિતરતો સાર આપું છું.’

હોવું અને હોવાની ઝંઝટ જ બધી સમસ્યાઓ ઉભી કરે છે. જયારે ભૂલવું એ ચેતનાને નવા અનુભવ સાથે જોડી આપે છે. નામ અને વટને ખાતર વ્યકિત સંબંધોને ભુલી જાય છે. ત્યાં સર્જક જેવી નિર્દોષતા ગ્રહણ કરી જીવવા સમજાવે છે. ઉદાહરણઃ-

‘‘ ચાલ બાળકની જેમ બધું ઝટ ભૂલી જઇએ,
આ હોવું હોવાની ઝંઝટ ભૂલી જઇએ ’’

બહારથી ઝગમગાર ભરી જીંદગી ભીરતમાં એ એટલી ભરચક હોતી નથી. કયારેક એકલતા તો કયારેક ભીડ બંનેમાં અનુભવાતી વ્યથાને સર્જકે ગઝલમાં નિરુપી છે. ઉદાહરણઃ

કયાં ખોટ કશાની છે ઘરમાં ?
જીવું છું જાણે અવસરમાં આ કોણ
યાદ આવ્યું મિસ્કીન, કે જાત અધૂર‘

કવિની કોઇ તારું નથી’ ની વ્યથાનો સુર સમાધણ પામવા કયારેક પોતાની જાતનું તો કયારેક ઇશ્વરનું શરણું શોધે છે અને તેમ છતોય પ્રિયજનનો તલસાર તો કેન્દ્ર સ્થાને યથાતથ રહયો છે તેથી આ ગઝલસંગ્રહની ગઝલોને ત્રણ વિભાગમાં વહેચી શકાય.

  1. વિરહવેદનાની, પ્રિયજનને પામવાની તરસની ગઝલો
  2. જાત સાથે સમાધાન સાધતી ગઝલો
  3. ઇશ્વરના સાનિધ્યમાં મુકિતનો અનુભવ કરતી ગઝલો

જીવન અને જગતની વ્યથિત થયેલો મનુષ્ય આખરે તો પ્રકૃતિ અથવા પરમતત્વના શરણમાં જતો હોય છે. અને શાંતિનો અનુભવ કરે છે. તેમ અહીં પણ બન્યું છે. પ્રથમ પ્રિયતમની જુદાઇની વ્યથા, તેની ઉત્કટતાની ગઝલો પછી તેને ન પમી શકવાની વ્યથા અને પછી અંતે એ જ સનાતન તત્વોને સ્વીકાર અહીં પણ થયો છે. જેમ કે,

........‘‘ સાવ તરસી આંખોમાં એનાં સ્મરણ,
આજ પણ છલકયો ને છલકાવી ગયા.’’

-‘લે તું જ કહે કઇ રીતે ગોઠે આ જીવવું,
આંખોમાં એક સાંજ ઠરી એય આમ તેમ’

-‘‘દોસ્ત ચારે દિશામાં તાળાં છે,
હાથમાં એટલે જ માળા છે.’’

- ‘કેટલા ને ? કયાં લગી ? ખુશ રાખશું,
ચાલ મન પોતાને ખાતર માણીએ.’’

- ‘સ્વપ્નવત માનું જયાં સઘળું, કે તને,
આ અકળ સૃષ્ટિમાં તન્મય જોઉં છું.’

ચાહવું ઘણું સરળ છે તેમાં કોઇ વિકલ્પ હોતો નથી. પણ સમજવું ઘણું અઘરું હોય છે. અને વિકલ્પો અપાર હોય છે. એ એમની ગઝલોથી સમજાય છે. દા.ત.

ચાહું છું ચૂપચાપ તને
ચાહી જો ચૂપચાપ મને.

ગઝલકારને મત ગઝલ એનો આત્મવિશ્વાસ છે એને જીવાડનાર જીવાતુભુત તત્વ છે.

આખરે એ જ ગઝલના શબ્દો એના જીવનનો સાર આપણી સમક્ષ યથાવત સ્થિતિમાં મૂકી આપવાને કારણરુપ બને છે. ગઝલકારને મન શબ્દો બ્રહમસ્વરુપ જેવા હોય છે.

‘‘ શબ્દ મૂળ સૃષ્ટિનું શબ્દ દેહનું બન્ધન
સૃષ્ટિ બ્હાર નીકળવા એ જ માત્ર અવલમ્વાન’’

આજના મનુષ્યની યંત્રવત સ્થિતિથી મિસ્કીન પણ બચી શકયા નથી. બહારથી માણસ દેખાતો મનુષ્ય અંદરથી કેવો સાવ ખાલી હોય છે. કોઇના સહારાને સતત ઝંખતો પરિસ્થિતિ સામે ઝઝુમતો મનુષ્ય અહીં ‘ કરફયુગ્રસ્ત અમદાવાદ’ ગઝલમાં વાચા પામ્યો છે. જેમ કે

‘ હર ગલી ને હરેક ઘર ઘજે,
આમ આખુંય આ નગર ધ્રુજે
શહેરને કોણ લુંટવા બેઠું
લાગણીઓ લઘરવઘર ધ્રુજે’

-‘માણસાઇ હતી નદી જેવી,
તોય કયાં દરિયે સંઘર્યેા માણસ.’

આમ, સર્જકની પોતાના અંગત હદય ભાવમાંથી જન્મેલી વેદના વિસ્તારતી જ તેમના પ્રિયજન પુરતી સીમિત રહેતી નથી. વ્યથાની કથા તો જાય છે દરેક હદયમાં છૂપાયેલી જ હોય છે. અને સ્પર્શનાર, સંભાળનાર તત્વ હોલું જરુરી છે. અને આમ પણ કવિ હદયનું ભાવવિશ્વ કોઇ એક સંવેદન પૂરતું સંકુચિત હોતું નથી. સમષ્ટિની વેદના તેની પોતાની પણ એટલી જ હોય છે. વળી જીંદગી દુઃખમાં વધુ સમ્યરુપ ધારણ કરે છે. તેથી જ તો પોતાની વ્યથાને ભૂલવા માટે ચિંતન તરફ વળેલા સર્જક માત્ર પોતાને નહી સર્વને પણ એ જ પથ ચીંધે છે.

‘ કોઇ તારું નથી’ અને અહીં ઇશ્વર કૃપાથી પ્રાપ્ત થયેલ સમગ્ર પ્રકૃતિ કોઇ એકની નહીં પણ સર્વની છે એને માણવા પ્રમાણવાનો અધિકાર બધાને છે. માયાથી અલિપ્ત બનેલો મનુષ્ય આ જગતની સર્વ સૃષ્ટિને પામવાનો અધિકાર બને છે. માટે તેમની ગઝલ આ રસ્તે વળે છે.

‘ ચલ બધું ભૂલીને સાગર માણીએ,
આંખની સામે છે ઇશ્વર માણીએ.’
કયાંક અટકી જઇને પળભર માણીએ,
ભૂખ ઝડપી છે આ જીવતર માણીએ’

- થઇ જશે હોવું સ્વયંમૂ આનંદમય,
શ્વાસ છે, એકેક અવસર માણીએ.

અગાઉ આપણે વાત કરી છે એ મુજબ આ માત્ર ગઝલસંગ્રહ નહીં મત્લાસંગ્રહ પણ છે. મણિલાલ નભુભાઇ દ્રિવેદી તેમના આ મુબજના મત્લાથી લોકપ્રિય બનેલા છે.

‘‘ કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે,
ખફા ખંજન સનમનામાં રહમ ઉંડી લપાઇ છે. ’’

તેવી રીતે રાજેશ વ્યાસ ‘ મિસ્કીન’ ની ગઝલનો આ મત્લા ખૂબ લોકપ્રિય બનેલો છે.

‘‘તારું કશું ના હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય જો તો છોડી બતાવ તું.’’

ગુજરાતી ગઝલના છંદો વિશે છેલ્લા ૩૦ વર્ષથી સંશોધન કરી રહેલા તથા ગઝલક્ષેત્રમાં છેલ્લા ૩૬ વર્ષથી કાર્યરત કવિએ મત્લાથી આગળ વધી ન શકેલી ઉત્તમ પંકિતઓને ગઝલ બનવા માટે વિવશ કરી નથી. કારણ કે અનેક ચેતના જયાં-જયાં પ્રગટરુપ ધારણ કરે ત્યાં શબ્દો ચોકકસ છંદ, લય બધુ સાથે જ લઇ આવતા હોય છે. ઉત્તમ મત્લા કેવી રીતે સર્જાય છે તેનું ઉદાહરણ તેમણે પ્રસ્તાવનામાં આપ્યું છે. પરંતુ આપણે અહીં સંગ્રહાયેલા મત્લાનો પરિચય મેળવી શું.

‘‘ આંખોમાં કૈક ભાવ ઉઠીને રામી જતાં,
મારા સૂરજ ઉગીને આમ આથમી જતાં.’’

- ‘ ખબર છે કે મારું કશું પણ નથી,
છતાં છોડવાનું ગજું પણ નથી.’

અહીં પણ પ્રયજનની ગેરહાજરીથી સર્જાતી એકલતા વેદના નિરુપાઇ છે.

‘ જો તું નથી તો આ સમય જેવું ય પણ નથી,
રસ્તો કપાતો જાય ને લાગે ચરણ નથી.’

વેદના દરેક વખતે શબ્દો રજુ ન પણ કરી શકે ત્યાં શબ્દોને પણ મર્યાદા નડે છે જે નથી સમજાવી શકાયું તેને માટે મૌન ઉપકારક થઇ પડે.

‘‘ શબ્દમાં જયારે એકાંત આવ્યું હશે,
કલ્પી લે કઇ રીતે મન મનાવ્યું હશે.’’

મનુષ્ય શરીર હાડ-માસનું બનેલું છે. એનામાં જીવ પણ છે. બધું જ તેનું હોવા છતાં અન્યની લાગણી પ્રેમ જ તેને ચેતનવંતુ રાખે એ કેવી લાચારી છે ? પરવશતા છે એ તેમના આ માત્લાથી સમજાશે.

‘ કેટલું પરવશ જીવન છે શહેરમાં આખર સુધી,
ઘોડિયાદારથી લઇને છેક ઘરડાઘર સુધી.’

અહીં પણ ગઝલની માફક ક્રમ જળવાયો છે પ્રિયજનના અભાવની લાચારીનો અને જાત સાથે સમાધાનનો. જેમ કે -

‘ હવે ફરી મળવાની ઇચ્છા કરવી મારે,
આંસુથી એક નદી કુવારી ભરવી મારે.’

- ‘પ્રથમ તો કોઇ કારણ વિના મળવાનું ટાળે છે,
પછીથી રાત આખી એના પસ્તાવામાં ગાળે છે.’

- ‘‘ આ જ આશ્વાસન બધા સંબંધનું ,
છે ગણિત અઘરું ઋણાનુબંધનું.’’

કવિ રાજેશ વ્યાસ ‘ મિસ્કીન’ ની ગઝલો પરંપરાગત શૈલી નો હોય પણ સર્જકને પોતાની વ્યથાને રજુ કરવાનો મોકો મળે અને એ પણ ભાવક હદયને નિકટતાથી સ્પર્શીને એનાથી વધારે સફળતા સર્જકની કઇ હોઇ શકે ? તેમણે પોતાના મનોજગતને નિખાલસતાથી અહીં રજુ કર્યો છે. એમના સંગ્રહમાં આવતી પુનશકિતની મર્યાદા સજર્કે પોતે સ્વીકારી છે તેથી તેમને વધુ કંઇ કહેવાનું રહેતું નથી. આ ગઝલસંગ્રહ એમની લોકપ્રિયતામાં વધારો કરીને એક ચોકકસ સ્થાન પ્રાપ્ત કયુઁ છે. એમાં કોઇ શંકા નથી.

*************************************************** 

ર્ડા.આરતીબેન પટેલ
કા.આચાર્યા અને અધ્યટક્ષ
ગુજરાતી વિભાગ
એન.પી.પટેલ મહિલા આટર્સ કોલેજ,
પાલનપુર

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us