મૈલા આંચલ : ભારતીય તાસીરનું દર્શન
સાહિત્યની તાસીર યુગે યુગે તેના ગુણધર્મ પ્રમાણે સર્જનાત્મક અને વિવેચનાત્મક એમ બન્ને ક્ષેત્રે બદલાતી રહી છે. સુવિદિત છે કે દરેક પ્રાંત- પ્રદેશનું સાહિત્ય પોતાની ઓળખ ઉભુ કરતું હોય છે. છેલ્લી સદીના સાહિત્ય પર નજર કરીએ તો એક ચિત્ર એવું ઉપસી આવે છે કે જેમાં ‘ભારતીય સાહિત્ય’ કે ‘સાહિત્યમાં ભારતીયતા’ને સર્જન અને વિવેચન બંન્ને ક્ષેત્રોએ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સમગ્ર ભારતીય ઉપખંડનું સાહિત્ય સાહિત્યમાં રહેલી કે ઉજાગર થતી ભારતીયતાને વિશેષ કેન્દ્રીત કરે છે. આમ તો ભારતીયતા એમ કહીએ છીએ ત્યારે તેનો વિશાળ સંદર્ભ આપણી સમક્ષ ખડો થઇ જાય છે. અસ્મિતા, સંસ્કૃતિ, ધર્મ, ભૌગોલીકતા, ઉત્સવો, રહેણી-કરણી, વિચારધારા, ઐતિહાસિકતા, કેટ-કેટલા ફાંટામાં એ શાખાઓ વિસ્તરે છે અને છતાં અનેકવિધતામા એકવિધતા તેનું મૂખ્ય હાર્દ છે.
ભારતભૂમિ તેના ગર્ભમાં એક ભવ્ય ઇતિહાસ સમાવીને બેઠી છે. અનેક પ્રજાઓનું તે નિવાસસ્થાન બની છે. અનેક ધર્મોને તેણે સમાવ્યા છે છતાં સમગ્ર ભારતવર્ષે પોતાની મુદ્રા અકબંધ રાખી છે. ભારતીયતાને સાહિત્યના માધ્યમથી જો ઉકેલવા બેસીએ તો તેના આવડા વિશાળ ફલકને કારણે ઉપલબ્ધ છે તેનાથી વધુ સાહિત્ય પ્રાપ્ત થાય એ નિર્વિવાદ છે. તેના અલગ-અલગ પાસાઓને છૂટાં પાડી તેનું સર્વેક્ષણ કરવામાં આવે તો કદાચ એટલા ભાગ પુરતુ આપણે સમજી શકીએ કે ભારતીય સાહિત્યનું સ્થાન વૈશ્વિક સમાજમાં ક્યાં છે. પરંતુ જો ભારતીયતાના કોઇ નક્કર પદાર્થને પામવું હોય તો ભારતીય સાહિત્યની કોઇ એકાદ સર્જનાત્મકતાને કેન્દ્રમાં રાખી અવલોકીએ તો કદાચ વધુ ચોક્કસ પરીણામ મળી શકે. અહી બંગાળના સુપ્રસિદ્ધ લેખક ફણીશ્વરનાથ રેણુની ખ્યાત નવલકથા ‘મૈલા આંચલ’ને ધ્યાને રાખી તેમાં ઉજાગર થતી ભારતીયતાની ચર્ચા કરીશુ. આમ તો ભારતીય સર્જકને પરંપરા સાથે વધુ સમ્બંધ રહ્યો છે. તે પોતાને મળેલા વારસાને કોઇ ને કોઇ રીતે ઉજાગર કરવા મથામણ કરતો હોય છે, તેમ છતાં સાહિત્યકાર તેના સ્થળ-કાળથી પણ પ્રભાવિત થતો જ હોય છે. તે પોતાની કૃતિમાં પાત્રો કે પરિવેશના માધ્યમથી પોતાની સંસ્કૃતિનું જતન કરે છે. પાત્રોના ભાવ, વિચાર, અનુભૂતિને આલેખતી વખતે સભાન કે અભાનપણે પણ પોતીકા પરિવેશને સર્જક સ્પર્ષતો હોય છે.પ્રસ્તુત નવલકથા મૈલા આંચલ આંચલિક નવલકથા છે. તેમા કોઇ પ્રદેશના એક ભૂભાગને આલેખવામાં આવે છે. અહીં લેખકે બિહારના પૂર્ણિયા જિલ્લાના એક છેવાડાના ગામના 1942ના જન આંદોલનના સમયગાળાનો પરિવેશને આલેખ્યો છે. વિરાન જંગલ અને મેદાનોની આગોશમાં શ્વસતા ગામની ગતિવિધીઓને, તેમાં જીવાતા લોકને સંવેદિત કર્યો છે.
કથાના નાયક ડો.પ્રશાંતને અનિચ્છાએ સંશોધન માટે બિહારના છેવાડાના ગામ મેરીગંજ આવવાનુ બને છે ત્યાંથી કથા આરંભાય છે. સર્જકના સર્જકત્વમાં ભારતીયતા કેવી રીતે આકાર લેતી હોય છે. ગામના લોકો તેમની ઓળખ પુછે છે ત્યારે પ્રશાંતનો ઉત્તર જૂઓ તે કહે છે હું એક હિંદુસ્તાની છુ. અહી લેખકનું આંતરિક સત્વ પાત્રના માધ્યમથી મૂખરિત થાય છે. લેખકે જે કહેવું છે તે એવી રીતે કથા અને પાત્રો સાથે વણાઇ જતું હોય છે કે તેમાં સહેજ પણ કૃત્રિમતા ન લાગવી જોઇએ જેમકે वेदान्त.. भौतिकवाद.. सापेक्षतावाद.. .मानवतावाद ! हिसा से जर्जर प्रकृति रो रही हे | ...मानवता के पूजारियों की सम्मिलित वाणी से गूँजती है-पवित्र वाणी | उन्हें प्रकाश मिला गया है | तेजोमय ! क्षत-विक्षत पृथ्वी के घाव पारा शीतल चंदन लेपा रहा है | प्रेम और अहिंसा की साधना सफला हो चुकी हे | फिर कैसा भय | विधाता की सृष्टि में मानव हि सबसे बढकर शक्तिशाली है | उसको पराजित करना असंम्भव है | प्रचंड शक्तिशाली बमों से भी नहीं...पागलो ! आदमी हैं गिनी पिग नहीं | ...सबारि ऊपर मानुस सत्य |’ અહી લેખક્ની દ્રષ્ટિ વૈશ્વીક સ્તરે વિસ્તરે છે. જે ભારતીયતાની ધોતક છે. આમ કરવા જતાં સર્જકના સર્જનમાં ભારતીય નાડીનો ધબકાર અને તેના આત્માના સૌંદર્યનો પડઘો ઝીલાય છે. પ્રશાંત અહી મેરીગંજમાં ડો.પ્રશાંત બનીને લોકોની સેવા કરવામાં પોતાના જીવનની સાર્થકતા જૂએ છે.
કથાનું બીજું એક પાત્ર કાલીચરન જે યુવા નેતા છે. કથાના સમગ્ર પટ પર આ પાત્ર પોતાની તેજસ્વી પ્રતિભાબળે પ્રભાવક બની રહે છે. કુશ્તીના શોખીન એવા આ યુવા લીડર ગરીબો અને પીડીતોને થતા અન્યાય સામે અડીખમ ઉભો રહે છે. અભણ અને ભોળા લોકની પડખે ઉભા રહી સરકાર અને જમીનદારોની જોહુકમીને તે પડાકારે છે. સમગ્ર ઘટના એવી રીતે આકાર લે છે કે એક ભારતીય ગ્રામીણજીવનનો આખો પરિવેશ ઉભો થાય છે. સમગ્ર ઘટમાળમાં બીજુ એક પાત્ર ધ્યાન ખેંચે છે બાલદેવ જે એક રાજકીય નેતા છે. બાલદેવના માધ્યમથી ફણીશ્વરનાથ રેણુએ એક એવા રાજકીય નેતાનું ચિત્ર ખડુ કર્યું છે કે જેણે બહુ નાના કુટુંબમાં જન્મ લઇને દેશની સ્વાધીનતા સંગ્રામમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેની ગણના રાષ્ટ્રના મહત્વના નેતાઓમાં તો નહી પણ તેના નિસ્વાર્થ ત્યાગ અને બલીદાનની ભાવના ધ્યાનાર્હ છે. ઉપરાંત તે મહાત્મા ગાંધીજીના પરમ ચાહક અને ભક્ત હતા. લોકોને ગાંધીજીના આદર્શો બતાવી ધીરજથી કામ લેવાનું શીખવે છે. ‘ पियारे भाइयो, आप लोग जो आंदोलन किए हे, वह अच्छा नहीं | अपना कान देखे बिना कौआ के पीछे दौडना अच्छा नहीं | आप ही सोचिए, क्या यह समजदार आदमी का काम हे |… आप लोग हिंसावाद करने जा रहे थे | इसके लिए हमको अनशन करना होगा | भारतमाता का, गांधीजी का यह रास्ता नही |’ સર્જકના સર્જન પર યુગ પ્રભાવક્તા કેવી રીતે અસર કરતી હોય છે તે અહીં જોવા મળે છે. તત્કાલીન અસર તળે જે તે સમાજ અને સર્જક વિગલિત થઇને સાહિત્યમાં આલેખાતો હોય છે.
ગ્રામીણજીવનની પણ એક અલગ તાસીર રહી છે. ક્યારેક કોઇ જમીનદાર કે કોઇ અધિકારી પ્રજાનું શોષણ કરતા હોય છે પણ સામે પક્ષે સમાજના હિતરક્ષકો લોક્ની પડખે રહી સમાજની સેવા માટે ભેખ ધારણ કરી લેતા હોય છે. અહી કાનુન વિશેષજ્ઞ વિશ્વનાથ લોક્ની સહાયે આવે છે. તે પ્રારંભે તો જમીનદારોના પક્ષે હોય છે. વિશ્વનાથ પાસે કુટિલતા પણ છે અને સમયના તકાદા પ્રમાણે તે કુટિલ નીતિનો પણ સહારો લે છે.પરંતુ સમય જતા તે પોતાની તમામ આવડત સમાજના ઉત્થાનને માટે લગાડે છે. વડીલ, અનુભવી અને ભણેલા એવા વિશ્વનાથ સમયની સાથે ચાલનારા એક કુશળ વકીલ હતા. તેથીજ તે મુશ્કેલીના સમયે પણ કુનેહથી કામ લેતા. ‘...तो भाई, हम हिंदुस्थान , भारथवराश की बात नहीं जानते | हम अपने गाँव की बात जानते है | आप भला तो जग भला | हम तो इसी मे गाँव का कल्याण देखते हैं की सभी भाई क्या गरीब क्या अमीर , सब भाई मिलकर एकता से रहें | न कोई जमीन छुडावे न गलत दावा करे | जैसे पहले जिलाते, आबादते थे, आबाद करें, बाट दे | न रसीद मांगे न नकदी के लिए दरखास्त दें | ...दोनों को समाजना होगा |’ લેખકે અહી ગ્રામ્યજીવનના ફલક પર હિન્દુસ્તાનની રગોમાં ધબકી રહેલી ચેતના-સંવેદનાઓને પ્રબળ રીતે આલેખી છે. દેશના છેવાડાના વિસ્તારના લોકો પણ કેવી કેવી મુશ્કેલીઓ સાથે જીવતા હોય છે અને ઉભી થતી પરિસ્થિતિઓમાંથી કેવી રીતે ઝઝૂમતા હોય છે તેનું આલેખન અહીં વિસ્તરીને દેશના અન્ય ભૂભાગો સુધી લંબાઇ છે. આ ઉપરાંત ઠાકુર રામકિરપાલસિંહ જેવા સ:હ્રદયી, ખેલાવનસિંહ યાદવ જેવું પરિસ્થિતિનો ભોગ બનેલ વ્યક્તિત્વ, જોતખીકાકા જેવા રુઢીવાદી, બાવનદાસ જેવા ગાંધીજીના સમર્થક, સેવાદાસ જેવું પતિત વ્યક્તિત્ત્વ, તો વળી રામદાસ જેવા વ્યભિચારી મહંત જેવી પાત્રસૃષ્ટિ ખડી કરીને ફણિશ્વરનાથ રેણુએ હિન્દુસ્થાનના ગ્રામિણ જીવનને તાદ્ર્શ્ય કરી બતાવ્યું છે.
માનવી જે સમાજમાં જીવે છે તે પ્રમાણેનું તે આચરણ કરતો હોય છે. સ્વાભાવિક જ તે સમાજ, પરિવેશ પ્રમાણે તે પહેરવેશ, રહેણી – કરણી, જીવન વ્યવસ્થા અપનાવતો હોય છે. અહી જે સમયની વસ્તુસામગ્રી લેવામાં આવી છે તે સ્વાધિનતા પ્રાપ્તિની પહેલાથી મહાત્મા ગાંધીજીની હત્યા બાદનો પટ લેવામાં આવ્યો છે. આ સમય દેશમાં રાજનિતિક, સામાજિક, અને આર્થિક રીતે ખુબ જ ઉથલ પાથલનો રહ્યો છે. લેખકે મેરીગંજના ખેતમજૂરો અને નિમ્ન વર્ગના લોકોને કેન્દ્રમાં રાખ્યા છે.
વસ્તુપસંદગીમાં લેખકનો આશય સ્પષ્ટ તરી આવે છે કે તેમણે ભારતીયતાના કોઇ એવા તંતુને ઉપસાવવું છે કે જે તત્કાલીન સમયે રાષ્ટ્રનું જીવાતુભૂત તત્ત્વ હોય,અને લેખક આમ કરી શક્યા છે. વસ્તુને લેખક કલાઘાટ આપી શક્યા છે તે કૃતિનું જમાપાસું છે. તેમાં આલેખાયેલા ચરિત્રોની ભાવસૃષ્ટિ અખંડ બનીને આપણી ચેતનાને હચમચાવી મૂકે છે. સદ-અસદના દ્વન્દ્વમાં આખારે સદનો જય થાય છે બાબત એ ભારતીયાતાનું ઉપસાવતું હાર્દ છે. સહજ ઘટતી આ ક્રીયા માનવીય ચેતનાના સમગ્ર તંતુઓને ઝણઝણાવી મૂકે છે. સદના સહવાસથી કે પછી ભારતીય તાસીર પ્રમાણે અસદવૃત્તિ વાળા કાનુનવિશેષજ્ઞ વિશ્વનાથનો હ્રદયપલટો એ ભારતીય દર્શનનું દ્યોતક છે. લેખકે પણ અહીં પરિસ્થિતિને એવો વળાંક આપ્યો છે કે સદનો આખરે સહજ વિજય અને અસદની હાર જોઇ શકાય છે. કદાચ આ જ ભારતીયતા છે.
આમ, ચરિત્રો, વસ્તુસામગ્રી, અખિલાઇ અને કલાતંતુ એમ બધુ એવું રસાઇને આવ્યું છે કે કૃતિનું વસ્તુ વૈશ્વિક હોવા છતાં તે ભારતીય માનવજીવનની તેના સંચલનોની આપમેળે જ એક તસ્વીર રજૂ કરે છે.
***************************************************
ડો. ભાવેશ જેઠવા
ગુજરાતી વિભાગ,
કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી,
ભુજ |