logo

પન્નાલાલ પટેલની જાનપદી નવલકથાઓ

પન્નાલાલ પટેલનુ ગુજરાતી સાહિત્યમાં પદાર્પણ થયુ ત્યારે ગુજરાતમાં જ નહીં સમસ્ત ભારતમાં ગાંધીજીનો વ્યાપક પ્રભાવ પ્રસરેલા હતો. છતાં પન્નાલાલનુ સમગ્ર સર્જન જોતાં માલુમ પડશે કે એમના કવિતા, કથા કે વાર્તા સર્જનમાં કયાંય ગાંધીજીનો પ્રભાવ જોવા મળતો નથી. એમનુ સર્જન ગાંધીપ્રભાવથી હમેશાં મુક્ત રહ્યું છે. જો કે ગાંધીજીએ પ્રબોધેલા ગ્રામજીવનનું આલેખન અને જે તે પ્રદેશમાં બોલાતી લોકબોલીનું નિરૂપણને પન્નાલાલે અપનાવ્યું છે, પરંતું એમ કહી શકાય કે એ તો એમણે જોયેલાં જોણેલાં અને જીવેલાં અનુભવની અમૂલ્ય મૂડી છે. એમણે જીવનનાં પ્રત્યક્ષ અનુભવમાંથી ગ્રહણ કરેલો આ એક અનોખો ખજાનો છે.

ગુજરાતનાં ઉતર છેડાનાં ઇશાનિયા ખૂણામાં વસતા આખા સમાજને, એ સમાજનાં લોકજીવનને, એ લોકોનાં વ્યવહારિક જીવનને, એમનાં સામાજિક, આર્થિક, ધાર્મિક રીતરિવાજોને, એમની મૂંઝવણો-મથામણોને, વેદના-વિટંબણાઓને પન્નાલાલે પોતાની કથા – વાર્તાઓમાં સુપેરે સ્થાન આપ્યું છે.

પન્નાલાલ પટેલે લેખનની શરૂઆત આમ તો ટૂંકીવાર્તાથી કરી હતી પરંતું તે પછી બહુ થોડા સમયમાં એઓ ઉમાશંકર જોષી, સુન્દરમ્, ઝવેરચંદ મેઘાણી, જયંતિ દલાલ અને રા.વિ.પાઠકનાં પ્રોત્સાહન અને માર્ગદર્શનને કારણે નવલકથા લેખન તરફ આગળ વધે છે. તળપદા લોકજીવનની પાશ્ચાદભૂમાં રચાયેલી લઘુ નવલ ‘વળામણા’ને જયંતિ દલાલે ‘ગતિ’માં છાપી. આ લઘુનવલને વાચતા જ એ ઝવેરચંદ મેઘાણીને ગમી ગઇ એટલે મેઘાણીએ ‘ફૂલછાબ’ માટે ભેટ પુસ્તક લખી આપવા પન્નાલાલને જણાવ્યું. ત્યારપછી પન્નાલાલે આશરે વીસ બાવીસ દિવસમાં જ ‘મળેલા જીવ’ નવલકથા લખીને મોકલાવી, જેની મેઘાણીએ પ્રોત્સાહક પ્રસ્તાવના લખી પન્નાલાલની સર્જકશક્તિને બિરદાવી. આ પછી તો પન્નાલાલ પટેલે પોતાના આયુષ્યના લગભગ ૪૭ વર્ષ સુધી સાહિત્યલેખનની કામગીરી કરી છે. આટલા લાંબા સમયગાળામાં એમણે ૨૬ વાર્તાસંગ્રહો, ૫૬ નવલકથાઓ, ૬ જેટલા એકાંકી-નાટકો, ૧૫ જેટલા બાળ-કિશોર સાહિત્યનાં પુસ્તકો તેમજ અન્ય પ્રકીર્ણ પ્રકારનાં પુસ્તકો આપ્યા છે.

પન્નાલાલ પટેલે લખેલી ૫૬ નવલકથામાંથી ૧૮ નવલકથા તો ગ્રામપ્રદેશનાં તળપદા લોકજીવનને આલેખતી જાનપદી નવલકથાઓ જ છે. એમની જાનપદી નવલકથાઓમાં ‘વળામણા’ (૧૯૪૦), ‘મળેલા જીવ’ (૧૯૪૧), ‘માનવીની ભવાઇ’ (૧૯૪૭), ભાંગ્યાનાં ભેરુ (૧૯૫૭) અને ‘ઘમ્મર વલોણું’ ભાગ ૧-૨ (૧૯૬૮) ‘ભીરુ સાથી’ (૧૯૪૩) ‘પાછલે બારણે’ (૧૯૪૭), ‘ના છૂટકે’ (૧૯૫૫), ‘ફકીરો’ (૧૯૫૫), ‘મનખાવતાર’ (૧૯૬૧), ‘કરોળિયાનું જાળુ’ (૧૯૬૩), ‘મીણ માટીનાં માનવી’ (૧૯૬૬), ‘કંકું’ (૧૯૭૦), ‘અજવાળી રાત અમાસ’ની આદિને ગણાવી શકાય.

‘વળામણા’ લઘુનવલમાં કુટુંબના જ સભ્યોનાં તિરસ્કારનો ભોગ બનતી, પ્રણયમાં નિષ્ફળ જતી અને મનોર મુખી જેવા લોભીને હાથે વેચાવા તૈયાર થતી મુગ્ધ નાયિકા ઝમકુની વ્યથા કથા આલેખાઇ છે. કથાની સાથે સહાયક કથાનકોમાં મનોરદા અને અંબા સુથારણનાં આડા સંબંધની કથા, ઝમકું અને બ્રાહ્મણ તલાટીની પ્રણયકથા અને મનોરદાની મૃત્યુ પામેલી પુત્રી નાથીની કથા ‘વળામણા’ના કથાનકનાં વિકાસમાં મદદરૂપ બને છે. કથાને અંતે મનોરદાને ઝમકુની નિર્દોષ આંખોમાં પોતાની મૃત પુત્રી નાથીનાં દર્શન થાય છે અને મનોરદાનુ હ્રદયપરિવર્તન થાય છે. ગામની સામે પડીનેય તેઓ ઝમકુનાં લગ્ન અંબાનાં દીકરા મોતીની સાથે કરાવે છે. એટલું જ નહીં પોતાની મૃત દીકરી નાથીનું સાચી ગજિયાણીનું કાપડું, ગુલાબનાં ગોટાવાળું ગવન અને મોગરાનાં ફુલોવાળો ઘાઘરો પહેરાવી ઝમકુનું કન્યાદાન કરી પુત્રીપ્રેમનાં વાત્સ્લ્યભાવથી પ્રેરાઇ સ્વગૃહેથી વાજતે ગાજતે ઝમકુંનાં વળામણા કરે છે.

અહી લેખકે મનોરદાના પૂર્વજીવનને દલાલરૂપે અને ઉત્તરજીવનને પિતારૂપે – એમ બે જુદાં જ પાસાઓ દ્વારા પ્રસ્તુત કર્યુ છે. ઝમકુંમાં નાના બાળક જેવી નિર્દોષતા મૂકી છે. તો અન્ય પાત્રો કથાના વિકાસમાં સહાયક બને છે. અહીં આલેખાયેલા પાત્રોનાં ચરિત્રચિત્રણમાં લેખકે ગ્રામપ્રદેશના પરિવેશને જીવંત કર્યો છે. પાત્રોના મુખે મૂકાયેલ બોલીનાં સંવાદોમાં ગ્રામજીવનની લઢણનાં, આરોહ-અવરોહનાં અવશ્ય દર્શન થાય છે. ‘મળેલા જીવ’ નવલકથા ઉતર ગુજરાતનાં ગ્રામપ્રદેશની ધરતીનું ધાવણ ધાવીને ઉછરેલી નવલકથા છે. આ નવલકથામાં ઉતર ગુજરાતનો સમગ્ર ઇશાનિયો ખંડ ફૂટી ફૂટીને ઊભરી આવ્યો છે. કાનજી અને જીવીની પ્રેમકથા નિમિત્તે અહીં ગ્રામપ્રદેશનું વાતાવરણ અને અહીંનો પ્રાદેશિક પરિવેશ ભરપૂર રીતે પ્રસ્તુત થયા છે. એટલે જ ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે, “બહુશ્રુતપણું, બહોળી અનુભવસૃષ્ટિ, પહોળી વિદ્વતા, એ બધાને નવસર્જનમાં અનિવાર્ય સ્થાન છે પણ એનાં કરતાંય વધુ અપેક્ષા છે હું જેને વારંવાર મારા પોતાના ઘડેલા શબ્દોમાં ‘ધરતીનું ધાવણ’ કહી ઓળખાવું છું તે આદ્યબળની. આ વાર્તાનાં મુખ્ય પાત્રો જીવી અને કાનજી એ બળમાંથી ઊઠયા છે.” (‘મળેલા જીવ’, પુનમુદ્રણ – ૨૦૦૮, પૃ.૧૧)

ઉધડિયા ગામનાં આંજણા પાટીદાર-પટેલ કોમના યુવક કાનજી અને જોગીપરા ગામની વાળંદ-ઘાંયજા જ્ઞાતીની યુવતી જીવીનાં જીવ મળતા જે કૃતિની કથા લખાઇ તે છે મળેલા જીવ. મળેલા જીવની કથાનો પ્રારંભ શ્રાવણ મહિનામાં ભરાતા જન્માષ્મીના મેળાથી થાય છે અને કારતક મહિનાની પૂર્ણિમાએ ભરાયેલા મેળાથી કથા પૂર્ણ થાય છે. આટલા ઓછા સમયપટમાં સર્જાયેલી ઘટના કૃતિના વિશાળ પટમાં વિસ્તરી રહે છે. આંતરજ્ઞાતીય સામાજિક નીતિનિયમોનાં બંધનોને કારણે કાનજી અને જીવીનાં લગ્ન થઇ શકતા નથી, તેથી ભલે પરણ્યા નહીં પણ પોતાની આંખ સામે તો જીવી રહેશે ને એમ વિચારી જીવીનાં લગ્ન કાનજી પોતાના જ ગામનાં વાળંદ ધૂળા સાથે કરાવે છે. ધૂળાનો સ્વભાવ વહેમી અને શંકાશીલ હોવાને લીધે એ કાનજી પર આળ લગાવે છે. કાનજી જીવાને દુખી નહીં કરવા ગામ છોડીને જતો રહે છે, છતાં જીવીની જીંદગીને ધૂળો દર્દભરી-દુખભરી બનાવી નાખે છે. આવી દોજખ ભરી જીંદગીથી કંટાળી જીવી ઝેરવાળો રોટલો બનાવી ખાઇ જવા વિચારે છે. અકસ્માતે આ રોટલો ઘૂળો ખાઇ જાય છે અને મૃત્યુ પામે છે. ધૂળાના મોતનું નિમિત્ત ગામલોકો જીવીને માને છે. આવો અસહ્ય આરોપ પોતાનાં પર લાગવાથી જીવી સૂધબૂધ ખોઇ ગાંડા જેવી બની જાય છે. ગાંડપણનાં નિવારણ માટે ભગત અને ગામલોકો જીવીને મેળામાં લઇ જાય છે. નવલકથાને અંતે મેળામાં કાનજી આવી મોટરમાં બેસાડી ગાંડી જીવીને લઇ જાય છે. આમ, અહીં કાનજી અને જીવીનાં ખરા અર્થમાં જીવ મળે છે અને સાચા પ્રેમનો વિજય થાય છે.

‘મળેલા જીવ’ની કથામાં પન્નાલાલ પટેલે ઉત્તર ગુજરાતનાં ઇશાનિયા ખૂણાનાં એક આખા જનપદનું રંગદર્શી વર્ણન કર્યું છે. અહીનાં મેળા, ઉત્સવો, માન્યતાઓ, રિવાજો, ગાણા-ભજનો, રૂઢિપ્રયોગો-કહેવતો, ઋતુઓ, પ્રકૃતિચિત્રો વગેરેનાં આલેખનમાં ઇશાનિયા ખૂણાનાં સમસ્ત પ્રાદેશિક પરિવેશનું દર્શન થાય છે. આથી જ ઝવેરચંદ મેધાણી એ લખ્યું છે કે, “મળેલા જીવની વાણી ને વિચારસૃષ્ટિ એક નવતર બળ છે, માત્ર ચોપડી નથી.” (મળેલા જીવ, પુનમુદ્રણ – ૨૦૦૮, પૃ.૧૦)

પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કૃતિ ‘માનવીની ભવાઇ’ એ માત્ર બે વ્યક્તિની પ્રણયકથા કે પ્રેમીયુગલની પ્રેમકથા જ નથી, પણ ઇશાનિયા ખંડની સમસ્ત માનવજાતની જીવનકથા છે. કાળુ-રાજુની પ્રણયકથા નિમિત્તે લખાયેલી ગુજરાત-રાજસ્થાનનાં સરહદી વિસ્તારની જાનપદી નવલકથા છે. કથાનો નાયક કાળુ, કથાનાયિકા રાજુ, એમનો પ્રેમસંબંધ, એમનાં સગાસંબંધીઓ, એમનાં કાવાદાવા, એમનાં રાગ-દ્વેષ-ઇર્ષ્યા વગેરે પન્નાલાલની સર્જકતા અને જાત અનુભવને લીધે જીવંત રૂપે પ્રસ્તુત થયા છે. નાનપણમાં થયેલો કાળુ-રાજુનો વિવાહ કાકી માલી ડોશીની કપટલીલાને કારણે તૂટી જાય છે. ત્યારપછી કાળુના લગ્ન ભલી સાથે અને રાજુનાં લગ્ન દ્યાળજી સાથે થાય છે, પણ તેઓ એકબીજાનાં સંસારજીવનમાં સુખી બનતા નથી. માલી કાકીને લીધે કાળુ અને રાજુ ભત્રીજા જમાઇ અને કાકી સાસુ જેવા નવા સંબંધે બંધાય છે. આ જ માલી કાકી જયારે મૃત્યુ પામે છે ત્યારે એમના નગ્ન દેહ પર કાળુ પોતાનુ ફાળિયું ઓઢાડી પોતાની સોનાની વીંટીમાંથી એક કટકો કાપી માલી ડોશીનાં મુખમાં મૂકી અંતિમ સંસ્કાર કરે છે. કથાનાં આરંભના દસ પ્રકરણોમાં કાળુ-રાજુની પ્રણયકથા અને એ નિમિત્તે ઉદભવતી સમસ્યાઓ-મુશ્કેલીઓનું આલેખન થયુ છે, તો પછીનાં બાર પ્રકરણમાં છપ્પનિયો દુકાળ અને એની ભયાનકતા, ભૂખ્યા ગામલોકોની કરુણતા, મહાજનની મદદભાવના અને અંતે વરસાદ વરસતા થતું કાળુ-રાજુનું ઉત્કંઠ મિલન વગેરે સૂક્ષ્મ રીતે નિરૂપાયા છે.

‘માનવીની ભવાઇ’ નવલકથામા આવતાં પ્રકરણોનું નામકરણ પણ પન્નાલાલ પટેલે જાનપદી નવલકથાના કથાવસ્તુ અનુસાર જ કર્યુ જણાય છે. દરેક પ્રકરણ કથાના હાર્દને સૂક્ષ્મ રીતે પ્રગટ કરે છે. જેમકે, ‘ઝાકળિયામાં’, ‘પરથમીનો પોઠી’, ‘જીવ્યામર્યાના જુહાર’, ‘ભૂખી ભૂતાવળ’, ‘ખાંડણિયામાં માથા રામ’, ‘ઉજ્જડ આભલે અમી’, ‘માનવીની ભવાઇ’…. વગેરે. ‘માનવીની ભવાઇ’મા આવતાં વિધવિધ ભાતનાં અને સ્વભાવના પાત્રો માનવજીવનની અને માનવમનની સૂક્ષ્મ ભાવનાઓને અને સંવેદનાઓને રજૂ કરે છે. માનવીનાં સદ્-અસદ્ ભાવોનું પ્રતિનિધિત્વ કરે છે. કાળુ, રાજુ, રૂપા, વાલો, માલી કાકી, ફૂલી ડોશી, ભલી, રણછોડ, નાનિયો, દ્યાળજી, પેથા પટેલ, કોદર, કાસમ, વેચાત, નાથો, પરમો, ખોડી, રૂખી, સુંદરજી શેઠ વગેરે પાત્રો એમની સ્વભાવગત લાક્ષણિકતાઓને કારણે જુદા જ તરી આવે છે. લેખકે અહીં એમનાં વટ-વેર, સ્નેહ-ઇર્ષ્યા, સ્વમાન-અપમાન, હર્ષ-શોક આદિનું પરિસ્થિતિગત વર્ણન કર્યુ છે.

‘માનવીની ભવાઇ’ નવલકથા પૂર્વાર્ધ અને ઉતરાર્ધ એમ બે ભાગમા વહેંચાઇ જતી જોવા મળે છે. પૂર્વાર્ધમાં કાળુ-રાજુની પ્રણયકથા નિમિત્તે માનવજીવનની સમસ્યાઓ, અનિષ્ટતાઓ અને આકાંક્ષાઓ તો ઉતરાર્ધમાં છપ્પનિયા દુષ્કાળની ભીષણતા, વિનાશલીલા અને લોકજીવનની કરુણતા નિરૂપાઇ છે. એટલે એમ કહી શકાય કે, પૂર્વાર્ધમા માનવસર્જિત આપત્તિઓનું તો ઉતરાર્ધમાં કુદરતનિર્મિત વિપત્તિઓનું પન્નાલાલે જીવંત અને હ્રદયસ્પર્શી આલેખન કર્યુ છે. અહીં લેખકે માનવી માનવી વચ્ચેનો તેમજ માનવી અને કુદરત વચ્ચેનો સંઘર્ષ સુરેખ રીતે આલેખ્યો છે.

આ નવલકથામાં લેખકે એ સમયનાં સમાજનું, લોકજીવનનું, એમની બોલી, એ લોકોનો પહેરવેશ, રીતરિવાજો, રહેણીકરણી, મેળા-ઉત્સવો, ખેતી-પશુપાલન, લગ્ન-મરણ આદિમાં ઇશાનિયા જનપદનાં દર્શન કરાવ્યા છે. નવલકથાનાં કથાવસ્તુ, એના પાત્રનિરૂપણ, પ્રસંગાલેખન, પ્રકૃતિચિત્રણ, સંવાદકલા અને સંઘર્ષનિરૂપણમાં લેખકે આખા ઇશાનિયા પ્રદેશને પ્રગટ કર્યો છે, એ દૃષ્ટિએ ‘માનવીની ભવાઇ’ નવલકથા સાચા અર્થમાં જાનપદી નવલકથા બની રહે છે.

પન્નાલાલ પટેલે ‘માનવીની ભવાઇ’ની કાળુ રાજુની કથાને ‘ભાંગ્યાનાં ભેરુ’ (૧૯૫૭) અને ‘ઘમ્મર વલોણું’ ભાગ ૧-૨ (૧૯૬૮) એમ બે ભાગમાં આગળ વિસ્તારી છે. અહીં લેખકે કાળુ રાજુનાં આયુષ્યનાં અંત સુધીની ત્રણ પેઢીની કથા દ્વારા મહાકથાનું આયોજન કર્યુ છે. જો કે કલાદૃષ્ટિએ ‘માનવીની ભવાઇ’ જેવી ક્ષમતા આ નવલકથાઓમાં સાબિત થતી નથી. ‘ભાંગ્યાનાં ભેરુ’ની કથામાં દુષ્કાળમાં વેર વિખેર થઇ ગયેલા ગામને ફરી નવેસરથી વસાવવાની કાળુની મહામહેનત, દુષ્કાળની અસરમાંથી મુક્ત થતાં લોકો, ભીલોની લૂંટફાટ, લોકોની ભૂખી ભૂતાવળ, ભૂખ્યા લોકો પર ગોળીઓ છોડતા જમાદાર, ગોળીનું નિશાન બનતાં કોદરનું મૃત્યુ, રાજુનાં પતિ દ્યાળજીનું મૃત્યુ, નાનિયાની દુષ્ટતા, ગોરા ખ્રિસ્તી લોકોનું આગમન, નાગા બાવાનું આગમન, દુષ્કાળમાં ભૂખ મટાડવા પરપુરુષનો સહવાસ કરતી અને પછી ઘરે પરત ફરતી નાનાની પત્ની ખોડી અને કાળુની પત્ની ભલીનો સ્વીકાર, પરપુરુષ દ્વારા સગર્ભા બનેલી ભલી, ભલીથી થયેલા પુત્ર પ્રતાપનો જન્મ, પ્રતાપના લગ્ન, પ્રતાપનું ગુમ થઇ જવું, ભલીનું નાનાને બારણે માથા પછાડીને મરવું, નાનાની ગળે ફાંસો ખાઇને આત્મહત્યા, પૌઢ વયે કાળુ-રાજુનું મિલન વગેરે ઘટનાઓ-પ્રસંગોનું લેખકે અસરકારક આલેખન કર્યું છે.

‘ઘમ્મર વલોણું’માં લેખકે કાળુ-રાજુની અવેજીમાં પ્રતાપ-ચંપાને પ્રયોજી બે પેઢી દ્વારા નવલકથાની વિકાસયાત્રા આલેખી છે. લેખકે ‘માનવીની ભવાઇ’મા પ્રેમસંબંધ હોવા છતાં એક થવા જે બળવો કાળુ-રાજુ ન કરી શક્યા તે કામ ‘ઘમ્મર વલોણું’માં પ્રતાપ-ચંપાનાં બળવાખોર પાત્ર દ્વારા પૂર્ણ કર્યું છે. ચંપા નાતનાં પંચાતિયા અને ભાઇ- માતાની નારાજગી હોવા છતાં એમની વિરુદ્ધમા જઇ પહેલી સગાઇ તોડી પોતાનાથી નાની ઉંમરનાં પ્રતાપ સાથે લગ્ન કરે છે. પ્રતાપના સુંદરી નામની નટડી પ્રત્યેના લગાવની ચંપાને જાણ થતાં આત્મહત્યા કરવા પ્રેરાય છે, ત્યાં વિચાર પરિવર્તન થતાં પરત ફરતાં પ્રતાપ એને આવકારી ભેટી પડે છે. જે સમાચાર સાંભળી કાળુ-રાજુ શાંતિ-નિરાંતનો શ્વાસ લે છે. ‘ઘમ્મર વલોણું’ વિશે સુંદરમે કહેલું ‘વલોણું સારું થયું છે, પણ માખણ હજુ આવ્યું નથી’- વિધાન જ કૃતિનાં હાર્દનો પરિચય કરાવી દે છે. લેખકે છેલ્લે તાણી તૂસીને લંબાવેલા પ્રકરણોમાં કલાત્મક ગતિ મંદ પડી ગઇ છે ને કૃત્રિમ વ્યાપાર વધી ગયો છે. અંતનાં છેલ્લા પાંચ પ્રકરણમાં કાળુ-રાજુની જાત્રા, કાળુ-રાજુનું મૃત્યુ, કાળુના પુત્ર પ્રતાપનુ પ્રધાનપણું, પ્રતાપની સ્વૈચ્છિક નિવૃત્તિ અને પોતાનાં માદરે વતનની પ્રવૃત્તિ આદિ વાત અહી ઉતાવળે વ્યક્ત કરાઇ છે. લેખક થોડો સમય અરવિંદ આશ્રમ પૉડિચેરીમાં ગાળીને આવ્યા હોવાથી અહીં છેલ્લા પ્રકરણ અમૃત સફર અને ઊર્ધ્વગમનમાં અરવિંદ દર્શનનો પ્રભાવ અનુભવાય છે.

‘પાછલે બારણે’ નવલકથામાં લેખકે દેશી રજવાડાના રાજકારણ, ખટપટ અને કપટતાને આલેખ્યા છે. બે જોડિયા પુત્રો-અમરસિંહ અને હિંમતસિંહ-નો પ્રેમ પ્રાપ્ત કરવા વલખા મારતી માતા-કુંવરબાઇ-ની માતૃભાવના અને વાત્સ્લ્ય પ્રેમ અહી સુરેખ રીતે રજૂ થયા છે. અમરસિંહને રાજયનાં હિત માટે દત્તક આપ્યા પછી પણ માની મમતામાં ખોટ-ઓટ આવતી નથી. એક દીકરો સારું શિક્ષણ મેળવી લોકહિતનાં કાર્યો કરે છે, તો બીજો દીકરો રાજહિત ખાતર લોકોનું શોષણ કરે છે, લોકો પર દમન ગુજારે છે. કથાને અંતે અમરસિંહને સાચી હકીકત માલૂમ પડતાં માતાનાં મૃત્યુ સમયે પાછલે બારણેથી પ્રવેશ કરી નનામીને કાંધ આપી પુત્રધર્મનું ઋણ અદા કરે છે.

બહારવટિયા એવા રતના અને દલાનાં સંતાનો એવા રૂમાલ અને દરિયાવની પ્રણયકથાનું આલેખન ‘ના છૂટકે ’ નવલકથામાં થયું છે. આ કથા બે પ્રેમીપાત્રોની પ્રણયકથાની સાથે શોષણ સામે થતા સત્યાગ્રહની કથા પણ છે. દરિયાવનો બાપ દલો દરિયાવને મશૂર સાથે તો રૂમાલનો બાપ રતનો રૂમાલને રામલી સાથે પરણવા સમજાવે છે. પણ રૂમાલ અને દરિયાવ બન્ને એકમેકને અપાર ચાહે છે. વનવાસી કૉમ એવી ડામોર-કટારાઓ પર જાગીરદારો દ્વારા થતું શોષણ, અન્યાય, અત્યાચારનું જીવંત અને વાસ્તવિક ચિત્ર પ્રગટ થયું છે. અહીં રૂમાલ અને દરિયાવનો પ્રેમસંબંધ, બન્નેને છૂટા પાડવા મશૂર મુખી અને રામલીનું છળકપટ, દલા દ્વારા બહારવટાનો ત્યાગ અને ગાંધીજીના અહિંસા અને સત્યાગ્રહનો સ્વીકાર, રૂમાલના લગ્નનાં દિવસે જ રત્નાનુ મૃત્યુ, દલાને થયેલી જેલની સજા, કાવતરાથી રામલી સાથે થતાં રૂમાલના લગ્ન, રૂમાલનુ અફીણી બનવું, માંદા પડવું, બિમાર થવું, રૂમાલને વળગાડ કાઢવા ગોરા ભૂવાનો કર્મકાંડ, ભૂવાને શીશો મારવા બદલ જેલની સજા પામતો રૂમાલ, જેલમાં દલા સાથે રૂમાલનું મિલન, દલાનો જેલવાસ પૂરો થતાં બેતાલીસ ગામનાં લોકો દ્વારા થતું સામૈયું, મશૂરના સ્વભાવમાં પરિવર્તન, ઠાકોરની ગોળીથી થતું દલાનું મૃત્યુ, રૂમાલ દ્વારા થતું ઠાકોરનું ખૂન, રાજ્યની પોલીસ દ્વારા થતી લોકોની હેરાનગતિ વગેરે ઘટનાઓના આલેખન દ્વારા લેખકે કથાવસ્તુનો વિકાસ સાધ્યો છે. આ નવલકથામાં બહાદુર બહારવટિયા, સ્વાર્થી રાજકારણીઓ, સેવાપ્રવૃત લોકસેવકો અને આરણ્યક ગોપજીવન ગાળતા આદિવાસીઓના પાત્રાલેખનમાં, એમનાં રીતરિવાજોમાં અને એમના ભાવસંચલનોનાં નિરૂપણમા લેખકે ગ્રામપ્રદેશનાં વાતાવરણને જીવંત કર્યુ છે.

ગામડાં ગામમાં જોવા મળતી પ્રણયકથાનું આલેખન ‘ફકીરો’માં થયું છે. નકામા, નફ્ફટ અને નાલાયક ફકીરાને મતાદારની બીજી પત્ની કાશી સાથે પ્રેમ થઇ જતાં જે પરિવર્તન આવે છે એની કથા રજૂ થઇ છે. સાવકીમાની ઇર્ષાનો ભોગ બનતી દીકરીનો સુખી સંસાર કેવો વેરણછેરણ થઇ જાય છે એનું હ્રદયદ્રાવક નિરૂપણ ‘મનખાવતાર’માં જોવા મળે છે. ‘કરોળિયાનું જાળું’માં નાનાભાઇની પરણિતા સાથે મોટાભાઇના લગ્ન થતાં જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એનું સંઘર્ષમય ચિત્રણ પ્રસ્તુત કર્યુ છે. ‘મીણ માટીના માનવી’માં ફૂદી અને રમતી નામની બે સ્ત્રીઓ સાથેનાં કચરા નામના પુરુષના અનૈતિક પ્રેમસંબંધની-પ્રણયત્રિકોણની કથા આલેખવામાં આવી છે. લેખકે પોતાના જીવન પરથી લખેલી ચરિત્રાત્મક ‘કંકું’ વાર્તાને વિસ્તારી તેના પરથી ‘કંકું’ નવલકથા લખી હતી. એમાં વિધવા કંકું સંજોગોવસાત વિજાતીય આકર્ષણ અનુભવતા જે વિષમ પરિસ્થિતિ પેદા થાય છે એનું નિરૂપણ થયું છે.

પન્નાલાલ પટેલે એમની નવલકથાઓમાં ઉતર ગુજરાતનાં ઇશાનિયા ખૂણામાં બોલાતી લોકબોલીને એના લોકલહેકાઓમાં અને આરોહ-અવરોહયુક્ત લઢણમાં રજૂ કરી છે. એમની નવલકથાઓમાં વપરાયેલા પ્રાદેશિક બોલીગત શબ્દો એ પ્રદેશનાં આખા જાનપદી વાતાવરણનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે. કહેવતો, રૂઢિપ્રયોગો, અલંકારો, લોકોક્તિઓ, વાક્યરચનાઓ તેમજ દેશી પારંપરિત શબ્દો બળકટ અને અસરકારક રીતે વપરાયા છે. લેખકે એમની નવલકથાઓમાં જે તે પ્રદેશમાં ગવાતા લોકગીતોને અને સ્વરચિત ગીતોને પણ સ્થાન આપ્યું છે. જુદા જુદા રાગમાં, જુદા જુદા લહેકામાં અને જુદી જુદી લઢણમાં ગવાયેલા ભાવવાહી ગીતો, દુહાઓ, સાખીઓ, મુક્તકો વાચકના મન અને હ્રદયને ભાવોર્મિથી ભરી દે છે. કથન, વર્ણન અને સંવાદ જે તે પાત્ર, પ્રંસગ અને પરિસ્થિતિને અનુરૂપ પ્રગટ થયા છે. આમ, ગ્રામીણ પરિવેશનું આલેખન અને પ્રાદેશિક લોકબોલીનો વિનિયોગ એ એમની જાનપદી નવલકથાઓની મુખ્ય વિશેષતા બની રહે છે.

*************************************************** 

ડૉ. હિમ્મત ભાલોડિયા
અઘ્યક્ષ, ગુજરાતી વિભાગ,
સરકારી આર્ટસ કોલેજ,
ગાધીનગર

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us