ઋગ્વેદ ૭ મંડળના ‘મૈત્રાવરુણાદિ સૂકત’માં કેટલાક રોગોપચાર
સમસ્ત માનવજીવનાં જન્મ અને મૃત્યુ તેમજ સુખ અને દુઃખ ની ઘટમાળ એક સિક્કાની બંને બાજુ રહેલી છે. તે સમયાંતરે માનવજીવનમાં ચક્રના આરાઓની જેમ ફરતુ રહે છે. ફરતા આરાઓરૂપી દુઃખના ચક્રનો પદઘો પાડતાં સાંખ્યદર્શનકાર ‘दुखत्रय’ કહે છે. દુઃખના ત્રણ પ્રકાર છે. आध्यात्मिक, आधिभौतिक અને आधिदैविक આધ્યાત્મિક દુઃખ બે પ્રકારનું છે. શારીરિક અને માનસિક વાત, પિત અને કફ નામના ત્રિદોષની વિષમતાથી જન્મતુ તાવ વગેરે શારીરિક દુઃખ છે. જ્યારે કામ, ક્રોધ, મોહના સંયોગથી જન્મતું દુઃખ માનસિક છે. આ દુઃખો આંતરિક ઉપાયો દ્વારા સાધ્ય હોવાને લીધે આધ્યાત્મિક કહેવાય છે. આધિભૌતિક દુઃખ ‘चतुविधभूतग्राम निमितं’ જેમ કે પ્રતિકૂળ મનુષ્ય, પશુ, પક્ષી અને સાપ વગેરેથી ઉત્પન્ન થતાં દુઃખને આધિભૌતિક દુઃખ કહેવાય છે. આ દુઃખ બાહુય ઉપયોગ દ્વારા નિવારી શકાય તેવું છે. આધિદૈવિક દુઃખ પ્રતિકૂળ દેવ, અગ્નિ, વાયુ, ગ્રહ અને ભૂતાદિથી જન્મે છે. આમ માનવજીવન અસંખ્ય દુઃખોના સાગરથી છલકાય છે. તે દુઃખ રૂપી રોગોથી માણસ પીડાય છે. જેમ કે આધિભૌતિક દુઃખમાં સાપ વગેરેના ઝેરથી ઉત્પન્ન થતાં જે દુઃખો છે. તેને શ્રુતિ ‘અજકાવ’ જેવા વિશિષ્ટ નામના રોગ તરીકે ઓળખાવે છે. તો તેનો શુ ઉપાય? તેને દૂર કરવા માટે શું કરવું જોઈએ? એ પ્રશ્નનો જવાબ કદાચ એક જ હોઈ શકે કે માનવે કર્મનિષ્ઠ બની તર્ક કરવો જોઈએ કે કાર્ય અને કારણ એકબીજા સાથે સંકળાયેલ હોય છે. તો તે જાણવાનો આધાર શું? તે સર્વ દુઃખો કે રોગોના ઔષધિઓનું મૂળ શું? એ પ્રશ્નાર્થમાં દ્રષ્ટિ કરી તો -
एतत्पृथिव्याममृतमेतच्चक्षुरनुतमम् ।
यद् ब्रह्मणमुखाच्छाश्त्रमिह श्रुत्वा प्रवर्तते ॥
આ જગતમાં બ્રાહ્મણના મૂખે શાસ્ત્ર સાંભળીને પ્રવૃતિ કરવામાં આવે છે. એ પૃથ્વી પર રહેલું અમૃત છે. એ શ્રેષ્ઠ દર્શન છે. પ્રસ્તુત સમર્થનમાં ટેકો પુરો પાડતાં નીતિશતકકાર કહે છે કે -
शक्यो वारयितुं जलेन हुंतभुक्छेण सूर्यातपौ ।
नागेन्द्रो निशितांकुशेन समेदा दण्डेन गोगर्दभौ ॥
व्याधिर्भेरषजसंग्रहैश्च विविधैर्मन्त्र प्रयोगो विषं ।
सर्वस्यौषधमस्ति शास्त्र विहितं मुर्खस्य नास्तौषधम् ॥
પ્રસ્તુત શ્લોકમાં અલ્પજ્ઞાનીઓનો કટાક્ષ કરતાં કવિ કહે છે કે સર્વ ઉપદ્રવોનો ઉપાય છે. પરંતુ મૂર્ખની કોઈ દવા નથી તો માનવજીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાદિ આ બધાનો શાસ્ત્રોક્ત ઉપચાર છે. કારણ કે રોગને દવાઓના યોગ્ય ઉપયોગથી અને ઝેરને મંત્રપ્રયોગથી દૂર કરી શકાય છે. તો મૈત્રવરુણાદિ સૂકતમાં કેટલાક ઝેરી રોગોપચાર અધઃદર્શનીય છે.
ઋગ્વેદ ૭ મંડળના ‘મૈત્રવરુણાદિ સૂક્ત’ના ઋષિ વસિષ્ઠ છે. માટે જ તો ઋગ્વેદ ૭ મંડળને વસિષ્ઠ દર્શન પણ કહેવાય છે. આ સૂક્તમાં ચાર ઋષા છે. પ્રત્યેક મંત્રમાં જુદા જુદા દેવતાઓની સ્તૂતિ જેમ કે ૧ લાની મૈત્રવરુણ, ૨ જાની આગ્નિ, ૩ જાની વિશ્વેદેવા અને ૪થા ની ગંગાદિ નદીઓની કરવામાં આવી છે. ત્રણેય મંત્રોમાં જગતી ૪થા મંત્રમાં અતિજગતી અથવા વ્યુહ કરવાથી શકવરી છંદનો પ્રયોગ છે. તેમાં જે માગણી કે પ્રાર્થનાનો સૂર જોવા મળે છે. તેમાં એક સંગતી જોવા મળે છે. સાયણ કહે છે કે ‘विषादिहरणौ अस्य विनियोगः।‘ વિષ, રોગ વગેરેને દૂર કરવા માટે આ સૂક્તનો ઉપયોગ થાય છે. આ સૂક્તમાં ઋષિએ જુદા જુદા નામના ઝેરના નિવારણાર્થ જુદા જુદા દેવતાઓની સ્તૃતિ કરી માનવ જીવનને અનુપમ પ્રેરણા પૂરી પાડી છે. જેમ કે કેવા ઝેરી રોગના નિવારણાર્થ ‘कस्मै देवाय हविषा विधम्’ નો અહિયા પડઘો છે. કારણ કે માનવજીવનમાં અસંખ્ય ઝેરી રોગો હોય છે. અને દેવતાઓ પણ બહુધા છે. તો તેને ધ્યાનમાં લઈ ઋષિ કેટલાક ઝેરી રોગોને દૂર કરવા માટે કેવા રોગને માટે ક્યા દેવનું આહવાન કરવું એ મંત્ર માનવજીવનને અનુપમ જે ભેટ ધરી છે. તે ઝેરી રોગો અને તે દૂર કરવાના આરાધ્ય દેવતાઓ અધઃદર્શનીય છે.
‘अजकाव’એ એક પ્રકારનો રોગ અથવા વીંછીનું ઝેર, ઝેરમાંથી જન્મતો રોગ એટલે અજકાવ, આ રોગના નિવારણાર્થ ૠષિ કહે છે કે ‘आ मां मित्रावरुणेह ------------- પ્રસ્તુત મંત્રમાં મૈત્રાવરુણ દેવની સ્તુતિ કરવામાં આવી છે કે. અમારું ચારે તરફથી રક્ષણ કરો. અડ્ડો જમાવનાર અને ચારેતરફ ફેલાઈ જનારુ આ ઝેર અમારી તરફ ના આવે. ખરાબ દર્શનવાળો એવા ‘અજકાવ’ને દૂર કરો કારણ કે છાનોમાનો ફરનારો સર્પ એ અમારા પગ વગેરે જાણે નહિ માટે હે ! મૈત્રાવરુણદેવ છાનામાના ફરનારા આ સર્પ અને વીછીંઓના ઝેરમાંથી જન્મતા આ અજકાવ રોગથી અમારુ રક્ષણ કરો. આમ ૠષિ અજકાવ રોગને દૂર કરવા માટે મૈત્રાવરુણ દેવનું આહવાન કરે છે.
‘वन्दन’ આ એક વ્યાધિનું નામ છે. એક વિષ છે. જે વિવિધ જન્મમાં શરીરના સાંધાઓમાં ઉદ્દ્ભવે છે. અને પગના બે ઘુંટણો અને ઘુટીઓમાં ફેલાતો જાય છે. તો વાસ્તવમાં તે કોઈ સન્ધિ વા (સન્ધિવાતીય) વેદના હોય એમ લાગે છે. કે જે માણસને વાંકો વાળી દે છે. અને તેને સીધો ટટ્ટાર ચાલવા દેતો નથી. મેકડોનલ કહે છે કે આ એક વ્યાધિનું નામ છે. જેમાં આખા શરીર ઉપર રીતસરના ફોલ્લા પડી જાય છે. તો ‘વન્દન’ વિષને દૂર કરવા માટે ઋષિએ અગ્નિ દેવતાને પ્રજવલિત કરવા માટે સ્તુતિ કરે છે. કારણ કે પ્રજવલિત થયેલો અગ્નિ જ શરીરમાંથી રહેલા ‘વન્દન’ વિષને દૂર કરી શકે છે. તેના ઈલાજ રૂપે અગ્નિનો ઉલ્લેખ ગરમ દવાનો શેક કરવા તરફ સંકેત કરે છે. માટે જ તો ૠષિએ અગ્નિને પ્રાર્થના કરી છે કે સાંધામાં ફેલાતા ‘વન્દન’ ઝેરને તમે દૂર કરો. અર્થાત ‘महाभूताः’ નો શરીર રચના તરફ પણ આ મંત્ર ધ્યાન દોરે છે જેમ કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૄથ્વિરૂપી પાંચ મહાભૂતોનો એક એક અંશ શરીરમાં સમાહિત થયેલ છે તો શરીરરૂપી અંગોમાં ફેલાતા આ વિષને દૂર કરવા માટે ૠષિ શરીરરૂપી મહાભૂત અગ્નિ દેવને પણ પ્રજવલિત કરીને આ રોગને દૂર કરવાની સ્તુતિ કરવામાં આવી હોય એમ પણ અનુભવી શકાય છે.
‘शल्मलौ’ નામનું એક ઝેર છે. તેને ‘શલ્મલિ’ કહ્યુ છે. કારણ કે તે શીમળાના વ્રુક્ષ ઉપર થાય છે. જે વિષ વનસ્પતિઓમાંથી ઉદ્દભવે છે . તેને દૂર કરવા ૠષિ વિશ્વેદેવા દેવતાને પ્રાર્થના કરે છે કે ‘यच्छल्मलौ’ भवति …… જે વિષ શીમળાના વૃક્ષ ઉપર થાય છે. જે વિષ નદીઓમાં જન્મે જે વિવિધ વનસ્પતિઓમાંથી ઉદ્દભવે છે તે બધાને તમે અમારા શરીરમાંથી દૂર કરો. પ્રસ્તુત મંત્રમાં ૠષિ ઔષધિરૂપી વનસ્પતિ નહિ પરંતુ ઝેર ફેલાવી વનસ્પતિ તરફ પણ સામાન્ય જન સ્રૂષ્ટિની સમક્ષ અજવાળે છે. અને તેનું ઝેર દૂર કરવાના ઉપાય રૂપે વિશ્વૅદેવા દેવતાના સ્મરણાર્થ વિનવે છે.
‘शिपदा’નામનો એક ઝેરી રોગ છે. પ્રો. મેકડોનલ ‘વૈદિક ઇન્ડેકસ’ માં લખે છે કે ‘શિપદા’એ શબ્દ ૠગ્વેદ (૭-૫૦-૪૭)માં કેવળ એક જ વાર, अ-शिमिद ની સાથે નકારાત્મક अ-शिपद રૂપે આવ્યો છે. शिपद અને शिमिद એ બન્ને સંભતઃ અજ્ઞાત વ્યાધિઓનાં નામ છે. સાયણે अशिपदा એટલે ‘शिपदा’ નામના રોગને મટાડનારી અને अशिमिदा નો અર્થ અહિંસક એવો કર્યા છે. માટે તેના લક્ષણો વગેરેની વિશેષ ઝાંખી નથી પરંતુ ‘शिपदं नाम रोग विशेषः’ શિપદા એક વિશેષ રોગ તો છે જ કારણ કે તેને દૂર કરવા માટે ૠષિ પ્રાર્થના કરે છે કે ‘याःप्रवतो निवत…… મંત્રમાં દેવતારૂપી નદીઓને વીનવે છે કે ઢાળવાળા પ્રદેશ ઉપર તથા જે જળવાળી કે જળવગરની છે. તે કલ્યાણકારી દેવી સ્વરૂપ જળથી ઉભરાતી નદીઓ शिपदा નામના રોગને મટાડનારી બનો.. આમ ૠષિએ ભૂમિ પર વિવિધ પ્રકારની નદીઓનું આહવાન કરે છે માટે ‘શિપદા’ એટલે કોઈ પાણીમાં ઝેર ભળી જવાથી ઉત્પન્ન થતાં રોગને શ્રુતિઓ વર્ણવે છે. જેના નિવારણાર્થ જન સૃષ્ટિને વિદિત કરતાં ૠષિ નદીઓરૂપી દેવતાઓને સ્મરણાર્થ વિનવે છે. માટે જ કહેવાય છે કે ॠषयो मन्त्रद्रष्टारः ૠષિઓ તો મંત્રોના દર્શન કરનાર છે.
ૠગ્વેદ ૭ મંડળના ‘મૈત્રાવરુણાદિ સૂકત’માં જ નહિ પરંતુ વેદોના એક એક મંડળ, એક એક સૂક્ત કે એક એક અધ્યાયના એક એક મંત્રના એક એક વર્ણ કે અક્ષરમાં અમોઘ શક્તિ રહેલી છે. કારણ કે વેદો અપૌરુષેય છે. ૠગ્વેદ એ ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન ગ્રંથ છે. તે સર્વ વિધાઓનું ઉંડું મૂળ છે. જેનાથી સૌ મનુષ્યો સત્યવિદ્યાઓને સઘળી જાણે છે. અથવા જેમાં સઘળી સત્યવિદ્યાઓ રહેલી, અથવા જેનાથી સઘળી સત્યવિદ્યાઓ મેળવી શકાય છે. અથવા જેથી સઘળી સત્યવિદ્યાઓ વિચારીને બધા-માણસો વિદ્વાનો થાય છે. તેને ‘વેદ’ કહેવાય છે. મૂળ વેદકાળમાંથી જ ૠગ્વેદ તથા યર્જુવેદમાં રોગો તથા ઔષધિઓના સંકેત જોવા મળે છે. જેમ કે –
या ओषधीः पूर्वा जाता देवेभ्यस्त्रियुगं पुरा ।
मनै नुं बभ्रुणामहं शतं धामानी सप्त च ।।
પ્રસ્તુત વેદ મંત્રમાં ૠષિ કહે છે કે સૃષ્ટિના પ્રારંભે જ ઔષધિઓ અને રોગોનાં નિવારણનું જ્ઞાન દેવતાઓના માધ્યમથી આપણને પ્રાપ્ય છે. તે જ ગુણકારી ઔષધિઓનું અને રોગોનું જ્ઞાન આપણને થયું છે, ૠગ્વેદમાં જ અશ્વિનોકુમારો નામના દેવવૈધો અને તેમની ચિકિત્સા પધ્ધતિ વગેરેના અત્રતત્ર ઉલ્લેખ જોવા મળે છે. તેમણે કરેલ શસ્ત્રક્રિયાઓનું વર્ણન પણ ધ્યાન ખેંચેં તેવુ છે. અશ્વિનોએ વૃધ્ધ ચ્યવન ૠષિને પુનઃનવયૌવન પ્રાપ્ત કરાવ્યુ. રાજા ખેલની પત્નીના પગ યુધ્ધમાં કપાઈ ગયા તેને લોખંડની જાંઘથી જોડી આપ્યા. આમ ૠગ્વેદનાં સૂક્તોમાં પ્રાચીન કવિતાના પ્રાંણવાન ધબકારા સંભળાય છે. આ વેદનાં કેટલાક સૂક્તો યજ્ઞયાગાધિ ક્રિયાકાંડોથી, અતિરિક્ત પણ સ્વતંત્ર રીતે જ રચ્યાં છે. અને તેમાં પ્રાચીન, ધાર્મિક કાવ્યોનો પ્રાણ ધબકે છે. જ્યારે બીજા પણ કેટલાક સૂક્તો છે કે જેની રચના માત્ર યજ્ઞક્રિયા માટે જ કરવામાં આવી છે. અને તેવા સૂક્તોને પૂરોહિત કવિઓએ કારીગરી પૂર્વક રચ્યાં છે.તદૂપરાંત ઔષધિઓ, વિવિધ રોગો અને રોગ નિવારણના ઉપાયો પ્રસ્તુત જેવા સૂક્તોમાં વિસ્તારથી વર્ણવી, સમજાવી ૠષિમુનિઓએ સમસ્ત માનવ જીવનમાં વિદિત થાય એની ધન્યતા અનુભવી માનવજીવનને સરળ શાસ્ત્રોરૂપી અતુટ અને ભવ્ય કહી શકાય એવી ભેટ ધરી છે.
अज्ञानतिमिरान्धस्य लोकस्य तुं विचेष्टतः ।
ज्ञानाग्जनशलाकाभिनेंत्रोन्मीलनकारकम् ।।
અજ્ઞાનરૂપી અંધકારથી નહીં દેખતા અને તરફડતા આ જગતને જ્ઞાનરૂપી આંજવાની સળી વડે તેજ આપનારા શાસ્ત્રો છે. આમ, પ્રસ્તુત સૂક્તમાં અજકાવ, વન્દન,શલ્મલો અને શિપદા જેવા રોગો અને તેના નિવારણાર્થ ઉપાય વિદિત કરનાર વેદૠષિ અને તેના આરાધ્ય દેવોને. नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥
સંદર્ભગ્રંથ સૂચિ –::
(૧) ૠગ્વેદ મંડળ-૭-વસિષ્ઠ-વસન્તકુમાર મ.ભટ્ટ-સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ- ૧ પ્રથમ આવૃતિ-૧૯૯૯
(૨) નીતિશતક- મહાકવિ ભર્તૃહરિ-સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ- ૧
(૩) શ્રી મહાભારતનાં સુભાષિતો- વેદવ્યાસ- પ્રા.ડૉ.પી.યુ.શાસ્ત્રી- કુસુમ પ્રકાશન, ૨૦૦૦
(૪) સાંખ્યકારિકા- શ્રીમદીશ્વરકૃષ્ણપ્રણીતા- જિતેન્દ્ર દેસાઈ- પ્રાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ- ૨૦૦૭
(૫) વૈદિક પાઠાવલી –સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ-૧
***************************************************
પરમાર કરમાભાઇ લલ્લુંભાઈ
(સરકારી વિનયન કોલેજ, વાવ. જિ.-બનાસકાંઠા) |