logo

આદિવાસી સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચેની ભેદરેખા

લોકસાહિત્ય એ લોકહૃદયની વાણી છે. પરંપરાથી સર્જાતા આવતા લોકસાહિત્યના મૂળ ઘણા ઊંડા છે. લોકસાહિત્યમાં વ્યક્તિના સુખ-દુ:ખ હૃદયની ભાવનાઓ, લાગણીઓ આનંદ-ઉલ્લાસનું સહજ નિરુપણ હોય છે. જે તે સમાજની કે જાતિની બોલીમાં નિરૂપણ એ લોકસાહિત્યની લાક્ષણિકતા છે. કંઠોપકંઠ પરંપરામાં સચવાયેલા આ સાહિત્યને મેઘાણીએ જનવાણી સાથે સરખાવ્યું છે.

લોકસાહિત્ય શબ્દ ‘લોક’ અને ‘સાહિત્ય’ના સમન્વયથી બનેલો છે. લોકસાહિત્ય એટલે ‘લોકોનું સાહિત્ય’એવો સામાન્ય અર્થ થાય છે. લોકસાહિત્ય શબ્દપ્રયોગ અંગ્રેજીમાં ‘Folk-Litarature’ પરથી ગુજરાતીમાં આવ્યો છે. લોકસાહિત્ય ‘Folk-lore’નો એક અંશ છે. તેથી તેના માટે ‘Folk-Litarature’ જેવો અંગ્રેજી શબ્દ પ્રયોજાય છે. તો ‘આદિવાસી લોકસાહિત્યના મૂળમાં અંગ્રેજી ‘Tribal Folk-Litarature’ છે. ‘Litarature’ એ અર્થની સાથે લિપિમાં લખાતી ભાષાના સાહિત્યનો પણ સમાવેશ થાય છે. પરંતુ મુખ્ય બાબત મૌખિક પરંપરાના ‘આદિવાસી લોકસાહિત્ય’ની છે. કનુભાઈ જાની ‘Folk-Litarature’નો ગુજરાતી અર્થ ‘લોકવાઙમય’ કરે છે. “‘Folk-Litarature’ નો જે બિનવ્યક્તિકૃત મનાતો રચનાઓનો પ્રકાર છે. તેમાં પણ આદિ સ્ત્રોત અને સંપ્રસારણ અને પ્રવર્તનની દ્રષ્ટિએ બે પેટા પ્રકારો છે. (1) Rural ગ્રામીણ (2) Tribal આદિવાસી”[1]

સામાન્ય જનસમાજ અને આદિવાસી જનસમાજની રહેણીકરણી, પહેરવેશ, ખોરાક ભાષા વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. પ્રકૃતિના ખોળે વસતા અને નૃત્યના શોખીન આ જનસમાજને ભારતની ‘આદિમજાતિ’ કે ‘આદિવાસી’ તરીકે ગણના થાય છે. ગુજરાતમાં વિવિધ આદિવાસી જાતિઓ વસે છે. તેમની પોતાની પણ આગવી ભાષા, પોષાક, સંસ્કૃતિ છે. દરેક જાતિને પોતાની ભાષામાં કંઠપરંપરામાં સાહિત્ય સચવાયેલું છે. જેમાં તેમના જીવનની ઝાંખી થાય છે.

“લોકસાહિત્ય અને આદિવાસી સાહિત્ય તાત્વિક દ્રષ્ટિએ જુદા પડે છે. કેમ કે એકનો સંબંધ ગ્રામ અને કૃષિ સંસ્કૃતિ સાથે છે. જ્યારે બીજાનો આદિજાતિ સાથે છે. બંનેની ભાષા, સંસ્કૃતિ, રીતરિવાજ, પહેરવેશ, માન્યતા, વિધિવિધાનથી જુદા પડે છે.

આદિવાસી સાહિત્ય અને ગ્રામીણ લોકસાહિત્ય વચ્ચેનો પ્રથમ ભેદ બોલીભેદને ગણી શકાય. બોલીભેદના કારણે ગ્રામીણ લોકસાહિત્ય અને આદિવાસી સાહિત્ય વચ્ચે ભિન્નતા દ્રષ્ટિગોચર થાય છે. ગ્રામીણ લોકસાહિત્ય ગુજરાતી ભાષાની ઝાલાવાડી, સોરઠી, સુરતી વગેરે બોલીઓમાં છે. જ્યારે આદિવાસી સાહિત્ય જે તે આદિવાસી જાતિની ભાષાઓમાં છે. જે સામાન્ય ગુજરાતી વર્ગ સરળતાથી સમજી શકતો નથી. તો બીજીબાજુ ગુજરાતી ભાષાની બોલીઓમાં પ્રાપ્ત થતું લોકસાહિત્ય સમજી શકે છે. આદિવાસી સાહિત્યમાં બોલી ભેદો વધુ છે.

આદિવાસી સાહિત્ય અને ગ્રામીણ લોકસાહિત્યમાં કુટુંબ વ્યવસ્થામાં ભિન્નતા પણ દ્રષ્ટિગોચર થાય છે. સમાજવ્યવસ્થાની અસર સાહિત્ય ઉપર દેખાય છે. જેને આ બંને સમાજના સાહિત્યમાં રહેલા તફાવત તરીકે સ્વીકારી શકાય.

આદિવાસી સમાજ મોટેભાગે છૂટોછવાયો વસવાટ કરે છે. જ્યારે ગ્રામીણ સમાજવ્યવસ્થા સામા છેડાની છે. જે અવિભક્ત કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. આદિવાસી સમાજનું દાંમ્પત્યજીવન નોખું તરી આવે છે. લગ્ન તેમજ અન્ય કેટલીક બાબતોમાં ગ્રામીણ સમાજ કરતા વધુ મુક્ત વાતાવરણ જોવા મળે છે. લગ્ન સંબંધમાં પણ પરસ્પર અનુકૂળતા ન સધાય તો સાહજિકતાથી અલગ થઈ અન્ય સાથે સંસાર વસાવી શકાય છે. આદિવાસી સમાજમાં ઊંચ-નીચ કે લીંગભેદ નથી વળી નગર સમાજની સ્ત્રી વધુ સ્વતંત્રતા ધરાવે છે. એક સમયે સંપત્તિની વહેંચણીમાં સ્ત્રીઓનો હક રહેતો જેમાં ધીરે ધીરે પરિવર્તન આવવા માંડ્યું છે.

વળી આદિવાસી સમાજ સહકાર અને ભાગીદારીના પાયા પર વિકસ્યો છે. તેથી જીવન દરેક સારા-નરસા પ્રસંગે ભાગીદારી અને સહકાર જોવા મળે છે. પૂજા, નૃત્ય જેવા પ્રસંગોએ સહકારની ભાવના તો ઈશ્વર સમક્ષ પોતાના સુખની સાથે પ્રકૃતિ અને પશુના સુખની પણ કામના જોવા મળે છે. આદિવાસી સમાજના લોકસાહિત્યમાં જંગલ, પશુ-પંખીઓ, ડુંગરો, વૃક્ષો આદિનું આબેહુબ આલેખન જોવા મળે છે.

કુટુંબ વ્યવસ્થાની જેમ રીતરિવાજમાં પણ ગ્રામીણ સમાજ અને આદિવાસી સમાજમાં ભિન્નતા છે જે તેમના સાહિત્યમાં ઝિલાયું છે. આદિવાસી સમાજ એકલ-દોકલ વસવાટ કરતો હોવાથી આકસ્મિક કુદરતી આપત્તિનો ભોગ વધુ બને છે. આ દુ:ખો-આપત્તિઓનું નિવારણ કરવા માટેના વિવિધ વિધિ-વિધાન આદિવાસી સમાજમાં વિશેષ જોવા મળે તો આવા જ દૈવી તત્વો અને વિધિ-વિધાન ગ્રામીણ સમાજમાં પણ પ્રવર્તે છે. પરંતુ તેમને વિવિધ ધર્મ, સંપ્રદાયોનો સહયોગ સાંપડે છે. શિષ્ટ પ્રવાહના કે ગ્રામીણ કંઠપરંપરાના રામાયણ, મહાભારત વગેરેમાં દૈવીતત્વ કેન્દ્રસ્થાને છે. જ્યાં દૈવી તત્વનો કોપ નથી જ્યારે ભીલી રામકથામાં સીતાનું એકલું વનગમન એ રામથી છૂપાઈને ખાધેલા તલનું પરિણામ ગણાય છે. તો કુંતા-દ્રૌપદી ડાકણદેવી ગણાવાય છે. આદિવાસી સમાજ પ્રકૃતિના તત્વોને દેવ કલ્પી તેમની પૂજા કરે છે, વળી નાગરિક સમાજના લિખિત રામાયણ કરતાં આદિવાસી રામાયણ અને ભીલોનું ભારથ અલગ તરી આવે છે. તો દક્ષિણ ગુજરાતની ઢોડિયા કુકણા, ગામીત, ચૌધરી આદીજાતિઓમાં કંસરી દેવીની કથા પ્રચલિત છે.

આજીવિકાના તફાવતને પણ સાહિત્યમાં ભેદનું પરિબળ ગણી શકાય. કોઈપણ પ્રકારની વિદ્યાનો સીધો સંબંધ એ માનવીની આજીવિકા સાથે સંકળાયેલ છે. એક બાજુ ગ્રામ્ય પરિવેશનો જનસમાજ કૃષિ અને પશુપાલન દ્વારા આજીવિકા પ્રાપ્ત કરે છે. જ્યારે આદિવાસી સમાજ વન્યપેદાશ અને શિકાર દ્વારા આજીવિકા મેળવવાનો પ્રયાસ કરે છે. તો વળી ક્યાંક પહાડ પર કહેવા પૂરતી ખેતી, ખેતમજૂરી કે માછીમારી દ્વારા પણ આજીવિકા પ્રાપ્ત કરે છે. તેનું આલેખન પણ લોકસાહિત્યમાં જોવા મળે છે.

વળી નાગરિક સમાજથી જેમ ગ્રામીણ સમાજ કેટલાંક અંશે ભિન્ન અને સ્વતંત્ર છે અને ગ્રામીણ સમાજથી આદિવાસી સમાજની ભિન્નતા વધુ છે. તેમજ વધુ સ્વતંત્ર અને પ્રકૃતિની વધુ નિકટ છે. જાતિ, પર્યાવરણ તથા વ્યવસાયના કારણે પણ કેટલીક ભિન્નતા આ બે સમાજના જોવા મળે છે. વળી લોકજીવનનું પ્રતિબિંબ લોકસાહિત્યમાં ઝિલાય છે.

ગ્રામીણ કંઠપરંપરા અને આદિવાસી પરંપરાનો એક ભેદ હસુ યાજ્ઞિક લઘુ-પરંપરાના લય અને લોપને ગણાવે છે. વળી લિખિત પરંપરાએ ગ્રામીણ કંઠપરંપરા કરતા કંઈક અંશે વિશેષ પ્રભાવશાળી છે. ગ્રામીણ સમાજમાં શિક્ષણ અને વિકાસની સાથે આ પરંપરા વ્યાપક બનતા કંઠપરંપરા સમયાનુક્રમે મંદતાની સાથે લુપ્તતાના આરે આવી ગઈ. જ્યારે લિખિત પરંપરાનો વિશેષ પ્રભાવ આદિવાસી કંઠપરંપરાના સાહિત્ય પર પડ્યો નથી જેથી એનું મૂળ આજ સુધી જળવાયું છે. એમ કહી શકાય આદિવાસી પરંપરામાં અનેક કથા મળે એ કદાચ ગ્રામીણ લોકસાહિત્યમાં ન પણ મળે. ગ્રામીણ કંઠપરંપરા અને આદિવાસી કંઠપરંપરાની કથાઓ, ગીતોમાં કયાંક સામ્યતા તો ક્યાંક ભિન્નતા દ્રષ્ટિગોચર થાય છે. “લિખિત સ્ત્રોતના પ્રભાવને કારણે ગ્રામીણ સ્રોતમાં મૂળનું કેટલુંક મંદ પડ્યું. લુપ્ત થયું તેવું આદિવાસી સાહિત્યમાં બન્યું નથી.”[2]

આદિવાસી સમાજમાં ધર્મ, ભગત,ભૂવાઓ, કથકોનો એવો વર્ગ છે જેના પર લિખિત પરંપરાનો પ્રભાવ નથી તથા દેવપૂજા અને અન્ય વિધિવિધાનોમાં આ કથા ગવાતી હોવાથી તેમાં પરિવર્તન ભાગ્યે જ આવે. આ કારણે આદિવાસી સાહિત્ય એ ગ્રામીણ સાહિત્ય કરતાં મૂળમાં જેવું હતું. તેવું જળવાયું. “આથી જ આદિવાસી સ્ત્રોત ગ્રામીણ સ્ત્રોતનો મહત્વનો પૂરક અંશ બન્યો છે.

આદિવાસી કંઠપરંપરામાં કેટલાંક તત્વોના કારણે આ સમાજ આજે પણ તેની ઓળખ બદલાતા સમયમાં પણ જાળવી રાખી છે. પ્રકૃતિનાં ખોળામાં જ ઉછરતા અને અસ્ત પામતા આ સમાજને પ્રકૃતિ જ પાળે પોષે છે. તેઓ પ્રકૃતિને પણ પોતાના જીવનતત્વ અને દેવીદેવતા તરીકે સ્વીકારી તેની પૂજા કરે છે. આ સમાજ અને તેના સાહિત્યને ઓળખવા તેને તેના જ સાંસ્કૃતિક ધોરણો અનુરૂપ તપાસવું જોઈએ. આજે વિશ્વ પ્રત્યેક ક્ષણે જાણે કે નાનું બનતું જાય છે. ત્યારે આદિવાસી સમાજ હજુ પણ પોતાનો વારસો સાચવીને બેઠો છે. એ આનંદની વાત છે. પરંતુ એનો લોપ ન થાય, એની કાળજી રાખવી ઘટે. આખરે તો ‘આદિવાસી લોકવિદ્યા’ એ ‘લોક’ની ઉત્પત્તિ સાથે પાંગરતી આવેલી નાની મોટી ડાળખીઓની મુખ્ય ‘ધારા’ છે. જેને ‘લોક’ અને ‘શિષ્ટ’ સમાજનું જીવનામૃત કહી શકાય.

સંદર્ભ ::

1. ગુજરાતના આદિવાસી લોકસાહિત્યનો ઈતિહાસ- હસુ યાજ્ઞિક
2. આદિવાસી લોકસાહિત્ય- સં. પ્રફુલ્લ દવે
3. લોકવિદ્યા વિજ્ઞાન- હસુ યાજ્ઞિક
4. ભીલી સાહિત્ય : એક અધ્યયન - હસુ યાજ્ઞિક

*************************************************** 

નૂતન એમ. ચૌધરી

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us