logo

કાવ્યરસના આસ્વાદ્યમાં અભિધા-લક્ષણા અને વ્યંજ્નાનું મહત્વ [1]

સંસ્કૃત આલંકારિકો પ્રમાણે કાવ્યમાં પ્રયુક્ત થતા શબ્દના ત્રણ વ્યાપારો, ત્રણ શક્તિઓ હોય છે. આ વ્યાપારો અથવા શક્તિઓને અભિધાશક્તિ અથવા વાચકશક્તિ અથવા મુખ્યશક્તિ,લક્ષણાશક્તિ અથવા લક્ષણાવ્યાપાર અથવા અમુખ્યશક્તિ અને વ્યંજનાશક્તિ અથવા વ્યંજ્નાવ્યાપાર એવા નામો અપાયાં છે,કેટલાક ‘ તાત્પર્ય ’ નામની એક ચોથી શક્તિ પણ દર્શાવે છે. ‘શક્તિ’ શબ્દના ‘વૃત્તિ’ અને ‘વ્યાપાર’એવા પર્યાય પ્રાપ્ત થાય છે. આમ, શક્તિ,વૃત્તિ, અને વ્યાપાર એમ ત્રણ લગભગ સમાનાર્થક શબ્દો પ્રયુક્ત થયેલા જણાય છે. આ શક્તિઓ અથવા વ્યાપારો અથવા વૃત્તિઓ દ્વારા જુદા જુદા પ્રકારના અર્થો અપાય છે.

આલંકારિકોએ ‘કાવ્ય’ને મુખ્યત્વે ‘શબ્દ’ અને ‘અર્થ’ ના સાહિત્યસ્વરૂપને લક્ષણબધ્ધ કર્યું છે. તેથી, ‘શબ્દ’ અને ‘અર્થ’ના પ્રકારો અને શબ્દમાંથી અર્થગ્રહણ કઈ રીતે થાય છે અર્થાત્ અર્થગ્રહણ કરાવનારી અભિધાદિ શક્તિઓ વગેરેનું અધ્યયન અનિવાર્ય બની જાય છે.

(૧)અભિધાશક્તિથી કાવ્યાસ્વાદન :-

મમ્મટે અભિધા માટે જણાવ્યું છે કે, “સાક્ષાત્સંકેતિતં યોઅર્થમભિધત્તે સ વાચક :” અર્થાત્ “ જે સાક્ષાત્ સંકેતિત અર્થને પ્રકટ કરે તે વાચક શબ્દ છે.’’ અભિધામાં સાક્ષાત્ સંકેત દ્વારા અર્થ પ્રાપ્ત થાય છે. એને મુખ્યાર્થ પણ કહેવાય છે. અન્ય કોઇ વ્યવધાન વગર અર્થ સીધે સીધો પ્રાપ્ત થાય એને મુખ્યાર્થ કહેવામાં આવે છે.સંકેતિત અર્થની સમજ માટે વ્યાકરણ, ઉપમાન, કોશ,આપ્તવાક્ય, વ્યવહાર, વાક્યનો શેષ ભાગ, વિવરણ અને સંદર્ભ એમ આઠેક પદ્ધતિઓ ખપમાં લેવાતી હોય છે.

અભિધાશક્તિ એટલે પ્રસિદ્ધ અથવા સાક્ષાત્ સંકેતિક અર્થના બોધક વ્યાપારના મૂળ કારણરૂપ શબ્દશક્તિ “તત્ર સંકેતિતાર્થસ્ય બોધનાદગ્રિમાભિધ્યા”[3] અભિધાશક્તિથી શબ્દનો સંકેતિક વ્યાપક પ્રચલિત સામાન્ય અર્થ મળે છે. અભિધા સામાન્ય અર્થ,વાચ્યાર્થ કે મુખ્યાર્થની જનની છે. એ શબ્દની પ્રાથમિક શક્તિ છે. સંસાર-વ્યવહાર-વ્યાપાર અને સામાન્ય કાવ્ય આ અભિધાનો વ્યાપાર છે.

અભિધાશક્તિથી જ કાવ્યાસ્વાદનની પ્રક્રિયા શરૂ થાય છે. શબ્દનો મૂળ અર્થ પામીને કાવ્યાસ્વાદન કરી શકાય છે.(એ પછી જ એના વિશિષ્ટ અર્થની અપેક્ષા જાગે છે.) “ જે કાવ્યમાં વ્યંગ્યાર્થ ગૌણ હોય અને વાચ્યાર્થ પ્રધાન હોય તેવા કાવ્યને મધ્યમ કાવ્ય કહે છે[4]” આવા પ્રકારના કાવ્યનો આસ્વાદ્ય કરવામાં અભિધાશક્તિનો ઉપયોગ થાય છે જેમકે-

“ગ્રામતરુણં તરુણ્યા નવવંજુલમંજરી સનાથકરં,
પશ્યંત્યા ભવતિ મુહુર્નિતરાં મલિના મુખચ્છાયા.[5]

અર્થાત્ ‘’ અશોકની તાજી મંજરી હાથમાં રાખનાર ગામના યુવકને જોતી યુવતીના મુખની છાયા વારંવાર એકદમ ઝાંખી પડી જાય છે.’’

આચાર્ય મમ્મટે આપેલા આ ઉદાહરણમાં વાચ્યાર્થની ચારૂતા છે. ‘પ્રિયતમને મળવાનું વચન આપી ચૂકેલી પ્રિયતમા સ્વજનોના નિષેધથી જઈ શકી નહી અને નિરાશ થઈ પાછા ફરેલા પ્રિયતમને જોઈ ભોંઠપ અનુભવે છે,’ એ વાચ્યાર્થ પોતે જ ચમત્કૃતિજનક છે.

‘’ પિંગળ પાઠ પઢ્યા વિના, કાવ્ય કરે કવિ હોય,
વળી વ્યાકરણ વિના વદે,વાણી વિમળ ન હોય.’’[6]

અહીં જે વાત કહેવાઈ છે તે સીધી શબ્દના અર્થથી પ્રાપ્ત થાય છે.માટે કાવ્યના આસ્વાદન માટે અભિધાશક્તિનું મુલ્ય છે.

જગન્નાથ અને અન્ય મીમાંસકો અભિધાના ત્રણ ભાગ પાડે છે : (૧) યોગ (૨) રૂઢિ અને (૩) યોગરૂઢિ. ‘વાચક’,’પાચક’,’પાઠક’ જેવા શબ્દોનો અર્થ વ્યુત્પત્તિ અનુસાર હોઈ એને યૌગિક શબ્દ ગણવામાં આવે છે. ‘અનુકૂળ’,’છત્રી’, ‘નૃત્ય’ જેવા શબ્દોને કેવળ રૂઢિ સાથે સંબંધ છે,તો ‘પંકજ’ જેવા શબ્દને યોગરૂઢિ સાથે સંબંધ છે. ‘પંકજ’ એટલે ‘કાદવમાં જન્મેલું’, પણ પછી એ શબ્દ ‘કમળ’ના અર્થમાં રૂઢ થયો. (સંકુચિત પણ થયો.) કાદવમાં જન્મેલા અન્ય જીવજંતુ માટે ‘પંકજ’ શબ્દ વપરાતો નથી.

આમ અભિધા એટલે મુખ્ય અર્થ. “મુખ્ય એટલે પ્રધાન નહીં પણ પ્રાથમિક “મુખ્ય: પ્રાથમિક : ન તુ પ્રધાનં” અભિધા સમજાય તો જ અન્ય વ્યાપારો પણ સમજાય. મૂળ અર્થને જાણ્યા વિના,ઘણી- વાર, અન્ય અર્થનો સાચો રોમાંચ થતો નથી. શબ્દ એના મુખ્ય અર્થમાંથી જ તિર્યકતા સાધે છે. વાઈઝમેન કહે છે તેમ,..........Yet, in the remotest meaning there is still some echo of the original sound of the word. [7]

આમ અભિધા એ પાયાની, બુનિયાદી શક્તિ છે. એમાંથી જ, એને આધારે જ શબ્દની અન્ય શક્તિઓનો વિકાસ-વિસ્તાર થાય છે.

(2) લક્ષણાથી કાવ્યાસ્વાદન :-

વ્યવહારમાં આપણે ઘણીવાર મુખ્ય અર્થ કામમાં ન લાગે એવાં વચનો બોલતાં – સાંભળતાં હોઈએ છીએ. જ્યારે શબ્દનો વાચ્યાર્થ એટલે કે શબ્દશ: થતો અર્થ બંધબેસતો ન હોય ત્યારે તે મુખ્યાર્થ સાથે સંબંધિત એવો અન્ય અર્થ લેવામાં આવે છે. જેમ કે -
‘મન ઉપર પથરો મૂકીને એણે દિકરીને વિદાય કરી’ જેવા પ્રયોગોમાં ‘પથરો મૂકીને’ નો યૌગિક અર્થ લઈ શકાશે નહીં, પણ ‘સંયમ રાખીને’ જેવો અર્થ સમજવો પડશે. થોડી સખીઓ રસ્તે ચાલતી જતી હોય ત્યાં એકાદ સખી બોલી ઉઠે કે ‘આઘી જા, સાયકલ આવે છે’ ત્યારે ‘સાયકલ’ સ્વયંભુ નથી આવતી હોતી,પણ સાયકલ ઉપર કોઈ સવાર પણ હોય છે. આમ જ્યારે મુખ્ય અર્થ બંધબેસતો ન હોય ત્યારે જે અન્ય અર્થ ગ્રહણ કરવો પડે એને લક્ષ્યાર્થ કહેવામાં આવે છે.

મમ્મટે લક્ષણાવ્યાપાર માટેની શરતો દર્શાવતા કહ્યું છે કે,

“ મુખ્યાર્થબાધે તધ્યોગે રુઢિતોઅથ પ્રયોજનાત્,
અન્યોઅર્થો લક્ષ્યતે યત્સા લક્ષણારોપિતા ક્રિયા. [8]

વિશ્વનાથ કહે છે કે,

“ મુખ્યાર્થબાધે તધ્યુક્તો યયાન્યોઅર્થં પ્રતીયતે,
રુઢે: પ્રયોજનાધ્વાસૌ લક્ષણા શકિતરર્પિતા.[9]

બન્ને આચાર્યો ત્રણ શરતો આપે છે : (૧) મુખ્યાર્થબાધ (૨) તદ્યોગ અને (૩) રૂઢિ અથવા પ્રયોજન.

“ગંગાયાં ઘોષ: કે કુશલ:”[10] નો મુખ્ય અર્થ અનુક્રમે ‘ ગંગા પ્રવાહમાં નેસ ‘ અથવા ‘દર્ભને કાપનાર’ એવો થાય છે. પણ ગંગાના પ્રવાહમાં નેસ રહીં શકે નહિ અને કોઈપણ કાર્યમાં દર્ભને કાપવાનો સંદર્ભ હોઈ શકે નહિ. આથી ‘ગંગા પ્રવાહમાં નેસ’નો અર્થ ‘ગંગાને કાંઠે નેસ’ એવો લઈ શકાય. આવો અર્થ લેવા પાછળનું પ્રયોજન એ છે કે વક્તા તે નેસ ઠંડો અને પવિત્ર છે એમ સૂચવવા માગે છે. વળી, દર્ભનું ઘાસ કાપવામાં એક પ્રકારની સાવધાની અને હોંશિયારી અપેક્ષિત છે. તેથી રૂઢિથી કોઈપણ કાર્યમાં કુશળ વ્યક્તિને “કુશલ” કહેવાની પ્રથા શરૂ થઈ છે.

અન્ય ઉદહરણોમાં ‘સુરત શહેર તાપી ઉપર આવેલું છે’ એમ કહીએ ત્યારે (મુખ્યાર્થબાધથી) ‘તાપીતટે’ એવો અર્થ લેવો પડે છે. ‘મનુ ગધેડો છે’ માં(તદ્યોગથી) બન્નેના ગુણસાર્દશ્યને ધ્યાનમાં લઈએ છીએ. એ જ પ્રમાણે ‘લાવણ્ય’નો મૂળ અર્થ તો ખારાશ, પણ રૂઢિને કારણે સૌંદર્ય એવો અર્થ મળે છે. લક્ષણા શક્તિમાં વ્યંજનાનો અંશ રહેલો છે. દા.ત. ગુજરાતીમાં અનિલ જોષીનું કાવ્ય છે.

‘કેસરિયાળો સાફો ઘરનું ફળીયું લઈને ચાલે.’[11]

અહીં કેસરિયારા સાફાની નજીકનો અર્થ કેસરિયારો સાફો પહેરનાર ‘વરરાજા’ એવો લેવાનો છે. આથી લક્ષણાશક્તિથી કાવ્યાસ્વાદન થાય છે તેમ કહી શકાય.

(૩) વ્યંજનાથી કાવ્યાસ્વાદન :-

અભિધા અને લક્ષણા ઉપરાંત પણ શબ્દમાંથી ત્રીજો અર્થ પ્રાપ્ત થતો હોય છે.વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ સિવાયના આવા અન્ય અર્થને (વ્યંગ્યાર્થ) કહેવામાં આવ્યો છે. વ્યંજના શબ્દશક્તિ એ અભિધા અને લક્ષણાથી ઉચ્ચતર ને સૂક્ષ્મતર શક્તિ છે. એમાં “ અભિધા-લક્ષણા પોતાનો અર્થ પ્રગટ કરી વિરમી જાય ત્યારબાદ અન્ય અર્થ(વ્યંગ્યાર્થ)પ્રકટ થાય છે.”[12] વ્યંજનાને વ્યક્ત કરનાર શબ્દ ‘વ્યંજક’ શબ્દ અને વ્યંજનાથી પ્રગટ થતો અર્થ ‘વ્યંગ્યાર્થ’ કહેવાય છે. વ્યંજનાથી પ્રતીત થતો અર્થ વ્યંગ્યાર્થ પ્રતીયમાન અર્થ કે ધ્વનિ (ધ્વન્યર્થ) કહેવાય છે. વ્યંજના એટલે અભિધા અને લક્ષણાના અર્થથી વિશિષ્ટ એવો વ્યંગ્યાર્થ દાખવનારી શબ્દશક્તિ.

વ્યંજનાથી સ્ફુરતો વ્યંગ્યાર્થ ‘ધ્વનિ’ કહેવાય છે. એટલે વ્યંજના ‘ધ્વનિ’ની જનની છે. કાવ્યસૃષ્ટિનો વ્યાપાર વ્યંજનાત્મક હોય છે. “ધ્વનિ કાવ્યનો આત્મા છે” ‘કાવ્યસ્યાત્મા ધ્વનિ:’ કાવ્યમાંથી સ્ફુટ થતી વ્યંજના અનોખું કાવ્યતત્વ છે.

“ અનેકાર્થસ્ય શબ્દસ્ય વાચક્ત્વે નિયંત્રિતે,
સંયોગાધ્યૈરવાચ્યાર્થધીકૃધ્વ્યાપૃતિરાંજનં.[13]

અર્થાત્ “ જ્યારે અનેક અર્થવાળા શબ્દના સંયોગ આદિ દ્વારા વાચકત્વ(વાચ્યાર્થ) નિયત થઈ જાય છે ત્યારે તે શબ્દના કોઈ અન્ય અર્થનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. ” આવું જ્ઞાન ઉત્પન્ન કરનાર વ્યાપાર તે ‘અંજના’ કે ‘વ્યંજના’ જેમ કે –

“ એવં વાદીની દેવર્ષૌ પાર્શ્વે પિતુરધોમુખી,
લીલાકમલપત્રાણિ ગણયામાસ પાર્વતી .[14]

અર્થાત્ “નારદ હિમાલય સાથે શંકર અંગે વાત કરી રહ્યા હતા ત્યારે પિતાની પાસે ઊભેલી પાર્વતી નીચે મુખે લીલાં કમળપત્રો ગણતી હતી. ” અહીં પાર્વતીની શરમ,શંકર પ્રત્યેનો છૂપો રાગ આદિ ભાવો વ્યંજિત થાય છે. મૂળ અર્થનો અહીં તિર્યકતા સાથે વિચાર થાય છે.

વ્યંજનાના મુખ્ય બે પ્રકારો છે : (૧)શાબ્દી અને (૨) આર્થી. આમ તો શબ્દ અને અર્થ સાથે જ હોય છે પણ પ્રાધાન્યને લક્ષમાં રાખીને એ ભેદ કરવામાં આવ્યા છે. શાબ્દીક વ્યંજનાના બે પેટા પ્રકારો છે : (૧) અભિધામૂલા અને (૨) લક્ષણામૂલા

આર્થી વ્યંજના દસેક પ્રકારે પ્રવર્તે છે.

“ વક્તૃબોદ્ધવ્યકાકૂનાં વાક્યાવાચ્યાન્યસન્નિધે: [15]
પ્રસ્તાવદેશકાલાદેવૈ: શિષ્ટાયાત્પપ્રતિભાજુષાં.[16]

અર્થાત્ – વક્તા, શ્રોતા, વાક્ય, કાકુ, વાચ્યાર્થ, સન્નિધિ,પ્રસ્તાવ,દેશ,કાળ,ચેષ્ટા આદિ અનેક પ્રકારે આર્થી વ્યંજના પ્રગટે છે.
- શાબ્દિ વ્યંજના : જે વ્યંજનામાં શબ્દનું પ્રાધાન્ય હોય એને શાબ્દિ વ્યંજના ગણવામાં આવે છે.
- આર્થી વ્યંજના : જે વ્યંજનામાં અર્થનું પ્રાધાન્ય હોય એને આર્થી વ્યંજના ગણવામાં આવે છે.

યાઅર્થસ્યાર્થધીહેતુર્વ્યાપારો વ્યક્તિરેવ સા.[17]

વ્યંજનાવ્યાપારમાં અર્થવિલંબન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. આધુનિક સંરચનાવાદિ વિવેચક રોલાં બાર્થ જેને ‘Suspended Meaning’ કહે છે. એમાં પણ આ વ્યંજનાવ્યાપાર સમાવિષ્ટ રહેલો જોઈ શકાશે.

કાવ્યના રસાસ્વાદ વખતે અભિધાશક્તિથી જે અર્થ પ્રાપ્ત થાય તે પછી તરત જ સ્ફુટી આવતો અર્થ વ્યંજનાશક્તિથી સ્ફુટ થાય છે. જેમ કે –

“ જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિનીવ્યોમસર માંહિં સરતી;
કામિની કોકિલા, કેલી કૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;[18]

અહીં શાબ્દિ અને આર્થી બન્ને પ્રકારની વ્યંજનાથી કાવ્યાસ્વાદન થાય છે. આગળની બે પંક્તિઓમાં જલની, શુભ્રતા, દિવ્યતા વ્યંજિત થાય છે. જ્યારે પછીની બે પંક્તિઓમાં ક-સ-ભ વર્ણનું આવર્તન એટલું રમ્ય નાદ જગવે છે કે તેમાંથી શબ્દનો લાલિત્યભાવ વ્યંજિત થાય છે.

કાવ્યાસ્વાદનમાં અભિધા-લક્ષણા અને વ્યંજના :-

કોઈપણ કાવ્યનો આસ્વાદ માત્ર અભિધા કે માત્ર લક્ષણા કે માત્ર વ્યંજનાથી જ શરૂ થઈને તે જ શક્તિમાં પરીપૂર્ણ થતો નથી પણ બધાં જ કાવ્યોમાં અભિધા,લક્ષણા અને વ્યંજના જેવી એકથી વધુ શબ્દ શક્તિઓથી કાવ્યાસ્વાદન થાય છે. એક એવું ઉદાહરણ જોઇએ જેમાં શબ્દની અભિધા,લક્ષણા અને વ્યંજના શક્તિથી રસાસ્વાદન થતું હોય. દા.ત

“ તને જોઈ જોઈ તોય તું અજાણી,
(જાણે) બીજને ઝરૂખડે જુકી’તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂંમટો તાણી. [19]

રાજેન્દ્ર શાહના ઉપરોકત કાવ્યમાં અભિધા શક્તિથી જાણી શકાય છે કે એક સ્ત્રીના સૌંદર્યની પ્રશંસા થઈ છે. લક્ષણા શક્તિથી જાણી શકાય છે કે સ્ત્રીના મુખને ચન્દ્ર કલ્પવામાં આવ્યું છે,અને વ્યંજના શક્તિથી જાણી શકાય છે કે અહીં માત્ર ચન્દ્ર કે સ્ત્રીની વાત નથી પણ ચાંદની રાતે પ્રિયતમે જોયેલી,ઝંખેલી નાયિકા વ્યંજનાશક્તિથી આપણી સમક્ષ પ્રગટ થાય છે.

સંદર્ભ ::

1. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બાલાસિનોર(તા. ૨૩,૨૪ જાન્યુઆરી-૨૦૧૦ ના રોજ) યુ.જી.સી પ્રાયોજીત કાવ્યશાસ્ત્ર રાષ્ટ્રીય સેમીનારમાં રજુ કરેલ શોધ નિબંધ.
2. કાવ્યપ્રકાશ , ૨-૭||
3. સાહિત્યદર્પણ - ૨-૪ ||
4. કાવ્યપ્રકાશ - ૧-૩ ॥
5. એજન v ૧-૩ ॥
6. દલપતરામના કાવ્યો.
7. લોજિક એન્ડ લેંગ્વેજ – પૃ.૧૩૨
8. કાવ્યપ્રકાશ ૨-૯ ||
9. સહિત્યદર્પણ - ૨-૫ ||
10. કાવ્યપ્રકાશ – ઉલ્લાસ – ૨, પૃ. v૩૧ ॥
11. બરફના પંખી.
12. કાવ્યપ્રકાશ – ઉલ્લાસ – ૨ ॥
13. કાવ્યપ્રકાશ ૨-૧૯
14. કુમારસમ્ભવમ – સર્ગ - ૧ PP
15. કાવ્યપ્રકાશ ૩-૯ PP
16. એજન ૩-૨ PP
17. એજન ૩v૨ ||
18. કવિ ‘કાન્ત’ કૃત પૂર્વાલાપ,પૃષ્ઠ-૫૯.
19. રાજેન્દ્ર શાહનાં કાવ્યો, પૃષ્ઠ – ૪૩.

અનુશીલિત ગ્રંથસૂચિ::

(૧) કાવ્યપ્રકાશ વ્યાખ્યાકાર :- ડો. સત્યવ્રતસિંહ પ્રકા. :- ચૌખમ્ભા વિધ્યાભવન,વારાણસી - ૨૨૧૦૦૧ (સવિમર્શ ‘શશિકલા’ – હિન્દી-વ્યાખ્યોપેત) પુનર્મુદ્રિત સંસ્કરણ ૨૦૦૩
(૨) કાલિદાસવિરચિતં કુમારસમ્ભવમ(સંપુર્ણ) હિન્દી વ્યાખ્યાકાર :- શ્રીપ્રધ્યુમ્ન પાણ્ડેય (મલ્લિનાથકૃત ‘સંજીવની’ એવં ‘પ્રકાશ’ હિન્દી વ્યાખ્યા સહિત) પ્રકા. :- ચૌખમ્ભા વિધ્યાભવન, વારાણસી-૨૨૧૦૦૧
(૩) વિશ્વનાથકૃત: સાહિત્યદર્પણ આ. :- ‘લક્ષ્મી’ ટીકા સાથે પ્રકા. :- ચૌખમ્ભા સંસ્કૃત સીરીઝ,વારાણસી – ૬૭
(૪) દલપતરામની સમગ્ર કવિતા સંપા. :- ચિમનલાલ ત્રિવેદી
(૫) બરફના પંખી સંપા. :- અનિલ જોષી
(૬) કવિ ‘કાન્ત’ કૃત પૂર્વાલાપ સંપા. :- સતીશ વ્યાસ પ્રકા. :- ડિવાઈન પબ્લિકેશન્સ,અમદાવાદ – ૧ પ્રથમ આવૃત્તિ : જુલાઈ,૨૦૦૮
(૭) રાજેન્દ્ર શાહનાં કાવ્યો સંપા. :- ધીરુ પરીખ પ્રકા. :- આદર્શ પ્રકાશન,અમદાવાદ – ૧ ત્રીજી આવૃત્તિ : જૂન, ૨૦૦૪

*************************************************** 

પ્રા. નવઘણસિંહ બી. વાઘેલા
(સંસ્કૃત વિભાગાધ્યક્ષ)
શ્રી એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શંખેશ્વર.
તા.સમી, જિ.પાટણ(ઉ.ગુ.) – ૩૮૪૨૪૬

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By :

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us