logo

પ્રવાસનિબંધકાર ભોળાભાઇ પટેલ અને પ્રીતિ સેનગુપ્‍તા : એક તુલના

ગુજરાતમાં આપણને કાકાસાહેબ કાલેલકર પછી ચંદ્રવદન મહેતા, ઉમાશંકર જોશી જેવા પ્રવાસવીરો મળ્યા છે. એ પછીના સમયમાં બે નવા સશકત નામો ઉમેરાય છે : ભોળાભાઇ પટેલ અને પ્રીતિ સેનગુપ્‍તા, ભોળાભાઇ પટેલ કાકાસાહેબે અંકિત કરેલી પ્રવાસનિબંધની નવતરધરાને વધુ ફળદ્રુપ બનાવે છે. તેમણે દેશ-વિદેશનાં લાલિત્‍યપૂર્ણ ભ્રમણવૃત્તો આપ્‍યાં છે. તો પ્રીતિ સેનગુપ્‍તાએ ભોળાભાઇ પટેલ કે અન્‍ય પ્રવાસ-લેખકોથી સહેજસાજ પણ અંજાયા વિના સ્‍વયંસ્‍ફૂર્ત સર્જકતાના બળે, સ્‍વકીય અભિનિવેશ થકી પ્રવાસનિબંધોનું સર્જન કરી ગુજરાતી પ્રવાસસાહિત્‍યની સમૃદ્ધિમાં વધારો કર્યો છે.

પ્રવાસનિબંધોના લલિત નિરૂપણમાં ભોળાભાઇ પટેલે પોતાની આગવી મુદ્રા ઉપસાવી છે. ડાયરી, પત્ર યા નિબંધના રૂપમાં વ્‍યકત થતાં પ્રવાસવર્ણનોમાં એક અંગત નિસ્‍બત અનુભવાય છે. ‘વિદિશા’ પ્રવાસનિબંધથી શ્રી ગણેશ કરનાર ભોળાભાઇ પાસેથી ‘પૂર્વોત્તર’, ‘રાધે તારા ડુંગરિયા પર’, ‘દેવોની ઘાટી’, ‘દેવતાત્‍મા હિમાલય’ અને ‘યુરોપ-અનુભવ’ જેવા કલાપૂર્ણ ભ્રમણવૃત્ત મળે છે. ભોળાભાઇમાં રહેલો પ્રવાસીજીવ હંમેશા ભ્રમણ કરવા તડપે છે : ‘‘હું ય જાણે ‘બાસાછાડા’ પંખીની જેમ બહાર જવા તડપું છું : ‘હેયા નય, અન્‍ય કોથા, અન્‍ય કોથા, અન્‍ય કોન ખાને.’’૧ એક જગ્‍યાએથી બીજે ને બીજેથી ત્રીજી જગ્‍યા એ પહોંચવાનું મન થાય આ પ્રવાસરસિયા જીવને હંમેશા થાય છે. ઘણીબધી પ્રવૃત્તિઓમાં સક્રીય હોવાના કારણે દરેક વખતે નિરુદ્દેશ ભ્રમણ કરવું તેમના માટે શકય નથી. અલબત્ત, તુલનાત્‍મક સાહિત્‍ય, અનુવાદકળા કે અન્‍ય વિષયોના વિવિધ સ્‍થળોએ યોજાતા પરિસંવાદ, કાર્યશિબિરો યા લેખન મિલનમાં સહભાગી થવાના ઉદ્દેશથી કે કોઇ યુનિવર્સિટીની મુલાકાત અર્થે તેમણે અનેક સ્‍થળોએ ભ્રમણ કર્યું છે.

ગુજરાતી પ્રવાસસાહિત્‍યમાં ભોળાભાઇ પટેલની સાથે જ સ્‍મરણ કરવું પડે તેવું મહત્ત્વનું નામ પ્રીતિ સેનગુપ્‍તાનું છે. ‘યાત્રી આમિ ઓ રે’ એ રવીન્‍દ્રનાથ ટાગોરનું ગીત પ્રીતિ સેનગુપ્‍તાનું આત્‍મકથ્‍ય છે. તેમને તરુણ વયથી જ પ્રવાસનું ધેલું લાગ્‍યુ છે. તેઓ કહે છે : ‘‘મારે માટે ભ્રમણ અધિગમન પણ છે, ફકત ઉત્‍કેટચ્‍છા કે આસકિત નહીં, પણ જીવનરીતિ અને વિચારધર્મ પણ છે.’’૨ સમગ્ર વિશ્વને ‘સ્‍વગૃહ’ સમજનાર પ્રીતિ સેનગુપ્‍તા અગત્‍સ્‍ય, કોલંબસ, લીવીંગ્‍સ્‍ટન, વાનસેન, કેપ્‍ટન કૂકના પગલે યુરોપ-અમેરિકા જ નહીં પણ આફ્રિકા, ઓસ્‍ટેલિયા, દક્ષિણ ધ્રુવ ખંડ- એન્‍ટાર્કટિકા, ચુંબકીય ઉત્તર ધ્રુવ, ચીન, મધ્‍ય અમેરિકી દેશોમાં તેમણે પ્રવાસ કર્યો છે. ‘પ્રવાસ ખાતર પ્રવાસ’ કરનાર પ્રીતિ સેનગુપ્‍તા વ્‍યવસાયી પ્રવાસ આયોજનથી દૂર રહી પોતાની રીતે પૂરતા સમય સાથે દુનિયાના વિવિધ દેશોમાં એકલપંડે ઘૂમવાનું સાહસ કર્યું છે. પ્રવાસ પ્રયાણતા પ્રીતિ સેનગુપ્‍તાના વ્‍યકિતત્‍વનો અસલ રંગ રહ્યો છે. પ્રવાસ તેમના માટે નિજાનંદ છે, પ્રાણવાયુ પણ છે. એકવીસમી સદીમાં પણ તેમની આંતર બાહ્ય યાત્રા થતી રહી છે. આ યાત્રાની ફલશ્રુતિ સમાં સંખ્‍યાબંધ પ્રવાસપુસ્‍તકો આપણને સાંપડયાં છે. જેમ કે ‘પૂર્વા’, ‘દિકŸદિગંત’, ‘સૂરજ સંગે દક્ષિણ પંથે’, ‘કિનારે કિનારે’, ‘ધવલ આલોક ધવલ અંધાર’, ‘મન તો ચંપાનું ફૂલ’, ‘નૂરના કાફલા’, ‘દેવો સદા સમીપે’, ‘સંબંધોની ઋતુઓ’ વગેરે.

ભોળાભાઇ પટેલના ભ્રમણવૃત્તમાં સાહિત્‍ય અને કલા કેન્‍દ્ર સ્‍થાને હોય છે, જયારે પ્રીતિ સેનગુપ્‍તાના ભ્રમણવૃત્તમાં સમાજ કેન્‍દ્ર સ્‍થાને હોય છે. ભોળાભાઇ પટેલ સૌન્‍દર્યદર્શી અને સૌન્‍દર્યમર્મી સર્જક છે. સતત ‘સૌન્‍દર્ય’ની ખોજ એ જ જાણે એમનું લક્ષ્‍ય રહ્યું છે. આ સૌન્‍દર્ય મનુષ્‍યદેહનું હોય કે પ્રકૃતિનું તેને એક સરખી કલાત્‍મકતાથી આલેખે છે. ઘણીવાર સૌન્‍દર્ય છબિઓ ઝીલવામાં પ્રીતિ સેનગુપ્‍તા પણ ભોળાભાઇ સાથે બરોબરી કરતા જણાય છે. આ સંદર્ભે પ્રવીણ દરજી યોગ્‍ય જ નોંધે છે : ‘‘તેમના કેટલાક પ્રવાસવર્ણનના ટુકડા ભોળાભાઇના નિબંધોમાં બને છે તેમ સાદ્યંત લલિત નિબંધનો આભાસ ઊભો કરે છે.’’૩ આમ છતાં, પ્રીતિ સેનગુપ્‍તાનું પ્રવાસસાહિત્‍ય કલ્‍પનારંગી કરતાં વાસ્‍તવલક્ષી વધુ હોય છે. તેઓ નાવીન્‍યતા નામે કૃત્રિમ, કિલષ્‍ટ, આડંબરયુકત ભાષા કે કલ્‍પનાનો સહારો ન લેતાં, જે જોયું-અનુભવ્‍યું તેનું સીધી રીતે, સત્‍યપૂર્વક નિરૂપણ કરે છે. તેઓ પ્રવાસ દરમિયાન પ્રકૃતિ-સંસ્‍કૃતિનાં જે કંઇ દૃશ્‍ય જોયાં હોય તેનાં યથોચિત વર્ણન, તેના દર્શનથી જાગેલ મનોભાવ, મળેલ વ્‍યકિતઓ સાથેની વાતચીત અને તેમના પર પડેલી છાપ વગેરે વિશેની નાનામાં નાની નોંધ પરિશ્રમ- વિવેક-ચોકસાઇપૂર્વક કરી લે છે અને એ પ્રમાણભૂત સાધનસામગ્રીને આધારે સ્‍વાભાવિક ઉપરાંત આકર્ષક અને હ્રદયગંમ લાગે તે રૂપમાં પ્રવાસનિબંધોમાં રજૂ કરે છે. તેમના પ્રવાસનિબંધોમાં સૌન્‍દર્ય દૃષ્‍ટિ,માનવીયતા, અભ્‍યાસપૂર્ણતા તથા કલાદૃષ્‍ટિનો અપૂર્વ સમન્‍વય જોવા મળે છે. પરિણામે એમનાં વર્ણાનો દસ્‍તાવેજી કે શુષ્‍ક ન બની રહેતાં તે જીવંત બને છે.

ભોળાભાઇ પટેલ પ્રવાસનું આવલંબન લઇ સૌન્‍દર્યભ્રમણ કરે અને પ્રવાસનિબંધો થકી ભાવકોને પણ સૌન્‍દર્યભ્રમણ કરાવે છે. તેમના પ્રવાસનિબંધોમાં ઐતિહાસિક-ધાર્મિક-સાંસ્‍કૃતિક સંદર્ભો પ્રવાસસ્‍થળને જીવંત રૂપે પ્રત્‍યક્ષ કરાવે છે. સમયને સરળતાથી અવળસવળ કરી જે પ્રવાસસ્‍થળો સાથે લાક્ષણિક અનુબોધ ઊભો કરે છે. તેથી પ્રવાસસ્‍થળનો એક નવો જ ચહેરો આપણી સામે તરી આવે છે.

ભોળાભાઇ પટેલ અને પ્રીતિ સેનગુપ્‍તા ઉભય સર્જકોને પ્રકૃતિનાં પ્રત્‍યેક તત્ત્વો માટે અદમ્‍ય ખેંચાણ છે, આત્‍મીયતા છે. પ્રવાસસ્‍થળની પ્રકૃતિ પ્રત્‍યે શિશુસહજ મુગ્‍ધતા છે તો ભકિતભાવ પણ ખરો. પ્રકૃતિનાં ચેતોહર સ્‍વરૂપોનો ભોળાભાઇને નશો ચઢે છે, તો સાથે સાથે જ એવાં અફાટ સૌન્‍દર્યનાં દર્શનથી એમનું મન આકુલ-વ્‍યગ્ર થઇ જાય છે. પ્રીતિ સેનગુપ્‍તાએ જગતની કુદરતને ભરપૂર નિહાળી છે, માણી છે અને આસ્‍વાદ્યી છે. એમેઝોનનાં ગાઢ જંગલો, અલાસ્‍કાનો હિમાચ્‍છાદિત પ્રદેશ, ઉત્તર ધ્રુવનો હિમખંડ, આફ્રિકાનું સહરાનું રણ, ઇન્‍ડોનેશિયાના જીવંત જવાળીમુખી આદિ પ્રદેશોની વૈવિધ્‍યવંતી પ્રકૃતિનાં કરાલ અને કોમળ બંને પ્રકારનાં સૌન્‍દર્યો પ્રત્‍યે તેમની અદમ્‍ય દિલચશ્‍પી તેમના પ્રવાસનિબંધોમાં દેખાઇ આવે છે. તેમની શિશુસહજ મુગ્‍ધ વૃત્તિ-દૃષ્‍ટિનો પરિચય અનેકવાર થતો રહે છે. કાકાસાહેબની જેમ પ્રકૃતિમાં માનવભાવો કે માનવવર્તનનું આરોપણ કરવાનું કૌશલ બન્‍ને સર્જકો ધરાવે છે. તેનો પરિચય તેમના પ્રવાસનિબંધોમાં થાય છે.

પ્રીતિ સેનગુપ્‍તા જે ખંડ-દેશના પ્રવાસે જાય જે જોવે છે તે સ્‍થળને નિબંધકારની જેમ વર્ણવે છે, ઇતિહાસકારની જેમ મૂલવે છે, સમાજશાસ્‍ત્રીની દૃષ્‍ટિએ તેનો અભ્‍યાસ કરે છે અને લોકો સાથે વિશ્વનાગરિક તરીકે હળે મળે છે. જે દેશમાં જાય તે દેશના ઇતિહાસને, તે પ્રજાની ચડતી-પડતીને, તેની પ્રકૃતિ-સંસ્‍કૃતિને વિકૃતિ, તેની સિદ્ધિઓ અને કમજોરીઓને, તેના વીરલાઓ, શ્રેષ્‍ઠીઓ, કલાકારો અને કારીગરોની વાતો ઉવેખે છે. તેમના પ્રવાસસાહિત્‍યમાં તેમની બહુશ્રુત અભિજ્ઞતાનો સુપેરે પરિચય થાય છે.

ભોળાભાઇના પ્રવાસનિબંધમાંથી પ્રસાર થતાં સૌન્‍દર્યલોકની સાથે સાથે સાહિત્‍યિક આબોહવામાં આપણે શ્વસતા હોઇએ એવો અનુભવ થાય છે. સાહિત્‍યિકતા એ તેમની નિબંધસૃષ્‍ટિની આગવી લાક્ષણિકતા છે. ગુજરાતી ઉપરાંત હિન્‍દી, બંગાળી, ઓડિયા, મરાઠી, સંસ્‍કૃતને યુરોપીય સાહિત્‍યના સન્‍દર્ભો એમના નિબંધોને એક આગવું પરિણામ બક્ષે છે. આ ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ, શિલ્‍પ, સ્‍થાપત્‍ય, પુરાતત્ત્વ, સંગીત, ફિલ્‍મ એમ અનેકવિધ વિષયોના સંદર્ભો યોગ્‍ય સ્‍થળોએ અધિકાંશે યોગ્‍ય રીતે વ્‍યકત થયા છે.

કાલિદાસ અને રવીન્‍દ્રનાથાની ઉપસ્‍થિતિ એ ભોળાભાઇ પટેલના પ્રવાસનિબંધોની ઊડીને આંખે વળગે તેવી લાક્ષણિકતા છે. આ બંને ઋષિ-કવિઓ તેમના ‘લોહીમાં લય બનીને રહેલા છે’૪ તેથી પ્રત્‍યક્ષ કે પરોક્ષ તેમની ઉપસ્‍થિતિ વર્તાય જ. તો પ્રીતિ સેનગુપ્‍તાનો રવીન્‍દ્રપ્રેમ આપણને તેમના પ્રવાસનિબંધોમાં જોવા મળે જ પ્રત્‍યેક પ્રવાસપુસ્‍તકના આરંભે અન્‍ય સર્જકો સાથે રવીન્‍દ્રનાથની એક-બે પંકિતઓ હોય જ. સંસ્‍કૃત અને બંગાળી ભાષા પ્રત્‍યેનો લગાવ બન્‍ને સર્જકોમાં જોવા મળે છે. બન્‍ને સર્જકોની ભાષાશૈલીમાં સંસ્‍કૃત-બંગાળી શબ્‍દોનો છૂટથી ઉપયોગ થયો છે. સંસ્‍કૃત પદાવલીથી યુકત ભોળાભાઇનું ગદ્ય જુદું તરી આવે છે. પ્રીતિ સેનગુપ્‍તા મોટેભાગે પ્રકૃતિવર્ણનોમાં સંસ્‍કૃત તત્‍સમશબ્‍દોની સાથે બંગાળી ભાષાના અલંકૃત શબ્‍દો વાપરવાનો તેમને મોહ છે. નવા સમાસો રચી દેવાની શકિત ભોળાભાઇનો વિશેષ છે, તો અંગ્રેજી અને અન્‍ય ભાષાના શબ્‍દોના ગુજરાતી પર્યાયો ઘડવા તે પ્રીતિ સેનગુપ્‍તાની વિશેષતા છે. તત્‍સમ્ શબ્‍દોનું પ્રાચુર્ય બન્‍ને સર્જકોમાં ઊડીને આંખે વળગે એવું છે.

પ્રીતિ સેનગુપ્‍તાના પ્રવાસવર્ણનમાં કલ્‍પના વિહાર ઓછો અને વિગતસભર વર્ણનો વિશેષ હોવાથી બહુ ઓછા અલંકારો યોજાયા છે. તો ભોળાભાઇ પટેલના ગદ્યમાં પણ અલંકારોનો ખૂબ ઓછો ઉપયોગ થયો હોય છે. માય ડિયર જયુ યથાર્થ નોંધે છે. ‘‘સુરેશ જોષીનું ગદ્ય શબ્‍દથી, કલ્‍પનથી શોભે છે, તો ભોળાભાઇનું ગદ્ય ‘વાકય’માં વિલસે છે, ‘વાકય’થી વિલસે છે અને ‘દર્શન’ને ‘વર્ણન’માં રૂપાન્‍તરે છે. ભોળાભાઇ વાકયવિધાનના કવિ છે.’૫ ભોળાભાઇ પટેલ અને પ્રીતિ સેનગુપ્‍તાનું પ્રવાસસાહિત્‍ય મર્યાદાથી મુકત નથી. ભોળાભાઇના પ્રવાસનિબંધોમાં ઘણીવાર પુનરાવર્તન જોવા મળે છે, નાવીન્‍યનું સાતત્‍ય જળવાતું નથી. તો પ્રીતિ સેનગુપ્‍તામાં વિષય વૈવિધ્‍ય વિપુલ છે પણ દર્શનની વ્‍યકિતમત્તા કે વર્ણનની ભાષાસજજતાની ઊણપ અને કચાશ વરતાય છે. અલબત્ત, ગુજરાતી પ્રવાસસાહિત્‍યના વિકાસમાં સિમાચિહન ગણાતા ગણ્‍યાગાંઠયા આગવા પ્રવાસલેખકોમાં ભોળાભાઇ પટેલ અને પ્રીતિ સેનગુપ્‍તાની ગણના અવશ્‍ય થતી રહેશે, એ નિ:શંક છે.

પાદટીપ :::

૧. ‘વિદિશા’- ભોળાભાઇ પટેલ, પૃષ્‍ઠ : ૨૨૫
૨. ‘સૂરજ સંગે દક્ષિણ પંથે’- પ્રીતિ સેનગુપ્‍તા, પૃષ્‍ઠ : ૨૪૯
૩. ‘ગુજરાતી લલિત નિબંધ’- પ્રવીણ દરજી, પૃષ્‍ઠ : ૧૭
૪. ‘ભોળાભાઇ પટેલ : સર્જક અને વિવેચક’- સંપા- રઘુવીર ચૌધરી અને અન્‍ય, પૃષ્‍ઠ : ૧૮૧
૫. ‘પરબ’ વર્ષ : મે, ૧૯૯૧ પૃષ્‍ઠ : ૭૮

*************************************************** 

ડૉ. બિપિન ચૌધરી
‘સમીપ’ ૨૭, અંકુર સોસાયટી,ગોલ્‍ડનપાર્ક પાસે,
એગોલા રોડ, પાલનપુર,જી.બ.કાં.
મો.૯૮૨૮૧૬૮૭૯૭

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us