logo

પાયાના (પ્રાથમિક) શિક્ષણમાં ગ્રામ્ય શિક્ષણ સમિતિ

પ્રસ્તાવનાઃ

શિક્ષણએ સહિયારું સાહસ છે. તેના વિકાસમાં સરકાર તેમજ પ્રજાતંત્ર બંનેનો સહયોગ જરૂરી છે. બંને જો ખભેખભા મિલાવીને કાર્ય કરે તો પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણના સ્વપ્નને જરૂર સાકાર કરી શકાય. ગુજરાત રાજયમાં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણ માટે સરકાર અને પ્રજાતંત્ર સાથે મળીને કાર્ય કરી આ ઉમદા હેતુની પૂર્તિ કરી શકે તેમ છે.

ઈ.સ. ૧૯૮૬ની રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને ૧૯૯રનો કામગીરી કાર્યક્રમ બંનેમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિના પ.૧ર ફકરામાં આપેલો ઠરાવ કે ‘‘ર૧મી સદીમાં આપણે પ્રવેશીએ એ પહેલાં ૧૪ વર્ષ સુધીની વય ધરાવતાં તમામ બાળકોને સંતોષકારક ગુણવત્તાવાળું શિક્ષણ વિના મૂલ્યે અને ફરજિયાતપણે પૂરું પાડવું.’’ ભારતના ભાવિને તૈયાર કરવા તેનો પાયો એટલે કે પ્રાથમિક શિક્ષણ સઘન બનાવવું જરૂરી છે. સરકારના સઘન અને સતત પ્રયત્નો છતાં આજે પણ આ ધ્યેય પૂર્ણ કરી શકાયો નથી. પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે ફક્ત સાધન પૂરતા નથી પણ સાધનોને પૂરક બનાવવા માટે રાષ્ટ્રીય અનુભવો પર આધારિત પગલાં લેવા પણ જરૂરી છે. આથી રાષ્ટ્રીય અનુભવો પર આધારિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમને ડિસેમ્બર ૧૯૯૩માં મંત્રીમંડળે સૈદ્બાંતિક મંજૂરી આપી અને જાન્યુઆરી ૧૯૯૪માં આયોજન પંચે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમને (ડીપીઇપી) કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે સ્વીકારવામાં આવી. આ યોજના નેધરલેન્ડ વલ્ડબૅંક અને ઈડાના સંયુક્ત ઉપક્રમે અમલમાં આવેલ છે.

પ્રાથમિક શિક્ષણની અસરકારકતા વધારવા માટે તેમજ ગુણવત્તા સુધારવાના નવીન અભિગમોના અમલીકરણની અનિવાર્યતા ઊભી થવાનાં પાયાનાં કારણો તપાસીએ તો વિવિધ કારણો કે પરિબળો તરીકે ગ્રામ્ય સ્તરે કામ કરતી પ્રાથમિક શાળા અને અન્ય સ્થાનિક સંસ્થાઓ વચ્ચે યોગ્ય સંકલનનો અભાવ જોવા મળે છે. કારણ કે, યોગ્ય સંકલનના અભાવે ગામની સ્થાનિક સંસ્થાઓનો સહયોગ શાળાને મળી શકતો નથી. આ માટે જ શાળા અને ગ્રામ્ય સ્તરે કામ કરતી સંસ્થાઓ વચ્ચેના સંબંધો ગાઢ, ઘનિષ્ઠ બને તેવા પ્રયત્નો કરવાનો સમય હવે પાકી ગયો છે. શિક્ષકોએ અવારનવાર ગ્રામ સંસ્થાઓની મુલાકાત લેવી જોઈએ તેમજ શાળાની શૈક્ષણિક પ્રવૃતિઓમાં ગામની સ્થાનિક સંસ્થાઓના હોદ્દેદારોને સહભાગી બનાવી તેમનો સહયોગ મેળવવો જરૂરી બને છે. પ્રાથમિક શિક્ષણને સહાયક અને પોષક મંડળો રચવાં જેમાં ગ્રામ્ય શિક્ષણ સમિતિનો સમાવેશ થાય છે. જે ગ્રામ્યસ્તરે કામ કરતી પ્રાથમિક શાળા અને અન્ય સ્થાનિક સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી શિક્ષણના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે તેમ છે.

ગ્રામ્ય શિક્ષણ સમિતિની સંકલ્પનાઃ

ગ્રામ્ય શિક્ષણ સમિતિએ ગ્રામ્ય કક્ષાએ એક એવી વ્યવસ્થા છે કે જે તે ગામનાં પ્રાથમિક શિક્ષણની જરૂરિયાતો, વ્યવસ્થા, સમસ્યાઓ, અપેક્ષાઓને શોધી તેનો વિચાર-વિમર્શ કરી ઉચિત આયોજન કરે છે. જેમાં છોકરા-છોકરીઓનું શાળામાં નામાંકન કરાવવું, નિયમિતપણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાં સુધી સ્થાયીકરણ કરવું તેમજ ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણનું સ્તર ઉપર લઈ જવામાં સતત પ્રવૃત અને જાગૃત રહેવું. વગેરેનો સમાવેશ થાય છે.પરિણામે શાળા બહારના વિદ્યાર્થીઓ આજે જે જોવા મળે છે તે સ્થિતિમાં બદલાવ લાવી શકાય.

પ્રાથમિક શિક્ષણના વિકાસ અર્થે ગ્રામ્ય શિક્ષણ સમિતિની ભૂમિકાઃ

  • ગામની શાળામાં અભ્યાસ કરવા યોગ્ય ૬ થી ૧૪ વર્ષની વયના બાળકોની માહિતી એકત્ર કરવી.
  • ગામના શાળામાં પ્રવેશ યોગ્ય બાળકોનું નામાંકન કરાવવાની કામગીરીમાં શિક્ષકોને મદદરૂપ થવું તેમજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાવું.
  • ૩ થી પ વર્ષની વયજૂથના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે આંગણવાડી, બાલમંદિર, ચાઈલ્ડ રીસોર્સ સેન્ટરમાં દાખલ કરાવવાં.
  • ગામની શૈક્ષણિક સંસ્થાઓ પર દેખરેખ રાખવી. તેમજ ગ્રામપંચાયત દ્ધારા સરકારી સહાય મેળવવા પ્રયત્નો કરવા.
  • ગામની શૈક્ષણિક સંસ્થાઓની સમસ્યાઓ જાણી તેને હલ કરવા પ્રયત્નો કરવા.
  • ગામના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ, લઘુમતી અને વિમુક્ત અને વિચરતી જાતિના બાળકો શાળામાં આવતા થાય અને પૂર્ણ પ્રાથમિક શિક્ષણ સુધી શાળામાં ટકી રહે તેવી વ્યવસ્થા કરવી.
  • શાળામાં કન્યાઓની સંખ્યા વધે તે માટે વાલીઓને તત્પર કરવા તેમને જરૂરી માર્ગદશન આપવું.
  • ગામની સ્થાનિક સંસ્થાઓ વચ્ચે પરસ્પર સંકલન વધે તેવા પ્રયત્નો કરવા. જેથી આવી સંસ્થાઓ શાળાની ભૌતિક સમસ્યાઓ હલ કરવામાં સહાયરૂપ નીવડે.
  • શાળામાં પુસ્તકાલય પ્રવૃત્તિ વિકસાવવી. ગામના શારીરિક રીતે વિકલાંગ બાળકોને તેમની અનુકૂળ સંસ્થાઓમાં દાખલ કરાવવા વાલીઓને માર્ગદર્શન આપવું.
  • શાળામાં યોજાતી વિવિધ જીવનલક્ષી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં હાજરી આપી સહકાર અને માર્ગદર્શન આપવું.
  • શાળાના શિક્ષકો શિક્ષકો વચ્ચે ભાઈચારાની ભાવના કેળવાય, વૈમનસ્ય ઊભું ન થાય તથા ચારરિત્ર્યખંડન અને નૈતિક અધઃપતન ન થાય તેમજ હડતાલ કે આંદોલનોનો ભોગ શાળા ન બને તે જોવું.
  • સમાજમાં વિચરતી અને વિમુક્ત જાતિનાં બાળકોને મા-બાપ સાથે કામ અર્થે સ્થળાંતર કરવું પડતું હોય છે. તેથી આવાં સ્થળાંતરીત બાળકોના શિક્ષણના પ્રશ્નો ઊભા થાય છે. આવાં બાળકોને નજીકની તે જાતિની આશ્રમ શાળા કે છાત્રાલયમાં દાખલ કરવા.
  • શાળામાં વર્ષમાં બે વખત બાળકોની દાક્તરી તપાસ થાય તેવું આયોજન અને અમલીકરણ કરવું.
  • વાલી શિક્ષક મંડળ અને માતૃ શિક્ષક મંડળનો રચનાત્મક સહકાર મેળવવા પ્રયાસ કરવો.
  • બાળકોને શાળામાં આવવું ગમે, શાળામાં રોકાવું ગમે તે માટે શાળામાં મુક્ત અને ઉત્સાહપ્રેરક વાતાવરણનું નિર્માણ કરવું.
  • શાળાની ભૌતિક જરૂરિયાતો જેવી કે મકાન, વર્ગખંડ, ફર્નિચર, પીવાના પાણીની વ્યવસ્થા, જાજરૂ, મુતરડી, વરંડો, બાગ, શાળાની શૈક્ષણિક સુવિધાઓ જેવી કે ચાર્ટ, દશ્ય-શ્રાવ્ય સાધનો, સ્થાનિક લોકસહયોગ અને સ્થાનિક સંસ્થાઓનો સહયોગ મેળવી શાળાને પૂરાં પાડવા પ્રયત્ત્નો કરવાં.
  • શાળામાંથી અભ્યાસ છોડી દેતાં બાળકોમાં કઈ કોમ અને જાતિનાં બાળકો વિશેષ છે, તેની નોંધ રાખી તેનાં કારણો જાણી તેના ઉપાયો વિચારવા.
  • સતત ગેરહાજર રહેતાં બાળકો, અનિયમિત બાળકો તથા અભ્યાસમાં નબળાં બાળકોની માહિતીનું એકત્રીકરણ કરી વાલીઓને જાણ કરવી અને યોગ્ય સૂચનો કરવાં.
  • ગામની શાળાની ગુણવત્તા સુધરે અને શાળા પ્રગતિ અને વિકાસને પંથે અગ્રેસર બને તેવા પ્રયત્નો કરવાં.
  • ગ્રામ / શાળા સફાઈનું વિશેષ ધ્યાન રાખવા માટે સમિતિ બનાવી આયોજન કરવું.
  • ખાસ કન્યાઓને શાળાએ મોકલવા માટે તેમજ વાતાવરણના નિર્માણ માટે રેલીઓ કાઢવી, શાળાઓ દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવું, મશાલ સરઘસનું આયોજન કરવું.
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમના ઉદ્દેશોના પ્રચાર-પ્રસાર માટે શેરી નાટકો, ભવાઈ, ડાયરાનું આયોજન કરવું.
  • ગામના સ્થાનિક કલાકારો દ્વારા, વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા, યુવાનો-યુવતીઓ દ્વારા, સ્થાનિક મંડળો દ્વારા, સ્થાનિક લોકબોલીમાં ગીતો-નાટકો તૈયાર કરાવીને તેની રજૂઆત કરાવવી.
  • પોસ્ટર, ગીતો, નારાઓ, વાર્તાઓ, ચલચિત્રો દ્વારા કન્યા કેળવણીના મહત્ત્વને સમજાવવું.
  • કન્યા કેળવણી અંગેનો અંધવિશ્વાસ, પૂર્વગ્રહો, વહેમોને દૂર કરવાં. પુત્રના શિક્ષણ કરતાં પણ પુત્રીને શિક્ષણ આપવું ખુબ જ જરૂરી છે. તે વાત કન્યાના મા-બાપને સમજાવવી. છોકરા-છોકરીની સંયુક્ત રમતો, નાટકો દ્વારા ઉદાહરણ આપીને એ સમજાવવું કે છોકરીઓ પણ તમારા સપનાઓ પૂરા કરી શકે છે તમારું નામ રોશન કરી શકે છે.
  • સ્થાનિક કલાકારો દ્વારા લોકડાયરો, ભવાઈ, નાટકોનું આયોજન કરાવડાવવું. જે માતા-પિતા પોતાની દિકરીઓને શાળામાં મોકલતાં નથી તેમની રૂબરૂ વ્યક્તિગત મુલાકાત લઈને કન્યા કેળવણીને મહત્ત્વ આપવું.
  • સ્થાનિક મેળાવડાઓમાં-બાલમેળાઓમાં, હાટમાં, પ્રદર્શનોમાં શિક્ષણને લગતા સ્ટોલ રાખીને ઓડીયો-વિડીયો કેસેટનું પ્રદર્શન-પ્રસારણ કરતાં સાહિત્યનું વિતરણ કરવું.
  • શાળાઓ - શાળાઓ વચ્ચે હરીફાઈનું આયોજન કરવું. ‘‘શાળાએ ચાલો’’ અભિયાન ચલાવવું.
  • વિશિષ્ટ રીતે ‘‘પ્રવેશોત્સવ’’ નું આયોજન કરવું-ઉજવણી કરવી. કન્યાઓના શાળા-પ્રવેશ માટે ખાસ બેચ શરૂ કરવી.
  • શાળાઓના જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવું અને વિજેતાઓને ઈનામ આપવાં. વાલીઓ-શિક્ષકોની સંયુક્ત બેઠકોનું આયોજન કરવું.
  • રાષ્ટ્રીય પર્વોની ઉજવણી-તહેવારો પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી પ્રતિભાશાળી બાળકોને સમાજ દ્વારા, જનસમુદાય દ્વારા સન્માનિત કરાવવાં.
  • રમતગમતની સ્પર્ધાઓ રાખી વિજેતાઓને ઈનામો આપવાં. કન્યા પ્રવેશમાં પ્રથમ આવનાર શાળા-ગ્રામ્ય શિક્ષણસમિતિ, માતા શિક્ષક મંડળને પુરસ્કાર આપવાં.
  • નામાંકન-સ્થાયીકરણ માટે શાળાઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન વિજેતા શાળાઓને પુરસ્કાર આપવાં. શૈક્ષણિક સાધનો બનાવવાની હરીફાઈ રાખવી.
  • આંતરરાષ્ટ્રીય દિવસોની ઉજવણી કરવી. દિવાલો પર સૂત્રો લખવા. સુંદર લેખન સ્પર્ધા, શ્રેષ્ઠ વાંચન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવું.
  • કન્યા કેળવણીને લગતાં ચલચિત્રો, વીડિયો કેસેટો બનાવવી.

ગ્રામ શિક્ષણ સમિતિ પોતાના ગામમાં પ્રાથમિક શિક્ષણનાં પ્રચાર-પ્રસાર અને સુધારણા માટે જનસમુદાયની ભાગીદારી માટે તેમાં પણ ખાસ કરીને કન્યા કેળવણીમાટે યોગ્ય વાતાવરણનું નિર્માણ કરવામાં પોતાનો મહત્ત્વનો ફાળો આપે છે. આમ, શાળાના બાળકોની સવલતો સંબંધી જરૂરિયાતો પૂર્ણ કરવામાં ગામના સુખી અને સમૃદ્ધ વાલીઓ તેમજ ગામની સ્થાનિક સંસ્થાઓ પૂરતો સહયોગ આપી શકે તેમ છે, પરંતુ ક્યારેક તેઓ આ વાતથી અજાણ હોય છે.

ઉપસંહારઃ

ગ્રામ્ય શિક્ષણ સમિતિ શાળા માટે સમાજના નાગરિકો અને ગામની સ્થાનિક સંસ્થાઓનું સંકલન, સંગઠન બનાવી શાળાને ક્યાં, કેવી રીતે મદદરૂપ બનવું તેનું આયોજન કરી શાળાને ઉપરોક્ત સમસ્યાઓ હલ કરવામાં સહાયરૂપ બની શકે તેમ છે. ગામના નાગરિકે અને સ્થાનિક સંસ્થાઓના હોદ્દેદારોએ શાળાની અવાર-નવાર મુલાકાત લઈ શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરી શાળામાં બાળકો માટે કઈ કઈ સવલતોની જરૂરિયાત છે તેની યાદી બનાવવામાં આવે તો શાળાના બાળકોની સવલતો સંબંધી જરૂરિયાતો પૂર્ણ કરવામાં ગામના સુખી અને સમૃદ્ધ વાલીઓ તેમજ ગામની સ્થાનિક સંસ્થાઓ પૂરતો સહયોગ આપી શકે તેમ છે.
આમ, પ્રાથમિક શિક્ષણના વિકાસમાં ગ્રામ્યશિક્ષણ સમિતિ પોતાનું અમૂલ્ય પ્રદાન કરે છે. તે સરકાર તેમજ પ્રજાતંત્રને સાંકળવાનું કાર્ય કરીને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે કટિબદ્ધ બને છે. પરિણામે શાળા બહારના વિદ્યાર્થીઓ આજે જે જોવા મળે છે તે સ્થિતિમાં બદલાવ લાવી શકાય.

*************************************************** 

ડૉ.જગદીશભાઈ આર.મહિડા
એસ.યુ.જી.કૉલેજ ઓફ એજયુકેશન,
વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us