logo

‘મહિલા ઉન્નતિ’

૮ માર્ચે વિશ્વભરમાં ‘મહિલા દિવસ’ ઊજવાય છે.પાશ્ચાત્ય સંસ્ક્રૃતિના અન્ય અનુકરણની જેમ આપણે પણ મહિલા દિવસની ઊજવણી કરીએ છીએ. મેં પણ અહી મહિલાના જીવનની ઉન્નતિ-અવગતિની ચર્ચા-ચિંતનનો પ્રયાસ કર્યો છે.

‘સ્ત્રી દેવી છે,માતા છે, દુહિતા છે, ભગિની છે,પ્રેયસી છે, ‘સ્ત્રી પત્ની છે,‘સ્ત્રી ત્યાગમૂર્તિ છે, અબળા-સબળાછે, શક્તિ છે, નારાયણી છે, નરકની ખાણ છે, પ્રેરણામૂર્તિ છે, રહસ્યમયી છે, દયાળુ, માયાળુ નેપ્રેમાળ છે. સહનશીલ છે. લાગણીપ્રધાન છે. ડાકણ, ચૂડેલ ને પૂતના છે.સ્ત્રી કુબ્જા,મંથરા છે.સ્ત્રી સીતા ને સાવિત્રી છે.‘સ્ત્રી...‘સ્ત્રી...સિવાય બધું જ છે.’ ‘સ્ત્રીની આગવી ઓળખ પુરુષ પ્રધાન સમાજે બનાવી છે,પણ ‘સ્ત્રી શું નથી કરી શકતી ?આ પ્રશ્નાર્થને જવાબમાં દર્શાવવો છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન સમયાનુસાર બદલાતું રહ્યું છે, ધર્માંશાસ્ત્રોએ નારીને ક્યાંક બહુમાન આપ્યું છે; તો ક્યાંક તેને નિરાધાર પણ દર્શાવી છે.

‘નારી તું નારાયણી’માં નારીને આદ્યશક્તિ રૂપે, માતૃશક્તિ રૂપે નવાજી છે. અને સાથો-સાથ આજની વરવી વાસ્તવિકતા પ્રત્યે આક્રોશ પણ છે. ‘આજે સ્ત્રી ઉત્કર્ષની વાતો અગાઉ ક્યારેય નહીં થઇ હોય એટલી હો-હા થઇ રહી છે’ તો બીજી બાજુ નારી પોતાની સ્વાધીનતાના પોકારો કરતી, પુરુષોની પરાવલંબી બનતી જાય છે..... કાં તો એ પુરુષોની ગુલામ છે. કાં તો એ પુરુષોને રીજવતી નારી છે.... પોતાનું ઉન્નત સ્થાન ગુમાવીને તે મનોરંજનનું રમકડું બનતી જાય છે. પણ માનવ જાતમાં સમષ્ટિગત કરુણા અને સ્નેહનું સિંચન કરવાની શક્તિ નારી સિવાય બીજા કોઈમાં નથી..... નારીએ જ પુરુષનીસંસ્કૃતિનું સર્જનને પોષણ કર્યું છે. પણ તે પુરુષ સમોવડી બનીને નહીં પણ સહધર્મચારિણી બનીને.ધર્મ અને ભક્તિના ક્ષેત્રોમાં તો પુરુષ કરતાં સ્ત્રીનું સ્થાન સવિશેષ હતું. એટલે જ સ્વર્ગલોકમાં દેવો કરતાં દેવીઓની સંખ્યા અનેક ગણી છે.

સ્ત્રી સમાનતા જરૂર મેળવે, પોતાનું સ્થાન, પોતાનો મહિમા વિસર્યા વિના. નારી નારાયણી બનીને જ એ સ્થાન સાચવી શકશે. રવિન્દ્રનાથ ટાગોર માને છે ’સ્ત્રી એટલે સૃષ્ટિની સર્વોત્તમ કૃતિ. સ્ત્રી સમાજની નિર્માત્રી છે. મનુષ્યની ધારક, રક્ષક અને પોષક ત્રણેની ભૂમિકામાં સ્ત્રી જ છે. વિનય,વિવેક અને વિનમ્રતા- સ્ત્રીના સ્વભાવમાં જ છે.જે ઘરની લક્ષ્મી,કૂળની શાન અને કુટુંબનો પ્રાણ છે.’ જો કે સ્ત્રીના વાસ્તવ જીવન પર નજર કરીએ તો કંઈક જુદું જ છે.

આપણે હવે સતીપ્રથાને નાબૂદ કરી દીધી, પણ આ શું છે ? પહેલાં તો પતિ મરતા ત્યારે સ્ત્રીને પતિની ચિતા સાથે બાળી મુકવામાં આવતી,પરંતુ આજે તો પતિના જીવતે જીવ અનેક સ્ત્રીઓ દહેજની હોળીની આગમાં ભડકે બળે છે.આ ગોઝારી હત્યાઓ સતીપ્રથા કરતાંય વધારે ભયંકર છે. મને લાગે છે કે હત્યાના પ્રકારો ભલે બદલાયા હોય, સ્ત્રીની હત્યા તો અત્યારે પણ એવી ને આવી ચાલુ જ છે. પહેલાના જમાનામાં દીકરીને દૂધપીતી કરવામાં આવતી,આજે તો ગર્ભપરીક્ષણની મદદથી તેને ગર્ભમાં જ તેને મારી નાખવામાં આવે છે. વૈજ્ઞાનિક શોધનો આવો પિશાચી ઉપયોગ ચોતરફથી થઇ રહ્યો છે.

જીવંત સ્ત્રીઓ પરના અત્યાચારોમાં સતત વૃદ્ધિ થતી જાય છે. કેન્દ્ર સરકાર અને માનવ અધિકાર આયોગના ર૦૧૦ના રિપોર્ટ મુજબ ભારતમાં છેલ્લા ચાલીસ વર્ષમાં બળાત્કારની ઘટનાઓમાં ૭૯૨નો વધારો થયો છે. અભદ્ર વાણી-વર્તન,મારઝૂડ,બળાત્કાર, મજબૂરીને લીધે વેશ્યાગીરી કે પછી આપધાત કે હત્યા જેવી દુર્ઘટનાઓમાં ‘નારી તું નારાયણી’બનવાનું તો બાજુ પર, પણ તેના અસ્તિત્વ સામે જ ખતરો છે.હજુ આજે પણ લાખો સ્ત્રીઓ માટે સ્ત્રી હોવું જ એક સમસ્યા છે.

સમાજ માટે સ્ત્રી એક વ્યક્તિ નહી, વસ્તુ છે,બજારની વસ્તુ છે.આજે સ્ત્રીનું દેહ-લાલિત્ય ચારેકોર લિલામ થઇ રહ્યું છે.જ્યાં જૂઓ ત્યાં સ્ત્રી-દેહનું જ પ્રદશન ! દુકાનોના શોક્સ,જાહેરાતો કે સિનેમાના પોસ્ટરોમાં સ્ત્રીના દેહ આડો-અવળો,કઢંગી હાલતમાં નિલજ્જતાથઇ દેખાડ્યા વિના તો જાણે આ દુનિયામાં કોઈ ચીજ વેચાતી જ નથી. સ્ત્રી તરીકે,જાગૃત નાગરિક તરીકે પણ તેનો જોરદાર વિરોધ કરવો જોઈએ. બીજી બાજુ,ઇતિહાસ પણ નારી શક્તિની સાક્ષી પૂરે છે.મહાસતી અનસુર્યાએ પોતાના તપોબળથી જ ત્રિદેવનેબાળક બનાવી પારણાંમાં પોઢાડી દીધા હતા,સતી પાર્વતીએ પોતાના પતિના અપમાન સામે યોગબળથી અગ્નિ પ્રગટાવી વિલોપન કર્યું કે સતી સાવિત્રી યમરાજને જીતીને પોતાના પતિને સજીવન કરી શકી હતી. આટલી ઊંચી શક્તિ કુદરતે નારીમાં મૂકી છે. આ સ્ત્રી શક્તિને ઓળખી પુરુષ જો એમાં સહભાગી બને તો પુરુષનું પુરુષત્વ અને સ્ત્રીનું સ્ત્રીત્વ પૂર્ણ બને.

સ્ત્રી જન્મે દુર્બળ નહોતી,પરંતુ પુરુષપ્રધાન સમાજે એના માટે ઘડી રાખેલાં આદર્શો,રૂઢિઓએ એને દુર્બળ બનાવી દીધી છે.તેની ફરતે આદર્શોની એવી જાળ ગૂંથવામાં આવી કે સ્ત્રીરાજીખુશીથી એ જાળમાં ફસાતી ગઈ.જયારે સ્ત્રીને શિક્ષણ દ્વારા નવજાગૃતિ મળી. તેમજ પશ્ચિમી સભ્યતા, સંસ્કૃતિના પ્રભાવે નારીના અસ્તિત્વ ને એક નવી દિશા મળી.સ્વતંત્ર નિણય લેવાની તક મળી છે. ‘સ્ત્રી એવ્યક્તિ છે.તે કોઈ દયાનું પાત્ર નથી. વ્યક્તિ તરીકે સ્વતંત્ર રીતે વિચારવાનો, રહેવાનો અને જીવવાનો તેને અધિકાર છે.તેના વ્યક્તિત્વને કચડવાનો કે દાબવાનો કોઈને અધિકાર નથી. તે પણ ભારતની એક સ્વતંત્ર નાગરિક છે.’આ વિધાનકોઈ આજકાલની નારીવાદી મહિલાના નથી. પરંતુ આજનાં ગુજરાતનાં જાણીતા સામાજિક કાર્યકર પુષ્પાબહેન મહેતાએ ઉચ્ચારેલા શબ્દો છે.

નારીએ સતત પોતાના વિકાસમાર્ગની અડચણોને દૂર કરી આગળ વધી રહી છે. જુદાંજુદાં ક્ષેત્રે સ્ત્રીએ સિદ્ધિઓ સર કરી છે.આઝાદીની ચળવળમાં માદામ કામા, સરોજિની નાયડુ,કસ્તુરબા વગેરે,રાજકારણમાં ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી,રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ,લોકસભા સ્પીકર મીરાંકુમાર વગેરે,સાહિત્ય ક્ષેત્રે મહાશ્વેતાદેવી,આશાપૂર્ણા દેવી,અરુંધતી રોય વગેરે, અભિનય ક્ષેત્રેઐશ્વર્યા રાય,પ્રિયંકા ચોપરા, વિધા બાલનવગેરે,સંગીત ક્ષેત્રે લતા મંગેશકર,આશા ભોસલે,શ્રેયા ગોસાલ વગેરે,વ્યવસાય ક્ષેત્રેઇન્દ્રા નૂઈ, કિરણ મજમુદાર,ચંદા કોચર, જેવી અનેક મહિલાઓએ અનેક ક્ષેત્રોને સફળતાથી સર કરી સ્ત્રીએ પોતાની અપાર શક્તિનો પરિચય કરાવી દીધો છે.

મહિલાઓની સફળતાને આંકડામાં જોઈએ તો વિશ્વના ૨૦ ટકા અને એશિયામાં ૨૬ ટકાથી વધારે વ્યવસાય મહિલાઓના નિયંત્રણ હેઠળ છે.દેશમાં આશરે ૭૦૨ અબજ રૂપિયાથી વધારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉધોગ મોટા પાયે બહેનો જ સંભાળી રહી છે.ઝડપથી વધી રહેલા ઈલેક્ટ્રોનિક ઉધોગમાં સર્કીટ આધારિત એસેમ્બલી લાઈનનો જયારે વિકાસ થયો તો એમાં પુરુષોના ભારે હાથની જગ્યાએ મહિલાઓની પ્રતિભા વધુ કારંગત સાબિત થઇ હતી. આજે ઇન્ડિયન સોફ્ટવેર કંપનીઓમાં ૧/૩ મહિલા કર્મચારી છે. ઇલેક્ટ્રોનિક,કોમ્યુનિકેશન,કમ્પ્યુટર સાયન્સ વગેરેમાં પણ વધુ મહિલા કર્મચારીઓ છે.

આજે એશિયાની શક્તિશાળી બિઝનેસ વુમનની યાદીમાં બિઝનેસવુમેનની યાદીમાં બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર વિનીતા બાલી, એચ ટી મીડિયાના ચેરમેન એન્ડ ડિરેક્ટર શોભાના ભરતિયા, એક્સિસ બેંકના સી.ઈ.ઓ. અને મેનેજીંગ શીખા શર્મા, ટ્રેકટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટના ચેરમેન મલ્લિકા શ્રીવિનસ વગેરેનો સમાવેશ થાય છે. આ યાદીમાં ૩૬ વર્ષની એકતા કપૂર સૌથી યુવા બિઝનેસ વુમન છે. ફોર્બ્સ મેગેઝીનના ‘એશિયા પાવર બિઝનેસ વુમનની યાદીમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના સી.ઈ.ઓ. અને એમ.ડી.ચંદા કોચર, બાયોકોન સ્થાપક કિરણ મઝુમદાર તેમજ ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર સહિત નવ ભારતીય મહિલાનો સમાવેશ થાય છે.દેશોના અર્થતંત્રમાં મહિલાઓની ભૂમિકા વધીરહી હોવા છતાં હજુએ કેટલાક નોધપાત્ર અવરોધોને પાર કરવાના છે.તેની યાદીમાં ૫૦ મહિલાઓની બિઝનેસના સફળતામાં મૂડી વિચારશક્તિ,ઊર્જા અને નેતાગીરીના ગુણોનો સમન્વય છે.

ભારતીય નારી ઘરથી માંડીને સંસદગૃહના દરેક ક્ષેત્રમાં તેની કાર્યદક્ષતા સફળતાથી બતાવી રહી છે.ઘૂમટામાં રહેતી બહેનો, મજૂરી કરતી બહેનો પણ એટલી ઉત્સુક છે કે મોબાઈલ,કમ્પ્યુટર-ઈન્ટરનેટથી દેશ-વિદેશની માહિતી મેળવી રહી છે.સ્ત્રી જયારે પોતાની આગવી સૂઝથી દરેક કાર્યમાં આગળ વધી રહી છે ત્યારે આજના પુરુષ વર્ગને તેની ચિંતા એટલા માટે થાય છે કે તે પુરુષ સમોવડી બનીને પુરુષને નીચા પાડશે ? સ્ત્રીવિશેની માન્યતાઓનો તીવ્ર વિરોધ અને આક્રોશને મેં અહીં મારી રીતે રજૂ કર્યો છે. ઉદા:જો સ્ત્રી વેશ્યા હોય તો તેની પાસે જનારા પુરુષને કોઈ નામ આપો. પુરુષનું મંગળ ઈચ્છતી સ્ત્રી તેના નામનું મંગલસૂત્ર ગળે વિંટાળતી હોય તો,સ્ત્રીનું મંગલ ઇચ્છતા પુરુષના ગળામાં કયું સૂત્ર શોભે ?

મહર્ષિ યોગી અરવિંદ ૨૦મી સદીને ‘માતૃશતાબ્દી’ તરીકે ઓળખાવે છે.વિશ્વ ૮, માર્ચને ‘મહિલાદિવસ’ તરીકે ઊજવે છે.સ્વસ્થ સમાજ માટે એટલું તો ચોક્કસ કહીશ ‘જો પુરુષો સ્ત્રીના બંધનોતોડી નાખે અને તેની પાસેથી એક ગુલામીવાળી આજ્ઞાંકિતતાને બદલે બૌદ્ધિક સાહચર્યની અપેક્ષા રાખે તો તેમને વધુ આજ્ઞાકારી પુત્રી, વધુ પ્રેમાળ ભગિની,વધુ નિષ્ઠાવાન પત્ની અને વધુ સમજુ માતા મળશે .....’

બહેનોને પણ વિનંતી કે સ્વ પ્રત્યે જાગૃત બનો. પોતાના ગૌરવની રક્ષા કરો,લક્ષ્મીબાઈ જેવી વીરતા દેખાડો,લોપામુદ્રા જેમ નવજાગૃતિના મંત્રો સજો,પીડિતોનાં દુઃખ દૂર કરવામાં જોડાવ,ભગિની- નિવેદિતાની જેમ સમાજનું નવસર્જન કરો. ભારતમાં સ્વર્ગનું સુખ લાવો, તમારી શક્તિ રાષ્ટ્રને આપો.

જય .... જય ....ગરવી ગુજરાત ....
વંદે માતરમ્

*************************************************** 

ડૉ.મરીના એ.ચૌહાણ
અધ્યક્ષ,ગુજરાતી વિભાગ
આટર્સ કોલેજ, મોડાસા

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us