logo

“અપના કિસાન મોલનો ખેડૂતોના વિકાસમાં ફાળો”


પ્રસ્તાવના:

ભારત એ ખેતી પ્રધાન દેશ છે. ભારતના 52% લોકો ખેતી આધારિત જીવે છે, છતાં ભારતમાં દેશની કુલ જીડીપીમાં ખેતી આધારિત વસ્તુઓનો હિસ્સો માત્ર 22% થી 25% નો જ છે. ખેડૂતોની હાલત દીનબદીન કથળતી જાય છે એટલું જ નહીં હજારો ખેડૂતો દર વર્ષે આત્મહત્યા કરે છે. ખેડૂતોને પોતાની ઉત્પાદીત વસ્તુઓનો સાચો ભાવ મળતો નથી. ખેતી માટે જરૂરી ઈનપુટ પણ સાચું અને વ્યાજબી ભાવે મળતું નથી. પરંપરાગત કૃષિથી આગળ વધીને મૂલ્ય વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત થયું તેના કારણે હાઈટેક કૃષિ, ખેત પેદાશો અને ખાદ્ય સંસ્કરણ, ડેરી ઉદ્યોગ તથા ખેત પેદાશને લગતી અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ માટે નવી તકો ઊભી થઈ શકી છે. આવા સંજોગોમાં ખેડૂતોને તેમની ઉપજના વળતરદાયી ભાવ મળી રહે તેની ખાતરી રાખવી જ રહી. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહેશે તો જ તેઓ આધુનિક ટેકનોલોજીને અપનાવવા માટે પ્રોત્સાહિત થશે. જેમ કે બજારમાં બિયારણ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર તેમજ પશુ આહારના ભાવોમાં થતાં કાળા બજારથી ખેડૂતો તેનો ભોગ બને છે. આ શોષણને અટકાવવા માટે ‘અપના કિસાન મોલ’ નામનો નવીન અભિગમ મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે.

‘અપના કિસાન મોલ’:

ગુજરાત રાજ્યમાં મહાગુજરાત એગ્રીકોટન પ્રોડ્યસર કંપની લિમિટેડે સૌપ્રથમ ‘અપના કિસાન મોલ’ ની જુલાઈ 2009માં અમરેલી ખાતે શરૂઆત કરી હતી. હાલમાં ગુજરાત રાજ્યમાં 230 જેટલાં એગ્રીમોલ કાર્યરત છે. દીપક ફાઉન્ડેશન થકી ચાલતા ‘અપના કિસાન મોલ’ એ વડોદરા જિલ્લાના નસવાડી અને કવાંટ તાલુકામાં કાર્યરત છે. જેમાં બન્ને તાલુકાના ગામોમાં ખેડૂતોને જરૂરી રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણો તેમજ પશુ આહાર જેવી વિવધ સેવાઓ પુરી પાડે છે. આ ઉપરાંત ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણ, જંતુનાશક દવાઓ વ્યાજબી કિંમતે મળી રહે તથા ખેતી વિષયક માહિતી પણ એક જ માળખા હેઠળ પુરી પાડી શકાય તે હેતુથી વડોદરા જિલ્લાના બે તાલુકામાં તબક્કાવાર નસવાડી અને કવાંટ (ખાંટીયાવાટ) ખાતે ‘અપના કિસાન મોલ’ની સ્થાપના કરવામાં આવેલ છે. આ અપના કિસાન મોલમાં આશરે 1100 ખેડૂતો સભ્યપદ ધરાવે છે.

સંશોઘન પઘ્ઘતિ:

    અભ્યાસના હેતુઓ:

    • અપના કિસાન મોલ થકી બજારમાં થતું ખેડૂતોનું શોષણ અટકાવવું તેમજ ખેડૂતોને સાચી અને સચોટ ખેત ઉપયોગી માહિતી પુરી પાડવી તે અંગેની જાણકારી મેળવવી.
    • અપના કિસાન મોલ આવ્યા પહેલાં અને બાદમાં ખેડૂતો કેવાં પ્રકારની ખેતી કરે છે તે અંગેની જાણકારી મેળવવી.
    • અપના કિસાન મોલમાંથી મળતી વસ્તુઓની કિંમત, ગુણવત્તા બજારમાં મળતી ખેતી વિષયક વસ્તુઓની કિંમત, ગુણવત્તા વચ્ચેનો તફાવત જાણવાં તેમજ ખાતર, બિયારણ, જંતુનાશક દવાં અને પશુઆહારની અસરકારકતા અંગેની જાણકારી મેળવવી.
    • અપના કિસાન મોલમાં જોડાયેલા સભ્યોને સમયસર ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તેમજ પશુ આહાર મળી રહે છે? તે અંગેની જાણકારી મેળવવી.
    • અપના કિસાન મોલ દ્વારા આપવામાં આવતી સેવાઓને વધુ ફાયદાકારક તથા સંતોષકારક બનાવવા માટે ખેડૂતોના અભિપ્રાયો જાણવાં તેમજ ખેડૂતો આવનાર સમયમાં સારું પાક આયોજન કરી ખેતીમાંથી ફાયદો મેળવી શકશે ? તે અંગેની જાણકારી મેળવવી.

    ક્ષેત્ર પસંદગી :

    દીપક ફાઉન્ડેશન, દીપક ઔદ્યોગિક ગૃપના ભાગરૂપે કોર્પોરેટ સામાજીક જવાબદારીના કાર્યો કરતી સ્વૈચ્છિક સંસ્થા છે. જેમાં વડોદરા જિલ્લાના 1548 ગામડાઓની 20 લાખ ગ્રામ પ્રજાને વિવિધલક્ષી કાર્યક્રમોમાં આવરી લેવામાં આવેલ છે ફાઉન્ડેશનની નીતિ શરૂઆતથી જ જાહેર-ખાનગી સહભાગીદારી દ્વારા વિકાસના વિવિધ ક્ષેત્રોને સેવાઓ પ્રદાન કરવાની છે. સામાજિક વિકાસમાં ટેકનોલોજી મહત્વનો ભાગ ભજવે છે. દીપક ફાઉન્ડેશન વિકાસના વિવિધ ક્ષેત્રો જેવા કે ખેત ઉત્પાદનમાં વધારો કરવો, ગુણવત્તાસભર આરોગ્યની સગવડ પુરી પાડવા અને આજીવિકા દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કરવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગે કરે છે. સંસ્થાએ હાલમાં હાથ ધરેલ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે. ગુજરાત રાજ્યની પછાત વિસ્તારની મહિલાઓનું ખેતીક્ષેત્રે યોગદાનને વાચા આપવા માટે રાજ્યના પ્રથમ મહિલા સંમેલનના આંદોલન ને સહકાર આપ્યો તેમજ ખેતીનું ક્ષેત્ર પુરુષ પ્રધાન છે તેવી લોકોમાં પ્રવર્તતી માન્યતાને ખોટી સાબિત કરવા પ્રગતિશીલ મહિલા ખેડૂતોએ ખેતીક્ષેત્રે મેળવેલ તેઓની સિદ્ધીઓના અનુભવોની આપ લે કરવાનો પ્રયત્ન ફાઉન્ડેશન થકી કરવામાં આવે છે. કૃષિ આજીવિકા ક્ષેત્રને પ્રાધાન્ય આપવા લોકસંગઠનો દ્વારા ખેડૂત સમિતિની રચના કરેલ છે. ખેતી લક્ષી માર્ગદર્શન પુરું પાડવા જનસંપર્ક કેન્દ્રની સ્થાપના અને બ્રોન્ડેડ બિયારણ, ખાતર ખેડૂતોને મળી રહે તે માટે એગ્રીમોલની સ્થાપના કરેલ છે.

    નમૂનાની પસંદગી:

    વડોદરા જિલ્લાના કવાંટ તાલુકાના કુલ 133 ગામો માંથી 36 ગામો અપના કિસાન મોલ સાથે જોડાયેલ અને તેનો લાભ મેળવે છે તેવા ખેડૂતોના અભ્યાસ માટે કવાંટ તાલુકાના મંકોડી, ખેરકાં, ખાટિયાવાંટ, માણાંવાંટ, ઝરોઈ, ચાવરીયા, નાની ટોકરી અને સજવા જેવાં ગામોની પસંદગી સાદાં યદ્દચ્છ નિદર્શ દ્વારા દરેક ગામ અને ખેડૂતોને (એકમ કે વ્યક્તિ) પસંદગી પામવાની સરખી તક મળે તે રીતે કરેલ છે. સાદા યદ્દચ્છ નિદર્શની પસંદગી માટે અપના કિસાન મોલના ઈન્ચાર્જ પાસે પહેલેથી જ ખેડૂતોની યાદી ઉપલબ્ધ હતી. આ એગ્રીમોલ સાથે જોડાયેલ જે ગામ પસંદ થયા તેને નિદર્શ તરીકે પસંદ કરવામાં આવેલ છે. કવાંટ તાલુકામાં કુલ 103 ગામડા આવેલા છે. જેમાં 15,726 ખેડૂતો રહે છે. જેમાંથી 36 ગામો અપના કિસાન મોલ સાથે જોડાયેલ છે તથા તેના કુલ 6,866 ખેડૂતો થાય છે. જે આ અભ્યાસની સમષ્ટિ દર્શાવે છે. જેમાંથી 461 ખેડૂતો અપના કિસાન મોલના સભાસદ છે. જે ગામમાં 10 થી વધારે ખેડૂતો તેવા કુલ 36 ગામોમાંથી 12 ગામોની જ પસંદગી કરવામાં આવેલી છે. આ ગામોમાંથી 155 ખેડૂતો લીધેલ છે આ 40% એ નમૂનાનું પ્રતિનિધિત્વ કરે છે. આમ આ રીતે સમગ્ર નિદર્શ પસંદ કરવામાં આવેલ છે.

તારણો:

૧. ઉત્તરદાતાની સામાન્ય માહિતી

  • મોટી ઉંમરના ખેડૂતો કરતા યુવાન ખેડૂતો ખેતીની સાથે વિકાસ તેમજ ખેતીને વધુ    આધુનિક રીતે બનાવવા માટે અપના કિસાન મોલના સભ્ય બનવાનું પસંદ કરેલ છે.
  • માધ્યમિક શિક્ષણ લીધેલ ખેડૂતો સૌથી વધુ છે જે અપના કિસાન મોલના સભાસદ    બનવાથી ખેતી સુધરશે અને પ્રગતિ થશે એવું માને છે.
  • સૌથી વધારે ખેડૂતો સંયુક્ત કુટુંબમાં રહે છે ૫ણ બંને પ્રકારની કુટુંબ વ્યવસ્થામાં ખાસ    ફરક દેખાતો નથી.
  • મકાનની સ્થિતિમાં સૌથી ઓછા ખેડૂતો પાકું મકાન જ્યારે અર્થપાકું તેમજ કાચું મકાન    ધરાવતા ખેડૂતો સૌથી વધારે છે.
  • સૌથી વધારે 91 ખેડૂતો મોબાઇલ ધરાવે જયારે ટી.વી. ધરાવતા ખેડૂતો માત્ર 8 છે.    તેમની દ્રષ્ટિએ ટી.વી.ની તથા રેડિયાની અગત્યતા જણાય છે.
  • સૌથી વધુ ખેતી પશુઓ દ્વારા કરવામાં આવે છે તેવા ખેડૂતો 123 છે.
  • 103 ખેડૂતો પાસે કોઇપણ પ્રકારનું વાહન ઉપલબ્ધ નથી. એટલે કે મોટાભાગનાં ખેડૂતો    તેનાથી વંચિત છે. એક જ ખેડૂત ટ્રેક્ટર ધરાવે છે.

    ૨. ઉત્તરદાતાની જમીન વિષયક અને આર્થિક બાબત અંગે.

  • ખેડૂતોમાંથી 117 ખેડૂતો પિયતની જમીન ધરાવે છે. જેમાં તેઓ સિંચાઇની સુવિધા
      સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમાંથી 92 ખેડૂતો 05 થી 2.5 એકર જમીન ધરાવે છે જે
      પિયત છે. જ્યારે 04 ખેડૂતો 10 થી 15 એકર પિયત જમીન ધારણ કરે છે. તેમજ થોડા
      ખેડૂતો પિયતની સુવિધા ધરાવતાં નથી. તેઓ અન્ય પાસેથી ભાડા પેટે પિયત લે છે   અને તેનાથી ખેતી કરી પાક ઉત્પાદન મેળવે છે.
  • 126 ખેડૂતો જમીન ફળદ્રુપતાના મહત્વ વિશેની જાણકારી ધરાવે છે તે સારી બાબત છે.
  • ખેતીની સાથે ફળાઉ ઝાડ ધરાવતાં નથી તેવા ખેડૂતોનું પ્રમાણ 101 છે. જે સૌથી વધુ    છે. ભવિષ્યમાં સરકારશ્રીની વાડી યોજનાનો લાભ લેશે તેમ જણાવે છે.
  • 119 ખેડૂતો માત્રને માત્ર ખેતી જ કરે છે. અન્ય વ્યવસાયનું પ્રમાણ ઓછું હોવાથી    નાણાંની ઉપલબ્ધતા તથા ફાજલ સમયનો અભાવ જોવા મળે છે.
  • 110 ખેડૂતો પરંપરાગત અને આધુનિક ખેતઓજાર એમ બંને પ્રકારનાં ખેતઓજારોનો    ઉપયોગ કરતાં જણાય છે. તેઓ કોઇ એક પ્રકારના ઓજાર પર નિર્ભર નથી.

    ૩. અપના કિસાન મોલ અંગે.

  • અપના કિસાન મોલની માહિતી ખેડૂતોને સ્ટાફ દ્વારા મળી એવું 97 ખેડૂતો જ્યારે 58    ખેડૂતોને અન્ય પાસેથી મોલ વિશેની માહિતી મળી હતી તેવું જણાવે છે.
  • 125 ખેડૂતો 1500 રૂ. ભરીને સભાસદ બનેલ છે. જ્યારે બાકી 500 રૂ. નવી યોજના    થકી ભરીને સભ્ય બની શકાય છે.
  • ૫હેલાની સ્થિતિ

  • સૌથી વધારે 135 ખેડૂતો પાસે ઘરમાં પૂરતા પ્રમાણમાં સવલતો ઉપલબ્ધ નથી એવું    કહેલ છે.
  • 125 સૌથી વધારે ખેડૂતો માર્કેટમાંથી તેની સરખામણીએ માત્ર 25 ખેડૂતો જ એગ્રો    સેન્ટર પરથી જ્યારે નહિવત્ પ્રમાણમાં ખેડૂતો દવા, ખાતર અને બિયારણની ખરીદી    સંઘમાંથી કરે છે.
  • સમયસર અને ગુણવત્તાવાળું ખાતર ૧૩, જંતુનાશક દવા 23 અને બિયારણ 26    ખેડૂતોને જ મળતું હતું. જેથી તેઓ અન્ય તાલુકામાંથી કાળા બજારે ખરીદીને ખેતી    કરતા હતા. જેમાં ખેડૂતોને ભારે મુશ્કેલી પણ પડતી હતી.
  • પહેલાં ખેડૂતો જ્યાંથી વસ્તુઓ ખરીદતાં હતાં ત્યાંથી તેના ઉપયોગ અંગેનું એકપણ    સૂચન ખેડૂતને મળતું ન હતું. તેમજ ખેતીમાં ઊભી થતી મુશ્કેલીઓમાં માત્ર 18 ખેડૂતો    જ્યાંથી ઉત્પાદનોની ખરીદી કરતાં તેમનો સંપર્ક કરતાં જણાયા છે.
  • સભ્ય બન્યા ૫છીની સ્થિતિ

  • અપના કિસાન મોલમાંથી સૌથી વધુ ખેડૂતો એટલે કે 150 ખેડૂતો રાસાયણિક ખાતરની    ખરીદી ત્યારબાદ જંતુનાશક દવાઓ, બિયારણો અને પશુ આહારની ખરીદી ખેડૂતો    કરતા જણાયા છે.
  • અપના કિસાન મોલમાંથી તમામ ખેડૂતોને ખેતી અંગે આધુનિક ખેતી પદ્ધતિનું જ    માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ મોલમાં જોડાયા પછી તેની વસ્તુનો ઉપયોગ    કર્યા બાદ કુલ ખેડૂતોમાંથી 154 ખેડૂતોની ખેતીની આવકમાં વધારો થયો હોય એવું    જણાયું છે.
  • અપના કિસાન મોલના સૌથી વધુ એટલે કે 132 ખેડૂતોને ખબર છે કે સમિતિ બનાવેલ    છે અને તેના દ્વારા મોલનું સંચાલન થાય છે.
  • અપના કિસાન મોલમાંથી મળતી વસ્તુઓના ઉપયોગ વિશે બધા જ ખેડૂતોને માર્ગદર્શન    આપવામાં આવે છે. જેથી તેઓ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી પાક ઉત્પાદનમાં વધારો    કરી શકે. આમ, બધા જ ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિ અંગેનું પૂરતું માર્ગદર્શન આપવામાં    આવે છે. જેથી ખેડૂતો સુધી યોગ્ય શિક્ષણ, સાચી અને બિનહાનિકારક, નવી વૈજ્ઞાનિક    ખેતી પદ્ધતિઓ વગેરેની સાચી સમજ તથા માહિતી પુરી પાડવામાં આવે છે.
  • અભ્યાસ હેઠળના તમામ ખેડૂતોને ખેતીમાં પડતી કોઇ મુશ્કેલીના નિવારણ માટે અપના    કિસાન મોલનો સંપર્ક કરે છે. જેની અપના કિસાન મોલના સ્ટાફ દ્વારા રૂબરૂ મુલાકાત    થકી મુશ્કેલીનું નિવારણ કરવામાં આવે છે. આમ, મોલ દ્વારા ખેડૂતો સુધી યોગ્ય શિક્ષણ    અને સાચી સલાહ આપવાની કામગીરીથી ખેતી અંગેના પ્રશ્નોનું નિવારણ થઇ શકે છે.
  • ખેડૂતો આધુનિક ખેતી અપનાવે તે માટે 65 ખેડૂતો કહે છે કે વિડિયો શોની વ્યવસ્થા    કરવામાં આવી છે. જેમાં ખેતી અંગેના વિડિયો બતાવવામાં આવે છે અને તેનાથી ઓછા    ખેડૂતો મીટીંગ કરવામાં આવે છે.
  • પાક ઉત્પાદન અપના કિસાન મોલ દ્વારા અભ્યાસ હેઠળના 132 ખેડૂતોના ખર્ચમાં    ઘટાડો થયો છે.
  • અપના કિસાન મોલમાં મળતી વસ્તુઓ અને બજારમાં મળતી વસ્તુઓ વચ્ચે તફાવત    છે એવું ખેડૂતો જણાવે છે. કારણ કે તેમાં કિંમત, ગુણવત્તા અને સમયસર મળવું એ    તફાવત જોવા મળેલ છે. મોલમાં આ બધી વસ્તુઓ સમયસર, ગુણવત્તાવાળી અને    કિંમતમાં ખેડૂતોને પોષાય એ રીતે વેચાય છે. બજારમાં આ રીતનો અભાવ હોવાથી    બંને પ્રકારે તફાવત જણાય છે.
  • ઉપસંહાર

    અપના કિસાન મોલમાંથી વસ્તુઓ જેમ કે ખાતર, દવા, બિયારણની ગુણવત્તા સારી અને કિંમત પણ ખેડૂતોને પોસાય તેવી છે. મોલને વધુ સંતોષકારક બનાવવા માટે ખેડૂતોની જરૂરત પ્રમાણે વસ્તુઓ લાવવી, વેચાણ વ્યવસ્થા કરવી વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. ખેતી અંગેનું સચોટ માર્ગદર્શન થકી ખેડૂતો ભવિષ્યમાં સારું પાક આયોજન કરી ખેતીમાંથી સારી એવી આવક મેળવી શકશે. જે અપના કિસાન મોલ દ્વારા આ સપનું સાકાર થશે. અહીંના ખેડૂત ખેતીની નવિન તકો અને પડકારોને અવસરમાં ફેરવતા સમર્થ થતો જાય છે. તેમ કરીને તે પોતાના જીવનનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ સમૃદ્ધ કરવા ઇચ્છે છે. એ તેનો અધિકાર છે અને તેના માટે સારી ખેતી તેનો આધાર છે. અપના કિસાન મોલ આ રીતે ખેડૂતોના વિકાસમાં યોગદાન આપતો રહે તો આ વિસ્તારના ખેડૂતોનો વિકાસ થઇ શકે છે અને તેથી આ વિસ્તારમાંથી કાળો બજાર થતો સદંતર બંધ થઇ જશે. આપણે આશા રાખીએ કે આવતી કાલની સવારો તેમની કલ્પનાઓ અને સપનાઓને સાકાર કરે અને મોલ તેઓને જરૂરી માર્ગદર્શન અને જરૂરી વસ્તુઓ પ્રદાન કરે. તેમની ખેતીના વિકાસમાં મોલ ઉપયોગી થશે તો તે આનંદદાયક ઘટના હશે.


    *************************************************** 

    ભાગ્યવાન સોલંકી
    સંશોઘક,
    એમ.ફિલ (ગ્રામ વ્યવસ્થા૫ન),
    ગૂજરાત વિદ્યાપીઠ,
    રાંઘેજા

    ડૉ. સતિષ પટેલ
    મદદનીશ પ્રાઘ્યા૫ક,
    ગ્રામ વ્યવસ્થા૫ન અઘ્યયન કેન્દ્,
    ગૂજરાત વિદ્યાપીઠ,
    રાંઘેજા

    Previous index next
    Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
    Home  |   Archive  |   Advisory Committee  |   Contact us