logo

ગોવિંદગુરૂની ભગત ચળવળની આદિવાસી સમાજજીવન પર અસર એક અભ્યાસ



           ગુજરાત રાજયના પૂર્વ સરહદે આવેલ પંચમહાલ જીલ્લાના સંતરામપુર જીલ્લાની પૂર્વ સરહદ અને પાડોશી રાજય રાજસ્થાનના બાંસવાડાની દક્ષિણ બાજુએ સંતરામપુરથી ર3 કી.મી.દુર આવેલ માનગઢ ડુંગર આદીવાસી પ્રજાજનોની આસ્થાનું પ્રતિક છે.આ માનગઢ ડુંગર સાથે કેટલીક ઐતિહાસિક રસપ્રદ કથાઓ સંકળાયેલી છે એક માન્યતા પ્રમાણે આ સ્થળને ગોવિદગુરૂએ દુણિયા ધર્મનું પ્રચાર કેન્દ્ર બનાવ્યુ હતું. ૧૯મા સૈકાના ઉત્તરાર્ધમાં આદિવાસીઓ સામાજિક અને ધાર્મિક રીતે પછાત હતા, તેમનામાં કુરિવાજોનું પ્રમાણ વિશેષ હતું અહી ગોવિંદગુરૂએ આદીવાસી સમાજના ઉત્થાન માટે કરેલ સામાજિક ચળવળને મૂલવવાનો પ્રયાસ છે. ગોવિંદગુરૂની ભગત ચળવળનું કાર્યક્ષેત્ર દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતનો પંચમહાલ જીલ્લો રહ્યો હતો.

ગોવિંદગુરૂનો જીવન પરિચય :-

           ગોવિંદગુરૂ નો જન્મ ઈ.સ.૧૮૬૩ દક્ષિણ રાજસ્થાનના દેશી રાજય- ડુંગરપુરના વેદસા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ બેચરગર હતું વિચરતી અને વિમુકિત જાતિ તરીકે ઓળખાતી વણઝારા જાતિમાં જન્મેલ ગોવિંદગુરૂએ કોઈ ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત
કર્યુ ન હતું. ઈ.સ.1899-1900 માં પડેલ છપ્નીયા દુષ્કાળ વખતે માદરે વતન છોડી પત્ની, બાળકો અને ઢોર ઢાંખર સહિત સુંથ (સંતરામપુર) રાજયના નટવા ગામે સ્થાયી થયા હતા. દુષ્કાળમાં પત્ની અને બાળકો મૃત્યુ પામ્યા હતા ત્યાર બાદ તેમણે તેમના ભાઈની પત્ની સાથે પુનઃલગ્ન કર્યુ હતું. તે સમય દરમ્યાન દુષ્કાળમાં મૃત્યુ પામેલા ભીલો ની દુરદશા જોઇ તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેમણે સમાજસેવા કરવાનું નકકી કરી ધાર્મિક ઉપદેશ આપવાની શરૂઆત કરી. શરૂઆતના સમયમાં તેમણે ખેતીના વ્યવસાયમાં નટવા, ઉરકેલી અને સૂરપુર જેવા ગામોમાં હાળી તરીકે કામ કર્યુ આ સમય દરમીયાન આ વિસ્તારના દોઢસો જેટલા ભીલો તેમના શિષ્યો બન્યા જે ભગત તરીકે ઓળખાયા.

          ગોવિંદગુરૂએ સમાજસેવાનો પ્રારંભ ધાર્મિક પ્રવાસો કરીને શરૂ કર્યો હતો.જેના ભાગરૂપે પંચમહાલના દાહોદ, ઝાલોદ અને સંતરામપુર તાલુકાના ગામડાંઓમાં ભીલોની મોટી સભાઓ સંબોધવી શરૂ કરી. ગામે ગામ પોતાના સંપ્રદાયની ધૂણીઓ સ્થાપી, ઝંડીઓ રોપી ભીલોમાં પરિવર્તન લાવવા માટે ભગત બનાવ્યા. આવા ભગત લોકોનું સંગઠન કરવા તેમણે ઈ.સ.૧૯૦૫માં સંપસભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી જેના નેજા નીચે ગોવિંદગુરૂએ ભીલોને એકેશ્વરવાદ, સ્વસ્થ આચાર-વિચાર અને સ્વસ્થતાના પાઠ ભણાવી દારૂ, માંસ અને સામાજિક-ધાર્મિક દૂષણોથી દૂર રહેવા સમજાવ્યા હતા તેમનું આ કાર્ય ભીલ સમાજ માટે સંસ્કૃતીકરણની પ્રક્રિયા હતી. આમ ગોવિંદગુરૂ ભીલોને ધાર્મિક સતસંગ દ્વારા સમાજસુધારો કરી રહ્યા હતા તો બીજી બાજુ તેમની સમાજ સુધારા પ્રવૃતિઓ તે સમયના દેશી રજવાડાઓ માટે પડકારરૂપ બની રહી હતી. દારૂ અને વેઠપ્રથા દેશી રાજયોના અર્થતંત્રનો મહત્વનો ભાગ હતી. ભીલોમાં દારૂનિષેધ અને વેઠપ્રથાના ઈન્કારને કારણે સ્થાપિત હિતો જોખમાયા જેથી ડુંગરપુરના શાસકે ગોવિંદગુરૂને પોતાના રાજયમાંથી હદપાર કર્યા. ત્યાર બાદ ૧૯૧૩માં ગોવિંદગુરૂ ડુંગરપુરથી ભાગી ઈડર રાજયના બેલાં રોજડામાં આશ્રય લીધો. 3 અને ત્યાં પોતાના સંપ્રદાયનો પ્રચાર શરૂ કર્યો. ઈડરના રાજાએ પણ ગોવિંદગુરૂ અને તેમના અનુયાયીઓની ધરપકડો કરી. ઇ.સ. ૧૯૧૩માં ગોવિંદગુરૂએ ત્યાંથી સરકી માનગઢની ટેકરીઓમાં પોતાનું ગુરુદ્ધાર સ્થાપ્યું. અહી પણ દેશી રજવાડાઓ તરફથી સંપ્રદાયના અનુયાયીઓને હેરાનગતિ અને ધાર્મિક પ્રવૃતિઓમાં વિક્ષેપ ચાલું રહેતા ગોવિંદગુરૂએ ભીલરાજ સ્થાપવાની યોજના બનાવી. ઇ.સ.૧૯૧૩માં ગોવિંદગુરૂના કહેવાથી હજારો ભીલો માનગઢ મુકામે એકઠાં થયા. ભીલરાજના પ્રચારથી ગભરાયેલા સુંથ, ડુંગરપુર અને કુશળગઢના શાસકોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાચવવા બ્રિટિશ શાસનને વિનંતી કરી. ૧૭ નવેમબર ૧૯૧૩ના રોજ બ્રિટિશ અને દેશી રજવાડાઓના સંયુકત લશ્કરોએ લશ્કરી કાર્યવાહી કરી. ગોવિંદગુરૂ અને તેમના અનુયાયીઓને પકડવામાં આવ્યા. ગોવિંદગુરૂ પર મુકદમો ચલાવી ફાંસીની સજા કરવામાં આવી, પાછળથી આ સજા દસ વર્ષની કેદના રૂપમાં ફેરવવામાં આવી હતી. ૧૨ ઓકટોબર ૧૯૨૩ ના રોજ તેઓને સુથ,વાંસવાડા અને ડુંગરપુર રાજયમાં ન પ્રવેશવાની શરતે જેલમાંથી મુકત કરવામાં આવ્યા. તેથી ઈ.સ.૧૯૨૩ પછી પંચમહાલમાં પોતાના સંપ્રદાયનો પ્રચાર ચાલુ કર્યો. થોડો સમય ભીલ સેવા મંડળ (દાહોદ) સાથે પણ સંકળાયેલા રહ્યા. આખરે ૧૯૩૧ માં ઝાલોદ તાલુકાના લીમડી પાસેના કંબોઈ ફળિયામાં તેઓ મૃત્યું પામ્યા.

ભગત સંપ્રદાયના સિધ્ધાંતો:-

          છપ્પનીયા દુષ્કાળમાં ગોવિંદગુરૂએ સામાજિક અને ધાર્મિક શિક્ષણને આધાર બનાવી ભીલ સમાજ સુધારણાંની પ્રવૃતિ શરૂ કરી. જે બહુ ટુંકા સમયમાં ચળવળમાં પરિણમી. સંપ્રદાયની ધૂણીઓ અને ઝંડાઓની મદદથી ભગત આદિવાસીઓ ની આગવી ઓળખાણ ઊભી થઈ હતી. પોતાના સંપ્રદાયનો સુવ્યવસ્થિત ઢબે પ્રચાર થાય તે આશયથી ગોવિંદગુરૂએ મેત કોટવાળ, ગોવાળ મહારાજ, મહંત મહારાજ જેવાં ધાર્મિક હોદ્દાઓ ઊભા કર્યા હતા. ભગત ચળવળના મુખ્ય સિધ્ધાંતો નીચે મુજબ હતા.

  1. એક ઈશ્વરમાં શ્રધા રાખો,અસંખ્ય દેવ-દેવીઓની પૂજા ન કરો.
  2. સંપૂર્ણ ભકિતથી ઈશ્વરની પૂજા કરો.
  3. દરરોજ સ્નાન કરો, સ્વસ્થતા રાખી ભગવાનને ભજો, સૂર્યદર્શન કરો.
  4. તમારા સ્વજનોને વફાદાર રહો.
  5. બડવા-ભોપા (ભૂવા-તાંત્રિકો) ને બદલે સંપ્રદાયની ધૂણીઓ, હવનમાં શ્રઘ્ધા રાખો.
    કારણ કે ભગવાન તેની આજુબાજુ જ રહે છે.
  6. ખૂન અને લૂંટફાટના ગુન્હાઓથી દૂર રહો.
  7. વ્યભિચારી ન બનો.
  8. ધનનો લોભ ન કરવો.
  9. ચોરી ન કરો.
  10. ખોટા પુરાવાઓ ન આપો.
  11. ધાર્મિક તહેવારો પર ઉપવાસ કરો.
  12. પશુઓના માંસ અને દારૂથી દૂર રહો.
  13. મુસલમાન અને તેલીના હાથનું ખાવું નહિં.

          ગોવિંદગુરૂએ પોતાના ઉપદેશોમાં દારૂનિષેધની વાત ઉત્ચારી ત્યારે ભીલોમાં ભગવાને તમુંને (ઉપલી જ્ઞાતિઓને) ઘી આલ્યું ને અમુને (ભીલોને) હરો (દારૂ) આલ્યો જેવી કહેવતો ચાલતી હતી. દારૂ વગરના આદિવાસી સમાજજીવનની કલ્પના પણ થઈ શકતી ન હતી. દારૂના દૂષણને કારણે ભીલો દેવાળીયા બનવાના કિસ્સા પણ બનતા. ઉપલી જ્ઞાતિઓમાં સ્નાન એ રોજનો ક્રમ હતો જયારે ભીલો માટે તે વ્યક્તિ સુધારણાંની પ્રવૃતિ બની હતી. ગોવિંદગુરૂના દરરોજ સ્નાન કરવાના ઉપદેશને નીચેના દાખલાથી સારી રીતે સમજી શકાશે. નાથજી મહેશ્વર પાઠક ઈ.સ.૧૯૧૫ માં નોંધે છે કે... ભીલોમાં આચાર વિચારનો અભાવ હતો. તેઓ મેલાં અને ગંદા રહે છે, દરરોજ નાહતા નથી, શિયાળામાં તો ભાગ્યેજ મહિનામાં એકાદ બે વાર નાહતા હોય, તેઓમાં કહેવત છે કે પહેલે પહાણે જેવી તેવી, બીજે પહાણે રાજા જેવી ૬ આવી સ્થિતિમાં ભીલોને સ્નાનનો મહિમા સમજાવવો અને તેમ કરવા પ્રેરવા એ એક ક્રાંતિકારી પગલું હતું. આ સિવાય મેલાં દેવ-દેવતાઓને બદલે એકેશ્વરવાદનો પ્રચાર, બડવા-ભોપાનો સર્વોપરિતાનો ઇન્કાર, લૂંટફાટ - ખૂનની મનાઈ, માંસનિષેધ વગેરે ઉપદેશો ભીલ સમાજ માટે સમય અને સ્થાનના સંદર્ભમાં યોગ્ય દિશામાં થયેલી શરૂઆત હતી.

ભગત ચળવળનો ભીલસમાજ પર પ્રભાવ :-

          ગોવિંદગુરૂએ ભીલોના પરંપરાગત કુરિવાજો અને વહેમો અજ્ઞાનતાના ખ્યાલો વિરુધ ભગત ચળવળનો પ્રારંભ કર્યો હતો. તેમની ચળવળ દક્ષિણમાં રાજસ્થાન, પૂર્વમાં પંચમહાલ અને પશ્ચિમમાં મધ્યપ્રદેશ સુધી ફેલાયેલી હતી. ગોવિંદગુરૂના ઉપદેશો, ધૂણીઓ અને ઝંડીઓ દ્વારા હજારો ભીલો ગુરુ ચીંધ્યા માર્ગે આગળ વધી રહ્યાં હતા. ગોવિંદગુરૂના ઉપદેશો પણ ફળદાયી નીવડી રહ્યાં હતા. તેમના પ્રયત્નોથી ભીલો દારૂ છોડતા થયા તેથી દેશી રજવાડાઓની દારૂની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. ભીલો વેઠપ્રથા જેવા અમાનવીય દૂષણ સામે પણ જાગ્રત થયા હતા. ભગત આદિવાસીઓની ખાસ ઓળખાણ કેસરી સાફો અને રૂદ્રાક્ષની માળા હતી. આવા ધાર્મિક ઉપકરણો ધારણ કરી હજારો ભીલો દારૂ, માંસ, ચોરી અને અન્ય કુરિવાજોના ત્યાગ દ્ધારા સુસંકૃત બન્યા હતા. પોતાના સુઘડ જીવન વગેરેને કારણે ભગત ભીલોની પંચમહાલના આદિવાસીઓમાં આગવી ઓળખાણ ઊભી થઈ અને ભગત આદિવાસીઓ ભગત હોવાનું ગૌરવ અનુભવતા હતા. ભગત એટલે એવો વ્યક્તિ કે જેણે આદિમજાતિ ધર્મના ગૂઢ આત્માવાદી ખ્યાલોને તિલાંજલી આપી હોય, હિંદુ દેવોમાં માનતો હોય, શાકાહારી ખોરાક આરોગતો હોય, દારૂ ન પીતો હોય, હિંદુ જીવનશૈલીને અપનાવતો હોય. સાદી ભાષામાં કહીએ તો ભગત શાબ્દ ફકત હિંદુધર્મી આચાર વિચારોને ગ્રહણ કરનાર આદિવાસી વ્યક્તિ માટે વિશેષ વપરાય છે.

          ગોવિંદગુરૂના દારૂનિષેધના ઉપદેશના કારણે ભીલોએ તેનો અમલ શરૂ કરતા દેશી રાજયોની દારૂની આવકમાં ધરખમ ઘટાડો થયો હતો. દા.ત. ઓકટોબર ૧૯૧૩ માં વાંસવાડા રાજયનું દારૂનું વેચાણ ૧૮૪૭૦ ગેલન હતું જે ઘટીને વર્ષાન્તે માત્ર ૫૧૫૪ ગેલન રહ્યું હતું. એજ પ્રમાણે સુંથ (સંતરામપુર) રાજયની દારૂની આવકમાં ઈ.સ.૧૯૧૨ ના એક મહિનામાં રૂા.૬૦૦૦ નો ઘટાડો થયો હતો.૭

       સુંથના દરબાર, તેના અધિકારીઓ પ્રજાના એક વર્ગ સાથે મળી ગોવિંદગુરૂ અને તેમના અનુયાયીઓને ધૂણીઓની પૂજા કરતાં અટકાવવા માટે દરેક ગામમાં આવેલી સંપ્રદાયની ધૂણીઓ ખોદી કાઢી અને મુસ્લિમોને ધૂણીઓ પર પેશાબ કરી તેને અપવિત્ર કરવા પ્રોત્સાહિત કરતા જયારે સિપાઈઓ ભીલોને દારૂ પીવા લલચાવી, હિંસાનું વાતાવરણ સર્જવા ઉશ્કેરી ધૂણીઓ પર પ્રદુષિત ખોરાક ફેંકતા. ચળવળ પ્રત્યે દેશી રાજયોના નકારાત્મક વલણને કારણે ગોવિંદગુરૂને ભીલરાજ સ્થાપવાનો વિચાર સૂઝયો હતો. ગોવિંદગુરૂ તેમના શિક્ષિત શિષ્ય પૂંજા ધીરજી પારગી તથા સરહદી રાજયોના આગેવાનોએ ઓકટોબર ૧૯૧૩ માં ભીલરાજ સ્થાપવાનું આહ્વાન કરવાનું નકકી કર્યુ.

ગોવિંદગુરૂ અને પૂંજા ધીરજીની પૂર્વ યોજના પ્રમાણે કાર્તિક સુદી પુનમ (૧૭ નવેમ્બર ૧૯૧૩) ના રોજ માનગઢ મુકામે ભીલોના એક મોટા ધાર્મિક મેળાનું આયોજન થયું. મેળાના આમંત્રણરૂપે સંપ્રદાયના ઝંડાઓ ભીલ વિસ્તારોમાં વહેંચાયા. પ્રતિભાવરૂપે ઘી, નાળિયેર અને એક આનો રોકડો લઈ 3,000 જેટલાં ભગત ભીલો એકઠાં થયા. તેઓ ધાર્મિકવિધિની વસ્તુઓ ઉપરાંત બંદૂકો, તલવારો, તીરકામઠાં અને ગોફણોથી સુસજજ હતા અને પોતાના ગુરુના સંપૂર્ણ નિયંત્રણ નીચે ભેગા થયા હતા. સ્થાનિક લોકવાયકા મુજબ ગોવિંદગુરૂના ચહેરાનું તેજ જ એવું હતું કે ભીલો માટે તેમની આજ્ઞા ઊથાપવાનું અશકય હતું. ગોવિંદગુરૂ દુશ્મનોની ગોળીઓને પણ પાણી બનાવી દેશે એવી અસ્થા સાથે તેઓ આવ્યા હતા. ગુરુના ચમત્કારની આશાએ ભગત ભીલો આખરી શ્વાસ સુધી લડવા તૈયાર થયા હતા.ગોવિંદગુરૂ અને તેમના ભીલ અનુયાયીઓનું વિશાળ સંખ્યામાં એકઠાં થવાથી સુંથ, કુશળગઢ, વાંસવાડા અને ડુંગરપુર જેવાં દેશી રાજયોમાં ગભરાટ ફેલાયો. સુંથના શાસકે ગોવિંદગુરૂની ધરપકડ કરી ભીલોને માનગઢ પરથી વિખેરી નાંખવા પોલીટીકલ એજન્ટને વિનંતી કરી. દેશી રાજયોની વિનંતીથી પ્રતાપગઢ ગયેલાં ઉત્તર વિભાગના કમિશ્નર ગોવિંદગુરૂને મળ્યા હતા તેમને ગોવિંદગુરૂના ભીલરાજના ચિંતન અને માનગઢ વિસ્તારમાં બખેડા વિશે અભિપ્રાય આપ્યો હતો. આગળના ઘટનાક્રમમાં ૧ર નવેમ્બર૧૯૧૩ ના રોજ ગોવિંદગુરૂએ એક આવેદનપત્રમાં સુંથ અને ડુંગરપુરના રાજયો વિરૂધ્ધ પોતાને વેઠવી પડતી યાતનાઓ જણાવી. તેઉપરાંત પોતાના ઉપદેશકો માટે અવરોધક બનવા, સંપ્રદાય વિશે અસભ્ય ભાષા વાપરવા બદલ દેશી રાજયો વિરૂધ્ધ ફરિયાદ કરી અને પોતાને સંપ્રદાયના પ્રચાર માટે જગ્યા ફાળવવા રજૂઆત કરી. જવાબમાં પોલીટીકલ એજન્ટ ગોવિંદગુરૂના સંપ્રદાય તરફ સહાનુભૂતિ વ્યકત કરી ભીલોને માનગઢ પરથી વિખેરાઈ જવા વિનંતી કરી. જે ગોવિંદગુરૂ અને તેમનાં શિષ્યોને મંજુર ન હતું.

પોલીટીકલ એજન્ટની વારંવારની વિનંતીઓ અને ચેતવણીઓ છતાં ભીલો માનગઢ પરથી વિખેરાયા નહિં, તેથી બ્રિટિશ શાસન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાચવવા મજબૂર બન્યું ગોવિંદગુરૂ સામે લશ્કરી કાર્યવાહી કરવાના ભાગરૂપે કેળવાયેલું બ્રિટિશ લશ્કર મેવાડ ભીલ કોપ્સ અને સુંથ તથા ડુંગરપુરના દેશી લશ્કરોએ ૧૭ નવેમ્બર ૧૯૧૩ ના રોજ માનગઢ પર હુમલો કર્યો. એકથી દોઢ કલાકના ગાળામાં ગોવિંદગુરૂના ચમત્કારની આશાએ લડતાં ભગત ભીલો તિતરબિતર થઈ ગયા. 900 લોકોને પકડવામાં આવ્યા. બીજી તરફ ગોવિંદગુરૂએ રજૂ કરેલાં પરિણામ મુજબ આ લશ્કરી હુમલામાં ૧પ00 જેટલાં ભીલો માર્યા ગયા હતા.આજે તે જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવી કરૂણાંતિકા લેખાય છે.

માનગઢની લડાઈ એ સીસ્તબધ સૈનિકો વિરૂઘ્ સંપ્રદાયનું ઝનૂન અને ગુરુના ચમત્કારની આશાએ લડતાં ભગત ભીલો વચ્ચેની લડાઈ હતી. આ લડાઈમાં અંગ્રેજો અને દેશી રાજયોની જીત થવાનું કારણ તેમની કપટવૃતિને ગણવામાં આવે છે. ગીત ગોવિંદ રો નામના ભીલી ગીતમાં તેનું સિલસિલાબંધ વર્ણન મળે છે. તે મુજબ લડાઈના પ્રથમ તબકકામાં ગોવિંદગુરૂ દુશ્મનોની ગોળીઓને પોતાની સાધનાના પ્રભાવથી પાણી બનાવી દે છે પરંતુ પાછળથી તેઓ નિષ્ફળ કેમ થયા? તેનું વર્ણન કરતાં ગીતની કેટલીક પંકિતઓ જોઈએ :

હાંસુ બાબા તો નહીં હમઝે માનગઢ મા તે ધમાલ કરે
હાંસુ ફોઝાં ત્યાંર થાજજી
હાંસુ ફોઝા ધામા દોડે
હાંસુ બાબા એ હમજાવે
હાંસુ માનવી હમજાવે
હાંસુ બાબા હમજાવીયા ની માને
હાંસુ મસીના માંડો
હાંસુ બંદૂકા ની સાલે
હાંસુ હુઈ કલા થાજજી
હાંસુ બાબાની તો કલા હૈ
હાંસુ ધુણીની તો કલા હૈ

સમગ્ર ગીતનો સાર એવો છે કે દુશ્મનોએ કપટવૃત્તિથી સંપ્રદાયની ધૂણીમાં ગાયનું લોહી નાંખી તેને અપવિત્ર કરી, માનગઢ ખાતેથી પકડવામાં આવેલા ૯00 ભીલોમાંથી ૮00 ને માનગઢ નજીક ફરીથી નહિં ફરકવાની શરતે છોડી મૂકવામાં આવ્યા કેટલાક પટેલો, ગામેતીઓને દેશી રાજયોને હવાલે કરવામાં આવ્યા ઇ.સ.૧૯૧૪ માં ગોવિંદગુરૂ સામે કેસ ચલાવવા સંતરામપુરમાં ખાસ કોર્ટની સ્થાપના કરવામાં આવી. તેમને માનગઢની ઘટના માટે મુખ્ય અપરાધી ગણી ફાંસીની સજા ફરમાવવામાં આવી, પાછળથી તે હળવી કરી ૧૧ વર્ષની કેદની સજામાં ફેરવવામાં આવી હતી.(૧૧ ૧૨ ઓકટોબર ૧૯૨૩ ના રોજ સાબરમતી જેલમાંથી તેમનો છૂટકારો થયો. ત્યાર પછીનો સમય તેમણે શાંતિપૂર્ણ રીતે સંપ્રદાયનો પ્રચાર કરવામાં ગળ્યો હતો.આમ ગોવિંદગુરૂ એ આદીવાસી સમાજના ઉત્થાન માટે કરેલ સામાજિક ચળવળ મહત્વનું સ્થાન ધરાવે છે.

પાદનોધ :

  1. પુરૂષાર્થી પંચમહાલ,માહિતી કમિશનરની કચેરી માહિતી ખાતું ગુજરાત રાજય, ગાંધિનગર, વર્ષઃર00૯,પૃ.૧૧.
  2. અરુણ વાઘેલા,આઝાદીના જંગમાં પંચમહાલનો રંગ,અક્ષર પબ્લિકેશન,અમદાવાદ,વર્ષઃ ર009,પૃ.ર9.
  3. અરુણ વાઘેલા,પંચમહાલના આદિવાસીઓની વિકાસયાત્રા,રાધિકા પ્રિન્ટર્સ પાંજરા પોળ,ગોધરા,વર્ષઃર009,પૃ.૮૪.
  4. એજન પૃ.૮પ.
  5. અરુણ વાઘેલા,ઇતિહાસ દર્પણ,સુરભિ પ્રકાશન,વડોદરા,વર્ષ :ર00૬,પૃ.ર૮.
  6. પાઠક નાથજી મહેશ્વર, ભીલોના ગીતો,અમદાવાદ,વર્ષ : ૧૯૧૫, પૃ.૧૩.
  7. અરુણ વાઘેલા,પંચમહાલના આદિવાસીઓની વિકાસયાત્રા,રાધિકા પ્રિન્ટર્સ પાંજરાપોળ,ગોધરા, વર્ષઃર00૯,પૃ.૮૯.
  8. તોરવણે મિલિન્દ,વિકાસ વાટિકા,કલેકટર પંચમહાલ ગોધરા,પૃ.૬૬.
  9. અરુણ વાઘેલા,ઇતિહાસ દર્પણ,સુરભિ પ્રકાશન,વડોદરા,વર્ષ :ર006,પૃ.3ર.
  10. એજન.
  11. અરુણ વાઘેલા,આઝાદીના જંગમાં પંચમહાલનો રંગ,અક્ષર પબ્લીકેશન, અમદાવાદ,વર્ષ : ર00૯,પૃ.૩૪.

*************************************************** 

ડૉ.સુરેશભાઇ સી.પટેલ
શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ
કોલેજ,ગોધરા.(પંચમહાલ)
(ઇતિહાસ વિભાગ).

Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us