ગુજરાતી સાહિત્ય : સાહિત્યકારોનું યોગદાન
પ્રસ્તાવના: ગુજરાતી સાહિત્યમાં નિબંધ, ટૂંકી વાર્તા,નાટક, નવલકથા, આત્મકથા અને કવિતાના સમકાલીન અવસ્થામાં અનેરું યોગદાન છે. સાહિત્ય માનવીને નવા વિચારો અને નવું ભાથું પૂરું પાડે છે. વૈશ્વિકીકરણના આ યુગમાં દિન પ્રતિદિન વિશ્વની અનેક ભાષાઓમાં જ્ઞાનનો ખડકાતો જાય છે. નિમ્ન પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી જ્ઞાનની અનેક ક્ષિતિજો દિન પ્રતિદિન વિસ્તરતી જાય છે. માનવીને આ સાહિત્ય માત્ર તેના જ્ઞાનમાં વધારો કરવા પૂરતું જ નથી, તેની સાથે સાથે તેનામાં સમજ શકિત કેળવાય, જે તે પરિસ્થિતિમાં જે જ્ઞાન મેળવેલ છે તે આવનારી નવીન પરિસ્થિતિમાં ભાવિપેઢી તેનો વિનિયોગ કરે તે પણ એટલું જ જરૂરી છે. આદિકાળથી સાહિત્ય સર્જને માનવીને વિચારતો કરી દીધો છે. સાહિત્ય માનવીને માનવ બનાવે છે, માનવીનું ઉર્ધ્વીકરણ કરે છે. માનવી અને સમાજના વિકાસમાં સાહિત્યના અનેક પ્રકારોનું યોગદાન છે. ઘણી વાર અલેખિત સાહિત્ય જેવાં કે, દંતકથાઓ, વાર્તાઓ, ભવાઈ અને નાટકો અનેક રીતે સહાયક નીવડે છે. પ્રાચીન કાલથી આધુનિક કાળના સમયગાળામાં સાહિત્ય દ્વારા માનવી અનેક નવાં કાર્યો, પ્રવૃતિઓ કરતો રહ્યો છે. સાહિત્ય માનવીને નવું જીવન બક્ષે છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નર્મદ, અખો,ભાલણ,મીરાં, નરસિંહ મહેતા, દયારામ અને પ્રેમાનંદ જેવાં અનેક સાહિત્યકારોનું ઊંચું યોગદાન છે. આધુનિક સમયગાળામાં સમયના બદલાવ અને જરૂરિયાત અનુસાર અનેક ગુજરાતી સાહિત્યકારોએ સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરેલ છે. સાહિત્યકાર જે તે સમયગાળાની ઘટનાને ચકાસી તેમાં પ્રાણ પૂરી સમાજને કંઈક આપવા માટેના પ્રયાસ કરે છે. જેમાં લેખક કે સાહિત્યકારની આગવી શૈલી, પ્રતિભાની આછી ઝલક પણ તેમાં અવશ્ય જોવા મળે છે. સાહિત્ય જે તે સમયગાળાનો ચિતાર દર્શાવે છે.જેના દ્વારા જે તે સમયગાળાની જે તે વિસ્તારની આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક બાબતોની માહિતી મળી રહે છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઊર્મિ કાવ્ય, ખંડકાવ્ય, સોનેટ કાવ્ય, ગરબી, પદ, છપ્પા, મુક્તક, નાટક, નવલકથા, નવલિકા, આત્મકથા, ટૂંકી વાર્તાએ સમાજને ઘણું પ્રદાન કરેલ છે. નંદશંકરની ‘કરણઘેલો’ હોય કે નર્મદનો ‘ડાંડિયો’ હોય કે પછી રમણભાઇ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’ કે પછી કલાપીનો ’ કેકારવ’ હોય. આ તમામ સાહિત્ય સમાજને કંઈક દિશા અર્પે છે. ઘણીવાર જે કાર્ય કાયદાથી થતું નથી તે કાર્ય સાહિત્યના પ્રદાન દ્વારા આસાનીથી, સાહજિકતાથી પૂર્ણ પણ થઇ જાય. સાહિત્યકારો એ સમાજના સાચા આગેવાનો છે, સમાજને દિશા આપે છે. આધુનિક સાહિત્યકારો એ તેના પુરોગામી સાહિત્યકારોની ઉણપને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે અનુગામીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ગોવર્ઘનરામ ત્રિપાઠીએ પણ તેમના સમયગાળામાં ‘સરસ્વતીચંદ્ર્નો ગૃહત્યાગ’ ભાગ – 1 થી 4 આપીને તતકાલીન સમાજવ્યવસ્થાનું સાચું દર્શન કરાવેલ છે. તતકાલીન ભારતીય કુટુંબ વ્યવસ્થા, કૌટુંબિક મૂલ્યો, કુટુંબની રહેણીકરણી, સંયુકત કુટુંબપ્રથા, સમાનતા, બંધુત્વ, અર્પી દેવાની ભાવના, સહનશકિત, ઘરમાં વડીલ તરીકે અદા કરવાની પોતાની નૈતિક ભૂમિકા તેમાં જોવા મળે છે જે તતકાલીન સમાજ વ્યવસ્થાને સાચો રાહ ચીંધે છે. વાસ્તવિકતાનું સાચું ભાન કરાવે છે, પરિસ્થિતિનો ઉકેલ આપે છે. આગામી સમયગાળામાં આવનારી નવી પેઢી પશ્ચિમનું આંધળું અનુકરણ કરીને આવી ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથા સમાન સર્વમાન્ય બાબતો જે છે તે ભૂલી ન જાય તે બાબતની ચિંતા વ્યકત કરી છે. અહિયાં નવલકથાકારે કોઈ પ્રત્યેક પાત્રની ગરિમા જાળવીને તે પાત્રને યોગ્ય દરજ્જો આપી તેનું સન્માન જળવાય તેવો પ્રયાસ કરેલ છે. કુટુંબમાં કે સમાજમાં ખૂદનું ન્યોચ્છાવર કરીને કામ કરતી, સહન કરતી વ્યકિતનું સદૈવ માન સન્માન જળવાય તેવી બાબત તેમાં ઉપસી આવતી હોય તેમ જણાય છે. ખેર! લેખકશ્રીએ જે તે સમયગાળાનો ચિતાર આપેલ છે તેને દાદ આપો એટલો જ આવશ્યક છે. રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા ઝવેરચંદ મેઘાણીએ પોતાના સર્જન દ્વારા શૂરવીરતાનો નસો દેખાડેલ છે. જેમાં માભોમ કાજે ન્યોચ્છાવર થવાની અને શૌર્ય રસની વાત કરી છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે યુગવંદના તેમનું અદ્વિતીય પ્રદાન છે. ચૌદ વર્ષની ચારણ કન્યા, પીધો કસુંબીનો રંગ, માતનો બેટડો અને છેલ્લો કટોરો આ ઝેનો પીજાજો બાપુ, સાગર પીનારા અંજલી ના ઢોળજો બાપુ. આજે પણ તેમનું સાહિત્યનું વાચન કરતાં કરતાં તેના વાચકમાં તેનો અહેસાસ જોવા મળે છે. એજ રીતે પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશીએ પણ ગુજરતી સાહિત્ય ક્ષેત્રે અનેક બાબતોમાં સમકાલીન ખેડાણ કરેલ છે. પછી ભલે ને એ ‘મળેલાં જીવ’ હોય કે પછી ‘નિશીથ’ કાવ્ય સંગ્રહ. કવિ કાન્તના ‘ખંડ કાવ્યો’ પણ એટલા જ ઉપયોગી છે. ગુજરાતી સાહિત્યમાં અનેક કવિઓએ અને લેખકોએ સમકાલીન સમાજને ધબકતો અને ચેતનવંતો રાખવાનો સતત પ્રયાસ કરેલ છે. કવિ બોટાદકરે ‘માતૃવાત્સલ્ય’ના સંદર્ભમાં ધરતીમાતા કરતાં પણ ઊંચો માનો પ્રેમ દર્શાવી માતાની ગરિમા વિશ્વમાં જ નહીં ત્રિલોકમાં પણ ઊંચી દર્શાવી છે. જે દેવો માટે પણ દુર્લભ છે. જયારે કોઈ કવિએ આવી જનનીને ત્રણ જણને જન્મ આપવાનું પણ કહે છે “જનની જણ તો ભકત જણ, કાં દાતા કાં સૂર” આમ, કવિ પણ માભોમને ખોળે જન્મ લેનારમાં કયા ગુણો હોવાં જરૂરી છે તે જણાવે છે. સમયના અનુસંધાનમાં ઘણાં કવિઓએ પોતાના અનુભવ જગતમાં વાસ્તવિક પરિસ્થિતિની પળોમાં કયો માર્ગ અપનાવવો ? તેનું શું પરિણામ? તેની કાવ્યમય સ્વરૂપે, નવલિકા સ્વરૂપે, નવલકથા સ્વરૂપે રજૂ કરેલ છે. ‘ રે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો’ હવે સમય ગયો, થતાં તો થઈ ગયું ! હવે શું ? જીવનમાં જેમ શરીરને જીવંત રખવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે તેમ મનને જીવંત રાખવા અને માનસિક સુખાકારી માટે માનસિક સ્વસ્થતા જરૂરી છે. આમ માનસિક સ્વસ્થતા પ્રત્યેક અવસ્થામાં જરૂરી છે. માટે જીવનની અન્ય અવસ્થાઓની જેમ ગર્ભાવસ્થામાં પણ માનસિક સ્વસ્થતા ખૂબ જરૂરી બની રહે છે. કવિની મનોવેદના અહીં જોવા મળે છે. જેના દ્વારા કવિ ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ પામનાર માનવીને બચાવવા અને સ્વઉકેલ લાવવા માટે અંગુલિનિર્દેશ કરે છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રેને ક્રિયાશીલ રાખવામાં વાચક વધુ વિચારતો થાય તે બાબતને ધ્યાનમાં રાખીને પ્રતિદિન બહાર પડતાં વર્તમાનપત્રોમાં પણ સાહિત્ય પ્રેમીઓ સમાજને આ બાબતોની માહિતી પુરી પાડે છે. ‘ધરતીનો ધબકાર’ માં દોલતભટ્ટનું ખુમારી પૂર્વકનું લખાણ અને ખુમારી દર્શાવતી વિગત ખરેખર જે તે સમયને દાદ આપે છે. વર્તમાન અને આવનાર પેઢીને ભારત અને ગુજરાતની અસ્મિતાની યાદ આપે છે. આવનારી પેઢી ગુજરાતની આ અસ્મિતા પ્રત્યે સભાન બને છે અને ગૌરવ બક્ષે છે, સલામ આપે છે. ‘પારિજાતનું ગુલાબ’માં કુમારપાળ દેસાઈ ધાર્મિક બાબતોની ઝણાવટ કરીને સમાજમાં મૂલ્યોનું જતન અને સંવર્ધન થાય તે વિશે ચિંતા વ્યકત કરે છે. આ ઉપરાંત અન્ય દેશોના પુસ્તકો અને તે દેશની વિવિધ પ્રકારની વ્યવસ્થા વિશે સભાન કરે છે. તેમનાં ચિંતનમાં ધાર્મિકતાના અવશ્ય દર્શન થાય છે. રવિવારની રવિપૂર્તિ ‘સ્પેકટ્રોમીટર’માં અને બુધવારની શતદલ ‘અનાવૃત્ત’માં જયવસાવડા પોતાની કોલમમાં વિવિધ ભાષાઓનો સહયોગ સાધીને ચટાકેદાર લખતા જોવા મળે છે. કોઈ સાહિત્યકાર તેની આગવી અદાને સરળશૈલીમાં પ્રદાન કરે તો વાચક વિચારતો થઈ જાય. સાહિત્યકાર સમકાલીન યુગમાં નવા કવિઓ અને લેખકો માટે દિવાદાંડી રૂપ બને છે. સમાજને શાની આવશ્યકતા છે તે તેમાં જણાય છે. ‘રજનીગંધા’માં પ્રિયકાન્ત પરીખ સમાજ જીવનમાં કેવી રીતે જીવન જીવવું તેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. સ્ત્રી અને પુરૂષે આ સંસારના જીવન વ્યવહારમાં એકબીજાને સમજીને રહેવું જોઈએ, સાચું સુખસંતોષમાં છે. જેના વાચન દ્વારા સમકાલીન સમાજ અને આગામી પેઢીને પયગામ (મેસેજ) મળતો હોય તેમ જણાય છે. ‘રણને તરસ ગુલાબની’માં પરાજિત પટેલે તતકાલીન માનવ સમાજ વ્યવસ્થાનો ચિતાર આપેલ છે. જેના દ્વારા માનવીએ પોતાના વર્તન અને કાર્યોમાં કેટલાંક બદલાવ લાવવા પડશે તે જણાય છે. આ ઉપરાંત તેઓએ ‘ઝાકળ ઝંઝા’ માં સમાજ જીવનની દશા અને વ્યથા દર્શાવી છે. ભૂખ્યા માણસને બાજરાના લુખ્ખા સૂખ્ખા ‘રોટલા’માંય બત્રીસ પકવાનના ભોજનથાળના દર્શન થાય છે. ‘લોકજીવનના મોતી’માં જોરાવરસિંહ જાદવ જે તે સમયગાળાનો ઇતિહાસ અને સમાજ વ્યવસ્થાનો ચિતાર દર્શાવે છે. જેના થકી આપણા સાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધન શકય બને, તેને સન્માન મળે છે. ઉપસંહાર: સાહિત્ય ક્ષેત્રે અનેક નામી અનામી સાહિત્યકારો (કવિઓ અને લેખકો)નું અમૂલ્ય યોગદાન રહેલું છે. સાહિત્ય જગતમાં તેમનું કાર્ય સદૈવ ધબકતું જ છે. સમકાલીન ગુજરાતી સાહિત્ય જે તે સમયગાળાના ઉત્કર્ષ માટે એટલું જ આવકારક દાયક બની રહેશે. આગામી પેઢીને તેના થકી યોગ્ય રાહ મળી રહેશે, ઉપરાંત માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગદર્શકરૂપ નીવડશે જ તેમાં શંકાને સ્થાન નથી. *************************************************** ડૉ.જગદીશભાઇ આર. મહિડા |
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |