logo

માઉન્ટ આબુની સફરે આદિવાસી સંસ્કૃતિ દર્શન

         ભારતની આગવી લોક્સંસ્કૃતિનો આપણને અવાર-નવાર પરિચય મળતો હોય છે. તાજેતરમાં આવો જ એક રોમાંચક પ્રસંગ માણવાનું સદ્દ્ભાગ્ય પ્રાપ્ત થયું. ગુજરાત યુનિવર્સિટીના યુવક કલ્યાણ વિભાગ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓની માઉન્ટ આબુ ખાતે પર્વતારોહણ તાલીમ શિબિર યોજાતી હોય છે. આ તાલીમ શિબિરના ભાગરૂપે માઉન્ટ આબુના પ્રવાસ દરમિયાન આદિવાસી લોકમેળાને અત્યંત નિકટથી જોવાનો, જાણવાનો, માણવાનો લ્હાવો મળ્યો. આ અનુભવ ખરેખર રસપ્રદ અને રોમાંચક હતો તે કહ્યા વગર રહી શકાય નહીં. આ પૂર્વે ક્યારેક કોઈ આ પ્રકારના કે અન્ય મેળાઓને અલપ ઝલપ જોવાનો મોકો મળ્યો હતો, તો ક્યારેક મેળાઓ વિષે વાંચ્યું હતું કે વાતો સાંભળી હતી. પરંતુ આ વખતે પ્રથમ વાર જ આદિવાસી મેળાનું જીવંત સાનિધ્ય સાંપડ્યું. આમ જોવા જઈએ તો એકપણ ભારતીય એવો નહીં હોય કે જે મેળા સંસ્કૃતિથી અજાણ હોય. ભારતનો દરેક પ્રાંત તેની વિશેષ લોક્સંસ્કૃતિથી નવીન ઓળખ પામ્યો છે અને તેમાંય ભારતની આદિવાસી સંસ્કૃતિ તો કંઇક અજોડ જ !

         વૈશ્વિકીકરણના આ યુગમાં સમગ્ર વિશ્વ એકીકૃત થઇ રહ્યું છે. નવી નવી ટેકનોલોજી વિકસી રહી છે, સંદેશાવ્યવહારનાં ઉપકરણોમાં અભૂતપૂર્વ ક્રાંતિ અને આશ્ચર્ય પમાડે તેવા નવીન આવિષ્કાર આકાર લઇ રહ્યા છે તે સ્થિતિમાં આજેય પણ આ આદિવાસી સમુદાય પોતાની ભાતીગળ સંસ્કૃતિને અકબંધ સાચવીને બેઠો છે. જો કે, આધુનિકીકરણની હવા તેમને બિલકુલ સ્પર્શી નથી તેમ કહેવામાં અતિશયોક્તિ ગણાય. તેમ છતાં વિશ્વ સાથેનો તેમનો આંતરસંબંધ હજુ પણ આંતરમુખી પ્રકારનો રહ્યો છે.

         વૈશાખી પૂર્ણીમાની પૂર્વ સંધ્યાએ માઉન્ટ આબુનો પ્રદેશ આદીવાસીઓથી ઉભરાતો જોઈ મેળાની માહિતીથી અજાણ મનમાં સ્વાભાવિક પ્રશ્નો ઉદ્દભવ્યા. પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે, દર વર્ષે વૈશાખી પૂર્ણિમા (બુદ્ધ પૂર્ણિમા) ના દિવસે માઉન્ટ આબુ ખાતે આસપાસના આદિવાસી લોકોનો એક મેળો ભરાય છે. આ મેળામાં ખાસ કરીને ગુજરાતના સરહદીય વિસ્તાર તથા રાજસ્થાનના આદિવાસીઓ ભાગ લેતા હોય છે. જેમાં, ખૈર, ખરાડી, સવન્તી, ડોમર, ડુંગરી વગેરે જાતિનો સમાવેશ થાય છે. ચૌહાણ, ડામોર, દાયમા, સાગીયા, ખરાડી, ધાંગી, બગોરા, વાસીયા, તાઈવર સોલંકી, અંગારી, નિનામા, સિસોદિયા જેવી અટક ધરાવતા અને ગરાસીયા કોમનું પ્રમાણ વિશેષ જોવા મળ્યું.

          લગભગ ત્રીસ-પાંત્રીસ હજારની આદિવાસી વસ્તીથી ઉભરાતા આ મેળાનો હેતુ પોતાના પૂર્વજોના માઉન્ટ આબુ ખાતેના “નખી લેક” માં અસ્થી ફુલ પધરાવી શ્રદ્ધાંજલિ આપવાનો છે. આમ કરી તેઓ પોતે ઋણમુક્ત થયાની માન્યતા ધરાવે છે. કેટલાક લોકો આ ફુલ ચાંદીની ધાતુના ફુલ સ્વરૂપે પણ પધરાવે છે. માઉન્ટ આબુના સુપ્રસિદ્ધ નખી લેકને તેઓ પવિત્ર હરિદ્વાર જેવું તથા તેના નીરને પવિત્ર ગંગાના જળ સમું માને છે. ઢોલ નગારાં જેવા શ્રદ્ધાંજલિ ગીતોના માહોલમાં સગાસંબંધીઓ ભેગા મળીને ફુલ પધરાવવાની વિધિ સંપન્ન કરે છે.

         ઘણાં પ્રયત્નોના અંતે તેઓના શ્રદ્ધા સુમાંનૃપ ગીતોને જાંખી આ રીતે મેળવી શકાઈ.

“આબુ સંગે ભર જારી છોરીયાં નખી ઝોંઆ ઝોંહો
માં બાપે હે ફુલ છોરીયા નખી ઝોંઆ ઝોંહો
દાદા દેરા ફુલ એ છોરા નખી ઝોંઆ ઝોંહો”.

         આદિવાસીઓની પોતાની આગવી બોલી હોય છે. સાથોસાથ પોતાના સમાજ સિવાયના અન્ય લોકો સાથે તેઓ પ્રત્યાયન પણ ટાળતા હોવાથી તેમની સાથે સંવાદ કરવો એટલુ જ અઘરુ બનતું હતું. છતાં પણ તેમની સાથે જે કઈ તૂટક તૂટક પણ વાતચીત થઇ શકી તેને અહીં પ્રસ્તુત બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

         તલવારનાકા ગામના શ્રી મેગારામજી બદાજીએ કહ્યું કે, આખાયે વર્ષમાં આ અમારો એક મોટો ઉત્સવ જેવો દિવસ છે. વર્ષનો વિશેષ દિવસ છે, આગલા દિવસથી જ આજુબાજુના વિસ્તાર, ઘાટી વગેરેમાંથી આદિવાસીઓ આવીને રાતવાસો માઉન્ટ આબુ ખાતે જ કરે છે. ખુલ્લામાં જ રાત વિતાવે છે અને વહેલી સવારથી જ નાચ ગાન તથા ઢોલ નગારાના તાલે આ દિવસનો આનંદ મેળવે છે. પુરુષ વર્ગ મદિરાપાન પણ કરતા હોય છે. આસપાસના ગામોમાં પરણાવેલી બેન દીકરીઓ ઘરના મુખી તેમજ વડીલોને ફુલની માળા પહેરાવે છે. વાજતે ગાજતે ‘નખી લેક’ માં પૂર્વજોના શ્રદ્ધા સુમનની પધરામણી કાર્ય બાદ આખોય વખત આ દિવસની ઉજવણી નાચ ગાનથી કરે છે. આ મેળામાંથી ક્યારેક છોકરા-છોકરીઓની પસંદગી પણ થતી હોય છે. ઉત્સવ અને યૌવનની હાજરીમાં પ્રેમગીતો પણ સ્થાન લે છે. સરમી દેવી, પવની, ધરમી અને સાજીદેવીના મુખેથી ગવાતું ગીત કંઇક આવું સાંભળવા મળ્યું.

“નખી રો વાયદો, નખીની વતાઈ
નખી આંટો ખાધો નખીની વવારી
ગામેવાળા ગોઠિયા, નખીની રે વોરીએ.”
“ભોળા લાડા રે શેમ મેં છેતરાણા
ભોળી લાડી રે શેમૂંમાં રે છેતરાતી....”

         સામાન્ય રીતે આદિવાસીઓના વિવાહ-લગ્નો કંઇક અનોખી રીતે થતા હોય છે. છોકરા-છોકરીઓનું પસંદગીનું માધ્યમ મોટેભાગે મેળાઓ હોય અને તેથી પ્રેમનો ઉદ્દગાર એ મેળાથી ભિન્ન એવી બાબત હોઈ શકે નહીં. આનંદ ઉલ્લાસના માહોલમાં કેટલાક લોકો છુંદણા છુંદાવતા હતાં, કેટલાક ખાણી પીણીમાં તો કેટલાક ખરીદી કરવામાં મશગૂલ નજરે ચઢ્યા હતાં.

         આબુરોડ તાલુકા પ્રમુખ શ્રી અણદારામ અંબારામજી ગરાસીયાના જણાવ્યા પ્રમાણે આશરે ત્રીસ-ચાલીસ હજાર જેટલી આદિવાસી વસ્તીના આ મેળામાં પ્રશાસન વ્યવસ્થા ગોઠવવામાં ઉદાસીનતા દાખવે છે. આટલી વિશાળ વસ્તીને પીવાના પાણી કે શૌચાલય જેવી પ્રાથમિક જરૂરિયાત પ્રશાસન પાસે અપેક્ષિત હોયજ, વળી કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી પણ વિશેષ કોઈ પ્રયત્નો હાથ ધરાયા નથી તેમ જણાવ્યું હતું.

         એક તરફ આપણે સંસ્કૃતિના જતન કરવાની ભારે જહેમત ઉઠાવીએ છીએ તો બીજી તરફ વ્યવસ્થાની આ ઉદાસીનતા !

         અંતમાં એટલુ જ કે, આદિવાસી સંસ્કૃતિના સ્પર્શ વગર આપણે આપણી પોતીકી સંસ્કૃતિના સ્પર્શથી વંચિત છીએ.



*************************************************** 

ડૉ. વી.કે. ચાવડા
મદદનીશ નિયામક,
યુવક કલ્યાણ વિભાગ
ગુજરાત યુનિવર્સિટી
અમદાવાદ

Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us