logo

સ્ત્રી માટે શાંતિની પૂર્વશરત - સમાનતા

‘રેનેસાં’એ માણસને જૈવિક ઉર્જાના બદલે યાંત્રિક ઉર્જાનો પહેલો પરિચય કરાવ્યો. માનવજાત માટે આ બહુ મોટી સિદ્ધિ હતી. અત્યાર સુધી માનવબળ કે, પશુબળના બદલે યાંત્રિક શક્તિના ઉપયોગ વડે વિવિધ કામો કરવાની શરૂઆતે માનવજાતની દિશા જ બદલી નાંખી. માનવજાતના સૌથી મોટા કલંકસમી ગુલામી પ્રથા અને મજૂરોના વેચાણનો કાળો ઇતિહાસ ત્યાંથી બદલાવ પામ્યો. પ્રાચિન કબિલાઓથી વિસ્તરેલા મહાસામ્રાજ્યોની પ્રજાઓએએ વિકાસ કરવાની સાથો-સાથ સમાજોમાં જે ઉચ્ચ-નીચના ભેદ, શ્રેષ્ઠ-કનિષ્ઠના ભેદ કુત્રિમ રીતે સર્જેલા એ- ભાંગવાની શરૂઆત આ ‘ઔદ્યોગિક ક્રાંતિ’’ સાથે આરંભાઈ એમ વ્યાપકરૂપે કહી શકાય. આ ક્રાંતિ સ્વાભાવિક જ યુરોપ-ઇંગ્લેંન્ડમાં જન્મી અને એમના વિસ્તરતા સામ્રાજ્યો સાથે વિશ્વવ્યાપી બનવા લાગેલી.

એવી જ બીજી મહાન ઘટનાઓ તરીકે ગઇ સદીના બે મોટા વિશ્વયુદ્ધોને ગણાવી શકાય. ઉપરાઉપરી આવી પડેલા વિશ્વયુદ્ધોની અસરથી ભાગ્યે જ કોઈ દેશ પ્રત્યક્ષ કે પરોક્ષ અસરથી મુક્ત રહી શક્યો હતો. એટલું જ નહીં, અપૂર્વ કહી શકાય એટલી હદે માનવોના સામુહિક મૃત્યુનો સામનો પણ માનવજાતે પહેલી વાર કર્યો. એમાંય જાપાનનાં બે નગરો પર ઝીંકવામાં આવેલ અણુબોંબના કારણે જે વિનાષકતા માણસજાતે જોઈ એણે ધરમૂળથી માનવચિત્તને હચમચાવી નાંખ્યું. આ વિશ્વયુદ્ધોનું સૌથી મોટું જો કોઈ પરિણામ ગણવું હોય તો એ છે જીવ-જગત અને ઇશ્વરને જોવાની દૃષ્ટિમાં આવેલ આમુલ પરિવર્તન. માનવજાતની પરંપરાગત સામાજિક, ધાર્મિક, રાજકીયથી માંડી કૌટુંબિક અને વ્યક્તિ-સંબંધોની વ્યાખ્યા પણ બદલવી પડે એવા વૈચારિક વમળોનો સામનો માનવજાતે અનુભવ્યો. ‘ઇશ્વર મૃત્યુ પામ્યો છે ‘ -ની આલબેલ પોકારતા આધુનિક ફિલસુફોએ અસ્તિત્વવાદી વિચારસરણીઓ જન્માવી. ‘આઈ થિંક ધેરફોર આઇ એમ.’ – ‘હું વિચારું છું, માટે હું છું.’- આ એક નાનકડી વાત ખરેખર તો માનવના ચિત્તને અપૂર્વ રીતે વિચારવા માટે ઘણી મોટી અને વ્યાપક છે. અત્યારસુધી ધર્મકેન્દ્રિ, મૂલ્યકેન્દ્રિ અને રાજ્યકેન્દ્રિ મુલ્યોના પાયા પર રચાયેલ સામાજિક વ્યવસ્થાના મૂળમાં જ આ વિચારોએ ઘાત કર્યો. એ ઘાત આજના અનેક વંચિતો, શોષિતો અને છેવાડાનું જીવન જીવતા માનવો માટે તારણહાર બનીને આવી હતી. વિશ્વવ્યાપી જોઈએ તો કચડાયેલા ગુલામો, કાળા રંગના માનવીઓ, ભારતખંડ જેવા વ્યાપક ભૂમિખંડ પર વ્યાપેલી વર્ણવ્યવસ્થા વાળા સમાજમાં રહેલા દલિતો, શોષિતો અને સ્ત્રીઓ માટે અસ્તિત્વકેન્દ્રિ વિચારસરણીએ મુક્તિના દ્વાર ખોલવામાં પાયાની ભૂમિકા ભજવી છે.

આટલી ભૂમિકાને પ્રસ્થાનરૂપે રાખીને હું ‘સ્ત્રી માટે શાંતિની પૂર્વશરતઃ સમાનતા’- વિષય પર મારું સંશોધનપત્ર રજૂ કરી રહી છું.

સમાનતા એ પૂર્વશરત છે શાંતિ માટે. આ વિધાન સામાન્ય સંજોગોમાં એટલું સ્વાભાવિક અને સરળ આંદોલનો ચિત્તમાં જગવે. પણ જ્યારે એને સ્ત્રીના સંદર્ભમાં કે પછી કોઈ વંચિત, શોષિત, પિડિતના સંદર્ભમાં પ્રયોજવામાં આવે ત્યારે એનું મૂલ્ય વિસ્તરી જાય છે. એના અર્થ વિસ્તારનો એક છેડો અસ્તિત્વના સ્વીકાર-અસ્વીકાર સાથે તો બીજો છેડો સામાજિક માળખાને સ્પર્શે છે. અહીં જે શાંતિ અભિપ્રેત છે એ એકબાજુ સ્ત્રીની વ્યક્તિગત શાંતિના અનુભવને પણ સૂચવે છે તો બીજી બાજુ સમાજની વ્યાપક શાંતિના ભાવને પણ સૂચવે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રી કુટુંબ અને સમાજના માળખામાં કેન્દ્રમાં રહેલ છે. એટલે કે શાંતિ કે અશાંતિ બંનેનું એ એપીસેન્ટર બનવાની ક્ષમતા ધરાવે છે. જો સ્ત્રી ચિત્ત શાંતિ અનુભવશે તો એ એના ચોપાસ શાંતિનો પ્રસાર કરશે અને એ જો અશાંત હશે તો સ્વાભાવિક જ એ અશાંતિના નિર્માણનું પણ ચાલક બળ બનીને રહેશે. કેમકે, એની પાસે કુદરતી જ પ્રેરકબળ બનવાની તાકાત મળેલી છે. આ તાકાત ઘણીવાર પુરુષના શારીરિક તાકાત કરતાં અનેકગણારૂપે પ્રસ્થાપિત થયાના દૃષ્ટાંતો માનવઇતિહાસમાં નોંધાયેલા જ છે.

પહેલા તો ‘શાંતિ’ શબ્દને સમજીએ. – શાંતિ એ ઐક્યની એવી સ્થિતિ છે જેમાં હિંસાત્મક સંઘર્ષો ન હોય. અને હિંસાના ભયથી પણ મુક્ત હોય એવી ચૈતસિક સ્થિતિ. બીજી રીતે કહીએ તો ધિક્કાર, અવગણના, ઉગ્રતા, કોઈપણ પ્રકારનો દાબ, માનસિક પ્રતારણા કે અલગ પડી ગયાની અનુભૂતિ. અનિચ્છાએ કરવી પડતી ક્રિયાનો ભાર, સતત અનુભવાતી અસલામતીમાંથી જન્મતિ ચિત્ત સ્થિતિ પણ અશાંતિ છે.

બીજી બાજુ ‘સમાનતા’ શબ્દને પણ સમજવો જરૂરી છે. સમાનતા એટલે સ્થૂળ અર્થમાં એકસરખાપણું નથી. પણ સમાન રીતે વર્તવા, જીવવા, જીવન વિશેના નિર્ણયો કરવાની મુક્તિ હોય, સ્વૈચ્છિક સ્વીકારનો અધિકાર હોય. ખાસ કરીને પોતાના અસ્તિત્વને, પોતાની જાતને પોતાની મરજી પ્રમાણે વર્તવા, આકારવા માટેની એને જીવનસાથી કે કુટુંબના સભ્યો દ્વારા મુક્તિ અપાઈ હોય તે સમાનતા છે. આ વૈયક્તિક બાબત પછી વિસ્તરણ પામીને સામાજિક માળખામાં પણ કોઈપણ ભેદભાવ વગર યથેચ્છ રીતે વ્યવસાય કરવાની, યથેચ્છ જીવનસાથી પસંદગી કરવાની, કશાય અવરોધ વગર વિકસવાની, ભવિષ્ય અંગે આચરણ કરવાની અને ચિત્તના વિચારોને મૂર્ત કરવા માટેની સમાન તક સર્જવા માટેની મોકળાશ હોવી એટલે સમાનતા. કોઈપણ સમાજ જ્યારે આ પ્રકારનું મુક્ત વાતાવરણ સર્જવાના બદલે અવરોધક મૂલ્યો પ્રસ્થાપિત કરે છે ત્યારે અસમાનતા સર્જાતી હોય છે.

આપણે ત્યાં વર્ણવ્યવસ્થાથી માંડી લગ્ન સંસ્થાને લગતા પરંપરાગત ખ્યાલો આનું જ્વલંત ઉદાહરણ છે. અશ્પૃષ્યતાના કારણે વ્યાપકરૂપે ભારતીય સમાજે અસમાનતા સદીઓથી અનુભવી છે. પરિણામ સ્વરૂપ વર્તમાન અશાંતિનું સર્જન થયું છે. તે જ રીતે સ્ત્રીઓને હંમેશા અનુચર તરીકેનું સ્થાન મળવાના કારણે પણ એમની કુદરતી શક્તિઓનો સમુચિત ઉપયોગ કરવાથી ભારતીય સમાજ વંચિત રહ્યો છે. આપણે જરા વિગતે સમજીએ કે સ્ત્રી શાંતિનો અનુભવ કઇ રીતે કરી શકે.

  • આંતરિક શાંતિ- એ અમૂર્ત છે. કુદરત સાથેના સાન્નિધ્યથી માંડીને કોઈ મનપસંદ વસ્તુની ખરીદી સુધી વિસ્તરતી આ શાંતિ એના ચિત્તને સુખદ અનુભૂતિઓથી ભરી દે છે. એ માટેની મોકળાશ એ ઇચ્છે ત્યારે મેળવી શકે તેવી કુટુંબ અને સમાજમાં વ્યવસ્થા હોવી ઘટે. એ –ડોલ્સ હાઉસ-ની પુતળીરૂપે નહી. એટલે કે અન્યના કહેવાથી કુદરત, ધર્મ (સ્પ્રિચ્યુઅલ બાબતો) કે પ્રવાસ, ખરીદીમાં હિસ્સેદાર બનવાની એને આંતરિક શાંતિ ન પણ મળે તેવું બને. એ પોતે જ ઇચ્છીને આ બાબતોમાં આનંદ લે એવી સ્થિતી એ પ્રાથમિક અને પાયાની સમાનતા છે.
  • સ્ત્રી હોય કે પુરુષ હોય- એ એના જીવનના વિતેલા વર્ષોના ખભા પર વર્તમાનમાં સુખ-દુઃખનો અનુભવ કરતો હોય છે. પરંતુ જ્યારે સ્ત્રીને એના ભૂતકાળ અથવા વિતેલા જીવનના આધારે વર્તમાન માટે મૂલવવામાં આવે કે એ રીતનું માળખું રચવામાં આવે જેનાથી સ્ત્રી દુઃખનો અનુભવ કરે તે સ્થિતિ સ્વીકાર્ય ન હોવી જોઈએ. આ એક નૈસર્ગિક અધિકાર હોવો જોઈએ કે માણસ પોતે ભૂતકાળની સ્મૃતિથી આનંદ લઇ શકે.
  • કૌટુંબિક શાંતિ.- વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા આ મુદ્દે જ સર્જાયેલી જણાય છે. આપણી પરંપરાગત કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રીનું જે સ્થાન છે. દિકરી, વહુ, સાસુ – તરીકેનું એ પરસ્પર સંઘર્ષ ઉપરાન્ત પતિ, રિવાજો, જ્ઞાતિ-જાતિ, સામાજિક માળખાઓના પરિણામસ્વરૂપે વ્યાપક એવી ઝંઝાળમાં પોતાનું વ્યક્તિત્વ સાવ ખોઇ નાંખવાની હદ સુધી પરાધિન અવસ્થા ભોગવતી હોવાના દૃષ્ટાંતો આપવાની જરૂર નથી. આ બદી એટલી વ્યાપક છે કે વર્ણવ્યવસ્થાની ઉચ્ચ જ્ઞાતિઓથી શરૂ કરી સાવ છેવાડાની જ્ઞાતિઓ સુધીની સ્ત્રીઓ એકસરખી રીતે પીડાનો અનુભવ કરી રહી છે. કૌટુંબિક નિર્ણયોમાં એની સાવ ઓછી હિસ્સેદારી, ક્યારેક પરંપરાગત પઢાવ્યા પ્રમાણેની જ હિસ્સેદારીના પરિણામે પોતે અને અન્ય સ્ત્રીઓ માટે પણ અશાંતિ-અસલામતિનો અનુભવ સાવ સહજપણે અનુભવતી જોવા મળે છે.

બીજી બાજુ કુટુંબ વ્યવસ્થા છેલ્લા પાંચ-સાત દાયકાથી તૂટી રહી છે અને નવી જે વિભક્ત કુટુંબ વ્યવસ્થા સર્જાઈ રહી છે એમાં પણ નવા પ્રકારની સમસ્યાઓના કારણે સ્ત્રી અશાંતિનો અનુભવ કરી રહી છે. વ્યવસાયિક સ્ત્રીઓનો મોટો વર્ગ હવે સક્રિય રીતે સમાજમાં વ્યાપવા લાગ્યો છે પણ એમાંની મોટાભાગની સ્ત્રીઓ પરંપરાગત અને નવી ભૂમિકાઓ ભજવવાની બેવડી જવાબદારીઓમાં અટવાઈને ભયંકર આશાંત અવસ્થામાં મુકાયેલી છે. આ સંક્રાંતિનો કાળ છે, નવી અને તદ્દન વ્યવહારુ કુટુંબ વ્યવસ્થા ન સર્જાય ત્યાં સુધી વર્તમાન સમયની સ્ત્રીઓ બેવડો માર સહન કરી રહ્યાનું જણાય છે.

સામાજિક વ્યવસ્થાના કારણે જન્મતી અશાંતિ. – વર્તમાન સમયમાં જે પ્રકારનું પુરુષકેન્દ્રિ માળખું પ્રચલિત છે એમાં સ્ત્રીને પૂરી મોકળાશ મળતી નથી. જે સ્ત્રીઓ શિક્ષિત છે, વ્યવસાયી છે એ સ્ત્રીઓને પણ હજી પુરુષો દ્વારા પૂર્ણપણે સ્વીકારવામાં આવી છે કે નહીં તે પણ પ્રશ્ન છે. દરેક અવસ્થામાં એવું થતું ન હોવાથી ત્યાં પણ ચૈતસિક સંઘર્ષના મંડાણ થાય છે.

હજી જે અશિક્ષિત અને ઓછું શિક્ષિત કે સામાજિક, આર્થિક પછાત જાતિઓમાંથી આવતી સ્ત્રીઓ કે જે સ્વનિર્ભર નથી એ સ્ત્રીઓ માટે તો એટલી જ વિડંબણાઓ મોં ફાડીને ઊભેલી છે. નથી એમને વાણી સ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય. કુટુંબના નિર્ણયોમાં એની કોઈ ભૂમિકા હોતી નથી હોય તો સાવ ગૌણરૂપે હોય એવી સ્થિતીમાં સ્ત્રી શાંતિનો અનુભવ કરી શકે એવી શક્યતા નથી. એટલે આ પ્રકારના સામાજિક માળખામાં બદલાવ આવે અને સમાનતા જે મેં વ્યાપકરૂપમાં સમાનતાની વાત આગળ કરી છે એ પ્રમાણેની સમાનતા સર્જાય નહીં ત્યાં સુધી શાંતિ એ આભાસી શબ્દમાત્ર બની રહે તેમ છે.

છેલ્લે, સૌથી મહત્વની વાત એ કે શાંતિ એ સાપેક્ષ અનુભૂતિ છે. હકારાત્મક બાબતોથી મળતી શાંતિ આપણને સ્વીકાર્ય હોઇ શકે. સ્ત્રી-પુરુષ સમાનતા – એ ખરાઅર્થમાં સમાનતા હોવી ઘટે બન્ને પક્ષે. અને એ સમાનતા સંઘર્ષના માર્ગે પ્રાપ્ત થઈ શકે પણ એ દરમિયાનની પેઢીઓએ વેઠવી પડતી અશાંતિને જો ન સમજીએ તો પણ એ ઉણપ જ રહી જવા પામે. ખરેખર તો સ્ત્રી-અને પુરુષના ચિત્તમાં પૂર્ણ પ્રૌઢીથી એકબીજાનો સ્વીકાર થાય તો આપોઆપ અન્ય પ્રશ્નો ગૌણ બની જતા હોવાના દાખલા સમાજમાં શોધવા જવું પડે એમ નથી. તંદુરસ્ત દાંપત્ય, સુખી-સમૃદ્ધ કુટુંબો, એક બીજાના પ્રેરક બનીને વિસ્તરતા-વિકસતા સ્ત્રી-પુરુષોના દૃષ્ટાંતો પણ હવે આપણી નજર સામે છે જ- એ મારે મન આ સ્ત્રી-સમાનતાના આંદોલનની ઉજળી બાજુ છે. ભવિષ્ય સમૃદ્ધ હોવાનો અણસાર એમાંથી મળે છે. પણ સમે પક્ષે એનો વ્યાપ વધે તે પણ એટલી જ અવગણી ન શકાય એવી બાબત છે.

હું દૃષ્ટાંતો આપીને, કાયદા દ્વારા અપાયેલ સમાનતાની વાત અહીં કરી શકી હોત પણ એ વિશેની સમજ અને એ વિશેની વાત આપ સૌ સુજ્ઞ ભગિનીઓ સમક્ષ કરવી જરૂરી નથી માનતી એટલે આ વિષયના વૈચારિક પાસાને, એની પાછળની ફિલસુફીને રજૂ કરવાની તક લીધી છે. આપ સૌનો આભાર વ્યક્ત કરી વિરમું છું.

*************************************************** 

ડૉ. હેતલ ઠક્કર
આસિ. પ્રોફેસર, સમાજશાસ્ત્ર વિભાગ
ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ(સાંજની),અમદાવાદ-6

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us