સાબરકાંઠા જિલ્લાના આદિવાસીઓની નૃત્યકલા
વિશ્વના તમામ દેશોમાં નૃત્યકલા જોવા મળે છે. માનવી પોતાના આનંદ-ઉલ્લાસને પ્રગટ કરવા નૃત્યનો આધાર લે છે. માનવીના આનંદની અભિવ્યક્તિ અને ઊર્મિઓના આર્વિભાવમાંથી આપણા ભાતીગળ લોકનૃત્યો જન્મ્યાં છે. ગુજરાતના લોકજીવનમાં વિવિધ લોકનૃત્યોનો વિપુલ ભંડાર છે. આદિજાતિમાં નૃત્યની લોકપ્રિયતા ઘણી વધારે છે. આદિવાસી સમાજની પરંપરા અનુસાર ઉત્સવ, તહેવાર, લગ્ન, ધાર્મિક પ્રસંગ વગેરેમાં નૃત્ય અનિવાર્ય અંગ છે. લોકનૃત્યની સાથે લોકગીતો અને લોકવાદ્યો પણ જોડાયેલા છે.
આદિવાસી સમાજમાં સ્ત્રી-પુરૂષો હળીમળીને નૃત્ય કરે છે. અને ગીતો ગાય છે. નાચ-ગાનને ઘેરો બનાવીને કરે છે. બે હરોળમાં સામ સામે ઊભા થઈને પણ નાચે છે. આ હરોળ કોઈ કોઈ સમાજમાં સ્ત્રી પુરૂષો હળીમળીને નાચે છે. કોઈક વાર એક હરોળમં સ્ત્રીઓ અને બીજી હરોળમાં પુરૂષો હોય છે. આફ્રિકાના અને ઈન્ડોનેશિયાના આદિવાસીઓ નૃત્ય કરતાં ઘેરો બનાવે છે. આંદમાનના આદિવાસીઓની સ્ત્રીઓ નૃત્યમાં સામેલ થતી નથી. તેમાં સ્ત્રીઓ ઘેરાની અંદર અને પુરૂષો બહાર નૃત્ય કરે છે.
દરેક આદિવાસીઓમાં નૃત્યની આગવી રીત હોય છે. સામૂહિક નૃત્ય પણ અનેક રીતે કરવામાં આવે છે. બેઠા બેઠા ઝુકીને, ઘુંટણ પર બેસી ને, એકબીજાની કમર પકડીને શરીરના ઉપરના ભાગને કંપન કરીને, હાથપગની ગતિમાં વધઘટ કરીને, નાચતી વખતે ઉછળકુદ કરીને કરે છે. આ લોકોમાં અનુકરણ નૃત્ય વિવિધ પ્રકારના મહોરા પહેરીને કરે છે. જેવાં કે રાજ, શિકારી, જાદુગર, પશુ કે જાનવરના મહોરાં, પક્ષીઓના મહોરા ઓસ્ટ્રેલિયા, કેલિફોર્નિયા વગેરેમાં જોવા મળે છે. તેવી જ રીતે ભારતના આદિવાસીઓમાં વિભિન્ન પ્રકારના લોકનૃત્યો જોવા મળે છે. ગુજરાતના આદિવાસીઓમાં વિશિષ્ટ શૈલીના લોકનૃત્ય જોવા મળે છે.
સાબરકાંઠા જિલ્લામાં વસવાટ કરતા આદિવાસીઓમાં જોવા મળતા કેટલાંક નૃત્યો નીચે મુજબના છે.
આદિવાસી ઢોલ નૃત્ય :
આદિવાસીઓની જુદી જુદી જાતિ અને પ્રદેશવાર જુદા જુદા પ્રકારના ઢોલ જોવા મળે છે. સાબરકાંઠામાં વસવાટ કરતા આદિવાસીઓ ઢોલ નૃત્ય કરે છે આ તેમની આગવી ઓળખ છે. આ નૃત્ય ડુંગરીભીલ, સોખલા ગરાસીયા અને આદિજાતિ કાથોડી વગેરેમાં ખૂબ જ જાણીતું છે. તે પુરૂષોનું નૃત્ય છે. આ નૃત્યમાં મોટા ઢોલ, થાળી અને કુંડી જેવા વાદ્યો વપરાય છે. દેવ પ્રબોધિની એકાદશી પછીથી આ નૃત્ય શરૂ થાય છે. અહિયાં હોળીના દિવસો નજીક આવતા જણાય ત્યારે ઢોલ કુંડી તૈયાર કરવામાં આવે છે. હોળીના દિવસે પુરૂષો ગોળાકાર સ્વરૂપે ગોઠવાઈ જાય છે. અને ફરતા જઈને આ ઢોલ નૃત્ય કરવામાં છે. આ નૃત્યમાં સ્ત્રીઓ, બાળકો, પુરૂષો સમૂહમાં ભાગ લે છે. સ્ત્રીઓ પણ પુરૂષો સાથે હોળી નૃત્ય કરે છે. જે તેમની સમૂહ ભાવના બતાવે છે.
નોરતાનું નૃત્ય :
‘ઉપોઢોલ’ વગાડવાની સાથે નોરતું – રમવાની શરૂઆત કરવામાં આવે છે. ‘રાઈયો’ અને ભોપામૂળ સ્થાન પર ફરીને પગને ટેકો લે છે. અને મોથી ‘ફોઈ રે ફોઈ’ બોલે છે. આ નૃત્ય થોડા સમય સુધી એકધારુ ચાલ્યા કરે છે. ‘બુટો’ ‘રાઈયો’ની વચ્ચે માથુ હલાવીને તલ્વારની મદદથી નાચે છે. તે વિવિધ પ્રકારે નાચીને બધાને હસાવે છે. ત્યાર પછી દરેક જણ એકબીજાના હાથમાં હાથ નાંખીને ગોળાકારે સાંકળ બનાવે છે. અને વર્તુળ આકારે ઝડપથી ફરીને નાચે છે. તેને ‘નોરતાનું નૃત્ય’ તરીકે ઓળખવામાં આવે છે. નોરતાની નાચવાની ગતિ મંદ પડે ત્યારે ‘તારા’ રાઈયો અને બીજા ભોપાઓને ચાબુકની મદદથી ખેચીને ફટકા મારે છે. આથી તેઓ નૃત્ય માટે વધુ આવેગ અનુભવે છે. અને ઝડપથી નાચવા લાગે છે. બુટ કોઈ એકના ખોલરામાં પ્રવેશીને કોઈ વસ્તુ શોધતો હોય તેવો અભિનય કરે છે. તે ઘરનો મોભ અને દાંડી જોતો હોય તેવો અભિનય કરે છે. બહાર આવીને ખોવાયેલી વસ્તુ જડી હોય એમ ‘હાકાર’ કરે છે.
દાંડિયા નૃત્ય :
સાબરકાંઠા વિસ્તારના આદિવાસીઓ ‘દાંડિયા નૃત્ય’ હોળીના બીજા દિવસે ધૂળેટીમાં રમે છે. ત્યારે કેટલાંક પુરૂષો હાથમાં દાંડિયા લઈને અથડાવતા જઈને આ નૃત્ય કરે છે. આ નૃત્ય કરતી વખતે ગીત ગાતા જણાય છે. તેમાં ડુંગરી ગરાસીયા આદિવાસીઓમાં વિશિષ્ટ ગીત ગવાય છે.
ભજનમંડળીનું રાસ નૃત્ય :
આનૃત્ય કંઈક અલગ પ્રકારનું છે. જેમાં પુરૂષોનો ફાળો નોંધપાત્ર રહેલો છે. જ્યારે કોઈકના ઘરે ભજન મંડળી રાખેલી હોય છે ત્યારે ભજન ગાતાં-ગાતાં પુરૂષો ભજન અને તબલાંના તાલ સાથે રાસ રમતા હોય છે. તેને રાસ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં વસવાટ કરતા આદિવાસીઓ જ્યારે કોઈ વ્યક્તિની બાધા હોય ત્યારે સત્સંગ રાખે છે. તે વખતે ગાયક પોતે સત્સંગમાં વિશિષ્ટ પ્રદાન કરે છે.
હાલેડી (હાલેણી) માંડવા નૃત્ય :
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા, વિજયનગર, મેઘરજ, ખેડબ્રહ્મા વિસ્તારમાં લગ્ન પ્રસંગે ઉજવાતું આ નૃત્ય હજુ પણ પોતાનો વારસો જાળવી રાખીને કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓનું સ્થાન મહત્વનું છે. આ નૃત્ય સ્ત્રીઓ દ્વારા નિર્મિત થયેલું છે. ક્યાંક પુરૂષો પણ આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં ઢોલની કે શરણાઈની પણ જરૂર જણાતી નથી. લગ્નનાં દિવસોમાં ઢોલ શરણાઈ વાદ્યો વપરાય છે.
આ નૃત્ય વર-કન્યા માટે મંડપ સજાવવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે. અહિયાં ‘હાલેડી’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે એક વૃક્ષ છે. તેની આઠ ફૂટની ઊંચી ડાળીઓ કાપીને જમીનમાં ઘરની આગળ ઓસરીમાં ત્રણ ફૂટ ખાડો જમીનની અંદર ખોદીને રોપવામાં આવે છે. આ હાલેડીને રોપ્યા પછી પીપળાના પાન બરાબર વચ્ચેથી નાડાછડીથી બાંધવામાં આવે છે. હાલેડી એક જ હોય છે. જ્યારે તેની સાથે બીજી ત્રણ સાગની થાંભલીને પણ હાલેડીની જેમ રોપવામાં આવે છે. ઉપર સાગની પાતળી ડાળીઓ અને પાતળા વાંસનો ઉપયોગ કરીને ઢાંકવામાં આવે છે. તે સમય સ્ત્રીઓ આ નૃત્ય કરે છે. તેઓ નૃત્ય કરતી વખતે ગીત ગાય છે.
મૂરિયા નૃત્ય :
આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે ખાસ કરીને આ નૃત્ય ખૂબ જ જાણીતું છે. વર-કન્યાને પીઠી કર્યા પછી પાટલા પર બેસાડીને ઘરની બહાર ચોરાના ભાગમાં લાવે છે. ત્યાં સ્ત્રી પુરૂષો બધા વર અને કન્યાની આજુ-બાજુ ગોઠવાઈ જાય છે. અને વર કન્યાને નચાવે છે. તેઓ એક બીજાના ખભા પર હાથ રાખીને આ નૃત્ય કરે છે. ગોળ ગોળ ફરતા જાય અને ગીત ગાતા જાય છે. આ રીતે મુરિયા નૃત્ય કરે છે. આવું નૃત્ય સુંદર દ્દશ્ય ખડું કરે છે.
દરેક નૃત્ય અલગ-અલગ અને શ્રેષ્ઠ હોય છે. ફિલ્મ દ્વારા નૃત્યોને ચિત્રિત કરી એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકાય છે. અને જાળવણી કરી શકાય છે.
સંદર્ભ :-
- ડૉ શૈલેષ ડી. તબિયાર -ઉત્તર ગુજરાત સાબરકાંઠાના આદિવાસીઓનો સાંસ્કૃતિક વારસો, દામિની પબ્લિકેશન અમદાવાદ
- તડવી રેવાબેન શંકરભાઈ - આદિવાસીઓનો કલા વારસો (૧૯૭૯)ઝરણું પ્રકાશન, પાવી, જેતપુર, વડોદરા
- જાદવ જોરાવસિંહ (૨૦૦૪)- લોકજીવન : કલા અને કસબ, સજ્જન સ્મૃતિ અમદાવાદ
- જાદવ જોરાવસિંહ (૧૯૯૧)- ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિ માહિતિ નિયામક ગુજરાત સરકાર ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
- જાદવ જોરાવસિંહ - ગુજરાતના લોકવાદ્યો માહિતિ નિયામક ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર
- પટેલ ભગવાનદાસ (૧૯૯૯)- આદિવાસી ઓળખ માહિતિ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર
***************************************************
પ્રા. માલતી ડી. પટેલ
સરકારી આટૅસ એન્ડ કોમસૅ કોલેજ,કડોલી
ઇ-મેલ્: patelmalti37@yahoo.com
મોબાઇલ નં : 9409688713 |