logo

રાજેન્દ્ર શુકલની ગઝલોમાં પ્રયોગશીલતા

ગીત અને ગઝલના કાવ્યસ્વરૂપો સાતમા-આઠમા દાયકામાં નવા રૂપ અને રંગ ધારણ કરે છે. આ દાયકાના ગીતો અને ગઝલો અગાઉના સર્જન કરતાં વિષય, ભાષા, કલ્પન, પ્રતીક, લય વગેરે બાબતોમાં ભિન્ન છે. આધુનિક ગઝલ પ્રક્રુતિ અને પ્રણયના વિષયો કાવ્યમાં પ્રગટ કરે છે અને તેથી વધુ એકલતા, ખાલીપો, વિષાદ, નિરાશા, શૂન્યતા વગેરે નું આલેખન કરે છે. આધુનિક ગઝલના ત્રણ પ્રયોગશીલ સર્જકો આદિલ મન્સૂરી, ચિનુ મોદી અને રાજેન્દ્ર શુકલને ગણી શકાય. ‘કોમળ રિષભ’ (1970) અને ‘અંતરગાંધર’ (1981) એ તેમના કાવ્યસંગ્રહો છે. રાજેન્દ્ર શાહ એ આગવા મિજાજના ગઝલકાર છે, તે તેમના નીચેના શેર પરથી જણાશે....

“રાજેન્દ્ર છું છતાંયે હકીકત જુઓ તો આ,
ક્યાંયે ન ઘર કે બહાર મુકદ્દરની વાત છે.” (1)

આ મક્તા મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલે’ રચીને રાજેન્દ્રના નામે મૂકેલો છે. તેનું એક માત્ર કારણ એ છે કે ગાફિલનો આગ્રહ હતો કે મક્તા વગર ગઝલ ન હોવી જોઇએ. બાકી ગઝલકાર રાજેન્દ્રને પૂછીયે કે આટલી વિપુલ માત્રામાં ગઝલના સર્જકે કેમ તખલ્લુસ રાખ્યું નથી તો તે તરત જ્ણાવે છે કે એક નામનોય ભાર નથી ઉપડતો તો બીજું ક્યાં ધારણ કરું ભઇ ? આવો જવાબ આપનાર રાજેન્દ્ર શુકલ આગવી જ વિચારસરણી ધરાવે છે. તેમની ર્દષ્ટિએ મક્તા ગમે તે ભૂમિકાએ કે ગમે ત્યારે કહેવાની વાત નથી. સાત નભથી ટોચે બેઠા પછી મક્તાને વાંચવાનો હોય છે:

“સાતમા નભની નિસરણ ચઢ હવે,
ટોચ પર બેસીને મક્તો પઢ હવે.” (2)

રાજેન્દ્ર શુકલની ગઝલોમાં આ એક જ શેરમાં ‘મક્તા’ શબ્દ પ્રયોજાયેલો છે જે તેમના આગવા વ્યક્તિત્વ અને મિજાજનો આપણને પરિચય કારાવે છે.

છેલ્લા બે એક દાયકાથી રાજેન્દ્ર શાહ એ આપણા પ્રમુખ ગઝલકાર રહયા છે. રાજેન્દ્ર શુકલાની ગઝલમાં રાજસ્થાની લોકબોલી, સોરઠી બોલી અને તળપદી સૌરાષ્ટ બોલીનું ભાષાનાવીન્ય પ્રગટે છે. જુઓ-

“માણસના મન ઇને ચ્યમ રે પમાય ?
સમજણ તો સીધી ને સોંસરવી જાય.” (3)

અહીં આ શેરમાં ‘ઇને’, ‘ચ્યમ’, ‘સોંસરવી’ શબ્દો તળપદી સોરઠી બોલીના છે. તેમને તળપદી બોલીનો પ્રયોગ કર્યો છે છતાં એમના શેરમાં પ્રગટ થતો મિજાજ તો એનો એ જ રહે છે.

“જંતરને બાઝ્યાં છે જાળાં,
જાઇ હવે ગળવા હેમાળા.” (4)

આ શેરમાં સૌરાષ્ટ પ્રદેશની બોલી નો ઉપયોગ કવિએ કર્યો છે જે ‘જાળાં’ અને ‘હેમાળા’ શબ્દો પરથી જણાઇ આવે છે. તેમને રાજસ્થાની લોકબોલીના લય લહેકાઓનો પ્રયોગ કરીને ગઝલો લખી છે, તેના કેટલાક શેર-

]

“લઇ નાંવ થારો સમયનો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તે અમીયેલ પાનક.” (5)

અહીં કવિ કહે છે કે ‘તારું નામ લઇને સમયનો હળાહળ પ્યાલો હોંઠે ધર્યો છે તે અમ્રુત બની ગયો. જેમ મીરાંએ શ્રીક્રુષ્ણ નું નામ લઇને ઝેર નો પ્યાલો હોઠે ધરતાં તે પ્યાલો અમ્રુત થયો હતો તેમ હળાહળ સમયનો પ્યાલો તારા નામ સાથે લીધો અને એ અમ્રુત બની ગયો. ‘થારો’, ‘પાનક’ જેવા શબ્દો રાજસ્થાની લોકબોલીના છે.

ગઝલ સહેલાઇથી લખાય છે એવું નથી, કેટલીય મથામણ પછી કવિને એક શબ્દ પ્રાપ્ત થાય છે. તેમની રચનાઓ તેમના આંતરમનમાંથી પ્રકટેલી હોય છે. કવિ રાજેન્દ્ર શુકલે એમની એક ગઝલમાં ‘અલ્હમ્દુલિલ્લાહ’ શબ્દ પ્રયોજ્યો છે. મુસ્લિમ ધર્મના આ પવિત્ર શબ્દનો પ્રયોગ ગુજરાતી ગઝલમાં પ્રથમવાર રાજેન્દ્ર શાહે કર્યો છે જુઓ-

“અધધ ઓડકાર્યા કે અલ્હમ્દુલિલ્લાહ,
ગઝલ મોકળે મન પડો પડખે આડું ।“ (6)

આ શેરમાં રહસ્યાત્મક અનુભૂતિ સાથે તેમની કાવ્યાત્મક સૂક્ષ્મતા ચાક્ષુષ થાય છે.

‘બારમાસી’ જેવા મધ્યકાલીન કાવ્યપ્રકારને તેમણે ગઝલમાં ઢાળ્યો છે. તેમની સુપ્રસિધ્ધ બારમાસી ટૂંકી બહેરમાં લખાયેલી છે-

“દૂર દૂર પરહરતા સાજન,
વરસો આમ જ સરતા સાજન,
કારતકના કોડીલા દિવસો
ઊગી આમ જ ખરતા સાજન.
માગશરના માઝમ મ્હોલોમાં
નેવાં ઝરમર ઝરતાં સાજન ।
શ્રાવણની સરવરની પાળે
હવે એકલા ફરતા, સાજન ।“ (7)

કવિ એ આ બારમાસીમાં પ્રક્રુતિ નિરૂપણ ની સાથે સાથે નવા નવા પ્રતીક –કલ્પનોનો ઉપયોગ કરીને પ્રેમભાવને વ્યક્ત કર્યૉ છે. ઉપર્યુક્ત ગઝલ વાંચતાં જ એમાં રહેલ પ્રણય અને વિરહ ની ઉત્કટતા જણાઇ આવે છે. એમાં રહેલ વિરહભાવ તો ઉત્ક્રુષ્ઠ રીતે પ્રગટ થયો છે પણ ગઝલમાં આવતા ‘પરહરતા’, માઝમ મ્હોલોમાં’ જેવા શબ્દો નો ઉપયોગ મધ્યકાલીન બોલી નો અનુભવ કરાવે છે. આ ગઝલ બારમાસી એટલે કે દરેક મહિનાની વિશેષતા માત્ર બે જ મિસરા દ્રારા પ્રકટ કરી છે.

આ ગઝલમાં કારતક માસ એટલે મેળાનો મહીનો. નાયક અને નાયિકાનું મિલનસ્થાન એટલે મેળો. આ મેળામાં મળવાના ‘કોડિલા દિવસો’ માં મુક્તમને પ્રણયફાગ ખેલીને, રમીને નાયક-નાયિકા પ્રણયભાવને વ્યક્ત કરે છે. પરંતુ આ શેરમાં તો પ્રણય તરસી નાયિકા એ સ્પષ્ટ કરે છે કે આવા કોડિલા દિવસોમાં પણ તે નાયકના મિલનથી વંચિત રહી છે. એ અહીં ‘ઊગી આથમી ખરતા’ પંકિત દ્રારા સ્પષ્ટ થતું જોઇ શકાય છે.

માગશર માસની મીઠી મીઠી ઠંડીમાં અને એવી ઠંડીમાં પ્રિયવ્યક્તિની પાસે હોવું અને તેની ઉષ્માનો અનુભવ કોને ન ગમે ? પરંતુ અહીં નાયિકાની પાસે નાયક નથી. તેથી તે કહે છે ‘નેવા ઝરમર ઝરતા’- આ પંક્તિ આમ તો ઝાકળની યાદ અપાવે છે પણ અહીં નાયિકાના વિરહથી આંખોમાંથી ટપકતા આંસુ ને ચાક્ષુસ કરે છે.

“પોષ શિશિરની રજાઇ ઓઢી,
અમે એક થરથરતા સાજન.” (8)

અહીં નાયિકાનો વિરહ ચરમસીમાએ પહોંચે છે. આ ભાવ ‘ અમે એક થરથરતા’ માં વ્યક્ત થાય છે.

ઇ.સ. 1269 ની આસપાસ જૈનમુનિ વિનયચંદ્રજી એ તેમના કાવ્ય ‘નેમિનાથ ચતુષ્પદિકા’ માં નેમિનાથ પાછળ પ્રેમની જોગણ બનેલી રાજલદેવીના વિરહના મહિના લખ્યા છે. તેમને લખેલી ‘ચતુષ્પદિકા’ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ બારમાસી કાવ્ય ગણાય છે. તેમજ 1518 આસપાસ ભરૂચ જિલ્લાના આમોદ ગામના કવિ ગણપતિએ પણ બારમાસી શુંગારિક કાવ્યો લખ્યા છે.આ પરંપરામાં રહીને જ કવિ રાજેન્દ્ર શુકલએ ‘બારમાસી’ ગઝલ લખવાનો પ્રયોગ કર્યો છે.

રાજેન્દ્ર શુકલ સતત પ્રયોગશીલ રહયા છે તેનું કારણ તેમનું સર્જકમન છે. આ કવિએ ગઝલમાં સૌપ્રથમ ઝૂલણા છંદનો પ્રયોગ કર્યો છે, જે તેમની ‘સંગ છે’ ગઝલ દ્રારા માણી શકાય છે.

“શ્વાસ અડિયલ અને પંથ અડબંગ છે, કૂચ જોઇ રહયા કાફલા દંગ છે
હાર કે જીતથી પ્રશ્ન પતતો નથી, છેક એવો જ આ કાયમી જંગ છે.” (9)

ઝૂલણા છંદનો પ્રયોગ તેમની બીજી એક ગઝલમાં પણ જોવા મળે છે.

“સાંજ ઢળતા જ રોશન થતા, મ્હેકતા હાથ ગજરા, ગળે હાર ઝુલાવતા,
ખીંટિયે લટકતી રાખીને રિક્તતા, આ અમે નીકળ્યા ખેસ ફરકાવતા.” (10)

આદિકવિ નરસિંહ મહેતાએ ઝૂલણા છંદનો ઉપયોગ તેમની ઘણી રચનાઓમાં કર્યો છે. તેમની આ રચનાઓમાં ઇશ્વર પ્રત્યેની ભક્તિનું ગાન છે તો રાજેન્દ્ર શુકલની આ ગઝલમાં કલકત્તાની કોઇ નગરવધૂ તરફ પ્રયાણ કરતા નાયકનું આલેખન થયેલું જોઇ શકાય છે. આ ગઝલમાં થયેલ પ્રલંબલયનો પ્રયોગ ખાસ ધ્યાનાકર્ષક છે.

રાજેન્દ્ર શુકલની ગઝલનો અસલી રંગ તો એમાં પ્રકટતું આધ્યાત્મિકતા ચિંતન છે. રાજેન્દ્ર શુકલની ‘તેની છતાં’, ‘મને ગિરનાર સંધરશે’, ‘પરિપ્રશ્ન’ જેવી શીર્ષસ્થ ગઝલોમાં આ રંગ જોવા મળે છે.

“કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ? (11)

તો આગળના શેરમાં કવિ કહે છે-

“પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ? (12)

ઉપર્યુક્ત બંને શેરોમાં ‘શું છે ?’ એવા પ્રશ્ન દ્રારા કવિ ગઝલમાં કહે છે.- કીડી સમી ક્ષણોની એટલે કે આ સમયની આવજાવ શું છે, તો બીજા મિસરામાં તે કહે છે કે મારો સ્વભાવ પરથી સીધા જ સ્વ ઉપર ચાલ્યા જાય છે, ત્યાં તેમનું આધ્યાત્મિક ચિંતન જોવા મળે છે.

રાજેન્દ્ર શુકલની ગઝલોમાં ક્યારેક ભારતીય દર્શનશાસ્ત્ર અને સૂફીવાદનો સંતર્પક સમન્વય અનુભાય છે. જુઓ-

“જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં,
ચૌદ બ્રભ્રાંડના ભેદ ભુલાવતાં. “ (13)

ઉપનિષદ ના સંર્દભને પ્રગટાવતો નીચેનો શેર જુઓ-

“એક પંખી એકલું કંઇ કલબલે
ઊડતું બીજુંય આવી જઇ મલે.” (14)

આમ, આ શેરમાં આધ્યત્મિકતા જોઇ શકાય છે. ‘હજો હાથ કરતાલ’ ગઝલમાં પણ તેમનું ચિંતન આપણે જોઇ શકીએ છીએ. કવિ કહે છે કે –

“હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક,
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.” (15)

આ ગઝલ માં કવિ કહે છે કે નરસિંહના જેમ મારા હાથમાં પણ કરતાલ હોય અને ગિરનાર ની તળેટીમાં મારો વસવાટ હોય. આમ, આ શેરમાં તેમનો ભક્તિભાવ જોઇ શકાય છે. એમની ‘ગ્રીષ્મ’ ગઝલમાં પ્રક્રુતિજગતનો આપણને અનુભવ થાય છે. આ ગઝલમાં કવિએ નવા પ્રતિકો અને કલ્પનો દ્રારા નવું જગત ખડું કર્યું છે જુઓ.-

“સૂરજ પારઘી દાંત, ભીંસે ગગન પર,
ધરા પર હવાના હરણનું ન હોવું,
દિવસ આંધળો સાપ કેમે હટે ના
અરે, કાળને પણ ચરણનું ન હોવું.” (16)

ગઝલના આ બે મિસરામાં કવિએ ગ્રીષ્મનું વર્ણન ખૂબ જ સાહજિક રીતે કર્યુ છે. ‘સૂરજ’ જેવા પ્રતીક અને ‘હવાના હરણ’ જેવા કલ્પનનો સરસ રીતે પ્રયોગ કર્યો છે. કવિ સૂરજ ને પારઘી કહે છે. પારઘી એટલે અહીં હિંસકવ્રુત્તિનો અને આ હિંસકવ્રુત્તિને અભિવ્યક્ત ‘દાંત’ પ્રતીક દ્રારા કરી છે. આખા આકાશને સૂરજ પોતાની અગનજ્વાળાઓથી તપાવી રહયો છે, ખાલી આકાશ જ નહિ પણ ધરતી પણ તેની અગનજ્વાળાઓથી તપે છે, સૂરજના તાપથી મ્રુગજળ પણ દોડીને કયાંક જતું રહે છે. કવિએ અહીં મ્રુગજળ ને ‘હવા ના હરણ’ દ્રારા કલ્પ્યું છે. આમ, આ ગઝલમાં કવિએ સૂકાં ઝાડ, સૂરજ, પારઘી, દાંત, હરણ, સાપ, ચરણે જેવા પ્રતીકો દ્રારા ગઝલમાં નવ્ય કલ્પન જગત ખડું કર્યું છે. આ કવિની મસ્તી અને ખુમારી ન્યારા જ છે, નીચેનો શેર જુઓ.-

“સાંજ ઢળતાં જ રોશન થતા, મહેકતા,
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતા,
ખીંટીએ લટકતી રાખીને રિકતતા,
આ અમે નીકળયા કેસ ફરકાવતા.” (17)

પ્રણયની અનુભૂતિ વર્ણવતો નીચેનો શેર જુઓ-

“અમે તો કેટલીક વાર આંખો મળી,
એક દીવાલ ફરક્યા કરી રેશમી ।“ (18)

પ્રણયની સુકોમળ લાગણી ઉપરના શેરમાં વ્યકત થાય છે. તેમની ગઝલો માં આવી પ્રસન્નતા જોવા મળે છે એ નોંધનીય બાબત છે. કવિ રાજેન્દ્ર શુકલનો એક ઉત્તમ શેર છે.-

“સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે,
તિલક કોઇ આવીને કરશે અચાનક.” (19)

ઓરસિયા પર સુખડનું લાકડું ઘસીને ચંદન ઉતારવાની ક્રિયા કરવામાં આવે છે અને એ ચંદન ના દેવ-દેવીઓને તિલક કરવામાં આવે છે. આમ, આ આખી પ્રક્રિયા દ્રારા કવિ શબ્દો નું મહત્વ દર્શાવે છે. અને તેમના આ શબ્દો જ તેમને તિલક કરશે એટલે કે એમની પ્રતિષ્ઠા વધારશે એવી કવિની શ્રધ્ધા છે.

“શબ્દો વિરામચિહ્નથી રૂસણે ચઢી ગયા,
કૈકેયીના શરીરથી શણગાર ઊતરે.” (20)

આ શેરમાં પુરાકલ્પનનો આશ્રય લેવામાં આવ્યો છે. રાણી કૈકેયી રાજા દશરથ પર રિસાઇને પોતાનો બધો શણગાર ઉતારી દે છે એવી જ રીતે જો શબ્દો પોતનો શણગાર એટલે કે વિરામચિહનો ફગાવી દે તો શું થાય ?

“હ્સ્વ ઇ ને દીર્ધ ઇ અને હ્સ્વ ઉ ને દીર્ધ ઊ;,
અક્ષર ઉપરથી ક્યારે બધો ભાર ઊતરે ।“ (21)

આ શેરમાં પણ ઉપરની વાત આગળ વધારાઇ છે. કવિ કહે છે કે નાનો ઇ, મોટો ઇ, નાનો ઉ અને મોટો ઊ આ બધા વ્યાકરણ નો ભાર શબ્દ પરથી કયારે ઉતરશે ? આમ, શબ્દોને ગઝલકારોએ જુદી જુદી રીતે ઉપયોગ માં લીધો છે. તો એક શેરમાં કવિ કહે છે-

“શબ્દનું તળિયું હવે દેખાય છે,
શબ્દનું તળિયું હવે દેખાય છે.” (22)

આવું કહેનાર કવિ રાજેન્દ્ર શુકલને શબ્દ પ્રત્યે કેટલી લાગણી છે, શ્રધ્ધા છે. આ કવિને મન શબ્દ એ બ્રહ્મ છે. એ કહે છે-

“આ શબ્દથી જ શબ્દને અજવાળશું નકી,
સર્વસ્વ ઓગળી જવાનો ભય ભલે રહયો.” (23)

આવું કહેનાર કવિ અંધારાને ખીલવતો રેશમનો અંધાર પછેડો ઓઢીને ખંડેર ના એકાંતમાં પણ એક સાથે બીજી પળને સાંકળે છે અને એટલે જ તે કહે છે.

“પૂર્ણમાંથી અંશ અવતારી થયો,
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો.” (24)

આ કવિ શબ્દો ને સારી રીતે પારખી ગયા છે. તેમના શબ્દમાં રહેલ આધ્યાત્મિક ચિંતનનું ઊંડાણ આ શેરો દ્રારા પામી શકાય છે. કવિ બીજા એક શેરમાં કહે છે.-

“બેય બાજુથી સ્વીકારું છું હું બધું,
હું બધુંયે બેય બાજુ જોઉ છું.” (25)

આ શેરમાં ‘બેય બાજુ’ ગાણિતિક સંખ્યાનો ઉપયોગ થયો છે. જગતમાં જે સારું છુ તે પછી વિચારો હોય, પદાર્થ હોય કે પછી પ્રવાહી હોય તે બધાને બેય બાજુથી સ્વીકારવામાં કવિ રાજેન્દ્ર શુકલને કશો જ વાંધો નથી. ‘બેય બાજુ’ એટલે કોઇપણ વસ્તુંની બે બાજુ હોય સારી અને નરસી. અહીં ‘બેય બાજુ’ શબ્દ દ્રારા કવિએ ભાષાની અર્થક્ષમતાને પ્રગટ કરી છે. તેમનો ‘મનાવો જશ્ન’ નામની ગઝલ નો શેર જુઓ-

“કરમ કરે કે કરે એ સિતમ, છે શાહે સુખન,
સલામ જે કે પડી છે હવે નિગાહે સુખન,
અનાદિકાળ અહિં ઓગળે પલક ભરમાં,
અંજલથી આજ હશે મૂળ ખાનકારે સુખન.” (26)

આ શેરમાં ઉર્દૂ- ફારસી શબ્દોનો પ્રયોગ કવિએ કર્યો છે. તો કવિ રાજેન્દ્ર શુકલે આંસુનું નામ પાડયા વિના પણ એક શેરમાં કહયું છે કે –

“એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.” (27)

માણસ સુખ અને દુ:ખની લાગણી અનુભવે છે. તેની અભિવ્યક્તિ હાસ્ય અને આંસુ સાથે સંકળાયેલી છે. માણસ તો વેદનાના અને હરખના એમ બંને પ્રકારના આંસુ વહાવી જાણે છે. આવા આંસુઓને ગઝલકારોએ પોતાની ગઝલોમાં આલેખ્યા છે.

રાજેન્દ્ર શુકલએ ગઝલમાં પુરાકલ્પનોનો પ્રયોગ કરી ગઝલોનો અનેક સ્તરીય ઉઘાડ કર્યો છે નીચેનો શેર જુઓ-

“ન મેઘ અલકા, ન યક્ષ કંઇયે
રહી ગયો એ અષાઢ પાછળ.” (28)

આ શેર વાંચતાં જ કાલિદાસના ‘મેઘદૂત’ માંના ‘અષાઢસ્ય પ્રથમ દિવસે’ નું સ્મરણ થઇ જાય છે. એક શેરમાં કવિ કહે છે.-

“છે ચન જેનું એના જ પંખી ચૂગે આ
રાખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.” (29)

કવિ અહીં કહે છે કે સમયના પંખીઓ ક્ષણોના દાણા ચણે છે. અને નાનક જેવા મહાન માણસ કોઇપણ આસક્તિ વગર એને નિહાળતા હોય- છે. અહીં કવિ નાનકનો સંર્દભ જોડે છે. નીચેનો શેર જુઓ-

“નયનથી નીતરતી મહાભાવ મધુરા,
બહો ધૌત ધારા, બહો ગૌડ ગાનક.” (30)

અવિ અહીં પ્રભુ મસ્તીમાં ન્રુત્ય કરતા ચૈતન્ય મહાપ્રભુનો સંદર્ભ આપીને પ્રેમલક્ષણા ભક્તિની અવસ્થા વ્યકત કરે છે. કવિ પુરાકલ્પનને કઇ રીતે પ્રયોજે છે તે મહત્વનું છે. પુરાકલ્પન નો નામ નિર્દેશ કર્યા વગર પણ પુરાકલ્પનને પ્રકટ કરી શકાય છે. નીચેનો શેર જુઓ-

“પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?” (31)

કવિએ અહીં બે પુરાકથાનો નિર્દેશ કર્યો છે. એક લક્ષ્મણને જયારે મેઘનાદે તીર મારીને બેભાન કરી દીધો ત્યારે હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા માટે ગયા હતા ત્યારે તેમને સંજીવની બુટ્ટી ન ઓળખાતા તે આખો પર્વત ઊંચકીને લઇ આવ્યા હતા. બીજી કથા એ કે વ્રજવાસીઓને બચાવવા માટે ભગવાન શ્રીક્રુષ્ણએ પર્વતને ટચલી આંગળીએ ઊંચક્યો અને વ્રજવાસીઓનું રક્ષણ કર્યું. આમ, આ બંને ઘટનાઓનો નામનિર્દેશ કર્યા વગર કવિએ ગઝલમાં વ્યકત કર્યા છે.

આમ, રાજેન્દ્ર શુકલે કેટલાક શેરોમાં પુરાકલ્પનનો નામનિર્દેશ કર્યા વગર સંકેતો દ્રારા પુરાકથાથી ઘટનાને ચાક્ષુસ કરી છે, જેથી અભિવ્યક્તિનું મહત્વ વધી ગયું છે અને ગઝલ નવા અભિનિવેશમાં પ્રકટ થઇ છે.

આમ, રાજેન્દ્ર શુકલએ ગુજરાતી ગઝલને નવો શબ્દ આપ્યો છે. તેમની ગઝલમાંથી સંસ્ક્રુતવ્રુત્તો, રાજસ્થાની- ઉર્દૂ- ફારસી બોલી, તળપદી લોકબોલીનો પ્રયોગ, આધ્યાત્મિક રંગ, ઇન્દ્રિયવ્યત્યય કલ્પનો, ઝૂલણા છંદ વગેરે વિવિધ પ્રયોગો દ્રારા ગઝલમાં રહેલ અનેક શક્યતાઓનો ઉઘાડ કરી નવાં પરિમાણો સિધ્ધ કર્યા છે.

પાદનોંધ

  1. ગઝલ પ્રવેશિકા, પ્રુ.50
  2. એજન , પ્રુ.50
  3. કોમલ રિષભ , પ્રુ.70
  4. એજન , પ્રુ.62
  5. ગુજરાતી કવિતા આસ્વાદ અને અવબોધ પ્રુ.69
  6. કોમલ રિષભ , પ્રુ.45
  7. એજન , પ્રુ.50
  8. એજન , પ્રુ.50
  9. એજન , પ્રુ.71
  10. એજન , પ્રુ.72
  11. ગુજરાતી કવિતા આસ્વાદ, પ્રુ.63
  12. એજન , પ્રુ.63
  13. અંતરગાંધાર, પ્રુ.41
  14. એજન , પ્રુ.41
  15. ગુજરાતી કવિતા આસ્વાદ, પ્રુ.69
  16. કોમલરિષભ , પ્રુ.55
  17. એજન , પ્રુ.9
  18. એજન , પ્રુ.11
  19. ગઝલોનો કરીએ ગુલાલ, પ્રુ.98
  20. એજન , પ્રુ.99
  21. એજન , પ્રુ.99
  22. કોમલરિષભ , પ્રુ.43
  23. એજન , પ્રુ.31
  24. એજન , પ્રુ.31
  25. એજન , પ્રુ.32
  26. અંતરગાંધાર , પ્રુ.11
  27. એજન , પ્રુ.23
  28. એજન , પ્રુ.44
  29. એજન , પ્રુ.46
  30. એજન , પ્રુ.24
  31. ગુજરાતી કવિતા આસ્વાદ, પ્રુ.63

સંદર્ભગ્રંથ

  1. અંતરગાંધાર, રાજેન્દ્ર શુકલ, પ્ર.આ. 1981
  2. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, પ્રસાદ બ્રહ્મભટ્ટ,પ્ર.આ. 2010
  3. આધુનિક કવિતાપ્રવાહ, જયંત પાઠક,પ્ર.આ. 2007
  4. અમર ગઝલો, ર્ડા. એસ.એસ.રાહી, પ્ર.આ. 2013
  5. કોમલરિષભ, રાજેન્દ્ર શુકલ, પ્ર.આ. 1970
  6. ગુજરાતી કવિતા આસ્વાદ અને અવબોધ, ર્ડા. બિપિન આશર,પ્ર.આ. 2011
  7. ગઝલ પ્રવેશિકા, રાજેન્દ્ર વ્યાસ ‘મિસ્કીન’,પ્ર.આ. 2012
  8. ગઝલ: પરંપરા, પરિવર્તન અને પ્રયોગ, હરીશ વટાવવાળા,પ્ર.આ. 2005
  9. *************************************************** 

    ભાવનાબેન કે પટેલ
    સહાયક શિક્ષક, નવાગામ પ્રાથમિક શાળા,
    તા. દહેગામ, જિ. ગાંધીનગર

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us