પર્યાવરણ અને વિકાસ વૈશ્વિકરણની દોડમાં પંચમહાભૂતનું મહત્વ આપણે ભૂલી ગયા છીએ. વાસ્તવમાં આ પંચમહાભૂતની નીપજ એવી સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ સાથેની પરસ્પર ગૂંથાયેલી કુદરતી વ્યવસ્થાને પર્યાવરણ કહેવાય.
પ્રગતી અને પ્રકૃતિ અર્થાત વિકાસ અને પર્યાવરણ એક સિક્કાની બે બાજુઓ છે. કુદરત સાથેનો આપણો વ્યવહાર આપણે બદલવો જ પડશે. આપણે પ્રકૃતિ સાથે પ્રેમ કરતા શીખવું પડશે. જ્યાં સુધી સમાજમાં પર્યાવરણીય સંપતિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં નહિ આવે ત્યાં સુધી માનવવિકાસને પુષ્ટિ મળશે નહિ. તેથી કહી શકાય કે માનવ સિવાય પૃથ્વી પર પર્યાવરણ ના ઘટકોને કોઈ ખાસ નુકશાન કરતુ નથી. પર્યાવરણે જ માનવજીવન આપ્યું છે અને કુદરતે બુધ્ધીની અમૂલ્ય ભેટ માનવીને આપી છે. તેનો અયોગ્ય ઉપયોગ કરીને હજારો વર્ષોથી ચાલતી પર્યાવરણીય વ્યવસ્થા બગાડી નાખી છે. લીમડાનું એક પરિપક્વ વૃક્ષ ચૌદ કલાકમાં એક ટન જેટલો ભેજ વાતાવરણમાં છોડે છે જે દસ એરકંડિશનર જેટલી ઠંડક પૂરી પાડે છે. આપણે વિકાસને નામે ભૂલ તો કરી જ છે. પરંતુ આપણી પેઢી ન બને તે જોવાની પણ આપણી ફરજ છે.
પર્યાવરણ જાળવણી અને વિકાસ
આપણે મુખ્યત્વે ચાર બાબતો પર ધ્યાન આપવું જોઈએ.
૧) વસ્તી વધારા પર નિયંત્રણ મુકવું જોઈએ.
૨) પ્રાકૃતિક સાધનોનો નાશ થતો અટકાવો જોઈએ.
૩) ટેકનોલોજીકલ પ્રગતી સાધીએ ત્યારે વધતુ પ્રદુષણ અટકાવવું જોઈએ.
૪) પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ.
- કાયદાથી કે જબરદસ્તીથી કોઈજ કામ લાંબો સમય કરાવી શકાય નહિ. સમજાવટ અને પ્રોત્સાહન દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય.
- દરેક માનવી પર્યાવરણને નુકશાન પહોચાડતી વસ્તુઓથી દુર રહે અથવા તેનો ઓછો ઉપયોગ કરે દા.ત. પ્લાસ્ટીક વધુ કાર્બન ઉત્પન્ન કરતા, ઇંધણ વિ.
- ઔદ્યોગિકરણ એ વિકાસ સાથે જોડાયેલી ઘટના છે. તેથી ઔદ્યોગિક વિકાસ માટે પર્યાવરણની લોકોમાં સમજ કેળવાય તે પણ જરૂરી છે. છેલ્લા ૧૦૦ વર્ષમાં માનવીએ અનેક પ્રવૃત્તિઓથી વાયુમંડળમાં ૩૬ લાખ ટન અંગારવાયુ છોડ્યો છે. જેથી ઓક્સીજનમાં ૨૪ લાખ ટનનો ઘટાડો થયો છે. ગ્રીન હાઉસ ઈફેક્ટ શરૂ થઇ ગઈ છે. જેથી આપણે ઘર ને બદલે નીભાડામાં રહેવાનો અનુભવ કરીશું તે માટે આપણે જાતે જ નક્કી કરવાનું છે કે આપણે ઘરમાં રહેવું છે કે નિભાડામાં ?
વિકાસના ઉપાયો
- આપણે અશ્મિજન્ય બળતણને બદલે શૂન્ય કાર્બન ઉત્સર્જન કરે તેવા રૂપાંતરિત બળતણ જેવા કે પવનઉર્જા સૌર ઉર્જા અથવાતો ઓછુ પ્રદુષણ અને કાર્બન ઉત્પન્ન કરે તેવા ગેસ નો ઉપયોગ વધારી દઈ ઓક્સીજનનું પ્રમાણ સમતોલ કરી શકાય.
- પર્યાવરણીય સંપતિની જાળવણી પ્રાથમિક પેદાશોની જાળવણી માટે પણ અનિવાર્ય છે. આયોજનમાં જળસંચયની પદ્ધતિ વિકસાવીએ. રણ કે અર્ધરણ જેવા સુકા પ્રદેશમાં ખેત પેદાશોનું પ્રમાણ વધારીને રોજગારીમાં વધારો લાવી શકાય છે અને આર્થિક પ્રવૃતિમાં થતો વધારો છેવાડાના માનવીને પણ લાભ અપાવશે બિન સરકારી સંગઠનો આ જવાબદારી ઉપાડે તો છેવાડાના માનવીની કુલ ક્ષમતામાં વધારો થશે.
- સારા જીવનધોરણ માટે પણ પર્યાવરણની જાળવણી જરૂરી છે. શુદ્ધ જલની અપ્રાપ્તિને લીધે પાણી જન્ય રોગો ફેલાય છે જે કાર્યક્ષમતા પર વિપરિત અસર કરે છે.
- પર્યાવરણીય સંપતિની શિક્ષણ ઉપર પણ વિપરિત અસર પડે છે. આંતરિયાળ ગામડામાં પાણી બળતણ ચારો વગેરેનું કામ બહેનો કરતી હોય છે. પર્યાવરણીય સંપતિનું ધોવાણ મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે રાહતકાર્યોમાં નાના બાળકોને પણ સાથે લઇ જવામાં આવતા હોય છે તેથી બાળકો શાળામાં પુરતી હાજરી આપી શકતા નથી. તેથી વિકાસ અવરોધાય છે.
- દુષ્કાળ અને અતિવૃષ્ટિ પણ પર્યાવરણની સંપતિની જાળવણી માટે નુકશાનકારક છે ઉત્તર ગુજરાતમાં વારંવાર દુકાળ પાડે છે તેની અસર માનવ વિકાસ પર જોવા મળે છે. તો દક્ષિણ ગુજરાતમાં વારંવાર અતિવૃષ્ટિ થતી જોવા મળે છે જેનાથી માનવ વિકાસ ધોવાઇ જાય છે.
- સંશોધનનો ક્ષય અને પ્રદુષણને કારણે જીવનનું સાતત્ય જ ખંડિત થશે એવી બીક હવે દેખાવા લાગી છે. ઘરડા માણસનું એક એક અંગ નકામું થતું જાય તેવું પર્યાવરણનું પણ થઇ રહયું છે.
- જો આર્થિક વિકાસ પૃથ્વીની પર્યાવરણ વ્યવસ્થાના ભોગે જ થઇ શકતો હોય તો તેવો વિકાસ ટકાઉ વિકાસ ન કહેવાય.
- પર્યાવરણ અંગેની સાચી સમજ જ જંગલોની સાચવણીમાં મદદરૂપ બની ઋતુચક્રને જાળવીરાખે છે. કુદરતી સંપતિ નો જથ્થો ખુબ જ માર્યાદિત છે તેથી તેનો કરકસર ભર્યો ઉપયોગ થાય તેવું આયોજન કરવું જરૂરી છે અને સતત નવીનીકરણ થતું રહે તે પણ આવશ્યક છે. દા.ત. રસાયણિક ખાતર નાખવાથી જમીનની ગુણવત્તા બગડે તો સેન્દ્રીય ખાતર નાખવાથી તે ફરીથી પ્રાપ્ત થઇ શકે.
- માનસિક શાંતિ માટે પણ પર્યાવરણનું આગવું મહત્વ છે. ઓસ્ટ્રેલીયા જેવા દેશમાં બિનજરૂરી હોર્ન વગાડવાની પણ મનાઈ છે. પડોશમાં રહેતી વ્યક્તિઓ મોટા અવાજે ટી.વી. કે ટેપ ચાલુ કરતા નથી. રસ્તામાં ચોકલેટનું ખાલી રેપર હોય તો પણ ત્રણ વર્ષનું બાળક તેને ઉઠાવીને ડસ્ટબીનમાં નાખી દે છે આવી પર્યાવરણીય જાગૃતિ લાવીએ. સાથે આવનારી પેઢીઓ પણ તંદુરસ્ત જીવન જીવી વિકાસ હાંસલ કરી શકે. જો કે હવે રાજ્ય સરકારે કુદરતી સંપતિની જાળવણી માટે વિવિધ પ્રયાસો કર્યા છે. સંયુક્ત વનીકરણ જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમ, સહભાગી જળસંચય યોજના, શિક્ષણ ના સંદર્ભમાં પ્રવેશોત્સવ, તેના લીધે એક વિશિષ્ટ હવામાન ઉભુ થતુ ગયું છે. જો કે આ ગતિ હજુ ધીમી છે. રાજ્યની કુલ આવકના ૫ % પ્રદુષણ નિયંત્રણ માટે વાપરવાના હતા. તેની સરખામણીમાં હાલમાં ૧ % જેટલી જ રકમ ખર્ચ કરવામાં આવે છે. પર્યાવરણલક્ષી સ્વૈચ્છિક સંસ્થાઓ અને જાહેર સ્વાસ્થ્યના આંદોલન કારો જો એકઠા થાય તો સરકાર ઉપર નદીની સ્વચ્છતા, જાહેર સેનીટેશન વગેરેમાંથી પ્રદુષણને દુર કરવા માટે દબાણ લાવી શકે.
- અંતમાં વિકાસનું લક્ષ માનવલક્ષી અને પ્રકૃતિલક્ષી હોવું જોઈએ. પર્યાવરણની આ વૈશ્વિક સમસ્યાનો સચોટ ઉપાય છે યૌગિક જીવન પદ્ધતિ. કારણકે સંયુક્ત રાષ્ટ્રસંઘની ‘સ્વચ્છ વિશ્વ’ નું ઝુંબેશનું આ ૧૯ મું વર્ષ છે પણ આખી ઝુંબેશની સફળતાનો આધાર સ્થાનિક પરિસ્થિતિ, સ્થાનિક સંજોગો, લોકોમાંની નાગરિક ભાવના અને રાષ્ટ્રપ્રેમની લાગણી પર છે.
આપણે આપ્તજનોને જન્મદિન નિમિત્તે મોંઘી ભેટ અને સોગાદો ના આપી શકીએ તો કાઈ નહિ પણ એક વૃક્ષ ભેટમાં આપીએ તો વર્ષો પછી પણ તેઓ આપણને યાદ કરશે. દેશની વસ્તીના અડધા જ લોકો જો આ પ્રમાણે કરશે તો પણ પર્યાવરણીય જાગૃતિ આવી શકે તેમ કહેવાશે.
***************************************************
પ્રા. પ્રજ્ઞા એ. ગાંધી
અર્થશાસ્ત્ર વિભાગ
આર્ટસ કોલેજ,
મોડાસા.
|
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. | Powered By : Prof. Hasmukh Patel
Home | Archive | Advisory Committee | Contact us |