logo

૧૯ મી સદીના પૂર્વાર્ધે ગુજરાતમાં બ્રિટિશ હકૂમતની સ્‍થાપના

૧૯મા સૈકાના પૂર્વાર્ધમાં બ્રિટિશ શાસન ભારતના અન્‍ય પ્રાંતોની સાથે ગુજરાતમાં પણ સ્‍થપાયું. તેમણે મરાઠાઓની દુર્બળતાનો લાભ લઇ ઇ.સ. ૧૮૧૮માં મરાઠી શાસનની ધુંસરી ફગાવી દઇને પોતાનો એકાધિકાર સિદ્ધ કર્યો. પરિણામે અંગ્રેજી હકૂમતના સંસર્ગને લીધે ગુજરાતી સમાજ તદ્દન એક જુદા જ પ્રકારના સામાજિક અને વૈચારિક માળખું ધરાવતા અલાયદા સમાજના સંપર્કમાં આવ્‍યો, જે પ્રગતિશીલ હતો. પરિણામે સમાજમાં તેણે એક નવીન પરિસ્‍થિતિનું સર્જન કર્યું. તેની સ્‍થાપનાને પરિણામે ધીરે ધીરે બ્રિટીશ વહીવટીતંત્રની તેમજ તેના અન્‍ય પાસાંઓની અસર ગુજરાતી સમાજના સામાજિક, રાજકીય, ધાર્મિક વગેરે બાબતો પર પ્રત્‍યક્ષ અને પરોક્ષ થવા લાગી અને એક ‘નૂતન યુગ’ ની શરૂઆત થઇ.

૧. બ્રિટીશ વહીવટીતંત્ર :-

૧૯મી સદીની પ્રથમ પચ્‍ચીસીમાં સ્‍થપાયેલ બ્રિટીશ સત્તાને લીધે ગુજરાતના બધા પ્રાંતો- વિસ્‍તારો પર બ્રિટીશ વહીવટીતંત્ર સીધી રીતે સ્‍થપાયું ન હતું. સીધી રીતે બ્રિટીશ હકૂમત હેઠળ આવતા પ્રદેશોમાં અને દેશી રજવાડામાં અલગ અલગ પ્રકારનું વહીવટી તંત્ર હતું. પરંતુ રેલ્‍વે, તાર, ટપાલ જેવા નવા સંદેશાવ્‍યવહારના સાધનોને લીધે દેશી રાજયોના લોકો અને બ્રિટીશ હકૂમતના પ્રદેશના લોકો વચ્‍ચે આર્થિક અસમાનતા તેમજ સાંસ્‍કૃતિક આદાન-પ્રદાન શકય બન્‍યું હતું. આમ, કચ્‍છ, સૌરાષ્‍ટ્ર અને તળગુજરાતના પ્રાંતો ઉપર બ્રિટીશ હકૂમત પહેલા જે મુસ્‍લિમ સલ્‍તનતમાં સ્‍થાપાયેલ વહીવટીતંત્ર અને મુઘલોએ થોડું સુધારેલું વહીવટીતંત્ર ચાલતું હતું, જે મરાઠાઓએ પણ યથાવત રાખ્‍યું હતું. કારણ કે, તેમને રાજય સ્‍થાપવામાં રસ ન હતો, પરંતુ જીતેલા પ્રદેશના રાજાઓ અને લોકો પાસેથી ચોથા તેમજ સરદેશમુખી ઉઘરાવવામાં રસ હતો. પરિણામે વહીવટીતંત્રને સુધારવામાં તેમને કોઇ લાભ પણ ન હતો. આ વ્યવસ્‍થાનો ચિતાર ‘મિરાતે અહમદી’ માંથી મળે છે.

અંગ્રેજી હકૂમતના શરુઆતના તબક્કામાં ગુજરાત રાજકીય દ્દષ્‍ટિએ ત્રણથી ચાર હક્કોની અસર તળે વિભાજીત થયેલું હતું. જેઓ બને તેટલો પ્રદેશ અને બને એટલા ઠાકોરોને પોતાના વર્ચસ્‍વ તળે લાવવા માંગતા હતા તેમજ કેટલાક વિસ્‍તાર ઉપર મુઘલ શાસનના પ્રતિનિધિનું વર્ચસ્‍વ હતું. જેમાં સુરત, ભરૂચ, ખંભાતમાં દિલ્‍હી શાસનની છત્રછાયા સ્‍વીકારી જુદા જુદા નવાબો અને કાઠી દરબારો સ્‍વતંત્રપણે રાજય કરતા હતા અને વિસ્‍તરતી મરાઠા સત્તા સિંધિયા, પેશ્વા અને ગાયકવાડમાં વિભકત કેટલાક વિસ્‍તાર પર રાજય કરતી હતી.

આમ રાજકીય રીતે ગુજરાત સંગઠીત પ્રદેશ ન હતો અને ઠાકોરો તથા રાજાના સતત સંઘર્ષને લીધે શાંતિ કે સલામતી ન હતી. તેમજ તેમના સંઘર્ષને લઇ લૂંટફાટ અને રાજકીય ઉથલપાથલના ભોગ બનવું પડતું હતું. આવા ફલક ઉપર ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીના આગમને ગુજરાતમાં સત્તા અને પ્રદેશ માટે એક નવો ભાગીદાર વર્ગ ઉભો કર્યો હતો, જેણે પ્રત્‍યક્ષ-પરોક્ષ રીતે ધીરે ધીરે મોટા ભાગના વિસ્‍તાર પર પોતાનું વર્ચસ્‍વ સ્‍થિર કરી દીધું. આ બ્રિટીશ વહીવટીતંત્ર પરંપરાગત ગુજરાતી સમાજના જ્ઞાતિ આધારીત વહીવટીતંત્રને બદલે સિદ્ધિકેન્‍દ્રી, બિન સાંપ્રદાયિકતા અને સમાનતાના મૂલ્‍યો પર આધારીત હતું. તેમાં પરંપરાગત ગુજરાતી સમાજના ‘અંગાગી’ સંબંધોને સ્‍થાન ન હતું.[1] આમ ગુજરાતના સમાજમાં સ્‍થિર બ્રિટીશ વહીવટીતંત્રને કારણે પરિવર્તનની સંકાંતિકાળની એક પરિપાટી ઉભી થઇ.

૨. નવી કાનૂની વ્‍યવસ્‍થા :-

નવી કાનૂની વ્‍યવસ્‍થા હેઠળ વ્‍યકિતની ગુણવત્તા ચકાસવામાં આવતી. અલબત સરકારી નોકરીમાં થોડા પ્રમાણમાં પ્રવેશ મળતો થયો, પણ તેમાં પગાર, બઢતી અને બરતરફીના ચોક્કસ નિયમો હતા. આથી જ્ઞાતિ કે ધર્મ પર આધારિત સમૂહવતી આધિપત્‍યનો ખ્‍યાલ નાબૂદ થયો. આમ એક રીતે સમાજમાં ‘વ્‍યવસાયિક તરતા’ પેદા થઇ. પરંપરાગત ગુજરાતી સમાજમાં ‘સેવા માટેનું વળતર’ કાનૂની કે બુદ્ધિગ્રાહય સિદ્ધાંતો ઉપર નિર્ભર ન હતું કે પગાર, કામ ને આધારે નક્કી કરવાની પ્રથા ન હતી અને તે પણ પેઢી દર પેઢીથી ચાલી આવતી હતી. તેથી કોઇને પોતાની સામાજિક, આર્થિક સ્‍થિતી સુધારવાનો અવકાશ ન હતો. માત્ર વેપારીઓ અને મહેસૂલ વસૂલ કરનારાઓ જ પોતાની આર્થિક સ્‍થિતિ સુધારી શકતા.[2] તેની જગ્‍યાએ નવી કાનૂની પદ્ધતિ પ્રવર્તમાન બનતા એક રીતે ‘સામાજિક આધ્‍યાત્‍મિકતા’ પણ પેદા થઇ. તેમાં માનવતાવાદી મૂલ્‍યોને સ્‍થાન આપવામાં આવ્‍યું હતું. પરિણામે કાયદા ઘડતી વખતે બદલાતી જતી સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિને લક્ષ્‍યમાં રખાતી થઇ અને આ સંબંધોને જોવાની નૂતન દ્દષ્‍ટિ વહેતી થઇ. આથી સમાજમાં પ્રવર્તમાન અનિષ્‍ટ રિવાજો જેવા કે સતીપ્રથા, વિધવાવિવાહની મનાઇ, બાળલગ્‍નો, દૂધ પીતી કરવાનો રિવાજ, બહુપત્‍નીપ્રથા નાબૂદ કરવાની માંગણી ઉભી થઇ આથી સરકારે સન ૧૮૨૯માં સતીપ્રથાને નાબૂદ કરતો કાયદો, ૧૮૫૬માં વિધવા વિવાહને કાયદેસર ગણતો કાયદો વગેરે પસાર કર્યા.[3] આમ સામાજિક પરિવર્તન લાવવામાં ધર્મથી અલગ કાયદાઓનો ફાળો મહત્‍વનો હતો.

૩. સંદેશા, વાહનવ્યવહારના સાધનોનો વિકાસ :-

વિશેષ કરીને ૧૯મી સદીના મધ્‍યના અને છેલ્‍લા દાયકા દરમ્‍યાન વિકસેલા તાર-ટપાલ, રેલ્‍વે, રસ્‍તાઓ જેવા સંદેશા વાહનવ્‍યવહારના નવાં સાધનોને કારણે પ્રદેશો-પ્રદેશો વચ્‍ચેનું ભૌગોલિક અંતર ઘટતાં લોકોનાં સંપર્કમાં અને કાર્યક્ષેત્રમાં વધારો થવા પામ્‍યો. તેમજ આજીવિકા અને સ્‍થળાંતરની નવી તકો પણ ઉભી થઇ. રેલ્‍વેમાં તેમજ શહેરની હોટેલોમાં કે જાહેરમાં નાત-જાતના અડકવા-અભડાવાના કે ખાવા-પીવાના ભેદભાવ, નિયંત્રણો ન હતા. રેલ્‍વેમાર્ગ તેમજ હોટેલોમાં દરેકને સાથે બેસવાનો સમાન હક્ક હતો. શહેરમાં કુટુંબથી અલગ એકલા રહેતા માનવી માટે આ બધાની મદદ લેવી આવશ્‍યક હતી. તેથી આવા લોકોમાં હવે મર્યાદિત ભૌગોલિક વિસ્‍તાર બહાર પોતાની જ્ઞાતિ, જાતિ અને ધર્મના નિયમોમાં જરૂર છૂટ લેવાનું શરૂ થયું. આમ, સંદેશા- વ્‍યવહારના સાધનોએ અન્‍ય પરિબળો સાથે ભળીને ‘શહેરમાં વસવાટ કરતા એક નવા મધ્‍યમવર્ગનું’ સર્જન કર્યુ કે જેણે પરંપરાગત ગુજરાતી સમાજમાં પરિવર્તન આણવામાં મહત્‍વનું યોગદાન આપ્‍યું. રેલ્‍વે જેવા વાહનવ્‍યવહારના એકમોએ ગામડાંઓનું ’સ્‍વાવલંબીપણું’, તોડીને શહેર સાથે તેમનો નાતો બાંધ્‍યો, પરિણામે ‘શહેરીકરણ’ની પ્રક્રિયામાં વધારો થવા લાગ્‍યો.

૪. નવી અંગ્રેજી કેળવણી અને વિકાસ :-

સન્ ૧૮૨૦માં મુંબઇ સરકારે ‘Native School Book And Native School Society’ સ્‍થાપીને ગુજરાત ખાતે અંગ્રેજી કેળવણીના શ્રીગણેશ માંડયા, ગુજરાતમાં કેળવણીનો પ્રચાર કરનાર ’ગુજરાતી કેળવણીના પિતા’નું બિરૂદ મેળવનાર રણછોડભાઇ ગિરધરભાઇ ઝવેરી (દી.વ. કૃષ્‍ણલાલ ઝવેરીના પિતામહ) હતા. જેમને નર્મદે પાછળથી’ ગુજરાતની પ્રસિદ્ધિના પહેલા પુરુષ’ તરીકે વર્ણવ્‍યા હતા. તેમણે અંગ્રેજી કેળવણીના સૂર ઝીલી લઇને શરૂઆતના તબક્કે તેનો પ્રસાર થાય તે માટે પ્રયત્‍નો કર્યા. પાછળથી સન્ ૧૮૪૨માં સુરતમાં અને સન્ ૧૮૪૪માં અમદાવાદમાં અંગ્રેજી કેળવણીની સ્‍કૂલ શરૂ થઇ. જેમ કલકત્તા એ બ્રિટીશ પ્રેસિડેન્‍સીનું મુખ્‍ય કેન્‍દ્ર હતું અને પશ્ચિમમાં મુંબઇ, સુરત, અમદાવાદ મુખ્‍ય કેન્‍દ્રસ્‍ત્રોત હોવાથી બ્રિટીશ કેળવણીનો ફેલાવો ગુજરાતમાં પણ થવા લાગ્યો. પરિણામ સ્‍વરૂપ એક નવો શિક્ષિત મધ્‍યમવર્ગ ઉભો થયો જે બ્રિટીશ મૂલ્‍યથી પ્રભાવિત થઇ યુરોપના સમાજની તુલના પોતાના સમાજની સાથે કરવા લાગ્યો.

અંગ્રેજી કેળવણી વ્‍યકિતવાદ, વ્‍યકિત સ્‍વાતંત્ર્ય, સમાનતા અને વૈજ્ઞાનિક અભિગમને પોષક હતી. તેથી આ કેળવણી પામેલાં વર્ગમાં સામાજિક-સાંસ્‍કૃતિક સંબંધોને તપાસવાની નવી દષ્‍ટિ ઉભી થઇ અને તેમના માનસમાં આ ઉત્‍કંઠા પણ જાગૃત થઇ. પશ્ચિમનું જ્ઞાન જે નવા શિક્ષણ દ્વારા આવ્‍યું હતું તેણે ઉદાર અને વિશાળ દ્દષ્‍ટિકોણ ધરાવતા સમાજની શકયતાઓ ઉભી કરી. વળી આ નવા શિક્ષણની વિશિષ્‍ટતા એ હતી કે, પરંપરાગત ગુજરાતી સમાજની માફક અમુક સામાજિક વર્ગ પૂરતું મર્યાદિત ન હતું. એથી ઉલટું સમાજના બધા જ વર્ગ માટે ઉપલબ્‍ધ હતું. અંધશ્રદ્ધાનો અસ્‍વીકાર અને ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનના અભ્‍યાસ પર ભાર મૂકવામાં આવ્‍યો હતો, સાથે ઇતિહાસ ભૂગોળ, અર્થશાસ્‍ત્ર જેવા વિષયો પણ પ્રેરિત હતા જ. તે સંસ્‍થાકીય માળખાથી જુદું અને માત્ર તાર્કિકવાદને બદલે પ્રયોગવાદ પર પણ આધારીત હતું. મોટાભાગના ૧૯મી સદીના સુધારકો એક રીતે નવી કેળવણીનું જ સંતાન હતા. જેમણે સમાજ સુધારાના આ આંદોલનમાં તેમનું નોંધપાત્ર યોગદાન આપ્‍યું.

૫. નવા મધ્‍યમવર્ગનો ઉદય :-

ભારતમાં અને ગુજરાતમાં બ્રિટીશ શાસન જેમ જેમ ર્દઢ થતુ ગયું તેમ હિંદ તેમજ ગુજરાતની વહીવટી, કાનૂની, શૈક્ષણિક વગેરે બાબતોમાં પરિવર્તન આવ્‍યું. તેમજ વેપાર-ધંધા અને ઉદ્યોગોનો ઝડપી વિકાસ કરવા અને તેમાં સુગમતા આણવા વહીવટી તથા લશ્‍કરીતંત્રે રેલ્‍વે, રસ્‍તાઓ, તાર-ટપાલ, મુદ્રણ, નવી કેળવણી જેવા સાધનો - મૂલ્‍યોનો વિકાસ કર્યો. તેનાથી પરંપરાગત ગુજરાતી સમાજના અભેદ માળખામાં બદલાવ આવવાની શરૂઆત થઇ. સમાજમાં દાખલ થયેલા આ નવા પરિબળોથી ગુજરાતનો નવો શિક્ષિત વર્ગ પ્રભાવિત બન્‍યો અને આકર્ષાયો. આ નવા મૂલ્‍યોએ શિક્ષિત વર્ગમાં નવી વિચારસરણી પેદા કરી અને તેનો પ્રચાર કરવાનું વલણ ઉભું કર્યું. વળી આ સમય પણ ગુજરાતની પ્રજા માટે સંક્રાંતિકાળનો હતો. આ સંક્રાંતિકાળમાંથી પશ્ચિમ અને પૂર્વના મિલનમાંથી જે સામાજિક આધ્‍યાત્‍મિકતા ઉદ્દભવી હતી .તેને પરિણામે વ્‍યવસાયિક તરલતા પણ ઉભી થઇ અને એક નવી સામાજિક આબોહવા ઉદ્દભવી, જેમાંથી ‘‘નવા શહેરી મધ્‍યમ વર્ગ’’ નો ઉદ્દભવ થયો.

આ નવા શહેરી મધ્‍યમવર્ગમાં ડૉકટરો, વકીલો, શિક્ષકો, કારકુનો, વહીવટી અમલદારો અને નાના વેપારીઓનો સમાવેશ થતો હતો. તેના ઉદયમાં અંગ્રેજી કેળવણી અને ઉભી થયેલી કમાણીની નવી તકોએ સૌથી મહત્‍વનો ભાગ ભજવ્‍યો હતો. આ નવો મધ્‍યમવર્ગ પશ્ચિમના લોકશાહી, બૌદ્ધિકવાદ, ઉદારમતવાદ, માનવતાવાદ, ઉપયોગિતાવાદ અને વૈજ્ઞાનિક વિચારોના મૂલ્‍યોથી પ્રભાવિત હતો. બ્રિટીશ વહીવટથી શાંતિ અને સલામતી વાતાવરણ ઉભું થયું હતું. જેથી નવા શિક્ષિતો ગુજરાતમાં બ્રિટીશ અથવા પાશ્‍ચાત્‍ય દષ્‍ટિકોણથી સુધારો કરવા માંગતા હતાં. આ નવા મધ્‍યમ વર્ગમાં ગુજરાતની જુદી જુદી બધી જ જ્ઞાતિના તથા જાતિના લોકોનો સમાવેશ થતો હતો.

૬. નવા સુધારાઓની શરૂઆત :-

૧૯મી સદીના મોટાભાગના સુધારકોએ અંગ્રેજી શિક્ષણ ‘એલ્‍ફિન્‍સ્‍ટન ઇન્‍સ્‍ટીટયુટ’ માં મેળવ્‍યું હતું. સુધારક વિચારો જન્‍માવવા અને વિકાસ સાધવામાં આ સંસ્‍થા અને તેના વાતાવરણે અગ્ર ભૂમિકા ભજવી હતી. આના પરિપાકરૂપે ઉભી થયેલી પેઢીએ સમાજસુધારણા માટે સંસ્‍થાઓ, ચોપાનિયા, સામયિકો અને મંડળોને સમાજપરિવર્તનના વાહકો બનાવ્‍યા તેમજ સાહિત્‍ય, મુદ્રણાલયને જનજાગૃતિ માટેનું માધ્‍યમ બનાવ્‍યું. રાષ્‍ટ્રીયસ્‍તરે રાજારામ મોહનરાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સુધારકોએ સમાજ પરિવર્તનની ઉત્‍કંઠા અને સુધારાની આહ્લાદક જયોત જગાવી. તેને ગુજરાતમાં રોશન કરવાનું મહાન કાર્ય નર્મદયુગના સુધારકોએ કર્યું. ગુજરાતમાં સુરત અને અમદાવાદ સાંસ્‍કૃતિક-સામાજિક સુધારણાના મુખ્‍ય કેન્‍દ્રો બન્‍યા હતા. જેના પર મુંબઇની સીધી અસર હતી.

આધુનિક શિક્ષણની અસર નીચે બુદ્ધિજીવીઓનો નાનો વર્ગ ઉભો થયો. જેઓએ અંગ્રેજી ભાષાનો માત્ર અભ્‍યાસ જ ન કર્યો. પરંતુ તે દ્વારા પાશ્ચાત્‍ય સંસ્‍કૃતિના મૂલ્‍યો પણ પચાવ્‍યા. આ બુદ્ધિજીવીઓ સાહિત્‍યનાં પુનરુત્‍થાનના સામાજિક અને ધાર્મિક સુધારાઓના અંગ્રેસરો બની રહ્યા, નવા છાપખાના અને પત્રકારત્‍વના સ્‍થાપકો તેમજ નવી આર્થિક-રાજકીય ચળવળના નેતા પણ બન્‍યા.[4] નવો બુદ્ધિજીવી વર્ગ નવી આર્થિક અને રાજકીય માંગણીઓ કરવામાં અગ્રેસર હતો. જો કે આમાંના ઘણા બુદ્ધિજીવીઓ જૂની હસ્‍તકલા અને દેશી હુન્‍નર ઉદ્યોગોની પડતી જોઇ ખિન્‍ન થયા હતા. તો પણ તેઓ ઔદ્યોગીકરણના પ્રબળ પુરસ્‍કર્તા બની રહ્યા.[5] આ નવો વર્ગ જાહેર સભાઓ, ચર્ચાઓ તેમજ મંડળો દ્વારા પોતાના વિચારો પ્રગટ કરવા ઉપરાંત લેખનના માધ્‍યમોનો પણ ઉપયોગ કરવા લાગ્યો અને પત્રકારત્‍વના સાહિત્‍યનો જયોતિર્ધર બન્‍યો. આ સુધારક વર્ગ ગુજરાતમાં પ્રવર્તતા સામાજિક તેમજ ધાર્મિક કુરિવાજો, કુરૂઢિઓ, વ્‍હેમો, ઢોંગ, ધતિંગો, ચમત્‍કારો અને અંધશ્રદ્ધાઓ વગેરે વિશે સભાન હતો.

૭. સુધારકોને બ્રિટીશ હકૂમતનો ટેકો :-

ઇ.સ. ૧૮૫૦ની આસપાસ જયારે ગુજરાતમાં સુધારકોનો નવો વર્ગ પશ્ચિમી ઢબે સુધારો કરી સમાજની પ્રવર્તમાન બદીઓ અને દુષણો નાબૂદ કરવા તૈયાર થયો ત્‍યારે સરકારી અધિકારીઓ તરફથી કે સરકાર તરફથી તેમને પ્રત્‍યક્ષ - પરોક્ષ પ્રોત્‍સાહન મળ્યું હતું. વળી પૈસાદાર વર્ગે પણ આ સુધારકોને આર્થિક મદદ પૂરી પાડી હતી. જુદા જુદા અનિષ્‍ટોને અટકાવવા માટે આગળ ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો તેમ સરકાર તરફથી પણ કાયદા કરવામાં આવ્‍યા. જેમ કે સન્ ૧૮૨૯માં સતી પ્રથા પર પ્રતિબંધ મુકતો,[6] સન ૧૮૪૩માં ગુલામીપ્રથા પર પ્રતિબંધ મુકતો.[7] તેમજ સન ૧૮૫૬માં વિધવા વિવાહને કાયદેસરતા બક્ષતો કાયદો અમલમાં આવ્યો હતો.[8] પરિણામે સુધારકોને પણ એક જાતનું જોમ મળ્યું હતું. આમ અંગ્રેજી કેળવણી પામેલો નવો સુધારક વર્ગ પોતાના કામમાં વધુ હિંમતથી, જોરથી પદાર્પણ કરી શકયો. તેઓએ મંડળો, સભાઓ, સામાયિકો, ચોપાનીયા જેવા વિવિધ પ્રકારના માધ્‍યમોને પોતાના વાહકો બનાવ્‍યા. તેમાં પણ પરોક્ષ પ્રોત્‍સાહન સરકારનું રહેવા પામ્‍યું હતું.

બ્રિટીશ શાસનના વહીવટી અને રાજકીય કાયદા તેમજ ન્‍યાયપદ્ધતિએ સુધારકોને રૂઢિચુસ્‍ત સમાજ અને જ્ઞાતિ સામે લડવાની ગર્ભિત હિંમત આપી હતી. મંડળો સ્‍થાપવામાં પણ તેમને પ્રોત્‍સાહન મળ્યું હતું. પરિણામે નાની મોટી મંડળીઓ- મંડળોની સ્‍થાપના કરવામાં આવી, જેણે સુધારાના આ આંદોલોનમાં પોતાનું અનન્‍ય યોગદાન આપ્‍યું. તેમાં સુરતમાં સન્ ૧૮૪૨માં ‘પુસ્‍તક પ્રસારક મંડળી’[9], ૧૮૪૪માં ‘માનવ ધર્મ સભા’[10], મુંબઇમાં સન્ ૧૮૪૫માં ‘પરહેજગાર સભા’[11], ૧૮૪૫માં The Students Literary and Scientific Society’[12], એલ્‍ફિસ્‍ટન્‍ટ ઇન્‍સ્‍ટીટયુટના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલું. ૧૮૪૮માં ‘જ્ઞાન પ્રકાશ મંડળ’[13], ૧૮૫૧માં શરૂ થયેલ ‘હિંદ બુદ્ધિવર્ધક સભા’[14], તેમજ ૧૮૬૦માં ‘તત્‍વશોધક સભા’[15], તેમજ અમદાવાદમાં સન્ ૧૮૪૬માં ‘પુસ્‍તક પ્રસારક મંડળી’[16], ૧૮૪૮માં ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી’[17], ૧૮૫૮માં ‘ધર્મસભા’[18], અને ખેડામાં સન્ ૧૮૫૯માં ‘જાતિબોધક સભા’[19], જેવા સુધારક મંડળોની સ્‍થાપના કરવામાં આવી હતી. મંડળોની સાથે સાથે જનસમાજ સાથે સંબંધ બાંધતા ચોપાનિયા-સામયિકો પણ બહાર પડયા હતા. જેમાં મુખ્‍યત્‍વે અમદાવાદમાં સન્ ૧૮૪૯માં ‘વર્તમાન’ (બુધવારીયું)[20], તેમજ ૧૮૫૪માં બુદ્ધિપ્રકાશ,’[21], મુંબઇમાંથી સન્ ૧૮૫૧માં ‘રાસ્‍તગોફતાર’[22], તેમજ ૧૮૫૫માં ‘સત્‍યપ્રકાશ’ અને ૧૮૫૬માં ‘બુદ્ધિવર્ધક’[23], તેમજ ૧૮૫૭માં ‘સ્‍ત્રીબોધ’ અને સુરતમાંથી સન્ ૧૮૬૪માં શરૂ થયેલ ‘ડાંડિયો’ પ્રમુખ હતા.

આમ ચોપાનિયા, સામયિકો મંડળોમાં-સભામાં નિબંધો, લેખો, કાવ્‍યો વગેરે દ્વારા દુર્ગારામ દવે ભુવા-જાતિ, જંતર મંતર, જાદુ-જયોતિષને પડકારી શકયાં તેમજ વિધવા લગ્‍ન માટે એક લોકમત ઉભો કરી શકયા. દલપતરામે નવા ઔદ્યોગિક વિકાસને અને નવી કેળવણીને બિરદાવી અને પોતાના સાહિત્‍ય દ્વારા જરીપુરાણા સામાજિક રીતરિવાજો સામે ઝુંબેશ ઉપાડી, સુધારાના આ નવા જુસ્‍સાને નર્મદે કસુંબી રંગના વાઘા સજાવ્‍યા અને સુધારા માટે ઉગ્ર ઝુંબેશ ચલાવી, કરસનદાસ મૂળજીએ વૈષ્‍ણવોના સૌથી વડા આચાર્ય જદુનાથ સામે ખટલો ચલાવ્‍યો, તેમજ પહેલું વિધવાલગ્‍ન ગોઠવ્‍યું. મહીપતરામ વિલાયતગમન કરી આવ્‍યા. સાથે સાથે બદરૂદ્દીન તૈયબજી, દાદાભાઇ નવરોજી, અંબાલાલ સાકરલાલ, ભોળાનાથ સારાભાઇ, રમણભાઇ નીલકંઠ અને બીજા સામાજિક-ધાર્મિક સુધારાના પ્રવર્તકો બન્‍યા.[24]

આ સુધારકો પશ્ચિમી વિચારધારા હેઠળ વ્‍યકિતને સમાજનું કેન્‍દ્ર તરીકે જોતા હતા. વ્‍યકિતના અધિકારો ઉપર ભાર મુકીને માનવીય મૂલ્‍યોનું પ્રમાણ સ્‍વીકારતા હતા અને તેમની આ વિચારસરણીને બ્રિટીશ હકૂમતે પુષ્‍ટિ આપી હતી.

પાદનોંધ:

  1. Sing Yogendra, Modernization of Indian Tradition, Reprint, Thomas Press Ltd., Faridabad, 1977, P.191.
  2. દેસાઇ નીરા એ., ગુજરાતમાં ઓગણીસમી સદીમાં સામાજિક પરિવર્તન, યુનિ.ગ્રંથ નિર્માણ બોર્ડ, પ્રથમ આવૃત્તિ, અમદાવાદ, ૧૯૮૩, પૃ. ૬૫.
  3. Raval, R.L., Socio Religous Reform Movement in Gujarat During the 19th cen., Ess. Ess.Pub. New Delhi, 1987, pp.31-38.
  4. દેસાઇ નીરા, ઉપર્યુકત, પૃ.૨૩૫.
  5. પંડયા નવલરામ, નવલ ગ્રંથાવલી, ભાગ-ર અમદાવાદ, ૧૮૯૧, પૃ. ૫૬-૫૭.
  6. પારેખ મધુસૂદન સંપાદિત, અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન, ગુજરાતી વિધાસભા, અમદાવાદ, ૧૮૭૬, પૃ. ૬૪૮.
  7. મહેતા મકરંદ અને યાજ્ઞિક અચ્‍યુત, કરસનદાસ મૂળજી જીવન નોંધ, કરસનદાસ સાર્ધ શતાબ્‍દી પ્રકાશન-૧, અમદાવાદ, ૧૯૮૩, પૃ. ૩૯.
  8. એજન, પૃ. ૩૮.
  9. મહેતા મકરંદ અને યાજ્ઞિક અચ્‍યુત, ઉપર્યુકત, પૃ. ૩૮.
  10. એજન, પૃ. ૩૮.
  11. Raval, R.L.,Socio-Religious Reform Movement in Gujarat During the 19th Century opcit, p.116.
  12. મહેતા મકરંદ અને યાજ્ઞિક અચ્‍યુત, ઉપર્યુકત, પૃ. ૩૮.
  13. એજન, પૃ. ૩૮.
  14. એજન.
  15. એજન, પૃ. ૩૯.
  16. Raval, R.L.,Socio-Religious Reform Movement in Gujarat During the 19th Century opcit, p.116.
  17. મહેતા મકરંદ અને યાજ્ઞિક અચ્‍યુત, ઉપર્યુકત પૃ. ૩૮.
  18. એજન, પૃ. ૩૮.
  19. કૃષ્‍ણરાવ ભોળાનાથ, ભોળાભાઇ સારાભાઇનું જીવન ચરિત્ર, મુંબઇ, ૧૮૮૮, પૃ.૮ થી ૧૧.
  20. મહેતા મકરંદ અને યાજ્ઞિક અચ્‍યુત, ઉપર્યુકત પૃ. ૩૮.
  21. પારેખ મધુસૂદન, સંપાદિત, ઉપર્યુકત પૃ. ૬૪૯.
  22. મહેતા મકરંદ અને યાજ્ઞિક અચ્‍યુત, ઉપર્યુકત પૃ. ૩૮.
  23. એજન, પૃ. ૩૯.
  24. એજન, વધારે વિગત માટે જુઓ, દેરાસરી ડાહ્યાભાઇ પીતાંબરદાસ, સાઠીના સાહિત્‍યનું દિગ્‍દર્શન પુનઃમુદ્રિત આવૃત્તિ, અમદાવાદ-૧૯૬૯.

*************************************************** 

પ્રા. અશોકભાઇ ડી. ચૌધરી,
(ઇતિહાસ વિભાગ)
C/O શ્રી યુ.એચ.ચૌધરી આર્ટસ્ કૉલેજ,
વડગામ. (મો. ૯૯૨૫૪૯૧૧૦૫)

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us