logo

ગ્લોબલ વોર્મિંગ - પર્યાવરણીય અસર
( વૈશ્વિક ચર્ચા અને ઉપાયો – ૨૦૧૧-૧૨ )

પ્રસ્તાવના :-

સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગનાં કારણે ચિંતાતુર છે. દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીનાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે પર્યાવરણ તેની સંતુલન ગુમાવી રહ્યું છે. અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો તથા ઋતુમાં અનિયમિત પરિવર્તન થવું વગેરે ઘટનાઓ સામાન્ય થઈ છે. ત્યારે આ બધા માઠા પરિણામોમાંથી એક માત્ર વૃક્ષો(જંગલો) જ બચાવી શકે તેમ છે. તો બીજી બાજુ વૃક્ષોનું આડેધડ છેદન કરીને ઔધોગિકરણ અને શહેરીકરણનો વિકાસ કરવાની પ્રવૃતિ પણ ફુલી-ફાલી છે.

હાલમાં વિશ્વનો જે દરે ઝડપી આર્થિક વિકાસ થઇ રહ્યો છે તે આત્મઘાતક છે. તે નિર્વિવાદ બાબત છે. આ વિકાસથી માનવજાત જ ખતમ થઈ જાય તો તે વિકાસ શા કામનો અને શા માટે ? આ વિકાસથી જંગી પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. જે વૈશ્વિક તાપમાન અને તેના વિનાશકારી અનિષ્ટોનું મૂળ છે. ભારત પણ વિશ્વના પ્રથમ પ્રદુષણ ફેલાવતા ૧૦ દેશોમાં ચોથું સ્થાન ધરાવે છે. જે નીચે મુજબ જોઇ શકાય છે.

કાર્બન ડાયોક્સાઇડનું વાર્ષિક ઉત્સર્જન કરતા દેશો

દેશ કરોડ ટન દેશ કરોડ ટન
ચીન ૬૦૧.૮ જર્મની ૦૮૫.૮
અમેરિકા ૫૯૦.૩ કેનેડા ૦૬૧.૪
રશિયા ૧૭૦.૪ બ્રિટન ૦૫૮.૬
ભારત ૧૨૯.૩ દક્ષિણ કોરિયા ૦૫૧.૪
જાપાન ૧૨૪.૭ ઇરાન ૦૪૭.૧

વિશ્વમાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું વાર્ષિક ઉત્સર્જન ચીન દેશ કરે છે. જે ૬૦૧.૮ કરોડ ટન છે.

આથી આપણે હાલની વિકાસ પધ્ધતિ અને તેના અગ્રતાક્રમો તથા વ્યૂહરચનામાં આમૂલ પરિવર્તન કરવાની તાતી જરૂર છે. માનવીનાં અને સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે. વિશ્વના દેશોએ આ પ્રકારની પર્યાવરણ સંરક્ષિત “ ઇકોફ્રેન્ડલી ” વિકાસ અપનાવવાની તાતી જરૂર છે. આ પ્રકારનાં વિકાસથી પર્યાવરણ અને જૈવિક સૃષ્ટિનું સંરક્ષણ અને સંવર્ધન થાય, તેને આપણે પર્યાવરણ સંરક્ષિત વિકાસ કહિએ છીએ. જેમાં કુદરતી સંસાધનો પર્યાવરણનું પોષણ કહિએ છીએ. શોષણ કરતા નથી.

બીજા વિશ્વ યુધ્ધ બાદ વિશ્વશાંતિનાં હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામા આવેલી. વિશ્વશાંતિની સાથે-સાથે તેઓએ અન્ય કેટલાક પ્રયાસો વિશ્વકલ્યાર્થે કરેલ છે. તેમા વૈશ્વિક પર્યાવરણીય સંરક્ષણનો સમાવેશ થાય છે. જો કે અન્ય કેટલાક સંગઠનો કે દેશો દ્વારા પર્યાવરણનાં રક્ષણ માટેની વૈશ્વિક જાગૃતિ અંગે પ્રયાસો થયા છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વૈશ્વિક સ્તરે આ પ્રકારનાં નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૦૭ નું શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ યુનોની પેટા સંસ્થા “ ઈન્ટર ગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ ” ( IPCC ) ને સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું. આ સંસ્થાના વડા રાજેન્દ્ર પચોરી ભારતનાં છે. તેમનાં ઉત્કૃષ્ટ પ્રયાસોને કારણે જ તેમને આ મહાન પ્રાઈઝની પ્રાપ્તિ થઇ છે.

વૈશ્વક સ્તરે પર્યાવરણની સુરક્ષા માટે થયેલા પ્રયાસો અને અહેવાલોને સંક્ષિપ્તમાં નીચે મુજબ રજુ કરી શકાય.

  1. ૧૯૭૨ ની યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સઓને એન્વાયર્નમેન્ટને પરિણામે “ સંયુક્તરાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ ” ની રચના થઈ.
  2. આર્થિક વૃધ્ધિની મર્યાદાનો ૧૯૭૨ માં “ કલબ ઓફ રોમ ” દ્વારા અહેવાલ રજુ થયો હતો.
  3. ૧૯૮૦ માં ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર( EUFCN ) દ્વારા “ વર્લ્ડ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી ” નું પ્રકાશન થયું.
  4. ૧૯૮૭ માં વર્લ્ડ કમિશન ઓન એન્વાયર્નમેન્ટ એન્ડ ડેવલેપમેન્ટ દ્વારા “ બ્રુન્ડલેન્ડ ” રિપોર્ટ માટે જાણિતો અહેવાલ “ આપણું સહિયારું ભાવિ ” પ્રગટ કરવામાં આવ્યો. અને તેના દ્વારા નિભાવપાત્ર વિકાસનો ખ્યાલ અસ્તિત્વમાં આવો.
  5. ૧૯૯૨ માં બ્રાઝિલનાં પાટનગર રીઓ-ડી-જાનેરો ખાતે “ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયર્નમેન્ટ એન્ડ ડેવલેપમેન્ટ દ્વારા પૃથ્વી પરિષદ ” નું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે કરવામાં આવ્યું હતું. આજ પ્રકારની પરિષદ ફરીથી ૨૦૦૨ માં દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ ખાતે મળી હતી.
  6. ૧૯૯૭ માં જાપાનમાં કયોટો શહેરમાં પર્યાવરણીય સંમેલન યોજાયું હતું. તેમાં દુનિયાનાં ૧૭૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં ૨૦૦૭ થી ૨૦૧૨ વચ્ચે વિશ્વમાં ગ્રીન હાઉસ ગેસોના ઉત્પાદનમાં ઘટાડવા માટેની રૂપરેખા નક્કિ કરવામાં આવી હતી. જેમાં યુરોપિયન સમુદાયનાં ૩૭ સમૃધ્ધ દેશોએ તેમનું ગ્રીનહાઉસ ગેસોનું નિષ્કાસન ચોક્કસ લેવલ સુધી ઘટાડવાનં્ લક્ષાંક નક્કિ કર્યું હતું.
    • બીજા ૧૩૫ દેશોએ ક્યોટો કરારમાં સહિ કરી હતી. પરંતુ પોતાની કોઇ જવાબદારી સ્વકારવાનો ઇન્કાર કર્યો હતો.
    • કયોટો પ્રોટોકોલ આંતરરાષ્ટ્રિય કાયદો હતો. જો કે ચીન અને ભારતે પોતે વિકાસશીલ દેશ હોવાને નાતે કયોટો પ્રોટોકોલાની કોઇ પણ જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
  7. ૨૦૦૭ નાં ૩ થી ૧૬ ડિસેમ્બર દરમિયાન વિશ્વ પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગથી થનાર નુકશાનને પહોંચી વળવા સંયુક્ત રાષ્ટ્રોની અધ્યક્ષતામાં ઈન્ડોનેશિયાનાં બાલી ટાપુ પર “ ક્લાઇમેન્ટ મેન્જ ” સંમેલન યોજવામાં આવ્યું હતું.
  8. ૭ ડિસેમ્બર ૨૦૦૭ નાં રોજ સમગ્ર વિશ્વને માનવસર્જિત આપતીમાંથી મુક્ત કરવા માટે ડેન્માર્કના કોપન હેગન શહેરમાં ૧૯૨ દેશોની બેઠકનો પ્રારંભ થયો હતો. જેનો હેતુ માનવ સર્જિત પ્રદુષણને કારણે પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા વધારાથી ગ્લોબલ વોર્મિંગ માનવજાત માટે સંકટ પેદા થયું છે. એ મુસીબતનો સહિયારો સામનો કરવાનો કોપનહેગનની “ ક્લાયમેન્ટ કોન્ફરન્સ ” નો મૂળ હેતુ હતો. પરંતુ તે બેઠક નિષ્ફળ નિવડી હતી.
ઉપાયો :-

૧. વૈશ્વિક સ્તરે કરવામાં આવેલા પ્રયત્નો :-
બાલીમાં એક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો તેમાં ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે એક સંધિ કરાઈ. આ સંધિની રૂપરેખા નક્કિ કરવા માટે ૨૦૦૭ થી ૨૦૦૯ માં કોપનહેગનમાં શિખર સંમેલન યોજાયું. અને કોપન હેગનમાં જે સંધિ થઇ તેને આ ૨૦૧૨માં સમાપ્ત થનાર કયોટો પ્રોટોકોલ સંધિનું સ્થાન લીધું. અને આ સંધિ ૨૦૧૨ થી ૨૦૨૦ સુધી લાગુ કરાશે. અને બધા દેશો ૨૫ થી ૪૦ ટકા ગ્રીન હાઉસ ગૅસનાં ઉત્સર્જનમાં ઘટાડો કરશે.

વિકસિત અને વિકસતા દેશોને ગ્રીનહાઉસ ગૅસનાં ઉત્સર્જનમાં ઘટાડો કરવાવાળી ટેકનોલોજી અપનાવશે. ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઘટાડો કરવા વૈશ્વિક કક્ષાએ એક નાણાકીય ભંડોળ પણ ઉભુ કરવામાં આવશે. આમ, વૈશ્વિક કક્ષાએ પર્યાવરણ સંરક્ષણ માટે ૧૯૯૨ થી માંડીને ૨૦૧૨ સુધી કેટલાક વૈશ્વિક કક્ષાએ અહેવાલો અને સંમેલનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. તેનાથી વિશ્વ પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ વધી છે. અને મોટાભાગનાં દેશોને પોતાની જવાબદારીનું ભાન થયું છે. ઉપરાંત તાપમાનમાં થઇ રહેલો વધારાને રોકવા માટે મોટાભાગનાં રાષ્ટ્રો કટિબધ્ધ બન્યા છે. જો કે એ બાબત નિર્વિવાદ છે કે વિશ્વકક્ષાના સહિયારા પ્રયાસો વિના પર્યાવરણની જાળવણી થઇ શકશે નહિ. તેથી ભવિષ્યમાં પણ હજુ આવા પ્રયાસોની જરૂર વિશ્વને પડશે.

૨. ભારતમાં કરવામાં આવેલા પ્રયત્નો :-
વિશ્વનાં નિષ્ણાતો અને નેતાઓ ગ્લોબલ વોર્મિંગને અટકાવવા કયા દેશોએ કેવા પગલા ભરવા અને કોણે કેટલો દંડ ભરવો. તે નક્કિ કરવાનાં ફિફા ખાંડી રહ્યા છે. ત્યારે ભારતમાં ફેશન જગતે ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે શરૂઆત કરી દીધી છે. આરંભ ભલે ચમચી વડે દરિયો ઉકેલવા જેવો હોય, પણ મહત્વનું એ છે કે આરંભ કરી દેવોમાં આવ્યો છે. દા.ત. ભારતમાં એક મહત્વની કંપનીએ લેપટોપ બેગ્ઝનું ઉત્પાદન કાર્બન ન્યુટ્રલ બનાવવાનાં પગલાનો આરંભ કરી દીધો છે. ટી-બેગ્ઝ અને ફેશનેબલ વસ્ત્રોનું ઉત્પાદન પણ કાર્બન ન્યુટ્રલ બનાવવાની શરૂઆત કરી દેવાઈ છે.

પર્યાવરણ સંરક્ષત “ ઈકોફ્રેન્કલી ” વિકાસનો આધાર ઉધોગ અને ખેતી સંલગ્ન ક્ષેત્રે હોવો જોઇએ. તેથી શહેર અને ગામોને આપોઆપ મહત્વ મળશે. પર્યાવરણ રક્ષિત “ ઈકોફ્રેન્ડલી ” વિકાસના ઘટક તત્વો તરીકે આપણે જળસંચય અને સેન્દ્રિય ખેતીના વિકાસની વાત કરી છે. આ ઉપરાંત ખેત પેદાશ પર પ્રક્રિયા કરીને ખેતઉધોગો, ગ્રામોધોગ, ખાધ પ્રક્રિયાત્મક ઉધોગોના વિકાસની વાત કરી છે. ગામડાઓમાં જ ખેતપેદાશો આધારીત ઉધોગોનો વિકાસ કરવો જોઇએ. આ ઉપરાંત ગામડાઓમાં કલાકારીગરી આધારીત અને સ્થાનિક કાચોમાલ અને કૌશલ્ય આધારિત ઉધોગો વિકસાવવા જોઇએ.

એ જ રીતે ભારતમાં પર્યાવરણ રક્ષિત “ ઈકોફ્રેન્ડલી ” ઉત્પાદન વ્યવસ્થા વિકસાવવી જોઈએ. પ્રદુષિત ઉધોગો પર તાત્કાલિક પ્રતિબંધ મુકવો જોઇએ. પર્યાવરણ મિત્ર ઉધોગો ઓળખીને આ ઉધોગોમાં બળતણ અને ઉત્પાદન પધ્ધતિ પણ પર્યાવરણ મિત્ર હોવી જોઇએ.

આ ઉપરાંત થર્મલ ઉર્જાનું ઉત્પાદન ઘટાડીને પવન, દરિયાના મોજા, સુર્યપ્રકાશ, ગોબર ગેસ, બાયોગેસ, ટેકનોલોજીનાં આધારે વીજળી ઉત્પન્ન કરવી જોઇએ. વાહનોમાં પણ પેટ્રોલનો વપરાશ ઘટાડીને તેને બદલે સોલર એનર્જી કે ગેસનો વપરાશ કરવો જોઇએ. આ જ રીતે ખેતી અને ઉધોગોને ઈકોફ્રેન્ડલી બનાવી શકાય. અને પ્રદુષણમાં ઘટાડો કરી શકાય છે.

આ ઉપરાંત આપણી વપરાશ, જીવનશૈલી, જીવનધોરણ અને જીવનપધ્ધતિને પણ પર્યાવરણ સંરક્ષિત બનાવવી જોઇએ.આ માટે આપણે ભારતીય પર્યાવરણીય સંસ્કૃતિ અને જીવન પધ્ધતિને પુન:સ્થાપિત કરવી જોઇએ. જીવનને પર્યાવરણ સંરક્ષિત બનાવવા માટે ગાંધીજીના “ સાદુ જીવન અને ઉચ્ચ વિચારો ” ને આત્મસાત કરવું જ જોઇએ. જેથી પરયાવણને થતું નુકશાન ઓછું કરી શકાય છે.

સંદર્ભ સૂચિ :

  1. જોષી મહેશ પી. (2007) “કૃષિ અર્થશાસ્ત્ર” ક્રિએટીવ પ્રકાશન એમ.જી.રોડ વેરાવળ
  2. India’s Trade Policy Review by the WTO “ Retrieved – 13-03-2009
  3. Kelegama, Saman and Parikh, Kirit. Political Economy of Growth and Reforms in South Asia.2000
  4. www. Wikipedia.com

*************************************************** 

પ્રા. લાલજીભાઇ.પી.પરમાર
અર્થશાસ્ત્ર વિભાગ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કડોલી
તા, તા. હિંમતનગર, જિ.સાબરકાંઠા
laljiparmar35@gmail.com.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us